featured image

Youth Parliament of India 2018 : દેશના યુવાધનની આશા અપેક્ષાઓનો પડઘો પડતો સંભળાશે?

૧૧મી જુલાઇની રાત્રે ઘરે જરા મોડો પહોંચ્યો. પાણી પીને રોજની માફક નિરાંતે આસન જમાવ્યું. તે દિવસે આવેલી ટપાલનો થપ્પો સામે મેજ પર પડ્યો હતો. ટપાલનું પણ એક વ્યક્તિત્વ હોય છે. સરસ મજાનું ખાખી પરબીડિયું હોય, મારી જેમ બહુ સારા હસ્તાક્ષર ના હોય એ રીતે વાંકા-ચૂંકા અક્ષરોમાં સિરનામું લખાયેલું હોય, ક્યારેક નામ તો ક્યારેક સિરનામું અધૂરું હોય તેવું પણ બની શકે. ખાખી પરબીડિયાને કાળા ગુંદરથી ચોટડ્યું હોય, એના એક-બે ડાઘ પરબીડિયા પર પણ પડ્યા હોય, ત્યારે માની લેવાનું કે આ કોઈ સરકારી કાગળ છે. મોટાભાગના સરકારી કાગળો નિરુપદ્રવી અને બિનઉપજાઉ હોય છે. પણ એ વહેમમાં ન રહેવું. ક્યારેક કોઈ કરવેરા ખાતાનો કે અન્ય લેણિયાત સરકારી ખાતાનો કાગળ હોય ત્યારે એવું પરબીડિયું લેતાવેંત જ મોં પર આછી ચિંતાની રેખાઓ  ઉપસી આવે છે. ઘણા બધા કાગળોમાં જાહેરાત માટેના મેઈલર્સ હોય છે જે આપણે વાંચીશું એવી પૂરી શ્રદ્ધા સાથે કોઈ માર્કેટિંગ એજન્સી આપણને મોકલે છે. એમની આવી શ્રદ્ધા મોટે ભાગે ઠગારી નીકળે છે. આજકાલ વોટ્સએપ, મેસેંજર, એસએમએસ અને ઈમેલના જમાનામાં આપણે જીવીએ છીએ એટલે પ્રમાણમાં અગત્યની ટપલો ઘટતી ચાલી છે.

 

પણ ક્યારેક સરસ મજાનો લોગો છાપ્યો હોય, સુઘડ રીતે સિરનામું લખ્યું હોય, ખાખી નહીં પણ સફેદ સારા કાગળનું પરબીડિયું હોય ત્યારે આમાં કોઈક ઉપયોગી હશે એવું માનીને આપણે આ પત્ર તરફ આકર્ષાઈએ છીએ. આવો જ એક પત્ર બુધવારની એ રાત્રે મારી રાહ જોતો હતો.

 

પહેલી નજર એના મથાળે ગઈ જ્યાં લાલ અક્ષરોમાં ‘Invitation’ એવું છાપાયેલું હતું. અને બરાબર એની નીચે સલામત અંતરે ‘Youth Parliament of India 2018’ અને સૌથી નીચે ‘Youth Parliament of India 2018’ અને એનું આયોજન કરનાર કર્ણાવતી યુનિવર્સિટીનો લોગો છપાયેલો હતો. કવર ખોલ્યું તો અંદર ભારતની પાર્લામેન્ટના ઝાંખા ચિત્ર સાથે યૂથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયા ૨૦૧૮ના કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ૧૪ અને ૧૫મી જુલાઈના રોજ યોજાનાર પ્રસંગ અંગેનું નિમંત્રણ હતું. કાર્ડ ખોલતાં જ આ પ્રસંગ કેટલો મોટો છે એનો અંદેશો આવી ગયો. ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહના હાથે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ભારતીય જનતા પક્ષ ગુજરાતના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આ પાર્લામેન્ટનું ઉદ્ઘાટન સત્ર શોભાવવાના હતા. આજે અને આવનાર સમયમાં ભારતનો યુવાન/યુવતી અને તેની આજ આવતી કાલ વિશે એક ખૂબ કાળજીપૂર્વક ચયન કરેલ વક્તાઓનાં સંભાષણો અને તારીખ ૧૫મી જુલાઈએ યુવા, રમતગમત, માહિતી અને પ્રસારણ વિભાગના માન. રાજ્ય કક્ષાના મંત્રી કર્નલ રાજ્યવર્ધનસીંઘ રાઠોડના મુખ્ય મહેમાન પદે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ, કેન્દ્રિય કૃષિ, પંચાયતીરાજ અને કિશાન કલ્યાણના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને અનુપમ મિશન, મોગરીના પ્રમુખ સંત ભગવાન પરમ પૂજ્ય સાહેબજીની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ. આ બંને દિવસના દબદબાભર્યા પ્રોગ્રામમાં હાજર રહેવાનુ નિમંત્રણ મારૂતિ કુરિયર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ થકી મારા સુધી પહોંચ્યું હતું.

 

દેશનો યુવાન આ દેશની શાન છે. તેની ગતિ, અવગતિ, દશા, અવદશા કે દિશા અથવા દિશાશૂન્યતા આ દેશની આવતી કાલ કેવી હશે તે નક્કી કરવાનાં છે. અને એટલે આ સમગ્ર આયામનું અને તેમાં જે મહાનુભાવો પોતાનાં મંતવ્યો આપવાના છે તેમના મંતવ્યોનું ખૂબ જ મહત્વ છે. છેલ્લાં ત્રણ વરસથી સરેરાસ દર વરસે દોઢ લાખથી વધુ યુવાન-યુવતીઓનો સંપર્ક કરી તેમની સાથે વાત કરવાનું એક નાનકડું અભિયાન ચલાવું છું એટલે સ્વાભાવિક રીતે મને વિષયમાં રસ પડ્યો.

 

ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ.કોમ પર જણાવ્યા મુજબ ભારતની સરેરાશ વય ૨૭.૬ વરસ છે. આ સામે ચીનની સરેરાશ વય ૩૭.૧ વરસ અને અમેરિકાની સરેરાશ વય ૩૭.૯ વરસ છે. એક સામાન્ય અવલોકન તરીકે કહીએ તો અમેરિકા અને યુરોપ બુઢા થઈ રહ્યા છે જ્યારે એશિયાના બે દેશ જે દુનિયાની વસતિનો કુલ ત્રીજા ભાગ કરતાં વધુ હિસ્સો ધરાવે છે તે હજુ યુવાન છે. એમાંય ભારત સૌથી વધુ યુવાન છે. વસતિની દ્રષ્ટિએ આપણે બીજા નંબરે છીએ અને યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફોરકાસ્ટ મુજબ ૨૦૨૫ સુધીમાં આપણે ચીનને વસતિમાં વટાવી જઈશું. ઘણા બધા લક્ષ્યાંકો બાબતમાં હું એટલો બધો વિશ્વાસ નથી મૂકતો પણ આ એક લક્ષ્યાંક હાંસલ કરવા બાબતમાં મને પૂરી શ્રધ્ધા છે. ભગવાનની જે કૃપા આપણા પર છે તે જોતાં વસતિ વધારાની બાબતે આપણે સંપૂર્ણ આત્મવિશ્વાસ રાખી શકીએ અને ૨૦૨૫ પહેલા ચીનને પછાડીને દુનિયાનો પહેલા નંબરનો વસતિ ધરાવતો દેશ આપણે બની જઈશું એમાં કોઈ ભારતવાસીએ રજમાત્ર શંકા રાખવાની જરૂર નથી.

 

