Thursday, July 16, 2015

વડોદરામાં મારા વસવાટના બે ભાગ પાડી શકાય. પહેલો 1962થી 1969 સુધીનો કાલખંડ અને બીજો 1971થી એપ્રિલ 1975 સુધીનો કાલખંડ. અત્યારે આપણે મહદ્અંશે બીજા કાલખંડની ચર્ચા કરી રહ્યા છીએ. અમદાવાદી પોળનો અમારો અડ્ડો અને ત્યાં પસાર કરેલ સમયની એક ઝલક જોઈ. જેમ પહેલા કાલખંડમાં હોસ્ટેલની એન્ટ્રીથી શરુઆત થઈ તેમ બીજા કાલખંડમાં વડોદરામાં પગ મુક્યા બાદ શરુઆત રહેવા માટેની સવલતની શોધખોળથી થઈ. મેં આઈઆઈટીથી માસ્ટર ઓફ ટેકનોલોજીનો અભ્યાસ પુરો કર્યો દરમ્યાનમાં એકના એક છોકરાને ઝડપથી થાળે પાડી દેવાની મારા વયોવૃદ્ધ મા-બાપની ઈચ્છાને વશ થઈ લગ્ન પણ થઈ ગયા. પત્નિ હજુ ગ્રેજ્યુએટની ડિગ્રી માટેનો અભ્યાસ કરતી હતી એટલે વડોદરાના વસવાટના આ બીજા કાલખંડની શરુઆત પણ એકલપંડે જ થઈ. અમારા એક દૂરના સગા સિધ્ધપુરના વતની ડો. લાભશંકર પાધ્યા એમ.એસ. યુનિવર્સીટીની વિખ્યાત હંસા મહેતા લાયબ્રેરીમાં લાયબ્રેરીયન હતા સાથો સાથ દાદાભાઈ નવરોજી હોલના એ વોર્ડન પણ હતા. એ ન્યાયે એમને પ્રતાપગંજમાં યુનિવર્સીટી ક્વાર્ટસમાં સરસમજાની સવલત મળી હતી. ખૂબ મોટું અને સોઈ સવલતવાળું ઘર હતું પણ રહેનારમાં ડો. લાભુભાઈ, એમનાં પત્નિ કાન્તાભાભી અને માતા એમ ત્રણ જીવ સાથે એક સરસમજાનું પોમેરીયન કૂતરું પણ હતું. માત્ર માણસો જ નહીં પશુપંખીઓ પણ કદાચ રાજયોગ લઈને જન્મતાં હશે અથવા પરભવનાં પૂણ્ય ભોગવતા હશે એવું જ્યાં જ્યાં લાલનપાલનથી રહેતા પોમેરીયન, ડોબરમેન, ગ્રેટડેન, આલ્સેસીયન કે પછી પગ જેવાં કૂતરાંને જોવું છું ત્યારે લાગે છે ક્યારેક એમની સવલતો અને લાલનપાલન જોઈએ તો આપણને પણ ઈર્ષા આવે એવી બાદશાહી આ કૂતરાં ભોગવતાં હોય છે. ખેર, એમાં એક જીવ મારો ઉમેરાયો. થોડા દિવસ માટેનું મારું આ આશ્રયસ્થાન હતું. સવારની કોલેજ અને કોલેજ છુટ્યા બાદનો સમય ભાડુઆતની જગ્યા માટેની શોધખોળમાં જતો. મારા જેવા જ બીજા બે ત્રણ મિત્રો આમાં ભળતા. એમાં એક ડો. બિયાની જે આગળ જતાં એપ્લાઈડ મિકેનિક્સ ડિપાર્ટમેન્ટનો વડો બન્યો અને બીજો ભાઈ બિપીન તમાકુવાલા જે આજે હયાત નથી. ત્રણેય જય બજરંગ મંડળના જ સભ્યો. સમય મળે એટલે નીકળી પડીએ. બિપીન તમાકુવાલા દાંડિયા બજારમાં જ કૃષ્ણકેશવ કરીને પૂજ્ય ડોંગરે મહારાજના ભાઈ ડો. ડોંગરેજી હોસ્ટેલ ચલાવતા તે મકાનમાં રહે. બિયાની એના બીજા બે સાથીઓ દિનેશ જોષી અને પ્રમોદ પંડિત જે પણ એકલપંડે હતા. તેમની સાથે વીસ, ઈસ્ટર્ન સોસાયટીમાં ત્રીજા માળે રહે. આ બન્ને સવલતો બાબતે કેટલીક રસપ્રદ વાતો આગળ જતાં જોઈશું પણ મારા મકાન ભાડે શોધવાના અભિયાનમાં જે અનુભવો થયા તેમાંથી પહેલાં પસાર થઈએ. પહેલો અનુભવ જરા રમૂજપ્રેરક હોવા છતાંય વિચારતા કરી દે તેવો હતો. લાલબાગ રેલ્વે ક્રોસિંગથી સહેજ આગળ એક પારસી સજ્જનના ત્યાં અમને કોઈકે કહ્યું કે રુમ ખાલી છે. અમારી ટુકડી પહોંચી ગઈ. બાવાજીને અમારી ઓળખાણ આપી તેમના મકાનમાં ભાડુઆત બનવાની તક વિશે પૃચ્છા કરી. બાવાજીએ અત્યંત ગંભીર ચહેરે જે જવાબ આપ્યો તે સાંભળી હસવું કે ગુસ્સે થવું તેની દ્વીધામાં અમે આશ્ચર્યચકિત થઈ ગયા. બાવાજીએ કહ્યું “આમ તો બે રુમ ખાલી છે પણ હમના અમો બીજા બે આલસેસીયન કૂતરા લાવ્યા છીએ એટલે મારા ચાર કૂતરાને રહેવા માતે જગા જોઈએ ને ?” અમે એક અક્ષર બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયા. પેલા પોમેરીયનની માફક આ આલસેસીયન પણ રાજયોગ લઈને જન્મ્યા હશે કે જેમને અમને ન મળે તેવી સરસમજાના બંગલામાં બે રુમની સવલત ઉપલબ્ધ હતી !

