સરસ્વતીનાં જળથી શિવજીને અભિષેક કરવા માટેની કાવડયાત્રા
હિન્દુ શાસ્ત્રો પ્રમાણે શ્રાવણને અતિ પવિત્ર મનાવવામાં આવે છે. આમેય ચોમાસાના ચાર મહિના - ચાતુર્માસનો આ સમય વ્રત તેમજ પૂજાઓ માટે ખૂબ પવિત્ર ગાળો માનવામાં આવે છે. આ બધામાં શ્રાવણનું મહત્વ વિશેષ છે. આમ તો શ્રાવણ એટલે શિવજીની ઉપાસનાનો મહિનો. શ્રાવણ એટલે સોમવારનું વ્રત રાખવાનો મહિનો. શ્રાવણ એટલે શ્રાવણી અમાસના વિશિષ્ટ મહાત્મ્યનો મહિનો. શ્રાવણ એટલે ભૂદેવો માટે અતિ અગત્યની એવી બળેવ એટલે કે શ્રાવણી અને બહેનો માટે અતિ અગત્યની એવી રક્ષાબંધન જે દિવસે આવે તે શ્રાવણ સુદ પૂનમનો પવિત્ર દિવસ. શ્રાવણ એટલે નાગપાંચમ, રાંધણ છઠ અને શીતળા સાતમનો મહિનો. શ્રાવણ એટલે જન્માષ્ટમી, પારણા અને કૃષ્ણ એકાદશીનો મહિનો. શ્રાવણ એટલે શિવમંદિરોમાં નિરંતર પૂજાઓ ચાલ્યા કરે અને ભગવાન શંકરને બિલીથી ઢાંકી દેવાનો મહિનો. શ્રાવણ એટલે વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં મોટા મેળા ભરાય એવો લોકમેળાનો મહિનો અને શ્રાવણ એટલે ક્યાંક ક્યાંક જન્માષ્ટમીના દિવસે તો જુગાર રમાય તેવું માનવાવાળા જન્માષ્ટમીના બે દિવસ પહેલાંથી લઈને દશમ અને ત્યાં સુધીના ચાર દિવસ પત્તાનો જુગાર રમવામાં રમમાણ થઈ જવાવાળા અને એ જુગાર શ્રાવણ મહિનાનો ભાગ જ છે એવું માની એને પણ એક ધર્મ તરીકે નિભાવનાર જુગારીઓનો મહિનો. શ્રાવણ એટલે સરવડાનો મહિનો, જ્યારે દિલ ગાઈ ઊઠે -
સાવન કા મહિના, પવન કરે શોર
જિયરા રે ઝૂમે ઐસે, જૈસે બનમાં નાચે મોર
આમ શ્રાવણનું આપણા લોકજીવનથી માંડી ધર્મજીવન સુધીના પાસામાં એક અનેરું મહત્વ છે. મા એવું કહેતી કે શ્રાવણ મહિનામાં પૂરો મહિનો તો નદીમાં નહાવા નથી જવાતું પણ તહેવારોના દિવસે એ અચૂક અમારા પાડોશમાં રહેતા મોડાજી ઠાકોરના પત્ની માનબાઈને સાથે લઈ નદીએ નહાવા જાય જ. શ્રાવણી એટલે કે બળેવ, જ્યાં સુધી જનોઈ નહોતી દીધી ત્યાં સુધી પણ પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે સંઘાડી, દુર્વા (ધરો), દર્ભ અને પૂજાપો લઈને બધા જનોઈ બદલવાની વિધિ કરતાં હોય ત્યારે ચૂપચાપ નદીમાં નાહીને મજા કરવાનો દિવસ.
આવા શ્રાવણમાં એક વિશેષ મહત્વ છે કાવડયાત્રાનું.
શ્રાવણમાં કેવી રીતે શરૂ થઈ કાવડયાત્રા?
