Saturday, January 21, 2017
બચપણની શરુઆત મા-બાપથી થાય છે.
આ દુનિયામાં બાળક સહુથી પહેલું એની મા ને ઓળખે છે.
ગર્ભસ્થ શિશુનું રક્ષણ અને યોગક્ષેમ વહન ઈશ્વર કરે છે.
પણ ત્યારબાદ....
બાળક આ ધરતી પર અવતરે છે.
ઈશ્વર હવે આસમાનમાં રહી જાય છે.
જન્મતાવેંત બાળક રડે છે.
એ હુઆ.......હુઆ........હુઆ...... રડવામાં ધ્યાનથી સાંભળીએ તો ?
બાળક જાણે ઈશ્વરને કહે છે....
હે પ્રભુ ! હું અહીં અને તું ત્યાં.....
પણ વાસ્તવિક્તામાં એક ઈશ્વરના હાથમાંથી બીજા ઈશ્વરના હાથમાં એની સોંપણી થઈ ચૂકી હોય છે.
એ બીજો ઈશ્વર.....તે...... મા
ઈશ્વરને ઉદ્દેશીને ગવાયેલ એક ગીતની પંક્તિઓ –
उस को नहीं देखा हमने कभी
पर इसकी ज़रूरत क्या होगी
ऐ माँ, ऐ माँ तेरी सूरत से अलग
भगवान की सूरत क्या होगी, क्या होगी
उस को नहीं देखा हमने कभी...
इनसान तो क्या देवता भी
आँचल में पले तेरे
है स्वर्ग इसी दुनिया में
कदमों के तले तेरे
ममता ही लुटाये जिसके नयन, हो...
ममता ही लुटाये जिसके नयन
ऐसी कोई मूरत क्या होगी
ऐ माँ, ऐ माँ तेरी...
ફિલ્મઃ દાદી મા (1966)
આવી જ એક ઘટના 14 એપ્રિલ 1947ને સોમવારે સાંજના પાંચ વાગીને એકતાલીસ મિનિટે ઘટી.
એ સ્થળ હતું વિરમગામમાં ઝંડીયાકુવે આવેલ મારા એકના એક મામાશ્રી નવતમલાલ છબીલદાસ દવેનું નિવાસસ્થાન.
મારી મા નું નામ પદમાબહેન. પિતાશ્રીનું નામ નર્મદાશંકર. મારા પહેલાં બે દીકરા અને એક દીકરી મારી મા ની કૂંખે જન્મ્યાં ખરાં પણ ઉછર્યાં નહીં.
સૌરાષ્ટ્રમાં ભાણાભાઈને કે ભાણીબાને તોછડાઈથી બોલાવાનો રિવાજ નથી.
આપણો જન્મ થયો એટલે અમારા વિજયામામીએ હરખભેર જાહેરાત કરી....મા આરાસૂરીની કૃપાથી ભનાભાઈ અવતર્યા છે. મારા મામાને ત્યાં ભાદરવા સુદ પૂનમની આસપાસ અંબાજી સંઘ લઈને જવાનું સંઘવીપદ હતું.
જગદજનની મા આરાસૂરીની અપાર શ્રદ્ધા રાખતું આ કુટુંબ. જેમ મારું મોસાળ વિરમગામ તેમ મારી મા નું મોસાળ લખતર થાય.
તળ કાઠિયાવાડી સંસ્કારો.
અને એટલે જ.....
જન્મતાવેંત આપણે ભાણો કે ભાણીયો નહીં પણ ભનાભાઈ-ભાણાભાઈ તરીકે માનવાચક સંબોધન પામ્યા !
કાઠીયાવાડના આ સંસ્કારોએ અને એની ભાષાની મીઠાશે મને હંમેશા પ્રભાવિત કર્યો છે.
આજે પણ મારી ભાષામાં સોરઠી લહેંકો અને શબ્દો ધસી આવે છે. એનું કારણ મોસાળમાં ગાળેલ અનેક વેકેશન
તેમજ
સુરેન્દ્રનગર, રાજસીતાપુરા જેવાં સ્થળોએ કૌટુંબિક પ્રસંગોએ જવાનું થતું તેને આભારી છે.
હા, નિખાલસતાપૂર્વક એક વાત કબૂલી લઉં.
સૌરાષ્ટ્રની ચાણક્યનીતિ અને ઠાવકાઈ મારામાં નથી આવ્યા.
એક ઘા ને બે કટકા કરવામાં ક્યારેક કૂહાડો પગ પર પણ વાગી જતો હશે પણ એ ગુણ મારા ઉત્તર ગુજરાતના ચાણસ્મા ગણું કે સિદ્ધપુરના પાણીનો પ્રભાવ છે.