વળી પાછી અમારી શોધયાત્રા આગળ વધી. પ્રતાપગંજમાં એક જગ્યાએ રુમ ખાલી છે એવું જાણવા મળ્યું એટલે વળી પાછા અમે પહોંચી ગયા. જમાનાના ખાધેલ એક કાકાએ સહેજ ચરોતરી લહેકાવાળી ભાષામાં અમારો ઈન્ટરવ્યુ લેવાનું શરુ કર્યું. સામાન્ય વિગતો પૂછ્યા બાદ એમણે મુદ્દાની વાત છેડી. “આ કુટુંબકબીલાવાળું ઘર છે. અમારે યુવાન છોકરીઓ છે એટલે કેટલાક નિયમો બહુ ચુસ્તતાથી પાળવા પડશે.”

અમે કહ્યું “બોલો !” વાત હવે વાટાઘાટના પાટે ચડી હતી એટલે અમને આશા બંધાવા માંડી. પ્રતાપગંજ જેવો વિસ્તાર જ્યાંથી પગે ચાલીને રેલ્વે સ્ટેશન અથવા એસ.ટી. ડેપો જઈ શકાય અને ત્યાંથી પ્રવાસ માટેની બધી જ સવલત મળી રહે એ એનું એક વિશીષ્ટ જમાપાસું હતું.

કાકાએ હવે શરતો ગણાવા માંડી. “એક મહિનાના એડવાન્સ ભાડા પેટે રુપિયા સાડી ચારસો અને ત્યારબાદ દર મહિને દસ તારીખ પહેલાં ભાડું આપી દેવાનું રહેશે.”

મેં સંમતિસૂચક માથું હલાવ્યું.

કાકા ફરી ઉવાચ. “રાતના દસ વાગ્યા પછી આવી શકાશે નહીં. કોઈ મહેમાન તમારા ત્યાં રોકાઈ શકશે નહીં. ટુવાલ વીંટીને કે ઉઘાડા ડિલે બહાર નીકળી શકાશે નહીં. જોરજોરથી સિનેમાના ગાયનો ગાઈ શકાશે નહીં. રેડિયો કે ટેપ રેકોર્ડર વગાડી શકાશે નહીં અને સીટી મારી શકાશે નહીં.”

