એક લોકપ્રિય શાસકની લોકપ્રિયતાનો ઇતિહાસ એની સાથે જોડાયેલ ઘણી બધી રસપ્રદ બાબતો છે
વડોદરાના મારા શરૂઆતના નિવાસ દરમિયાન એક સ્થળ જે મારા માટે અત્યંત આકર્ષણનું સ્થળ બન્યું હતું જેમાં પ્રવેશતા વેંત જાણે સ્વપ્નલોકમાં પહોંચી ગયા હોઈએ તેવો મને અનુભવ થયો તે હતું કમાટીબાગ. કમાટીબાગ એ મોટું સરનામું ખરું પણ એમાંય મારાં પસંદગીનાં સ્થળો હતાં. ઝૂમાં સુંદર મજાનાં પક્ષીઓને સંઘરતો પક્ષી વિભાગ, ઇતિહાસની અનેક યાદો સાચવીને બેઠેલું મ્યુઝિયમ, ટોય રેલવે જેમાં બેસીને બાળકો કમાટીબાગના વિવિધ સ્થાનોનો રેલ યાત્રાનો આનંદ લેતાં એ બેબીટ્રેન. જો તમે બ્રહ્મચારી ચલચિત્ર જોયું હોય તો શમ્મી કપૂર અને એની બાળમંડળીની ઉપર કચકડામાં કંડારાયેલું ગીત “ચકકે પે ચક્કા... ચકકે પે ગાડી... ગાડી મેં નીકલી અપની સવારી” અહીં ચિત્રીત થયું હતું. આ ફિલમ આમ તો ૧૯૬૮માં રીલીઝ થઈ હતી. ૧૯૬૭ના શિયાળાની એક હુંફાળી સવારે એનું શૂટિંગ થયેલું. અહીંયા થોડો વહેલો ઉલ્લેખ એટલા માટે કરું છું કે જેથી આ ટોયટ્રેન અંગેનો સંદર્ભ મળી રહે. કમાટીબાગમાં જ એક જગ્યા હતી “બેન્ડ સ્ટેન્ડ”. ત્યાં દર રવિવારે પોલીસ બેન્ડ સંગીતના સૂરો રેલાવતું અને કેટલાક પ્રચલિત ફિલમી ગીતોની તરજો પણ વગાડતું.
ફુલ છોડ અને ઝાડ મારા માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. સિધ્ધપુર હતો ત્યારે પણ છેક પુનાથી બીજ મંગાવી ઝિનિયા, ક્રિસંથીયમ, બાલસમ(ચમરી), ગેલાડીંયામ, હજારીગલ જેવાં ફુલ ખાસ કરીને ચોમાસા અને શિયાળામાં મારા ઘરની આગળના વિશાળ ચોકમાં આવેલી પાળી પર મૂકેલાં કુંડામાં ખીલી ઉઠતાં. જૂઈ અને મોગરો, જાસૂદ અને ટગરી તેમજ કળોટણ અને બેબીપામ(પંખા)ની સાથો સાથ કેટલાક દેશી ગુલાબના છોડ અને નીચે આંગણામાં પીળી, લાલ અને લીમડા કરેણ મારા ત્યાં હતાં. હું સમજણો થયો ત્યારથી આ બધી કુદરતની કારીગરી વચ્ચે ઉછર્યો જેની ઊંડી છાપ મારા મનમાં અંકિત છે.
બેન્ડ સ્ટેન્ડની વાત પર આવીએ તો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ૧૮૭૯માં કમાટીબાગમાં બેન્ડ સ્ટેન્ડ બનાવાયું હતું. આ બેન્ડ સ્ટેન્ડમાં અઠવાડિયામાં બે દિવસ બેન્ડ વગાડવામાં આવતું અને બેન્ડ સ્ટેન્ડની આજુબાજુ આવેલી હરિયાળી લોન અને એની ચોગરદમ રંગીન ફૂલોની ક્યારીઓ વચ્ચે સંગીતના સુરનો જાદુ એટલો અદ્દભુત સમો રચતો હતો કે આ કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી હલવાનું પણ મન ન થાય. હું જ્યારે જ્યારે સમય મળે ત્યારે શનિ-રવિ દરમિયાન અચૂક આ અદ્દભુત માહોલનો લાભ લેતો. સ્ટ્રેસ એટલે કે તણાવ શબ્દ એ વખતે મારા શબ્દકોશમા દાખલ નહોતો થયો. ટેસ્ટ પરીક્ષામાં શૂન્ય માર્કસ આવે ત્યારે પણ બહુ કાંઈ ચિંતા કરવા જેવુ હોય તેવું એ વખતે નહોતું લાગ્યું. કદાચ આનો યશ મારી અજ્ઞાનતાને અને દુનિયા કેટલી કાતિલ છે તે વિશેના મારા બાઘાપણાને આપી શકાય.