શ્રાવણ માસમાં વ્રત ઉપવાસની સાથે સાથે કાવડયાત્રાનું પણ અનેરૂ મહાત્મય છે. પવિત્ર શ્રાવણ માસમાં યોજાનાર કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં દેશભરના ભક્તો હરિદ્વાર સ્થિત હરકીપૈડીથી ગંગાજળ લઇને ઋષિકેશ સ્થિત નીલકંઠ મહાદેવને ચડાવે છે. તમે હજારોની સંખ્યામાં લોકોને કેસરી કપડાં પહેરીને કાવડયાત્રા કરતા જોયા હશે. જે રીતે આપણે ત્યાં પુનમે પદયાત્રીઓ અંબાજી કે ડાકોર પદયાત્રા કરે છે તે જ રીતે ઉત્તર ભારતમાં કાવડયાત્રાનું મહત્વ છે. કેસરિયા વસ્ત્રો પહેરેલા શિવભક્તો શિવનું નામ લેતા લેતા ગંગાનું પવિત્ર જળ લઇ જઇ શિવલિંગ પર ચઢાવે છે. તેઓ કાવડિયા તરીકે ઓળખાય છે. છેલ્લા બે દાયકામાં કાવડયાત્રાની લોકપ્રિયતા ઘણી વધી છે અને સમાજના બધા વર્ગના લોકો આસ્થાથી કાવડયાત્રામાં જોડાય છે.
સૌ પ્રથમ કાવડિયા કોણ હતા તે તમે જાણો છો ?
કાવડયાત્રા સંદર્ભે અલગ અલગ સ્થાનોએ જુદી જુદી માન્યતા પ્રર્વતે છે. કેટલાક લોકોનું માનવું છે કે સૌ પ્રથમ કાવડિયા ભગવાન પરશુરામ હતા. તેઓ ઉત્તર પ્રદેશના બાગપત પાસે આવેલા પુરા મહાદેવના મંદિરે કાવડ લઈને ગયા હતા અને ત્યાં જઈ ગંગાજળનો અભિષેક કર્યો હતો. પરશુરામ આ પ્રાચીન શિવલિંગ પર જળાભિષેક કરવા માટે ગઢમુક્તેશ્વરથી ગંગાજળ લાવ્યા હતા. આજે પણ આ પરંપરાનું પાલન કરતા શ્રાવણ મહિનામાં લોકો ગઢમુક્તેશ્વરથી જળ લાવીને મહાદેવ ઉપર અભિષેક કરે છે. ગઢમુક્તેશ્વરનું હાલનું નામ બ્રજઘાટ છે.
શ્રવણકુમાર ગણાય છે કાવડિયા
ત્રેતાયુગમાં પોતાના માતા પિતાને કાવડ લઇને યાત્રા કરાવાનાર શ્રવણકુમાર પણ પ્રથમ કાવડિયા ગણાય છે. શ્રવણે માતા પિતાની ઇચ્છા પૂરી કરવા માતા પિતાને કાવડમાં બેસાડ્યા હતા અને તેમને હરિદ્વાર લાવ્યા હતા અને ગંગા સ્નાન કરાવ્યું હતું. તેઓ પરત ફર્યા ત્યારે ગંગાજળ લઇને ગયા હતા.
ભગવાન રામે પણ કરી હતી કાવડયાત્રા
કેટલીક માન્યતા અનુસાર ભગવાન રામ પ્રથમ કાવડિયા હતા. તેમણે બિહારના સુલ્તાનગંજથી કાવડમાં ગંગાજળ ભરીને બાબાધામમાં શિવલિંગ પર અભિષેક કર્યો હતો. તો કેટલાક પુરાણોની વિગતો પ્રમાણે શિવભકત રાવણે પણ કાવડયાત્રા કરી હતી. સમુદ્ર મંથનમાંથી નીકળેલા વિષને પીવાથી ભગવાન શિવનું ગળું નીલા રંગનું થઈ ગયું હતું અને તેઓ નીલકંઠ કહેવાયા. પરંતુ ઝેરની ભગવાન શિવ પર નકારાત્મક અસર પડી. આ અસરમાંથી મુક્ત થવા શિવે પોતાના પરમ ભક્ત રાવણને યાદ કર્યો. રાવણે કાવડમાં જળ ભરીને મહાદેવ મંદિરમાં શિવજી પર જળાઅભિષેક કર્યો હતો અને ત્યારથી કાવડયાત્રાની પરંપરા શરૂ થઈ છે તેમ મનાય છે.
