વહોરવાડની ઇમારતો, ૩૬૦ બારીબારણાંવાળું મકાન અને શેઠ મહંમદઅલી ટાવર સિદ્ધપુરની આગવી ઓળખાણ  

સિદ્ધપુર અતિપ્રાચીન અને ઐતિહાસિક વારસો ધરાવતું શહેર છે. રુદ્રમહાલય અને કદર્મ ઋષિ તેમજ કપિલ મુનિની તપોભૂમિ, માતૃશ્રાદ્ધક્ષેત્ર બિંદુ સરોવરને કારણે સિદ્ધપુરની ખ્યાતિ દૂરસુદૂર ફેલાઈ છે. પણ જેટલો ઐતિહાસિક વારસો તીર્થક્ષેત્ર અને રુદ્રમહાલય તેમજ બિંદુ સરોવરને કારણે સિદ્ધપુર ધરાવે છે તેને સમકાલીન તો ન કહી શકાય પણ સદીઓ જૂનો બાંધકામ અને સ્થાપત્ય કળાનો વારસો સિદ્ધપુરને ત્યાં વસેલ દાઉદી વહોરા કોમે પણ આપેલ છે.

સિદ્ધપુરમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં કાષ્ઠ કોતરણીના અનેક અંશો જોવા મળે છે. દાઉદી વહોરા કોમની બહુમાળી ઇમારતોમાં કાષ્ઠકળા કોતરણી સર્જકની આગવી સૂઝબૂઝનો ચિતાર આપે છે. શહેરની મધ્યમાં આવેલ અઢારિયા મહોલ્લામાં ઇ.સ. ૧૯૦૩માં બંધાયેલ દાઉદી વહોરા સમાજના મકાનો નકશીકામ અને કલાત્મક કોતરણીના બેનમૂન નમૂના છે. આ ૧૮ મહોલ્લામાં પ્રસરેલ વહોરા સમાજના પરંપરાગત ઘરોનું પણ આકર્ષણ છે. તેમાં પણ નિઝામપુરાના ઘરો તેમની ફસાડ તથા વિશિષ્ટ આકાશ-રેખા માટે ખાસ ઉલ્લેખનીય છે.

ગુજરાતમાં વહોરા સમાજ મુખ્યત્વે સુરત, સિદ્ધપુર, દાહોદ, કપડવંજ તથા ખંભાત જેવા શહેરોમાં વસેલો છે. આ બધાં જ શહેરોમાં તેમના પરંપરાગત આવાસની ખૂબીઓ છે. આ બધાં વચ્ચે ક્યાંક સામ્યતા છે તો ક્યાંક સ્થાનિક જે તે ખાસિયતો પણ છે. વહોરા સમાજના આ બધાં જ પરંપરાગત આવાસોમાં સિદ્ધપુરનાં મકાનો એટલા માટે વધુ ચર્ચામાં રહે છે, કેમ કે અહીં આવાસની પરંપરાગત શૈલી સાથે કોઈ પણ બાંધછોડ કર્યા વગર આર્થિક સમૃદ્ધિ પ્રમાણે મકાનોનું વિગતીકરણ કરાયું છે. અહીં નાના-મોટા દરેક આવાસની માળખાગત બાબતોમાં અદ્ભુત સામ્યતા હોવા ઉપરાંત જે તે કુટુંબની સધ્ધરતા પ્રમાણે મકાનને જરૂરી ઓપ અપાયો છે. અહીં પ્રત્યેક આવાસ સાથે જાણે વહોરા સમાજની જીવંત પરંપરાઓ વણાઈ છે. આ મકાનો વિક્ટોરિયન શૈલીમાં ૧૯મી સદીના અંતભાગમાં બનાવવાના શરૂ થયેલા. ક્યાંક યુરોપની શેરીની ઝાંખી કરાવતા આ આવાસ-સમૂહમાં આછા લીલા રંગનો ઉપયોગ કોઈ અન્ય જ પ્રકારની અનુભૂતિ કરાવે છે. આવું વિગતીકરણ તથા રંગ-આયોજન ચોક્કસ પણે વહોરા સમાજના યુરોપના સંબંધનું પરિણામ છે. અહીંના કેટલાક આવાસો તો અતિ વિસ્તૃત હોવા છતાં પણ તેમનું બાંધકામ તથા રચના પરંપરાગત શૈલીના આવાસ જેવાં જ છે. આ મકાનો જોઈને અનુમાન લગાવી શકાય છે કે હસ્તકળાના કારીગરો માત્ર કાષ્ઠ કોતરણીમાં જ નહીં પણ શિલ્પ સ્થાપત્યમાં પણ નિપુણતા ધરાવતા હતા. આજે આટલાં વરસો પછી પણ આ કલાત્મક ઇમારતોના રંગ, આકાર, નકશીકામ વગેરે અકબંધ છે તે આ ઇમારતોની ખાસ વિશેષતા છે. આ ઇમારતોનું નિર્માણ માત્ર કલાત્મક પથ્થરો અને કાષ્ઠ કોતરણીની સજાવટથી થયેલું જોવા મળે છે. અહીં એક ઘર તો એટલું મોટું છે કે તેમાં આશરે ૩૬૦ જેટલાં તો બારીબારણાં છે.