એમણે સહેજ પોરો ખાધો.

મને લાગ્યું કે આ ભાઈ મકાનમાલિક નહીં પણ જેલર છે. એકલો રહેતો માણસ રાત્રે દસ વાગ્યે રુમ પર આવી અને બાકીનો સમય શું ભજન ધ્યાનમાં વીતાવે ?કોઈ મિત્રને ત્યાં બેઠા હોઈએ કે સિનેમાનો છેલ્લો શો જોવા જવું હોય તો આ શરતો પાળી શકાય ખરી ?

અમને ત્રણેય મિત્રોને એક જ વિચાર આવ્યો કે આપણે ભાડુઆત બનવાનું છે કેદી નહીં. અમે કાકાનો આભાર માની ત્યાંથી વિદાય લીધી.

વળી પાછા કેટલીક જગ્યાએથી “અમે ફેમીલીને જ મકાન આપીએ છીએ એટલે તમે એકલા રહેવાના હો તો નહીં મળી શકે” એવો જવાબ સામે આવ્યો.

દરેક વસ્તુનું ઘડીપળ નિર્મિત હોય છે. મારી ભાડે મકાન લેવા માટેની જહેમત અને નિષ્ફળતા જોઈને ડો. પાધ્યાને મને મદદ કરવાની સ્ફૂરણા થઈ. એમના ઘણા પરિચયો એ વિસ્તારમાં હતા. છેવટે પ્રતાપગંજમાં જ એક પાઠક કાકાના બંગલામાં મારી ગોઠવણ થઈ ગઈ. એક રુમ અને સાથે એટેચ્ડ બાથડબલ્યુસી જેવી સવલત સાથેનો હું ભાડુઆત બન્યો. જો કે તમારું રહેણાંક હોવું જોઈએ એટલા પૂરતું જ આ પાઠક કાકાનો બંગલો મારા માટે ખપનો હતો. સવારની કોલેજ હતી એટલે વહેલા ઉઠી અને પ્રાતઃક્રિયા પતાવી તૈયાર થઈ હું કલાભવનની વાટ પકડતો. બપોરે જમવાનું સ્થળ દાંડિયા બજારમાં મહારાષ્ટ્ર ભોજનાલય હતું. મહારાષ્ટ્ર ભોજનાલય અને ગુજરાત લોજ એ બન્ને મહદ્અંશે વિદ્યાર્થીઓ અને નોકરીયાતો માટે દાંડિયા બજારમાં જમવાના સારાં સ્થળ હતાં. હું, બિપીન અને બિયાની બાર સાડા બારે ભૂખ્યાડાંસ જેવા ત્યાં પહોંચી જઈએ. બિપીન છ ફૂટ બે ઈંચની ઉંચાઈ અને કસરતી શરીર નિયમિત તરવા જવાનું અને દોડવાનો એનો નિયમ. હું અને બિયાની તેની આગળ ટચુકડા લાગીએ. એમાંય મારું વજન એ વખતે માત્ર બાવન કિલો હતું. પાંચ ફૂટ અગિયાર ઇંચની ઉંચાઈમાં બાવન કિલો વજન એ ખપાટીયાં જેવાં હાડકાં ઉપર કરકસરથી મજ્જાતંત્ર લગાવીને બનાવેલ કોઈ બેઢંગી કૃતિ જેવું લાગતું. પણ ભગવાનની દયાથી શરીર નિરોગી અને જઠરાગ્નિ સારો પ્રદિપ્ત થતો. અમે ત્રણે જણા ભોજન ઉપર જાણે કે તૂટી પડતા અને એકબીજાની હરિફાઈ કરતા. પરિણામે ક્યારેક બત્રીસ રોટલી તો ક્યારેક બાણું પુરી ખાઈ જવાનો રેકોર્ડ બનતો અને એ કોઈપણ ઘડીએ તૂટશે એની ધાસ્તી રહેતી. ભોજનાલયના સંચાલક લાભુભાઈની નજરમાંથી આ વિશીષ્ટ ગ્રાહક ત્રિપુટી કેમ બચી શકે ? પરિણામે થોડા સમય પછી એમણે બહાર આખા ભાણાની વ્યાખ્યા કરતું બોર્ડ મુક્યું. “આખું ભાણું એટલે બાર રોટલી અથવા બત્રીસ પુરી મળશે. આ ઉપરાંત જોઈએ તો એકસ્ટ્રા ચાર્જ લાગશે.” હું કહી શકું કે તે દિવસથી અમે બિનનિયંત્રિત આઈટમો જેવી કે શાક, કઠોળ, દાળ અને ભાત તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરતા થયા. મને આજે પણ વિશ્વાસ છે કે રોટલી અને પુરી પર નિયંત્રણ મુકીને લાભુભાઈ કંઈ ખાટી ગયા નહોતા ! ખેર, દરેકને પોતપોતાનો જોબ સેટીસફેક્શન મેળવવાની રીત હોય છે.

