પરમ સિદ્ધ કપિલ મુનિની જન્મભૂમિ કર્દમ ઋષિની તપોભૂમિ દેવહુતિ માતાની મોક્ષભૂમિ
પરમ સિદ્ધ કપિલ મુનિની જન્મભૂમિ
કર્દમ ઋષિની તપોભૂમિ
દેવહુતિ માતાની મોક્ષભૂમિ
તીર્થરાજ બિંદુ સરોવર
અલ્પા સરોવર વિષે વાત કર્યા બાદ હવે જેની સાથે કર્દમ ઋષિ, દેવહુતિ માતા અને તેમના પરમ સિદ્ધ તેમજ વિદ્વાન પુત્ર કપિલમુનિનું નામ જોડાયેલું છે અને જેને કારણે સિદ્ધપુરનું માતૃશ્રાદ્ધ તીર્થ તરીકે એક વિશિષ્ટ સ્થાન પ્રસ્થાપિત થયું છે તે બિંદુ સરોવર તીર્થની ઉત્પત્તિ અને મહતમ વિષે ચર્ચા કરીશું.
કર્દમ ઋષિ એટલે બ્રહ્માજીના પુત્ર જે સપ્ત પ્રજાપતિ તરીકે ઓળખાય છે, બ્રહ્માજીએ તેમને પુત્ર ઉત્પન્ન કરવા આજ્ઞા કરી. પિતાની આજ્ઞાને વશ થઈ કર્દમ ઋષિ પરિભ્રમણે નીકળ્યા અને ફરતાં ફરતાં સિદ્ધક્ષેત્રમાં આવી પહોંચ્યા. પુણ્યસલીલા સરસ્વતીને કિનારે આવેલ એક સરોવર પર પોતાનો આશ્રમ સ્થાપીને તેમણે કઠોર તપશ્ચર્યા શરૂ કરી. દસેક હજાર વરસ આ તપશ્ચર્યાના ભાગરૂપે તપમાં પ્રાણાયામપૂર્વક સમાધિયુક્ત થઈ તેમણે પોતાના સમગ્ર અસ્તિત્વને ઇશની આરાધનામાં જોડી દીધું. કર્દમ ઋષિની આ કઠિન તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ શંખ, ચક્ર, ગદા અને પદ્મ જેમના ચાર હાથમાં શોભી રહ્યા છે અને જેમનું વાહન ગરુડ છે તેવા ભગવાન નારાયણે કર્દમ ઋષિને દર્શન આપ્યાં. પોતાની કઠિન તપશ્ચયાના ફળ સ્વરૂપે સ્વયં ભગવાન નારાયણે દર્શન આપ્યા. તેનાથી કર્દમ ઋષિનું રોમરોમ આનંદિત થઈ ઉઠ્યું. ભગવાનને અત્યંત પ્રેમ અને વિનયપૂર્વક સ્તુતિ કરીને તેમણે પોતાનાં સર્વે પાપોનો નાશ અને મનોરથ પૂર્ણ થાય એવી વિનંતી કરી. પોતાના પરમ ભક્ત સ્વરૂપે કર્દમ ઋષિએ જે તપશ્ચર્યા કરી અને જે ભાવથી એમણે પરમાત્માને આવકાર્યા તેના કારણે પરમાત્માની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. આ આંસુ જે સરોવરમાં પડ્યાં તે ‘બિંદુ સરોવર’ તરીકે ઓળખાયું. ભગવાન નારાયણે કર્દમ ઋષિના મનની વાત જાણી તેમને રાજા મનુ મહારાજની પુત્રી દેવહુતિ સાથે લગ્ન કરવા આજ્ઞા કરતાં કહ્યું કે તે મહાપતિવ્રતા છે અને તમારી પત્ની બનવા માટે સંપૂર્ણ યોગ્ય છે. ભગવાન નારાયણે કર્દમ ઋષિને એ પણ જણાવ્યું કે દેવહુતિ સાથેના સંસારથી તેઓને નવ કન્યા ઉત્પન્ન થશે અને આ નવેનવ કન્યાઓ આગળ જતાં મહાપ્રતાપી અને તપસ્વી ઋષિઓની માતા બનશે. આટલેથી જ નહીં અટકતાં તેમણે કર્દમ ઋષિને કહ્યું કે તેઓ પણ એક અનન્ય તપસ્વી તરીકે સર્વ કર્મ ભગવાન નારાયણને અર્પણ કરીને સર્વ જગતને તેમજ તેમના પોતાના આત્માને ભગવાન નારાયણમાં જોઈ શકશે. ત્યારબાદ આગાહી કરી કે, હે મહામુનિ ! આપ તેમજ આપની પત્ની દેવહુતિના તપ અને સત્કર્મોથી હું દેવહુતિના ઉદરે આપના નિમિત્તથી ઉત્પન્ન થઈશ અને સાંખ્યશાસ્ત્રને પ્રગટ કરીશ. આ પ્રમાણે વરદાન આપી ભગવાન નારાયણ અંતર્ધ્યાન થઈ ગયા.
બીજી બાજુ બ્રહ્મવૈવસ્તમાં સાતેય દ્વીપના અધિપતિ સ્વયંભૂ મનુ મહારાજ રાજ્ય કરતા હતા. નારદજીએ તેમની સામે કર્દમ ઋષિનાં વખાણ કર્યાં. નારદજીની વાત સાંભળી મનુ મહારાજ ખૂબ પ્રભાવિત થયા અને મનોમન પરમ તપસ્વી કર્દમ ઋષિનાં દર્શન કરવાનો સંકલ્પ કરી પોતાની રાણી તેમજ કન્યા દેવહુતિને લઈ મહામુનિ કર્દમ ઋષિના આશ્રમ નજદીક પહોંચ્યા. આવા મહાન તપસ્વી પ્રત્યેના આદર અને માનને હૈયે ધરી રાજા મનુ મહારાજ દૂરથી રથમાંથી નીચે ઉતરી પગપાળા કર્દમ મુનિના આશ્રમમાં આવ્યા. આશ્રમમાં પ્રવેશતાં જ તેમને પરમ તપસ્વી કર્દમ ઋષિનાં દર્શન થયાં. બહુ લાંબા સમય સુધી કઠિન તપશ્ચર્યા કરવાને કારણે કર્દમ મુનિનું શરીર બહુ જ કૃશ થઈ ગયું હતું. આમ છતાંય તપોબળના તેજે એ ઝગારા મારતું હતું. લાંબી જટા જેમના મુખારવિંદને શોભાવતી હતી એવા પરમ તપસ્વી કર્દમ મુનિને જોઈને મનુ મહારાજે પૂર્ણ આદર અને ભક્તિભાવ સાથે તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યારબાદ આ ઋષિવર્યની અર્ધ્ય સાથે પાદપુજા કરી મનુએ પોતાનો આદરભાવ પ્રગટ કર્યો. મનુના આ વર્તનથી કર્દમ મુનિ ખૂબ જ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપી રાજા પોતાના આશ્રમમાં કેમ પધાર્યા હતા તેનું કારણ પૂછ્યું.
અત્યંત વિનયપૂર્વક પ્રાર્થના કરતાં મનુ મહારાજે ઋષિના દર્શનથી પોતે કૃતકૃત્ય થયા છે અને ધન્યતા અનુભવે છે તેમ જણાવી વિનંતી કરી, ‘હે ઋષિવર્ય ! હું આપની પાસે એક પ્રાર્થના કરવા આવ્યો છું. આપ કૃપા કરીને એ સાંભળો. પ્રિયવૃત અને ઉત્તાનપાદની બહેન મારી પત્ની છે. એની કૂખે ઉત્પન્ન થયેલ, મને અત્યંત વહાલી એવી મારી ગુણવાન કન્યા દેવહુતિ હું આપને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવા માંગું છું. આપ તેનો પત્ની તરીકે સ્વીકાર કરવા રાજી થાવ.’ મનુની વિનંતીનો હકારાત્મક પ્રતીભાવ મળતાં તેમણે પોતાની ગુણવાન કન્યા દેવહુતિનો વિવાહ પરમ તપસ્વી કર્દમ ઋષિ સાથે કર્યો. સામે પક્ષે દેવહુતિનો સ્વીકાર કરતાં કર્દમ મુનિએ શરત મૂકી કે દેવહુતિને જ્યાં સુધી સંતાનમાં પુત્રરત્ન પ્રાપ્ત થશે ત્યાં સુધી જ પોતે સંસારમાં રહી ગૃહસ્થાશ્રમ ભોગવશે. દેવહુતિની કૂખે પુત્ર જન્મ થાય ત્યાર બાદ પોતે સન્યસ્ત લઈ સન્યાસી તરીકેનું જીવન વ્યતિત કરશે. આ સ્પષ્ટતા બાદ કર્દમ ઋષિએ દેવહુતિ સાથે લગ્ન કર્યાં અને બંનેનો ઘરસંસાર ચાલુ થયો. મનુની ગુણવાન કન્યા દેવહુતિ પતિવ્રતા ધર્મનું પાલન કરતાં કર્દમ મુનિની સેવા કરી એક આદર્શ પત્ની તરીકે પતિકૃપા મેળવતી રહી. પતિની સતત સેવામાં રહેતી દેવહુતિએ એક દિવસ અત્યંત વિનયપૂર્વક મુનિએ પુત્રરત્ન પ્રાપ્ત કરાવવા માટે લગ્ન સમયે આપેલ વચનને યાદ કરાવી પોતાની કૂખે કર્દમ મુનિ થકી પુત્રરત્ન પ્રાપ્ત થાય એવી ઈચ્છા વ્યક્ત કરી.
દેવહુતિની આ પ્રાર્થના સાંભળી પરમ તપસ્વી કર્દમ મુનિએ પોતાના યોગબળની સિદ્ધિના સામર્થ્ય વડે સ્વઈચ્છાએ દેવલોકમાં ગમન કરી શકે એવું એક અદભૂત દેવ વિમાન ઉત્પન્ન કર્યું જે વિવિધ પ્રકારના અલંકારોથી સુશોભિત હતું અને જેની અંદર વિવિધ પ્રકારનાં આભૂષણો અને વસ્ત્રાદિ ભરેલાં હતાં. આ વિમાનની અંદર જેના કિનારેથી હટવાનું જ મન ન થાય તેવાં રમ્ય તળાવો અને જેમાં દાખલ થતાં જ મન અત્યંત શાંતિ અને પ્રસન્નતા અનુભવે અને જેમાં પોપટ, મેના, હંસ વિગેરે પક્ષીઓનો ગુંજારવ થતો હોય, વિવિધ રત્નો તેમજ મોતીથી જડાયેલ પલંગો જેમાં સ્થાપિત હોય તેવા દિવ્ય વિમાનની કર્દમ ઋષિએ રચના કરી. જે જોઈને પોતાના પિતાને ત્યાં જોયેલ રાજ્ય વૈભવને વિસરી જઈને દેવહુતિ અત્યંત આશ્ચર્યચકિત બની ગયાં. કર્દમ મુનિએ દેવહુતિને સ્નાન કરી વસ્ત્રો તેમજ અલંકાર ધારણ કરી વિમાનમાં બેસવા આજ્ઞા કરી. વિમાનમાં રહેલ દાસીઓએ દેવહુતિને યોગ્ય આસન ઉપર બેસાડી ઉત્તમ પ્રકારનાં સુગંધી તેલ, અત્તર તેમજ પવિત્ર જળથી સ્નાન કરાવી ઉત્તમ વસ્ત્ર તેમજ અલંકાર ધારણ કરાવ્યાં. તેમણે દેવહુતિને સરસ રીતે માથું ઓળાવી આપ્યું તેમજ કપાળે સૌભાગ્ય તિલક અને શરીરે અત્તર વિગેરે લગાવીને વિમાનમાં સ્થાન આપ્યું. આ વિમાનમાં બેસી કર્દમ મુનિ માનસરોવરમાં પધાર્યા તેમજ તમામ ભૂમંડળમાં ફરી પરમાત્માની લીલાનાં દર્શન કરાવ્યાં. આ રીતે ભ્રમણ કરતાં સો વરસ વીતી ગયાં. ત્યાર બાદ તે પોતાના સ્થાન સરસ્વતી કિનારે પધાર્યા જ્યાં દેવહુતિને પેટે નવ કન્યાઓનો જન્મ થયો. એક દિવસ દેવહુતિએ કર્દમ મુનિને યાદ દેવડાવ્યું કે તેમણે જે પ્રતિજ્ઞા કરી હતી તે પૂર્ણ થઈ નથી અને પોતે પોતાની કૂખે બ્રહ્મ જ્ઞાની પુત્ર અવતરે તે માટે ઉત્સુક છે. દેવહુતિએ એ પણ કહ્યું કે વિષયસુખ નહીં પરંતુ તેને અભયપદ અને મોક્ષની પ્રાપ્તિની હવે ઝંખના છે. કેટલોક સમય વીત્યા બાદ મધુ નામના દૈત્યનો જેમણે સંહાર કર્યો છે તે નારાયણ કર્દમ ઋષિ દ્વારા દેવહુતિના ઉદરમાં પ્રવેશ્યા અને આ ગર્ભધારણની પ્રક્રિયાથી ભગવાન કપિલ મહારાજનો જન્મ થયો. આ વાતની જાણ થતાં સ્વયં બ્રહ્માજી સરસ્વતી કિનારે પોતાના પુત્ર કર્દમ ઋષિના આશ્રમે પધાર્યા. કર્દમ મુનિ તેમજ દેવહુતિએ બ્રહ્માજીની ખૂબ આદરપૂર્વક આગતાસ્વાગતા તેમજ પુજા વિધિ કરી. કર્દમ મુનિએ પોતાના પિતા બ્રહ્માજીની સલાહથી પોતાની નવેય પુત્રીઓનાં સારી રીતે લગ્ન કર્યાં અને ત્યાર બાદ તેઓ સન્યાસી થયા.
કપિલ મુનિ પોતાના પિતાના આશ્રમ નજીક ઈશાન ખૂણામાં પધાર્યા. તમામ દેવોએ તેમની સ્તુતિ કરી. સમુદ્રએ તેમને રહેવા માટે સ્થાન આપ્યું અને ત્યારબાદ કાયમ માટે કપિલ મુનિએ ત્યાં જ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
બિંદુ સરોવરના તટ પર શ્રી કર્દમ મહામુનિ, દેવહુતિ, કપિલ ભગવાન અને ગદાધરનાં મંદિરો છે. જેમનાં માત્ર કારતક મહિનામાં જ નિર્ધારિત સમય માટે દર્શન થાય છે અને ત્યારબાદ જેનાં બારણાં સતત બંધ રહે છે તે ભગવાન કાર્તિકેયનું મંદિર પણ અહીં આવેલું છે. આ સિવાય કુંડની ચારેય દિશાએ ગણપતિ ઈત્યાદી ચાર દેવનું કુંડને રક્ષણ આપવામાં આવ્યું છે.
આમ, બિંદુ સરોવર તીર્થ જ્યાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ માતૃશ્રાદ્ધ કરવા માટે આવે છે ત્યાં બિંદુ સરોવર, અલ્પા સરોવર તેમજ અગાઉ જણાવ્યું તે મંદિરો આવેલાં છે.














