Thursday, May 21, 2015
નેતૃત્વ એ જશભાઈના જીન્સમાં હતું. કોઈપણ પ્રશ્નની સમજ કેળવવી અને લાગે કે આમાં આંદોલન સિવાય કોઈ ઉપાય નથી તો બિલકુલ લોખંડી તાકાતથી આંદોલનનો રાહ લેવો એ જશભાઈનો સ્વભાવ થઈ ગયો હતો. આમ છતાંય સંપૂર્ણપણે ગાંધી વિચારસરણી એમને સતત દોરતી રહી હોય એવું લાગે છે. આંદોલન સમયે ગજવેલની ઠંડી તાકાત પણ એ પછી અત્યંત ઉષ્માભર્યો અને પ્રેમાળ સ્વભાવ જશભાઈને અજાતશત્રુ બનાવવામાં કારણભૂત જણાય છે. જશભાઈ નોકરીમાં જોડાયા ત્યારે ટેકનીકલ સેવામાં દાખલ થતાં ઈજનેરોની સ્થિતિ કંઈક વિચિત્ર હતી. બી.ઈ.ની ડીગ્રી મેળવનાર ઈજનેર જુનીયર એન્જિનિયર ત્રીજા વર્ગના કર્મચારી તરીકે નોકરી શરુ કરતો. ઘણા લાંબા સમયે એને નાયબ ઈજનેર તરીકેનું પ્રમોશન મળતું. અહીંયા પણ કાર્યપાલક ઈજનેરની સમકક્ષ કામગીરી કરનાર સબ ડિવિઝનલ હેડ ખાસ કોઈ માન્યતા વગર નોકરી કૂટે રાખતો. જશભાઈને આ કઠ્યું. સરકારમાં પણ ટેકનીકલ અધિકારી ગમે તેટલો બહોળો અનુભવ હોય તો ય સંયુક્ત સચિવ અને મુખ્ય ઈજનેરના હોદ્દા સુધી જ જઈ શકતો. આગળ સચિવની જગ્યા માત્ર સનદી સેવાના અધિકારી માટે હતી. આવું કેમ ચાલે ? જશભાઈ એન્જિનિયર એસોસિએશનના આખા રાજ્યના પ્રમુખ હતા. એમણે માંગ ઉઠાવી જુનીયર એન્જિનિયરના હોદ્દાને રીડેઝીગ્નેટ કરી આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર તરીકે વર્ગ બેનું ગેઝેટેડ સ્ટેટસ આપવું, નાયબ ઈજનેર નહીં પણ નાયબ કાર્યપાલક ઈજનેરનો હોદ્દો અને એને અનુસાર ડેલીગેશન ઓફ પાવર ડેપ્યુટી એન્જિનિયર માટે કરવા. સરકારમાં જાહેર બાંધકામ ખાતાના સર્વોચ્ચ અધિકારી તરીકે આઈએએસ નહીં પણ ટેકનીકલ અધિકારી મુકવા. આંદોલને વેગ પકડ્યો. એ જમાનામાં સરકારી કર્મચારીઓનું આવું આંદોલન કલ્પના બહારની વાત હતી. જશભાઈની લડત આગળ વધી. જડબેસલાક હડતાળનું એલાન અપાયું. રાજ્યના જાહેર બાંધકામ વિભાગના ચક્કાજામ થઈ ગયા. શ્રી જશવંત મહેતા તે સમયે આ વિભાગના મંત્રી હતા. એમણે કહેણ મોકલ્યું હડતાળ પાછી ખેંચો તો જ પ્રશ્નોની વિચારણા થશે. જશભાઈ મૂંઝાયા. હવે શું કરવું? યુનીયન લીડર તરીકોની એમનો અનુભવ કહેતો હતો કે કોઈપણ હડતાળ લાંબી ચાલે એટલે ઢીલી પડવા માંડે છે. આમ હડતાળીયા કર્મચારીઓનું જોશ જળવાઈ રહે અને ધ્યેય સિદ્ધ થાય બન્ને જોવાનું હતું. બીજી બાજુ સરકાર મચક આપતી