Friday, January 6, 2017

પ્રીસીઝન બેરીંગનું વિસ્તરણ માટેનું બાંધકામ હવે લગભગ ઓટો પાયલોટ મોડ પર મુકાઈ ગયું હતું. ઉદ્યોગ માટેના ભારે કહી શકાય તેવા બાંધકામ ઉપરાંત એક નવો અનુભવ નોર્થ લાઈટ માટેની વ્યવસ્થા સમેત ટ્રસ એટલે કે કેંચીના ફેબ્રીકેશન અને એથીય વિશેષ તો એની જગ્યાએ ગોઠવવાની કામગીરી એટલે કે હોઈસ્ટીંગનો થયો. આ પ્રીસીઝન કામગીરી તો છે જ પણ કેંચી પલટી ન ખાઈ જાય અને કોઈને હતાહત ન કરી નાંખે તે જોવું પણ જરુરી છે. તમારા ઉભાં કરેલાં કોલમ સાચા અંતરે અને પ્લમ્બમાં એટલે કે બરાબર સીધી વર્ટીકલ લાઈનમાં છે કે નહીં તેની પરીક્ષા પણ કેંચી ચડાવીને એને કોલમોના માથે ગોઠવતી વખતે થઈ જાય છે. અમે બધી પરીક્ષામાંથી અગાઉ આવા હેવી કન્સ્ટ્રક્શનનો કોઈ અનુભવ ન હોવા છતાં અમે સાંગોપાંગ પાર ઉતર્યા એને ચમત્કાર જ કહી શકાય.

થોડીક આડ વાત અહીંયા કરી લઉં. સમજણો થયો ત્યારથી આજ દિવસ સુધી જીંદગીએ ક્યારેય સહેલો દાખલો ગણવા આપ્યો નથી. સખત પરિશ્રમ અને ઉંચી અપેક્ષાઓ મારા જીવનની ખાસિયત રહી છે. આ કહ્યા પછી પણ હું જો એમ કહું કે મને જીંદગી સાથે કોઈ ફરિયાદ નથી તો નવાઈ ના પામતા. દરેક તબક્કે મને જીંદગીએ આગળના તબક્કાની જવાબદારી માટે હંમેશા તૈયાર કર્યો છે. આઈઆઈટીમાં કરેલી સખત મહેનત અને ફિલ્ડવર્કનો અનુભવ જો મારી પાસે ન હોત તો મારી પહેલી નોકરીના પહેલા અઠવાડીયે જ ઈજ્જત આબરુના ધજાગરા થઈ ગયા હોત. ફાઈનલ યરના ક્લાસમાં મારી નોકરીના પહેલા બે કલાક મેં ઈજ્જત આબરુ સાથે પુરા કર્યાં તેનું કારણ જીંદગીએ આઈઆઈટીના અભ્યાસ દરમ્યાન મારા પાસે કરાવેલ કાળી મજૂરી હતું.

બરાબર એ જ રીતે વડોદરાના મારા ડીગ્રી કોર્સ માટેના અભ્યાસ દરમ્યાન ખૂબ જ મોટી નાણાંભીડ જેને કારણે હું ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી મારા પૈસે કોઈ પુસ્તક નહોતો ખરીદી શક્યો અને જેમનાં પુસ્તકો વાંચવા માટે ઉછીનાં લેતો તેમને ભણાવવાની અથવા નોટ તૈયાર કરી આપવાની જવાબદારીએ મને ઘણું શીખવાડ્યું અને ડીસ્ટીંક્શન મેળવી યુનિવર્સીટીમાં રેન્ક હોલ્ડર પણ બનાવ્યો. આવું ન થયું હોત તો મેં આઈઆઈટીનું પગથિયું ન જોયું હોત.

