Saturday, March 4, 2017

એક સમય હતો જ્યારે પાટણની ગાદી પર મહાપ્રતાપી સધરો જેસંગ એટલે કે સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય તપતું હતું. રાજમાતા મીનળદેવીના આ મહાપ્રતાપી પુત્રે પાટણની પરંપરાગત દુશ્મની હતી એવા બળુકા અવન્તીરાજ યશોવર્માને હરાવી પાંજરે પુરી આખા પાટણમાં ફેરવ્યો હતો. ગીરનારની સોડમાં ઉંચે આસને બેઠેલ જુનાગઢના રા’નવઘણને નમાવ્યો હતો. બાબરાભૂત તરીકે જાણીતા અત્યંત શક્તિશાળી એવા બાબરાને હરાવીને વશ કર્યો જેને પરિણામે એ “બર્બરકજીષ્ણુ” તરીકે જાણીતો બન્યો. ગુજરાતી ભાષાને પોતાનું વ્યાકરણ ન હોય તે લાંછનને દૂર કરવા આચાર્ય હેમચંદ્રસૂરિસાગરજી પાસે સિદ્ધહેમ નામનો ગ્રંથ તૈયાર કરાવ્યો. સાહિત્ય ક્ષેત્રે પાટણ અવન્તી કરતાં પણ આગળ નીકળી જાય તેવું સારસ્વતોને પ્રોત્સાહન આપી પાટણની વિદ્વતસભાનું નામ સમગ્ર આર્યાવર્તમાં ગૂંજતું કર્યું હતું. સિદ્ધરાજનો સરસ્વતી માટેનો પૂજ્યભાવ એટલો બધો હતો કે સિદ્ધહેમ ગ્રંથ તૈયાર થયો ત્યારે એને સોનાની અંબાડીમાં હાથી પર પધરાવી પાટણની શેરીઓમાં એનું વાજતે ગાજતે સરઘસ કાઢ્યું હતું અને ખુદ ઉઘાડા પગે એ ગૌરવયાત્રાની આગેવાની કરી હતી. પાટણ ત્યારે માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર આર્યાવર્તની રાજ્યવ્યવસ્થાના મુકુટમાં એક રત્નસમાન ઝળહળી રહ્યું હતું.

 

આવા મહાપ્રતાપી સિદ્ધરાજ જયસિંહના પિતા મૂળરાજ સોલંકીએ સિદ્ધપુરમાં સરસ્વતી નદીના તીરે એક ભવ્ય શિવતીર્થ – રુદ્રમહાલય બાંધવાનું સ્વપ્ન જોયું હતું. મારવાડના હૂદડ જોશી ઉપર એને અદભૂત શ્રદ્ધા હતી. એ માનતો હતો કે હૂદડ જોશીમાં ભવિષ્યની આરપાર જોવાની દૈવીશક્તિ છે. આ હૂદડ જોશીને સિદ્ધપુર બોલાવી શુભ મુહૂર્તમાં રુદ્રમહાલયનો પાયો નાંખી એનું બાંધકામ શરુ કરવા માટે મૂળરાજ સોલંકીએ પુરી તૈયારી કરી લીધી હતી. આ કામ માટે હૂદડ જોશીએ કાઢી આપેલ મુહૂર્ત મુજબ એ સિદ્ધપુર પહોંચ્યો ત્યારે બાકીની બધી વિધિ પતાવીને શુભ મુહૂર્ત સાચવવા હૂદડ જોશી પૂજાસામગ્રી સાથે તૈયાર હતા. નિર્ધારીત સ્થળે લઈ જઈને મૂળરાજ સોલંકી પાસે એક નાની પૂજાવિધિની ઔપચારિકતા પતાવી બરાબર મુહૂર્ત સધાય તે રીતે હૂદડે પૂજાપાની થાળીમાં પડેલ સવા વેંતનો એક ખીલો કાઢી બરાબર નિર્ધારીત સમયે મૂળરાજના હાથે ખુંટો મરાવ્યો. વિધિ પતી ગઈ એટલે આશીર્વચન આપી હૂદડે કહ્યું “મહારાજ ! આ સ્થાપત્યની કિર્તિ દિગંતમાં ફેલાશે. અનંતકાળ સુધી એ અક્ષુણ્ણ રહેશે અને એનાં શિવાલયો સતત શિવ આરાધના અને રુદ્રાભિષેકના મંત્રોથી ગૂંજતાં રહેશે. મુહૂર્તનો ખુંટો બરાબર શેષનાગના માથામાં વાગ્યો છે અને એટલે જે સામર્થ્યથી શેષનાગ પૃથ્વીના ભારનું વહન કરે છે તે જ સામર્થ્યથી આ મહાલય અજર-અમર રહે તે રીતે એનો ભાર વહન કરશે. તમારી કિર્તિ પણ ઉત્તરોત્તર ચડતા સૂરજના તેજની માફક સમગ્ર આર્યાવર્ત તો ખરું જ પણ એનાય સીમાડાને વટાવીને ફેલાશે.”

