featured image

શનિવાર તારીખ ૧૨મી જૂન, ૨૦૨૧ના દિવસે સવારે એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ચકાસણી કરાવવા આવ્યો ત્યારે મારું આયોજન તો એ દિવસે બપોર પછી ઓફીસ જવાનું હતું. નિયતિએ કંઈક જુદું જ નિર્માણ કર્યું. શનિવારે હું ચકાસણી કરાવવા માટે ડૉ. તેજસભાઈ પટેલ પાસે આવ્યો. ત્રણ ટેસ્ટ થયા. પહેલો, કાર્ડિયોગ્રામ, બીજો ઇકો અને ત્રીજો એક્સ-રે. ડૉ. તેજસભાઈની નિષ્ણાત આંખોએ તરત માપી લીધું, ‘બોસ, મામલા કુછ ગંભીર હૈ.’ ત્યાર પછી એન્જિયોગ્રાફી થઈ એટલે ડૉ. તેજસભાઈની દહેશત સાચી પડી. બાય ધ વે, એન્જિયોગ્રાફી બે રીતે થાય છે. એક સાથળના સાંધામાં ધોરી નસ ફ્યુમોસ ભેગીને. ઇન્ટરવેન્શનીસ્ટ કાર્ડિયોલોજીસ્ટ શરીરમાં પ્રવેશે છે અને હૃદયના મસલને લોહી પૂરું પડતી નસોની તપાસ કરે છે. બીજી રીત છે કાંડામાં આવેલી રેડીયલ આર્ટરીમાંથી પ્રવેશ કરી ફટાફટ કામ પતાવી બહાર આવી જાય છે. એક ગુજરાતી તરીકે ગૌરવ થાય કે ડૉ. તેજસ પટેલે રેડીયલ આર્ટરી એન્જિયોગ્રાફીની શોધ કરી અને એટલી તજજ્ઞતા હાંસલ કરી છે કે ડૉ. તેજસભાઈની એન્જિયોગ્રાફી ‘એન્જોયગ્રાફી’ બની જાય છે. દરદીને ખબર પડે તે પહેલાં તો કામ પતી ગયું હોય અને ડોક્ટર તેમજ દરદી ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળી જાય છે! ડૉ. તેજસભાઈ પટેલે એન્જિયોગ્રાફી કરી અને પછી પરિણામ જાહેર થયું એ મુજબ મેઇન વેસેલ્સમાં મલ્ટીપલ બ્લોકેજ હતા. સ્ટેન્ટ મૂકવો એ આનો ઉપાય નહોતો. મારા ત્રણેય ડોક્ટર સાહેબો, ડૉ. નવનીતભાઈ શાહ સાહેબ, ડૉ. તેજસભાઈ પટેલ સાહેબ અને ડોક્ટર રાજ ભગત સાહેબએ એકમતે નિર્ણય આપ્યો કે તમારું હૃદય હજુ પાંત્રીસ વરસના યુવાન જેટલું સશક્ત છે પણ જો હાર્ટ અટેક આવે તો ગમે તે થઈ શકે. મારો પ્રશ્ન હતો, ‘શું કરવાનું?’ થોડાક ખચકાટ સાથે આ ત્રણેય સાહેબોએ જણાવ્યું કે બાયપાસ એકમાત્ર આનો ઉપાય છે. એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્યૂટ નંબર ૧૦૯માં હું એ વખતે કોટ પર બેઠો હતો. ડોક્ટર સાહેબોની અપેક્ષા હતી કે હું ગલ્લાંતલ્લાં કરીશ. મેં એમને લગભગ અચંબામાં મૂકી દીધા. મારો જવાબ હતો, ‘જો બીજો કોઈ ઉપાય જ ન હોય તો બાયપાસ કરી નાખો. મારે તો ઊંઘી જ જવાનું છે. જે કરવાનું છે તે નિષ્ણાત સર્જનોએ કરવાનું છે અને મને તમારામાં વિશ્વાસ છે.’ આ ત્રણેય ડોક્ટર સાહેબોની અપેક્ષા બહારનો જવાબ હતો. પણ ઘરે જઈ અને અવઢવમાં પડવું એના કરતાં પેલા ૩૫ વરસના હૃદયને જાળવવું એ મારી પ્રાથમિકતા હતી. એમનું કહેવું હતું કે જો અત્યારે ઓપરેશન કરી દઈશું તો વીસ-પચીસ વરસ આરામથી નીકળી જશે. હવે ૭૫ વરસની ઉંમરે આથી વધારે ઈન્સેન્ટીવ શું આપી શકાય? એટલે મેં કહ્યું કે ‘હું હવે આજ ઘડીથી દાખલ. આગળ વધો.’ સાહેબોને ક્યાં ખબર હતી કે મેં કેબિનેટ મંત્રી પદેથી એક ક્ષણ વારમાં રાજીનામું આપી દીધું હતું કે પછી કોઈ નોકરી હાથ પર ન હોવા છતાં ‘હું કમાટીબાગના ઝાંપે ઉભો રહી ચણાજોર ગરમ વેચીશ પણ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનિયરીંગમાં આગળ હવે નોકરી નહીં કરું’ કહીને માત્ર ૧ મહીનાના નોટિસ પીરિયડે નોકરી છોડી દીધી હતી. સવારે ઓફિસે આવ્યો ત્યારે કોઈ ખબર જ નહોતી કે ઇન્ડસ્ટ્રીયલ એકટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નોકરીમાં એ છેલ્લો દિવસ હતો. ખાનપુર ભારતીય જનતા પાર્ટી કાર્યાલયથી ફોન આવ્યો અને ત્રણ મહિનાનો નોટિસ પગાર ભરીને એ જ દિવસે સાંજે છૂટો થઈ ગયો. આ તો માત્ર ફિઝિશિયન્સ સેમ્પલ છે. અંગ્રેજીમાં કહેવત છે – ‘વ્હેર એન્જલ્સ ડુ નોટ ડેર, ફૂલ્સ ટ્રેડ ઇન’, હું માનું છું કે મારામાં એક મૂરખ સદૈવ જીવી રહ્યો છે. એટલે ડાહ્યા માણસો જે નિર્ણય લેવામાં મગજ ચલાવે એ ટેવ મને પડી જ નથી. આ લેખ વાંચનારને પણ મારી સલાહ છે કે કોઈપણ પ્રશ્ન ઉભો થાય, જીવન-મરણ વચ્ચે નિર્ણય લેવાનો હોય ત્યારે બે વસ્તુ કરવી, એક, ઉત્તમ નિષ્ણાતની સલાહને અનુસરવું અને બીજી, મગજનાં બારીબારણાં બંધ કરી દેવાં. બસ, મેં આ જ તો કર્યું.

હવે એક બીજો પ્રશ્ન ઊભો થયો. મુંબઈમાં આ ઓપરેશન માટે જાણીતા એક બહુ મોટા સર્જન છે. તમારું ગજવું ખાસ્સું હળવું કરાવે એવી વિશિષ્ટ સંવેદનહીનતા તેમણે પાળીપોષીને ઉછેરી છે. ડૉ. તેજસભાઈ સાહેબે મને પૂછ્યું, ‘બોલો, મુંબઈથી આમને બોલાવવા છે?’ પાંચ-દસ સેકન્ડથી વધુ નહીં વિચાર્યું હોય. મેં તેજસભાઈને પૂછ્યું કે ‘અમદાવાદમાં કેટલા લોકો આમને બોલાવે છે?’ એમણે કહ્યું, ‘પાંચેક ટકા.’ મેં કહ્યું, ‘બાકીના ૯૫ ટકાની સાથે મને રાખો. મને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને નિષ્ણાત સર્જન ડૉ. મેહુલભાઈ શાહમાં પૂરો વિશ્વાસ છે. મેહુલભાઈ શાહે પણ આ ખ્યાતિપ્રાપ્ત ડોક્ટર સાથે કામ કર્યું છે એટલે નિષ્ણાત છે, પણ એથીય વધારે એ માણસ છે. હું સંપૂર્ણપણે આ ઘડીથી તમારે હવાલે.’ સર્જરી તો ત્રણ દિવસ પછી કરવાની હતી પણ મારો જવાબ હતો, ‘મારે ઘરે નથી જવું. આટલી સરસ હોસ્પિટલમાં તમે હોવ અને કંઈ પણ તકલીફ થાય તો એનાથી વધારે સલામતી બીજી કોઈ ના હોઇ શકે’, અને આપણે અઠ્ઠે દ્વારકા કરીને રોકાઈ પડ્યા. શનિ-રવિ-સોમ થોડાંક ઇન્વેસ્ટિગેશન્સ થયાં. પણ એથીય વધારે તો એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની કેન્ટીનના ખોરાકને માણ્યો. જે કાંઈ ભાવતું હતું તે મન ભરીને ખાધું. ત્રણ દિવસ ક્યાં જતા રહ્યા તે ખબર ના પડી.

