આસો વદ ચૌદસ – કાળી ચૌદસ
સિદ્ધપુરની છેલ્લી પલ્લી – જૂની વહોરવાડમાં બિરાજતા
અતિપ્રાચીન છબીલા હનુમાનદાદા
સિદ્ધપુરમાં જૂની વહોરવાડ તરીકે જાણીતા વિસ્તારમાં વહોરા કોમનાં રહેઠાણો આવેલાં છે. વહોરાઓએ મૂળ વસવાટની શરૂઆત અહીં કરી હશે અને આગળ જતાં બેનમૂન કારીગરીવાળી બાંધણીના મકાનો ઝાંપલી પોળ વિસ્તારમાં બાંધીને રહ્યા. આ વહોરવાડમાં એક અતિપ્રાચીન હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરનો મહિમા વર્ણવતાં સને ૧૯૧૦માં (આજથી ૧૦૮ વર્ષ પહેલાં) પ્રસિદ્ધ થયેલ ‘સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ’માં નીચે મુજબ લખાણ જોવા મળે છે.
‘આ હનુમાનની પ્રતિષ્ઠા આપણા ગુર્જરપતિ સિદ્ધરાજે કરેલી હોવાનું જણાય છે. સિદ્ધપુર રુદ્રમહાલય બાંધવાની શરૂઆત પ્રથમ મૂળરાજે કરેલી પણ તેમના વખતમાં તે કામ પૂરું ન થતાં અધૂરું રહ્યું તે જેવું ને તેવું ઘણા વરસો સુધી પડી રહ્યા બાદ સિદ્ધરાજે પોતાની કારકિર્દીમાં તેને પૂરું કર્યું. આ કામ પૂરું કર્યા પછી તેમણે ઘણા દેવાલયો બંધાવી દેવોની સ્થાપનાઓ કરી તે વખતે આ હનુમાનની પ્રતિષ્ઠા કરી, તેમનું નામ છબીલા પાડ્યું. આ વખતે સિદ્ધપુરમાં હિન્દુઓની વસતી હતી. આ સ્થાપનાઓ થયા પછી ઘણી લાંબી મુદ્દતે જ્યારે દિલ્હીની ગાદી ઉપર ધર્માંધ મુસલમાન બાદશાહ અલાઉદ્દીન બેઠો તેણે હિન્દુ રાજ્ય ઉપર ચઢાઈઓ કરી હિન્દુઓને વટલાવવા માંડ્યા હતા. તેણે સિદ્ધપુરમાં આવી રુદ્રમાળ તોડી બ્રાહ્મણોને વટલાવવા માંડ્યા. છેવટે આ છબીલા હનુમાનજીએ તેને સ્વપ્ન આપ્યું કે તારા ઘરમાં ઘણાં પુસ્તકો છે, તેમાં ઉર્દુમાં લખેલી ગીતાજી બતાવ. તે બતાવ્યાથી મારું દેવળ તોડશે નહીં. સવારે તેણે પોતાને ઘેર તપાસ કરી તો ઘરમાં તેમના વચન પ્રમાણે ઉર્દુ ભાષાનું એક પુસ્તક મળ્યું તે ગીતાજી હોવાથી બાદશાહને બતાવ્યું. બાદશાહ ઉર્દુ ગીતાજી જોઈ આશ્ચર્ય પામ્યો ને છબીલા હનુમાનનું દેવળ ભ્રષ્ટ ન કરતાં જેવું ને તેવું રહેવા દીધું ને ત્યાંથી ચાલ્યો ગયો તે આજ દિન સુધી પણ તેવું જ છે.’ (‘સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ’, પાન. ૫૦-૫૧)
સંવત ૧૯૬૫ની સાલ એટલે કે ઇ.સ. ૧૯૦૮માં સિદ્ધપુરમાં મોટું કોમી તોફાન થયું હતું જેમાં ઘણાં માણસો ઘવાયાં હતાં. છેવટે કડી પ્રાંતના તત્કાલિન સૂબા રા. બ. ખાશેરાવજીએ સિદ્ધપુર પહોંચી જઇ આ તોફાનને ડામી દીધું હતું. ત્યારબાદ પણ એક-બે વખત સિદ્ધપુરમાં કોમી દંગલો થયાં હતાં.
‘સંવત ૧૯૧૮ની સાલમાં શ્રીમંત ખંડેરાવ મહારાજા સાહેબની સવારી સિદ્ધપુર પધારી તે વખતે તોફાન થવાથી વહોરા લોકો જોડે કરાર કરેલો છે કે હુતાશની (હોળી)ના તહેવારોમાં ફાગણ વદ ૧ના દિવસે હિન્દુ લોકો ખેલવા નીકળે છે, તે વખતે ઘણો કોલાહલ કરે છે. આ દિવસે હિન્દુ લોકો છબીલા હનુમાને ખેલવા જતાં તે વખતે બીભત્સ શબ્દો ન બોલે તેના માટે સવા રૂપિયો ને એક શ્રીફળ મુસલમાન હિન્દુઓને આપે કે હિન્દુ વગર બોલે ત્યાં જઇ દર્શન કરી પાછા આવે, આ પ્રમાણે આજદિન સુધી ચાલે છે.’ (‘સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ’, પાન. ૫૧-૫૨)
અગાઉ આ છબીલા હનુમાનનો વહીવટ હિન્દુ મહાજન હસ્તક હતો પણ છેલ્લા બે દાયકા જેટલા સમયથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને એનો કારોબાર બલબીર ચેરિટેબલ ટ્રસ્ટ સંભાળે છે. બલબીર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાન કાર્યકરો દ્વારા કાળી ચૌદસની વહેલી પરોઢે અજાન થાય તે પહેલાં હનુમાનદાદાને થાળ ધરાવવામાં આવે છે. આ થાળમાં જીરાવાળાં, મોળાં, તીખાં, અજમાવાળા એમ વિવિધ પ્રકારના વડાં તેમજ દૂધપાક, ખીર, પંચકણિયું શાક, ભીંડાનું શાક, પુરી, રોટલી, પૂરણપોળી, રાયતું, તળેલા પાપડ વિગેરેનો ભોગ હનુમાનજીને ધરાવવામાં આવે છે. આ થાળ તૈયાર કરીને કોઇની પણ દ્રષ્ટિ ન પડે તે રીતે ઢાંકીને મંદિર સુધી લઈ જવાય છે. આ થાળ વારાફરતી કોઈ એક વ્યક્તિના ત્યાં તