લૉબીમાં મોચીઈઈઈ.... મોચીઈઈઈ.... એમ દબાયેલા પણ લયબદ્ધ સ્વરે અવાજ આવે એટલે માની લેવાનું કે, જોડાંના ડૉક્ટર પધાર્યા છે. જેને પૉલિશ કરાવવી હોય એ પૉલિશ માટે જોડાં આપે. ભાવ નક્કી પચ્ચીસ પૈસા. ક્રીમ સાથે પૉલિશ કરાવવી હોય તો પચાસ પૈસા. આમાં ભાવ-તાલ નક્કી કરવાનો કોઈ જ અવકાશ નહીં. તે સમય પૂરતાં મોચી તમારા જોડાં તમારી રૂમની બહાર મૂકી દે. રાઉન્ડ પૂરો થઈ જાય એટલે એ બધા જોડાં ભેગા કરી અને લઈ જાય. આ જોડાં પૉલિશ કરાવવાની પ્રથા મોટેભાગે અતિ શ્રીમંત અથવા જેમનો હાથ છૂટો હોય એ લોકો પૂરતી જ મર્યાદિત હતી. બાકી મોટાભાગના બૂટપૉલિશની ડબ્બી રાખે અને બ્રશથી જાતે જ પૉલિશ કરી લે. મોચી પાસે પૉલિશ કરાવવામાં પૈસા ખરચવાનું પોસાય નહીં, પણ જ્યારે કોઈ જોડું ઈજાગ્રસ્ત થાય અને એને નાની-મોટી પાટાપીંડી અથવા ઓપરેશન કરવાનો વખત આવે ત્યારે આ કામ મોચી સિવાય કોઈથી થાય નહીં. મોચી પણ આ બરાબર જાણે. અમારો ધોબી પ્રમાણમાં સરળ અને સીધો હતો, પણ મોચી તો ખતરનાક હતો. ઘરાકને ઓળખવાની અને અનૂકૂળતાએ એને વેતરી નાંખવાની અદભૂત ક્ષમતા એનામાં હતી. નાનીયો ધોબી લાગણીશીલ પ્રાણી હતું અને એને મન પૈસા કરતા સંબંધ મહત્વનો હતો. નાનીયો લાગણીશીલ પ્રાણી હતો. મોચી સંપૂર્ણપણે ધંધાદારી માણસ હતો. બોલવાના પૈસા પડતા હોય તેમ કામ વગરનું બોલે પણ નહીં. જો કે, એની અમને બાટલીમાં ઉતારવાની આવડત અદભૂત હતી. જોડું રીપેર કરવાનું થાય અને સહેજ જ ડેમેજ થયું છે તેવું લાગે ત્યારે પેલા થોડી વાર તો એ જોડું હાથમાં લઈ ચારે તરફથી એનું બરાબર અવલોકન કરે. જિંદગીમાં જાણે કોઈ દિવસ જોડું જોયું જ ન હોય તેવા હાવભાવ એ વખતે એના મ્હોંઢા પર દેખાય. પછી એ એની વારતા શરૂ કરે.
“સર, યે સૉલ ભી ગયા હૈ. ઉપર કા ચમડાં અચ્છા હૈ. થોડા સૉલ ફીર સે રીપેર કર લે. પૂરા શૂઝ નયા હો જાયેગા.” આ વાતચીતની શરૂઆત થાય એટલે સમજવાનું કે બાટલીનું ઢાંકણું ખૂલી ગયું છે.
એ વાત આગળ ચલાવે – “કર દે સર ?” તમે જો ન પૂછો તો બાટલીમાં ઉતરી ગયા સમજી લેવાનું.
તમે જો થોડા વધુ ચીવટવાળા હોવ તો વાત આગળ ચાલે.
તમે પૂછો – “ભૈયા ક્યા હોગા ?”
જવાબ મોંઘામાં મળે – “જો વાજબી હોગા સો લેંગે સા’બ. કોઈ રાજપાઠ થોડા લે લેંગે.”
