Saturday, February 4, 2017
જેમ મારી મા શક્તિમાં અદભૂત વિશ્વાસ ધરાવતી હતી બરાબર તે જ રીતે મારા બાપા શંકર ઉપર કંઈક અંશે વધુ પડતો આસ્થાભાવ ધરાવતા. એ જ્યારે હળવાશના મૂડમાં હોય ત્યારે ઘણીવખત નીચેની પંક્તિઓ ગુનગનાવતા. જેનો આ અગાઉ પણ મેં ઉલ્લેખ કર્યો છે !
भोलानाथ देने वाला; भोलानाथ देने वाला
कोई और नहीं;
वो है दुनिया का रखवाला; तेरा मेरा पालनहारा
कोई और नहीं;
डम डम डम डम डमरु बाजे; सांब सदाशिव तांडव नाचे
वो है सबका पालनहारा; तेरा मेरा वो रखवाला
कोई और नहीं;
મારે ત્યાં થાળીવાજું (ગ્રામોફોન) હતું. ઘણી બધી જૂની રેકર્ડ એમના સંગ્રહમાં હતી. જેમાંની મોટાભાગની અમારો સામાન નટવર ગુરુના બંગલેથી ફેરવીને શાસ્ત્રીજીની પાઠશાળામાં લઈ ગયા ત્યારે તૂટી ગઈ. ગ્રામોફોનને પણ સારું એવું નુક્સાન થયું. બેસતું વરસ કે કોઈ સારો પ્રસંગ હોય અમારે ત્યાં થાળીવાજું વાગતું. એમાંની એક રેકર્ડ “ભારત કી એક સન્નારી કી હમ કથા સુનાતે હૈ.....” મને ખૂબ ગમતી. મારે ત્યાં અત્યંત નાજૂક જર્મન બનાવટનું એક હાર્મોનિયમ પણ હતું. મેં સા રે ગ મ પ ધ ની સા ની પ્રેક્ટિસ એના પર કરી હતી. જો કે સંગીતમાં મેં કંઈ ઝાઝું ઉકાળ્યું નથી. મારા બાપા નવરાશ હોય અને મૂડમાં હોય ત્યારે હાર્મોનિયમ પણ વગાડતા. અમારા સહુ માટે મનોરંજનનું આ એક નાનકડું હાથવગું સાધન હતું. હાર્મોનિયમ હજુ પણ મેં જાળવી રાખ્યું છે. મારા બાપાની એવી ઈચ્છા હતી કે હું કમસે કમ હાર્મોનિયમ વગાડતા શીખું પણ એ અધુરી રહી. મને આજે પણ કોઈ વાજીંત્ર વગાડતાં આવડતું નથી.
આમ તો મારા બાપાની મોટાભાગની જીંદગી સંઘર્ષમાં જ ગઈ. માત્ર ટકી રહેવા માટે વરસો સુધી આ માણસે સંઘર્ષ કર્યો પણ ક્યારેય મન નાનું ન કર્યું. મારા ઘડતરમાં કેટલીક વિશીષ્ટ બાબતો ઉમેરવાનો જશ મારા બાપાને જાય છે. એમાંની પહેલી હતી અમારા મૂળ વિશેની માહિતી. આજે ત્રણ પેઢીનાં નામ ગણતાં ગણતાં અટકી જવાય છે ત્યારે મારા બાપા પાસેથી અમારા વડવાઓની વંશાવળીનું પૂરેપૂરું જ્ઞાન મને મળ્યું. નર્મદાશંકર કુબેરજી વ્યાસ એટલે મારા દાદાનું નામ કુબેરજી. એમના બાપાનું નામ મયારામ એટલે કે કુબેરજી મયારામ વ્યાસ. એમના બાપાનું નામ બેચરદાસ અને બેચરદાસના બાપાનું નામ દુર્લભરામ. આમ, મયારામ બેચર અને બેચર દુર્લભરામ, પેઢી આગળ ચાલે. ચાણસ્મામાં દુર્લભરામના બાપા એટલે કે મંગળજી મોનજી (મોહનજી હશે ?) વ્યાસના નામે મંગળજીનો મહાડ છે. એ બતાવે છે કે