 
					
ચક્રાવાત ‘વાયુ’ હવે આપણા દરિયાકાંઠા સાથે નહીં અથડાય પણ એની થપાટ તો વાગશે જ.
હાશ! ‘વાયુ’ ફંટાઈ ગયું. મારા જીવનમાં મળતા કેટલાક સારામાં સારી ઘટનાઓના સમાચારમાંના આ એક છે. હજુ ગઇકાલે જ સિદ્ધપુર પાટણ લોકસભાના માન. સાંસદ ભરતસિંહ ડાભીનો સન્માન સમારંભ પત્યો અને વાવાઝોડાનું તોફાન શરૂ થયું તે તો પેલા દવાવાળાઓ ‘ફિઝિશ્યન્સ સેમ્પલ’ વેચે છે તેવું હતું. જો કે આ વાવાઝોડાને ‘વાયુ’ સાથે સ્નાન સૂતકનો સંબંધ નહોતો એ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમને કારણે આવ્યું હતું. મહેસાણા સુધી આવ્યો ત્યાં સુધી તો અનેક ઝાડ ધરાશાયી થયા હતા. ક્યાંક છાપરાં પણ ઉડયા હશે. કડાકા-ભડાકા ગાજવીજ અને એથીય વધારે ભયાનક તો તીવ્ર ગતિએ ફુંકાતા પવનના ફૂંફાડા. કાચાપોચાનું તો કાળજુ કંપી જાય. થોડોક સમય અમે હાઇવે ઉપર વિષ્ણુભાઈ પટેલની ગંગોત્રી હોટલમાં રોકાયા. વીજળી ગુલ! અને આવી પરિસ્થિતીમાં પણ એમણે કેન્ડલ લાઈટ ડિનર કરાવ્યું. અમારા ભડવીર ભાઈબંધ શિવરામભાઈ પટેલનો દીકરો જ આ કરી શકે. અમદાવાદ પહોંચતાં સુધીમાં તો કેટલાયે હિતેચ્છુ મિત્રોના સંદેશાઓ ટેલીફોનના સ્ક્રીન પર આવતા રહ્યાં. બધાની મારા માટેની ચિંતા જોઈ થોડો છુપો આનંદ પણ થયો. કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જ્યારે તમારા માટે ચિંતા કરે ત્યારે માનવાનું કે તમે સિકંદર કરતાં પણ મોટી લડાઈ જીતી ગયા છો. એ લડાઈ પ્રેમ અને સંવેદનાની લડાઈ છે, એ લડાઈ લાગણીની લડાઈ છે અને એમાં તમને સંવેદનાનો જે અનુભવ થાય છે તે અમૂલ્ય હોય છે. ખેર! વાવાઝોડાના નાનકડા તોફાને એ વખતે પણ મારા મનમાં ચિંતા રોપી હતી.
આ ચિંતા હતી ચક્રાવાત ‘વાયુ’ ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું અને વેરાવળથી વચ્ચેના દરિયાકિનારે ગમે ત્યાં ત્રાટકવાનું હતું. એના કારણે ઊભી થનાર પરિસ્થિતિની વિકરાળતા અને શક્યતઃ વિનાશ. ૧૯૯૮ પછીનું આ સૌથી ઘાતક ચક્રાવાતી તોફાન ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું. હવામાન ખાતાનો વરતારો એવું કહેતો હતો કે સવારે દસ વાગ્યા પછી, ગુરૂવાર તા. ૧૩મી જૂનના રોજ આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાને ટકરાશે. યાદ આવી ૧૯૯૮ની. એ વખતે કંડલા અને કચ્છને એક વિનાશક વાવાઝોડાએ ઘમરોળ્યુ હતું. ૧૨૪૧ વ્યક્તિઓ ઓફિસિયલ અંદાજ મુજબ મૃત્યુ પામ્યા હતા અને અનઓફિસિયલ આંકડો કદાચ એનાથી બમણો હોય તો પણ નવાઈ નહિ. કેટલાંય પશુઓ અને અન્ય જીવો વાવાઝોડાના આ વિનાશક તોફાનમાં હોમાઈ ગયા હતા. વીજળીના