એન્જિનિયરીંગ કોલેજમાં ભણાવતો હતો ત્યારે પૂરક આવક ઉભી કરવા પ્લાનીંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઈનીંગની કામગીરીને કારણે હું જ્યારે હાઉસીંગ બોર્ડમાં જોડાયો ત્યારે મારી પાસે ફીલ્ડ વર્કનો અનુભવ તેમજ બાંધકામને લગતી વિવિધ એજન્સીઓ સાથે કઈ રીતે પનારો પાડવો એનું જ્ઞાન હતું. હાઉસીંગ બોર્ડમાં રહીને બહુ ઝાઝુ ભારે બાંધકામ માટેનું કામ કરાવવા મળે એવી કોઈ શક્યતા નહોતી. હાઉસીંગ બોર્ડના મકાનો લોડબેરીંગ સ્ટ્રક્ચર તરીકે બંધાતાં અને તેમાં લીંટલ, નીસરણી (સ્ટેર) તેમજ સ્લેબ કે બીમ સિવાય કંઈ ઝાઝુ શીખવાનું નહોતું. આ બધું મારા માટે રમત વાત હતી. પ્રીસીઝન બેરીંગના કામના સુપરવીઝને મને હેવી ઈન્ડસ્ટ્રીયલ શેડના પાયાથી શરુ કરીને પૂર્ણતા સુધીના બાંધકામનો અનુભવ આપ્યો. આ કારણથી હું જ્યારે જીઆઈડીસીમાં પ્લાનીંગ તથા માર્કેટીંગ ઓફિસર તરીકે (ખાસ કરીને પ્લાનીંગ ઓફિસર) જોડાયો ત્યારે જીઆઈડીસીનું મોટામાં મોટું શેડ એ-1 ટાઈપ પંચ્યાશી ફૂટ x પંચ્યાશી ફૂટનું બનતું જે મને રમકડા જેવું લાગતું. આનો ખરો યશ પેલા પ્રીસીઝન બેરીંગના કામ માટે રવિવારની રજા ભોગવ્યા વગર સુવેગા શટલ ઉપર મુસાફરી કરીને કાળી મજૂરીવાળી સાઈટ સુપરવીઝનની કામગીરી કરી હતી તેને આપી શકાય.

જીઆઈડીસીમાં ઈન્ડસ્ટ્રીયલ લાયસન્સીંગ, ફાયનાન્સ, ઈકોનોમિક્સ અને એડવર્ટાઈઝીંગ તથા કોમ્યુનિકેશન અને તેથીય આગળ વધીને પ્રેસ સાથે પનારો પાડવાનું કામ મારા માટે તદ્દન નવું, સખત મહેનત માંગી લેતું અને એકદમ સંવેદનશીલ હતું. આ કામગીરી જ મને ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજીંગ ડીરેક્ટર તરીકે સફળતાપૂર્વક પાર ઉતારવા માટે જવાબદાર હતી.

જીઆઈડીસી અને ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના આ કાર્યકાળ દરમ્યાન શ્રી લલિતભાઈ દલાલ સાહેબ, શ્રી એમ.જી. શાહ સાહેબ, શ્રી એસ.એમ. ઘોષ સાહેબ, પાટણકર સાહેબ જેમણે મારા વ્યક્તિત્વ ઘડતર અને કારકીર્દીમાં ઉંડો રસ લીધો તે ઉપરાંત સર્વશ્રી એસ.કે. શેલત, શિવજ્ઞાનમ્, એચ.કે. ખાન, વિઠ્ઠલ જેવા કાબેલ સનદી અધિકારીઓ પાસેથી પણ ઘણું શીખવા મળ્યું. શ્રી શેલત સાથે કુલ મળીને મેં દસ વરસ કામ કર્યું. તલવારની ધાર પર ચાલવા જેવો આ અનુભવ હતો. નાના મોટા મતભેદો પણ થયા હશે આમ છતાંય એક કુશળ અધિકારી તરીકે શ્રી શેલત પાસેથી હું ઘણું શીખ્યો છું. શ્રી શેલત અને શ્રી ખાન બન્નેની છાપ પોતપોતાની રીતે સક્ષમ અધિકારી તરીકેની. પણ આ બેમાં શ્રી ખાનનો સ્વભાવ હસમુખો અને મળતાવડો તેમજ શક્ય હોય ત્યાં સુધી કોઈને પણ મદદરુપ બની છુટવાનો હતો. શ્રી પાટણકરનો સ્વભાવ પણ લગભગ આવો જ. આ બન્ને અધિકારીઓ પ્રમાણમાં વધારે પ્રિય થયા તેમજ એક બહોળો ચાહકવર્ગ ઉભો કરી શક્યા એ એમના સ્વભાવની દેન હતી. હું શક્ય તેટલે અંશે આ મુદ્દે તેમને મારા ગુરુ ગણીને ચાલ્યો છું.

આની સરખામણીમાં શ્રી વિઠ્ઠલ ખૂબ મહેનતુ, ઉમદા સ્વબાવના અને ત્વરિત કામ કઈ રીતે પાર પાડવું તેવી આવડત ધરાવતા અધિકારી હતા. એ ઘણીવાર કહેતા, કોઈપણ કામમાં કામ પુરું કરવામાં પંચાણું ટકા ચોક્સાઈ અને સો ટકા સ્પીડ, એ હંમેશા પંચાણું ટકા સ્પીડ અને સો ટકા ચોક્સાઈ કરતાં વધુ સારું છે. શ્રી વિઠ્ઠલ તેમની ત્વરિત નિર્ણયશક્તિ માટે જાણીતા હતા. કેન્દ્ર સરકારના ટેલીકોમ્યુનિકેશન વિભાગના સચિવ બન્યા અને ત્યારપછી સેન્ટ્રલ વીજીલન્સ કમિશ્નર પણ બન્યા. અમારા સંબંધો સીનીયર જુનિયરના નહીં પણ મિત્રાચારીના વધુ રહ્યા.

બરાબર આ સમયગાળા દરમ્યાન જ તત્કાલીન બધા જ મુખ્યમંત્રીશ્રીઓ સાથે પરિચયમાં આવવાનું બન્યું. તેમાંય શ્રી બાબુભાઈ જશભાઈ જેમના સમયમાં ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો સ્થપાયું તે ઉપરાંત શ્રી માધવસિંહભાઈ તેમજ શ્રી અમરસિંહભાઈ સાથે અત્યંત નિકટનો પરિચય કેળવાયો. શ્રી અમરસિંહભાઈ તો મારી જ કોલેજના ગ્રેજ્યુએટ હતા. મારાથી ત્રણ વરસ સીનીયર એટલે એમની સાથેની મૈત્રી આજીવન મિત્રાચારીમાં પરિણમી. શ્રી સનતભાઈ સાથે પરિચય હતો જ. તે ઉપરાંત શ્રી દિનેશભાઈ શાહ, શ્રી અરવિંદભાઈ સંઘવી, શ્રી મકરંદભાઈ દેસાઈ, શ્રી અશોકભાઈ ભટ્ટ, શ્રી દિનશા પટેલ તેમજ ઝીણાભાઈ દરજી જેવા દિગ્ગજ નેતાઓ સાથે પણ પરિચય કેળવાયો અને તેમની કાર્યપદ્ધતિને નિકટથી નીરખવાનું બન્યું. મુખ્યમંત્રીઓ માટે ભાષણો લખવાનું કામ લગભગ મારી મોનોપોલી બની ગયું. આ ઉપરાંત સર્વશ્રી એલ.કે. ઝા, શ્રી તાલીયારખાન જેવા મહાનુભાવો તેમજ ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓ કે વિદેશી અતિથીઓની મુલાકાત સમયે એસ્કોર્ટ ઓફિસર તરીકે કામ કરતાં ઘણું શીખ્યો.

આ સમયગાળા દરમ્યાન જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર આગેવાનો એવા સર્વશ્રી ચંદ્રકાંતભાઈ શુકલ, રમણભાઈ પટેલ, અમિતભાઈ શાહ, અશોકભાઈ પંડ્યા, હરેશભાઈ ત્રિવેદી, શકુન આપ્ટે, જયુ બારગે વિગેરે સાથે પરિચયમાં અને એમની કામગીરીને ક્યાંકને ક્યાંક મદદરુપ બનવામાં નિમિત્ત બનતાં બનતાં હું ભારતીય જનતા પક્ષની નજીક જઈ રહ્યો હતો એ ખ્યાલ આવતો જતો હતો. આ સમયગાળા દરમ્યાન જ શ્રી શંકરસિંહજી વાઘેલા, શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી દત્તાજી ચિરંદાસ મારા સંપર્કમાં આવ્યા.

રાજનીતિ કઈ રીતે ચાલે છે અને સરકારના મંત્રીશ્રો તથા વહિવટીતંત્ર કઈ રીતે કામ કરે છે તેને નિકટથી જોવાનો આ સમય હતો. બધાને પહોંચી વળવા પુષ્કળ મજૂરી કરવી પડતી અને સાથોસાથ જેના બોર્ડમાં ડૉ. રંગરાજન, ડૉ. મોટે, શ્રી પ્રફુલ અનુભવી, આઈડીબીઆઈના જનરલ મેનેજરશ્રી વૈદ્ય, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ જનરલ મેનેજર તેમજ અડધો ડઝન જેટલા સીનીયર આઈએએસ અધિકારીઓ હોય તેના ચીફ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરવું તે કાચો પારો પચાવવા જેવું કામ હતું. ઈન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના કામે મને ઘડ્યો, જશ પણ અપાવ્યો પણ એણે બાર વરસ જેટલો લાંબો સમય મારું સ્વત્વ નીચોવી લીધું તે પણ એટલું જ સાચું છે.

ગુજરાતના ઔદ્યોગિક વિકાસને આગળ વધારતી નીતિઓ ઘડવાથી માંડીને રોકાણકારોને આકર્ષવા સુધીના કામો ખૂબ જહેમત માંગી લેતાં. આ એ સમયગાળો હતો જ્યારે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં આઠમાં નંબરથી દેશનું અગ્રિમ રાજ્ય બનવા તરફ જઈ રહ્યું હતું અને 1990માં મેં જ્યારે નોકરીમાંથી રાજીનામું આપ્યું ત્યારે એ આ સિદ્ધિ લગભગ હાંસલ કરી ચૂક્યું હતું. આ સમયગાળાએ જાણેઅજાણે મને બહુજન હિતાય કામ કરવા સત્તાની બાગડોર સંભાળવી જરુરી છે તેવું માનવા પ્રેર્યો અને અગાઉ જેમનો ઉલ્લેખ કર્યો તે બાબુભાઈ જશભાઈ અને માધવસિંહભાઈથી માંડીને સનતભાઈ મહેતા અને દિનેશ શાહ તેમજ મકરંદભાઈ દેસાઈ જેવા વ્યક્તિત્વોએ મને આ ક્ષેત્ર તરફ આકર્ષ્યો. 1978થી 1990 સુધીના આ બાર વરસ મારા માટે જાહેરજીવનની તૈયારીની એક અદભૂત કાર્યશાળા હતી. રાજનીતિ, રાજપુરુષનું વ્યક્તિત્વ, નીતિ ઘડતર, નિર્ણયની પ્રક્રિયા, વહિવટીતંત્રની માનસિકતા અને કામ કરવાની પદ્ધતિ તથા વિવિધ ખાતાઓ સાથેનું સંકલન મને આ બાર વરસના સમયગાળામાં લગભગ રોજેરોજ ચાલતી જીવનની જંગમ વિદ્યાપીઠમાંથી પ્રાપ્ત થયું. ફરી એકવાર કાળી મજૂરી અને કામને સંપૂર્ણ સમર્પણને કારણે. ‘કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી’ એ મંત્ર મેં અત્યાર સુધીમાં આત્મસાત્ કરી લીધો હતો. આમ, લેક્ચરર તરીકેની પહેલી નોકરીથી પ્રધાન અને જાહેરજીવનના એક કાર્યશીલ તરીકેની હાલની કારકીર્દી એમાં જો થોડો ઘણો પણ સફળતાનો અંશ હું ઉપસાવી શક્યો હોઉં તો એનો યશ જાય છે પેલી કાળી મજૂરી કરાવીને મને આગળની કામગીરીમાં સફળ થવા માટે ઘડનાર તકદીરની. એટલે જ તો કહ્યું છે અલ્લાહ મહેરબાન તો ગધા પહેલવાન. ખેર, ગધાના જીવનમાં પણ આમ તો મારી માફક ગદ્ધાવૈતરું જ લખાયું હોય છે ને. મને જે કંઈ યશ મળ્યો તે ભગવાનની મહેરબાની બાકી ક્યાંય કોઈ ગધેડાને એના ગદ્ધાંવૈતરાં માટે યશ અપાતો જોયો છે ખરો ? જીવનમાં ત્રણ પ્રકારના માણસો જોવા મળે છે.

એક જેમના પર તકદીર મહેરબાન છે અને મજા કરવા જ જન્મ્યા છે તે શેઠીયા.

બીજા ફક્ત પોતાના માટે જ કામ કરતા અને પેટ પૂરતું જેને મળી જ રહે એવું તકદીર લઈને જન્મ્યા છે તે – પેટીયા.

અને

ત્રીજા વેઠીયા જેમના ભાગ મજૂરી કરવાનું જ હોય. કારણ કે યશ લેવાવાળા તો ઉપર બેઠા છે !


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles