ભગવાન જગન્નાથજીની તા. ૪થી જુલાઇના રોજ અમદાવાદમાં નીકળનાર ૧૪૨મી રથયાત્રાને લગતી અત્યંત રોચક અને રસપ્રદ માહિતી
જય જગન્નાથ
તારીખ ચોથી જુલાઈના રોજ ૧૪૨મી વાર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે અમદાવાદમાં નગરયાત્રાએ નીકળશે. આ પ્રસંગને આપણે રથયાત્રા કરીએ છીએ. ઓરિસ્સામાં જગન્નાથપુરી ખાતે અને અમદાવાદમાં નીકળતી રથયાત્રા સમગ્ર દેશ નહીં પણ વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. આમ તો ઇસ્કોન દ્વારા પણ ભારત અને વિશ્વમાં રથયાત્રા કાઢવામાં આવે છે પણ એ બધી રથયાત્રાઓ પુરી કે અમદાવાદની રથયાત્રાની સરખામણીમાં માત્ર પ્રતીકાત્મક પ્રયોગ છે એમ કહેવું જરાય ખોટું નથી.
આ રથયાત્રા શું છે? અને એના વિવિધ પાસાંને આવરી લેતી માહિતી શું છે? તે પ્રશ્ન-ઉત્તર રૂપે સંકલિત કરી અહીં મૂકી છે. અમદાવાદમાં રહેતા હોય તો પણ આમાંની ઘણી બધી માહિતી ખ્યાલમાં ન હોય તેવું બની શકે. આ માહિતી આધારિત એક વીડિયો પણ ટૂંક સમયમાં જ મારી https://www.youtube.com/c/jaynarayanvyasofficialની યુટ્યુબ ચેનલ પર મૂકીશ.
આપની કોમેન્ટ્સ અને સૂચનો આવકાર્ય છે.
* * *
(૧) રથયાત્રાના તહેવારનું મહત્વ શું છે? રથયાત્રા ઉત્સવનો પ્રારંભ સૌ પ્રથમ ક્યારે થયો? આ મહત્વ સાથે સંકળાયેલ પૌરાણિક કથા શું છે?
રથયાત્રા સૌ પ્રથમ ૧૮૭૮માં શરૂ કરાયેલી, જે આજે અમદાવાદની ઓળખ બની ગઇ છે. નિજ મંદિરમાંથી અષાઢી બીજે નીકળતી આ રથયાત્રામાં જોડાઇ શ્રધ્ધાળુઓ પોતાની જાતને ધન્ય માને છે. આ દિવસે સમગ્ર શહેર જય રણછોડ... માખણ ચોર... સહિતના નાદથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં રંગાઇ જાય છે. અંદાજે પાંચસો વરસ અગાઉ હનુમાન ભક્ત એવા એક સાધુ મહાત્મા અહીં એક ઝુંપડી બનાવી પ્રભુ ભક્તિ કરી રહ્યા હતા. એક દિવસે તેઓ સાબરમતી નદીના પટ ઉપર વિહરી રહ્યા હતા ત્યારે કેટલાક ડાઘુઓ રોકકળ કરતા કરતા આવી રહ્યા હતા. આ લોકોનો વિલાપ જોઇ તેમનું હ્રદય પણ દ્રવી ઉઠ્યું, તેમણે પૃચ્છા કરતાં નવયુવાનનું મોત થયાનું જાણવા મળ્યું. મૃતક યુવાનના સ્નેહીજનોને સાંત્વના આપતાં મહાત્માએ કેટલાક મંત્રોચ્ચાર કર્યા અને યુવાન ઉપર પાણીનો છંટકાવ કર્યો અને તેઓ પોતાની ઝુંપડીમાં ચાલ્યા ગયા.
તેમના ગયાના થોડાક સમયબાદ યુવાન જાણે કે ઊંઘમાંથી આળસ મરડી ઊભો થયો. આ ચમત્કાર જોઇ સૌ કોઇ ચોંકી ગયા અને મહાત્માના ચરણોમાં જઇ પ્રણામ કર્યા. ગામલોકોનો ભાવ જોઇ સાધુએ અહી હનુમાનજીનુ નાનકડું મંદિર બનાવ્યું. સમય જતાં તેમના શિષ્ય સારંગદાસજીએ પણ પોતાના ગુરૂની જેમ જ લોકોમાં અનોખી ચાહના મેળવી.
એક દિવસે મહંત નરસિંહદાસજીને ભગવાન જગન્નાથજીનું સ્વપ્ન આવ્યું, જેમાં ભગવાને એવો ઇશારો કર્યો કે, અહીં ભાઇ બળદેવ તથા બહેન સુભદ્રા સાથે મારું મંદિર બનાવો. આ વાત ગામ લોકો સમક્ષ કરતાં સૌએ તૈયારી દર્શાવી અને પુરીના ભગવાન જગન્નાથની અમદાવાદમાં પધરામણી થઇ ત્યાર પછી તો આ વિસ્તારની ભવ્યતામાં ચાર ચાંદ લાગ્યા.
(૨) ભારતમાં રથયાત્રા ક્યાં ક્યાં નીકળે છે? ભારત બહાર પણ રથયાત્રા ક્યાં ક્યાં નીકળે છે?
ભારતમાં રથયાત્રા જગન્નાથપૂરી, ઓરિસ્સા ખાતે જ્યારે અમદાવાદમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળે છે. આ ઉપરાત ઇસ્કોન દ્વારા અમદાવાદમાં તેમજ વડોદરામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે. ગુજરાતનાં અન્ય શહેરો તેમજ નાના નગરોમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે.
ભારતની બહાર છેલ્લાં ચાર દાયકાથી રથયાત્રાઓનું આયોજન થાય છે જેનો શ્રેય ઇસ્કોનનાં સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને જાય છે. અમેરિકાનાં લૉસ એન્જેલિસ, ન્યુ યોર્ક, સાન ડિયેગો, સાન ફ્રાંસિસ્કો વગેરે શહેરો ઉપરાંત ઇંગ્લેંડનાં લંડન, બર્મિંગહામ, કોવેન્ટ્રી, બ્રાઇટન, વગેરે શહેરો તથા પેરિસ, ટોરેન્ટો, બુડાપેસ્ટ વગેરે અનેક શહેરોમાં ઇસ્કોન દ્વારા જુન-જુલાઇ મહિનામાં રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રાઓ પાશ્ચાત્ય દેશોની પ્રણાલીને અનુસરતા તથા ત્યાંના કાયદાઓનું પાલન કરતા મોટેભાગે શનિવારે કે રવિવારે યોજવામાં આવે છે.
(૩) અષાઢી બીજને દિવસે વિશાળ અને લાંબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા જગન્નાથ મંદિરની સ્થાપના ક્યારે થઈ અને એની મહત્તા શું છે?
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા આ અદભૂત મંદિરનો ઇતિહાસ પણ અનોખો અને દિવ્ય શક્તિથી ભરેલો છે. અંદાજે પાંચસો વરસ અગાઉ જગન્નાથ મંદિરની સ્થાપના થઈ હશે.
આપણે અગાઉ જે વાત કરી ગયા તે મુજબ મૃત યુવાનને જીવતો કરનાર હનુમાન ભક્ત સાધુને લોકો ચરણે પડી અહીં જ રોકાઈ જવા આગ્રહ કર્યો અને ત્યાં હનુમાનજીનુ નાનકડું મંદિર પણ બનાવ્યું. સમય જતાં તેમના શિષ્ય સારંગદાસજીએ પણ પોતાના ગુરૂની જેમ જ લોકોમાં અનોખી ચાહના મેળવી અને આ વિસ્તારમાં દૂધની સમસ્યાના નિવારણ માટે ગૌ શાળા શરૂ કરી. ત્યારબાદ આવેલા નરસિંહદાસજી મહારાજ પણ સાદગીની મૂર્તિ હતા. આજનું અમદાવાદનું જગન્નાથ મંદિર એ આ મહંત નરસિંહદાસજી મહારાજને આભારી છે.
(૪) અમદાવાદમાં છેલ્લાં કેટલા વરસથી રથયાત્રા નીકળે છે અને તારીખ ૪ જુલાઇ ૨૦૧૯ના રોજ નિકળનાર રથયાત્રા કેટલામી છે?
રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. અષાઢી બીજના દિવસે નીકળતી વિશાળ અને લાંબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરની મહત્તા ઘણી છે. જમાલપુરમાં આવેલ આ મંદિરની સ્થાપના લગભગ પાંચસો વરસ પહેલાં સાધુશ્રી સારંગદાસજી દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદમાં ૧૮૭૮માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરાવી હતી. ધર્મના વિશાળ વડલા તરીકે દીપી રહેલા આ મંદિરમાં ધાર્મિકતાની સાથેસાથે સામાજિક પ્રવૃતિઓ પણ વિકસી રહી છે. તારીખ ૪ જુલાઇ ૨૦૧૯ના રોજ નિકળનાર રથયાત્રા ૧૪૨મી રથયાત્રા છે.
(૫) રથયાત્રા પહેલા જળ યાત્રા કેમ કાઢવામાં આવે છે?
ભગવાન જગન્નાથજીની જળ યાત્રા કેમ થાય છે તે સાથે એક પ્રસંગ જોડાયેલો છે. ગુજરાતમાં ગણપતિ નામનો એક ગણેશ ભક્ત રહેતો હતો અને તે બે મહિના પગપાળા ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીનાં બદલે જગન્નાથજીનાં દર્શન થતા તેને લાગ્યું કે આ ભગવાન ના હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે "જયેષ્ઠાભીષેક" થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. આ ‘જયેષ્ઠાભીષેક’ની પરંપરા જગન્નાથજી મંદિરમાં વર્ષોથી ચાલતી આવી છે. શ્રૃંગાર કરેલા હાથીઓની સાથે બેન્ડવાજા ભજનમંડળી અને મોટી સંખ્યામાં ધજાપતાકા લઈને શ્રદ્ધાળુઓ જોડાય છે. શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચ્યા બાદ ગંગાપૂજન કરવામાં આવે છે. ગંગા પૂજન બાદ ૧૦૮ કળશમાં જળ ભરવામાં આવે છે. નિજ મંદિરે આવ્યા બાદ સવારે ૧૦ વાગ્યે વિધિવત મહાજળાભિષેક કરવામાં આવે છે. ભગવાનનું ષોડશોપચાર પૂજન થયા બાદ તેઓ પોતાના મોસાળ સરસપુર પ્રયાણ કરે છે.
(૬) ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ શું હોય છે?
ભગવાન પંદર દિવસ પોતાના મોસાળ રહીને આવ્યાં હોય છે જ્યાં તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ આરોગ્યા હોય છે, જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. માટે મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે.
ભગવાન જગન્નાથજી પંદર દિવસ સરસરપુર સ્થિત રણછોડજી મંદિર - મામાને ઘેર રોકાયા હતા. મામાને ઘેરથી ભગવાન નિજ મંદિર પરત ફરે છે. એકાદશીએ શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાય છે. ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે ૪ વાગ્યે ખોલવામાં આવે છે, ત્યાર પછી મંગળા આરતી થાય છે. મામાને ઘેરથી પંદર દિવસ પછી ભગવાન આવ્યા હોવાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જગન્નાથજીના મંદિરમાં ઉમટી પડે છે અને ભગવાનનો સોનાવેશમાં દર્શન કરીને ભક્તો ભાવવિભોર થઈ જાય છે.
(૭) રથયાત્રા ભાઈબહેનના પ્રેમના ઉત્સવ તરીકે કેમ ઉજવાય છે?
ભાઈબહેનના અનોખા પ્રેમનો મહિમા કરતી અને બહેનને લાડ લડાવવા ભગવાન જેવા ભગવાન પણ ઉત્સુક રહેતાં હતાં તેવો બોધ કરાવતી જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગરદર્શનની ઇચ્છા જણાવી. શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગઅલગ રથ પર સવાર થઈ ગયાં. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈબહેન નગરયાત્રા પર નીકળી પડયાં. સુભદ્રાજીની નગરયાત્રાની ઇચ્છાની સ્મૃતિમાં જગન્નાથ પુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે.
(૮) રથયાત્રા શરૂ થતાં પહેલાં થતી પહિંદ વિધિ શું છે?
રથયાત્રા સાથે જોડાયેલી એક રસપ્રદ વિધિ છે જેને પહિંદ વિધિ કહેવાય છે, જેમાં રાજ્યનો રાજા રથયાત્રાને સ્થાને આવે છે અને રથયાત્રા શરૂ થતાં પહેલાં રાજાધીરાજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો અમુક અંતર સુધીનો માર્ગ સોનાની સાવરણીથી ચોખ્ખો કરે છે. આ વિધિમાં રાજ્યનો રાજા પોતાને ભગવાનનો સેવક માની આ પરંપરાને નિભાવે છે જે પહિંદ વિધિ તરીકે ઓળખાય છે. આ પહિંદ વિધિ દર વખતે રાજ્યના જે મુખ્યમંત્રી હોય તે કરતા હોય છે.
(૯) ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા જે રથમાં બેસે છે તે રથના નામ શું છે?
રથયાત્રામાં ભગવાન જગન્નાથના રથનું નામ ‘નંદીઘોષ’ છે, આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલો છે અને તેને પીળા રંગના વસ્ત્રથી શણગારવામાં આવે છે. બળભદ્રજીના રથનું નામ ‘તાલધ્વજ’ છે. તાલવનના દેવતાઓ દ્વારા આ રથ મળેલ હોવાથી તે તાલધ્વજના નામે ઓળખાય છે. જ્યારે સુભદ્રાજીનો રથ પણ દેવતાઓ દ્વારા મળેલ છે. જેને ‘દેવદલન’ કે ‘પદ્મધ્વજ’ કહેવામાં આવે છે.
(૧૦) ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાના રથ કોણ ખેંચે છે?
અમદાવાદમાં ૧૮૭૮માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે આ વાતની જાણ થતા ભરૂચના ખલાસી ભાઈઓએ ૧૪૨ વર્ષ પહેલા નીકળેલી સૌપ્રથમ રથયાત્રા માટે નાળીયેરના લાકડામાંથી ત્રણ સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજીને ભેટ ધર્યા હતાં. ભરૂચનાં ખલાસીઓએ બનાવેલા રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. આ રથ ખેંચવાની જવાબદારી ભરૂચના ખલાસી ભાઈઓ વારસોથી નિભાવી રહ્યા છે. આ વરસે કુલ ૧૨૦૦ ખલાસી ભાઈઓ મળીને ત્રણ રથ ખેંચશે.
(૧૧) અમદાવાદમાં ભગવાન જગન્નાથનું મોસાળ કયું?
જેમ જગન્નાથપુરીમાં મંદિરથી થોડે દૂર ગુંડિચામાં મોસાળ છે, તેમ અમદાવાદમાં ભગવાન જગન્નાથનું મોસાળ સરસપુરમાં છે. મોસાળ જવા માટે ત્રણેય દેવ પોતાના રથમાં નીકળે છે, ત્યાં ભોજન લે છે અને ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બેસી પાછા નિજ મંદિરમાં આવે છે.
(૧૨) ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ અધૂરી કેમ છે?
સવારા આદિવાસીઓ પાસે નિલ માધવની એક ભવ્ય મૂર્તિ હતી. આ વાતની જાણ થતાં રાજા ઇન્દ્રદ્યુમ્ને પોતાના દરબારી વિદ્યાપતિને આ મૂર્તિ લઇ આવવા મોકલ્યો. વિદ્યાપતિ એ સ્થાનિક આદિવાસીઓ પાસે ગયા અને તેની સાથે સારા સંબંધ પ્રસ્થાપિત કર્યા અને આદિવાસી મુખિયાની કુંવરી સાથે લગ્ન કરી લીધા. દહેજમાં તેમણે નિલમાધવના દર્શન માગી લીધા. વિદ્યાપતિને આંખે પાટા બાંધીને ગુપ્ત જગ્યાએ રખાયેલી મૂર્તિના દર્શને લઇ જવાયા. જોકે વિદ્યાપતિ ચાલાક હતો એટલે તેણે રસ્તાની નિશાની રાખવા આખા રસ્તે રાઇના દાણા વેરી દીધા. થોડા સમય પછી તે સમગ્ર માર્ગ પર પીળા ફૂલ સાથે રાઇનો છોડ ઉગ્યો એટલે વિદ્યાપતિને નિલમાધવ તરફ જવાના રસ્તાની જાણ થઈ ગઈ. વિદ્યાપતિએ રાજાને આ વાત જણાવી. જ્યારે ઇન્દ્રદ્યુમ્ન મૂર્તિ લેવા આવ્યો ત્યારે ભયાનક વાવાઝોડું આવ્યું અને તેમાં મૂર્તિ કાયમ માટે દટાઇ ગઈ. ઇશ્વર સાથે છેતરપિંડી કરીને વિજય મેળવવાની આશા રાખનારને ઈશ્વર ક્યારેય માફ કરતો નથી. આખરે ઇન્દ્રદ્યુમ્ને માફી માગી. તેમને એક સ્વપ્ન આવ્યું કે પાણીમાં તરતા દરુ-લાકડા તને મળશે, તે તું લઇ લેજે અને તેમાંથી નવી જગન્નાથની મૂર્તિ બનાવજે. નદીમાંથી લાકડું મળતા કારીગરોને મૂર્તિ બનાવવાનું કામ સોંપાયું. કારીગરોએ એવી શરત રાખી હતી કે મૂર્તિ પૂરી ના થઇ જાય ત્યાં સુધી રાજાએ અંદર આવવું નહીં. આમ છતાં રાજાથી રહેવાયું નહીં અને એક દિવસ રાજા કારીગરો જે કમરામાં મૂર્તિનિર્માણ કરતાં હતા તે કમરામાં પ્રવેશી ગયા. કારીગરો શરતભંગ થવાથી મૂર્તિનિર્માણનું કર્યા અધૂરું જ છોડી ચાલ્યા ગયા અને મૂર્તિ અધુરી જ રહી ગઈ.
(૧૩) જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજનું મહત્વ શું છે? ગજરાજને કારણે ૧૯૮૫માં શી વિશિષ્ટ ઘટના ઘટી હતી?
જગન્નાથજીની સૌ પ્રથમ ગજરાજો રથયાત્રામાં જોડાય છે. ગજરાજને ભગવાન ગણેશજીના પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશ વિઘ્નહર્તા દેવ છે, તેથી ગજરાજો હમેશાં રથયાત્રામાં જોડાય છે.
૧૯૮૫માં જ્યારે અમદાવાદમાં કોમી તોફાનો થયા હતા ત્યારે કોમી તોફાનોને પગલે રથયાત્રાને તત્કાલિન સરકારે પરવાનગી આપી ન હતી ત્યારે ગજરાજ જ ભગવાનનો રથ ખેંચીને નિજ મંદિરથી બહાર લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને ચમત્કાર સમજી તત્કાલિન સત્તાધીશોએ રથયાત્રાની પરવાનગી આપી દીધી હતી. આજે પણ પરંપરાગત રીતે જગનનાથજીની રથયાત્રા નીકળવાની હોય ત્યારે સૌપ્રથમ દર્શન ગજરાજો જ કરતાં હોય છે.
(૧૪) રથયાત્રામાં મગનો પ્રસાદ વહેંચાય છે તેની પાછળનું કારણ શું?
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાના ઘરે જાય છે અને મામાના ઘરે ખૂબ કેરી અને જાબુ ખાય છે, જેના કારણે ભગવાનને આંખો આવે છે. આથી ભગવાનને મગ ખવડાવામાં આવે છે. મગ ખાવાથી આરોગ્ય સારુ રહે છે. ત્યારથી આ પરંપરા ચાલી આવી છે.
મગ એવું કઠોળ છે જે શરીરમાં બળ આપે છે. બીમાર વ્યક્તિને પણ ડોક્ટર મગનું પાણી પીવાની સલાહ આપે છે. આજનું મેડીકલ વિજ્ઞાન પણ મગ અને એનું પાણી લેવાની સલાહ આપે છે જે પથ્ય ખોરાક.. દૂધની ગરજ સારે છે. લાંબા ઉપવાસ પછી મગના પાણીથી પારણાં કરાવવામાં આવે છે. મગ એ પાચનતંત્રને સુદ્રઢ કરવાની ચાવી છે. મહર્ષિ ચરકે માણસને જીવન આપનાર દસ વનસ્પતિ ગણાવી છે તેમાં મગ પણ સ્થાન ધરાવે છે. રથયાત્રા એ લાંબી પૈદલયાત્રાનો લોકોત્સવ છે, રથ જાતે ખેંચતા ખલાસીઓ અને રથયાત્રામાં જોડતા લોકો માટે મગ એ શક્તિદાયક પ્રસાદી છે. શક્તિ પ્રદાન કરતાં મગ ગુણકારી પ્રોટીનથી ભરપૂર હોય છે.