સુખના રાજમાર્ગ પર ડગલું ભરો - પ્રતિક્રિયા આપવાનું ટાળો
સુખી થવાનો એક સરળ રસ્તો નિર્લેપ બનો.
પ્રતિભાવ ન આપો એ પણ છે.
તમારા વિષે તમારી હાજરીમાં કે પીઠ પાછળ એવું ઘણું બધું કહેવાશે કે જેમાં સચ્ચાઈનો અંશ ઓછો હોય.
સ્વાભાવિક રીતે જ આ સાંભળી તમને દુ:ખ થાય, તમે ક્યારેક ઉશ્કેરાઈ પણ જાવ.
જો ખુશ રહેવું હોય તો આવી પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપવાનું ટાળો. અંતરમુખ બનો.
જીવનમાં મનની સંતુલિત અવસ્થા રાખ્યા વગર શરીરની પ્રતિક્રિયાઓનું સંતુલન કેળવી શકાતું નથી.
શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ.
આમાં શરીરનો અર્થ સમગ્રતય ભૌતિક તેમજ માનસિક તંદુરસ્તી સમેત કરવાનો છે.
મનનું સંતુલન જળવાય તે શરીરની સુખાકારી કરતાં અથવા કહેવાતી બાહ્ય તંદુરસ્તી કરતાં વધું અગત્યનું છે.
પ્રાથમિક શાળામાં અભ્યાસ દરમ્યાન ભગવાન બુદ્ધનું એક દ્રષ્ટાંત સાંભળવામાં આવ્યું હતું.
ભગવાન બુદ્ધ એક દિવસ નદીએ સ્નાન કરવા જતા હતા.
રસ્તામાં એક અવળચંડા વેપારીએ એમને આંતર્યા.
ભગવાન શાંત અને સ્વસ્થ્ય રહ્યા એટલે એ વધુ ગિન્નાયો.
તે ભગવાન બુદ્ધને ગાળો આપવા લાગ્યો.
આમ છતાંય ભગવાન બુદ્ધના ચહેરા પર જરાય ગુસ્સો ન દેખાયો.
માત્ર એમનું ચીર પરિચિત કરુણા વરસાવતું સ્મિત જ રમી રહ્યું,
પેલો વેપારી જતો રહ્યો.
ભગવાન બુદ્ધ પણ નદીને રસ્તે આગળ વધી ગયા.
આ ઘટનાક્રમ થોડાક દિવસ નિયમિત ચાલ્યો.
પેલો વેપારી ભગવાન બુદ્ધને ગાળો આપીને જતો રહેતો
પછી એક દિવસ.....
જાણે કે ચમત્કાર થયો.
આ વેપારી ભગવાન બુદ્ધના ચરણોમાં પડીને કરગરવા લાગ્યો, માફી માંગવા લાગ્યો.
પોતે આટલા દિવસ ભગવાન બુદ્ધને ગાળો આપી તે માટે એણે અફસોસ વ્યક્ત કરી હ્રદયપૂર્વક માફી માંગી.
ત્યાર બાદ એણે ભગવાન બુદ્ધને પૂછ્યું કે પોતે એમને ઉશ્કેરવાના હેતુંથી આટલી બધી ગાળો આપી તો પણ તેઓ શાંત કેમ રહ્યા ?
કોઈ પ્રતીભાવ કેમ ન આપ્યો?
ભગવાને તેને કહ્યું “ભાઈ તું ગૃહસ્થ જીવન જીવે છે ને ? તારા ઘરે કોઈ મહેમાન આવે તો તું શું કરે ?
પેલા વેપારીનો જવાબ હતો “ભગવાન હું એને આવકાર આપું”
ભગવાન બુદ્ધે વાત આગળ ચલાવી અને પૂછ્યું કે “તું એને જમાડે ખરો કે નહીં?”
પેલા વેપારીએ કહ્યું “ પોતાને ત્યાં આવેલા મહેમાનનો સત્કાર કરી તેને ભોજન કરાવવું એતો ગૃહસ્થનો ધર્મ છે. હું તેને ચોક્કસ જમાડું”
ભગવાને વાત આગળ ચલાવી કહ્યું “પણ એ ગૃહસ્થ જમે નહીં તો તારી રસોઈનું શું થાય ?”
પેલા વેપારીએ જવાબ આપ્યો “જો તે જમવાની ના પડે તો જમવાનું મારી પાસે પડી રહે”
ભગવાન બુદ્ધે એને સ્મિત સહ સમજાવ્યું “ જો ભાઈ આટલા દિવસ તેં મને ગાળો આપી પણ મેં એ લીધી જ નહીં તો કોની પાસે રહી?”
પેલો વેપારી લાચાર થઈ ગયો.
ભગવાન બુદ્ધે કહ્યું કે “તેં મને આટલા દિવસ આપ્યું તેં મેં લીધું જ નથી એટલી બધુ તારી પાસે જ રહ્યું“
પેલા વેપારી એ ફરી એકવાર ભગવાન બુદ્ધના પગ પકડી લીધા.
એની આંખમાંથી પશ્ચાતાપનાં આંસુ વહી રહ્યાં હતાં.
રડતી આંખે એણે ભવિષ્યમાં ક્યારેય કોઈને પણ અપશબ્દો નહીં બોલવાની પ્રતિજ્ઞા લીધી.
આ પ્રસંગમાંથી બોધ લો.
તમારા વિષે સાચું ખોટું જે કાંઈ કહેવાય તેને પચાવી જાઓ.
પ્રતિક્રિયા આપવાનું ટાળો.
ભગવાન બુદ્ધનો આ પ્રસંગ યાદ રાખો.
જીવનમાં જે સારું નરસું કોઈ આપવા માંગે તે તમે નહીં સ્વીકારો એટલે આપોઆપ એ એની પાસે જ રહેશે.
અંતરમુખી બનો.
સાચું સુખ પ્રાપ્ત થશે.
બધાને તડ અને ફડ જવાબ આપવાની તામસી વૃતિથી દૂર રહો.
તમને તણાવમાંથી મુક્તિ મળશે.
મન શાંત રહેશે,.બ્લડપ્રેશર કે ડાયાબિટીસની મહેમાનગતી નહીં કરવી પડે.
સુખી રહો, સ્વસ્થ્ય રહો, મસ્ત રહો.