Friday, January 13, 2017
ભૂતકાળના અનુભવો ઉપર આધારીત મારાં સંસ્મરણો લખવાનું સાવ રમતિયાળ વૃત્તિથી શરુ કરેલું ત્યારે ખ્યાલ નહોતો કે આટલા બધા ફેસબુક મિત્રોને એમાં રસ પડશે. આથી વિશેષ તો જે લખાય છે તેમાંના મોટાભાગના મુખ્ય પાત્રો આજે હયાત છે અને મારાં સંપર્કમાં પણ છે. એમાંના ઘણા બધા આ રસથી વાંચે છે અને ક્યારેક ક્યારેક એના ઉપર કોમેન્ટ પણ કરે છે. હાઉસીંગ બોર્ડના મારા કાર્યકાળ દરમ્યાન મારી સાથે જોડાયેલ વ્યક્તિઓમાં રાધેશ્યામ બ્રહ્મભટ્ટ એક અગત્યનું પાત્ર ગણી શકાય. ઘણા વખતથી એનો કોઈ અતોપતો નહોતો. મારા સંસ્મરણોની આ લેખમાળાની ઘણી બધી પ્રાપ્તિઓ ગણાવું તો એમાંની સહુથી મોટી અને અગત્યની પ્રાપ્તિ એણે મને રાધેશ્યામ બ્રહ્મભટ્ટનો ફરી ભેટો કરાવ્યો તે છે. રાધેશ્યામ બ્રહ્મભટ્ટે મારી પાસે એની નોકરીની શરુઆત કરી. મેં હાઉસીંગ બોર્ડ છોડ્યું ત્યારપછી થોડોક સમય અલપ-ઝલપ મળવાનું થતું. પછી તો એ ય બંધ થઈ ગયું. સહેજ પાકા રંગે, લગભગ પાંચ ફૂટ આંઠ ઈંચ જેટલી ઉંચાઈ, ઘાટા કાળા વાંકડીયા વાળ અને સહેજ મોટી રતૂમડા ખૂણાવાળી સ્વપ્નિલ આંખો ધરાવતો રાધેશ્યામ તે વખતે યુવાનીમાં પગ માંડતો હતો. એ વાતને આજે લગભગ બેંતાલીસ વરસનાં વહાણાં વાઈ ગયા છે. પછી રાધેશ્યામને મળવાનું ન થયું. હવે તો એ નિવૃત્ત પણ થઈ ગયો હશે. હમણાં કેટલાક દિવસોથી આપણી આ લેખમાળાએ એને ફરી સપાટી પર ખેંચી આણ્યો છે. કુંભના મેળામાં છુટા પડી ગયેલા પેલા બે ભાઈઓ જેમ ચલચિત્રની વાર્તામાં ભેગા થઈ જાય છે અને પુનઃ મિલનના આનંદનાં જે દ્રશ્યો સર્જાય છે તેવો જ આનંદ અત્યારે હું અનુભવી રહ્યો છું. વરસો બાદ રાધેશ્યામ મને પાછો મળી આવ્યો છે. અત્યારે એ ઓસ્ટ્રેલીયામાં છે. ભલું થજો આ ટેકનોલોજીનું એ સમય અને કાળના બંધનોને છેદીને દુનિયાને આપણા દિવાનખાનામાં ખેંચી લાવી છે. વોટ્સઅપ અને ફેસબુક જેવા સોશીયલ મીડીયાના ખોટા ઉપયોગ અને દુર્ગુણોના અનેક દાખલા લગભગ રોજબરોજના ધોરણે આપણી સામે આવે છે. અહીંયાં એના સદઉપયોગનો દાખલો સપાટી પર આવ્યો છે. આપણી આ લેખમાળા જો ફેસબુક એટલે કે સાયબર સ્પેસનું માધ્યમ જ ન હોત તો રાધેશ્યામ સુધી પહોંચી ન હોત અને એની સાથે વિક્ષેપીત થયેલ લાગણી અને પરિચયનો તંતુ ફરીવાર ન જોડાયો હોત. તા. 12/1/2017ના લેખની વિગતો પર ટિપ્પણી કરતાં રાધેશ્યામ લખે છે – “Sir I am so proud that one celebrity like you giving me such honor. You always be in the heart of me.”
ભાઈ રાધેશ્યામ આપણે જ્યારે મળ્યા ત્યારે અથવા છુટા પડ્યા ત્યારે સાથીઓ જ હતા. હું એવો જ હજુ પણ છું. તારી સાથે સંપર્કનો સેતુ ફરી જોડાયો એનો મને પણ એટલો જ આનંદ છે. જીવનના એક તબક્કે તે મારી કારકીર્દી ઘડતરની ઈમારતમાં ઈંટ મુકવાનું કામ કર્યું છે જ્યારે મને પણ ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું ? અને ભાવિએ મારા માટે શું નિર્મિત કર્યું છે ? એ વખતે તું મારો સાથી હતો આજે પણ સાથી અને આત્મિય સ્વજન છે. લાગણીના સંબંધો બદલાતી જતી ફેશનની માફક બદલી શકાતા નથી એ કાયમી રહે છે અને મને આનંદ છે કે અત્યાર સુધી મારી સાથે જેમણે કામ કર્યું છે તે બધાની સાથે કોઈ જ પ્રકારની ઔપચારિકતા વગર મેં સંબંધો નિભાવ્યા છે. યાદ કરીને મને મોટો બનાવવા માટે આભાર દોસ્ત !
જીઆઈડીસીનો ઈન્ટરવ્યુ કદાચ મારા સાળાનું લગ્ન ન હોત તો મેં ન જ આપ્યો હોત. મારી પાસે આઈઆઈએમના એફબીએ કાર્યક્રમનો એડમીશન લેટર હતો અને આ કાર્યક્રમમાં દાખલ થનારને સારી એવી સ્કોલરશીપ પણ મળતી હતી એટલે નાણાંકીય જોગવાઈની પણ કોઈ ચિંતા નહોતી.
હું ઈન્ટરવ્યુ માટે પહોંચ્યો અને એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર પાસે રીપોર્ટીંગ કર્યું ત્યારે જોરુભા વાઘેલાએ મારી સાથે પરીક્ષા સ્થળે લઈ જવા માટે મોકલેલ પેલા ભાઈનું નામ રણજીતકુમાર ડે હતું. આ માણસની પ્રથમ દ્રષ્ટિએ એક સુઘડ, વિવેકી અને કાર્યદક્ષ વ્યક્તિ તરીકેની છાપ મારા મન પર ઉઠી.
ચયનક્રિયાનો પ્રથમ ભાગ લેખિત પરીક્ષા હતી. અમને સહુને એ માટે દોઢ કલાકનો સમય આપવામાં આવ્યો હતો. મને આ પરીક્ષામાં કોઈ મૂંઝવણ પડે એવો પ્રશ્ન દેખાયો નહીં. મેં દરેક પ્રશ્નના તાર્કિક અને મુદ્દાસર જવાબ આપ્યા. પરીક્ષાનું પેપર જ્યારે પુરું લખાઈ ગયું અને મારી ટેવ મુજબ સપ્લીમેન્ટરીના પહેલાથી છેલ્લા પાના સુધી મેં નજર ફેરવી લીધી ત્યારે એક છુપો આત્મવિશ્વાસ મારા મનમાં ચોક્કસ ઉભો થયો પેપર સારું લખાયું હતું.
લેખિત પરીક્ષા પતી ગઈ એટલે બધાને કહેવામાં આવ્યું કે ત્રણ વાગ્યે એનું પરિણામ જાહેર થશે અને ત્યારબાદ જેમને મૌખિક કસોટી માટે હાજર રહેવાનું હશે તેમને જાણ કરવામાં આવશે. દરમ્યાનમાં બધા પાસે પ્રવાસ ખરચ માટે પ્રવાસની વિગતોસહ જરુરી માહિતી સાથેનાં ફોર્મ ભરાવી સહી કરાવી એ જ વખતે પ્રવાસ ખરચ ચૂકવી આપવામાં આવ્યો. આપણને આ ગમ્યું. મારે માટે તો આજ મુળભૂત હેતુ હતો આ પરીક્ષા આપવા આવવા માટેનો. પ્રવાસ ખરચનાં એ નાણાં ગજવામાં સેરવી બહાર નીકળ્યો. ગઈ વખતે આવ્યો ત્યારે જેના પર નજર પડી હતી તેવી એક મદ્રાસી રેસ્ટોરન્ટ બાજુમાં ભવાની ચેમ્બર્સમાં જ હતી. આ પરીક્ષા દરમ્યાન થોડો ઘણો પરિચય થયો હતો એવા બે મિત્રો સાથે અમે આ રેસ્ટોરન્ટમાં ઘૂસ્યા અને મસાલા ઢોસાનો ઓર્ડર આપી વાતે વળગ્યા. પેલા બન્ને મિત્રો કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને જીઆઈડીસીની આ નોકરી તેમને બહુ મોટી લાગતી હતી. મેં જ્યારે આઈઆઈએમના એફબીએ કોર્સમાં પણ હું પસંદ થયો છું તેવી વાત કરી ત્યારે બન્નેના ચહેરા પર આશ્ચર્યમિશ્રીત અહોભાવની લાગણી હું જોઈ શક્યો. એમાનાં એકે તો જાણે કે ભવિષ્યવાણી કરતો હોય તે રીતે કહી દીધું કે “પાર્ટનર તમે અહીંયા પણ સીલેક્ટ થઈ જશો.” હજુ અમારા બધા ઉપરથી હોસ્ટેલની અસર પુરેપુરી વિદાય નહોતી થઈ તેનું ઉદાહરણ આ ‘પાર્ટનર’ શબ્દ હતો.
નાસ્તો કરી થોડાં ગપ્પાં માર્યા ત્યાં સુધીમાં તો ત્રણ વાગ્યાનો સમય થઈ ગયો. અમે વળી પાછું જ્યાં પરીક્ષા આપી હતી તે ફડીયા ચેમ્બર્સના બેઝમેન્ટમાં ભેગા થયા. થોડીવારમાં જ શ્રી વાઘેલા અને પેલા ભાઈ આર.કે. ડે ત્યાં આવી પહોંચ્યા અને એ જગ્યાએ દિવાલ પર લગાડેલ પીનઅપ બોર્ડમાં પરિણામનો કાગળ ચીટકાવી દીધો. બધા આ જોવા માટે ઉત્સુકતાથી નોટિસ બોર્ડ તરફ ધસ્યા. હું પહોંચું તે પહેલાં પેલા મારી સાથે નાસ્તો કરવાવાળા બે મિત્રો ત્યાં પહોંચી ચુક્યા હતા અને બન્નેએ મારી સામે હસ્તધૂનન માટે હાથ લંબાવી કહ્યું “કોન્ગ્રેચ્યુલેશન્સ પાર્ટનર! તમે ટોપ કર્યું છે.” હા, લેખિત કસોટીમાં હું પ્રથમ નંબરે આવ્યો હતો. આનંદ થયો. સાથોસાથ મનમાં પેલી પંક્તિઓ પણ ઉભરી આવી.
ન માંગે દોડતું આવે
રહે જો દૂર માંગે તો
મારે માત્ર પ્રવાસ ખરચ માટે આ વેશ ભજવવાનો હતો તેને બદલે તકદીરે તો મને હિરોનાં કપડાં પહેરાવી સ્ટેજ પર ધકેલી દીધો. કદાચ પ્રારબ્ધ એવું પૂરવાર કરવા માંગતું હશે કે છેલ્લે તો તું મારા હાથનું રમકડું છે હું ધારીશ તે જ થશે. મારી સાથે પણ તકદીર આવી જ કોઈ રમત રમી રહ્યું હતું. એન્જિનિયરીંગ કોલેજમાંથી રાજીનામું આપ્યું ત્યારે એકે નોકરી હાથમાં નહોતી. પણ ત્યારપછીના એક મહિનાના નોટિસ પીરીયડમાં હાઉસીંગ બોર્ડ અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એમ બે બે નોકરીઓ મળી. અહીંયા પરિસ્થિતિ એ દિશામાં જઈ રહી હતી કે હું રાજીનામું આપું ત્યારે એક નહીં પણ બે ચઢીયાતી તકોના ઓફર લેટર મારા ગજવામાં હોય. પેલું કહ્યું છે ને કે –
ઉપરવાલા જબ ભી દેતા
પૂરા છપ્પર ફાડ કે દેતા
કોઈપણ ઓળખાણ કે લાગવગ કશું જ નહીં. માત્રને માત્ર ઈશ્વરની કૃપાને કારણે જયનારાયણ વ્યાસનો ઘોડો વીનમાં જઈ રહ્યો હતો. મનમાં પેલા ભજનની પંક્તિઓ યાદ આવતી હતી –
अजब तेरी कारीगरी रे करतार
समज न आये माया तेरी
बदले रंग हजार
तू सब से बड़ा है दानी, तेरी लीला किस ने जानी,
जग सोच सोच गया हार,
अजब तेरी कारीगरी रे करतार ।।
चलचित्रः दुख सुख (1966)
ધારીએ શું અને થાય શું. માનવ સ્વભાવ એવો છે કે જ્યારે કોઈપણ પ્રાપ્તિ થાય, કંઈપણ સારું બને તો એ પોતાની આવડત અને ભાગ્યને કારણે બને. પણ...
જો કંઈ ખરાબ બને તો એ કમનસીબી કે અન્ય કોઈને કારણે બને.
શ્રી નવલભાઈ શાહ બાબુભાઈ જશભાઈ મંત્રીમંડળમાં શિક્ષણમંત્રી હતા. જે તે સમયે બનારસ હિન્દુ યુનિવર્સીટીમાં બીટેકની પરીક્ષામાં બીજા નંબરે પાસ થયા. ગાંધીવિચારના રંગે રંગાઈને એમણે કોન્વોકેશન ફોર્મ જ ન ભર્યું ક્યારેય ડિગ્રી ન લીધી. ગુજરાતમાં આવીને થોડો સમય ગાંધીઆશ્રમ અને ત્યારબાદ ભાલ નળકાંઠા વિસ્તારમાં ગુંદી ગામે મહાદેવના ટેકરે જઈને ધૂણી ધખાવી રહ્યા. ભરવાડ અને કોળી કોમના શિક્ષણ અને કુરિવાજો મીટાવવા અનેક પ્રયત્નો અને આશ્રમશાળા જેવી સંસ્થાઓ ઉભી કરી. ભાલ વિસ્તારમાં ઘઉંની તેમજ અન્ય ખેતી વધુ વળતર આપતી થાય તે માટે અનેક પ્રયોગો કર્યાં. ગ્રામવિકાસ અને વંચિતોના વિકાસ માટે બન્ને પતિ-પત્નિએ આખું આયખું ખરચી નાંખ્યું. મારા મત મુજબ નવલભાઈ શાહના પેંગડામાં પગ નાંખી શકે તેવો શિક્ષણમંત્રી હજુ સુધી તો ગુજરાતમાં નથી થયો. હવે થશે કે કેમ તે માત્ર ભવિષ્ય જ કહી શકે.
આ નવલભાઈ શાહે એમના પંચોતેર વરસની જીવનયાત્રાની ઉજવણી સમયે પ્રગટ થયેલ “અમૃત પ્રવેશે” પુસ્તકના પાન નં. 56 અને 59 પર કંઈક આવું કહ્યું છે –
“કર્મયોગીએ કામ કે સ્થળની પણ આસક્તિ રાખવી ન જોઈએ. તે પાછળ દોડવું ન જોઈએ. જે કામ માટે જીવનની તૈયારી હશે તે કામ બારણા ઠોકતું આવશે. ભગવાનની જે ઈચ્છા હશે તે કામ તારી પાસેથી લેશે.
કર્મનો જ્યારે ઉદય થાય છે ત્યારે તેને અનુકૂળ ભોતિક સામગ્રીઓ પણ આવી મળે છે. સાચી શ્રદ્ધાને માણસ વળગી રહે તો આવા અનેક અનુભવો જીવનમાં થાય, ને થયા છે... શ્રદ્ધા ને શુભ ભાવો જીવનનું મોટામાં મોટું બળ છે.”
મારે માટે પણ “જે કામ માટે જીવનની તૈયારી હશે તે કામ બારણા ઠોકતું આવશે” એ ઉક્તિ હંમેશાં મારી શ્રદ્ધાનું કેન્દ્ર રહી છે.
મેરીટમાં પ્રથમ આવ્યા એટલે ઈન્ટરવ્યુમાં પાસ ન થવાય એવી શક્યતા મોટાભાગે હોતી નથી. જીઆઈડીસીના ચેરમેનના અંગત સચિવ તરીકે તે વખતે વલીભાઈ ઘેસાણી કરીને એક ભાઈ હતા. ઈન્ટરવ્યુ માટે રાહ જોતાં એમની કેબિનમાં બેસવાનું થયું. એમની સાથે બીજા બે કર્મચારી હતા. એક સિંઘ કરીને સ્ટેનોગ્રાફર અને બીજા મોમીન નામના એક આસિસ્ટન્ટ. થોડી ઘણી ઔપચારિક વાતો થઈ. મને આ ઘેસાણી રસપ્રદ માણસ લાગ્યા. અમારી વાતોની અધવચ્ચે જ પટાવાળાના હવાલદાર એવા જીવણભાઈ પ્રગટ થયા. મને કહેવામાં આવ્યું સામે બોર્ડ રુમમાં તમને ઈન્ટરવ્યુ માટે બોલાવે છે.
ઘેસાણીએ બેસ્ટ ઓફ લક કહ્યું
અને...
મેં મારા પ્રમાણપત્રોની મૂળ પ્રતો ધરાવતી ફાઈલ સાથે મક્કમ ડગ ભર્યાં
જીઆઈડીસીના બોર્ડ રુમ તરફ.
આમેય અહીં કોને નોકરી જોઈતી હતી ?
જે જોઈતું હતું તે તો ગજવામાં પહોંચી ચૂક્યું હતું.