જમ્યા બાદ અમારો મુકામ બિપીન તમાકુવાલાની રુમમાં રહેતો. થોડો આરામ કરી પાછા ત્રણ સાડા ત્રણે કોલેજમાં પહોંચી જતા જેથી પીએચડી માટેની લીટરેચર સરવે જેવી કામગીરી અને આગળનું આયોજન હાથ ધરી શકાય. જો કે મહદ્અંશે કામ કરતાં ટોળટપ્પામાં સમય વધારે જતો. ત્યાં સુધીમાં અમે લેબોરેટરીમાં પૂનમચંદ ગાંધી જે ઈન્ચાર્જ હતા તથા વસંતરાવ સાથે દોસ્તી બાંધી દીધી હતી. ક્યારેક ધીરુ પટ્ટાવાળો પણ આ ગામગપાટામાં ભળતો. અમારાથી બે સીનીયર પ્રધ્યાપકો હતા. હું અને બિયાની બન્ને એકસમયે એમના વિદ્યાર્થી રહી ચૂક્યા હતા. ડો. અરવિંદ શ્રોફ જેમણે રો-ઓડોમીટર જેવા તે સમયના અદ્યતન સાધન વાપરી સોઈલ કન્સોલીડેશન ઉપર પીએચડી કરી હતી. શ્રોફ સાહેબના ગાઈડ અને મારા પણ પ્રોફેસર ડો. પિયુષ પરીખ હતા. એવું કહી શકાય કે ડો. પરીખ શ્રોફ સાહેબ ઉપર જરા વધારે મહેરબાન હતા અને એમને નવા નવા અનેક પ્રોજેક્ટમાં જોતરતા. અત્યંત યુવાનવયે પીએચડી કરીને ડો. શ્રોફ આ કારણથી બહુ ઝડપથી આગળ વધી શક્યા હતા. બીજા હતા શ્રી આણંદજીભાઈ શાહ. મારી માફક એમને પણ પીએચડી સાથે લેણદેણ ઓછી હશે એટલે અત્યંત ક્ષમતાશીલ હોવા છતાં પીએચડી એમને હાથતાળી આપી ગઈ. ખૂબ ગંભીર રહેતા શાહ સાહેબ એમના કામમાં જ રત રહેતા. મારી અને બિયાનીની અવળચંડા ક્લબમાં એ ક્યારેય ન ભળી શક્યા. હા ! શાહ સાહેબ સંતાનોની દ્રષ્ટિએ અત્યંત નસીબદાર રહ્યા. એમનો એક દિકરો અને દિકરી બન્ને ખૂબ તેજસ્વી અને બુદ્ધિશાળી સંતાનો તરીકે આજે પોતપોતાના ક્ષેત્રમાં સફળ કારકીર્દી ઘડીને સ્થિર થયાં છે. ઈશ્વર ક્યાંકને ક્યાંક તો બદલો વાળી જ દે છે એનું આ ઉદાહરણ છે. બિયાની નવરાશના સમયમાં લોકોની જન્મકુંડળી અને હાથ પણ જોતો. બેનહામ અને કિરો જેવી હસ્તીઓના હસ્તરેખા શાસ્ત્ર ઉપરનાં પુસ્તકો એના કારણે હું વાંચી શક્યો. જો કે એના મોટાભાગના વરતારા એવા પોલીટીકલ રહેતા કે એમાંથી તમે ધારો તે અર્થ કાઢી શકો. ગીતા ઉપર એની શ્રદ્ધા અને એ ગ્રંથનું વાંચન પણ સારું. મેં એકદિવસ ગમ્મતમાં એને કહેલું કે “તું આ ફેકલ્ટી છોડીને ક્યાંય નહીં જાય. પણ મને મોડાવહેલા અહીંથી વિદાય કરીશ.” એ સમયે મને ખબર નહોતી કે ખૂબ ટૂંકા સમયમાં હું ફેકલ્ટીને અલવિદા કહેવાનો છું. જો કે એનો એક વરતારો મારા જીવનમાં સાચો પડ્યો છે (અનેક ખોટા પણ પડ્યા છે). એ હંમેશા કહેતો “ભૈયા ! તુમ ટીચીંગ સે નહીં ભાગ સકતે. કહીંભી જાઓગે તુમ્હારા બુધ તુમ્હે એક યા દુસરે રુપ સે ટીચીંગ સે જુડે રખેગા.” મેં શિક્ષકની નોકરી છોડી ત્યારપછીની મારી કારકીર્દીમાં ક્યારેય પૂર્ણકાલિન શિક્ષક નથી બન્યો પણ નોકરીની સાથે સાથે રાજ્ય સરકારની સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમીનીસ્ટ્રેશનથી માંડી આઈઆઈએમ અને નિરમા