Thursday, June 18, 2015
જશભાઈની સાથે આપણી દોસ્તીની દાસ્તાન ધાર્યા કરતાં કંઈક લાંબી ચાલી. હજુ પણ કહી શકું કે જે કંઈ લખાયું છે તે જશભાઈના વ્યક્તિત્વની એક માત્ર ઝલક જ આપે છે. જશભાઈ શંકરભાઈ પટેલ ઉર્ફે જશભાઈ એટીકેટી એ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીએ જે નેતૃત્વમાંથી ગુજરાતને કેટલાક અગ્રગણ્ય વિદ્યાર્થીનેતાઓ આપ્યા તે પેઢીનો એક ભાગ છે. એમ.એસ. યુનિવર્સીટી યુનિયન નેતાગીરીની એક ઝાંખી આપતો નાનો સરખો અહેવાલ લોકસત્તા વડોદરાની 21 ડિસેમ્બર 1991ની આવૃત્તિમાં છપાયો છે. આ નેતાગીરીના કેટલાક તેજસ્વી તારલાની ઝલક આમાંથી મળી રહે છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી યુનિયનમાં સહુ પ્રથમ વાઈસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપપ્રમુખ પદે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલ હતા. ચીમનભાઈની લાક્ષણિક્તા કહો કે પછી પુત્રના લક્ષણ પારણામાં વાળી કહેવત સાથે જોડો. યુનિવર્સીટીમાં સહુ પ્રથમ હડતાળ તેઓએ પાડી હતી. મહાગુજરાતની લડતમાં સી.ડી. અમીન અને મનોહર આચાર્ય જેવા નેતાઓ અગ્રેસર રહ્યા. તત્કાલીન ઉપપ્રમુખ અશોક પરીખે પાંચ રુપિયા ફી વધારા સામે આમરણાંત ઉપવાસ આદર્યા હતા. આમ છતાંય યુનિવર્સીટી સત્તાવાળાઓએ નમતુ નહોતું જોખ્યું અને આ ફી વધારો પાછો નહોતો ખેંચાયો. પરંતુ નરેન્દ્ર તિવારીએ વગર આંદોલને ફીમાં પંદર રુપિયાનો ઘટાડો કરાવ્યો હતો. વડોદરાના જાહેરજીવનમાં પણ ઘણા સમય સુધી સક્રિય રહેલ નરેન્દ્ર તિવારી પોતાની ચૂંટણી કાર્ડ અથવા બેનરનો કોઈપણ પ્રકારનો ખરચ કર્યા વગર લડ્યા અને જીત્યા હતા. તેની સામે એક સમયે આવા જ એક ઉમેદવાર મહેન્દ્ર પટેલે રેડિયો સીલોન પર જાહેરાત આપી પ્રચાર કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમ્યાન સહુ પ્રથમ હિન્દીમાં ભાષણ નરેન્દ્ર તિવારીએ આપ્યું હતું.
વિદ્યાર્થીઓ અને અધ્યાપકો એક થઈને કોઈ આંદોલન લડ્યા હોય તો એ યુનિવર્સીટીની જમીન બચાવવા માટે હતું. કોર્પોરેશન દ્વારા રસ્તો પહોળો કરવા યુનિવર્સીટીની પીસ્તાલીસ ફૂટ જમીન કપાતમાં જતી બચાવવા માટે નરેન્દ્ર તિવારીની આગેવાની હેઠળ આંદોલન કરવામાં આવેલ અને વિદ્યાર્થીશક્તિ તેમજ એકતાના પ્રતિકરુપ જોરદાર વિરોધ કરી કોર્પોરેશન દ્વારા નવી જ બંધાયેલ દિવાલને જમીનદોસ્ત કરી નાંખવામાં આવી હતી. એકબાજુ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ચૂંટણીઓ સારું એવું સંગઠન, પ્રચાર અને ખરચો માંગી લેતી થઈ હતી, જાણે કે લોકશાહીનો મીની ઉત્સવ ઉજવાતો હોય તેવો માહોલ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ચૂંટણીના લગભગ એકાદ બે અઠવાડીયા દરમ્યાન જોવા મળતો. રસ્તાઓ, દિવાલો વિગેરે કલાત્મક લખાણોથી છવાઈ જતી. પોસ્ટર અને બેનરનો જાણે કે રાફડો ફાટતો. ચિત્રવિચિત્ર ટોપીઓ અને વેશભુષામાં મોટરસાયકલ, સ્કુટર અને કેટલાક કિસ્સાઓમાં ખુલ્લી ગાડીઓમાં સરઘસ નીકળતાં અને ફેકલ્ટી રીપ્રેઝન્ટેટીવ એટલે કે એફ.આર.ની ચૂંટણી હોય તો જે તે કોલેજમાં અને જનરલ સેક્રેટરી કે વાઈસ પ્રેસિડેન્ટ માટેનો ઉમેદવાર હોય તો બધી જ કોલેજોમાં ફરતાં. કોઈક કલ્પનાશીલ ઉમેદવાર ક્યારેક ઢોલનગારાં કે શરણાઈ અથવા બેન્ડ પણ લઈ આવતો. ક્યાંક ક્યાંક વળી તે સમયે અતિપ્રચલિત “કમસપ્ટેબર” પિક્ચરની અતિ લોકપ્રિય ધૂન પર નૃત્યની તો ક્યાંક દેશી પોષાકમાં દાંડિયારાસની રમઝટ જામતી. ઉમેદવાર ચાલુ ક્લાસે આવીને પાંચ મિનિટ માટે પોતાનું વક્તવ્ય આપવા દેવા વિનંતી કરતો અને સામાન્ય સંજોગોમાં પ્રોફેસરો પણ ખેલદિલીપૂર્વક એ સમય આપતા. આમાં ક્યારેક વક્તાથી ઈમ્પ્રેશન બનતી તો ક્યારેક એ બોલવામાં લોચા મારે તો બગડતી પણ ખરી. જો કે સરવાળે તો જેનું મિત્રવર્તુળ મોટું અને નાણાંકોથળી છુટી મુકવાની તાકાત વધારે તે મેદાન મારી જતો. જો કે જશભાઈ જેવા અજાતશત્રુને માટે આ અપવાદરુપ હતું. જશભાઈ મૂળ ખાખીબાવા જેવો માણસ અને ચુસ્ત સિદ્ધાંતવાદી એટલે આવા કોઈ ખરચા કરે નહીં પણ “જશભાઈ નામ હી કાફી હૈ”. જશભાઈ ચૂંટણીમાં ઉભા રહે એટલે ચૂંટાઈ જ આવે. આ એમની લોકપ્રિયતાને કારણે હતું કે વિદ્યાર્થીઓના પ્રશ્ને જરુર પડે ઝઝૂમવાની ક્ષમતાને કારણે હતું તે હું હજુ આજે પણ સમજી શક્યો નથી. પણ જશભાઈ એટલે જશભાઈ. એ બધાનો હિરો હતા.
આજ રીતે સાયકલ ઉપર ફરી કોઈપણ પ્રકારના કાર્ડ કે બનર વગર ચૂંટણી લડીને જીતનાર એવો જ એક ઝૂંઝારુ વિદ્યાર્થીનેતા નરેન્દ્ર તિવારી હતા. સદાબહાર જશભાઈ વાઈસ પ્રેસિડેન્ટ જેવા હોદ્દા ઉપર બિનહરીફ ચૂંટાનાર એકમાત્ર વિદ્યાર્થી આગેવાન હતા એ ઉપરથી જશભાઈની લોકપ્રિયતાનો અથવા વિદ્યાર્થી જગતમાં તેમના તરફી પ્રબળ લોકલાગણીનો ખ્યાલ આવી શકે છે. ફરી એકવાર કહેવું પડે જશભાઈ એટલે જશભાઈ !
સદાબહાર અભિનેતા દેવાનંદનો સૂર્ય જ્યારે મધ્યાહને તપતો હતો ત્યારે દેવાનંદના ડાયલોગ, કપડાંની સ્ટાઈલ અને ખાસ તો એની પહેચાન બની ગયેલ કેપ પહેરી, દેવાનંદની હેર સ્ટાઈલ અને અદાઓની આબેહૂબ નકલ કરી ડી.એ. બારોટ ચૂંટણીનો જંગ જીત્યા હતા. એ જમાનો હતો જ્યારે દેવાનંદે લાખો સિનેરસિકો તથા યુવાન યુવતીઓને ઘેલુ લગાડ્યું હતું. બરાબર તે સમયે એમની આબેહૂબ નકલ કરનાર આ નકલી દેવાનંદને સાંભળવા માટે એ જ્યાં જાય ત્યાં યુનિવર્સીટીનાં યુવક યુવતીઓનાં ટોળાં ઉમટતાં હતાં. સ્વાભાવિક છે એનું પરિણામ ડી.એ. બારોટને વિજયી બનાવવામાં આવ્યું. બારોટની નકલ કરવાની ક્ષમતા એટલી અદભૂત હતી કે કદાચ સાચેસાચ દેવાનંદ સ્વયં ત્યાં આવ્યા હોત તો એ પણ ઝાંખા પડી જાત. ખેર, એમની ચાહનાએ બારોટને વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી જીતાડી આપી. ફિલ્મ અભિનેતાઓનો દૂર બેઠાં બેઠાં પણ પોતાના ચાહકો પર કેટલો પ્રભાવ હોય છે એના અનેક ઉદાહરણોમાંનું આ એક રસપ્રદ ઉદાહરણ છે. આ ચૂંટણી પ્રચારમાં કેટલાકને હોમ સાયન્સ ફેકલ્ટી જેવી વિદ્યાર્થીનીઓની કોલેજમાં પણ વીપી અથવા જીએસના ઉમેદવારો સાથે પ્રચારમાં જવામાં ખાસ રસ રહેતો કારણ કે આ એકમાત્ર પ્રસંગ એવો હતો જ્યારે હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓના ક્લાસમાં જઈ શકાય. કારણ ગમે તે હોય પણ એવી પણ એક માન્યતા દ્રઢ બની હતી કે હોમ સાયન્સની વિદ્યાર્થીનીઓ સામાન્ય રીતે ટેકનોલોજી ફેકલ્ટીના ઉમેદવારને વધુ ટેકો આપતી. આમ તો આ બન્ને એક્સક્લુઝીવ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીનીઓ માટેની કોલેજો હતી એટલે બન્નેના કેમ્પસમાં પ્રતિપક્ષ ભાગ્યે જ જોવા મળતો. લગભગ એંશીના દાયકા સુધી ફેકલ્ટી ઓફ એન્જિનિયરીગમાં એવી પરિસ્થિતિ હતી કે કોઈ રડીખડી વિદ્યાર્થીની જોવા મળે. ત્યારબાદ જો કે પરિસ્થિતિએ મોટો વળાંગ લીધો છે અને આજે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ પણ દાખલ થાય છે. ટૂંકમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગે વરસો સુધી જાળવી રાખેલો ખિતાબ “બજરંગ ફેકલ્ટી” છીનવાઈ ગયો છે. આવી જ પરિસ્થિતિ પોલીટેકનીકની છે. મોટાભાગે વાઈસ પ્રેસિડેન્ટ કે જનરલ સેક્રેટરીમાં ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થીઓનો ગજ નહોતો વાગતો. આ સામે પોલિટેકનીકના વિદ્યાર્થી નિલેશ શુકલાએ વાઈસ પ્રેસિડેન્ટ (વીપી) તથા જનરલ સેક્રેટરી (જીએસ) એમ બન્ને પોસ્ટ પર ચૂંટાઈ આવવાનો રેકોર્ડ કર્યો હતો. આ નિલેશ શુક્લા વિદ્યાર્થીનેતામાંથી સેનેટમાં પ્રતિનિધિત્વ કરનાર પહેલી વ્યક્તિ હતા. સામાન્ય રીતે જીએસ અને વીપીની ચૂંટણી વ્યક્તિગત ધોરણે લડાતી. આ શિરસ્તાને તોડવાનું શ્રેય પણ નિલેશ શુક્લાને ફાળે જાય છે. ઓફીશીયલી જીએસવીપીની પેનલ બનાવી બેનરો વિગેરેમાં સાથે પ્રચાર કરી ચૂંટણી જીતનાર નિલેશ શુક્લા અને હેક્ટર પટેલ હતા. તે પણ એક રેકોર્ડ છે. આજ રીતે ડિપ્લોમાનો વિદ્યાર્થી સારી મેરીટ સાથે પાસ થાય તો ડિગ્રી કોર્સ કરી શકે તેવો સુધારો નિલેશ શુક્લાએ કરાવ્યો હતો. આજ રીતે ધો. 10 તેમજ ધો. 12 બાદ ડિપ્લોમામાં પ્રવેશ મળે તેવી “ટ્રાયલ બેઝ” પદ્ધતિ પણ નિલેશ શુક્લાએ કરાવી હતી. ત્યારસુધી વિદ્યાર્થી યુનિવર્સીટીમાં પ્રવેશ કરે અને ચૂંટણી લડે કે તરત જ પેનલ બનાવનારના આધિપત્યમાં આવી જતા. આ પેનલ સિસ્ટિમ અત્યંત મશહૂર હતી અને નંદુ પરદેશી, મામા, ભથ્થુ, મનસુરી, કોકો આ પ્રકારની પેનલ બનાવવા માટે જાણીતા હતા. આ સામે જોરદાર લડત આપીને નિલેશ શુક્લાએ પેનલ પ્રથા બંધ કરાવી. આગળ જતાં પ્રકાશ બ્રહ્મભટ્ટ ઉર્ફે “કોકો” જનતા સરકારના જુવાળ વખતે વડોદરામાંથી સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. એક સમયે યુનિવર્સીટીમાં એફ.વાય.બી.કોમ.માં પ્રવેશ માટે પંચાવન ટકાની કટઓફ મેરીટ હતી. આ કારણથી સ્થાનિક વડોદરા અને આજુબાજુના વિદ્યાર્થીઓને કાંતો પ્રવેશથી વંચિત રહેવું પડતું અથવા બહાર પ્રવેશ લેવો પડતો જેથી અસુવિધા તેમજ ખરચ બન્ને વધતાં. એક સમયે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી સ્થાનિક જરુરિયાતોને લક્ષમાં લઈને સ્થપાયેલી ત્યારે આ પ્રકારની મુશ્કેલી ઉભી થતાં વિદ્યાર્થીનેતા સતિષ દેસાઈએ આંદોલન ચલાવ્યું અને પીસ્તાલીસ ટકા સુધી વડોદરા તથા પાંત્રીસ ટકા સુધી પાદરામાં પ્રવેશ મળે એવી વ્યવસ્થા થઈ. આમ સ્થાનિક વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી નિવારાઈ. તા. 4.10.1993ના ચિત્રલેખા સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયેલ એક લેખમાં આજની વિદ્યાર્થી નેતાગીરી વિશે પોતાનો અભિપ્રાય આપતાં નિલેશ શુકલે કહ્યું હતું કે “આજના વિદ્યાર્થીનેતાઓ પાસે વિદ્યાર્થીઓના કલ્યાણને સ્પર્શતા મુદ્દાઓ જ નથી. બધું હઈશો હઈશો ચાલે છે.”
આજે આટલેથી અટકીએ. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની એક આગવી છાપ છે. વિખ્યાત ક્રિકેટરોથી માંડી અર્થશાસ્ત્રીઓ, ઈજનેરો, સ્થાપત્ય અને કલાવિદો, ન્યાયવિદ તેમજ ધારાશાસ્ત્રીઓ, ડોક્ટરો, શિલ્પકાર અને ચિત્રકારો વિગેરે અનેક દેશ અને વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત વિદ્યાર્થીઓ આ યુનિવર્સીટીમાંથી આવ્યા છે. આવતા લેખમાં આ અંગે કેટલીક વાતો કરી જશભાઈ સાથે જોડાયેલ આ લેખ સંપૂટની પૂર્ણાહૂતિ કરીશું.