આપણી કુલ વસતિના ૭૦ ટકાથી વધુ વસતિ ૩૫ વરસથી ઓછી ઉંમરની છે. અને આ કારણથી ૭૦ ટકાથી વધુ વસતિને સ્પર્શતી બાબતો આ પાર્લામેન્ટ ચર્ચવાની છે જે એનું આગવું મહત્વ પ્રસ્થાપિત કરે છે. આજે જ નહીં પણ આવનાર ઘણાં બધાં વરસો સુધી ભારતના ભવિષ્યની લગામ યુવા હાથોમાં રહેવાની છે અને એ યુવાશક્તિ જેટલી વધુ સક્ષમતાથી અને ઉત્સાહથી આર્થિક તેમજ દેશહિતને સ્પર્શતા અન્ય ક્ષેત્રોમાં કામે લાગશે તેટલો આ દેશ વધુ પ્રગતિ કરશે અને વિશ્વ સમુદાયમાં પોતાનું ગૌરવવંતુ સ્થાન પ્રસ્થાપિત કરશે. તાજેતરમાં જ વિશ્વ બેન્કે બહાર પડેલા આંકડા મુજબ ભારત અમેરિકા, ચીન, જાપાન, જર્મની, બ્રિટન બાદ છઠ્ઠા નંબરનું અર્થતંત્ર છે. લંડન સ્થિત સેન્ટર ફોર ઈકોનોમી એન્ડ બિઝનેસ રિસર્ચે જે વરતારો કર્યો છે તે મુજબ ૨૦૩૨ સુધીમાં ભારત વિશ્વનું અમેરિકા અને ચીન પછી ત્રીજું સૌથી મોટુ અર્થતંત્ર બની ચૂક્યું હશે. જે રીતે ભારતનું અર્થતંત્ર વિકાસવાનું છે તે જોતાં તેનાં માનવ સંસાધનો કેવી રીતે ઉપયોગમાં લેવાશે તે મહત્વનું બનવાનું છે. અત્યારે તો ભારતીય અર્થવ્યવસ્થાનો સામાન્ય વરતારો ઉજળા ભવિષ્યના સંકેત આપે છે.

 

પણ બીજી બાજુ GDPનું બદલાયેલું કલેવર, જેમાં ખેતી અને ઉદ્યોગની ટકાવારી ઘટતી જાય છે અને સેવાક્ષેત્રોની ટકાવારી ૬૦ ટકા કરતાં પણ વધુ રહી છે તેણે આપણી હાલની શિક્ષણ વ્યવસ્થાથી માંડી રોજગારી સુધીના ક્ષેત્રે બહુ મોટી અસરો ઉભી કરી છે. વૈશ્વિકરણના આ જમાનામાં જીવતું ભારત ટેક્નોલૉજી અને અર્થવ્યવસ્થાના વૈશ્વિક પ્રવાહોથી અળગું રહી શકે તેમ નથી અને આની સીધી અસર રોજગારીની તરાહ (જૉબ માર્કેટ ટ્રેન્ડ) પર પડી છે. ટેક્નોલોજીના કારણ થતું આધુનિકરણ અને ઓટોમેશન સીધી નોકરીની તકો ઘટાડી રહ્યા છે. જેના પરિણામે એમ્પ્લોયમેન્ટ ઈલાસ્ટીસિટી ઇન્ડેક્સ લગભગ શૂન્ય થઈ ગયું છે. આનો અર્થ એ થાય છે કે GDPની ટકાવારીની દ્રષ્ટિએ અર્થતંત્ર પ્રગતિ કરશે પણ સીધી નોકરીઓ નહી વધે. અંગ્રેજીમાં આને ‘જોબલેસ ગ્રોથ એટલે કે નોકરીની તકોમાં શૂન્ય ટકાના વિકાસની પરિસ્થિતી’ કહી શકાય.

 

આથી ઊલટું આજે હયાત નોકરીઓ છે તેમાં પણ ૩૦ થી ૪૦ ટકા નોકરીઓ આધુનિક ટેક્નોલૉજી અપનાવવા માટે રિફ્રેશર કોર્સ જેવી ટ્રેનિંગ માંગશે. આ પરિસ્થિતિના કારણે તમે ગ્રેજ્યુએટ થાવ એટલે ક્લાર્ક, એકાઉન્ટન્ટ, શિફ્ટ એન્જિનિયર, કેશિયર, મેનેજર, જેવી નોકરીઓ, જેના માટે મોટાભાગના યુવાનો ભણે છે અને ડિગ્રી મેળવે છે, તે મળવાની નથી. જૉબ માર્કેટ એટલે કે રોજગારીના બજારમાં મોટું પરીવર્તન આવ્યું છે. આ વાત યુવકોની પાર્લમેન્ટે પણ સ્વીકારવી પડશે અને આ દેશના શાસકોએ પણ ખોંખારીને બદલાયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરવો પડશે.