એટલે તમે થોડા દબાવો અને પેલી ખોટો સ્ટેટસનો ભ્રમ તમારો કબજો લઈ લે તો આ બીજા બોલે ક્લિનબૉલ્ડ.
તમે થોડા વધુ ચીવટવાળા હોવ તો પૂછો – “રાજપાઠ કી કહાઁ બાત હૈ ? હમ રાજમહલ મેં થોડે રહેતે હૈ. યે તો હૉસ્ટેલ હૈ. ઘર હિસાબ દેના હોતા હૈ.”
એટલે વળી પાછો એ તમને જવાબ આપે – “સર, બોલાના વાજબી લેંગે. જો સબસે લેતે હે, આપસે લેંગે”
પણ હજુયે એ ભાવ ન કહે.
એને તમે નવા છો એ ખ્યાલ હોય એટલે આ બધું નાટક ચાલે.
આટલે સુધી પણ તમે ન પીગળો તો એ હળવે રહીને ઉગાડ કાઢે.
“સા’બ એક સૉલ કા પચ્ચાસ પૈસા ઔર જો કીલ્લી લગેગી ઉસકા એક કીલ્લી કા પાંચ પૈસા.”
આ બિહારી ખીલ્લીને ખીલ્લી ન બોલે પણ “કીલ્લી” બોલે.
અહીં તમે માની લો કે, ભાવ-તાલ પૂરા થઈ ગયા તો મર્યા સમજી લેજો.
કારણ કે, એ ઉદારતાપૂર્વક ખીલ્લી વાપરે અને બે સૉલમાં થઈ એ ચાળીસથી પચાસ ખીલ્લી ઠબકારી દે.
સરવાળે જે જમાનામાં બૂટ પાંચ રૂપિયાથી સાત રૂપિયાના આવતા તે જમાનામાં આ સૉલ લગાવવાનો ખરચો ખાસ્સો ત્રણ રૂપિયા થાય.
થઈ ગઈ ને કલઈ ?
હૉસ્ટેલ લાઈફની શરૂઆતમાં દરેક જગ્યાએ તમને સર કહેનાર કોઈક ને કોઈક રીતે ભાવમાં તમારો છોલ પાડતો હોય છે. જો તમને એ સમજણ ન પડે કે આપણે અહીંયા આ ધોબી, મોચી, ચા-વાળો, કેન્ટીનવાળો, મેસનો નોકર આ બધા પાસે આપણાં કૉન્ફિડેન્શિયલ રિપોર્ટ લખાવવા અથવા ચારિત્ર્ય સર્ટિફિકેટ લેવા નથી આવ્યા તો એ બધા આરામથી તમારી હજામત કરવાનું ચાલુ રાખે. પૈસા પણ જાય અને મૂરખ પણ થઈએ.
“છાશમાં માખણ જાય અને બાઈ ફૂવડ કહેવાય !”
આગળ જતાં એલેમ્બિકના બ્રાન્ડ મેનેજર અંબાલાલ શાહ અમને જ્યારે પ્રાઈસિંગ એટલે કે ભાવ કઈ રીતે કહેવો કે નક્કી કરવો તે વિષય માર્કેટિંગ મેનેજમેન્ટના ભાગરૂપે ભણાવતા ત્યારે એક સરસ મજાનું ઉદાહરણ ગ્રાહકને ભાવ કઈ રીતે કહેવાય તે માટે આપતા.
વારતા કાંઈક આમ હતી.
ચશ્માની દુકાનવાળો એના દીકરાને ગ્રાહક પાસેથી ભાવ કઈ રીતે લેવાય તે સમજાવે છે.
તે કહે છે કે, “જો દીકરા ગ્રાહકને ચશ્મા ગમ્યા છે એવું એના ચહેરા પરથી લાગે અને ભાવ પૂછે તો થોડો ઊંચો ભાવ જ કહેવાય. દા.ત. સિત્તેર રૂપિયા.”