અમારા પૂર્વજો કેટલા પ્રતાપી હતા. પણ પેઢીનામું આટલાથી અટકતું નથી. મોનજી વ્યાસના બાપાનું વાસુદેવ અને વાસુદેવ વ્યાસના પિતા એટલે અનંતદેવ. આ અમારી સાત પેઢીની નામાવલી થઈ. મારા બાપાએ આ સાતેય પેઢીનું વંશવૃક્ષ તૈયાર કર્યું છે જેમાં નર્મદાશંકર કુબેરજી પછી જયનારાયણ વ્યાસ અને મારા કાકા સોમનાથ કુબેરજી વ્યાસ પછી એમના દીકરા રસિકભાઈ અને અનુભાઈનાં નામ ઉમેરાયા છે. જયનારાયણ વ્યાસના દીકરા સમીર, સાકેત અને દીકરી સપનાથી આગળ વધીને એમનાં સંતાનો વિહાંગી, ધૈર્ય અને વિહાનાં નામ પણ ઉમેરાયા છે. તમે વિચાર કરો આજે મારા બાપાની ચીવટના કારણે મારી પાસે મારી છેક બારમી પેઢી સુધીનું વંશવૃક્ષ ઉપલબ્ધ છે. મારા મત પ્રમાણે આ અમૂલ્ય માહિતી છે મારા વંશવારસાની.
મારા બાપાનો આવો જ બીજો શોખ વાંચનનો હતો. કસોટી શબ્દરચના હરિફાઈનું પણ એ કામ કરતા. તે સમયે હિંદ અને કસોટી બે પ્રતિસ્પર્ધી શબ્દરચના હરિફાઈઓ હતી અને એમની હરિફાઈ એટલી તીવ્ર હતી કે કરોડો રુપિયાનાં ઈનામો સુધી તે પહોંચતી. સરકારે ત્યારબાદ કાયદો કરી માત્ર પ્રકાશિત સાહિત્યમાંથી જ ચાવીરુપ શબ્દકોયડો લઈ શકાય તેવું ઠરાવતાં શબ્દરચના હરિફાઈઓની તીવ્ર હરિફાઈનો સુવર્ણયુગ પુરો થયો. મારા બાપાને નવલિકાઓ અને નવલકથાઓ વાંચવાનો શોખ. એ જ ગાંડો શોખ એમણે મને વારસામાં આપ્યો. અમારી રાજપુર પ્રાથમિક શાળાની લાયબ્રેરીનાં લગભગ બધાં પુસ્તક મેં અભ્યાસકાળ દરમ્યાન જ વાંચી નાંખ્યાં હતાં. કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ગુણવંતલાલ માધવલાલ આચાર્ય, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ગોવર્ધનરામ ત્રિપાઠી, રમણલાલ દેસાઈ જેવા લેખકો તેમજ બકોર પટેલ અને જીવરામ જોષીની બાળવાર્તાઓનો પરિચય મને સહજ રીતે અહીંયાં થયો. સામાન્ય રીતે ચારસો-સાડા ચારસો પત્તાંની લા-મિઝરેબલ કે શાંત વહે છે દોન જેવી ચોપડી હું વધુમાં વધુ બે દિવસમાં પુરી કરી નાંખતો. મારા બાપાનો પણ વાંચનમાં રસ એટલો કે એ જો કોઈ ચોપડી લઈને બેઠા હોય તો ન્હાવા-ધોવાનો કે જમવાનો સમય ચૂકાઈ જાય તેનો મારી મા હંમેશા કકળાટ કરતી. જો કે એની ઝાઝી અસર આ માણસ પર થતી નહીં. સાહિત્ય પ્રત્યેની મારી અભિરુચિનાં મૂળ મારા બાપાની સોબતમાં ઉંડે સુધી નંખાઈ ચૂક્યાં હતાં. મારે ત્યાં બાલસંદેશ અને ઝગમગ, અખંડાનંદ અને સમર્પણ, નવનીત અને જનકલ્યાણ જેવાં પ્રકાશનો પણ આવતાં. જે મારે માટે વાંચનની વિશાળ સામગ્રી પૂરી પાડતાં.