 

હૂદડ જોશીની આ વાત સાંભળી મૂળરાજના ચહેરા પર સંતૃપ્તિનું એક સ્મિત ફરકી ઉઠ્યું. હૂદડની ભવિષ્યવાણી સાંભળી એના દિલમાં આનંદના દરિયા ઉછાળા મારવા લાગ્યા.

 

પણ...

જે સત્વશીલ છે, તેજસ્વી છે, ક્ષમતાવાન છે એની સ્વીકૃતિ સાહજીકતાથી થતી નથી. આ વાર્તાલાપ ચાલતો હતો ત્યારે ગુજરાતના કેટલાક ભૂદેવો પણ ત્યાં હાજર હતા. હૂદડ મારવાડી હતો. બહારથી આવ્યો હતો એટલે આમેય એમને આંખના કણાની જેમ ખૂંચતો હતો. હૂદડની વાત સાંભળ્યા પછી ઈર્ષાથી સળગી રહેલા આ ભૂદેવોએ મૂળરાજને પોતાનો મત આપતાં કહ્યું કે “આપ આ ખોટા માણસ પર વિશ્વાસ કરી રહ્યા છો. આને શાસ્ત્રનું ભાન નથી. સહુથી પહેલાં તો અત્યારનું મુહૂર્ત એ યોગ્ય મુહૂર્ત નથી. હૂદડ છેતરપીંડી કરે છે એનો સહુથી મોટો પૂરાવો એની શેષનાગના માથા પર ખુંટો વાગ્યાની વાત છે. સવા-દોઢ વેંત લાંબો ખુંટો શેષનાગના માથા સુધી પહોંચી શકે ખરો ? અમે હૂદડની આ વાત સાથે સંમત નથી. આચારવિચારની ગતાગમ વગરના આ મારવાડી બ્રાહ્મણે આપને ગેરમાર્ગે દોર્યા છે.” આ બ્રાહ્મણોની વાત સાંભળ્યા બાદ પણ મૂળરાજે પોતાની હૂદડ પ્રત્યેની શ્રદ્ધા દોહરાવતાં કહ્યું કે તેને હૂદડમાં વિશ્વાસ હતો એટલું જ નહીં પણ એના ઉપર શંકા કરવા માટેનું કોઈ જ કારણ નહોતું.

 

ગુજરાતના ભૂદેવોને જ્યારે બાજી હાથમાંથી સરી જતી લાગી ત્યારે તેમણે મૂળરાજની સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે હૂદડના કહેવા મુજબ જો ખુંટો શેષનાગના માથા પર વાગ્યો હોય તો એને બહાર કાઢી ચકાસી જુઓ. જો ખુંટાની અણી લોહીવાળી થઈ હોય તો હૂદડ સાચો અને અમે બધા એના આચાર્યપદ હેઠળ કામ કરીશું. પણ જો આવું ન થયું હોય તો તાત્કાલીક અસરથી હૂદડને ગુજરાતની સીમાઓ બહાર ધકેલી દો. ચર્ચાનો અંત આવતો નહોતો. છેવટે મૂળરાજે આવી ચકાસણી કરવા સામે એને કોઈ વાંધો નથી એમ કહી સંમતી આપી. હૂદડ આવું કરવા માટે બીલકુલ સંમત નહોતો. એણે જ્યારે જોયું કે એની કોઈ કારી નથી ફાવતી ત્યારે એ સ્થળ પરથી ગુસ્સો કરી એના ઉતારે જતો રહ્યો.

 

હવે ચકાસણીના ભાગરુપે પેલો ખુંટો બહાર ખેંચી કાઢવા માટેની પ્રક્રિયા શરુ થઈ. મૂળરાજની બાજુમાં ઉભેલા વીશળે બળ કરી આ ખુંટો જમીનમાંથી ખેંચી કાઢ્યો. ગુજરાતના ભૂદેવોનાં મોં પડી ગયાં કારણકે ખુંટાની અણી લોહીથી રંગાયેલી હતી. આ જોઈને વિચલીત થઈ ગયેલા મૂળરાજે તુરંત ખુંટો પાછો ઠોકી દેવા કહ્યું. બે સેવકોને હૂદડ જોશીને તેડી લાવવા મોકલ્યા. હૂદડ જોશી આવી પહોંચ્યા ત્યારે વીશળે ખુંટો પાછો મારી દીધો હતો.

 

સ્થળ પર આવી પહોંચેલા હૂદડે મૂળરાજને પોતાની સલાહ ન માનવા બદલ ઠપકો આપ્યો એટલું જ નહીં પણ ભવિષ્યવાણી સંભળાવી કે “જે રુદ્રમાળ અચળ થઈ સ્થાયી રહેવાનો હતો તે હવે નહીં રહે. કારણ કે ખીલી ઉખાડી પુનઃ નાંખતાં જે સમય ગયો તે દરમ્યાનમાં શેષનાગનું માથું ફરી ગયું હતું અને ખીલી શેષનાગના પૂંછડા પર વાગી હતી. પૂંછડે ભાર ટકતો નથી.” વિશેષમાં “હે રાજા ! હવે હું અત્યારે જ ચાલ્યો જવાનો છું. મને વિદાયગીરી આપ, તારું કામ તારા પુરોહિતે બગાડ્યું. હવે હું રુદ્રમાળ ચણવા આજ્ઞા આપતો નથી છતાં ચણવો હોય તો તારી મરજી, પરંતુ ભવિષ્યમાં દિલ્હીની ગાદીએ સંવત 1353માં ખિલજી વંશનો બાદશાહ થશે. તે બાદશાહ શ્રીસ્થળમાં આવી તારો રુદ્રમાળ સંવત 1361માં તોડી પાડશે. માટે ચણવો ન ચણવો તારી મરજી, હવે હું આ શ્રીસ્થળ ધામની પવિત્ર ભૂમિ પર રહેવાનો નથી. મને જલ્દી વિદાય કર.”

 

હૂદડ જોશીની આગાહીથી વ્યથિત થયેલ મૂળરાજે કહ્યું – “જોશી મહારાજ ! ખીલી ઉખાડવામાં મોટી ભૂલ કરી, આપની આજ્ઞા તોડી તેને માટે ક્ષમા કરો.” હૂદડે કહ્યું – “મૂળરાજ તારો દોષ નથી. અંતે તો ભાવિ પ્રબળ છે. બનવાનું હોય તે બને છે. માટે હવે અફસોસ કરીશ મા. તારે રુદ્રમાળ ચણવો હોય તો ચણજે. તારો રુદ્રમાળ અલાઉદ્દીન પાડશે.”