મંગળવાર તારીખ ૧૫મી જૂન, ૨૦૨૧, પહેલી સર્જરી મારી હતી. આપણે મસ્તીથી બાબા સાંઈનાથનું નામ લઈ સ્ટ્રેચર પર સવાર થઈ ગયા. ડૉ. મેહુલભાઈ શાહની વિશિષ્ટતા એ છે કે એક કલાકારની કુનેહથી એ ઓપરેશન કરે છે. છાતીમાંથી જ નળી લઈ બાયપાસ કરે છે એટલે હાથે કે પગે કોઈ નિશાન રહેતું નથી. અને પેલી નળી પાડોશમાંથી જ આવી હોય એટલે વાટકી વહેવારને નાતે જામી પડે છે. ઓપરેશન થઇ ગયું. સાંજે પાંચ સાડા પાંચ થયા હશે, હું ભાનમાં આવ્યો. આ ઓપરેશનમાં ગળામાંથી ફેફસાંમાં જતી શ્વાસનળીમાં ટ્યુબ નાખે છે એટલે એ ટ્યુબ નીકળે નહીં ત્યાં સુધી બોલી શકાતું નથી. થૂંક ઉતારવું પણ મુશ્કેલ કામ છે. મને ડૉ. શૈલેષભાઈ દેસાઈની સલાહ ખૂબ કામ આવી. એમણે કહેલું કે, ‘ડોન્ટ ફાઈટ વીથ ધ ટ્યુબ, એની સાથે સહકારથી વર્તશો તો ગળામાં છોલાશે નહીં અને અવાજ બેસી નહિ જાય કારણ કે તમારી સ્વરપેટીને નુકશાન નહીં થાય.’ બસ આ સલાહને અનુસરી શકાઇ એ સારું થયું, બાકી અનુસરવી અતિ મુશ્કેલ છે. ભાનમાં આવીએ એટલે જાતજાતના અનુભવો થાય. સર્જીકલ આઈસીયુમાં રાત છે કે દિવસ એ ખબર ના પડે. આપણે મન મનાવ્યું, કઈ શરાફીની પેઢી પર બેસવાનું છે રાત કે દિવસ જાણીને? ડોક્ટર સાહેબની આખી ટીમ ખડેપગે હાજર હોય છે. મને જેમણે બેભાન કર્યા ત્યાંથી માંડીને ડૉ. મેહુલભાઈ સાહેબ અને ડૉ. તેજસભાઈ પટેલ સાહેબ સુધી નિષ્ણાત ડોક્ટર રાઉન્ડ-ધ-ક્લોક હાજર હોય છે. પણ મને સ્પર્શી ગયું એક એટેન્ડેન્ટની સહૃદયતા અને સહાનુભૂતિ. આસોડા ગામનો આ યુવાન ખૂબ મજાનો માણસ. સેવા એ પૂજા સમજીને કરે. ભાનમાં આવ્યા બાદ મારી ત્રણ દિવસની સર્જીકલ આઇસીયુની યાત્રા આ ભાઈને કારણે અત્યંત સરળ બની.

હા, છેલ્લે થોડી અધીરાઈ થઈ હતી. સર્જીકલ આઈસીયુમાંથી એક દિવસ વહેલા બહાર નીકળવા માટે મેં ડોક્ટર તેજસભાઈને વાત કરી. બિલકુલ આર્મીના અધિકારીની માફક તેમણે અત્યંત સ્પષ્ટ અવાજમાં કહ્યું, ‘નથીંગ ડુઇંગ, સર્જીકલ આઇસીયુનો સમય પૂરો ન થાય ત્યાં સુધી વી શેલ નોટ પરમીટ યુ ટુ ગો આઉટ.’ જે શક્ય ન હોય એની સાથે માથાં કૂટવા એ મારો સ્વભાવ નથી. આપણે મનોમન સ્વીકારી લીધું. આંખો મીંચી દીધી, સુઈ ગયા. પેલી ગળાની ટ્યુબ પણ હવે બહાર હતી એટલે એની ચિંતા નહોતી પણ બોલવામાં ઘણી તકલીફ હતી. વાચક મિત્રો, આવું થાય ત્યારે દીવાલ સાથે માથાં પછાડવાનો કોઈ અર્થ નથી. વન શૂડ ટેક ધી થિંગ્સ ઇન હીઝ ઓન સ્ટ્રાઇડસ. તમે જ્યારે તમારી જાતને નિષ્ણાત ડૉક્ટરોના હાથમાં સમર્પિત કરો છો ત્યારે બહુ મગજ ચલાવવાનો અવકાશ રહેતો નથી. પૂરી શ્રદ્ધાથી એની સાથે સહકાર કરવો એ સાચો રસ્તો છે.

નીચેના શ્લોકમાં કહ્યું છે –

મંત્રે તીર્થે દ્વિજે દેવે, દૈવજ્ઞે ભેષજે ગુરો

યદૃશી ભવન યસ્ય, સિદ્ધિર્ભવતિ તાદૃશી.

અર્થાત મંત્ર, તીર્થ, દ્વિજ (બ્રાહ્મણ), તમને જેની આસ્થા હોય તે દેવ, જ્યોતિષી, દવા અને ગુરુ – આ સર્વેમાં આપણી જેવી ભાવના હોય તેવી જ સિદ્ધિ આપણને મળે છે.

એને અનુસરીને મેં ડૉ. તેજસભાઈનો નિર્ણય મારા હિતમાં જ હોય એ સ્વીકારી લીધું.

બસ ત્રણ દિવસ પછી આપણે સર્જીકલ આઈસીયુમાંથી જનરલ આઇસીયુમાં પાછા સ્યૂટ નંબર ૧૦૯માં આવી ગયા. હવે જીવન વધુ સરળ અને આનંદદાયક લાગ્યું. એક આડવાતનો ઉલ્લેખ કરવો છે. એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના કર્મચારીઓમાં મેં એક ખાસ વાત જોઈ. વિનમ્રતા અને પોતાના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. હ્યુમન રિલેશન્સનો હું વિદ્યાર્થી છું, અનેક પ્રોગ્રામમાં મેં ભણાવ્યું છે. ઉપરના સ્તરે તો કમિટમેન્ટ હોય પણ જ્યારે એક સિક્યોરિટી અથવા વોર્ડબોય કે પછી દવાઓ આપવા આવતા સિસ્ટર, બધામાં તમને અણીશુદ્ધ પ્રતિબદ્ધતા જોવા મળે ત્યારે એ પ્રતિબદ્ધતા ઉભી કરનાર ટોચનું મેનેજમેન્ટ દાદ માંગી લે. આજે તારીખ ૨૨ જૂન ને મંગળવાર, મારો આ હોસ્પિટલમાં ૧૧મો દિવસ છે. હું અહીંયાં મજાથી રહ્યો છું. પ્રોસીજર કરાવવાનું હતું એમાં તો તમને ચિંતા થાય પણ ત્યાર પછી તમારે એક ક્ષણ પણ ચિંતા ના કરવી પડે, ના કોઈ નિયમોની જડતા. ડાયેટિશ્યન બેન આપણે શું ખાવું છે એ પૂછી ડિનર કે લંચનું અથવા બ્રેકફાસ્ટ કે ટી-ટાઈમનું મેનુ નક્કી કરે. મજા આવી જાય. આજે નાસ્તામાં મગની દાળના ચીલ્લા હતા, ખૂબ સ્વાદિષ્ટ. નર્સિંગના વડાં બેન અમારાં સિદ્ધપુરનાં છે એટલે દિવસમાં બે-ત્રણ વખત આંટો મારી જાય. ટૂંકમાં મજો મજો થઈ ગયો.

હવે કેટલાક વિશિષ્ટ અનુભવોની વાત કરીએ. આવડી મોટી સર્જરી થઈ હોય અને તમે લાંબો સમય સૂતા રહ્યા હોવ ત્યારે ફેફસાં, કિડની જેવા અવયવો પણ આરામમાં જતા રહેતા હોય છે. આમને રસ્તા પર લાવવા પડે. તમારી દૈનિક ક્રિયાઓ, શૌચ, પેશાબ, શ્વસનતંત્ર આ બધું હૃદય સાથે તાલમેલ મિલાવે તો જ પત્તો ખાય. સર્જરી બાદ જનરલ આઇસીયુમાં તમે આવો ત્યારે ઊભા રહેવાની પણ તાકાત નથી હોતી, સમતોલન નથી જળવાતું. મને પથારીમાંથી બેઠો કરવો, સ્પંજ કરવું, ટોયલેટ લઈ જવું, એ કામ માટે મારા મિત્રો વિષ્ણુભાઈ, રજનીકાંતભાઈ અને દિનેશભાઈ અહીં પણ ખડે પગે મારી સેવામાં હાજર રહ્યા. જરાય તકલીફ પડવા દીધી નહીં, જેને કારણે મારી દૈનિક ક્રિયાઓ પહેલે દિવસથી જ સરળતાપૂર્વક ચાલવા માંડી. મારી દવા વિગેરેની વ્યવસ્થા સંભાળતી બધી જ સિસ્ટર્સને મારા વંદન.  