જે હોય તે કમાટીબાગ (સયાજીબાગ) આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની વડોદરાના શહેરીજનોને અમુલ્ય ભેટ છે. સયાજીબાગ રેલવે સ્ટેશનથી પૂર્વ દિશામાં જતાં કાળા ઘોડા સર્કલ પાસે ૧૧૩ એકર જમીનમાં ફેલાયેલો શહેરનો જુનામાં જુનો બગીચો છે. વિશ્વામિત્રીને કિનારે આવેલ આ ઉદ્યાન મહારાજા સયાજીરાવે ૧૯૭૯ની સાલમાં એટલે કે આજથી લગભગ ૧૩૮ વરસ પહેલા બનાવ્યો હતો. આ બાગમાં પ્રાણીસંગ્રહાલય, મ્યુઝિયમ, પ્લેનેટોરિયમ ઉપરાંત ખાસ આકર્ષણ ગણીએ તો જમીન પર બનેલ આશરે ૧૨ ફૂટ ઘેરાવવાળી ફ્લોરલ ક્લોક તેમજ ટોય ટ્રેન (ફક્ત ૨ ફૂટ ઊંચાઈ ધરાવતી, ૧૦ ઇંચ પહોળા ટ્રેક પર ચલતી બાળકો માટેની આ ખાસ ટ્રેન) ગણી શકાય. સયાજીબાગમાં ઘણા દુર્લભ ફુલ, છોડ અને ઝાડ છે જે બીજે ભાગ્યે જ જોવા મળી શકે. એ સમયના પ્રમાણમાં શાંત વડોદરામાં કમાટીબાગ ગમે તેવા માનસિક તણાવ લઈને આવેલ માણસને પણ પળભર બધુ ભૂલાવીને પ્રકૃતિમાં ખોવાઈ જતો કરી દે તેવો હતો.
આ કમાટીબાગમાં જ મ્યુઝિયમથી ઝૂ તરફ જવાને રસ્તે ઘટાદાર વૃક્ષોની છાયામાં સામે વિશ્વામિત્રીનો કિનારો દેખાતો હોય તે રીતે બેસીને કલાકોના કલાકો મેં મારી સાથે વાત કરી છે. ભલે ચોપડીઓ લઈને અહીંયા વાંચ્યું ન હોય પણ ઝૂનાં પશુ-પંખી તેમજ સરિસૃપ સૃષ્ટિનાં પ્રાણીઓ જોતાં જોતાં સમય ક્યાં વીતી જતો તે ખ્યાલ પણ નહોતો રહેતો. બાબરદેવો જો પૂજ્ય મહારાજને મળ્યો હોત તો? ત્યારપછીની કાલ્પનીક ઘટનાના મણકા મેં આ જગ્યાએ બેઠા બેઠા પરોવ્યા હતા. માણસાઈના દીવામાંથી કેટલીક ઘટનાઓને વાગોળી હતી અને ખાસી મથામણ પછી જે નિબંધ ડો.સુરેશ જોશીને ઉત્તમ લાગ્યો તે નિબંધ લખી શક્યો હતો. ત્યારપછી એના પર આપેલું વક્તવ્ય જેણે મને બોલતો કર્યો એટલું જ નહીં પણ રાતોરાત પ્રેપરેટરી સાયન્સના બધા જ વર્ગોમાં જાણીતો કરી દીધો એ મારા પહેલા મૌલિક સર્જનનું રિહર્સલ કમાટીબાગ ઝૂ તરફ જવાના રસ્તે આવેલ આ શાંત એકાંતમાં બેસીને થયું હતું.
૧૮૭૯માં કમાટીબાગના સર્જન થયા બાદ એવું જ બીજું અદ્દભુત સર્જન કમાટીબાગની અંદર ઊભુ થયું હતું તે મ્યુઝિયમ. મહારાજ સયાજીરાવ ત્રીજાના આદેશ પર ઇ.સ.૧૮૯૪માં આ મ્યુઝિયમ બન્યું પણ એની પીક્ચર ગેલેરી બનવાની શરૂઆત ઇ.સ.૧૯૦૮માં થઈ જે કામ ઇ.સ.૧૯૧૪માં પૂરું થયું. જો કે મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી ઇ.સ.૧૯૨૧માં આમ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવેલા કારણ કે પ્રથમ વિશ્વયુધ્ધના કારણે ગેલેરીમાં મૂકવા માટે યુરોપમાંથી ભેગા કરેલ નમુનાઓ પહોંચી શક્યા નહોતા.
આ મ્યુઝિયમમાં મારા વડોદરાના પહેલા વરસના અભ્યાસ દરમિયાન એકલો એકલો એક ડઝન કરતાં વધુ વખત ફર્યો છુ. હાઇસ્કૂલમાં ઈજીપ્તના પિરામિડ અને મમી વિષે ભણ્યા હતા. આ મ્યુઝિયમમાં ઈજીપ્તની મમીથી રૂબરૂ થયો. માનવજાત અને એની વિવિધ સંસ્કૃતિઓમાં ઈજીપ્તની નાઇલ નદીના કિનારે પાંગરેલ સંસ્કૃતિનું વિશિષ્ઠ મહત્વ છે. એ જમાનામાં કોઈપણ પ્રકારનાં યાંત્રિક સાધન વગર આવા મોટા પિરામિડ કઈ રીતે ઊભા થયા હશે તેનો સાચો જવાબ તો આજે પણ કોઇની પાસે નથી. આ પિરામિડમાં વિશિષ્ટ રસાયણો ભરીને શબપેટીમાં જાળવી રાખેલ શબ તે મમી. તે જમાનામાં પણ માણસનું શરીરવિજ્ઞાન તેમજ રસાયણશાસ્ત્ર વિષેનું જ્ઞાન કેટલું અદ્દભુત હશે તેનું ઉદાહરણ આ મમી પૂરું પાડે છે.
આવી જ બીજી વિશિષ્ટ અજાયબી ત્યાં સંગ્રહાયેલું બ્લૂ વ્હેલનું હાડપિંજર હતી. નાનપણમાં શાર્ક, વ્હેલ અને ડોલ્ફિન જેવી માછલીની વિવિધ જાતિ-પ્રજાતિઓ વિષે વાંચેલું. વ્હેલ એ દરિયાઈ મગરમચ્છ છે. એના હાડપિંજર પાસે ઊભા હોઈએ ત્યારે ખ્યાલ આવે કે વ્હેલ ખરેખર કેટલું વિશાળકાય પ્રાણી છે.
આ ઉપરાંત કલા, શિલ્પ તેમજ સ્થાપત્યના આકર્ષક નમુનાઓ, ઇતિહાસ, ભૂસ્તરશાસ્ત્ર તેમજ માનવ સંસ્કૃતિના વિકાસનાં વિવિધ પાસા આલેખતા આ મ્યુઝિયમમાં ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. ગાયકવાડી, યુરોપિયન અને મોગલકાળના સંસ્કૃતિ તેમજ કલા વારસાનો ત્રિવેણી સંગમ એટલે આ મ્યુઝિયમ.
કમાટીબાગ...
સયાજીબાગ...
૧૧૩ એકરમાં વિશ્વામિત્રીના તટે
મ્યુઝિયમ, બેન્ડસ્ટેન્ડ, ઝૂ, પ્લેનોટોરિયમ, ફ્લોરલ ક્લોક અને ટોયટ્રેન જેવાં વિશિષ્ટ આકર્ષણો
૧૯મી સદી જ્યારે એના અંત તરફ જઇ રહી હતી
ત્યારે...
૨૭ મે, ૧૮૭૫ને દિવસે ૧૨ વરસની ઉમરે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા વડોદરાની ગાદીએ બેઠા અને લાયક ઉમરના થતાં સન ૧૯૮૧ના ૨૮ ડિસેમ્બરના રોજ તેમણે રાજ્યકારભારનો સંપૂર્ણ અધિકાર પોતાને હસ્તક લીધો.
સર સયાજીરાવ ગાયકવાડની દીર્ઘદ્રષ્ટિ
કુશળ વહીવટી સુઝ
પોતાના રાજ્યને વિકસિત અને કલ્યાણ રાજ્ય બનાવવાનો સંકલ્પ લઈને રાજ્યની દોર સાંભળનાર સયાજીરાવ ત્રીજા ઈતિહાસમાં એક દક્ષ અને દીર્ઘદ્રષ્ટા રાજવી તરીકે અમર છે.
તેમણે રાજ્યાધિકાર પોતાને હસ્તક લીધો તા.૨૮ ડિસેમ્બર, ૧૮૮૧ના રોજ.
૨૭ ડિસેમ્બર, ૧૯૦૬માં એને ૨૫ વરસ પૂરા થયાં
પણ...
મહારાજાના કારભારની સિલ્વર જ્યુબિલી (રૌપ્ય મહોત્સવ)
ઉજવવાનું નક્કી થયું તા. ૫ માર્ચ, ૧૯૦૭થી છ દિવસ
આ રૌપ્ય મહોત્સવ દરમિયાન ઘણું બધુ થયું
પણ એક મહત્વનો લેન્ડમાર્ક વડોદરાને મળ્યો
તે હતું...
સયાજીબાગને બારણે સ્થાપિત કરાયેલ
મહારાજા સર સયાજીરાવની ઘોડે સવારી કરતી પ્રતિમા
આ કાળા ઘોડાનો પણ એક વિશિષ્ટ ઇતિહાસ છે.
એક લોકપ્રિય શાસકની લોકપ્રિયતાનો ઇતિહાસ
એની સાથે જોડાયેલ ઘણી બધી રસપ્રદ બાબતો છે
પણ...
એક ઘટના એવી છે જે ભારતના ઈતિહાસમાં બે જ વિરલ વ્યક્તિત્વના જીવનમાં ઘટી.
શું હતી એ ઘટના?
કોણ હતા એ બે મહાનુભવો?
શું વિશિષ્ઠતા એ ઘટનામાં?
જોઈશું હવે પછી...