નહોતી. હડતાળ પાછી ન ખેંચાય ત્યાં સુધી કોઈ વાટાઘાટો નહીં એવું અક્કડ વલણ એણે અપનાવ્યું હતું. વળી પાછા જશભાઈ પહોંચ્યા સનત મહેતા પાસે. સનતભાઈએ સરસ સલાહ આપી. તમારું પણ રહે અને સરકારનું પણ માન જળવાય એવો મધ્યમ વર્ગ અપનાવો. હડતાળ હાલ પૂરતી મોકૂફ રાખી દો અને મંત્રણાના ટેબલ પર બેસો. જો સંતોષજનક ઉકેલ નહીં આવે તો અમે પાછા હડતાળ પર જઈશું એ ધમકીની તલવાર લટકતી રાખો. ઉપાય કારગત નીવડ્યો. મંત્રણાઓમાં સરકારે લગભગ બધી જ માંગ સ્વીકારી. જુનીયર એન્જિનિયર વર્ગ બેનો રાજ્યપત્રિત અધિકારી બન્યો ! અને એના હોદ્દાનું ટાઈટલ પણ આસિસ્ટન્ટ એક્ઝીક્યુટીવ એન્જિનિયર થયું. હેરોલ્ડ જીનીન નામના મેનેજમેન્ટ એક્ષપર્ટે કહ્યું છે કે માણસ બે રીતે મેળવે છે. એક પૈસા કે પગારરુપે અને બીજું અનુભવ કે સ્ટેટસરુપે. એવું પણ કહેવાય છે કે અ હ્યુમન બીઈંગ વર્કસ ફોર ઓન્લી ટુ થીંગ્સ આઈધર લવ એન્ડ અફેક્શન ઓર મની. કાળા માથાનો માણસ કાંતો લાગણી /પ્રેમ માટે કામ કરે છે અથવા પૈસા માટે કામ કરે છે. આમ હોદ્દો કે માન મળે એ પણ એક પ્રકારનું પ્રોત્સાહન છે. જશભાઈ આખી કેડર માટે આ લઈ આવ્યા. આવનાર પેઢી જશભાઈને આ માટે યાદ કરશે એમાં કોઈ શંકા નથી. આની સાથોસાથ શ્રી એમ.ડી. પટેલ માર્ગ અને મકાન વિભાગના પ્રથમ સચિવ બન્યા. આજે પણ માર્ગ અને મકાન વિભાગ તેમજ સિંચાઈ વિભાગના સચિવ તરીકે ટેકનીકલ અધિકારીઓ જ છે. આમાંથી જ સી.સી. પટેલ જેવા કેટલાક કેન્દ્ર સરકારના સચિવ પણ બન્યા તેમજ શ્રી પી.એ. રાજસાહેબ અને શ્રી એસ.એસ. રાઠોર જેવા અધિકારીઓ અધિક મુખ્ય સચિવશ્રીના કલ્પનાતીત ઉચ્ચ હોદ્દા પર પણ પહોંચ્યા. એમની આ પ્રાપ્તિના મૂળમાં જશભાઈની પેલી હડતાળ અને આંદોલન છે એવું કેટલા જાણે છે ?
જો કે જશભાઈની આ સમગ્ર હડતાળનું એક ખૂબ મોટું નકારાત્મક પાસું તે પહેલા નિયમિત રીતે ચાલતું ડાયરેક્ટ રીક્રુટમેન્ટ લગભગ બંધ થઈ ગયું તે છે. આના સીધાં પરિણામો આજે ટેકનીકલ વિભાગોમાં સક્ષમ સીનીયર અધિકારીઓની જબરજસ્ત ખેંચ ઉભી થવા પામી છે તે છે. આજે પણ આ કારણથી ઉચ્ચ કક્ષાએ અધિકારીઓની તંગી છે અને વધશે. ફળ સ્વરુપ સમય એવો આવશે કે પૂરતી સીનીયોરીટી ધરાવતો અધિકારી નહીં મળે અને આ ટેકનીકલ વિભાગો વળી પાછા આઈએએસ અધિકારીઓના હાથમાં જશે. જશભાઈના આંદોલનની આ એક દૂરોગામી નકારાત્મક અસર છે.
જશભાઈ વરસો સુધી ગુજરાત રાજ્ય મદદનીશ ઈજનેર મંડળના પ્રમુખ અને માર્ગદર્શક રહ્યા. આ મંડળનું પચ્ચીસમું વાર્ષિક અધિવેશન 3 જુલાઈ, 1999ના રોજ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું હતું જેના અધ્યક્ષ તરીકે તત્કાલીન મંત્રીશ્રી માર્ગ અને મકાન તથા નાની સિંચાઈશ્રી નિતિનભાઈ પટેલ હતા જ્યારે ઈજનેરોના ન્યાયી પ્રશ્નો અંગે લડત આપી ન્યાય હાંસલ કરનાર નિવૃત્તિ ઈજનેર અને પૂર્વ પ્રમુખ જશભાઈ પટેલનું મંડળની રજત જ્યંતિ પ્રસંગે મારા હાથે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું એ મારા માટે પણ યાદગાર પ્રસંગ હતો. હું તે સમયે નર્મદા વિકાસ અને મોટી સિંચાઈ વિભાગનો મંત્રી હતો.
જશભાઈ નિવૃત્ત થયા પછી વડોદરા સ્થાયી થયા છે. આજે એક્યાશી વરસની વયે પણ યુવાનોને શરમાવે તેવું જોમ અને જુસ્સો એ આ સદાબહાર નેતા જશભાઈની આગવી મૂડી છે. અત્યંત નિખાલસ સ્વભાવ સાહજિક રીતે બાળકની જેમ ખડખડાટ પ્રગટ થતું હાસ્ય, આંખોમાં એ જ તેજ અને ખુમારીવાળો આ આગેવાન હજુ પણ પારકી છઠ્ઠીનો જાગતલ બની દોડતો રહે છે. નિવૃત્ત થયા પછી પણ ગીતાના કર્મયોગના સિદ્ધાંત મુજબ આ કર્મયોગીએ પ્રવૃત્તિ ચાલુ જ રાખી છે. જશભાઈ માને છે કે આપણા પ્રશ્નના ઉકેલમાં સરકાર બધું કરી નાંખશે એમ વિચારી અને હાથ જોડી બેસી રહેવાથી પ્રશ્ન ઉકેલાતો નથી. ક્યારેક આજની આ “મારે શું ?” મનોવૃત્તિ ઉપર એ નારાજગી પણ બતાવે છે. જશભાઈની વાત સાચી છે. આ દેશ આઝાદ થયો અને આપણે લોકશાહી વ્યવસ્થામાં જીવતા થયા ત્યારથી દરેક રાજકીય પક્ષ સત્તાના સ્વયંવરમાં વરમાળા પહેરવા બિંદાસ્ત વચનો આપે જ રાખે છે. સરકાર બધું કરશે. બધું મફતમાં કરશે. જાણે કે આ દેશની લોકશાહીમાં જીવતી પ્રજાની એકમાત્ર ફરજ વસ્તીવધારા સિવાય કંઈ છે જ નહીં! જશભાઈની વિચારસરણી કંઈક હટકે છે. 1996માં સુભાનપુરા વિસ્તારની પોસ્ટ ઓફિસ બંધ પડી. પરિસ્થિતિ એવી ઉભી થઈ કે કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થાને અભાવે અહીંયાં ટપાલનું વિતરણ અને ટપાલ સેવાઓ ખોરવાઈ ગઈ. વિસ્તારની પ્રજાની હાડમારીનો પાર ન રહ્યો. અગત્યના કાગળો જેવા કે ઈન્ટરવ્યુ લેટર, ટેલીફોન બીલ્સ, ડિવિડન્ડ વોરન્ટસ વિગેરે ઘણા જ વિલંબથી એનાં ગંતવ્ય સ્થાને પહોંચતા. સ્થાનિક ટપાલને પહોંચતાં ચાર પાંચ દિવસ લાગતા. પરિસ્થિતિ અસહ્ય બનતી ચાલી. છેવટે 1996માં આ જંગ જશભાઈએ હાથમાં લીધો. પોસ્ટ ઓફિસ માટેની માંગના ટેકામાં એમણે એક ટેબલ અને ખુરશી મુકી ફૂટપાથ પોસ્ટ ઓફિસ શરુ કરી. ખાડે ગયેલી ટપાલ સેવાને ટપલી મારી પુનઃ ચેતનવંતી બનાવવા જશભાઈ પટેલે લોકસેવાને ઈરાદે ઈલોરા પાર્ક નજીક કેશ એન્ડ કેરી દુકાન પાસે ફૂટપાથ ટપાલ સેવાનો પ્રારંભ કર્યો. ઈલોરા પાર્ક વિસ્તારના લોકોને એમણે પોસ્ટલ દરથી જ ટપાલ સેવા આપવાની શરુઆત થઈ. જશભાઈને પણ ખબર હતી કે આ વ્યવસ્થા પ્રશ્નનો કાયમી ઉકેલ નથી પણ આંદોલનના પ્રતિકરુપે એમણે સવારના નવથી બાર અને સાંજે સાડા પાંચથી સાત સુધી આ સેવાઓ ચાલુ રાખી. જશભાઈનું આ આંદોલન ખાસ્સાં છ વરસ ચાલ્યું. છેવટે 3 જાન્યુઆરી 2001ના રોજ વડોદરા રીજીયનના પોસ્ટ માસ્તર જનરલ ડી.કે. બુડકીના હાથે નવા પોસ્ટ ઓફિસ બિલ્ડીંગનું ઉદઘાટન થયું અને આ આંદોલન સમેટાયું. સુભાનપુરા પોસ્ટ ઓફિસના મકાનનું ઉદઘાટન કરતાં પોસ્ટ માસ્તર જનરલે કહ્યું “આ પોસ્ટ ઓફિસ ખોલવા માટે જશભાઈ કા જાદુ કામ કર ગયા. જે આપ સહુ આજે જોઈ રહ્યા છો.” આમ પોસ્ટ ઓફિસ સેવાઓ માટેના આંદોલનનો સફળતાપૂર્વક અંત આવ્યો. વળી એક પ્રજાલક્ષી લડાઈ જશભાઈ લડ્યા અને જીત્યા. નાનાં મોટાં જનસેવાના કામ આ માણસ અવિરત સંપૂર્ણ લગનીથી કરતો રહ્યો છે. સુભાનપુરામાં આવેલ ગંગા જમના સોસાયટીનું જશભાઈનું નિવાસસ્થાન આજે પણ થાક્યાં હાર્યાં અનેક માટે વિસામો છે. જેમ એક કુશળ અને સંવેદનશીલ ડોક્ટરનો હાથ અડતાં જ અડધું દરદ જતું રહે છે તેમ જશભાઈને તમે મળો એટલે એની નેકદીલી અને સંવેદનાનો સ્પર્શ તમને રણમાં મીઠી વીરડી જેવો લાગે છે. આ જશભાઈએ ભરુચ, વડોદરા, વડતાલની વરસોથી ચાલતી ટ્રેન બંધ થતાં ઉભી થયેલ પરિસ્થિતિમાં રેલ્વે તંત્ર સામે બાથ ભીડી એ ફરીથી ચાલુ પણ કરાવી છે તો સુભાનપુરામાં લોકભાગીદારીથી સરસમજાનો બગીચો પણ બનાવડાવ્યો છે. આ બધી વાતો પણ રસપ્રદ છે. જોઈશું હવે પછી.