જેવી સંસ્થાઓ કે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના કોર્સ / પ્રોગ્રામમાં મેં ભણાવ્યું છે તે વાત સાચી છે. આજે પણ મને કિરો અને બેનહામ તેમજ હસ્તરેખા શાસ્ત્રમાં રસ છે. જો કે હસ્તરેખાનું વાંચન કરવા માટે જે આંતરિક ક્ષમતા અથવા ઈશ્વરીય કૃપા હોવી જોઈએ તે મને પ્રાપ્ત નથી એટલે હું એક જીજ્ઞાસુ રહ્યો છું હસ્તરેખા નિષ્ણાત બની શક્યો નથી. આજ બાબત જ્યોતિષ શાસ્ત્રને પણ લાગુ પડે છે. વીસ ઈસ્ટર્ન સોસાયટીમાં છેક ઉપરના માળે બિયાની, જોષી અને પ્રમોદ પંડિત રહેતા હતા. છેક ઉપરના માળે આ રુમ હતી. આગળ એવડી જ મોટી અગાશી એટલે ઘણી મોકળાશ હતી. મારો અને બિપીનનો પણ પડાવ અહીંયા રહેતો. બિયાની તે સમયે રામનનું જ્યોતિષ શાસ્ત્ર વિશેનું મેગેઝીન કે એવું કંઈ વાંચ્યા કરતો હોય. ધીરે ધીરે જન્મપત્રીમાં જન્મલગ્નનો ચાર્ટ એટલે કે નેટલ ચાર્ટ કોને કહેવાય, ગ્રહોની સ્થિતિ ઉપરથી પરિવર્તન, ઉચ્ચ કે નીચ કોને કહેવાય, વર્ગોત્તમી કોને કહેવાય, નવમાંશ અને ચલિત એટલે શું જેવી બાબતો એણે અમને સમજાવી. મને લાગે છે કે અમારો સહવાસ થોડો લાંબો રહ્યો હોત તો આ ક્ષેત્રમાં ઉંડાણથી ખેડાણ થઈ શક્યું હોત. ખેર, હું આજે પણ માનું છું કે જ્યોતિષ એ કોઈ કોમ્પ્યુટરથી આગાહીઓ કરવાની વિદ્યા નથી. ઈનટ્યુશન એટલે કે અંદરથી ઉઠતી આંતરસૂઝની ઉર્મીઓ જેને ઈશ્વરની કૃપા હોય તેને જ પ્રાપ્ત થાય છે. ઘણીવાર એવું પણ બને છે કે એક જ્યોતિષીના અમુક વરતારાઓ સાચા પડે અને એ જ જ્યોતિષીના બીજા વરતારાઓ સાચા ન પણ પડે. ગ્રહોની દશા / અંર્તદશાનું જે ગણિત છે તેના પરથી મારો તર્ક એવો છે કે જેમ કોઈપણ વ્યક્તિ એક સારી મહાદશા કે અંર્તદશામાંથી પસાર થતી હોય તેમ જ્યોતિષીના જીવનમાં પણ સારી નરસી દશાઓ આવે છે. જ્યારે સારી દશા ચાલતી હોય ત્યારે એની અંતઃસ્ફૂરણા બિલકુલ તલવારની ધાર જેવી તેજ હોય છે અને એના વરતારાઓ સાચા પડે છે. પણ જ્યારે જ્યોતિષીની ખુદની જ વિપરીત દશા ચાલતી હોય ત્યારે કદાચ આવું બનતું નથી. આજે પણ હું જ્યોતિષ વિદ્યાને એક ચોક્કસ અંતઃસ્ફૂરણા સાથે જોડું છું. જો આવું ના હોત તો જન્મસ્થળ, તારીખ અને જન્મસમય પરથી સુક્ષ્મમાં સુક્ષ્મ ગણિત તો કોમ્પ્યુટર પણ મુકે છે. પછી માણસની જરુર ક્યાં પડી ? જ્યોતિષનો બીજો એક સિદ્ધાંત એ “જાતકસ્ય કલ્યાણમ્” એટલે કે જે જાતક છે એનું કલ્યાણ થાય એવી ભાવના સાથે વરતારો કરવાનું છે. આ કારણથી સાચા જ્યોતિષી ક્યારે પણ અમંગળ ભાંખતા નથી. હા, એ કંઈક અજુગતું બનવાની શક્યતા સામે ચેતવણીરુપ અંગૂલીનિર્દેશ જરુર કરે છે. આમ, જ્યોતિષ અને હસ્તરેખા શાસ્ત્ર વિશે છબછબીયાં કરતાં હોય તેટલું જ્ઞાન અને તેને કારણે આ વિષયોમાં રસ ઉભો કરવાનું આ શ્રેય હું ચોક્કસ બિયાનીને આપીશ.

અમદાવાદી પોળ, પ્રતાપગંજ, ઈસ્ટર્ન સોસાયટી અને છેવટે મંગલદીપ, ભાસ્કર વિઠ્ઠલનો વાડો, દાંડિયા બજાર આ સ્થળો મારા બે વરસના એન્જિનિયરીંગ કોલેજના કાર્યકાળ દરમ્યાન ક્યાંકને ક્યાંક જોડાયાં છે. એક વરસ બાદ પત્નિ વડોદરા આવી અને અમે એન્જિનિયરીંગ કોલેજની નજીક જ માણેકરાવના અખાડા પાસે ભાસ્કર વિઠ્ઠલના વાડામાં મકાન ભાડે રાખી ઘર વસાવ્યું. મકાન માલિક હસમુખભાઈ રાણા અને ખાસ કરીને એમના વયોવૃદ્ધ માતા મંગીબેન ખૂબ જ માયાળુ. હું ઘરે ન હોવું તો પણ ક્યારેય એમણે કોઈ જ વાતે મારી પત્નિને મૂંઝવણ થવા દીધી નથી. ત્યાં સુધીમાં તો મારો મિત્ર હરીશ પણ બરાબર આજ વિસ્તારના નાકે સરસમજાનું નવું ઘર બનાવી રહેવા આવી ગયો હતો એટલે અમને અને તેમાંય ખાસ કરીને મારી પત્નિને જરાય અજાણ્યું લાગ્યું નહીં. આ એ જ મકાન હતું જ્યાં પેલા એક તદ્દન અજાણ્યા અતિથિએ રવિવારની એક બપોરે આગાહી કરી હતી “યે માસ્ટરી શીઘ્ર હી છૂટ જાયેગી” ધીરે ધીરે એ આગાહી સાચી પડવા તરફ હું આગળ વધી રહ્યો હતો. એક મહિનાના નોટિસ પિરિયડમાંથી ધમધમાટ કરતા દિવસો વહી રહ્યા હતા. હવે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ઓફર હાથમાં હતી પણ ગુજરાત છોડીને બીજા રાજ્યમાં ફરવું પડે એ માનસિક તૈયારી મારી અને ખાસ કરીને મારી પત્નિની નહોતી.

જોઈએ કાળના ગર્ભમાં શું લખાયું છે ?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles