સિદ્ધપુરમાં સગાઈની વિધી
ગોળ ખાવો અને ખાવાનું કહેવું
ખાસ ખરચો નહીં પણ વિધીઓ પાકી
યજ્ઞોપવીતનો આખોય પ્રસંગ વિગતવાર વર્ણવ્યો. એ જમાનામાં ત્રણ દિવસ કે વધુ રોકાતી જાન અને એમાં મહાલવાની મજા વિષે પણ જેટલું યાદ હતું તેટલું કાગળ પર ઉતાર્યું. સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો માટે કેન્દ્રબિંદુ છે. મૂળરાજ સોલંકી દ્વારા આમંત્રિત ૧૦૩૯ ભૂદેવોએ સિદ્ધપુરમાં આવી અગ્નિહોત્ર અને યજ્ઞ-યજ્ઞાદિની ધુમ્રસેરોથી સિદ્ધપુરના વાતાવરણને દિવ્ય બનાવ્યું. મૂળરાજ સોલંકીને આ ધુમ્રસેરોને જોઈને ખાતરી થઈ કે ઉત્તરમાંથી આમંત્રિત કરેલા ભૂદેવો આવી પહોંચ્યા છે. આ વિદ્વાન ભૂદેવો ઉત્તરમાંથી આવ્યા એટલે ઉદિચ્ય અથવા ઔદિચ્ય તરીકે ઓળખાયા અને ૧૦૩૯ એટલે કે હજાર પૂર્ણાંકની નજદીકની સંખ્યામાં આવ્યા એટલે સહસ્ત્ર કહેવાયા. રુદ્રમહાલયની ખાતમુહૂર્ત વિધીથી માંડીને આ શિવમહાલયમાં પ્રાણ પ્રતિષ્ઠા સુધીના પ્રસંગોને આ વિદ્વાન બ્રાહ્મણોની હાજરીએ દીપાવ્યા. કાળક્રમે સિદ્ધપુરથી માત્ર ગુજરાતમાં જ નહીં પણ અલગ અલગ જગ્યાએ જઈને આ ભૂદેવોને વંશજોએ વાસ કર્યો અને આજે તો અખિલ ભારતીય ઔદિચ્ય મહાસભા જેના પ્રમુખ પદે જાગીરદાર શિવનારાયણ (શર્મા) પટેલ બિરાજે છે તે અખિલ ભારતીય સંસ્થા પણ અસ્તિત્વમાં આવી છે. એક ખૂબ મોટી સંખ્યા મધ્ય પ્રદેશમાં રહે છે, રાજસ્થાનમાં પણ રહે છે. સિદ્ધપુર માટે એ બધાનો આદરભાવ અને પ્રેમ બેનમૂન છે. હમણાં જ સિદ્ધપુરમાં સમૂહ યજ્ઞોપવીતનો પ્રસંગ તા. ૯.૫.૨૦૧૯ના રોજ સંપન્ન થયો તેમાં દેવાસના મહાપૌર (મેયર) સુભાષજી અને એમનો પરિવાર તો હતા જ પણ એમને છેક સિદ્ધપુર આવીને બે બટુકો અક્ષત વિશાલભાઈ શર્મા અને દક્ષ વિશાલભાઈ શર્માને યજ્ઞોપવીત ધારણ કરાવ્યા. સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ શ્રી અવિનાશભાઈ ઠાકર, ઉપપ્રમુખ શ્રી દેવીપ્રસાદભાઈ ઠાકર અને સહમંત્રી શ્રી રશ્મિનભાઈ પાધ્યા, ધ્રુવ દવે, ઈન્દોર, મધ્યપ્રદેશ ખાતેના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ સાથે સતત અને જીવંત સંપર્ક જાળવી રાખે છે તેનું આ પરિણામ. ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ ક્યાંય પણ વસતો હોય તો સિદ્ધપુર એના માટે એના બાપદાદાનું શહેર, એનું બાપીકું વતન છે. ઉત્તરમાં જુદી જુદી જગ્યાએથી આવ્યા હશે એ ઓળખ કદાચ ભુલાઈ જાય તો પણ ચાલે પણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોનું સિદ્ધપુર સાથેનું બંધન ક્યારેય ન ભૂલાવું જોઈએ. સિદ્ધપુર સાથેનો એમનો એ સંબંધ એમના પ્રતાપી પૂર્વજો જેમની વિશિષ્ટ વિદ્વતાને કારણે મૂળરાજ સોલંકીએ તેમને સિદ્ધપુર આમંત્ર્યા હતા તે ઓળખ દુનિયામાં ભલે ગમે તેટલું મોટું સન્માન મળે તેના કરતાં પણ મોટી એટલા માટે છે કે એમના પૂર્વજોની વિદ્વતાને સન્માનીને મૂળરાજ સોલંકીએ રુદ્રમહાલયની સ્થાપના વખતે સિદ્ધપુર ખાતે માનપૂર્વક નિમંત્ર્યા હતા. અન્ય કિસ્સાઓમાં થાય છે તેમ આ કોઈ સ્થળાંતરીત ટોળી નહીં પણ એક વિશિષ્ટ સન્માનને પાત્ર વિદ્વાન તરીકે સિદ્ધપુર આવીને તેમની વિદ્વતા અને બ્રહ્મતેજના પ્રતાપે મૂળરાજ સોલંકીનું સન્માન પામી હતી. આ ગૌરવવંત ઇતિહાસ સાથે જોડાયેલુ શહેર એટલે સિદ્ધપુર અને સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ. ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ દુનિયામાં ક્યાંય પણ વસતો હોય તો સિદ્ધપુર એનું કેન્દ્રબિંદુ કે હેડ ક્વાર્ટર્સ છે એ ભાવના તેને ધન્યતાનો અનુભવ તેમજ તેના પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરાવવા માટે પૂરતાં છે.
કાળક્રમે આ સિદ્ધપુરના ભૂદેવોએ જન્મથી માંડીને મરણ સુધીના પ્રસંગો માટે પોતાના વિશિષ્ટ વહેવારો અને પદ્ધતિઓ ઊભી કરી છે. આમાંના એક વહેવાર વિષે આજે વાત કરવી છે. અત્યારે તો છોકરા-છોકરીની સગાઈ થાય એટલે સારી એવી ખર્ચાળ રીંગ સેરેમની અને એના પહેલા ફોટોશૂટ સિદ્ધપુરમાં પણ થવા માંડ્યા છે. પણ એક જમાનામાં સિદ્ધપુરમાં સગાઈની વિશિષ્ટ પદ્ધતિ અનુસરાતી. દીકરીની સગાઈ કરવાની હોય તો મોટે ભાગે પહેલા રાઉન્ડમાં વડીલો દ્વારા વાત પહોંચાડાય. લાગે કે વાત આગળ વધે તેમ છે તો પછી બંને પક્ષના વડીલો કોઈ એક ઘરે ભેગા થાય અને વાત પાકી થાય તો પછી ગોળ ખાઈને મોં મીઠું કરાય. આ વિધીને ‘ગોળ ખાવાની વિધી’ કહેવાય. અત્યાર સુધી આ વાત બંને પક્ષના મર્યાદિત વડીલો વચ્ચે જ રહી, સમાજમાં જાહેર થવાની હજુ બાકી.
છોકરો છોકરી જોવા જાય એવી કોઈ પ્રથા તો અસ્તિત્વમાં જ નહોતી. વર કરતાં ઘરને વધારે મહત્વ અપાતું. તે જ રીતે કન્યાનું કુળ એટલે કે ખાનદાન, એના બાપનું કુટુંબ, મોસાળપક્ષ વિગેરે પણ ધ્યાને લેવાતાં. ઘરડાઓ એમ કહેતા કે સો વરસનું સગું કરવાનું છે. એમાં બધું જોવું પડે. અને આ બધું જોવાઇ જાય, ગોળ ખવાઈ જાય ત્યાર પછી અંબાવાડીમાં જ્ઞાતિના મેડા ઉપર અથવા ક્યારેક રાધાકૃષ્ણના મંદિરમાં તો ક્યારેક રણછોડજીના મંદિરમાં ચાંલ્લા કરવાની વિધિ થતી. આમાં પણ છોકરી હાજર ન હોય બન્ને પક્ષના વડીલો ભેગા થાય અને મુરતિયો તે દિવસે કુમકુમ તિલકથી નોંધાય સાથે શ્રીફળ અપાય. બંને પક્ષના વડીલો એકબીજાને ચાંદલા કરે અને કોઇને પોસાતું હોય તો તે દિવસે બધાને શ્રીફળ અને ટકો (પાંચ પૈસા અથવા જૂના એક આનાથી માંડી ચાર આના) પણ આપે. જયદત્ત શાસ્ત્રીજીના દીકરા આશુતોષભાઈની સગાઈનો પ્રસંગ રાધાકૃષ્ણના મંદિરમાં યોજાયો હતો. એની યાદ હજુ પણ મગજમાં એવી જ તરોતાજા છે. સિદ્ધપુરની સ્થાનિક ભાષામાં આને ‘મુરતિયો નોંધાઈ ગયો’ કહેવાય એટલે રિઝર્વેશનનો પ્રથમ તબક્કો પૂરો.
આગળની વિધીમાં ત્યારબાદ મૂરતિયાને એના સાસરે જમવા બોલાવે. સાથે એકાદ અણવર હોય. અણવરના હાથમાં એક થેલીમાં અબોટિયું હોય જે ભાવિ સસરાને ત્યાં જઇ વિધવત પહેરવાનું. આમાં જો અબોટિયું પહેરતા ન આવડતું હોય તો કફોડી સ્થિતિ થાય. પણ સિદ્ધપુરના છોકરાને પિતાંબર પહેરતા ન આવડે તે એ જમાનામાં શક્ય જ નહોતું. એ પરણવાલાયક થાય ત્યાં સુધીમાં તો અનેક જમણવાર જમ્યો હોય અને અનેક જગ્યાએ પિતાંબર પહેરી, કેડે લાલ ગમછો બાંધી પિરસ્યું પણ હોય!
મૂરતિયો જમવા આવે એટલે સ્વાભાવિક રીતે મહોલ્લાના ઘણાં બધાં ઘરમાંથી ડોકાચિયાં થાય. કેટલીક જમાનાની ખાધેલી બહેનો તો પરીક્ષક કે નિરિક્ષક બનીને ઓટલે અડિંગો જમાવીને બેસી ગઈ હોય અને એથીય વધુ હિંમત હોય તો મૂરતિયો જમવા બેઠો હોય ત્યાં આવીને પણ નજર નાખી જાય. એ જમાનામાં સિદ્ધપુરની છોકરી સિદ્ધપુરમાં જ પરણાવતા એટલે આ મૂરતિયો ભડભાદર યુવાન થયો હોય પણ આટલા વરસ તો ગામમાં જ નવયુવાન થયો હોય, ક્યાંક ને ક્યાંક કોઇકનું સગું પણ થતું હોય આમ છતાંય મૂરતિયાને નજરથી માપી લેવાનો કારસો એ દિવસે અચૂક યોજાય. કન્યા ઘરના મેડે ચઢી ગઈ હોય એટલે મૂરતિયાને કન્યા જોવા ન મળે પણ કન્યા મૂરતિયાને જોઈ લે. જમવાનું પતે એટલે પછી કુમકુમ તિલક કરી અને સાસુમા અથવા ઘરમાં મોટી વહુઆરું હોય તો તે અસલ મજાનો રાણી છાપનો રૂપિયો અને શ્રીફળ મૂરતિયાને આપે. આ રૂપિયાનું કામ પરીક્ષા વખતની હૉલ ટિકિટ જેવું રહેતું. વરરાજા જ્યારે પરણવા જાય ત્યારે એને તોરણે પુંખે તે વખતે આ રૂપિયો ત્યાં સાબિતી તરીકે સાસુમાના હવાલે કરવાનો રહેતો. બોલો, પાકી જડબેસલાક વ્યવસ્થા ગણાય કે નહીં? રૂપિયો કે મૂરતિયો બદલાઈ જવાનો કોઈ ચાન્સ જ નહીં!
હવે કન્યાનો વારો આવતો. મૂરતિયાના મામાને ત્યાં એને જમવા માટે નિમંત્રણ મળતું. આ વિધિને ‘ખાવાનું કીધું’ એ રીતે ઓળખવામાં આવતી. કન્યાને પોતાના થનાર મામાજીને ત્યાં જમવાનું હોય તે માટે તેને તેડવા સમય થયે કોઈ આવતું. કન્યાને જમ્યા બાદ કુમકુમ તિલક કરી સાડી એટલે કે ચૂંદડી ઓઢાડવાની વિધી સંપન્ન કરાતી. ત્યાંથી જ કન્યાને એના થનાર સાસરે લઈ જવાતી જ્યાં ઝાંઝર જેવાં લંગરીયાં પહેરાવવાની વિધી થતી. બસ આ વિધિ પતી એટલી કન્યા કોઇની વાગદત્તા બની ચૂકી. જેમ મૂરતિયાને સાસરે જમવાનું કહે ત્યારે જોવા માટે લાઈનો લાગે તે રીતે કન્યાને જોવા માટે આજુબાજુની બહેનોને ખાસ આમંત્રણ આપીને બોલાવાતી. મજા એ કે માત્ર કન્યાને જમાડવાની, પેલી નિમંત્રણ આપીને કન્યા જોવા બોલાવાતી બહેનોને કન્યાના દર્શન સિવાય બીજું કંઇ મળતું નહીં!
પગમાં લંગરીયાં પહેરાવાઈ ગયાં એટલે આ વિધી પૂરી. આમાં ક્યાંય અત્યારના જેમ વરરાજા ઘૂંટણીયે પડે, કન્યાનો હાથ હાથમાં લઈ કોઈ ફિલ્મી ગાયનની તરજ પર એના પ્રેમની માંગણી કરે અને પછી રીંગ સેરેમની થાય, કેક કપાય, વિડીયોગ્રાફી થાય, ફોટોગ્રાફી થાય અને જમણવાર કોઈ સારી હોટલમાં અથવા પછી વાલકેશ્વર જેવી જગ્યાએ કરીને સારો એવો ખરચનો ધુમાડો થાય એવું નહોતું. અત્યારની સરખામણીમાં પહેલા સગાઈ બહુ સસ્તી હતી અને સરળ પણ હતી. એકવાર વડીલોએ બોલ આપ્યો એટલે એ વજ્રલેપ બની ગયો. શબ્દની કિંમત હતી, જબાનની કિંમત હતી, જબાન આપનાર માણસની ઇજ્જત અને આબરૂની કિંમત હતી. ટૂંકમાં ખાનદાની મહત્વની હતી, પૈસો કે ઝાકઝમાળની કોઈ અગત્યતા નહોતી. સગાઈના આવા અનેક પ્રસંગોમાં બાપા સાથે જવાનું થયેલું એનું આછુંપાતળું સ્મરણ હજુ પણ મગજમાં અંકિત છે જેના ઉપરથી આ લખ્યું છે.
લગ્નની વિધી પ્રમાણમાં લાંબી ચાલતી. મોટાભાગે લગ્નો ઘરઆંગણે થતાં. વરઘોડો ચોક્કસ નીકળતો પણ એનો ઠાઠમાઠ, બેન્ડવાજા કે ડીજેની ધૂમ અને સાથે ફિલ્મી ગીતોના તાલે નાચવાનું, આવું બધું કાંઇ નહોતું. નહોતું ખાટલા ઉપર ચઢીને ઘોડીને નચાવવાનું કે નહોતું ‘બહારો ફૂલ બરસાવો’ થતું. લગ્નની વિધી પૂરી શાસ્ત્રોક્ત અને જરાય છૂટછાટ વગર થતી. ઉતાવળ કોઈને નહોતી એટલે બે-બે ત્રણ-ત્રણ દિવસ સુધી લગ્ન ચાલતું. માયરું, ચોરી અને છેલ્લે પૂરત અને કન્યાવિદાય, આ ત્રણ પ્રસંગનું આગવું મહત્વ હતું. સાથે પહેરામણી તો ખરી જ. સિદ્ધપુરના ભૂદેવોના લગ્નો અને એની સાથે જોડાયેલ વિધી ખૂબ ચીવટથી સંપન્ન થતી. સિદ્ધપુરમાં આખા દેશમાં ક્યાંય ન હોય તેવો રિવાજ હતો (જે આજે પણ છે). કન્યાવાળા પોતાનો જમણવાર અને પોતાનો વહેવાર કરે, વરપક્ષવાળા પોતાનો જમણવાર અને પોતાનો વહેવાર કરે. ‘સબ સબકી સમાલિયો’વાળી વાત હતી. એટલે મર્યાદિત ખરચમાં બધું પતી જાય. જોકે આ જ રિવાજ સિદ્ધપુરના ભૂદેવની જાન પાટણવાડા કે બીજે ક્યાંક જવાની હોય તો બદલાઈ જતાં. ત્યારે બધો ભાર કન્યાની કેડે. જવા-આવવાના ભાડાથી માંડી અને જમણવાર સુધી કન્યા પક્ષના માથે. જો કે એ વખતે એવું મનાતું કે સિદ્ધપુરમાં છોકરી આપી હોય તો છેવટે સરસ્વતી નદીના કિનારે હાડકાં પડે તોય ક્યાંથી, અને સિદ્ધપુરના ભૂદેવો પાટણવાડાના ગામડામાંથી કન્યા લાવે ત્યારે એમ કહેવાતું કે કોથળે ચાંદલો કર્યો છે, ખાધેપીધે ક્યારેય દુ:ખ નહીં પડે કારણ કે સાસરે ખેતી હોય એટલે દીકરીને ત્યાં દાણોપાણી આવી જ જશે. આ ઉપરાંત બાર મહિનામાં લગભગ પોણા ભાગનો સમય તો નાત થાય એટલે જમણવાર બારોબાર થઈ જાય. કારતક મહિનામાં યજમાન આવે અને ચોર્યાસી કરે તેના મગદળના લાડવા કોઠીએ પડ્યા હોય. આમ સિદ્ધપુર દીકરી આપી એને ખાધે પીધે દુ:ખ નહીં પડે એ વાત પણ બહારગામથી સિદ્ધપુરમાં કન્યા દેનારા વિચારતા.
સગાઈ એટલે કે એંગેજમેન્ટ.
સગાઈમાં સાચા અર્થમાં કુમકુમ તિલકથી શરૂઆત થાય એટલે ચાંદલા કર્યા કહેવાય.
સગાઈમાં વરરાજાને રોકડો રાણીછાપનો રૂપિયો મળે એટલે કે અમારી દીકરીનો રણકાર અને આવડત રાણીછાપના રૂપિયા જેવી છે.
નાળિયેર મળે જે બહાર ભલે કાઠું હોય પણ અંદરથી તો સરસ મજાનું મીઠું પાણી અને કોપરું. એ જ રીતે સંબંધોમાં ક્યારેક થોડું ઘણું ઘર્ષણ થાય તો પણ લાંબા ગાળે તે મીઠા અને ફળદાયી રહે.
કન્યાને પગમાં ઝાંઝર પહેરાવાય કારણ કે એ જમાનામાં મર્યાદા હતી.
ઘરમાં વહુ એક ઓરડામાંથી બીજે જઇ રહી છે એ એના ઝાંઝરના રણકાર પરથી ખબર પડે એટલે વડીલો મર્યાદા રાખી ખસી જાય અને વડીલોને જો કોઈ કારણસર વહુ રસોઈ કરતી હોય કે કોઈ કામ કરતી હોય ત્યાં જવાનું થાય તો ખોંખારો કરે.
સગાઈ થાય ત્યારે વર કે કન્યા કોઈ એકબીજાને ઓળખતાં ન હોય (મોટે ભાગે)
અને આમ છતાંય જનમ જનમના બંધન નિભાવવા એકબીજા સાથે જોડાય.
બહુ જુનવાણી લાગે છે, નહીં?
અત્યારે રીંગ સેરેમની થાય છે. ઘણીવાર સંબંધો પણ જે ઝડપે રીંગ બદલાય તે ઝડપે બદલાઈ પણ જતા હોય છે.
વરકન્યા એકબીજાથી પરિચિત થઈને જોડાય છે અને આમ છતાં ઘણાં બધાં લગ્નજીવન ટેન્શનમાં આવી જીવાય છે.
ખેર, ચાલ્યા કરે.
સમય પ્રમાણે બધું બદલાવાનું.
આજની વિધી કદાચ આવતીકાલે જુનવાણી બની જશે અથવા ભુલાઈ પણ જશે.
સમય કોની રાહ જુએ છે?