 

પણ જો આવું નહીં થાય અને યુવા માનસિકતા નોકરીલક્ષી શિક્ષણ પૂરતી મર્યાદિત રહેશે તો આ કહેવાતા ભણેલા ગણેલા ડિગ્રીધારકો દર વરસે એમ્પ્લોયમેન્ટ એક્સ્ચેન્જ પર નોકરીની રાહ જોતા લાખો બેકારોના ટોળામાં ઉમેરો કરશે. ક્લાર્ક કે પટાવાળા જેવી નોકરી માટે ડબલ ગ્રેજ્યુએટ અને ઈજનેરી ડિગ્રી ધરાવતા હજારો ઉમેદવારોની હજારો અરજી આવે તે સ્થિતિ આજે યુવા રોજગારીના ક્ષેત્રે કેવી વિસ્ફોટક પરિસ્થિતિમાં આપણે પહોંચ્યા છીએ તેનો નિર્દેશ કરે છે. આ બેરોજગારોની સંખ્યા અને તેમની ચરમસીમાએ પહોંચેલી નિરાશા જો સમયસર દૂર કરવામાં ન આવે તો નક્સલવાદ કે માઓવાદ જેવી ઉગ્રવાદી અને ભાંગફોડિયા પ્રવૃત્તિ તરફ આપણું યુવાધન દોરાશે. પરિણામે આ દેશમાં યુવા આંદોલનો અને હિંસક ઘટનાઓ વધતી જશે. નકારાત્મક દિશામાં વપરાતી યુવાશક્તિ સ્વાભાવિક રીતે જ આવનાર વરસોમાં આ દેશની અર્થ વ્યવસ્થાના ગળે બંધાયેલ ઘંટીનું પડિયું બને તો શું પરિસ્થિતી ઊભી થાય તેની ખુલ્લા દિલે ચર્ચા, સાંપ્રત પરિસ્થિતિનો સ્વીકાર અને આવનાર સમયમાં આ પરિસ્થિતીને પહોંચી વળવા માટે પ્રમાણિકતાપૂર્વકનો પ્રયાસ જરૂરી બનશે. આ પ્રકારના પ્રયાસ અંગેની ચર્ચા યૂથ પાર્લામેન્ટ જેવુ બિનરાજકીય ફોરમ હાથ ધરે તો એ થોડી ઘણી પણ પ્રમાણિકતા અને દંભ વગરની ચર્ચા હશે એમાં કોઈ શંકા નથી. આ માટે માત્ર વક્તવ્યો નહીં ઇન્ટરેક્ટિવ સેશન એટલે જેમના પ્રશ્નો છે, જેમની સાથે પનારો પાડવાનો છે તેમને સાંભળીને એમની અપેક્ષાઓના વ્યાજબી ઉકેલ માટેની વ્યૂહરચના જ આ દેશને તારી શકે. અન્યથા શાહમૃગી નીતિ અપનાવીને સબ સલામતની આલબેલ અથવા વાંકદેખી દ્રષ્ટિથી માત્ર નકારાત્મક વાતો જ કોઈ પરિણામ તરફ લઈ જઈ શકે નહીં.

 

ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. મોટાભાગે આ દેશમાં લગભગ દર પાંચ વરસે પાર્લામેન્ટ અથવા વિધાનસભાની ચૂંટણી થાય છે. ૨૦૧૯માં પાર્લામેન્ટની ચૂંટણી થવાની છે. આપણે ત્યાં સ્વ. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ૧૮ વરસની ઉંમર થાય એટલે મતાધિકાર મળે તેવો કાયદો ઘડાયો. આના કારણે દર પાંચ સાલ બાદ જ્યારે પાર્લામેન્ટની ચૂંટણી આવે ત્યારે ૧૨ કરોડ કરતાં વધારે મતદારો ફર્સ્ટ ટાઇમ વોટર્સ એટલે કે પ્રથમ વખત મતદાન કરવા માટે મેદાનમાં આવે છે. ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં કુલ ૫૩.૭૫ કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. પ્રથમ વખત મત આપવા માટેનો ઉત્સાહ હોય છે. રાજકીય પક્ષે તેમજ સરકારી તંત્ર પણ વધુ મતદાન થાય તે માટે મતદારોને પ્રેરે છે. એટલે એ સમયે આ ૧૨ કરોડમાંથી માની લઈએ કે ૭૦ ટકા મતદાન થાય તો પણ ૮.૪કરોડ મતદારો મત આપે જે કુલ મતદાનના ૧૫ ટકા કરતાં વધુ મતદાન થયું તેમ ગણી શકાય. આ ૧૫ ટકા મત મોટાભાગે અપરિપક્વ અને લાગણીથી દોરાયેલા મતદારોના મત છે. આ મતદારો સોશિયલ મીડિયા કે અન્ય પ્રચારથી સરળતાથી ભાવુક બનીને દોરવાય છે. ક્યારેક એમનામાં દેશભક્તિનો ઊભરો લાવી શકાય છે તો ક્યારેક એમને મોટા પાયે નોકરી મળશે એવી રોજગારીની તકોની લોલિપોપ આપી શકાય છે. આમાં કોઈ રાજકીય પક્ષ અપવાદ નથી. આ પ્રમાણે દોરવાઈને પેલા ઈમોશનલ મત પડે છે ત્યારે ન ધારેલો સત્તાપલટો થાય છે અને ભલભલી સરકારો ઘર ભેગી થઈ જાય છે. હથેળીમાં ચાંદો દેખાડીને આવેલી કોઈ પણ સરકાર આવા મતદારોને લાંબા સમય સુધી રાજી રાખી શકતી નથી. એટલે વળી પાછા બીજા મતદાનમાં આ મતદારો નારાજ થઈને બીજો કોઈ અખતરો કરે છે. જે પ્રકારના પ્રશ્નો આ દેશમાં ઊભા થઈ રહ્યા છે, જે પડકારોનો આપણે સામનો કરવાનો છે તે જોતાં અસ્થાયી અને વારંવાર બદલાતી સરકાર આ દેશ માટે જોખમી છે. બરાબર તે જ રીતે ગમે તેવાં વચનો આપી એકવાર રાજસિંહાસને બેસી જઈએ એવી છલના સાથે આ પ્રથમ વાર મતદાન કરતાં યુવા મતદારોને લલચાવી લોભવીને મત લઈ સત્તા હાંસલ કરતા રાજકીય પક્ષો અને તેમની સરકારો દેશ માટે આથી પણ વધારે જોખમી છે. આમ યુવા મતદાર અને તેમાં પણ ફર્સ્ટ ટાઇમ વોટર આપણે ચાહીએ કે ના ચાહીએ આ દેશની લોકશાહી સરકારોને ગાદીએ બેસાડવામાં અથવા ઘર ભેગી કરવામાં નિમિત્ત બનવાનો છે. મારા મત પ્રમાણે ભારતીય લોકશાહી સામેનો આ મોટામાં મોટો પડકાર છે. આ ૧૨ કરોડ ફર્સ્ટ ટાઇમ વોટર્સ એટલે કે લોકશાહીના મહાયજ્ઞમાં આહુતિ આપનાર મતદાતાની સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો આપણા આ પહેલી વાર મતદાન કરનાર ૧૨ કરોડની સંખ્યા ફ્રાન્સ અને ઈંગ્લેન્ડની કુલ વસતિ કરતાં વધારે છે, ઈઝરાયેલની વસ્તી કરતાં ૧૨ ઘણી અને સિંગાપોરની વસતિ કરતાં ૨૦ ગણી વધારે છે. આ સંખ્યા કોઈ પણ સરકારને લાવવા માટે કે ઘર ભેગી કરવા માટે પર્યાપ્ત છે. આ જ સ્થિતિ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં થાય છે.

 

કેન્દ્ર અને રાજ્યમાં સક્ષમ સરકાર બને તે રાષ્ટ્ર નિર્માણ માટે પાયાની જરૂરિયાત છે ત્યારે આ યુવા પાર્લામેન્ટ એ પણ ચર્ચા કરે કે માધ્યમો અને ખાસ કરીને સોશિયલ મીડિયાની દુનિયામાં જીવતો યુવાવર્ગ, જેની સામે આ જ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી ભાત ભાતની સાચી અને ખોટી માહિતીની માયાજાળ ઊભી કરવામાં આવે છે તે પરિસ્થિતી સામે કઈ રીતે પેશ આવશે. જો એ સાચી વાત સમજી શકે અથવા ગ્રહણ કરી શકશે તો યુવાવર્ગની તેમજ દેશની પ્રગતિનો રાજ માર્ગ ખૂલી જશે. પણ... કોઈ ખોટી અથવા ભ્રામક વાત એના મગજમાં વવાઈ જાય તો દેશના અધ:પતનનો અને દુનિયાની આ સૌથી મોટી લોકશાહી વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાખે એવો પાયો આ યુવામાનસમાં મજબૂતીથી નખાઈ જશે. આ કારણથી આજનો યુવા કઈ રીતે સતર્ક બને અને તેની સામે આવતા દરેક મુદ્દા કે વાતને ચકાસશે તેના પર ભારતીય લોકશાહીમાં યુવાશક્તિનું પ્રદાન કેવું પરિણામ લાવશે તેનો આધાર રહેશે.

 

એક શ્લોક યાદ આવે છે...

હંસો શ્વેત: બકો શ્વેત:

કો ભેદ: બક હંસયો

નીરક્ષીર વિવેકેતુ

હંસો હંસ: બકો બક:

 

અર્થ થાય બગલો પણ સફેદ છે અને હંસ પણ સફેદ છે.

 

તો પછી હંસ અને બગલા વચ્ચે ભેદ કઈ રીતે કરવો?

 

જવાબ છે, નીર (પાણી) અને ક્ષીર (દૂધ) બેનો તફાવત જે પારખી શકે તે હંસ છે અને જે નથી પારખી શકતો તે મત્સ્યભોગી બગલો છે.

 

યૂથ પાર્લામેન્ટ આ દેશનો યુવા નીર અને ક્ષીરની સ્વવિવેકે પરખ કઈ રીતે કરી શકે તે અંગેનો વિચાર ચર્ચવાનો અને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરે તો આ દેશની યુવાશક્તિમાં એ ક્ષમતા છે કે દેશ કે અર્થ વ્યવસ્થા સામે ઊભા થતાં કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે તે એક મોટું હથિયાર બને. આ દિશામાં ચર્ચા કરી દેશ સમક્ષના પડકારો અને તકોને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવા અંગેની અને પોતાની પ્રતિબધ્ધતા થકી રાષ્ટ્રનિર્માણના કાર્યમાં આગળ વધવાની કેડી આ પાર્લામેન્ટની ચર્ચાઓ કંડારી શકે.

 

ભગતસિંહ, સુખદેવ, ખુદીરામ બોઝ, સુભાષબાબુ, વિનોદ કિનારીવાલા, શ્યામાપ્રસાદ મુખર્જી અને દીનદયાલ ઉપાધ્યાય જેવી પ્રતિભાઓએ તેમનું યૌવન દેશહિતમાં અર્પણ કરીને અમરત્વ મેળવ્યું છે. આદિ શંકરાચાર્યજી, વિવેકાનંદજી કે પછી કવિ કલાપી બહુ લાંબુ નહોતા જીવ્યા પણ ટૂંકી આવરદામાં પણ એમણે જે પ્રદાન કર્યું તે આજે પણ આપણને દોરે છે.

 

આલેખ પૂરો કરતાં પહેલા નીચેની પંક્તિઓ –

A lily of a day        

Is fairer far in May,  

Although it falls and dies that night -       

It was a plant and flower of Light.  

In small proportions we just beauties see; 

And in short measures life may perfect be.

  • Ben Jonson

 

ભલે જીવન ટૂંકું હોય પણ અર્થસભર હોય એવું જીવીએ કે જે એક મિશાલ બની રહે સમાપનમાં આનંદ (૧૯૭૧) ચલચિત્રનો સંવાદ :

"बाबूमोशाय ज़िंदगी बड़ी होनी चाहिए लंबी नाहीं

बाबूमोशाय. जब तक ज़िंदा हूं, मरा नहीं

जब मर गया, तो साला मैं ही नहीं।"

 


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles