બોમ્બે ભેળ...
પડીકાનો કાગળ
ભૂખ્યા પેટ સામે
વાત કરોડોની
આમ તો માંડ પ્રાર્થના, આઠ-સાડા આઠનો સમય થયો હશે.
પણ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયાની સાંજ, સાંજ કરતાં, મધરાત વધુ લાગતી હતી.
બાકી રહેતું હતું તે બે દિવસ પહેલાં જ માવઠું થયું હતું.
વાદળાં વેરાય એટલે કડકડતી ઠંડી પડે.
ગાત્રો થીજવી દે અને બત્રીસી કકડાવી દે એવી કાતિલ ઠંડી હતી.
બાકી રહેતું હોય તેમ વાયરી નીકળી હતી.
હાડ સોંસરું વીંધીને જતી હોય એવી હીમ જેવી વાયરી ભલભલા જવાનિયાઓને પણ ધ્રૂજાવી દે તેવી હતી.
સ્વેટર, મફલર કે શાલમાં વીંટળાઇને લોકો અવરજવર કરતાં હતાં.
કાતિલ ઠંડીની અસર માણસોની ચહલપહલ પર પણ વર્તાઇ રહી હતી
ફૂટપાથ ઉપર ટાયર કે બીજો કચરો સળગાવીને કરેલા તાપણાથી ટાઢ ભગાડવાનો પ્રયત્ન કરતાં ફૂટપાથવાસીઓ ક્યાંક ક્યાંક ટોળે વળીને બેઠાં હતાં.
કેટલાક ખાણીપીણીવાળાઓ, ખાસ કરીને ભેળ, ચણાજોર ગરમ, પાણીપુરી, રગડાપેટીસ વિગેરે વેચતા જોવા મળતા હતા.
રસ્તાના બરાબર કિનારે બોમ્બે ભેળ વેચતો એક ખૂમચાવાળો ઊભો હતો.
અમદાવાદના લોકો બહાર ખાવાના શોખીન તો ખરા એટલે નાની મોટી ઘરાકી સૌને મળી રહે.
આ ખૂંમચાવાળાથી થોડે દૂર બે ટાબરીયાં કડકડતી ઠંડીમાં પણ ફાટ્યાતૂટ્યા કપડાં પહેરીને અંતરમાં કોઈ આશ લઈને ઊભાં હતાં.
આશા હતી થોડું ઘણું કંઇક મળી જાય તો પેટનો ખાડો પુરાય.
ઘરાકો મોટા ભાગે ભેળવાળો પડીકું આપે તે લઈને ખાતાં ખાતાં ચાલ્યાં જાય.
કોઈક વળી વાહન ઉપર કે મોટરમાં આવે. કોઈનેય આ ટાબરીયાં સામે જોવાનો સમય નહોતો.
એકાએક જાણે કે એમના ભાગ્યે પલટી ખાધી.
કોઈક દયાળુ વ્યક્તિએ એમના માટે પણ ભેળનું એક પડીકું બંધાવી એમના હાથમાં મૂક્યું.
પેલા બંનેની કુલ મળીને ચાર આંખોમાં ચમક આવી ગઈ.
આમેય ઠંડીની ઋતુમાં ભૂખ તો લાગે
આ તો ચઢતું લોહી.
કકડીને ભૂખ લાગી હશે
ત્યાં ફૂટપાથ પર જ વીજળીના થાંભલા નીચે બન્નેએ જમાવી દીધું.
તૂટી પડ્યા બન્ને ભેળ ઉપર
જોતજોતામાં તો તળિયું આવી ગયું
હવે થોડીઘણી ભેળ બચી હતી.
કણેકણ વીણીને ખાઈ જવા માટે આ બંને ટાબરીયાં પ્રવૃત્ત હતાં
થોડા દિવસ પહેલાના આ છાપામાં છપાયેલા સમાચાર ભેળ હટતાં ખુલ્લા થયા.
પવન જેમ વાદળને ખેંચી જાય અને આકાશ ચોખ્ખું થઈ જાય તેવી પેલા બાળકોએ સફાચટ કરી નાંખેલી ભેળ નીચેથી છાપાએ ઉઘાડ કાઢ્યો હતો.
ઉઘાડ નીકળતાં પેલા સમાચારો ઝળકી ઉઠ્યા હતા
સમાચારની હેડલાઇન હતી...
થોડા સમય પહેલાં જ જેનું લગ્ન થયું એ અબજોપતિ અમીરની દિકરીને એનાં સાસરિયાંએ વરલી સી ફેસ પર એક સરસ મજાનો બંગલો ભેટ આપ્યો હતો. જેનું ઇન્ટીરીયર ઈંગ્લેન્ડના ડિઝાઇનરોએ કર્યું હોવાનું કહેવાતું હતું.
બંગલાની કિંમત હતી માત્ર ૪૫૦ કરોડ !
છાપાનું આ પાનિયું હવે ઊડી રહ્યું હતું
પેલાં ટાબરીયાંઓએ ભેળ સફાચટ કરી નાંખી હતી.
ઠંડી વધી રહી હતી.
ક્યાંક કોક તાપણું પોતાને થોડી ગરમી આપે એની શોધમાં પેલાં ટાબરીયાં ફૂટપાથ પર બેઠેલા કુંડાળામાં ભળી ગયા હતાં.