આ ભાવ સાંભળીને ગ્રાહકના ચહેરા પર કોઈ અસર ન દેખાય તો હળવેથી કહેવાનું –
“એકલી ફ્રેમના. કાચના જૂદા”
એ કાચના ભાવ પૂછે એટલે કહેવાય –
“ચાળીસ રૂપિયા”
હજુ પણ એના ચહેરા પર કોઈ તકલીફનો ભાવ ન દેખાય તો હળવેથી કહેવાનું –
“એક કાચના”
આમ, ફ્રેમના જૂદા પછી એક કાચનો ભાવ પછી બીજા કાચનો ભાવ એમ કરતા કરતા વધારેમાં વધારે પૈસા ગ્રાહક પાસેથી માલ ગમ્યો હોય તો લઈ શકાય. અમારો મોચી આ જ થીયરીને અંબાલાલ શાહ પાસે ભણ્યા વગર પચાવી ગયો હતો.
ધીરે ધીરે અમે સમજતા ગયા કે, આમાં આ ભાવોમાં ત્રણસો ટકા માર્જિન રહેતું. જે સૉલ એ ત્રણ રૂપિયામાં નાખી આપતો એ સિનિયર વિદ્યાર્થી “અબે સાલે મારેગા જૂતા માથે પે. સૉલ લગાના હૈ, કોઈ સોને સે નહીં જડના હૈ, ચલ ભાગ. એક રૂપિયા દે દૂંગા ઔર હા, સાથ મેં પૉલિશ ભી કરકે આના નહીં તો બેંડ બજા દૂંગા.”
એ જ મોચી, એ જ જોડાં, એ જ કામ અને તમે સિનિયર થાવ એટલે દાદાગીરીથી કદાચ વ્યાજબી ભાવથીયે થોડા ઓછા ભાવે કામ કરાવી શકાય. કારણ કે મોચીએ હૉસ્ટેલમાં આવવાનું હતું.
આને કહેવાય બળિયાના બે ભાગ.
અમારા મોચી પાસેથી જે શીખવાનું હતું તે આ હતું -
“ખોટી મોટાઈમાં તણાવવું નહીં. પૈસા આપણા છે. બાપાની ખરા પરસેવાની કમાણીના પૈસા છે અને એટલે એકે એક પઈ પૈસો સમજીને વાપરવો જોઈએ. કોઈ ટીપ આપવાથી આપણને સલામ કરે તેનાથી મોટા થઈ જવાતું નથી.”
હૉસ્ટેલની જિંદગીમાં રહેતા રહેતા આ બધું શીખી જવાય છે.
તમને નેકીના રસ્તે ચાલનાર નાનીયો પણ મળે છે
અને....
સમય અનુસાર વધેરી નાખનાર મોચી પણ મળે છે
બંને પાસેથી ઘણું બધું શીખવાનું છે
હૉસ્ટેલની જિંદગી ટૂથપેસ્ટ અને ટૂથબ્રશની ખરીદીથી માંડી
બૂટપૉલિશ અને કપડાંની ધૂલાઈ
ઈડલી-સંભાર અને મસાલાઢોંસાથી માંડી
કોકાકોલા અને સોસીયો
મેસની કેન્ટીનમાં મળતા નાસ્તાથી માંડીને
હૉસ્ટેલના મેસમાં ચેન્જ અને ફીસ્ટની જાફત
પૈસાની કિંમત સમજતાં અને સમજીને પૈસો વાપરતા
હૉસ્ટેલની જિંદગી જો તમે મધ્યમવર્ગ અથવા
ઓછી આવકવાળા કુટુંબમાંથી આવતા હોય તો
બે છેડા ભેગા કરવા થતી મથામણમાં ઘણું બધું શીખવી જાય છે.
જો તમને પૈસાની બાબતમાં આવી કોઈ તકલીફ નથી તો પછી
તમે...
“બી.પી.એલ.” માં આવો છો.
“બી.પી.એલ.” એટલે “BELOW POVERTY LINE” નહીં,
પણ...
“બાપાના પૈસે લહેર”.