 

આમ એક ભવ્ય સ્થાપત્ય જે સિદ્ધપુરની ઓળખ બનવાનું હતું તેના નિર્માણ પહેલાં જ એના વિનાશની આગાહી થઈ ગઈ. આ સ્થાપત્યનું વર્ણન કોઈક છગનલાલ નામના ભૂદેવે રચેલ ‘સિદ્ધપુર પરિક્રમા’ના ગરબામાં પણ ઉલ્લેખીત છે. આ ગરબો ક્યારે રચાયો એનો કોઈ ચોક્કસ પૂરાવો મેળવી શકાયો નથી પણ સિદ્ધપુર પરિક્રમાને વર્ણવતી આ કૃતિ મને ભગવતી નિત્યપાઠ (પ્રકાશક- હંસાબેન અશ્વિનકુમાર શુકલ, ખારપાડાનો મહાડ, સિદ્ધપુર, પાન નં. 99 થી 102)માંથી મળી છે. સમગ્ર સિદ્ધપુરનાં મંદિરો અને તીર્થસ્થાનો વિશે આટલો સરસ ઉલ્લેખ ભાગ્યે જ મળી શક્યો હોત એટલે આ વાતના સમાપનમાં આ કૃતિ રજૂ કરું છું.

 

“સિદ્ધપુર પરિક્રમા”

સિદ્ધપુર સુંદર શહેર છે હો બહુચરી, સરસ્વતીને તીર

શ્રી ઘનશ્યામ શોભી રહ્યા હો બહુચરી, ગોવિંદ માધવ ગંભીર

ત્યાંથી તે ચૌટામાં ચાલીયાંહો બહુચરી, બાવાજીની વાડીમાંય

સિદ્ધનાથ છે સોહામણો હો બહુચરી, પૂજીને લાગુ પાય

પાછલી બારી એ પરવરો હો બહુચરી, મોક્ષ પીંપળો કહેવાય,

ભૂત પ્રેત ભાળીને ભાગતાં હો બહુચરી, ફરતી તે ફેરી ફરાય

કુંવારિકા કોડામણાં હો બહુચરી, વહે છે નિર્મળ નીર,

ન્હાઓ, ધુઓ સૌ નેહથી, હો બહુચરી, થાશે તે શુદ્ધ શરીર

માધુ પાવડી એ મજા પડે હો બહુચરી, ભૂતનાથનો મુકામ,

આગળ તે આવતા હેતથી, હો બહુચરી, હાટકેશ્વરનું ધામ.

સામું મંદિર બીજું શોભતું હો બહુચરી, બેઠાં સરસ્વતી માત,

અલૌકિક મૂર્તિ શોભતી હો બહુચરી, વિશ્વ સકળ વિખ્યાત.

