Saturday, January 7, 2017

જીંદગી દરેક વ્યક્તિને સારાનરસા બન્ને પ્રકારના અનુભવો કરાવે છે. દરેક અનુભવ અને તેમાંય ખાસ કરીને નરસાં અનુભવો કંઈકને કંઈક શીખવી જાય છે. જેમ સોનું જેટલું અગ્નિમાં તપે છે તેટલું જ વધુ શુદ્ધ અને તેજસ્વી બને છે. બરાબર તે જ રીતે જીવનમાં થતા અનુભવો જીવનનું ઘડતર કરીને એને વધુ અર્થસભર બનાવવામાં ઉપયોગી બને છે. હંમેશા યાદ રાખવું જોઈએ કે તમે જ્યાં નોકરી કરો છો ત્યાં બે રીતે તમને પગાર અથવા વળતર મળે છે. પહેલી જે રુપિયા તરીકે અથવા અન્ય રીતે ચૂકવાય છે તે નાણાંકીય અથવા ચીજવસ્તુના રુપમાં મળતું વળતર અને બીજું જીવનઘડતર અથવા અનુભવરુપે મળતું વળતર. પહેલું વળતર મર્યાદિત હોય છે અને એ પ્રમાણે જ કોઈ રોકટોક કે મર્યાદા હોતી નથી. તમારે કેટલું શીખવું તે તમારા ઉપર આધારીત છે. આ માટે મહેનત કરવી પડે છે અને જે અનુભવો પ્રાપ્ત થાય છે તેના કારણે વ્યક્તિની આંતરિક કિંમત (Intrinsic Value) વધે છે જેને આપણે આવડત કહીએ છીએ. કોઈપણ કચેરી, સમાજ કે કુટુંબ વ્યવસ્થામાં આ આવડત સીનીયોરીટી સાથે નથી જોડાતી. આવડત તાત્કાલિક વધુ પૈસા નથી કમાવી આપતી તો પણ તમારું માન અને અગત્યતા જરુર વધારે છે. દરેક કચેરીમાં આવા જ્ઞાનવૃદ્ધ કર્મચારીઓ હોય છે જેની સલાહ લગભગ કાબેલ અધિકારીઓ પણ લે છે અને સ્વીકારે છે. આ અનુભવનું ભાથું એવું છે કે જે તમે નોકરી બદલો ત્યારે તમારી સાથે આવે છે. કોઈ નોકરીદાતા તમે તમારો અનુભવ અહીં મુકતા જાવ તેમ કહેતો નથી. કારકીર્દીની શરુઆતના તબક્કે આ બાબત ખાસ યાદ રાખવા જેવી છે. શરુઆતમાં પગાર ઓછો મળશે તો ચાલશે પણ અનુભવ તગડો મળશે તો એ આગળ લઈ જશે. ઘણી વખત આ બાબત વિસરાઈ જતી હોય છે. હાઉસીંગ બોર્ડની નોકરી એ મારા માટે વહિવટી અને ટેકનીકલ એમ બન્ને ક્ષેત્રે ઘડતરનો તબક્કો હતો. એમાંય પ્રીસીઝન બેરીંગનું જે કામ અમે સંભાળ્યું તેમાંથી પૈસા તો ન મળ્યા, રવિવારની રજાઓ વાપરવી પડી પણ અનુભવ ભરપૂર મળ્યો.

આવો જ એક ધોળે દિવસે તારા બતાવી દે તેવો અનુભવ અમારી રાહ જોતો હતો. ઉંચી ગુણવત્તાનું કામ થાય એ વાત શરુઆતથી અમે સ્વીકારીને ચાલ્યા હતા. કામની ગુણવત્તા સાથે જરાય ચેડાં અમે થવા દેતા નહીં. આ કારણથી પ્રીસીઝન બેરીંગના આર્કીટેક અને ઈજનેર તેમજ સામે પક્ષે કોન્ટ્રાક્ટર કંપની બન્ને ખુશ હતા. પણ, દરેક બાબત મર્યાદામાં જ સારી લાગે છે. અતિ સર્વત્ર વર્જયેત્ એટલે કે અતિશયોક્તિ કોઈપણ બાબતમાં ક્યારેય સ્વીકૃત બનતી નથી અને તેને વર્જ્ય ગણવી જોઈએ. અમારા વધુ પડતા ઉત્સાહમાં અમે આ સૂત્ર ભુલી ગયા. ફેક્ટરીના ભોંયતળીયાનું ફ્લોરીંગનું કામ શરુ થયું. લેથથી માંડી અનેક મશીનો જ્યાં મુકાવાના હતા તે શોપફ્લોર બરાબર મજબૂત હોય તે જરુરી છે. આ માટેની ડિઝાઈનમાં પહેલાં માટીપુરાણ જેને પાણી છાંટીને ટીપણીથી બરાબર ટીપીને મજબૂત કરવાનું હતું. ત્યારબાદ એના ઉપર બોલ્ડર એટલે કે મોટા પથ્થરના ટુકડા તેના ઉપર રબલ અને છેવટે ઉપર શોપફ્લોરનો આરસીસી સ્લેબ આવે તેવી ડિઝાઈન હતી. માટીકામ બરાબર થયું, ટીપાઈ પણ ગયું અને એના ઉપર લગભગ નવ ઈંચના મોટા પથ્થરના ટુકડા પણ અમે વ્યવસ્થિત ગોઠવાવ્યા. ત્યારબાદ અમારા ફળદ્રુપ ભેજામાં જે વિચાર આવ્યો તેનાં કેવાં ભયંકર પરિણામ આવશે એની અમને જરાય કલ્પના નહોતી. બોલ્ડર પેકીંગ બરાબર મજબૂત થાય એમ વિચારી અમે એના પર રોલર ફેરવવાનું નક્કી કર્યું. રોલર મંગાવ્યું અને એને જેવું અંદર ઉતાર્યું કે પેલા બોલ્ડર નીચેની ભીની માટીમાં ઘુસી ગયા. રોલર ફસાઈ ગયું. એ બહાર નીકળે એવો કોઈ ઉપાય અમારી પાસે નહોતો. આ લાઈનના અનુભવી બે-ચાર સીનીયર સ્ટ્રક્ચરલ એન્જિનિયર/કોન્ટ્રાક્ટરનો સંપર્ક કર્યો તો એમણે પહેલાં તો અમારી આ બુદ્ધિમાની રમૂજ કરી. બધેથી એક જ સલાહ મળી કે જ્યાં સુધી નીચેની માટીનું પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી આ રોલર ખસેડી શકાશે નહીં. આ માટે એમના મત પ્રમાણે દસ-બાર દિવસનો સમય જોઈએ. પેલું રોલર તો રોજના ભાડે લાવેલા એટલે એનું ભાડુ ચડતું હતું. અમારી પાસે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નહોતો. છેવટે પંદરેક દિવસે અમે રોલરને બહાર કાઢી શક્યા ત્યારે ઈડરીયો ગઢ જીત્યા હોઈએ તેવો અનુભવ થયો. એક મોટી શીખ આમાંથી એ મળી કે બાંધકામ ચાલતું હોય ત્યારે પ્રસ્થાપિત પ્રણાલીઓથી અથવા સ્ટ્રક્ચરલ એન્જિનિયરે નિર્ધારીત કરેલ સ્પેસીફીકેશનથી હટીને કંઈ પણ કરવું હોય તો પહેલાં સક્ષમ ઈજનેરની સલાહ લેવી. વધુ પડતો ઉત્સાહ જીવનમાં પણ ક્યારેક આ રોલર ફસાઈ જવા કરતાં પણ મોટી આપત્તિઓ સર્જે છે એવું નીચે લખેલ શ્લોક કહે છે –

अति रुपेण वै सीता अति गर्वेण रावणः

अति दानर्बलिर्बध्दो ह्याति सर्वत्र वर्जयेत्

આનો મતલબ એ થાય કે અતિ રૃપવતી હોવાને કારણે સીતાનું હરણ થયું, અતિ ગર્વિષ્ઠ અથવા મદાન્ધ હોવાને કારણે રાવણ મરાયો. વધુ પડતો દાનવીર હોવાને કારણે બલિ રાજા પાતાળે ચંપાયો અથવા બંધનમાં બંધાયો. આમ, કોઈપણ વસ્તુ અતિશયોક્તિભરી રીતે થાય તે વર્જીત છે.

અમારા આ રોલર પ્રકરણે અતિ ઉત્સાહમાં પરિણામોની જાણકારી અથવા અંદાજ વગર કરેલ કામ શું પરિણામ લાવી શકે તેનો સરસમજાનો બોધપાઠ પૂરો પાડ્યો.

પણ બીજી રીતે કહીએ તો માણસ ભૂલમાંથી જ શીખે છે. એવું કહેવાય છે કે અનુભવી માણસને કોઈપણ બાબત કેમ નથી થઈ શકતી એનું જ્ઞાન હોય છે. આથી વિપરીત બિનઅનુભવી અથવા અજ્ઞાન વ્યક્તિ એ કામ કરવા માટે પ્રયત્ન અથવા વિચાર કરે છે અને ક્યારેક સફળ પણ થાય છે. જગતની મોટાભાગની શોધ આ પ્રકારની વ્યક્તિઓએ કરી છે. આઈઝેક ન્યૂટન જેણે આપણને ગુરુત્વાકર્ષણ અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો આપ્યા તે શોધ એક દિવસ એ સફરજનના ઝાડ નીચે બેઠો હતો અને ઝાડ પરથી સફરજન નીચે પડ્યું ત્યારે આ સફરજન પૃથ્વી પર જ કેમ પડે છે અને આકાશમાં કેમ નથી જતું એવો પ્રમાણમાં બેહુદો વિચાર ન્યૂટનને આવ્યો અને એક મહાન શોધ આપણને મળી. આકાશમાં ઉડતાં પક્ષીઓ તો બધા જોતા હતા પણ એ પક્ષીની માફક ઉડવાની ઈચ્છા અને એ રીતે નભોવિહારી બનવાની ઉત્કંઠા જેને જાગી તે રાઈટ બ્રધર્સે આ પ્રયોગ પણ કર્યો, અથડાયા, કૂટાયા, પછડાયા અને છેવટે ઉડવામાં સફળ બન્યા અને એરોપ્લેનની શોધ કરી. આજે આકાશમાં ઉડતું વિમાન આપણને જરાય નવાઈ નથી પમાડતું પણ ક્યારેક એને અશક્ય ગણીને ઠેકડી ઉડાડનારાઓ પણ હશે. આ જગતમાં એક સમય હતો જ્યારે પૃથ્વીને સપાટ માનવામાં આવતી હતી અને સૂર્ય એની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે તેવું મનાતું. આપણે ત્યાં જ્યારે પહેલ વહેલી રેલ દોડતી થઈ ત્યારે લોકો એન્જિનને કાલી માતાનું સ્વરુપ માની નારિયેળ વધેરતા હતા.

આમ, ક્યાંક સંનિષ્ઠાપૂર્વક પ્રયોગ કરતાં નિષ્ફળ જઈએ અને કોઈ હાંસી પણ કરે તો શરમાવું નહીં. કારણકે એ જ લોકો તમે સફળ થશો ત્યારે કૂદીકૂદીને ચિચિયારીઓ પાડી તાળીઓથી તમારું સ્વાગત કરશે. એમાં એવાં પણ લોકો મળી આવશે જે આરામથી કહી શકશે કે એક દિવસ આગળ જતાં આ માણસ નામ કાઢશે એમાં મને કોઈ શંકા નહોતી. સફળતાને પૂજનારો આ સમાજ છે એ ખ્યાલમાં રાખી નિષ્ફળ જઈએ તો વળી પાછા કરતા જાળ કરોળિયોની માફક નવો તાંતણો ગૂંથી આગળ વધવા પ્રયત્ન કરો. છેવટે તો હજારો નિરાશાઓમાં અમર આશા છુપાઈ છે તે વાત યાદ રાખી કરોળિયાને આપણો આદર્શ માની આગળ વધવું.

અમારી હાઉસીંગ બોર્ડની નોકરી હવે પીચ પર સેટ થયેલ મીડલ ઓર્ડર બેટ્સમેનની માફક સ્થિરતા પકડી ચૂકી હતી. સાંજ પડે ઓફિસ છુટ્યા બાદ વોલીબોલ રમવા માટેની એક સરસ ટીમ પણ તૈયાર થઈ ગઈ હતી. કામ ઉપર પકડ આવી ગઈ હતી. એક કુશળ અધિકારી તરીકેની છાપ પણ ઉભી થઈ ગઈ હતી, પાડોશીઓ સારા હતા, વડોદરાના બીજા મિત્રો સાથે પણ પરિચય અકબંધ હતો. બધું સમુસૂતર ચાલી રહ્યું હતું. દરમ્યાનમાં મેં અગાઉ લખ્યું તેમ મારો માર્કેટીંગ મેનેજમેન્ટનો અનુસ્નાતક અભ્યાસ પણ પરીક્ષામાં પ્રથમ ક્રમ સાથે મેં સારી રીતે પૂરો કર્યો હતો. હવે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પીએચડી સમકક્ષ અભ્યાસક્રમ ફેલો ઈન બિઝનેસ એડમીનીસ્ટ્રેશન(FBA)માં એડમિશન મેળવવા તરફ. આ પ્રવેશ ઓલ ઈન્ડિયા એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે અખિલ ભારતીય પ્રવેશ પરીક્ષા અને ત્યારબાદ ગ્રુપ ડીસકશન અને ઈન્ટરવ્યુના ધોરણે અપાતું. મેં એ માટેનાં પુસ્તકો ખરીદી વાંચવાનું શરુ કર્યું. બરાબર તે જ અરસામાં આ માટેની જાહેરાત આવી. મેં અરજી કરી દીધી.

ગાડી એક નવા પાટે વળી રહી હતી.

દરમ્યાનમાં 8 ફેબ્રુઆરી 1975ની રાત્રે લગભગ 11.30 વાગ્યે મારે ત્યાં મારા નાના દીકરાનો જન્મ થયો.

આ અમારા પરિવાર માટે અને ખાસ કરીને મારા મા-બાપ તેમજ સાસુ-સસરા માટે અત્યંત આનંદનો પ્રસંગ હતો.

અનિલના પત્નિ ભાનુબહેન તેમજ એના બા એ આ જવાબદારી સંભાળી લીધી અને બીજે દિવસે ડો. વિઠ્ઠલભાઈ પટેલના સૂરસાગરને કિનારે આવેલ પ્રસૂતિગૃહમાં મેં મારા નાના દીકરાનું મોં પ્રથમવાર જોયું.

યોગાનુયોગ મારા મોટા દીકરા સમીરનો જન્મ પણ આજ દવાખાનામાં થયો હતો. ડો. વિઠ્ઠલભાઈ પટેલ સ્વભાવે કડક પણ પોતાના વિષયમાં નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ હતા અને વડોદરાના અગ્રણી ગાયનેકોલોજીસ્ટના લીસ્ટમાં તેમનું નામ હતું.

એ જમાનામાં ટેલીફોન સેવાઓ બહુ પાંખી અને પાંગળી હતી એટલે દવાખાનેથી બહાર નીકળી તાર-ટપાલ ઓફિસમાં જઈ મેં અરજન્ટ ટેલીગ્રામ અમારા બન્ને ઘરે મુક્યો – “સમીર ગેટ્સ એ બ્રધર”.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles