હું વડોદરા અભ્યાસ માટે કુલ છ વરસ રહ્યો. એમાં મારૂ પહેલું વરસ મારા ઘડતરની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું બની રહ્યું. લગભગ એકાકી કહેવાય એવું જીવન યુનિવર્સિટીના કોસ્મોપોલિટન વાતાવરણના પ્રવાહ સાથે તાલમેલ સાધવા માટેની માથામણ કંઈક અંશે અંતરમુખી બનતો જતો સ્વભાવ અને વડોદરાના વાતાવરણે મારા “હું પણ કંઈક છું-ભણવામાં તો ખરો જ” એ અહંકારને તોડીને ઊભો કરી દીધેલ હતાશા અને કંઈક અંશે લઘુતાગ્રંથિનો ભાવ આ બધુ ઘરથી દૂર હાથ જાલવાને લગભગ કોઈ જ ન હોય તેવા વાતાવરણમાં મને ખેંચી રહ્યું હતું. અહીંયા હું જ સંઘર્ષ કરતો હતો અને લગભગ લગભગ હું જ મારો માર્ગદર્શક હતો. કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં એવી પરિસ્થિતિમાં વડોદરા છોડીને ભાગી છૂટવાનું મન થતું, પાછા સિધ્ધપુર પહોંચી જવાનું મન થતું ત્યારે બે વસ્તુઓ મને રોકતી. પહેલી મારી ખુદ્દારી- ઘરે જઈને શું મોઢું બતાવીશ. બહુ મોટા ઉપાડે વડોદરા ભણવા જાવ છું એવી મિત્રો સામે મારેલી ડંફાસ પાછી નીચી મુંડીએ ત્યાંની સ્થાનિક કોલેજમાં દાખલ થવું પડશે અને તે પણ એક વરસ બગાડીને. મારા હાઇસ્કૂલના સહાધ્યાયીઓથી પાછળ. તે વિચાર માત્ર મને ધ્રૂજવી દેતો હતો. અમારા ગુજરાતીના શિક્ષક ઘણીવાર એક સંસ્કૃત વાક્ય બોલતા-
“कार्यम साधयाम चा देहं पातयाम”
કાર્યમાં સફળ થઈશ અથવા મારૂ બલીદાન કરી દઇશ વાક્ય મગજમાં શિલાલેખની માફક કોતરાઈ ગયું હતું. સિધ્ધપુર પાછા જવા માટેનો રસ્તો મારા માટે મે બંધ કરી દીધો હતો. બીડું ઝડપ્યું છે તો પાર પાડીશું જ. એ નિર્ધાર મે મનમાં ઘૂંટી ઘૂંટીને પાક્કો કરી દીધો હતો. બીજું દવે સાહેબની મદદ મળી એટલે ભણતરની ગાડી હવે પાટે ચડવા માંડી હતી. હોસ્ટેલમાં અચૂક રીડિંગ રૂમમાં જઈને હું બ્લીટ્ઝ અથવા બીજું કોઈને કોઈ અંગ્રેજી મેગેજીન વાંચતો. સમજ ન પડે તે શબ્દ એક નાની ચબરખી પર ટપકાવી લેતો. રૂમમાં આવીને ડીક્ષનેરી ખોલી એ શબ્દ અને એના અંગ્રેજી સમાનાર્થી શબ્દો પણ જોઈ લેતો. આ માટે એક નોટબુક રાખી હતી. જેમાં આ શબ્દ સો વાર લખતો. મારા બાપાએ પાઠમાળા ભણાવી હતી એટલે સદનસીબે વ્યાકરણમાં બહુ તકલીફ નહોતી. આ બંને કારણોએ અંગ્રેજી સાથે ધીરે ધીરે ભાઇબંધી થતી. ઓવરસીસ વિદ્યાર્થી અને સિનિયર અંગ્રેજીમાં વાત કરે તે હું સાંભળતો અને એનાં ઉચ્ચારણો મમળાવતો. બીજા બધા ખર્ચમાં કાપ મૂકીને પણ ઓછામાં ઓછી ટિકિટ (પચાસ પૈસામાં) લોઅર ક્લાસમાં બેસીને અંગ્રેજી ચલચિત્રો જોતો. લીઝ ટેલર, રિયાર્ડ બર્ટન, જેરી લુઈસ, ચાર્લી ચેપલીન જેવા કલાકારો અને સીન કોનોરી એટલે કે જેમ્સ બોન્ડ સાથે પરિચિત થયો. ધીરે ધીરે મારો આ શોખ બીજા વિશ્વ યુધ્ધ સમયનાં યુધ્ધ ચલચિત્રો (War Movies) જોવા તરફ વળ્યો. પેટન, ગન્સ ઓફ નેવેરોન, બ્રીજ ઓન રિવર ક્વાઇ, વોન રોયન્સ એક્સપ્રેસ, મીડ ડે જેવાં ચલચિત્રો ત્યારબાદ અનેક વખત જોયાં છે. એક અંદાજ મુજબ સેંકડોની સંખ્યામાં આ પ્રકારનાં ચલચિત્રો જોયાં છે. એમાં પણ પેટન ચલચિત્રનો કર્ટન રેઇઝર ડાયલોગ જેના શબ્દો કંઈક આ પ્રમાણે હતા –
No bloody bastard can win the war
By dying for his country
A bloody bastard can win the war
By making others to die for his country.