આ ૩૬૦ બારીબારણાંવાળું મકાન એ સિદ્ધપુર શહેરની ઓળખ છે. મારા જન્મનાં નવ વરસ પહેલાં એટલે કે ઇ.સ. ૧૯૩૮માં કીકાભાઈ મહમ્મદઅલી નઝરઅલી ઝવેરીએ આ મકાન બંધાવેલું. આજની સિવિલ હોસ્પિટલ એટલે કે અફીણ ગેટથી સ્ટેશન તરફ જવાને રસ્તે જતાં આ ઇમારત જોવા મળે છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે સિદ્ધપુરનાં જોવાલાયક સ્થળોમાં જે બે નામ અચૂક આવતાં તે ૩૬૦ બારીબારણાંવાળું મકાન અને ત્યાંથી થોડે આગળ જઈએ એટલે મહંમદઅલી ટાવર, નગરપાલિકાનું મકાન અને પછી જકાતનાકું, વૃત્તિવાન ભૂદેવોનો ચોરો અને સ્ટેશન આવે. તે પહેલાં નગરપાલિકાના મકાનની લગભગ સામે સરકારી ચોરાનું મકાન આવે અને સ્ટેશન તરફ એ જ લાઇનમાં આગળ જતાં રામશંકરભાઈ પાધ્યાની હોટલ એટલે કે રામુભાઈની હોટલ આવે.

પહેલાં વાત કરીએ ૩૬૦ બારીબારણાંવાળા મકાનની. જતાં આવતાં ઘણી વખત મેં આ મકાન જોયું છે પણ અંદર જઈને જોવાનો મોકો મળ્યો નથી અથવા લીધો નથી, જે હોય તે. કીકાભાઈ શેઠે પોતે પોતાની આગવી સુઝબુઝથી આ ઈમારત બંધાવેલી છે. આજના જમાનામાં તો કોઈપણ ઈમારત ઈજનેર કે પ્લાન વગર બનતી નથી. આ ઈમારત ઝવેરી કોટેજના નામથી ઓળખાય છે. બહારથી આવતા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બને છે. આજના સમયમાં જોવા મળતી ઉંચી ઈમારતોનાં બારી બારણા ઉપર નજર નાખીએ તો કદાચ પાંચ, પચાસ કે સો બારી બારણાવાળુ મકાન જોયું હશે પણ તમને એમ સાંભળવામાં આવે કે કોઈ મકાનના બારીબારણા મળી ૩૬૦ થાય તે વાત કદાચ માનવામાં નહીં આવે.

આ ઉપરાંત સિદ્ધપુરમાં ત્રિકોણ આકારનું મકાન આવેલું છે જે ‘ત્રણ ખૂણિયા બિલ્ડીંગ’ તરીકે પ્રખ્યાત છે. પહેલાના જમાનામાં લોકો પોતાના શોખ માટે અલગ અલગ આકારના અને અલગ અલગ ઢબના મકાનો બનાવતા હતા. તેવું જ આ એક મકાન મુલ્લા મહમદઅલી હરરવાલાએ પોતાના શોખ ખાતર ત્રિકોણ આકારનું બનાવેલ જે હાલ ત્રણ ખૂણિયા બિલ્ડીંગ તરીકે પ્રખ્યાત છે.

સિદ્ધપુરમાં આવેલી શાહી ઇમારત એક એવી ઇમારત છે કે જેને નીરખતા જ રહેવાનું મન થાય. આ અદ્ભુત મકાન વારસો પહેલાં અબ્દુલભાઈએ બંધાવેલું. સયાજીરાવ ગાયકવાડ જ્યારે પણ સિદ્ધપુરમાં પધારતા ત્યારે આજ મકાનમાં મહેમાનગતિ કરતા હતા. આ શાહી ઇમારતનું બાંધકામ કેરા શેઠે કર્યું હતું. કેરા શેઠે અંગ્રેજોના સમયના ઇ. સ. ૧૯૧૬માં આ ઇમારત બંધાવી હતી જેમાં પથ્થરોની સુંદર કોતરણી ઉપરાંત કલાત્મક નકશીકામ જોવા મળે છે.

વાત કરીએ મહમદઅલી ટાવરની. મારી ઉંમર એ વખતે માંડ આઠ-નવ વરસની હશે. આ ટાવરની ચાવી આપવા માટે જે ભાઈ સીડીઓ ચઢીને ઉપર જતો તેમની સાથે આ ઘડિયાળોની મશીનરી અંદરથી કેવી છે તે જોવા બાપા મને છેક ઉપર લઈ ગયેલા. એક તો ઊંચાઈ અને બીજું ઘરઘરાટી કરીને ફરતાં ચક્કર, મારા મનમાં ધ્રુજારીનું એક લાખું પસાર થઈ ગયું. આ ટાવર એટલે હરરવાલા શેઠે બંધાવેલ સિદ્ધપુરની શાન ગણાતો ઐતિહાસિક ટાવર.

સિદ્ધપુરના આ ઐતિહાસિક ટાવરનો ભવ્ય ઇતિહાસ છે. શેઠ હરરવાલાએ સન ૧૯૧૪માં તેમની દિકરીના લગ્ન પ્રસંગે સમગ્ર સિદ્ધપુરને ત્રણ ત્રણ માસ સુધી ઝળહળતું રાખ્યું હતું. આ પ્રસંગે ગાયકવાડ સરકારે હરરવાલા શેઠને એક ખાસ હાથી ભેટમાં આપેલો પણ સિદ્ધપુરના દેવડી દરવાજામાંથી હાથી પ્રવેશ ન કરી શકતા દરવાજો તોડી પડાવ્યો હતો અને તેના વળતર રૂપે રૂ/- ૧૫૦૦૦ના ખરચે આ બેનમૂન ટાવર બંધાવી ૪ એપ્રિલ ૧૯૧૫ના રોજ ખુલ્લો મૂકાયો હતો જેની ચારેય ઘડિયાળ યુરોપથી ખરીદીને લવાઈ હતી. આ ઘડિયાળમાં સમય જોઇને જે-તે સમયે મિલના કામદારો પાળીઓ ભરતા હતા.

શાનદાર ટાવરની જેમ તેને બંધાવી આપનાર રાજરત્ન શેઠ મહમદઅલી હરરવાલાનો પણ ઇતિહાસ છે. સિદ્ધપુર વહોરા સમાજ આજે દેશ વિદેશમાં ધંધાર્થે પથરાયેલો છે જેની શરૂઆત વરસો પહેલાં થઈ હતી. સિદ્ધપુરના સાહસિક અને ઉદાર દિલના વહોરા સમાજના અગ્રગણ્ય વેપારી શેઠ મહમદઅલી ઇથોપિયા વેપાર અર્થે ગયા અને ત્યાં તેમણે ‘હરર’ નામના શહેરમાં વેપારી પેઢી સ્થાપી જે મોટાભાગે કાપડની આયાતનો ધંધો કરતી. પોતાની કુશાગ્રહ બુદ્ધિના બળે તેમણે ઘણા જ ઓછા સમયમાં દેશના વિવિધ નગરોમાં પોતાના નામની ૪૪ જેટલી શાખાઓ ખોલી ધંધાને ધમધમતો કરી સમગ્ર ઇથોપિયામાં એક બાહોશ વેપારી તરીકેની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું. હરર શહેરમાં તેઓ ખૂબ લોકપ્રિય બન્યા. ઇથોપિયાના રાજકુટુંબ સાથે તેમનો સારો સંબંધ હતો અને મીઠાના વેપારનો એકહથ્થું પરવાનો તેમને મળ્યો હતો. ઇથોપિયામાં કાર આયાત કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. ૧૯મી સદીના આરંભે ઇથોપિયાના આર્થિક વિકાસમાં મહમદઅલીનું યોગદાન ભૂલી ન શકાય એવું છે. તેઓએ મોટી સંખ્યામાં ભારતીયોને કામે રાખ્યા હતા અને તેમને ઇથોપિયાના અંતરિયાળ વિસ્તારોમાં ધંધો શરૂ કરવા ઉધારમાં માલસામાન આપીને પ્રોત્સાહિત કર્યા હતા. મહમદઅલીએ ઇથોપિયામાં વસતા ભારતીયોને તેમની સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિમાં પણ ઘણી મદદ કરી હતી. સત્તાધીશો સાથેના તેમના સંબંધનો ઉપયોગ કરી તેમણે લોકોને ધંધા રોજગારી માટે અનુકૂળ વાતાવરણ મળી રહે તેવા પ્રયત્નો કર્યા હતા.

આ સમયમાં પ્રથમ વિશ્વયુદ્ધનું રણશિંગુ ફૂંકાયું અને ઇથોપિયા પણ એમાંથી બાકાત રહી શક્યું નહીં. સત્તાવાળાઓને સંગ્રામના સંક્રાતિ સમયમાં આર્થિક મદદની તાતી જરૂર પડી ત્યારે ગવર્નર મોખાન્ને શેઠ મહમદઅલી પાસે એક લાખ એબેસિનિયન ડોલરની માંગણી મૂકી અને મહમદઅલીએ પળનો પણ વિલંબ કે શરતો મૂક્યા વગર એક લાખ ડોલર ગવર્નરને ધરી દીધા. યુદ્ધ પૂર્ણ થતાં કટોકટીના સમયે સરકારને સહાય કરનાર શેઠ મહમદઅલી હરરવાલાને ‘સ્ટાર ઓફ ઇથોપિયા’નો ઇલકાબ આપી નવાજવામાં આવ્યા હતા. આ ઇલકાબ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. આ ઉપરાંત તેમને મોઇનો દાહાવતુલહક, રાજ્ય મિત્ર, રાજરત્ન, ઓનરરી મેજિસ્ટ્રેટ, મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર, જસ્ટીશ ઓફ પીસ, કેવલીયર ઓફિસર ઓફ ઇટાલિયન કોર્ટના ખિતાબ જે તે સમયે સમાજના ગુરુ, ગાયકવાડ સરકાર તેમજ બ્રિટીશ સરકારે આપ્યા હતા.

ત્યારબાદ ફરી યુધ્ધ શરૂ થતાં ઈટાલીયનોએ ઈથોપીયા પર આક્રમણ કરી લૂંટફાટ શરૂ કરી. આ સમય ઈથોપીયા માટે ઘણો જ આફતરૂપ હતો. તે સમયે મહમદઅલી શેઠે ૧૯૪૪માં તમામ પેઢી પાણીના મૂલ્યે વેચી દઈ ધંધાને સંકેલી લીધો. દેશમાં પાછા ફરતી વખતે ‘હરર’ ખાતેના પોતાના નિવાસસ્થાને ભીતમાં જડેલી એક અમેરિકન ઘડિયાળ - જે ક્યારેય બંધ ના પડે - તેને હરરવાલા શેઠે રીવોલ્વરના ધડાકાથી બંધ કરી દીધી. તે તારીખ હતી ત્રીજી માર્ચ ૧૯૪૪. તે પછી તેમના નામ પાછળ હરરવાલા અટક જોડાઈ.

વિદેશ છોડીને અઢળક સંપત્તિ લઇને આ દિલાવર દાતા વતન તરફ વળ્યા. તેમણે સિદ્ધપુરના તૈયબપુરામાં ત્રિકોણિયો મહેલ, બજારનો ટાવર, સૈફી મસ્જીદ, આબુમાં સેનેટોરિયમ, મુંબઇમાં ૨૪ ઇમારતો ઉપરાંત અન્ય સ્થળોએ સમાજ માટેની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. સિદ્ધપુર ઉપરાંત રતલામ, ધિણોજ, વડોદરા, જાવરા વગેરે સ્થળોએ મસ્જિદો, મદરેસા, દવાખાના વગેરે બનાવવા માટે ખાસ સખવતો કરી. મહમદઅલી હરરવાલા શેઠના ઉમદા કાર્યથી ગાયકવાડ સરકારે તેમણે રાજરત્નનો માનવંતો ખિતાબ આપેલો તેમજ મુંબઈ સરકારે ‘જસ્ટિસ ઓફ પીસ’ માનથી નવાજ્યા હતા. 

મારા બાળપણમાં સિદ્ધપુર શહેરમાં બે કોમનું વર્ચસ્વ હતું. એક સિદ્ધપુરના પ્રતિભાસંપન્ન વિદ્વાન અને પ્રભાવી ભૂદેવોનું અને બીજું જેમની પેઢીઓ માત્ર કલકત્તા, કાનપુર, હૈદરાબાદ, મુંબઈ કે મદ્રાસ ખાતે જ નહીં પણ વિદેશમાં પણ જેમણે પોતાના સાહસથી વેપારધંધા ઊભા કર્યા હતા તેવી પ્રમાણમાં ગભરુ, શાંત અને થોડીક કાલી પણ મીઠી લાગે તેવી ગુજરાતી જબાન બોલતી દાઉદી વહોરા કોમનું. જેમ રાજરત્ન શેઠ મગનલાલ પ્રભુદાસની સખાવતો સિદ્ધપુર શહેરમાં લગભગ દરેક ક્ષેત્રમાં છે તે જ રીતે સિત્તેરના દાયકામાં શેઠ વડનગરવાલાની સખાવતથી હોસ્પિટલ બંધાયેલ અને તેનું ઉદ્ઘાટન કરવા મુખ્યમંત્રી આવેલા. હું ત્યારે આઠમા કે નવમા ધોરણમાં ભણતો હતો અને અમારી હાઈસ્કૂલથી આ જગ્યા નજીકમાં હોવાને કારણે આ દબદબાભર્યો સમારંભ દૂર ઉભે ઉભે પણ નિરખવાનો મને મોકો મળેલો જેના ઝાંખા સ્મરણો હજુ પણ મારા માનસપટલ પર અંકિત છે. એ જમાનામાં મંત્રીઓ અને તેમાંય મુખ્યમંત્રી આવે તે તો વિરલ ઘટના ગણાતી. જીવરાજભાઈ અને ત્યાર પછી હિતુભાઇ બંને મુખ્યમંત્રીઓ અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને ખૂબ જ સૌજન્યશીલ જબાન અને વર્તણૂકના માલિક હતા. મુખ્યમંત્રી પદની એક ગજબની ગરિમા હતી, એક પ્રતિભા હતી, એક આભા હતી જેણે મારા બાલમાનસ પર ખૂબ ઊંડી છાપ મૂકી હતી.                            


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles