શ્રી સિદ્ધેશ્વર મહાદેવ - બાવાજીની વાડી, સિદ્ધપુર
આજના સિદ્ધપુરમાં જમચકલેથી આગળ વધીએ એટલે પૂર્વ દિશામાં નદી તરફ જવાનો રસ્તો આવે. આ રસ્તે દાખલ થવા માટે જાણે ખાસ એક દરવાજો બનાવ્યો હોય તેવી ડિઝાઇનવાળો કવિશ્રી મનુભાઈ હ. ટાવર આપણને દ્રષ્ટિગોચર થાય. અહીંયાં દાખલ થઈએ એ પહેલાં જમણા હાથે એક લાલબુંદ જેવો માણસ, ગોરોચીટ્ટો, ખમીસ અને લેંઘો પહેરે. માથે ટોપી. હાથની હથેળી અને પગના તળિયા પણ ગુલાબી ગુલાબી દેખાય. કદાચ એ લાલચટ્ટક હતા એટલે એનું નામ પાડનારે લાલુમલ પાડ્યું હશે. આ લાલુમલ ગજબનો કીમિયાગર. એના પેંડા, મલાઈ કુલ્ફી અને દૂધની બીજી બનાવટો જરાય ભેળસેળ વગરની એકદમ જુદી જ ભાત પાડે એવી. આ લાલુમલે સિદ્ધપુરને દૂધની વાનગીઓની જે ભેટ આપી એમાં બે મુખ્ય વાનગીઓ એટલે પેંડા અને લસ્સી. એક નાની હાટડીથી ખૂબ નાના પાયે શરૂ થયેલ એનો ધંધો ભાગ્યદેવીની કૃપા થઈ હશે કે દિવસે ન વધે તે રાત્રે વધવા લાગ્યો અને સમય એવો આવ્યો કે લાલુમલ એક બ્રાન્ડ બની ગયા. જેમ સિદ્ધપુરની ઘણીબધી બાબતો વખણાય તેમ લાલુમલના પેંડા અને લસ્સી પણ વખણાય. બસ, મનુભાઈ હ. ટાવરના દરવાજામાં પેસતા જમણા હાથે એની નાની એક દુકાન. આજે તો એમના દીકરા જેઠાલાલ અને નારીભાઇ બહુ મોટા શેઠ બની ગયા છે. લાલુમલની લસ્સી આજે પણ સિદ્ધપુરની બ્રાન્ડ ગણાય છે. લાલુમલની લસ્સી, છોટાકાકાનું મગદળ, પવનના સમોસા અને મેવારામનો શિખંડ આજે સિદ્ધપુરની ઓળખ બન્યા છે. જ્યારે હું પ્રાથમિક શાળામાં ધીમે ધીમે અભ્યાસમાં પ્રગતિ કરી રહ્યો હતો ત્યારે લાલુમલે કરેલી શરૂઆત એક વટવૃક્ષ બનીને ફાલી છે.
ટાવરમાંથી અંદર ઘૂસ્યા એટલે જમણા હાથે એક જમાનામાં પેઈન્ટર પ્રહલાદની દુકાનની બોલબાલા હતી. થોડા આગળ જઈએ તો જેનો જીર્ણોદ્ધાર કર્યો છે એવું મહાકાળીનું મંદિર ડાબા હાથે આવે. સીધા નદી તરફ આગળ વધતાં જાવ તેમ રસ્તો થોડો ઢોળાવવાળો બનવા માંડે, જેનો અર્થ સિદ્ધપુર ટેકરા ઉપર વસ્યું છે તેવો થાય, જે પુરાણી નગર સંસ્કૃતિમાં સહજ હતું. આ રસ્તે આગળ જતાં ડાબા હાથે એક એવી દુકાન આવે જેણે સિદ્ધપુરના સ્વાદ રસિયાઓને એક જમાનામાં ઘેલું લગાડ્યું હતું. લગભગ દોઢ દાયકા જેટલો સમય એનું આ એકચક્રી શાસન ચાલ્યું. એ દુકાન એટલે લખમણ માસ્તરની દુકાન. લખમણ માસ્તરના ગોટા અને નાના કુલ્લડમાં મળતી ચટણી લઈને જે જમાનામાં નદી વહેતી ત્યારે સ્વાદશોખીનો મસ્તીથી નદીની ધરોમાં બેસીને સરસ્વતીના પાણી ઉપરથી વહી આવતી શીતળ હવાની લહેરખી