ભાટોના ડેલે આવીયા હો બહુચરી, બિરાજે ગણપતરાય

રિદ્ધિ સિદ્ધિ છે સાથમાં હો બહુચરી, શોભે સર્વ પરિવાર

વ્હોરવાડની એકાંતમાં હો બહુચરી, છબીલો વીર હનુમંત

ભ્રષ્ટપણું કદી ભાળતો હો બહુચરી, દુષ્ટોના તોડે દંત

દેસાઈના મહાડે આવિયા હો બહુચરી, બિરાજે બહુચર મા

પાય પડી પાછા ફરો હો બહુચરી, જાવું તે પૂર્વ દિશામાં

સિદ્ધરાજ ભૂપ સોહામણો હો બહુચરી, રુડો રચ્યો છે રુદ્રમાળ,

તેત્રીસ કરોડ વાસો વાસે હો બહુચરી, ઋષિ અઠ્યાસી હજાર

માળે ચઢી અવલોકતાં હો બહુચરી, પાટણની પનિહાર

અલ્લાઉદ્દીન એક આવિયો હો બહુચરી, પૂર્વ તણું વરદાન,

સાડા ત્રણ કોરડે પાડીઓ હો બહુચરી, અસુર ઘણો બળવાન,

થડના સ્થંભ થોડા રહ્યા હો બહુચરી, નિશાની દાખલ નામ,

ભટ્ટોના મહાડે ભૂદેવ છે હો બહુચરી, ભદ્રકાળીનો મુકામ

હરસિદ્ધ માતા શોભતાં હો બહુચરી, પૂરે સકળની આશ

વહેરાઈ થઈ વેગે આવિયા હો બહુચરી, આંબલી માતાની પાસ

અલકનાથ અલબેલડો હો બહુચરી, અન્નપૂર્ણાનો નિવાસ

પટેલ લોકના મહાડમાં હો બહુચરી, શંકર છે સિદ્ધનાથ

ધારંબા ને ધરી ધ્યાનમાં હો બહુચરી, ભળ્યાં બ્રહ્માણી માય

ખિલાતરવાડે ખૂબી ભલી હો બહુચરી, કનકેશ્વરી કહેવાય

આશાપુરી અલબેલડી હો બહુચરી, વહેવર ભવાની માત

શ્યામજી મંદિર સોહામણું હો બહુચરી, દર્શન કરે નરનાર

ભુવનેશ્વરી માતા શોભતાં હો બહુચરી, સોના માતા છે સાથ

ભાટોનો ચોરે આવિયાં હો બહુચરી, હરખાતી હિંગળાજ

જડીયા વીર છે જોડિયાં હો બહુચરી, રાખે જગતની લાજ

પાયે પડી પાછા ફરો હો બહુચરી, વિપ્ર વાડી મોજાર

વંડામાં વીર હનુમાન છે હો બહુચરી, ખરો છે ચમત્કાર

જમે બ્રાહ્મણો નિત્ય લાડવા હો બહુચરી, ઘણાં તે ઘી વપરાય

અદભૂત દેવળ દિપતું હો બહુચરી, જુઓને જગદંબાય

નવ નોરતામાં નેહથી હો બહુચરી, નરનારી મંગળ ગાય

પાતાળેશ્વર પૂજો પ્રેમથી હો બહુચરી, બટુક ભૈરવની સાથ

હનુમાન ગલીને આંગણે હો બહુચરી, રોકડિયા હનુમાન

પાસે સત્યનારાયણ શોભતા હો બહુચરી, સામે જાગનાથ મહાદેવ

બ્રાહ્મણીયા પોળમાં પેસતાં હો બહુચરી, લીલો બાવો કરે લહેર

ખારાપાડાના ચોકમાં હો બહુચરી, ખોડિયાર માતાની મહેર

ગોવિંદ માધવની મધ્યમાં હો બહુચરી, બિરાજે લક્ષ્મી માત

તુળજાભવાની શોભતાં હો બહુચરી, ખારપાડે વારુણી માત

ઉપલી શેરીના ઉંડાણમાં હો બહુચરી, ફરતાં ફુલવાડી માત

ઝાંઝર નિત્ય ઝમકાવતાં હો બહુચરી, પરચો જેનો પ્રખ્યાત

આશાપુરી આશા પુરે હો બહુચરી, સાથે છે કલ્યાણરાય

લક્ષ્મીપોળની મધ્યમાં હો બહુચરી, લક્ષ્મી નારાયણદાસ

નમે વરઘડિયા નેહથી હો બહુચરી, છેડા કાંકણ છોડાય

શિતળા માતા શોભતાં હો બહુચરી, બળિયા દાદા કહેવાય

શિતળા સાતમને સમે હો બહુચરી, ભારે તે મેળો ભરાય

ધુંધલીમલ ઘેંગો ઘણી હો બહુચરી, રોગ દોગ કાઢે બહાર

રણછોડજી, ગોપીનાથજી હો બહુચરી, રાધાકૃષ્ણ દરબાર

પંચમુખી હનુમાન છે હો બહુચરી, ખરો છે ચમત્કાર

પાયે પડી પાછા ફરો હો બહુચરી, બિંદુ તીર્થ મોજાર,

જ્ઞાન વાવ છે ગણવંત હો બહુચરી, ન્હાયેથી થાશે જ્ઞાન

અલ્પા સરોવર આવો હો બહુચરી, તેમાં પણ કરવું સ્નાન

બિંદુ તીર્થ નાહ્યા પછી હો બહુચરી, માતાનું કરવું શ્રાદ્ધ,

ઉદ્ધાર આપે ને આઈ હો બહુચરી, કોટિ કરે અપરાધ

કપિલ મુનિને કરગરો હો બહુચરી, વિષ્ણુ તણો અવતાર

જ્ઞાન કર્યું જેણે માતને હો બહુચરી, આપ્યો અતિ ઉદ્ધાર

મહાકાળી માતા બિરાજતાં હો બહુચરી, તારા માતા છે સાથ

દહેરાં ઘણાં મહાદેવનાં હો બહુચરી, શોભિત એકસો આઠ

પાયે પડી પછી પરવરો હો બહુચરી, વેગે વટેશ્વર વાટ

ત્રણને ગાઉના પંથમાં હો બહુચરી, દધિચી ઋષિનું સ્થાન

વડા પટેશ્વર શિવછે હો બહુચરી, કર્યું પાંડવને જ્ઞાન

ગુફા ગંભીર પાંડવ તણી હો બહુચરી, રહ્યા હતા બારમાસ

ન્હાઈ ધોઈને નેહથી હો બહુચરી, ચાલો ચામુંડા પાસ

પરકંબા કરી પાછા ફરો હો બહુચરી, સહસ્ત્રકળાને નિવાસ

સહસ્ત્રકળા માતા શોભતાં હો બહુચરી, જાગતી જ્યોત મનાય

આસો સુદી અષ્ટમીએ હો બહુચરી, ભારે તે મેળો ભરાય

બ્રહ્માંડનાથ ભાવથી હો બહુચરી, નિરખોને શ્રી અવિનાશ

હિંગળાજથી આગળ જતાં હો બહુચરી, અલબેલડો અરવડનાથ

ચંપકેશ્વર પૂજો ચોંપથી હો બહુચરી, બુડતાનો ઝાલે હાથ

પશવાદળની પોળથી હો બહુચરી, સામી સિકોતર માત

આસો સુદ છઠની હો બહુચરી, ભારે તે પલ્લી ભરાય

વરખમુનિને ટેંબે ચડી હો બહુચરી, ગરબડવું ઘડી એક

વજ્ર દેહી થાય વેગમાં હો બહુચરી, નિશ્ચે સમજવું નેક

રાજપુર ગામને ગાંદરે હો બહુચરી, ખડાલીયા હનુમાન

પરકંબા પૂરી કરી હો બહુચરી, કરી તીર્થનું પાન

સર્વે તીર્થનાં સાધનો હો બહુચરી, સિદ્ધપુરમાં કહેવાય

શ્રાવણ માસમાં જે કરે હો બહુચરી, પાપી તે પાવન થાય

નવ નોરતામાં નેહથી હો બહુચરી, ગરબો માંડવીએ ગાય

પાઠ કરે જે પ્રેમથી હો બહુચરી, મન વાંછિત ફળ થાય

સરસ્વતીને વિનવું હો બહુચરી, જીહવાએ પુર જો વાસ

શ્રી સ્થળની શોભા કહી હો બહુચરી, શ્રી સ્થળ મારું ગામ

ભૂલચૂક માફી માગતો હો બહુચરી, વિપ્ર છગનલાલ નામ

 

આ દેશની કમનસીબી જુઓ

ગુજરાતના ભૂદેવોની ઈર્ષાને લગામ નાંખી શકાતી હોત તો ?

આજે પણ રુદ્રમહાલયનું ભવ્ય સ્થાપત્ય સિદ્ધપુરમાં ઉભું હોત

આવું ન થઈ શક્યું.

જે સ્થાપત્ય કદાચ દુનિયાની એક અજાયબી બની શક્યું હોત તેનો નાશ થયો

કુસંપ અને ઈર્ષા હજુ આગળ પણ ગુજરાતને નડવાના હતા

અવન્તીનો મહાઅમાત્ય કિર્તિદેવ પાટણના મહાઅમાત્ય મુંજાલને મળવા આવે છે

ગુપ્તચરો ખબર લાવ્યા હોય છે કે આર્યાવર્તને માથે ભય ઝઝૂમી રહ્યો છે

અવન્તી અને પાટણ ભેગાં થાય અને તેની સાથે આર્યાવર્તનાં અન્ય રાજ્યો જોડાય તો જ એમની સંયુક્ત તાકાતથી ભારત પર આવી રહેલ મ્લેચ્છ આક્રમણ રોકી શકાય.