ખેર, અભિમન્યુને પણ ક્યાં ચક્રવ્યૂહના બધા કોઠા ભેદવાનું જ્ઞાન શ્રીકૃષ્ણે પહોંચવા દીધું હતું !
આમ તો શ્રીકૃષ્ણ પણ એના મામા જ થતા હતા ને.
એકનું એક સંતાન
પ્રમાણમાં મારા મા-બાપને મોટી ઉંમરે પ્રાપ્ત થયેલ પુત્ર.
લાલન-પાલનમાં કંઈ જ કમી નહીં રાખી હોય ને ?
થતું હશે આ મા-બાપ અને તેમણે મારા ઉછેરમાં શું ફાળો આપ્યો.
તે વિષે હવે વાત કરવી જ જોઈએ.
આજથી ઘણાં વરસો પહેલા પૂર્વ માહિતી નિયામકશ્રી ચંદ્રશંકરભાઈ શુકલના આગ્રહને વશ થઈ શ્રીમતી વિજયાબહેન ચંદ્રશંકર શુકલ દ્વારા સંકલિત પુસ્તક “માવતરને ચરણે” માટે એક લેખ લખ્યો હતો. મને લાગે છે કે અહીંયા આ લેખમાં આવરી લેવાયેલ માહિતીથી વધુ પ્રસ્તુત માહિતી બીજી ભાગ્યે જ મુકી શકાત. જેમનો તેમ શબ્દસઃ આ લેખ જેનું શીર્ષક છે “સાદગી, નિઃસ્વાર્થ સેવા અને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા” રજૂ કરું છું.
“માણસના જીવનના ઘડતર અને વિકાસમાં એનાં માતા-પિતાનો ફાળો સૌથી વિશેષ હોય છે. બાળક જન્મે ત્યાંથી લઈને એની બાલ્યાવસ્થા અને મુગ્ધાવસ્થામાં જે કેળવણી, સંસ્કાર અને વિચારો એને મળે છે તે એના વ્યક્તિત્વને એક ચોક્કસ બીબામાં ઢાલવા માટે મહદ્અંશે જવાબદાર હોય છે. કેટલાક સંસ્કારો માતા-પિતા અને કુટુંબના વારસામાંથી મળે છે. કેટલાક વ્યક્તિ જાતે વિક્સાવે છે. આ માટેનાં સર્વ-સામાન્ય કારણો તો હશે જ પણ કેટલાંક ખાસ કારણો પણ છે.
ખાસ કારણોની વાત પહેલાં કરીએ તો મારા પહેલાં ત્રણ સંતાનો થયાં અને ઝૂંટવાઈ ગયાં અને ત્યાર બાદ પ્રમાણમાં કાંઈક મોટી ઉંમરે મારાં માતા-પિતાને સંતાન સુખ મળ્યું એટલે ઘણી બાધા-આખડી પછી પ્રાપ્ત થયેલ હું એકનું એક સંતાન અને એને કારણે સ્વાભાવિક રીતે જ કાંઈક વિશેષ ધ્યાન અને લાગણી મને મળી એમ કહીએ તો ખોટું નથી. મારું બાળપણ આના પરિણામે સામાન્ય બાળક કરતાં જુદું વીત્યું હશે. માતા તરફથી નિર્ભેળ વાત્સલ્ય અને લાગણી કાંઈક વિશેષરુપે મને મળ્યાં હોય એવું મારું માનવું છે. આમ છતાં એકનું એક સંતાન વધુ પડતા લાડમાં બગડી જાય એવું નહીં બનવાનું જો કારણ હોય તો જ્યાં કડક બનવાનું જરુરી લાગે ત્યાં કડકાઈ, શિસ્ત અને નીતિમત્તાનો આગ્રહ એને માટે કારણભૂત ગણી શકાય. સાંજે સૂતાં પહેલાં પલાખાં અને પ્રાર્થના કરવી એ અતૂટ નિયમ અને એમાં જો ચૂક થાય તો ચાલે નહીં એવો આગ્રહ. બહાર ફરવા અથવા રમવા જવા પર કોઈ પ્રતિબંધ નહીં પણ દીવાબત્તી થાય એટલે ઘરે પહોંચી જવું પડે. નિશાળમાં નિયમિત લેસન કરીને જ જવું પડે. ગમે તે રીતે વાત થાય નહીં. આ બધી બાબતો પ્રત્યે ખૂબ જ શિસ્તનો આગ્રહ રહેતો હતો. સાથે સાથે રમતાં રમતાં પણ જો કોઈ ચીજવસ્તુ જડી હોય અને જો આપણી ન હોય તો લેવાય નહીં. કાં તો એના મૂળ માલિકને શોધીને પાછી આપી દેવી પડે અથવા એનો બીજો ઉપયોગ થાય. આજથી ચાલીસેક વરસ પહેલાં માલની હેરાફેરી ઊંટ પર થતી હતી. રાવળિયા ભાઈઓ આ કામ કરતા. મારા પિતાશ્રી એ સમયે વેજિટેબલ ઘી નવું નવું બજારમાં આવેલ તેના વેપારનું કામ કરે. માલ લઈ ઊંટવાળા આવે. રાત પડી હોય તો રોકાઈ સવારે વિદાય થાય. આમાં એક દિવસે રમતાં રમતાં મને બે આનીનો સિક્કો જડ્યો. આ વાત ઘરે કહી એટલે પહેલાં તો કોનો પડી ગયો હશે તેની તપાસ ચાલી. ચાર-પાંચ માણસો આવ્યા હતા એમાંથી કોનો હોઈ શકે ? મૂળ માલિક મળ્યો નહીં. છેવટે એ બે આનાના ચણા લાવી બધા છોકરાઓને વહેંચી દીધા. આ પ્રસંગની છાપ હજુ પણ મારા મનમાં એટલી જ તાજી છે.
બીજો એક ગુણ જે મને વારસામાં મળ્યો છે તે અગમની શક્તિમાં અતૂટ વિશ્વાસનો છે. મારી બાલ્યાવસ્થા દરમ્યાન અમે સિદ્ધપુર શહેર બહાર રાજપુર પાસે નટવરલાલ ગુરુના બંગલે રહેતાં હતાં. મોટો બંગલો હતો. આમ અમારી આજુબાજુની વસતી કરતાં કાંઈક સામાજિક દરજ્જો સારો પણ આર્થિક રીતે પરિસ્થિતિ બહુ સારી નહીં. ઘરમાં ક્યારેક અઠવાડિયા પછી અનાજ ક્યાંથી આવશે તે ખબર ન હોય ત્યારે ક્યારેક રેશનિંગના ઘઉં લેવા પૈસા ન હોય એવી પરિસ્થિતિ મેં જોઈ છે. આવા સંયોગોમાં કોઈ દિવસ અમારે ત્યાંથી મહેમાન ભૂખ્યો જાય નહીં અને બહાર અમે કઈ રીતે જીવીએ છીએ તેની કોઈને પણ ખબર પડે નહીં. બધું ભગવાનના ભરોસે ચાલ્યા કરે. આમાં મોટે ભાગે મારી માતાની વ્યવસ્થાશક્તિ અને કુશળ ગૃહિણી તરીકે ઘર ચલાવવાની કુનેહ તો ખરી પણ તેની દરિયાદિલી અને મનની અમીરાત પણ કારણભૂત ગણું છું. ઘરનો રોટલો બહાર ખાવાનો છે એમ સમજી ગમે તે સંયોગોમાં પણ કોઈની મહેમાનગીરી કરવામાં અમારે ત્યાં મોઢું કટાણું થયું હોય એવું મને સ્મરણ નથી.
એનો ભગવાનમાં અતૂટ વિશ્વાસ એટલી હદ સુધી કે મને પણ ક્યારેક કહેવામાં આવે કે સાચાં માતા-પિતા તો ભગવાન શંકર અને જગતજનની શક્તિ છે. જન્મ આપનાર મા-બાપ મોટાં છે અને ખોવાઈ જવાનાં છે ! આમ બાળપણથી જ ઈશ્વરની શક્તિમાં અતૂટ વિશ્વાસ રાખવાનું હું શીખ્યો છું. સીમ વગડામાં ખભે ધારિયું લઈ હું રખડ્યો છું. કોસ હાંક્યો છે અને ગાડું પણ જોતર્યું છે. સાપ અને ઝેરી જંતુઓ હોય તેવા વગડામાં અમાસના અંધારે ભૂતપ્રેતની કોઈ બીક વગર તારલાના અજવાળે કેડી કાપી છે. એકલા મુસાફરી કરી છે અને એ દરમિયાન એક વખત જાન ગુમાવવો પડે એટલી નજદીકથી જોખમને મેં જોયું છે અને છતાંય વાળ વાંકો થયા વગર આ બધામાંથી પસાર થયો છું. એ ઈશ્વરની અગાધ શક્તિ અને રક્ષણ વગર ક્યારેય શક્ય ન બન્યું હોત. આની સાથે સાથે ગમે તેવી પરિસ્થિતિમાં સંતોષથી રહેવું પણ સારી રીતે અને સુઘડતાપૂર્વક રહેવું. કપડું ફાટેલું હોય, થીંગડાવાળું હોય એમાં શરમ નહીં પણ મેલું ન હોવું જોઈએ. એ સંસ્કારો મને વારસામાં મળ્યા છે અને આ સંસ્કારો મહદ્અંશે મારી માતાનો વારસો છે એમ કહું તો ખોટું નથી.
પિતાની વાત કરું તો, એક અલગારી માણસ. ઘેરથી ગમે તે કામે નીકળ્યા હોય. રસ્તામાં કોઈ મળી જાય અને એને નોકરીથી માંડીને સામાજિક કોઈ પણ પ્રશ્ન હોય તો ઘરનું કામ બાજુ પર રહે અને ગાડી બીજા પાટે ચડી જાય. રેલ્વેની નોકરી હતી, કોઈ સંતાન ન હતું. એક સામાન્ય મતભેદમાં “મારે કોના માટે નોકરી કરવી” એમ કહી રાજીનામું આપી દીધું. ત્યારબાદ મારો જન્મ. આવા અલગારી માણસને ધંધો ફાવે નહીં. ખોટ કરી પણ પૈસે પૈસો ચૂકવી આપ્યો.
પરિણામે અમને સતત આર્થિક ભીંસમાં રહીને જીવન જીવવાની તાલીમ મળી. પૈસાની તમા આ માણસે જિંદગીના ક્યારેય કરી નહીં. પ્રસંગ હોય ત્યારે પણ કોઈ જાતનું આયોજન નહીં. “સબ હો જાયેગા” એ સામાન્ય જવાબ અને પ્રસંગ ઉકેલાઈ જાય ત્યાં સુધી એ તદ્દન બેફિકર રહે. થોડોક સમય શબ્દરચના હરીફાઈનું કામ કર્યું. વળી પાછા રેલ્વેને માણસોની જરુર પડી તેમાં પાલનપુર કંડલા લાઈન પર સ્ટેશન માસ્ટર તરીકે પાંચ-સાત વરસ નોકરી કરી નાંખી પણ આ બધુંય એક સ્વાભાવિક પ્રક્રિયા તરીકે જ. કોઈ પણ દિવસ નાણાંકીય પરિસ્થિતિને કારણે કે અન્ય કોઈ રીતે મેં મારા પિતાશ્રીને ચિંતા કરતા જોયા નથી. ઘરની આ પરિસ્થિતિ હોવા છતાં બજારમાં મોડાવહેલા આ પૈસા જવાના નથી એવી છાપ. કરિયાણું હોય કે અન્ય કોઈ ઉધારીનો વ્યવહાર બધે ચાલે. કોઈ દિવસ ઉઘરાણીવાળો માણસ અમારે ઘેર આવ્યો હોય એવું મારા ખ્યાલમાં નથી. પૈસા આવે એટલે જઈને આપી આવવાના. આમ અમારું ઘર આવા કંઈક કેટલાક વેપારીઓ અને વ્યક્તિઓની સહાયે ચાલ્યું જેનું એક સામાજિક ઋણ મારા પર છે એમ હું માનું છું.
આર્થિક સંકડામણની વાત કરી ત્યારે બીજી એક વાત કરી લઉં. મારા પિતાશ્રી અને કાકા એમ બે ભાઈ વડીલોપાર્જિત મિલકતમાં જમીન બધી સહિયારી અને મારા પિતાશ્રીના નામે ચાલે. મિલ્કતની બાબતમાં અથવા અન્ય કોઈ રીતે ક્યારેય મેં આ બેય ભાઈઓની ચર્ચા કરતા જોયા નથી. વહેંચણી અંગે કોઈ કટુતા ઊભી થતી જોઈ નથી. મારા કાકાએ મોટા ભાઈએ જે વ્યવહાર કર્યો તે બરાબર ગણી બધો જ અધિકાર મારા પિતાશ્રીને આપેલ અને નાનાભાઈને એક પાઈનો પણ અન્યાય ન થાય તે રીતે તલવારની ધાર પણ ચાલી નિભાવ્યો. આ બંને ભાઈઓને એક બીજા માટેનો પ્રેમ સતત એકસરખો રહ્યો. આનું કારણ બંનેના મનની મોટાઈ ગણું છું.
આ પ્રસંગે એક વાત યાદ આવે છે. વિરમગામ મારા પિતાશ્રીનું મોસાળ. મોસાળમાંથી મામાનો વારસો એમને મળ્યો. કાયદેસર રીતે બંને ભાઈનો અધિકાર સરખો. હું એ વખતે વડોદરા એન્જિનિયરીંગ કોલેજમાં ત્રીજા વરસમાં ભણું. પૈસાની ખૂબ જરુર હતી પણ આ બંને ભાઈએ સાથે બેસીને નક્કી કર્યું કે ઉત્તર ક્રિયા સારી કરવી અને ત્યાર બાદ જે કાંઈ પૈસા બાકી રહે તે વિરમગામ જ્ઞાતિને ભેટમાં આપી દેવા. આ પ્રસંગની ઘણી ઊંડી છાપ મારા પર પડી. આજે પણ વિરમગામ ઔ.સ.બ્રા. જ્ઞાતિના ધનકોરબા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી સ્કોલરશિપ અપાય છે. જરુર ન હોય ત્યારે આપવું સરળ છે પણ એક બાજુ પોતાની જરુરિયાત હોય ત્યારે પણ પોતાના હક્ક વગરનું કાંઈ પણ ન લેવું એ ભાવના સામે સ્વાભાવિક રીતે જ વંદન કરવાનું મન થાય છે.
આવું તો ઘણું બધું મારાં માતા-પિતાના તેમના સારા વ્યક્તિગત ઘડતરના ફાળા તરીકે ગણી શકું. સૌથી વિશેષ અને મુદ્દાની વાત પર આવું તો એમણે મારા માટે જે વેઠ્યું, જાતે દુઃખ વેઠીને નિઃસ્વાર્થ ભાવે મને આગળ અભ્યાસ માટે પ્રેર્યો એ વાતનો હું આજે જે કાંઈ છું તેમાં સૌથી મોટો ફાળો છે. એસ.એસ.સી.માં હું ડીસ્ટિંક્શન સાથે પાસ થયો. તે વખતે બેન્કમાં નોકરી મળી શકે એવી પરિસ્થિતિ હતી છતાં મને વડોદરા અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યો અને પેટે પાટા બાંધીને મારું એન્જિનિયરિંગનું શિક્ષણ પૂરું કરાવ્યું. હું 1969માં ગ્રેજ્યુએટ થયો ત્યારે મારા પિતાશ્રીની ઉંમર લગભગ 68 વરસની હતી. કોઈ પણ વ્યક્તિ જિંદગીમાં આ સમયે શાંતિનો રોટલો મળે તે ઈચ્છે. મને નોકરીએ લાગવાનું કહેવાને બદલે આઈ.આઈ.ટી.માં અનુસ્નાતક ડિગ્રી માટે લગભગ હઠાગ્રહ કરીને મોકલ્યો. ‘અમે વધુ બે વરસ ગમે તેમ કરી ચલાવીશું,’ એક વાર અભ્યાસ પડતો મુક્યો તો પછી પૂરો નહીં કરી શકાય – એ ભાવના અને મારેં શુભ થાય એવી સતત આકાંક્ષા મને જીવનમાં આજે જ્યાં છું ત્યાં સુધી લઈ ગઈ છે. દરેક વ્યક્તિનાં ઉત્થાનમાં માતા-પિતાનો ફાળો હોય છે. મારા કિસ્સામાં નિર્ભેળ વાત્સલ્ય અને શિસ્ત-સાદગી અને છતાંય સ્વાભિમાન અને કોઈક માટે કાંઈક કરી છૂટવાનું એ ભાવના સાથે આપણા જીવનમાં અને આજુબાજુ જે કોઈ પણ મુશ્કેલીમાં ઈષ્ટદેવના સ્મરણથી વધુ મોટો અસરકારક ઉપાય નથી એવી દૃઢ માન્યતાઓ મારામાં પ્રેરિત કરવા બદલ અને બધું કર્યું છતાંય ક્યારેય પોતાનો જરા જેટલો સ્વાર્થ ન જોતાં ચંદનની માફક ઘસાઈને, ધૂપસળીની માફક પ્રજ્વલિત બનીને જેમણે મારા જીવનમાં મહેક ભરી છે, એવાં માતાપિતાનો મારા જીવનઘડતરમાં અમૂલ્ય ફાળો છે એવું સ્વીકારી આ શ્રદ્ધા – વંદના અર્પું છું. ભગવાનને સાક્ષાત્ પામવાનું કે જોવાનું સદભાગ્ય તો અતિ પુણ્યશાળી સંતોને જ પ્રાપ્ત થતું હોય છે પણ કદાચ એ ભગવાનની સ્વપ્નમાં ઝાંખી કરવાની તક મળે તો મારાં માતા-પિતાના દિવ્ય સ્વરુપથી ભાગ્યે જ વિશેષ હોઈ શકે એવું હું માનું છું.”