મોટા મોટા ટાવર વાંકા વળી ગયા હતા એટલું બળ આ રાક્ષસી તોફાનનું હતું. રેલવેલાઈન ધોવાઇ ગઇ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા, દરિયાકિનારાના વિસ્તારોમાં પહાડ જેવડા મોજા ઉછાળતો દરિયો ઘૂસી ગયો હતો, બધું તહસનહસ થઈ ગયું હતું. એક ખૂબ મોટી કુદરતી આફતે કચ્છ અને અંશત: બનાસકાંઠાને ઘમરોળ્યો હતો. ત્યારબાદ હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાત પર ત્રાટકનાર ચક્રાવાત ‘વાયુ’ સૌથી વધારે ઘાતક વાવાઝોડું હતું. રેલવેએ ૭૭ ટ્રેનો કેન્સલ કરી અને બીજી ૩૩ને અધવચ્ચે થોભાવી દીધી. રાજ્ય સરકારે પણ અદભુત સતર્કતા દાખવી, ૨.૮૧ લાખ (સાચો આંકડો કદાચ એથી પણ વધારે હોઈ શકે) લોકોને દરિયાકાંઠાના ૫૦૦ ગામોમાંથી અન્યત્ર ખસેડાયા. દ્વારકા, પોરબંદર અને સોમનાથમાંથી ૧૦૦૦૦ યાત્રાળુઓ/પ્રવાસીઓને અન્યત્ર ખસેડાયા. પશ્ચિમ ગુજરાત વીજ નિગમે ૬૩૪ જેટલી ટીમોને એને પુનઃસ્થાપિત કરવા તૈયાર રાખી. દરિયાકાંઠાના ૧૦ કિલોમીટર વિસ્તારમાંથી માણસોને ખસેડી લેવાયા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વેરાવળ, દિવ અને સોમનાથ તરફની એની બસ સેવા બંધ કરી દીધી. રાજ્યના દરિયા કિનારાના બધા જ બંદરોએ ચક્રાવાત પૂરો થાય ત્યાં સુધી કામગીરી થંભાવી દેવામાં આવી. ગુરૂવારના દિવસ માટે અમદાવાદથી પોરબંદર, દીવ, કંડલા, મુંદ્રા અને ભાવનગરની હવાઈ ઉડાનો રદ કરી દેવાઈ. આ બધું એટલા માટે કે જે ચક્રાવાત આવવાનું હતું તેના વાયુની ગતિ ૧૫૫ થી ૧૬૫ કિલોમીટર અને ગુરુવાર બપોરે તો કદાચ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાક પહોંચે તેવી શક્યતા હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટનું પૂરું તંત્ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રીલીફ ફોર્સની ૫૦ ટીમ, જેમાં દરેકમાં ૪૫ વિશિષ્ટ તાલીમપ્રાપ્ત બચાવ કામગીરી નિષ્ણાતોનો સમાવેશ થાય, તેને તેમજ સૈન્યની બચાવ ટુકડીઓને પણ સાબદી રાખવામાં આવી. ગુરુવારે બપોર પહેલાં કયામત ગુજરાત ઉપર ત્રાટકવાની હતી એની ઊંચા શ્વાસે રાજ્યનું વહીવટી તંત્ર પોતાની બધી જ ક્ષમતા સાથે સાબદુ થઇને રાહ જોતું હતું. રાજ્યના મુખ્યમંત્રીશ્રી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી બંનેની આ આખીય કામગીરી પર સીધી નજર હતી. સતર્કતાની પરાકાષ્ટા કહી શકાય તેવી સજ્જતા અને તૈયારી સાથે છેલ્લાં બે દિવસથી રાજ્ય સરકારનું વહીવટી તંત્ર કામે લાગ્યું હતું. ચક્રાવાત ‘વાયુ’ની ભયાનકતાની કલ્પના માત્રથી ધ્રુજારી આવી જાય તેવું હતું.
બરાબર ત્યાં જ બુધવારે મધરાત બાદ હવામાન ખાતાએ એવી આગાહી કરી કે જે સાંભળતા જ રહીએ, વાંચતાં રહીએ એટલી શુભ હતી. હવામાન ખાતાનો વરતારો હવે કહી રહ્યો હતો કે પેલાં રાક્ષસી ‘વાયુ’એ પોતાનો માર્ગ બદલ્યો છે, એ હવે ગુજરાતના સાગરકાંઠે નહીં અથડાય. એક મોટી ઘાત ગુજરાત પરથી લગભગ ટળી ગઈ છે. હું લગભગ શબ્દ એટલા માટે વાપરું છું કે આ ચક્રાવાતનો ઘેરાવો ૯૦૦ કિલોમીટર કરતાં વધારે હોય છે, એટલે એ ગુજરાત તરફ આવવાને બદલે ગુજરાતના દરિયાકાંઠાને સમાંતર દરિયામાં જ ફર્યા કરે અને ધીમે-ધીમે નબળું પડી એમાં સમાઈ જાય એ પહેલાં એની થપાટ આપણા દરિયાકિનારાના પોરબંદર જેવાં વિસ્તારોને વાગશે જ, પણ એ થપાટ ‘શૂળીનો ઘા સોયે સર્યો’ જેવી હશે. ભારે વરસાદ થશે પણ પેલી વિનાશક ગતિ સાથેનો પવન નહીં ફૂંકાય. અને એટલે જાનમાલની હાનિ થવાની શક્યતાઓ ઘણી ઘટી ગઈ. આપણી પ્રાર્થના તો હોય જ પણ હું માનું છું કે મૂંગા જીવોની પ્રાર્થના, પશુ-પંખી બધાની પ્રાર્થના, છેવટે માલિકના દરબારમાં સંભળાઈ છે. એને કારણે જ આ રાક્ષસનું જોર અને દિશા બંને બદલાયા છે. ચક્રાવાત ‘વાયુ’ ઘાતક બનીને ત્રાટક્યો હોત તો એણે જે નુકસાન કર્યું હોત તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. રાજ્ય સરકાર આખી આવનાર એક મહિનો એને કારણે જે માર પડ્યો હોત તેની રાહતમાં રોકાઈ હોત. આવું થયું નથી. આપણે સૌ હળવાશનો શ્વાસ જરૂર લઈએ, પણ આ ઘાત સંપૂર્ણ ટળી ગઈ એમ ન માની લઈએ, કારણકે હજુય એ રાક્ષસની ટપલી પણ વાગે તો ખાનાખરાબી સર્જી શકે એ શક્યતાઓ ઉભી છે. હજુ પણ સંપૂર્ણપણે ભયમુક્ત પરિસ્થિતિ નથી. ભારત સરકારના હવામાન વિભાગે આજે સવારે ત્રણ વાગ્યે ઇસ્યુ કરેલ એડવાયઝરી મુજબ આવનાર સમય માટે ચક્રાવાત ‘વાયુ’ની ગતિવિધિઓ સંદર્ભે કોઠા મુજબનો વરતારો આપ્યો છે.
આપેલ કોઠા પરથી જોઈ શકાશે કે હજુ ૧૫મી જૂન સુધી આપણો કાંઠા વિસ્તાર ૧૦૦ કિલોમીટર કરતાં વધુ ઝડપે પવન અને ભારેથી અતિ ભારે વરસાદ સામે ઝઝૂમશે. દરિયાનાં ખૂબ મોટાં મોજાં ઊછળશે અને નીચાણવાળા વિસ્તારોમાં દરિયાનું પાણી ધસી જશે. આ પરિસ્થિતિમાં હવામાન ખાતાએ જાહેર કર્યું છે તે મુજબ સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં કલાકે ૧૩૫થી ૧૪૫ કિલોમીટર, જે ગતિ વધીને ૧૬૦ કિલોમીટર સુધી પહોંચી શકે તેવા વિનાશક તોફાની પવનો ફૂંકાશે. આમ, ચક્રાવાત ‘વાયુ’ આપણા દરિયાકાંઠાને નથી અથડાવાનું તો પણ એની ઘણી બધી વિનાશક અસર તા. ૧૫ જૂન સુધી થવાની છે. આમ, છતાંય મનમાં એક ખૂબ મોટી હળવાશ છે, રહી રહીને મનમાં એ વિશ્વાસ ટકોરા મારી મારીને કહી રહ્યો છે, ચિંતા ના કર ગુજરાતનાં પુણ્ય, પેલા મૂંગા જીવોનાં નસીબ, હજુ પરવારી નથી ગયાં.
कामये दुःखतप्तानाम् प्राणिनामार्तिनाशनम्।। ની આપણી પ્રાર્થના આજે ફરી એકવાર ઈશ્વરના દરબારમાં સંભળાય છે.
આજે ગુરુવાર
મને જેમાં અગાધ શ્રદ્ધા છે એવા સાંઈબાબાનો વાર
મનમાં એ જ વાત ફરી ફરીને આવે છે
સબકા માલીક એક
 
                    