મારા બાપાને બીજો આવો શોખ ક્રિકેટનો હતો. એ રેલ્વેમાં હતા ત્યાં સુધી ક્રિકેટ રમતા. ક્રિકેટની કોમેન્ટરી સાંભળવા માટે એ જમાનામાં રેડિયો સિવાયનું કોઈ સાધન નહોતું. અમે ઘરે રેડિયો વસાવી શકીએ એવી સ્થિતિ નહોતી એટલે એ શહેરમાં શંકરલાલ દરજીની દુકાને કોમેન્ટરી સાંભળવા બેસે. વચ્ચે લંચ સમયે ઘરે જમવા જાય તો સમયસર પાછા ન અવાય એટલે સાંજે મેચ પુરી થાય ત્યાં સુધી સવારે ઘરેથી નાસ્તો કરીને નીકળ્યા હોય તેના આધારે દિવસ ખેંચી નાંખતા. મારી મા ને આ ગમતું નહીં પણ એ રાડો પાડે રાખે અને મારા બાપા જેમ વરતતા હોય તેમ વરતે. હું ક્રિકેટ રમું એવી એમની ભાવના ખરી પણ એ ક્ષેત્રમાંય રસ ઉભો કર્યા સિવાય મેં ઝાઝુ ઉકાળ્યું નથી. જશુ પટેલની કાતિલ સ્પીન બોલીંગના કારણે ઓસ્ટ્રેલીયન ટીમ જેની પાસે નીલ હાર્વે, ઓ’નીલ, પીટર ડેવિડસન, રીષી બેનો, રે લીન્ડવોલ, વોલી ગ્રાઉટ, પીટરબર્જ, લીન્ડસે ક્લીન, યાન મેકીફ જેવા ધરખમ ખેલાડીઓ હોવા છતાંય કાનપુરમાં ટેસ્ટ મેચ હારી ત્યારે આખા ભારતમાં ક્રિકેટ રસિયાઓએ દિવાળી ઉજવી હતી. જશુ પટેલ રાતોરાત હીરો બની ગયા અને બધાં જ છાપાંઓએ એમનાં ભરપેટ વખાણ કરતા લેખો લખ્યાં. ત્યારબાદની ત્રણ દિવસની મેચ અમદાવાદમાં હતી. તે સમયે એચ.એલ. કોમર્સ કોલેજની મેટીંગ વિકેટ પર આ મેચ રમાયેલી. મારા બાપા આ ત્રણ દિવસની મેચ માટે મારી ટીકીટ છેક અમદાવાદ જઈને લઈ આવેલા. ત્રણ દિવસની ટીકીટના એ સમયે પાંચ રુપિયા હતા. અમારા એક સગાને ત્યાં રોકાઈને આ મેચ જોઈ. કોઈપણ વિદેશી ટીમને રમતી જોવાનો આ પહેલો પ્રસંગ હતો. ઓ’નીલ એ મેચમાં બેવડી સદી મારીને નોટઆઉટ રહેલો. જશુભાઈ બોલીંગમાં નહોતા આવ્યા એટલે અમારી વાનરસેના પાસે પ્રેક્ષકોએ “વી વોન્ટ જશુ પટેલ” જેવાં સૂત્રો પોકારાવ્યાં. બેએક ઓવર એમણે નાંખી પણ ખરી પણ ઓસ્ટ્રેલીયન બેટીંગ ખાસ કરીને ઓ’નીલ પર એની કોઈ અસર નહોતી. એણે ધુંવાધાર બેટીંગ કરીને જશુભાઈને ધોઈ નાંખ્યા. એ વખતની ઓસ્ટ્રેલીયાની ટીમ બહુ ખતરનાક હતી. આપણે કાનપુર ટેસ્ટ જીત્યા પણ સીરીઝ હાર્યા. આ મેચ જોયા બાદ ક્રિકેટમાં મારો રસ વધુ ગાઢો બન્યો. અમારી રાજપુરની ક્રિકેટ ટીમ ઠીક ઠીક કહી શકાય તેવી હતી અને એમાં એક જમણોડી સ્પીનર તરીકે મેં ઘણી બધી મેચો જીતવામાં મોટું