 

કમનસીબે મુંજાલની શઠ અને ખંધી રાજનીતિએ આ ન થવા દીધું.

પરિણામ ?

સોમનાથ લૂંટાયું

રુદ્રમહાલયના ભુક્કા બોલી ગયા

ક્યાંક કુસંપ

ક્યાંક ઈર્ષા

ક્યાંક મહત્વાકાંક્ષા

આમાંનું એક પણ નડી જાય તો ગમે તેવો શક્તિશાળી દેશ હોય એ પરાજીત થાય છે.

પ્લાસીનું યુદ્ધ સિરાજઉદ્દૌલા એટલા માટે નહોતો હાર્યો કે એનું સૈન્યબળ ઓછું હતું. પ્લાસીના યુદ્ધમાં 1757માં નાની સરખી બ્રિટીશ ફોજે બંગાળના નવાબ સિરાજઉદ્દૌલાની મોટી ફોજને હાર આપી અને આપણે ત્યારપછીના બસ્સો વરસ બ્રિટીશરોની ગુલામીમાં જકડાયા.

 

પ્રાથમિક શાળામાં ઈતિહાસ ભણતા એમાં પણ એવું આવતું કે પાટણના રાજા કરણઘેલાને માધવમંત્રી સાથે કોઈ સ્ત્રીની બાબતમાં થોડો વિરોધ થયો એટલે માધવ ઠેઠ દિલ્લી અલાઉદ્દીન ખિલજી પાસે પહોંચી ગયો અને કહ્યું તારા ઘરમાં શોભે એવી સ્ત્રી કરણ ઘેલાને ત્યાં કમળાદેવી છે. અલાઉદ્દીન ખિલજીએ એના ભાઈ ઉલ્લુખાં ને મોટું લશ્કર આપી મોકલ્યો. કરણ ઘેલો ભાગી ગયો અને કમળાદેવીને આ મ્લેચ્છ ઉપાડી ગયો. આજ અલાઉદ્દીન ખિલજીના લશ્કરે સિદ્ધપુરનો રુદ્રમાળ તોડ્યો અને સોમનાથનું મંદિર પણ તોડ્યું.

 

આવી જ બીજી એક વાર્તા વલ્લભીપુરના કાકુ વાણીયાની છે. કાકુ વાણીયાની દિકરી પાસે સોનાની કલાત્મક કાંસકી હતી. શિલાદિત્ય રાજાની કુંવરીએ એ પડાવી લીધી. આટલી નાની બાબત માટે કાકુ વાણીયો સિંઘ ગયો. સુલતાન જુનેદ આરબને બોલાવી લાવ્યો અને વલ્લભીપુરનો નાશ કરાવ્યો.

 

તુલસીદાસજીએ એક સરસ વાત લખી છે. કોઈ કુટુંબનો, ગામનો કે રાજનો વિનાશ ક્યારે થતો હોય છે ?

એમણે લખ્યું છે કે – દરેક કુટુંબ, ગામ, રાજમાં કોઈ સંતપુરુષ રહેતો હોય એનું અપમાન થાય, તિરસ્કાર થાય ત્યારે એ કુટુંબ, ગામ, રાજનો નાશ થાય છે.

 

રાવણે વિભીષણને અપમાનીત કરીને કાઢી મુક્યો. પરિણામે લંકા રોળાઈ ગઈ. આ લંકા કરતાં પણ વધારે સમૃદ્ધિવાળી નગરી દ્વારિકા હતી. એનો નાશ કરવા કોઈ બહારથી નહોતું આવ્યું. સંપત્તિ અને સત્તાના મદમાં છકી ગયેલા યાદવ યુવાનોએ અગત્સ્ય ઋષિની મશ્કરી કરી અને શ્રાપ નોંતર્યો. પ્રભાસતીર્થમાં યાદવો અંદર અંદર લડીને કપાઈ મુઆ.

 

આમ, ક્યાંક કાકુ વાણીયો તો ક્યાંક માધવમંત્રી

તો પ્લાસીના યુદ્ધમાં મીર જાફર કે રાયદુર્લભ

ક્યાંકને ક્યાંક અસંતોષ, ઈર્ષા, લોભ કે સત્તાલાલસાથી પ્રેરિત અમીચંદો

પાકે છે ત્યાં સુધી બહારથી આવતા આક્રમણખોરો સફળ થતા રહેવાના.

 

કુહાડીને એક વખત કોઈએ પૂછ્યું કે તું આ લીલાંછમ ઝાડ વાઢી નાંખે છે તે તને દયા નથી આવતી ?

કુહાડીએ કહ્યું કે જ્યાં સુધી લાકડાનો હાથો ન નખાય ત્યાં સુધી હું કોઈ જ કામની નથી. લાકડું કાપવા માટે કોઈને દોષ દેવો હોય તો એના જાતભાઈ એવા કુહાડીના હાથાને દેવો જોઈએ ! કેવી સરસ વાત છે નહીં ?

 

હૂદડ તો વિદાય થયો.

એ ફરી સિદ્ધપુર ક્યારેય ન આવ્યો

પણ....

જતાં જતાં મૂળરાજ સોલંકીને સલાહ આપતો ગયો

ગુજરાતના આ સ્થાનિક ભૂદેવોમાં વિદ્વતા નથી

આ મહાલય જ્યારે પુરો થાય ત્યારે એની પ્રાણપ્રતિષ્ઠા માટે

વિદ્વાન અગ્નિહોત્રી અને....

કર્મકાંડ અને શાસ્ત્રોના જાણકાર એવા ભૂદેવોને

ઉત્તરમાંથી બોલાવજો

હૂદડ તો ગયો

પાછળ પેલા સ્થાનિક ભૂદેવોનું પણ પુરું કરતો ગયો

રુદ્રમહાલયની પ્રાણપ્રતિષ્ઠા માટે વિદ્વાન બ્રાહ્મણો

ઉત્તરમાંથી આવ્યા તેને કારણે “ઔદિચ્ય” કહેવાયા

હજારની ટોળીમાં આવ્યા માટે

“ઔદિચ્ય સહસ્ત્ર” કહેવાયા

રુદ્રમાળના આ ભગનાવશેષ મને જાણે હજુ પણ કહી રહ્યા હતા

શ્રીસ્થળ તિર્થક્ષેત્ર છે

એની પ્રગતિ તો જ થશે જો....

અહીંના અગ્રણીઓ લોભ, અસત્ય, સત્તા લાલસા, છળકપટ છોડીને એકબીજા સાથે હળીમળીને રહેશે.

 

રુદ્રમહાલયના ખંડેરોની આ સલાહ આજે પણ મારા કાનમાં ગુંજે છે

એક ભવ્ય વારસો આપણે ગુમાવી દીધો

એના અફસોસ સાથે

પણ....

હર્બટ સ્પેન્સર નામના ઈતિહાસવીદે કહ્યું છે –

“ઈતિહાસનો કોઈ સહુથી મોટો બોધપાઠ હોય

તો તે એ છે કે....

માણસ ઈતિહાસમાંથી કશું જ નથી શીખતો.”

 

તે સમયનું સિદ્ધપુર

રુદ્રમહાલયનાં ખંડેરો

ત્યારબાદનું સિદ્ધપુર

ત્રણ-ત્રણ ટેક્સટાઈલ મીલ, પાવર હાઉસ, થિયેટર, કોલેજ

ધમધમતા બજારોવાળું તાલુકામથક

અને આજનું સિદ્ધપુર ?

પ્રશ્ન એ છે કે આપણે કંઈ જ નહીં શીખીએ ?

શું હર્બટ સ્પેન્સર કાયમ સાચો પડ્યા કરશે ?

કે પછી

હૂદડ જોશી કોઈ અભિષાપ બોલીને ગયો છે ?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles