મોહમયી મુંબઈ નગરીમાં મારા આગમન બાદના પ્રથમ સૂર્યોદયનાં કિરણો આકાશમાં ઉજાસ પાથરી રહ્યાં હતાં. બેરિસ્ટર સાહેબના ત્યાં અમને એક અલાયદો રૂમ ફાળવવામાં આવ્યો હતો. સુંદર રાચરચિલાથી સુશોભિત આ ઓરડો મારા માટે એક નવો જ અનુભવ હતો. ઓરડાની સાથોસાથ બાથરૂમ અને સંડાસ જોડાયેલાં હતાં. નળ ખોલો એટલે ધમધમાટ પાણી આવે. અંદર વૉશબેઝીન. એની સામે અરીસો. ઉપર છત સાથે જોડાયેલો શાવર. મેં જિંદગીમાં પહેલીવાર આવડો બધો વૈભવ જોયો. અત્યાર સુધી સવાર પડે એટલે બાવળ કે લીમડાનું દાતણ ચાવનાર મને પહેલો પ્રશ્ન અહીં દાતણ ક્યાંથી લાવવું તે થયો. મુંબઈમાં ઘરના નોકરને રામો કહે છે. બેરિસ્ટર સાહેબના ત્યાં તો આવા બે – ત્રણ નોકર, રસોઈ કરવા માટે મહારાજ બધું હતું.
દાતણને લાગે – વળગે ત્યાં સુધી મારા બાપા નસીબદાર હતા. એમણે બધા દાંત પડાવી નાખી ચોકઠું બનાવડાવ્યું હતું. એ ચોકઠું મ્હોંમાંથી કાઢી ધોઈ શકાતું હતું. આમ, મારા બાપાને દાંત ચોખ્ખા રાખવા માટે ઉડકવાની વિશિષ્ટ સવલત હતી. મારા માટે આ શક્ય નહોતું ! રૂમમાં કંઈ જોઈએ છે એવું પૂછવા આવેલા પેલા રામાને મેં મારો પ્રશ્ન પકડાવી દીધો. થોડીવારમાં મારા માટે સરસ મજાનું બ્રશ, ટુથપેસ્ટ અને ઊલિયું તેમજ મારા બાપા માટે ઊલિયું લઈને એ હાજર થયો. આમ, દાતણની અવેજીમાં ટુથબ્રશ આવ્યું. સિનેમામાં કૉલગેટ કે બિનાકા ટુથપેસ્ટની જાહેરખબરમાં બ્રશ કઈ રીતે થાય તે જોયું હતું. આજે એનો ઉપયોગ થયો. નાનામાં નાની વસ્તુ પણ શીખ્યા હોઈએ તો નકામી નથી જતી એવો પદાર્થપાઠ મને મળી ગયો. ટુથપેસ્ટનો સ્વાદ મારા માટે નવો હતો. એ સ્વાદને કારણે મ્હોંમાં એક જાતની તાજગી વરતાઈ એટલે સારૂં લાગ્યું. દાતણ અને ચીરીમાંથી બ્રશ અને ઊલિયાનું આ પાટાબદલ પરિવર્તન પ્રમાણમાં સરળતાથી પત્યું.