સરસ્વતીનાં જળથી શિવજીને અભિષેક કરવા માટેની કાવડયાત્રા
શ્રાવણ માસ એટલે ભોળાનાથ શિવની ઉપાસના કરવાનો માસ. શ્રદ્ધાળુઓ ભોળાનાથને રીઝવવા માટે જપ, પૂજા, ઉપવાસ, વ્રત જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ આ માસ દરમિયાન કરે છે. કોઈ ભક્ત શિવજીને બિલીપત્ર અર્પણ કરવાનો સંકલ્પ કરે છે તો કોઈ શિવજીને દૂધ કે જળ ચઢાવવાનો સંકલ્પ કરે છે. સૌ પોતપોતાની રીતે, પોતાની આસ્થા અને શ્રદ્ધા અનુસાર શિવભક્તિ કરે છે. શિવમંદિરોમાં બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શિવપૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસમાં શિવજીને જલાભિષેક કરવાનું ખૂબ મહાત્મ્ય છે અને તેમાંય સરસ્વતી નદીના જળથી શિવજીને અભિષેક કરવાનું પૌરાણિક મહત્વ છે. એક માહિતી મુજબ આ માસ દરમિયાન ગુજરાતના ૪૫૦ જેટલાં ગામોમાં શિવજીને સરસ્વતીના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવે છે.
શિવમંદિરોની નગરી સિદ્ધપુર અને આજુબાજુના ગામોમાં પણ શ્રાવણ માસનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. એક જમાનામાં જ્યારે સરસ્વતીમાં પાણી વહેતું ત્યારે શ્રાવણ માસ દરમિયાન શિવજીને અભિષેક કરવા માટે સરસ્વતીના તટે પવિત્ર જળ લેવા કાવડિયાઓની કતારો લાગી જતી. આ માટે શ્રાવણ માસ નજીક આવતાં જ ગામના આગેવાનો દ્વારા ગામવાસીઓને ભેગા કરવામાં આવે અને આ માટે આગોતરું આયોજન કરવામાં આવતું હતું. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવમંદિરમાં સરસ્વતી જળનો અભિષેક કરવા માટે સિદ્ધપુરથી સરસ્વતીનું જળ ભરી લાવવા માટે યુવાનોના વારા બંધાય અને આ વ્યવસ્થા મુજબ રોજ ગામના પાંચ-પાંચ યુવાનો કાવડ લઈને સિદ્ધપુર આવે જે કાવડિયા તરીકે ઓળખાય. આ કાવડિયા સિદ્ધપુર સરસ્વતી નદીના સામે કિનારે આવેલ સ્વયંભૂ અરવડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ અને વાલકેશ્વર મહાદેવના મંદિરે આવી પવિત્ર સરસ્વતી નદીમાં સ્નાન કરી, મહાદેવના દર્શન કરી, સરસ્વતી નદીનું પવિત્ર જળ કાવડના કુંભમાં ભરે અને ખુલ્લા પગે ચાલતા ચાલતા પોતાના ગામમાં જઇ શિવમંદિરે આ જળ અર્પણ કરે. આ રીતે નિત્યક્રમ મુજબ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સિદ્ધપુરના આજુબાજુનાં ગામોમાંથી કાવડિયા સિદ્ધપુર સરસ્વતી કિનારે જળ ભરવા આવતા રહેતા. આ રીતે આખો મહિનો શિવજીને સરસ્વતીનાં પવિત્ર જળનો જલાભિષેક કરવામાં આવે. હરિદ્વારની કાવડયાત્રા જેટલું જ મહાત્મ્ય સરસ્વતીના જળથી શિવજીને અભિષેક કરવા માટેની કાવડયાત્રાનું પણ ગણાય.
પણ...
હવે પરિસ્થિતી બદલાઈ છે.
સરસ્વતીનાં નીર સૂકાયાં અને ભર ચોમાસે પણ સરસ્વતી કોરીધાક્કોડ પડી હોય છે.
શું પરિસ્થિતિ થઈ હશે આ કાવડયાત્રાની બદલાયેલી પરિસ્થિતીમાં?
શું કાવડયાત્રા અટકી ગઈ?
જવાબ છે, ના !
આજે પણ કાવડિયાઓ શ્રાવણ માસમાં સિદ્ધપુર સરસ્વતી નદીનો કિનારો શોધતા આવે છે અને હવે ભૂગર્ભનું પાણી સરસ્વતીનું છે એવું માની બ્રહ્માંડેશ્વર કે અરવડેશ્વર ખાતેથી ભૂગર્ભમાંથી ખેંચી કઢાયેલું જળ પોતપોતાને ગામે લઈ જઇ શિવનો અભિષેક કરે છે.
સવાલ ભાવનાનો છે અને એટલે જ...
કહેવત પડી છે, ‘જો મન હોય ચંગા તો કથરોટમેં ગંગા’.
હા ! સદનસીબે કાવડયાત્રા અત્યારે પણ ચાલુ જ રહી છે.