યોગદાન આપ્યું હતું. ત્યારપછી છૂટક-પૂટક ટેનિસ બોલથી અથવા મેચીસ બોલથી ક્રિકેટ રમતો રહ્યો. છેક ઈન્ડેક્સ-બી છોડ્યું (1990) ત્યાં સુધી ક્રિકેટની રમતમાં મારો સક્રિય રસ ચાલુ રહ્યો. આજે પણ ક્રિકેટ મારા રસનો વિષય છે. હું મેટ્રિક (ધોરણ-11)ની પરીક્ષા પાસ થયો ત્યાં સુધી ઘરે પણ સવારે બે ત્રણ કલાક બધાને ભેગાં કરી ક્રિકેટ રમતા અને આનંદ તેમજ આશ્ચર્યની વાત તો એ હતી કે મારા બાપા સાઈઠ વરસની ઉંમરે પણ અમારી સાથે ક્રિકેટ રમતા અને બોલીંગ પણ નાંખતા અલબત્ત ધોતિયું પહેરીને !
અમારા બે વચ્ચે એક બીજી પણ સામાન્ય કડી (કોમન લીંક) હતી. એ જમાનામાં ગેસ તો હતો જ નહીં. મોટા ભાગે કોલસા અથવા લાકડું બળતણ તરીકે વપરાતાં. અમે જ્યાં રહેતા એ મકાનની આજુબાજુ લીમડાનાં દસ મોટાં ઝાડ હતા. પાનખર બેસે એટલે પત્તાં ખરવા માંડે ત્યારપછી નવી કુંપળો ફૂટે અને ઝાડ પર નવાં પાન આવી જાય. આ ગાળાને ઝાડફૂટ મહિનો કહે છે. આ સમયે વધુ વિક્સેલાં ડાળાંને અમે કાપી નાંખતા જે આખા વરસ માટે બળતણ પૂરું પાડે. ગામડાંની ભાષામાં આને ઝાડફલ્લી નાંખવું કહે છે. આ લાકડામાંથી જે જાડાં લાકડાં હોય તેના અઢીથી ત્રણ ફૂટ લાંબા ટુકડાં કરી અલગ તારવતા અને બાકીના દોઢ-બે ફૂટના ટુકડા કરી અલગ ભારી બાંધી દેતા. આ જાડાં લાકડાં ત્રણેક મહિના સૂકાય એ પછી સવારે અમારો બાપ-દીકરાનો વ્યાયામ શરુ થાય. કુહાડી, ઘણ અને છીણા લઈને મેદાને પડીએ. પહેલાં કુહાડીથી નાની તિરાડ જેવું પડે એટલે એમાં મોટા ખીલા જેવો છીણો નાંખી પછી ઘણથી એના માથા પર ફટકો મારી એ ખીલ્લા વડે લાકડું ફાડવાનું. આ વ્યાયામ લગભગ દોઢ-બે કલાક ચાલતો. એક-દોઢ મહિનાના પ્રયાસે જાડા લાકડાંને ફાડીને એનાં ફાડીયાં અમે ઉનાળાની ધગધગતી ગરમીમાં સૂકાવા માટે મુકી દેતા. આમ, અમારો આખા વરસનો બળતણનો જથ્થો તૈયાર થઈ જતો. કસરત પણ થતી અને બળતણના પૈસા પણ બચતા. અમારી આ કસરત લગભગ 1970 સુધી ચાલુ રહી. પરિણામે મારું શરીર એકવડીયું જરુર રહ્યું પણ એને કસવામાં આ જીવનપદ્ધતિએ ખૂબ મોટી મદદ કરી. આ ઉપરાંત ક્રિકેટ તેમજ લાકડાં ફાડવા જેવી સહકાર્યની પ્રવૃત્તિઓથી ધીરે ધીરે અમારા પિતા-પુત્રના સંબંધમાં મિત્ર તરીકેનું એક નવું પરિમાણ ઉમેરાતું ગયું તે આનો સહુથી મોટો ફાયદો હતો.
મારા વ્યક્તિત્વ વિકાસ ઉપરાંત અભ્યાસ અને વ્યાવસાયિક ક્ષેત્રની પસંદગીમાં પણ મારા બાપાનો ખૂબ મોટો અને સીધો ફાળો રહ્યો. મારે શું કારકીર્દી પસંદ કરવી એ અંગેની મથામણમાં મારા બાપા હંમેશાં મારા કેરિયર કાઉન્સેલર અને માર્ગદર્શક રહ્યા. એમણે સંઘર્ષ જોયો હતો. મારાં મા અને બાપ સંઘર્ષ જીવ્યાં હતાં અને એટલે મને લાગે છે કે એમણે મારે આ સ્થિતિમાંથી પસાર ન થવું પડે તે માટે ચોક્કસ આયોજન સાથેનો અભિગમ અપનાવ્યો હતો. આ અભિગમ એટલે કારકીર્દીના નાનામાં નાના પગથિયેથી શરુ કરીને એક એક પગથિયું આગળ વધતાં વધતાં શિખર સુધી પહોંચવાનો અભિગમ. સાધનોની મર્યાદા બહુ મોટી હતી. ઘરઆંગણે ગામડાં ગામની માત્ર ત્રણ ઓરડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ત્યારબાદ પણ સિદ્ધપુર એ કંઈ એવું મોટું શામળિયું શહેર નહોતું કે જ્યાં દિવસે દિવસે વધુને વધુ બદલાતી જતી અને આગળ વધતી દુનિયામાં ઝંડો ગાડવા જેવી કોઈ તાલીમ અથવા તક મળે. આમ છતાંય મારા બાપાએ શાળા અને માધ્યમિક શાળાના શિક્ષણની બરાબર સાથોસાથ એક બીજી શાળામાં પણ મને ભણાવ્યો. એ શાળા તે સ્વયં પોતે. આ માટેનું આયોજન અને એમણે મારા વ્યક્તિત્વ વિકાસ પાછળ લીધેલી કાળજી બાબત આજે જ્યારે તટસ્થપણે વિચાર કરું છું તો મારા બાપાની સરખામણીમાં ઘણો સાધનસંપન્ન અને સુખી હોવા છતાં એમના જેટલો પરિશ્રમ કે દરકાર હું મારાં બાળકોની નથી કરી શક્યો એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે.
જેમ મારી મા એની રીતે એક વિશીષ્ટ વ્યક્તિત્વ હતી તે જ રીતે મારા બાપા એમની આગવી રીતે દીર્ઘદ્રષ્ટા અને અત્યંત મહત્વાકાંક્ષી તેમજ પ્રગતિશીલ વિચારધારા ધરાવનાર વ્યક્તિ હતા. જેમ મારી મા એક મારી જ મા હતી તે જ રીતે મારા બાપા એ મારા બાપા જ હતા. એમણે કદાચ મનોમન નક્કી કર્યું હશે કે પોતે જે સંઘર્ષ કર્યો તેનો પડછાયો પણ મારા પર ન પડે. ઘણા ઓછા માણસો પોતાનાં સપનાની ઈમારત ચણવામાં સફળ થતા હોય છે. મારા બાપા આવો જ એક અપવાદ હતા.