હવે વારો હતો કસરત એટલે કે ફિઝિયોથેરાપી થકી રિહેબિલિટેશન એટલે કે પુનઃસ્થાપન. આ કામ સરળ નથી. સૌથી પહેલું તો ફેફસાંને રાઉઝ કરવાં પડે. એમાં કફ ન ભરાઈ જાય એ જોવું પડે. કિડનીનું કામ લયબદ્ધ થવા માંડે તે જોવું પડે અને શૌચક્રિયા નિયમિત થાય એનું ધ્યાન રાખવું પડે. હું આમેય સર્જરી પહેલા લાંબા વખતથી પ્રાણાયામ અને સ્પાઇરોમીટર એટલે રેસ્પિરેટરી એક્સરસાઇઝ મશીનથી સુપેરે પરિચિત હતો. નિયમિત કસરત કરવાની આ ટેવ મને અહીં કામ આવી. આપણે કસરતના પહેલા દિવસે ઇડરિયો ગઢ જીતી લીધો. મારા ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. હર્ષિતભાઈ અને ડૉ. સુમિતભાઈ રાજી થયા. ધીરે-ધીરે એમણે મને ખાંસી ખાઈ કફ બહાર કઈ રીતે કાઢવો એ શીખવાડ્યું. શરૂ શરૂમાં તો ખાસ્સો કફ નિકળ્યો, જે બહાર ન કાઢીએ તો ફેફસાંમાં જામ થઈ જાય. આ બંને ફિઝિયોથેરાપિસ્ટ સાહેબોની યોગ્ય તે સારવારને કારણે આવું કંઈ ન થયું, ફેફસાં ખાલી થઈ ગયાં.

પછી વારો આવ્યો ચાલવાનો. શરૂ શરૂમાં –

બાબુલ મોરા, નૈહર છૂટો હી જાયે...  બાબુલ મોરા, નૈહર છૂટો હી જાયે...  

ચાર કહાર મિલ, મોરી ડોલિયા સજાયે,

મોરા અપના બેગાના છૂટો જાયે... બાબુલ મોરા...

આંગના તો પરબત ભયો ઔર દેહરી ભયી બિદેશ...

આ ‘આંગના તો પરબત ભયો’વાળી વાત પહેલી વખત ચાલવાનું આવે ત્યારે સાચી લાગે. પહેલું પગલું ખૂબ મુશ્કેલ અને ભારે હોય છે. આમેય જિંદગીમાં પહેલું પગલું ના ઉપાડો તો આગળ કશું જ નથી. આ બંને ફિઝિયોથેરાપીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સાહેબોએ મને એ ડગલું ઉપાડતા શીખવ્યું. અને હવે તો સંતુલન પણ જળવાય છે અને ચાલી શકાય છે. ત્રણ-ચાર દિવસમાં મને જે રીતે પ્રોત્સાહિત કરી આ બંને ડોક્ટર સાહેબોએ ચાલતો કર્યો એ પણ અદભૂત છે.

આ પ્રકારના ઓપરેશનમાં નિષ્ણાત સર્જન તો જરૂરી છે જ પણ ઓપરેશન બાદના મેનેજમેન્ટ માટે સંપૂર્ણ તાલમેલમાં ચાલતી ટીમ જોઈએ.

ઓપરેશન કર્યું ત્યારે એ માટેની ટીમ જે ડૉ. મેહુલભાઈ સાથે જોડાઈ એમાં ડૉ. ચિરાગભાઈ હતા, જે એનેસ્થેટિસ્ટ છે, ડૉ. બિનીકાબેન હતાં જે પણ એનેસ્થેટિસ્ટ છે અને ત્યારબાદ તમે ડોક્ટર તેજસભાઈના મેનેજમેન્ટમાં આવી જાઓ છો. બધું જ સમય પ્રમાણે ચાલે છે. પણ સર્જીકલ આઈસીયુમાંથી જનરલ આઇસીયુમાં આવ્યા બાદ એક નવો પ્રશ્ન નડ્યો. રાત્રે એક રાક્ષસ આવે અને તમારા પર હાવી થઈ જાય. ગૂંગળાવી નાખે, છાતી પર બેસી જાય. આપણે તરફડીયા મારતા હોઈએ એવું લાગે. જાતજાતના અવાજો સંભળાય. ત્રણ દિવસ તો આવું ચાલ્યું. ચોથા દિવસે એનો ઉકેલ મળ્યો. એક દવા ખોટી હતી, એ આ બધું તોફાન કરતી હતી. બસ ત્યારથી છેલ્લા બે દિવસ ઘસઘસાટ ઊંઘ્યો છું. એક ઊંઘે સવાર.

મને મંગળવારે રજા આપી શકાઇ હોત પણ એક તો ગુરુવાર મારા સાંઈનો વાર છે અને બીજું અહીંથી ઘરે જવાનું મન થાય એવું નથી. સરસ મજાનો નાસ્તો, જમવાનું અને ખૂબ જ દરકાર કરતો સ્ટાફ. એણે એક જાતનું જોડાણ ઉભું કર્યું છે.

છેલ્લે જે પહેલા લખવું જોઈતું હતું તે,

મારો પરિવાર.

બે દીકરા, પુત્રવધૂઓ, બાળકો અને દીકરી-જમાઈ.

હજુ હમણાં જ ૧૬ માર્ચ ૨૦૨૧એ એમણે પોતાની મા ગુમાવી. ત્યારબાદ બે-અઢી મહિનામાં આ પ્રકારનો પ્રસંગે તેમની સામે આવ્યો ત્યારે ભલે બહાર મજબૂત હોવાનો દેખાવ કરતા હોય, એમની દહેશત અને વ્યથા અંતરને વલોવી નાખે એવી હશે. આખું કુટુંબ મારી સાથે ઊભું હતું. જેમ અગાઉ ડૉ. તેજસભાઈ પટેલની વાત કરી એમ મારો નાનો દીકરો સાકેત, એની ઝીણવટભરી કાળજી ખરી, પણ મગજ તેજસભાઈ જેવું, ખખડાવી નાખે. જો કે આમ તો પુત્ર સોળ વરસનો થાય એટલે એને મિત્ર ગણવો જોઈએ. એટલે મારા આખા કુટુંબને અધિકાર છે મને કંઈ પણ કહેવાનો. હા, એમાં એક અપવાદ છે અમારા બાળકો, પૌત્ર અને પૌત્રી, આ સમયગાળા દરમ્યાન એમણે મને ભરપૂર પ્રેમ આપ્યો છે. આ પ્રકારની કોઈ પણ ગંભીર સર્જરી કરાવવાની હોય ત્યારે તમારી પાસે તમારું કુટુંબ અડીખમ ન ઊભું હોય તો ખૂબ મોટી મુશ્કેલી થાય. પણ શિવ, શક્તિ અને સાંઇની અનરાધાર કૃપા મારા પર વરસતી રહી છે. એટલે મેં મારા સમગ્ર કુટુંબને આટલી મોટી હૂંફ અને નૈતિક ટેકો પૂરો પાડવા માટે વિશેષ ઉલ્લેખ કર્યો છે. કોઈ એમ કહી શકે કે એમની આ ફરજ છે પણ હસતાં મોંએ નાનામાં નાની વસ્તુઓની કાળજી રાખીને ફરજ અદા કરવી અને ફરજના નામે વેઠ ઉતારવી, બેમાં ઘણો ફરક છે. મને આવું પ્રેમાળ કુટુંબ મળ્યું છે એ પણ ઈશ્વરની કૃપા જ છે. મે ગોડ બ્લેસ ધેમ ઓલ.

આ આખીય પ્રક્રિયામાં મને સતત હૂંફ અને પ્રેરણા આપનાર મારા ત્રણ મિત્રો, પૂર્વ મંત્રીશ્રી બિમલભાઈ શાહ, પૂર્વ મંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ અને માન. સનતભાઈ મહેતાનાં પૂર્વ સચિવશ્રી જહૂરભાઈને કેમ ભૂલાય? આ ત્રણેય મિત્રો એ પણ સતત મારી કાળજી રાખી છે. એમનો આભાર.    

મારા આ હોસ્પિટલાઇઝેશન દરમિયાન મારા સાથીઓ ભાઈ હસમુખ વ્યાસ, કમલેશ દલાલ, નીતિન મારુડા, મારો ભત્રીજો હર્ષ, ભીખુભાઈ, ડ્રાઈવર વીનુ, વિક્રમ ગલસર બધાંએ એક કુટુંબ જેવા ભાવથી મારી દરકાર કરી. પૂર્વ જન્મની લેણદેણ જ, નહીં તો બીજું શું? મારી ઓફિસમાંથી સમયસર મારી રોજિંદાની પોસ્ટ મૂકવાથી માંડી અનેક નાનાં મોટાં કામ મારા અંગત સચિવ ચિરાગ પંચાલે સંભાળી ને મારી ગેરહાજરી વરતાવા ના દીધી. તો ભાઈ અજીત મોદી અને પરાગ શાહે નાણાં વ્યવસ્થાપન સંભાળી લીધું. આવડું મોટું લશ્કર મારી સાથે લડતું રહ્યું પછી ચિંતા ન જ કરવી પડે ને! નિસ્વાર્થ ભાવે એમની આ મદદનું મારા પર દેવું ચડ્યું એમાં કોઈ શંકા નહીં.     

સમાપનમાં કેટલાક મુદ્દા –

(૧) તમને હાર્ટ એટેક આવે તેવું કદી નહીં ઈચ્છીએ, પણ હાર્ટ એટેક આવતાં પહેલાં તમે નિષ્ણાત પાસે પહોંચી જાઓ તો નસીબદાર છો. પછી કશું જ ન વિચારશો. આજના જમાનામાં સર્જરી ખૂબ જ સરળ બની ગઈ છે. તમારી જાતને નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ કે કાર્ડિયોવાસ્ક્યુલર સર્જનના હાથમાં સોંપી દેજો, બધું સારું જ થશે. આમાં કોઇપણ પ્રકારની અવઢવ કે વિલંબ ઘાતક બની શકે છે. ઘાતક ના નીવડે તો તમારે વ્હીલચેરમાં બેસી ફરવું પડે એવી લાચાર જિંદગી ભોગવવી પડે છે. માટે આના જોખમો સમજો અને એક વખત ડોક્ટર કહે કે બાયપાસ સર્જરી કરાવી નાખો એટલે કરાવી જ નાખવી, એમાં બીજો કોઈ વિકલ્પ કે વિલંબ હોઈ જ ના શકે.

એન્જિયોગ્રાફીનો ઉલ્લેખ હું નથી કરતો એટલા માટે કે ડોક્ટર તેજસભાઈ જેવા નિષ્ણાત દસ મિનિટમાં તો તમારા હૃદયને હેલ્લો કહી પાછા આવી જાય છે એટલે એન્જિયોગ્રાફીને હું ‘એન્જોયગ્રાફી’ કહું છું. તમારો કાર્ડિયોગ્રામ ખરાબ આવે તો સત્વરે એન્જિયોગ્રાફી કરાવી લેવી.

(૨) તમારા પર ઓપરેશન કોણ કરશે એ ચોક્કસ તમે પસંદ કરી શકો પણ ત્યારબાદ કોઈ ચર્ચાઓમાં, અવઢવમાં કે જાતજાતના અભિપ્રાયો મેળવવામાં દમ નથી. આવું ના કરશો.

(૩) ૩૫ પછીની ઉંમરે તમે ટ્રેડમિલ ટેસ્ટ અને કાડીયોગ્રામ કરાવી લેવાની દર વરસે કાળજી રાખશો તો કોઈ આકસ્મિક ચિંતામાં નહીં પડવું પડે.

(૪) આ બધી સર્જરીને એની કિંમત હોય છે. મેડીક્લેમ પોલિસી રાખવાની ટેવ રાખશો તો નાણાકીય જોગવાઈ માટે અહીંથી તહીં નહીં દોડવું પડે.

(૫) ૩૫ વરસ બાદ નિયમિત જોગિંગ, ચાલવા જવું, પ્રાણાયામ, ફેફસાંની કસરત, સ્પાઇરોમેટ્રી  એક્સરસાઇઝ, અચૂક કરો. ખાવા-પીવામાં ધ્યાન રાખો. આ બધા યમ-નિયમ પાળો. મેં જો નિયમિત કસરતની ટેવ ન રાખી હોત તો હું આટલો ઝડપથી સાજો ના થઈ શક્યો હોત.

(૬) શક્ય હોય તો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો. સાંજે પાર્ટીઓમાં જવાનું ટાળો. રાત્રે તળેલો ખોરાક ક્યારેય ન ખાશો. રાત્રે ૮ વાગ્યા પહેલાં જમી લો.

(૭) સિગરેટ, દારૂ, તમાકુ તમારા દુશ્મન છે. ભારતમાં સૌથી પહેલા નંબરે મોત માટે જવાબદાર રોગ હૃદય રોગ છે અને છઠ્ઠા નંબરે લકવો આવે છે. તમારે આ બંનેની ઘાતમાંથી પસાર ન થવું હોય તો સિગરેટ, બીડી, તમાકુને આજે જ ઉંડા કુવામાં પધરાવી દો. તમને તમારાં બાળકો કે કુટુંબ માટે ચિંતા હોય તો તમાકુ તો છોડો પણ ઘરમાં તમારી આજુબાજુ બાળકો કે કુટુંબના સભ્યો હોય ત્યારે સિગરેટના ધુમાડા ન કાઢો. તમે તો મોજથી ગોટેગોટા ઉડાડો છો પણ તમારો ધુમાડો જેને પેસિવ સ્મોક કહેવાય છે તે કોઈપણ કારણ વગર તમારા નિર્દોષ કુટુંબના સભ્યોને મોટું નુકસાન પહોંચાડે છે. સિગરેટ પીવી એના કરતાં એનો પેસિવ સ્મોક એટલે કે તમે પીવો અને બીજો ફેફસાંમાં ભરે એ ખૂબ જોખમી છે આ સમજી લો.

(૮) દારૂ બીજું એક દુષણ છે. એ પહેલાં કીડની અને લીવરને બગાડે છે, તમારે રોગપ્રતિરોધક શક્તિ ઉપર ઘા કરે છે અને તમને નબળા પડે છે. દારૂ ના પીશો.

(૯) મેદસ્વિતા એટલે કે જાડિયાપાડીયા હોવું એ આરોગ્યની નિશાની નથી પણ ચિંતાની નિશાની છે. તમારા વજનને કાબૂમાં રાખો. એવું કશું ના ખાશો જેનાથી વજન વધે. તમારા ખોરાકમાં ફાઈબર લેવાનું રાખો. જેમાં ફાઇબર આવતો હોય તેવા બાજરી, જુવાર, જેવાં અનાજ ખાઓ. પોલીશ્ડ ચોખા નુકસાન જ કરે છે. રોજ જમતાં પહેલાં બે ચમચી નેચરલ ફાઈબર ઈસબગુલ લેવાની ટેવ પાડો.  

(૧૦) હૃદયરોગ સમેત બધા રોગો લાઈફસ્ટાઈલ ડીસીઝ કહેવાય છે જેને આપણે કંકોત્રી લખીને બોલાવીએ છીએ. આનું એક કારણ તણાવ એટલે કે સ્ટ્રેસ છે. નકારાત્મક વિચારોવાળા લોકો સાથે ન જીવો. હકારાત્મક વલણ કેળવો. જીવનના એક ખાનામાં કોઈને પ્રાપ્ત થાય છે તો બીજા ચાર ખાનામાં એ ગુમાવે છે એ વાત યાદ રાખો. કહેવાય છે ‘પીસ બિગીન્સ વ્હેન એમ્બીશન્સ એન્ડ’ તમારી મહત્વકાંક્ષા એવી ન હોવી જોઈએ કે જે તમને જ ખાઈ જાય. એટલે ગજા પ્રમાણે સોડ તાણવાનું રાખો, સુખી રહેશો. એવું કહેવાય છે કે –

દેખાદેખી સાધે જોગ,

પડે પંડ ને લાધે રોગ.

કોઈનો મહેલ જોઈને આપણું ઝૂંપડું બાળી ન નખાય, એ વૃત્તિ કેળવો. પ્રયત્ન અવશ્ય કરો પણ એક વળગણ તરીકે નહીં.

અને છેલ્લે...

ડોક્ટર તેજસભાઈ અને એમની ટીમ આટલું સરસ અને પોતાના ધ્યેય પર કેન્દ્રિત રહીને કામ કરે છે એનું એક કારણ તેજસભાઈ સવારે દસ વાગ્યા પહેલાં હોસ્પિટલ નથી આવતા અને અચૂક સવારમાં એમના નિર્ધારીત કાર્યક્રમ પ્રમાણે કપડાં પલળી જાય એટલો પરસેવો પાડે છે. ‘શરીર માધ્યમ ખલુ ધર્મસાધનમ’ - પહેલું સુખ તે જાતે નર્યા, એ વાત સમજો. ખાવા-પીવામાં ધ્યાન રાખો. બને ત્યાં સુધી ટેન્શન તો લેવું જ નહીં અને રોજ રાત્રે સૂતા પહેલા માત્ર પંદર મિનિટ એક ચિત્તે પ્રાર્થના કરો. છેવટે બધું જ ડિવાઇન બ્લેસિંગ ઉપર આધારિત છે અને એટલે ઘણા બધા ખેરખાં મેડિકલ કન્સલ્ટન્ટની ચેમ્બરમાં એક પાટિયું તમે ઝૂલતું જોશો, એના પર લખ્યું હશે, ‘આઈ ટ્રીટ, હી ક્યોર્સ’. આ જ સનાતન સત્ય છે. જેને આપણા વડવાઓ સમજતા અને કહેતા કે ‘ડોક્ટર પ્રયત્ન કરે, કાંઈ જીવ ન ઘાલી દે!’

ખેર! મારી બાયપાસમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યો એ માટે હજારો નહીં પણ લાખો ચાહકોની દુઆ છે. જે દવા નથી કરતી એ કામ દુઆ કરે છે. એ બધાનો આભાર માનવાનું કેમ ચૂકાય? મસ્ત રહો, વ્યસ્ત રહો અને આ જિંદગીની એકે એક પળ માણો. એ માટે ક્યાંક જીવનમાં સ્પીડ બ્રેકર પણ મુકજો. માત્ર કમાશો જ તો વાપરશો ક્યારે?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles