Friday, February 10, 2017

બાળપણની શરુઆત જન્મની સાથે જ થાય છે. બાળક આ દુનિયામાં આવે એટલે ધીરે ધીરે એનો જગત સાથેનો નાતો શરુ થાય છે. એ નાતાની સહુથી પહેલી કડી મા છે. ત્યારપછીની કડીઓ ધીરે ધીરે જોડાતી જાય છે. માત્ર ભૂખ, ઉંઘ અને દર્દની સંવેદનાની ક્ષિતિજો વિસ્તરવા માંડે છે. બાળક ધીરે ધીરે પોતાની આજુબાજુના વિશ્વ સાથે પરિચયમાં આવે છે. એ પોતાની મા ઉપરાંત આજુબાજુના સગાને ઓળખતું થાય છે, રંગોની પરખ વિક્સે છે અને આ બધાની સાથોસાથ બાળક પોતાની જાતને વધુને વધુ અગત્યતા મળે એ માટે પણ સભાન થતું જાય છે. એ ધીરે ધીરે પોતાની તરફ ધ્યાન ખેંચવા મથે છે. ધ્યાન ન આપો તો રડે છે અને ધ્યાન આપી હેતની નજર નાંખો તો હસે પણ છે. હજુ જોખમોથી એ પરિચિત નથી એટલે પડવા આખડવાથી વાગે કે સાપને ન પકડાય એ એની સમજ બહાર છે. ચોવીસ કલાકમાંથી ચૌદથી સોળ કલાક ઉંઘે છે. ક્યારેક દિવસે ઉંઘનો કોટા પુરો કરી લે તો મધરાત્રિ જ્યારે બધાં ઘસઘસાટ ઉંઘતા હોય ત્યારે એને રમવા કે રડવા જોઈએ છે. એ સમયે “યા નિશા સર્વ ભુતાનાં, તસ્યાઃ જાગર્તિ સંયમિઃ” સાધક અને યોગી પુરુષો માટે કહેવાતી આ પંક્તિ બાળક પોતાને પણ લાગુ પાડે છે. મારું બાળપણ પણ કંઈક આજ રીતે શરુ થયું હશે એમ હું માનું છું. મામાને ત્યાંથી સરસમજાનું સંખેડા ફર્નિચરનું ઘોડિયું મારે માટે આપેલું તેના ખોયામાં સૂઈને અંગૂઠો મોઢામાં નાંખી પડ્યા રહેવું એ મારી બાળસહજ પ્રવૃત્તિ હતી એવું મારી મા કહેતી. ધીમે ધીમે ઉંમર વધતી ગઈ તેમ મારી મા હાલરડુ ગાય તે સાંભળવાનો અને એ સાંભળતાં સાંભળતાં ઉંઘી જવાનો ક્રમ બનતો ગયો. આમાનાં બે હાલરડાની કેટલીક પંક્તિઓ હજુય કાનમાં ગુંજે છે.

પહેલી –

“આભમાં ઉગેલ ચાંદલો ને

જીજાબાઈને આવ્યાં બાળ

બાળુડાને માત હિંચોળે

ઘણણણ ડુંગરા ડોલે....”

બીજું હતું –

“ભાઈના મામા આવે છે

ઝભલાં ટોપી લાવે છે

ભાઈની મામી ધુતારી

ઝભલાં ટોપી લે ઉતારી

અલોલોલો હાલ...”

હજુ આજેય હું સમજી શક્યો નથી કે મામા માટે સાહજીક રીતે મા ને પ્રેમ હોય પણ એમાં વગર વાંકે મામી બિચારી ધુતારી શું કરવા બને ? મને લાગે છે આ પણ એક નણંદનો પોતાની ભાભી માટે પ્રેમ વ્યક્ત કરવાનો પ્રકાર જ ગણી શકાય.

 

મારું બાળપણ સુપેરે વીતી રહ્યું હતું.

દરમ્યાનમાં એક પ્રસંગ બન્યો.

મારી મા ને મોઢેલ સાંભળેલ આ વાત છે

હું એ પ્રસંગમાં કેન્દ્રસ્થાને ખરો પણ સમજવા જેટલો કાબેલ નહીં

આ પ્રસંગ કદાચ મારી મોત સાથે નજદીકી મુલાકાતનો પહેલો પ્રસંગ ગણી શકાય.

ઘટના કંઈક આવી હતી

મારા મા-બાપ મને લઈને મોટા અંબાજી દર્શન કરવા ગયાં હતાં.

સિદ્ધપુરવાળી ધર્મશાળામાં ઉતર્યાં હતાં.

લોખંડના સળીયાને છતના કડાં સાથે ભરાવી ખોયું બાંધી ઘોડિયું બનાવેલું

જમીનથી ખાસ્સુ ઉંચું

બાજુમાં બેસીને એ લોકો ભાથુ ખાઈ રહ્યા હતા

દરમ્યાનમાં.....

મેં ઘોડિયામાંથી ઉછાળો માર્યો

નીચે પથ્થરની ફરશ

ખતરનાક ઘટના બની રહી હતી

પણ.....

બાજુમાં બેઠેલા મારા બાપાએ ચિત્તા જેવી ચપળતાથી મારો પગ પકડીને આખો ઉલટાવી મને ઝીલી લીધો.

જાણે સાક્ષાત મા જગદજનની અંબા માએ ચમત્કારીક રીતે ઘડીના છઠ્ઠા ભાગમાં મને બચાવી લીધો.

એ દિવસે કંઈ પણ બની શક્યું હોત.

શૂળીનો ઘા સોયથી સરી ગયો

આગળ વધીએ.

ધીરે ધીરે ઉંમર વધી રહી હતી

એક બીજી ઘટના મારી મા પાસેથી સાંભળી છે

જયદત્તશાસ્ત્રીજી આમ તો પાઠશાળા છોડી ભાગ્યે જ ક્યાંય જતા

એ દિવસે ખાસ અમારા ઘરે મને જોવા અને આશીર્વાદ આપવા પધાર્યા હતા.

તેમણે મારા બાપાને ઉદ્દેશીને કહેલું – “નર્મદાશંકરભાઈ ! આ બાળક નસીબદાર છે. એનું લલાટ (કપાળ) વિશાળ અને ટેકરાવાળુ છે ખૂબ યશ અને નામ કમાશે.”

 

શાસ્ત્રીજીની આગાહીમાંથી “ખૂબ” શબ્દ કાઢી નાંખીએ તો મારી આવડત અને ક્ષમતાના પ્રમાણમાં ઈશ્વરની કૃપાથી યશ અને નામ મળ્યા છે પણ એમાં મારી આવડત કરતાં આપવાવાળાઓનો મારા માટેનો પ્રેમ અને લાગણી વિશેષ કારણભૂત છે એમ કહી શકાય. આ લખું છું ત્યારે નીચેની પંક્તિઓ યાદ આવે છે –

“મુઝ મેં ભલાઈ ભી મુઝ મેં બુરાઈ ભી

લાખોં હૈં મૈલ દિલ મેં થોડી સફાઈ ભી

થોડા સા નેક હૂઁ થોડા બેઈમાન હૂઁ

દુનિયા જો ચાહે સમઝે મૈં તો ઇંસાન હૂઁ”

ચલચિત્રઃ મધર ઈન્ડિયા (1957)

આમેય કવિ સુન્દરમની ઉક્તિ મુજબ “હું માનવી માનવ થઉં તો ઘણું” એ મથામણમાંથી જ હજુ બહાર નથી નીકળાતું. મારા ખુદના વિશે વિચાર કરું ત્યારે હજુય કોઈ સ્વપ્નમાં જીવતા હોઈએ એવું લાગે છે.

“એક રજકણ સૂરજ થવાને શમણે,

ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે”

મહત્વાકાંક્ષા હોવી એ પ્રગતિ માટે પાયાની જરુરીયાત છે પણ આ મહત્વાકાંક્ષા રાખતાં બે બાબત હંમેશા ખ્યાલમાં રાખવી જોઈએ. પહેલું તમે જે સામાજીક સ્તરમાંથી અને ખાસ કરીને આર્થિક સ્થિતિમાંથી આવો છો એ ઘંટીનું પડીયું ગળે બાંધીને આગળ વધવાનું છે. સંપન્ન નહીં હોઉં એ પણ જાણેઅજાણે સમાજમાં ભેદભાવનું એક મોટું કારણ બને છે. જે સંપન્ન છે તે મોટાભાગે એવું માને છે કે તમારે એની પાસેથી કંઈક મેળવવું છે માટે તમે એને બારણે ગયા છો. વાસ્તવમાં આવું ન હોય તો પણ બધા સુદામાઓને આવકારવા માટે પોતાનું સિંહાસન અને પટરાણીઓની સેવા છોડી કૃષ્ણ દોડી આવે એવું નથી બનતું. તમે વંચિત હો ત્યારે તમારી વિદ્યા અને આવડત પેલા સાધન સંપન્ન અને સિંહાસને આરુઢ દ્રુપદ માટે કશો જ મતલબ નથી ધરાવતી. મોટા ભાગે દ્રુપદના દરબારમાંથી દ્રોણ અપમાનિત થઈને જ બહાર આવે છે. શાસ્ત્રીજીએ ભવિષ્યકથન તો કર્યું પણ એ ભવિષ્યકથન સાચું પાડવા માટે આ બાળક મોટો થશે ત્યારે એણે કેટલી કેટલી વિડંબણાઓમાંથી પસાર થવું પડશે અને વંચિતોની આ વેદનામાં તપીને એનો કેવો ઘાટ ઘડાશે એ એમણે નહોતું કહ્યું. આગળ જતાં આપણે એમાંથી પણ પસાર થઈશું.

 

અમારો બંગલો ખેતરની બરાબર વચ્ચે હતો. આજુબાજુ મારા બાપાએ જાતે વાવેલાં લીમડાના ઝાડ હતા. બન્ને બાજુ ખાસ્સો મોટો કહી શકાય એવો ચોક હતો. જમીનના લેવલથી ચાર પગથિયાં ચડીએ એટલે ચોકમાં જવાય. ચોકને લગભગ અઢી ફૂટ ઉંચાઈની અને સવાથી દોઢ ફૂટ પહોળી પાળી હતી. આ પાળી ઉપર ફૂલછોડનાં અને પંખા (તાડના કુટુંબનું એક ઝાડ) હતા. મારા બાપાને બગીચાનો શોખ એટલે મોગરો, જૂઈ, જાઈ, ગુલાબ વિગેરે તેમજ સદાફુલી (વીંકા રોઝીયા), ચમરી (બાલસમ), હજારીગલ (મેરીગોલ્ડ), ક્રીસેન્થીયમ, પોપી, સેવંતી, નાનાં સૂરજમુખી, ગલાર્ડીયા, જાસૂદ, ગુલબાસ, ચમેલી જેવાં ફૂલછોડ તેમજ કળોટણ જેવા શોભાના ઝાડ પણ ઉછેરતા. ફૂલછોડ અને શાકભાજીનાં બી છેક પૂના ઠાકુર સાવદેકર એન્ડ કંપની પાસેથી મંગાવતા. બંગલાની બન્ને બાજુ દસેક ફૂટ પહોળું થુવરની વાડથી રક્ષાયેલું વાડોલીયું હતું જેમાં કરણ, લીમડાકરણ, લીંબુડી, મીઠો લીમડો, પીળી કરણ, રાતરાણી અને પારિજાત જેવાં ઝાડ અને સીઝન પ્રમાણે વાલોળ, દુધી, તુરીયાં, ગલકાં, ભીંડા તેમજ ગવાર જેવાં શાકભાજી ઉગાડતા. અમારે ત્યાં જૂઈ એટલી સરસ થઈ હતી કે ચોમાસામાં અને તેમાંય ખાસ કરી ભાદરવા મહિનાની રાત્રિઓએ જૂઈ, પારિજાત અને રાતરાણીનાં ફૂલોનો મઘમઘાટ વાતાવરણને તરબતર કરી દેતો. આમાંય વસંતની શરુઆત થાય અને આંબા ઉપર તેમજ લીમડે મહોર આવે તે સમયના વાતાવરણની અલૌકિકતાનું વર્ણન શક્ય નથી. તે સમયે વાતાવરણને ભરી દેતા કોયલના ટહુકા હજુય કાનમાં ગૂંજે છે.

 

આટલા સરસ વાતાવરણમાં કુદરતને ખોળે ખેલીને મારું બાળપણ વીત્યું. ધીરે ધીરે વરસો વહેતાં રહ્યાં. એક દિવસ હું પેલા ચોકનાં પગથિયાં ઉતરતાં શીખી ગયો, હવે મને ચાલતા આવડી ગયું હતું. ઘોડીયું છુટી ગયું તે છેક મારા ત્યાં દિકરાનો જન્મ થયો તેને કામ આવ્યું ! આજુબાજુના વાતાવરણ સાથે હવે મેં ઓળખ કરવા માંડી હતી. ક્યાંક નજરે ચડી જતું કાચબાનું બચ્ચું કે શેળો, ગલુડીયું કે લવારું (બકરીનું બચ્ચું) પકડવામાં અને એની સાથે રમવામાં હવે બીક નહોતી લાગતી.

 

અમારો પાડોશ ઠાકોર પરિવારોનો. મૂળ મોડાજી અને માનાબાઈના બે દિકરા બાજાજી અને કેશાજી. એમની દિકરીઓ હેમતબેન, હિરાબેન અને દિવાબેન. આ બધાં અમારાં આપ્તજનો. ખેતી અને પશુપાલન ઉપર નભતું કુટુંબ. કેશાજી એ વખતે માંડ બાર-તેર વરસની ઉંમર. એમના મોટાભાઈ બાજાજી સિદ્ધપુર મીલમાં નોકરી કરે. એમનાં સંતાનોમાં સોમાજી મારો સમકક્ષ. તેનાથી નાનો ચંદુ અને તેનાથી નાનો તે મણાજી, ત્યારપછી પ્રહલાદજી અને લક્ષ્મણજી. બાજુના જ ખેતરમાં એક-બે ભરથરી કુટુંબો રહેતાં. એમનાં બે મોટાં દિકરાઓ લક્ષ્મણ અને બાબુમાંથી બાબુ અમારી સાથે રમવાજોગ ઉંમરનો. ત્યારપછી મંગો અને ચંદુ એ ઘણા નાનાં. એક બીજા પરિવારનો છોકરો તે વિનુ. આમાં મણાજી, મંગો, ચંદુ અને વિનુ આ ચારેયને ભણાવવામાં મારા બાપાનો મોટો ફાળો. લગભગ મારે ઘરે રહીને જ મોટા થયા.

 

ધીરે ધીરે બાળપણ આગળ વધતું ગયું. અમારા રિવાજ મુજબ માથે બાબરી રાખેલી. અમુક રુઢ માન્યતાઓને આધિન મારી સાત વરસની ઉંમર સુધી મારું નામ નહીં પાડેલું. મને ભિક્ષુક અથવા ભીખો કહી બોલાવતા. પહેલો વારો આવ્યો બાબરી ઉતરાવાનો. બહુચરાજી ખાતે ટકોમુંડો કરાવી માતાજીના આશીર્વાદ મેળવી આ વિધિ પુરી કરી. મા ના પ્રાંગણમાં દોડાદોડ કરતા કૂકડાઓની પાછળ ખૂબ દોડધામ કરી. વિધિ પતાવી સિદ્ધપુર પહોંચ્યા અને ખાટલો પકડ્યો. એકદમ જોરદાર બિમારીમાં ફસડાયો. મારી મા ના મનમાં એવું ચકલું ઘુસી ગયું કે નક્કી કોઈની નજર લાગી. નજર ઉતારવાથી માંડી જાતજાતના નૂસખા એણે કર્યા. છેવટે આઠ-દસ દિવસે હું સાજો થયો ત્યારે એ કોઈને કહેતી હતી કે થાળીમાં અંગારા ઉપર જેવો વાટકો ઉંધો પાડ્યો અને છાણમાટીનું પાણી રેડ્યું કે જડબેસલાક ચોંટી ગયો. કોઈકની બહુ ભારે નજર લાગી હતી મારા દિકરાને. ત્યારે તો કંઈ ન સમજાયું પણ આગળ જતાં વિજ્ઞાનમાં આ વાટકો થાળી સાથે કેમ ચોંટી જાય છે તેનું વૈજ્ઞાનિક કારણ જાણ્યું ત્યારે મનોમન ખૂબ હસવું આવેલું. ભોળી બિચારી મારી મા !

 

એક પ્રયોગના ભાગરુપે મને વરધ હાંકળી (વૃદ્ધિ સાંકળ) પણ ગળામાં પહેરાવતા. દર વરસે આમાં એક અંગ્રેજી આઠડા જેવો આંકડો ઉમેરાય. મને ભિક્ષુક બનાવેલો એટલે ઘરનું કપડું કે કોઈપણ વસ્તુ મારે માટે ન ચાલે. દર વરસે ઉમેરાતો આ ચાંદીનો અંકોડો પણ જીતોડા ગામના અમારા યજમાન અને સ્નેહી એવા મોહનભા અને ગોદડભા લઈ આવતા. આ બધી વિધિ સાત વરસ સુધી ચાલી. દરમ્યાનમાં બરાબર પાંચ વરસની ઉંમર વીતે એક દિવસ કપાળમાં કંકુનો ચાંલ્લો કરી માથે સરસમજાની ટોપી પહેરાવી નવાં લુગડાં સાથે મને સ્કુલમાં દાખલ થવા માટે લઈ જવાયો. રાજપુર પ્રાથમિક શાળા મારા ઘરથી પાંચસો મીટર જેવા અંતરે હતી. મને નવી નક્કોર પાટીમાં મારા ગુરુજી વાસુદેવભાઈ ઠાકરે હાથ પકડી લખાવ્યું. તેમાં પહેલું હતું ૧। (સવા) અને બીજો અક્ષર લખાવ્યો તે કલમનો ક નહીં પણ ગણેશનો ગ. હું તે દિવસે નિશાળમાં દાખલ થયો. ત્રણ ઓરડામાં બેસતી આ શાળાનાં સાઈઠ સિત્તેર બાળકોને એ દિવસે ગોળધાણા અને પાટીમાં લખવાની પેન વહેંચાઈ. આપણે રામ થોડી વાર બેઠા પછી બાપાની સાથે ઘરે. કોણ જાણે કેમ મને નિશાળે જતાં કોઈ જ બીક નહોતી લાગી, રડ્યો પણ નહોતો અને જાણે જીવનની એક સાહજીક પ્રક્રિયા હોય તે રીતે હું રાજપુર ગામની પ્રાથમિક શાળાના ધોરણ એકમાં દાખલ થઈ ગયો. મારું સરસ્વતીના મંદિરમાં એક આરાધક તરીકે આગમન આમ સાવ સહજ અને આનંદદાયક રહ્યું. નિશાળે જવાનો કંટાળો ત્યારબાદ મને ક્યારેય નહોતો આવ્યો.

 

સાત વરસ પૂરાં થયાં. વરધ સાંકળી વિદાય થઈ. હવે વારો આવ્યો પેલા ભિક્ષુકને વિદાય કરવાનો. બાળકનું નામ આમ તો ફોઈબા પાડે છે. બહુ ઓછી વ્યક્તિઓ પોતાનું નામ બાળપણથી જ પોતે પસંદ કરે તેવું બને છે. સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી મારા બાપાએ આ વિધિ પતાવી. મારી રાશિ મકર હતી એટલે ખ અથવા જ અક્ષર ઉપરથી નામ પાડવાનું હતું. એમણે બે નામ પસંદ કર્યા અને મારી સામે મુક્યાં. એક હતું જયપ્રકાશ જે જયપ્રકાશ નારાયણજીના નામ સાથે જોડાયેલું હતું. મારા બાપાએ મને જયપ્રકાશ નારાયણજી વિશે પ્રાથમિક માહિતી પણ આપી. બીજું નામ હતું જયનારાયણ. પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રથમ મુખ્યપ્રધાન હતા. કોઈ અગમ્ય કારણોસર મેં બીજું નામ પસંદ કર્યું. યોગાનુયોગ હું જયનારાયણ વ્યાસ બન્યો. રાજસ્થાનના મેઘાવી રાજપુરુષ પૂર્વ મુખ્યપ્રધાન જયનારાયણ વ્યાસના નામનું અનુકરણ કરી અને એ રીતે હું એમનો ઋણી બન્યો. આજે પણ ઘણા લોકો માઉન્ટ આબુમાં જયનારાયણ વ્યાસ ઉદ્યાન અથવા રાજસ્થાનમાં જયનારાયણ વ્યાસ યુનિવર્સીટી વાંચે ત્યારે મારું નામ અહીં ક્યાંથી પહોંચ્યું એવા આશ્ચર્ય સાથે મને પૂછપરછ કરે છે. હકિકત તો એ છે કે આ જયનારાયણ વ્યાસ રાજસ્થાન નથી પહોંચ્યા પણ પેલા રાજસ્થાનવાળા મહામહિમ જયનારાયણ વ્યાસજી (1899-1963) જે જોધપુરના પંડિત સેવારામજી વ્યાસ અને શ્રીમતી ગોપીદેવીનું તેજસ્વી સંતાન હતા તેમનું નામ મેં તો માત્ર ઉછીનું લીધું છે. ક્યારેક ક્યારેક મારા નામકરણનો આ ઈતિહાસ મારા મનમાં ઝબકે છે ત્યારે ખાસ્સી રમૂજ થાય છે. ક્યાં આઝાદી પછી તરત જ જોધપુરના વડાપ્રધાન અને ત્યારબાદ રાજસ્થાનના પ્રથમ મુખ્યપ્રધાન બનનાર જયનારાયણ વ્યાસ અને ક્યાં હું ?

પેલી કહેવત – “ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી” કંઈક અંશે મારા કિસ્સામાં સાચી પડતી હોય એવું નથી લાગતું ?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles