સિદ્ધપુર મારી કર્મભૂમિ
જન્મ મોસાળ વિરમગામમાં ઝંડીયા કુવે, દવેની ખડકીમાં
મામાનું નામ નૌતમલાલ છબીલદાસ દવે
નાનાનું નામ છબીલદાસ શિવલાલ દવે
ત્રણ બહેનો શશી, શાંતા અને મારી મા એટલે પદ્મા
માનું પિયરમાં હુલામણું નામ ચંચી
મા સૌથી નાની તીખા મરચા જેવી
૧૪ એપ્રિલ આમ તો પૂ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ
બરાબર એ જ તારીખે સાંજના પાંચ વાગીને એકતાળીસ મિનિટે મારો જન્મ
મારા માબાપનું પહેલું અને છેલ્લું જીવિત સંતાન
પહેલાં બે દીકરા અને એક દીકરી મારી માને પેટ જન્મ્યા પણ ઘર અને દુનિયા નહીં ગમી હોય તે વળી પાછા ભગવાનને ત્યાં જતાં રહ્યાં.
કદાચ મારા જેવા નપાવટના ભાઈબહેન નહીં બનવું હોય એટલે હું આ પૃથ્વી પર જન્મું તે પહેલાં એમણે ઇશની આંગળી પકડી લીધી !
આમ ખોટનું સંતાન
પ્રમાણમાં મોટી ઉંમરે મારા માબાપને મારો ભેટો થયો.
જન્મતાં વેંત જ મારા મામીએ થાળી વગાડી બધાને વધાઈ આપી – ‘ભનાભાઈ પધાર્યા છે’.
વિરમગામ આમ તો ગુજરાત અને સૌરાષ્ટ્રની સરહદે આવેલું ગામ.
પણ કાઠીયાવાડની અસર મોટી એટલે ભાષા પણ લગભગ સોરઠની.
ભાણેજ જન્મે ત્યારથી માન દઈને મામી બોલાવે એવો રિવાજ.
મામા, ફોઇ કે માસીના સંતાનો પણ એકબીજાને તમે કહીને માનથી બોલાવે.
વિરમગામ, મારું મોસાળ, પછી તો મારા બાળપણના ઘણા બધા પ્રસંગોનું સાક્ષી બન્યું.
કદાચ એટલે જ આજે પણ મારી ભાષા ઉપર સૌરાષ્ટ્રની સંસ્કારીતા અને મીઠાશનું ખાસ્સું એવું પડ ચઢેલું છે. વ્યવહારમાં પણ ખાસ અંગત ન હોય એમને તુંકારે બોલાવવું આજે પણ અકારું લાગે છે.
આમ, ૧૪ એપ્રિલ ૧૯૪૭, મારી જન્મતારીખ
મારા જન્મના બરાબર ચાર મહિના બાદ આ દેશ આઝાદ થવાનો હતો.
આમ ચાર મહિના માટે બ્રિટિશરો દ્વારા શાસિત ભારત અને ત્યારબાદ છેક અત્યાર સુધી પ્રજાસત્તાક એટલે કે પ્રજા દ્વારા શાસિત સ્વતંત્ર ભારત મારો દેશ.
મૂળ ગાયકવાડી રાજ્યનું ચાણસ્મા અને ત્યારબાદ મુંબઈ અને પછી ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ચાણસ્મા ત્યાં પણ ના ટક્યું અને હવે પાટણ જિલ્લામાં જઇ બેઠું છે!
પરિવર્તન જગતનો નિયમ છે એ ન્યાયે
ગાયકવાડી ચાણસ્મા,
મુંબઈનું ચાણસ્મા,
ગુજરાતનું ચાણસ્મા,
મહેસાણા જિલ્લાનું ચાણસ્મા,
અને હવે પાટણ જિલ્લાનું ચાણસ્મા.
ઘણું બધું બદલાયું તેની સાથે ચાણસ્માની આગળ લાગતું લેબલ પણ બદલાતું રહ્યું છે.
ચાણસ્મા મારું બાપીકું ગામ.
હોળી ચકલો, જે આજે માંડવી ચકલો કહેવાય છે, ત્યાં મારા દાદાનું મકાન.
દાદાને ત્રણ સંતાનો.
મોટી દીકરી તે મારા ગંગાફોઇ,
ત્યાર પછી મારા બાપા નર્મદાશંકર,
અને સૌથી નાના તે મારા સોમનાથકાકા.
દાદાનું નામ કુબેરજી – એમના બાપનું નામ મયારામ
મયારામ બેચરબાપાનું સંતાન
અને...
બેચર દુર્લભરામ
ત્યાર પછી આવે
દુર્લભરામ મંગળજી
અને…
મંગળજી મોનજી (મોહનજી)
મોહનજી વાસુદેવ
અને મારી યાદદાસ્તમાં છેલ્લે...
વાસુદેવ અનંતદેવ.
આ બધા પૂર્વજોમાં સૌથી વધુ પ્રતાપી કદાચ મંગળજી વ્યાસ હશે.
આજે પણ ચાણસ્મામાં મંગળજી વ્યાસનો મહાડ અમારા એ પ્રતાપી પૂર્વજનું નામ યાદ દેવડાવતો ઊભો છે.
ચાણસ્મા વિષે વળી ક્યારેક આગળ વાત કરીશું
પણ અમારું યજમાનોનું ગામ જીતોડા.
જીતોડાના પટેલો, અમારા યજમાનો, આજે પણ પ્રેમથી યાદ કરે છે.
મોસાળમાંથી રિવાજ પ્રમાણે જીયાણું કરી અને મામાના ઘરેથી મારી માએ સારા શુકને વિદાય લીધી હશે એમ આજે જ્યારે પાછું વળીને મારા જીવનપથને જોઉ છું ત્યારે ચોક્કસ કહી શકાય.
એ જમાનામાં વિરમગામથી ટ્રેનમાં મહેસાણા જવાય અને મહેસાણાથી ગાડી બદલી...
જ્યાં મારા બાળપણનો પિંડ ઘડાઈને મુગ્ધાવસ્થામાં પહોંચવાનું હતું તે સિદ્ધપુર પહોંચાય.
સિદ્ધપુર પાસે આવેલું ધૂળિયા રસ્તે જોડાયેલુ એ જમાનાનું એક નાનું-શું ગામ...
રાજપુર
મૂળ પાટીદાર અને ઠાકોરોની વસતિ.
એ ગામને પણ છોડીને આગળ વધીએ એટલે એક નેળિયું આવે.
નેળિયું વટાવો એટલે અંબાજી માતાની એક નાની દેરી અને એની બરાબર સામે એક કુઈ.
કુઈ એટલે સાંકડો કુવો.
બરાબર એ કુઇના સામે એક ઝાંપો
અને એ ઝાંપાની અંદર બહારથી જોઈએ તો મહાલય લાગે તેવો બંગલો.
નટવર ગુરુનો બંગલો.
જોશીઓની ખડકીમાં રહેતા બે વિદ્વાન બ્રહ્મદેવ નટવરલાલ ચકુભાઇ ત્રિવેદી અને ઈશ્વરલાલ ચકુભાઇ ત્રિવેદી.
નટવરલાલ ત્રિવેદી ચાણસ્માના સંબંધે ફુઆ થાય.
એક જમાનામાં એમણે લગભગ ચાર-પાંચ વીઘા જમીનમાં આ બંગલો બનાવ્યો હતો.
કદાચ અમારા નિમિત્તે જ એ બંધાયો હશે કારણ કે મારા જન્મથી માંડીને છેક ૧૯૭૩ સુધી મારી મા, બાપા અને હું, આ બંગલામાં રહ્યાં.
બાજુમાં જ શાસ્ત્રીજીની પાઠશાળા.
આઝાદીની ચળવળમાં ક્રાંતિકારીઓ સાથે ભળેલા ઉદ્દામવાદી વિચારસરણી અને પડછંદ દેહયષ્ટિ, પહાડી અવાજ અને દર્શનશાસ્ત્રનું પરમ પાંડિત્ય ધરાવતા પૂ. જયદત્ત શાસ્ત્રીજી એ પાઠશાળાના સ્થાપક.
આપણા સાહિત્યકાર ર.વ.દેસાઇ કેટલોક સમય સિદ્ધપુરમાં વહીવટદાર રહ્યાં. એમની નવલકથા ‘ભારેલો અગ્નિ’ નવલકથામાં જે નાયક રુદ્રદત્ત છે તેનું પાત્ર જયદત્ત શાસ્ત્રીના જીવન પરથી લખાયું છે તેવું વિદ્વાનોના મોઢે સાંભળ્યુ છે. જયદત્ત શાસ્ત્રીજીની પાઠશાળા, એમનો પરિવાર અને સંલગ્ન બાબતો આગળ જતાં આવશે.
સિદ્ધપુર મારી કર્મભૂમિ બની રહ્યું. સિદ્ધપુર સાથેનો ઋણાનુબંધ કદાચ એટલો મોટો હતો કે એક યા બીજા સ્વરૂપે એ સતત ચાલતો રહ્યો.
આજે આ લખું છું ત્યારે (૨૦૧૯માં) એ નાતો ચાલુ રહ્યો છે.
આ સિદ્ધપુર એટલે આજે દેશભરમાં માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ એક નાનકડું શહેર.
સિદ્ધપુરનો પરિચય મારે ત્રણ કાળખંડમાં કરાવવો છે.
એક – આજથી બરાબર ૧૧૮ વર્ષ પહેલાં લખાયેલ શાસ્ત્રી બાળાશંકર મગનલાલ પંડ્યાના પુસ્તક ‘સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મય’ના માધ્યમ થકી.
બીજો – ૧૯૮૮માં પ્રસિદ્ધ કવિ-સાહિત્યકાર શ્રી ઉશનસ (નટવરલાલ પંડ્યા)ના પુસ્તક ‘સદમાતાનો ખાંચો’ થકી અને છેક પચાસના દાયકાથી શરૂ કરીને આજના આધુનિક સિદ્ધપુરની વાત પ્રમાણમાં તાજી કહી શકાય તેવી ઉપલબ્ધ માહિતી પરથી.