ઘરે કૂવેથી પાણી ભરતા હતા. પાણી બહુ સાચવીને વાપરવું પડતું હતું. ન્હાવા માટે એક ડોલ પાણી અને ક્યારેક બે ડોલ પાણી મળતું. અત્યાર સુધી લાઈફબૉય સાબુ વાપર્યો હતો. અહીંયાં લક્સ સાથે પરિચય થયો. ગભરાતાં ગભરાતાં શાવર પણ ચાલુ કરી જોયું. એની ઝીણી ઝીણી જલધારાઓ નીચે ન્હાવાનો ભરપૂર આનંદ લીધો. ચોમાસાના વરસાદમાં પલળતા ત્યારે જે અનુભૂતિ થતી લગભગ એવી જ અનુભૂતિ શાવર નીચે ન્હાતાં થઈ. મારી પહેલા દિવસની પહેલી સવારનું પ્રાતઃ કર્મ આમ સુપેરે પૂરું થયું. બહાર આવી ધોયેલા કપડાં પહેરી માથું ઓળી આપણે તૈયાર થઈ ગયા. માથામાં નાખવા માટે પણ અહીંયાં ધૂપેલને બદલે કોઈ બીજું હેરઑઈલ હતું, જેનું નામ અત્યારે યાદ નથી. મારા બાપા પણ ન્હાઈ-ધોઈને તૈયાર થઈ ગયા. નોકર આગલા દિવસે ગાડીમાં પહેરેલાં કપડાં ધોવા માટે લઈ ગયો. અમારે બેગમાંથી ટૉવેલ નહોતો કાઢવો પડ્યો. કારણ કે અહીં અમારા બંને માટે અલગ સરસ મજાના ટૉવેલ ઉપલબ્ધ હતા. આ બધામાંથી નીપટ્યા ત્યાં જ નોકર નાસ્તા માટે બોલાવવા આવ્યો. એ અમને બીજા હૉલમાં દોરી ગયો. ત્યાં એક મોટું ટેબલ અને એની આજુબાજુ દસ ખૂરશીઓ હતી. ટેબલ અને ખૂરશીઓને ચકચકિત પૉલિશ કરેલી હતી. આ વળી બીજો અનુભવ થયો. ઘરે નીચે પલાંઠી વાળી બેસીને જમવાનું કે નાસ્તો કરવાનો એવી પદ્ધતિમાં હું ઉછર્યો હતો તેને બદલે આ ખુરશી-ટેબલ ઉપર અમે નાસ્તો કરવા બેઠા. બેરિસ્ટર સાહેબ તો સવારે વહેલા નીકળી જતા હતા. એમનાં પત્ની હયાત નહોતાં. બે દીકરીઓ હતી, બંને પરણાવેલી અને બોરીવલીમાં જ રહેતી હતી. અમારા માટે ચિનાઈ માટીની પ્લેટમાં બટાકાપૌંઆં અને થેપલાનો નાસ્તો આવ્યો. ટેબલ ઉપર જાતજાતનાં અથાણાં મૂકેલાં હતાં. મહારાજ ગરમાગરમ થેપલા બનાવી અમને પીરસે. અમે જમવા બેઠા હોઈએ તે રીતે નાસ્તા ઉપર હાથ જમાવે. ટેબલ પર મૂકેલા પીવાના પાણીના ગ્લાસ પિત્તળના નહોતાં. પણ ચાંદી જેવા લાગતા હતા. મેં આ અંગે પૃચ્છા કરી ત્યારે મારા બાપાએ મને સમજાવ્યું કે, આ ધાતુ જર્મન સિલ્વર તરીકે ઓળખાય છે. એ જમાનામાં હજુ સ્ટેઈનલેસ સ્ટીલ પ્રવેશ્યું નહોતું. નાસ્તો પૂરો થયો. અમે ચા નહોતા પીતા એટલે બંને માટે દૂધના ગ્લાસ આવ્યા. ઘરે મને દૂધ ભાવતું નહીં, પણ આ દૂધમાં કેસરમિશ્રિત મસાલાનો સ્વાદ અને સુગંધ એવાં હતાં કે, ગટગટાવી ગયો.
સવારનો નાસ્તો પતાવી અમે બહાર નીકળ્યા. પરીક્ષા આડે હજુ એક દિવસ હતો. બોરીવલી સ્ટેશને જઈ ચર્ચગેટની ટિકિટ કઢાવી અને પ્લેટફોર્મ ઉપર પહોંચ્યા ત્યાં તો ધમધમાટ કરતી ગાડી આવી. ખાસ ગીરદી હતી નહી. સામે આવીને ઊભેલા ડબ્બામાં અમે ચઢી ગયા. થોડીવારમાં જ ગાડી ઉપડી. આ ગાડીની ખાસિયત એ હતી કે, એ બહુ ઝડપથી ગતિ પકડી લેતી. મને સદનસીબે બારી પાસે જ જગ્યા મળી ગઈ હતી એટલે રસ્તામાં આવતાં પરાનાં સ્ટેશનનાં પાટીયાં વાંચતો જતો. આ લાઈન ઉપર આવતાં મોટાં સ્ટેશન અંધેરી, સાંતાક્રૂઝ, બાંદરા, દાદર, મહાલક્ષ્મી અને ચર્ચગેટ હતાં. અમારી ગાડી કેટલાંક સ્ટેશનોએ નહોતી ઊભી રહેવાની. ગાડીના ડબ્બામાં બેઠા બેઠા મેં દિવસમાં પહેલીવાર મુંબઈની સડકો, મકાનો, દુકાનો અને વાહન વ્યવહાર તેમજ કીડીયારાની જેમ ઊભરાતી જનમેદનીના દર્શન કર્યાં. આ બધામાં એક વસ્તુ ખાસ નોંધી કે મુંબઈમાં માણસ હંમેશા દોડતો જ હોય છે. અમે ચર્ચગેટ ઉતરીને ત્યાંથી ચાલતા ચાલતા ફોર્ટ અને ત્યાંથી ધોબીતળાવ પહોંચ્યા. ચાલતા ચાલતા મુંબઈ અને એનો ભપકો જોવાની એક ઔર મજા હતી. મુંબઈની ટેક્સીઓ અને લાલ બસો ઉપરાંત એ જમાનામાં કેટલાક વિસ્તારોમાં ટ્રામ પણ દોડતી. લોખંડના પાટા પર ગાડીના ડબ્બા જેવાં પૈડાંવાળી ટ્રામ ઉપર લટકતા ઓવરહેડ કેબલમાંથી મળતી વીજળીથી ચાલતી. અત્યારે તો આ ટ્રામ માત્ર પુસ્તકોના પાને જ રહી છે, પણ તે જમાનામાં ધોબીતળાવથી ભાયખલા, ઓપેરા હાઉસ વિગેરે વિસ્તારોમાં ટ્રામ દોડતી. મેં પહેલીવાર ટ્રામ જોઈ તેવું નહોતું. ઊંઝા અને ઉનાવા વચ્ચે પણ આવી ટ્રામ ચાલતી. જો કે, એનું બળતણ વીજળી નહોતી, પણ ડીઝલ કે પેટ્રોલ હશે. આ ટ્રામ આ રીતે ઊંઝા – ઉનાવા વચ્ચે દોડતી ટ્રામની માસિયાઈ બહેન હતી એવું લાગ્યું !
મુંબઈની ઝલક જોતાં જોતાં અમે ધોબીતળાવ પહોંચી ગયા. ચાલીને અંતર કાપવું એ મારા માટે કોઈ નવી વાત નહોતી. મુંબઈની ફૂટપાથ પર ચાલવાની આમ તો મજા આવતી હતી. ધોબીતળાવ પહોંચીને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલનું મકાન શોધી કાઢ્યું. પ્રથમ દ્રષ્ટિએ જ જાણે કોઈ મહેલમાં પ્રવેશતા હોઈએ એવું ભવ્ય આ મકાન હતું. વિદ્યાર્થી / વિદ્યાર્થિનીઓ પણ એકદમ સુઘડ વસ્ત્રોમાં ગળામાં ટાઈ, પગમાં બૂટ-મોજાં અને ધાણીફૂટ ઈંગ્લીશમાં વાત કરતાં જોયા ત્યારે ઘડીભર તો હું કોઈ જંગલના પછાત વિસ્તારમાંથી આવ્યો હોઉં તેવું લાગ્યું. આ પણ વિદ્યાર્થીઓ હતા. હું પણ વિદ્યાર્થી હતો, પણ જે સગવડ અને તાલીમ એમને મળતાં હતાં એમાંનું કશુંય કલ્પવું મારા માટે શક્ય નહોતું.
આ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં એક દિવસ બાદ પરીક્ષા આપવા આવવાનું છે એ વિચાર માત્ર મારા મનને ગભરાવી દેવા માટે પૂરતો હતો. સેન્ટ ઝેવિયર્સના મકાન તેમજ વાતાવરણે મને સાવ ઠીંગુજી બનાવી દીધો હતો. આ સ્કૂલની મુલાકાત પછી મારો આત્મવિશ્વાસ સાવ તળિયે બેસી ગયો હતો. કોઈક નાના તળાવની માછલીને કોઈકે સીધી મહાસાગરમાં ફેંકી દીધી હોય એવી મારી સ્થિતિ હતી. અમે આ બધું જોતા હતા ત્યાં જ એક સજ્જન મળી ગયા. એમની સાથે પણ મારા જેવો જ એક છોકરો હતો. પ્રમાણમાં વધુ સુઘડ અને ચપળ લાગતો આ છોકરો વ્યક્તિત્વની દ્રષ્ટિએ મારાથી ઘણો આગળ હતો એમ કહેવું જરાય ખોટું નથી. એ લોકો ગુજરાતીમાં વાત કરતા હતા એટલે મારા બાપાએ પોતાનો પરિચય આપી વાતચીત ચાલુ કરી. જાણવા મળ્યું કે, આ સજ્જન શ્રી શંકરલાલ પટેલ અમદાવાદના હતા. વ્યવસાયે એડવોકેટ હતા અને મુંબઈ રાજ્યની લેજીસ્લેટીવ કાઉન્સિલના સભ્ય એટલે કે એમ.એલ.સી. પણ હતા. મુંબઈ જેવા પ્રદેશમાં કો’ક ઓળખીતું મળી જાય ત્યારે એનો આનંદ અનોખો હોય છે. એમની સાથેનો છોકરો પણ મારી જેમ આઠમા ધોરણમાં ભણતો હતો. એ અમદાવાદની એચ. બી. કાપડિયા અથવા સી. એન. વિદ્યાલયનો વિદ્યાર્થી હતો. સ્કૂલનું ચોક્કસ નામ યાદ આવતું નથી. બીજા દિવસે કશું કામ નહોતું એટલે ફ્રી હતો. શંકરભાઈએ એ દિવસે મુંબઈની ધારાસભા જોવા જવાનું નિમંત્રણ આપ્યું. ના કહેવાનો કોઈ સવાલ જ નહોતો. ધારાસભા શબ્દ અત્યાર સુધી નાગરિક શાસ્ત્રના પુસ્તકના પાને વાંચ્યો હતો. એકાએક એવો અવસર સામે આવીને ઊભો જે મને આવતીકાલે ધારાસભાના સાક્ષાત્ દર્શન કરવાની તક આપવાનો હતો. થોડી ઘણી બીજી વાતો કરી અમે છુટા પડ્યા.
અમારૂં હવે પછીનું ગંતવ્ય સ્થાન હતું ગેટ વે ઑફ ઈન્ડિયા. ગેટ વે ઑફ ઈન્ડિયા પહોંચીને સામે ઘૂઘવતા દરિયા પર નજર પડી. દરિયાલાલના વિરાટ સ્વરૂપની મારા માટે આ પહેલી ઝલક હતી. ગેટ વે ઑફ ઈન્ડિયા પર મુંબઈની પ્રખ્યાત ભેળથી માંડી ચણાજોરગરમના ખૂમચાવાળાઓ અને નાળિયેર પાણીવાળા હતા. મુંબઈ આવતો કોઈ પણ પ્રવાસી ગેટ વે ઑફ ઈન્ડિયાની મુલાકાત ચૂકતો નથી. પ્રવાસીઓનાં ટોળે ટોળાં ત્યાં જોવા મળે છે, જેમાં ઘણા બધા વિદેશી પ્રવાસીઓ પણ હોય છે. ગોરી ચામડીવાળા અને પ્રમાણમાં પ્રભાવી કહી શકાય તેવા આ માણસોને જીવનમાં પહેલીવાર જોયા. મનમાં થોડો અહોભાવ પણ થયો. વિચાર આવ્યો. માંડ એકાદ દાયકા પહેલાં આવા જ ધોળીયા આપણા ઉપર રાજ કરતા હશે ને ? ભારતને આ પ્રજાએ ગુલામ બનાવ્યું હતું. એ ખીજ નાનપણથી જ મગજમાં વણાયેલી પડી હતી. એમનો રૂબરૂ સાક્ષાત્કાર થયો ત્યારે મન બોલી ઊઠ્યું, “મારા વ્હાલીડા છે તો જોરદાર.”
ગેટ વે ઑફ ઈન્ડિયાની બરાબર સામે એ જમાનામાં મુંબઈની એક માત્ર લક્ઝરી હૉટેલ તાજમહાલ આવેલી છે. એ સમયે માત્ર એનું જૂનું મકાન અસ્તિત્વમાં હતું. નવો ભાગ ત્યારબાદ વર્ષો પછી બંધાયેલો છે. ગેટ વે ના દરિયામાં મોટરબોટ પણ ચાલતી જે દરિયામાં દૂર ઊભેલી સ્ટીમરો સુધી આંટો મરાવી પાછા લઈ આવતી. અમે આવી જ એક મોટરબોટમાં બેઠા. ઘરઘરાટ કરતું એનું એન્જિન ચાલુ થયું અને ધીરે ધીરે મોટરબોટ કિનારો છોડી દરિયામાં સરકવા લાગી. થોડીવારમાં તો એણે ગતિ પકડી લીધી. ચાલુ મોટરબોટે હાથ નીચે લકટાવી દરિયાનું પાણી ઉછળે તે ઝીલી શકાતું હતું. મેં સમુદ્રના પાણીને પહેલી વાર જીભ પર મૂક્યું. મીઠું સમુદ્રના પાણીમાંથી બને છે એ ભણાવામાં આવેલું, પણ સમુદ્રના પાણીની ખારાશનો પહેલો અનુભવ હતો. અમારી બોટ થોડે દૂર દરિયામાં ઊભેલી સ્ટીમરો તરફ આગળ વધી રહી હતી. મુંબઈનો દરિયાકાંઠો જેમ જેમ દૂર જતો મુંબઈની શહેરનું વિરાટ સ્વરૂપ વધુ ને વધુ સ્પષ્ટ બનતું જતું હતું. આ અનુભવનો આનંદ અત્યંત રોમાંચક અને અવર્ણનીય હતો.
ગેટ વે ઑફ ઈન્ડિયા
મુંબઈમાં પ્રવેશવાનું એક અર્થમાં કહીએ તો બારૂં.
તાજમહેલ હૉટલનું સાનિધ્ય
દરિયાની લહેરો પર હાલક-ડોલક થતી
આગળ વધતી અમારી મોટરબોટ
થોડું દૂર જઈને દરિયામાંથી દેખાતો મુંબઈ શહેરનો નજારો
બધું જ ભવ્ય હતું ?
ના.....
ભવ્ય નહીં, ભવ્યાતિભવ્ય હતું.
કલ્પ્યું પણ નહોતું કે આટલી નાની ઉંમરે,
મોહમયી નગરીના દર્શનનો લ્હાવો મળશે.
એ મહોમયી નગરીના દરિયાની લહેરો પર સરકતી મોટરબોટમાં હું સવાર હતો.
આ લહેરોની માફક મારા મનમાં પણ અનેક વિચારો, અનેક તરંગો ઉઠતા અને શમી જતા.
મને મુંબઈ થોડું થોડું ગમવા લાગ્યું હતું.