માણતાં માણતાં લખમણ માસ્તરના ગોટાનો ટેસ લેતા. ફરસાણમાં લખમણ માસ્તરના ગોટા અલ્ટિમેટ ગણાતા. એની ચટણી એ એની અંગત વિશિષ્ટતા હતી. આ લખમણ માસ્તરના ગોટાંની દુકાન સાંજ પડે ને ઘરાકીથી ધમધમી ઉઠતી. શનિ-રવિએ તો ઘરાકોનો રાફડો ફાટતો. લખમણ માસ્તર જેવા ગોટા અને ચટણી બીજે ક્યાંય નહોતા મળતા. ત્યાંથી આગળ વધીએ એટલે ડાઘુઓ જેના ત્યાંથી સીધું-સામાન અને સામગ્રી ખરીદે તે સિદ્ધપુરની મોટામાં મોટી વસંત મોદીની દુકાન જમણી બાજુ આવે. અને થોડાક આગળ વધીએ એટલે તમને એક પુરાણા કિલ્લાના કાંગરા દેખાય. આજે તો એના ખખડધજ દરવાજાની જગ્યાએ સરસ મજાનું બાંધકામ થઈ ગયું છે પણ એ દરવાજાની અંદર દાખલ થઈએ અને જે વિસ્તારમાં આપણે પ્રવેશીએ તેનું નામ બાવાજીની વાડી.
આ વાત આગળ વધારીએ તે પહેલાં ભાઈ જ્યોતીન્દ્ર ભટ્ટ વિષે થોડું જાણી લઈએ. શ્રી કાંતિલાલ જેઠાલાલ ભટ્ટ, ઉપલી શેરી, એક પડછંદ કાયા અને મોટી મૂંછો, લીંબુની ફાડ જેવી આંખો અને કરડાકી ધરાવતો ચહેરો નજર સામે આવે. આમ તો શિક્ષકો માટે એવું કહેવાયું છે કે ‘ઢીલા શાં પોતિયાં અને વિલા શાં મોં, રખેને ભઈ તમે માસ્તર હોવ’ આ વાતને સદંતર ઉખાડીને ફેંકી દે તેવું વ્યક્તિત્વ અને પ્રતિભાના માલિક હોવા છતાં એક સરસ મજાના શિક્ષક એટલે અમારા કાંતિભાઈ ભટ્ટ. ચાણસ્માના સંબંધે એ મારા બાપાને મામા કહેતા અને માને મામી. હું શાળા નં. ૧માં સાતમા ધોરણમાં દાખલ થવા ગયો ત્યારે બાપા તો એમની નોકરીએ પાલનપુર-કંડલા લાઇનમાં ચંદીસર સ્ટેશનમાં સ્ટેશન માસ્તર હતા, પણ મા મને દાખલ કરાવવા લઈ આવેલી અને સ્કૂલમાં દાખલ થઈને માએ મારો હવાલો કાંતિભાઈ ભટ્ટસાહેબને સોંપેલો ત્યારે આમ પરિચિત હોવા છતાં પણ થોડો ડર લાગેલો. જોકે એ તો એક નાનું સ્ટૉપઓવર હતું, છેવટે આ સ્કાયલેબ ‘૭-ક’માં ચીમનભાઈ ખત્રીસાહેબના ક્લાસમાં પડ્યું. એ ‘૭-ક’માં મને મૂકાવવામાં કાંતિભાઈનો અંગત રસ એટલા માટે હતો કે ચીમનભાઈ ખત્રીસાહેબ એક કડક પણ ઉત્તમ શિક્ષક હતા. કાંતિભાઈ ભટ્ટની આ પસંદગી મારા માટે અત્યંત લાભદાયી પણ રહી કારણ કે ચીમનભાઈ ખત્રીસાહેબ પાસે ભણીને મેં હાઈસ્કૂલની સ્કોલરશીપની પરીક્ષા આખા જિલ્લામાં પહેલા નંબરે આવી પસાર કરી. ખત્રીસાહેબ એક ઉત્તમ શિક્ષક હતા. રાધાસ્વામી સંપ્રદાયમાં માને. બાવનીયાવાળા મહારાજ પાસે અવારનવાર જાય. પશુવાદળની પોળમાં દાખલ થઈએ એટલે જમણા હાથે બહુચર માતાના મંદિરના ખાંચામાં કણબીઓના મહાડમાં રહે. રાજપુરની ગામઠી અને કાંઈક ઘરે રહીને ભણતા હોઈએ એવી નિશાળમાંથી જ્યાં બીજા હરીફો પણ હોય એવી નિશાળમાં અને સિદ્ધપુર શહેરના પ્રમાણમાં નવા વાતાવરણમાં શાળા નં. ૧માં ધોરણ ૭માં ગાળેલ એ એક વરસ મને ખૂબ આપી ગયું. આ કાંતિભાઈ ભટ્ટસાહેબના સુપુત્ર ભાઈ જ્યોતીન્દ્ર ભટ્ટ સાહિત્યનો જીવ છે. મા સરસ્વતીની એના પર પણ કૃપા સારી છે. વાણી, વિચાર અને લેખન પર સારો કાબૂ ધરાવતો જ્યોતીન્દ્ર ‘સાહિત્ય સર્જન સિદ્ધપુર’ના નામે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરે છે. કોઇની શ્રદ્ધાંજલી એની કલમે લખાય ત્યારે જાણે કે મૃત વ્યક્તિ અક્ષરદેહે પુનઃ સજીવન થાય છે. ભાઈ જ્યોતીન્દ્ર ભટ્ટની ફેસબુક ઉપરથી સિદ્ધેશ્વર મહાદેવ અને બાવાજીની વાડી અંગેનો એક સરસ મજાનો લેખ મળી આવ્યો. મારા સાથી ધ્રુવ દવેએ મને મોકલાવ્યો છે. આ સહજ ઉપલબ્ધિમાં મને સુધારોવધારો કરવા જેવુ ખાસ લાગતું નથી માટે ભાઈ જ્યોતીન્દ્ર ભટ્ટના ઋણસ્વીકાર સાથે તેનો આ લેખ જેમનો તેમ અહીં રજૂ કરું છું.
સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે ૨૦૦ વરસ જેટલું પ્રાચીન શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું ભવ્ય દેવાલય આવેલું છે. ગાયકવાડ શાસનકાળમાં બનેલા આ મંદિરના બાંધકામની શૈલી મહારાષ્ટ્રીયન છે. આ જગ્યા બાવાજીની વાડી તરીકે ઓળખાય છે. દેવાલયની આજુબાજુ એક મજબૂત કિલ્લો છે.
બસોએક વરસ પૂર્વે સિદ્ધપુરના આ વિસ્તારમાં આક્રાંતાઓનો ખૂબ જ ત્રાસ હતો. તેમની હીણતા દિનપ્રતિદિન વધી રહી હતી. વેપારીઓને ધાકધમકી, નદીએ કપડાં ધોવા જતી નારીઓને માનસિક ત્રાસ અને હિન્દુઓને કનડગત એ નિત્યક્રમ બની ગયો હતો. અગ્નિદાહ માટે લઈ જવાતા હિંદુઓનાં શબને ધર્મચકલાથી નદી તરફ લઈ જઈ શકાતાં નહોતાં, શબને ફરજિયાતપણે બ્રાહ્મણિયા પોળનાં માર્ગેથી નદીએ લઈ જવા પડતાં. સમગ્ર વિસ્તારમાં આક્રાંતાઓની ધાકથી ફફડાટ ફેલાયો હતો. આ ધાક એ હદે પહોંચેલી કે આક્રાંતા ઠીંકરૂ આપે તો રૂપીયો ગણીને વેપારીએ ઘી આપવું પડતું.
આક્રાંતાઓનાં જુલમ અને ત્રાસથી ભયભીત હિંદુઓની વેદના ગાયકવાડ સરકારના શકિતશાળી યોદ્ધા, પ્રબળ બુધ્ધિશકિત અને સામર્થ્ય ધરાવતા એવા વિખ્યાત દિવાન શ્રી બાબાજી આપાજી અને શ્રી રાવજી આપાજીનાં ધ્યાને આવી. તેઓ સિદ્ધપુર ખાતે રૂબરૂ આવ્યા અને આક્રાંતાઓને કડક હાથે ખદેડીને સબક શીખવાડી તેમના પર ધાક ઉભી કરી. ત્યાર બાદ ધર્મચકલો, નદીમાર્ગ, મોક્ષપીપળો, સરસ્વતીનો માધવ ઘાટ સહિત સમગ્ર વિસ્તાર તથા નગરજનો ભયમુક્ત થયાં.
આક્રાંતાઓએ છીનવી લીધેલ બધી જગ્યા ખાલી કરાવી પુષ્કળ દ્રવ્ય ખર્ચી ઉક્ત વિસ્તીર્ણ જગ્યા બાંધવામાં આવી. તેની મધ્યમાં એક ભવ્ય શિવાલય તૈયાર કરાવી તેમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી. શિવાલયના સન્મુખ દેવાલયમાં નન્દીની આકર્ષક મૂર્તિ સ્થાપવામાં આવી છે. બાકીના ભાગમાં ચોતરફ ધર્મશાળા તથા વસવાલાયક મકાનો છે જે ગાયકવાડ સમયમાં કિલ્લામાં આવતા મરાઠી સૈનિકોને રહેવા તેમજ પાઠક-પૂજારી નિવાસ માટે બાંધવામાં આવ્યા હતા. કિલ્લામાં પ્રવેશ માટે ત્રણ પ્રવેશદ્વારોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કિલ્લો બાવાજીની વાડી (બાબાજી શબ્દ અપભ્રંશ થઈ બાવાજી થયો) નામે ઓળખાય છે. આ જગ્યાની રચના અને બાંધણી એટલી બધી સુંદર છે, કે તે તેના કર્તાના ઉદાત્ત આશય અને બુદ્ધિમત્તાનો સહજ ખ્યાલ આપે છે. નરવીર બાબાજીની શૂરવીરતાને વખાણતી લોકોક્તિ ‘બાબાજી તારી બકરી કેરો કોઈ ન પકડે કાન’ તેમણે સ્થાપેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ખયાલ આપે છે.
મંદિરના પૂજારી તરીકે મહારાષ્ટ્રના ખાનદેશમાંથી કુલગુરુઓને બોલાવી તેમની નિમણૂક કરવામાં આવી હતી અને મંદિરની રાજસીપૂજાની જવાબદારી તેઓને સોંપવામાં આવી. સરસ્વતી તટે બાહોશ દિવાન શ્રી બાબાજી આપાજી દ્વારા નિર્મિત આ રાજમંદિરની વિશેષતા એ છે કે તેમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવના નંદી (પોઠિયો)ને મંદિરની બહાર સ્થાન આપવામાં આવ્યું છે. બાબાજીના ઇષ્ટદેવ નંદીશ્વર હોવાથી નંદીનું અલગ મંદિર બનાવવામાં આવ્યું છે. મૂળે આ રાજમંદિર હોઇ નંદી તથા કચ્છ (કાચબો)ને પણ મનોરમ્ય વસ્ત્રાલંકારથી સુશોભિત કરવામાં આવે છે. આજે પણ પૂજારી દ્વારા કરવામાં આવતી સાયંપૂજા અને આરતી દર્શનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે હિમાલયમાં ૧૧૭૫૫ ફટની ઉંચાઈ પર મંદાકિની નદીના કિનારે પાંચેક હજારથી અધિક વરસોથી બિરાજમાન સ્વયંભૂ જ્યોતિર્લિંગ કેદારનાથ મહાદેવના નંદીની મૂતિઁ પણ મંદિરનાં બહારના ભાગે આવેલ છે.
મંદિરની દૈનિક પૂજાવિધિ, નૈવૈદ્ય થાળ વગેરે સંપૂર્ણપણે રાજસી ઠાઠથી થતાં રહે તે માટે દિવાન શ્રી બાબાજી આપાજીએ પોતાની વીરતાથી આપબળે મેળવેલ ગામ મંદિરના નિભાવખર્ચ માટે અર્પણ કર્યા હતા. જેની ઉપજમાંથી નિત્યપ્રતિ મહાદેવની રાજઠાઠથી પૂર્ણ વૈભવથી મહાદેવની પૂજા થતી. સંસ્થામાં રજવાડી વૈભવ રહેતો. આઝાદી બાદ આ ગામો સરકાર હસ્તક ચાલ્યા ગયા બાદ સરકાર દ્વારા સમગ્ર સંકુલની માવજત કરવામાં આવે છે.
એક જમાનામાં આ રાજમંદિરમાં વેદપાઠી ભૂદેવો દ્વારા નિત્ય થતી રાજસી પૂજા તેમજ પ્રદોષપૂજાનાં દર્શન માટે હરહર મહાદેવના નારા સાથેની આરતીમાં ભક્તોની ભીડ જામતી હતી અને બ્રહ્મ ભોજન પણ યોજાતાં હતા. રોજ સવાર-સાંજ મુખ્ય પ્રવેશદ્વારનાં ઉપરનાં માળે ખાસ બનાવેલ ઝરુખામાંથી રાજસી ચોઘડિયાં (શરણાઈ તથા નગારાં) નાં સંગીતની સૂરાવલી સમગ્ર નગરમાં ચારેકોર ગુંજી ઉઠતી. આજે પણ આ ચોઘડિયાંની જગ્યા હયાત છે. ગામનાં ગામધણી ગોવિંદમાધવનાં મંદિર અને નિલકંઠેશ્વર મહાદેવમાં પણ ચોઘડિયાંનાં સૂર રેલાતા. ત્રણેય જગ્યાએ એકસાથે સવાર સાંજ ચોઘડિયાંની ગૂંજ એ વખતના સિદ્ધપુર કસ્બાનાં શાંત વાતાવરણને સંગીતમય બનાવી દેતી.
ગાયકવાડ સમયમાં શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ બાવાજીની વાડીથી બાબાજીના અધિકારીઓ દ્વારા મહાદેવજીની પાલખી લઈને સિદ્ધપુર કસ્બામાં ગ્રામ્યજનોને નિર્ભયપણે શિવરાત્રીનાં વરઘોડામાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવતું. સિદ્ધપુર તથા આસપાસનાં ગ્રામ્ય હિંદુ સમાજના લોકો સામૂહિક એકતાના પ્રતિકરૂપે સવારીનાં રાજમાર્ગની બન્ને બાજુ હારબંધ ગોઠવાઈ જતાં. શિવરાત્રિના દિવસે હરહર મહાદેવના ગગનભેગી નારા વચ્ચે ખુલ્લા પગે ચાલતા પિતાંબરધારી બ્રાહ્મણો સાથે બિંદુસરોવરથી શિવજીની પાલખી સવારી નીકળતી. સવારીની સલામતી માટે મોટામઠનાં નિશાન ડંકા સાથે ઊંટસવાર, ધર્મધજા સાથે મોટા તથા નાના મઠનાં મઠાધીશ મહંતશ્રીના ઘોડેસવાર તથા નજર રાખવા માટે ગાયકવાડ સરકારનાં ગજ (હાથી) સવારીની આગળ પાછળ રહેતા. ત્યારબાદ ગાયકવાડ સરકારનાં ઘોડેસવાર સૈનિકો શિવજીની પાલખીઓની આગળ કતારબંધ ચાલતાં. પાલખીનાં પાછળના ભાગે કપિલમુનિ આદિ શંકરાચાર્ય પીઠના મઠાધીશની બગી રહેતી. ત્યારબાદ નગરશેઠ, મહાજન, સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનાં હોદ્દેદારોની બગીઓ રહેતી. કાળક્રમે આઝાદી બાદ ગાયકવાડ સરકારનું બરોડા સ્ટેટ ભારતમાં વિલિન થયા બાદ સૈનિકોની પરંપરા સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિનાં પરિવારજનોએ આજે પણ જાળવી રાખી છે. તેમની યુવાપેઢી ઘોડેસવારી દ્વારા આજે પણ રાજસી ઠાઠમાઠથી શિવજીની સવારીમાં ભાગ લે છે.
અહીં સાંઈબાબાનું મંદિર, ચંદુ ગુરુ મહારાજની ગાદી તેમજ બીજા ઘણાં નાનામોટા મંદિરો આવેલા છે. વૈશાખ સુદ પાંચમ, શંકરાચાર્ય જયંતિના દિવસે મંદિરનો પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.