મારા પ્રિય ડાયલોગમાંનો એક રહ્યો છે. વોન રોયન્સ એક્સપ્રેસના અંતમાં હીરો ગાર્ડના કંપાર્ટમેન્ટનો કઠેડો પકડી અને ટ્રેન પર ચડી જાય એ પહેલાં જ એ ગોળીથી ઘાયલ થાય અને પ્રાણ ત્યાગી દે છે. એ સમયે સ્વાભાવિક વિચાર આવ્યો હતો કે આના બદલે જો કોઈ હિન્દી ચલચિત્ર હોત તો આરામથી હીરો ઠેકડો મારી અને ડબ્બામાં ચડી ગયો હોત અને ત્યારબાદ “ખાધું પીધું ને રાજ કર્યું” જેવા બાળ કથાઓના અંતની માફક એ ચલચિત્ર સુખાંત પૂરું થયું હોત. એવું ન બન્યું કારણકે ડાયરેક્ટર હીરોને નહીં પણ હિસ્ટરીને વફાદાર હતો. આ બધું ભેગું થઈને મારા અંગ્રેજીને ઘડી રહ્યું હતું. પેલી કાચા હીરાની રફને હવે તળિયું અને પાસા પડવા માંડ્યા હતા. આ બધું એકલવ્યની માફક વડોદરા શહેર અને એના જનજીવનને ગુરુપદે સ્થાપીને શીખી રહ્યો હતો.
મારૂં ઘડતર થઈ રહ્યું હતું.
સુરસાગરની પાળે આ મનોમંથનનું વલોણું ઘમ્મર ઘમ્મર ફેરવતાં એક દિવસ એક ગાંડો વિચાર ઝબકી ગયો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિષે વાંચ્યું હતું. સિધ્ધપુર જૂના વડોદરા રાજ્યનું શહેર. મને સયાજી ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટમાંથી તે સમયે માતબર કહેવાય તેવી મહિને રૂ.૪૦ સ્કોલરશીપ મંજૂર થયેલી. આમ હું માત્ર મહારાજા સાહેબ માટે અહોભાવ ધરાવતો હતો એવું જ નહીં પણ એ દીર્ધદ્રષ્ટા શાસક દ્વારા ઊભા કરાયેલ વિદ્યાર્થી કેળવણી ફંડનો પણ સીધો લાભાર્થી હતો. ફતેહગંજ પોસ્ટઓફિસ સામે તે સમયે આ ટ્રસ્ટની ઓફિસ હતી.
પેલો ગાંડો વિચાર જે અનાયાસે મગજમાં ઝબકી ગયો તે મુજબ મહારાજા સાહેબ પણ મારા જેવી પરિસ્થિતિમાં જ વડોદરા પધાર્યા હતા. શ્રીમંત મલ્હારરાવ મહારાજાને પદભ્રષ્ટ કર્યા પછી ગાદી પર કોને બેસાડવા એ પ્રશ્ન ઊભો થયો. શ્રીમંત ખંડેરાવ મહારાજાને માત્ર એક પુત્રી હતી. આ કારણથી એવું થયું કે તેમનાં વિધવા મહારાણીશ્રી જમાનાબાઇ સાહેબે ગાયકવાડ કુટુંબમાંથી પોતાની ઇચ્છાનુસાર કોઈ લાયક છોકરાને દત્તક પુત્ર તરીકે લેવો. તે ઉપરથી ખાનદેશમાં એક કવલાણા નામે અપ્રસિધ્ધ ગામડામાં ગાયકવાડ વંશના આદિ પુરુષના વંશજો રહેતા હતા, તેમનો સંબંધ મૂળ વૃક્ષ સાથે જણાયાથી શ્રી કાશીરાવ ગાયકવાડ નામના સદગૃહસ્થના ત્રણ પુત્રોને વડોદરા બોલાવવામાં આવ્યા હતાં. તેમાથી વચેટ પુત્ર શ્રી ગોપાળરાવની પસંદગી દત્તક પુત્ર તરીકે લેવા માટે થઈ હતી, અને તેથી તેઓ શ્રીમંત સયાજીરાવ ત્રીજા, એ નામથી બાર વરસની ઉમરે તા. ૨૭ મે ૧૮૭૫ને શુભ દિવસે ગાદી ઉપર બેઠા હતાં.
મહારાજા સયાજીરાવ ત્રીજા તરીકે જાણીતા સયાજીરાવનો જન્મ સન ૧૮૬૩ના માર્ચની ૧૧મી તારીખે થયો હતો. બાર વરસની નાની ઉમરે તેમને વડોદરાની ગાદી માટે પસંદ કરવામાં આવ્યા ત્યારે મહારાણી જમનાબાઈ અને દીવાન સાહેબે કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્રોની પરીક્ષા લીધી હતી જેમાં દરેકને એક જ પ્રશ્ન પૂછવામાં આવતો કે તમે અહીં શા માટે આવ્યા છો? બે ભાઈઓમાંથી એકે કહ્યું પોતે રાજનું તેડું આપ્યું એટલે મહેમાન તરીકે આવ્યા છીએ, ત્રીજાએ વળી બીજો જ કંઇ જવાબ આપ્યો. પણ વચેટ પુત્ર ગોપાલરાવે અત્યંત આત્મવિશ્વાસથી કહ્યું “હું રાજા થવા આવ્યો છું”.
હિંદમાં જે ઐતિહાસિક યુગમાં રાજાઓ, શહેનશાહો, સુલતાનો, નવાબો, થઈ ગયા તેમાં કોઈએ ૬૦ વરસ રાજ્ય કર્યાનો દાખલો નથી. માત્ર વનરાજ ચાવડાએ ૬૦ વરસ જેટલો લાંબો કાળ ગુજરાતનાં રાજાની ગાદી ભોગવી હતી. એટલે વડોદરા રાજ્યના ઈતિહાસમાં, ગુજરાતના ઈતિહાસમાં, અને આખા હિંદના ઈતિહાસમાં એટલો લાંબો શાસનકાળ કોઈ પણ રાજાના નામ સાથે જોડાયેલો જણાતો નથી. શ્રીમંત મહારાજા સાહેબે ૧૯૩૫માં પોતાની કારકિર્દીના ૬૦ વરસ પૂરાં કર્યા.
સયાજીરાવને તાલીમ આપીને તૈયાર કરવામાં બે મહાનુભાવો સર ટી. માધવરાવ અને શ્રીમાન એફ.એ.એચ. ઇલિયટે મહત્વનો ભાગ ભજવ્યો. મહારાષ્ટ્રના એક નાના ગામડામાં સાવ ગરીબ કુટુંબમાથી આવતા સર સયાજીરાવે ખૂબ ઝડપથી પોતાની કુશાગ્ર બુદ્ધિ, ધગશ અને મહેનતના બળે કાબેલિયત હાસિલ કરી અને ૧૯૩૯ સુધી સત્તા સંભાળી. કન્યા કેળવણીથી માંડી સમાન નાગરિક અધિકારો સુધી અનેક સુધારા એમણે કર્યા. વડોદરા શહેરના ન્યાય મંદિર, કલાભવન, વડોદરા કોલેજ, મ્યુઝિક કોલેજ જેવાં અનેક સ્થાપત્યો આજે એમના સુદીર્ઘ શાસન કાળની સાક્ષી પૂરે છે.
સુરસાગરની પાળે અંતરમનમાં ડૂબકી મારતાં અનાયાસે થઈ ગયેલી આ અયોગ્ય ગણાય તેવી સરખામણી મને માનસિક રીતે ઘણું બળ પૂરું પડી ગઈ. ગોપાલરાવ ગામડામાથી આવતા હતા, અત્યંત ગરીબ પરીવારમાથી આવતા હતા. વડોદરાની કેળવણીએ ગોપાલરાવમાંથી સર સયાજીરાવનું સર્જન કર્યું. આમાં બે તફાવત હતા.
એક-મારી જેમ ગોપાલરાવ પણ લગભગ ગામડીયો કહી શકાય એ પાશ્ચાત ભૂમિકામાથી અને ગરીબીમાથી આવતા હતા. પણ એમના તકદીરનો સિતારો એક માત્ર એમને “હું રાજા બનવા આવ્યો છું” જવાબે ચમકાવી દીધો. તકદીર અને કશાગ્ર બુધ્ધિએ એમને રાજ સિંહાસન પર બેસાડી દીધા. પહેલા ભાગમાં તો હું લગભગ ગોપાલરાવ સાથે હરીફાઈ કરૂ તેમ હતું પણ બીજા ભાગમાં બન્યું તેમ કોઈ રાજ સિંહાસન આપણી રાહ નહોતું જોતું. મહેનત કરીને, માથાં કુટીને, પરસેવો પાડીને આગળ વધવાનું હતું અને એટલે જ આજે પણ હળવાશમાં કહું છું-
મારી જનમકુંડળીમાં બીજા કોઈ યોગ બનતા હોય કે નહીં...
પણ...
મહામજદૂર યોગ જરૂર બને છે.
વડોદરાની વિદ્યાર્થી કારકિર્દી એ મહામજદૂર યુગના વિકાસની શરૂઆત છે.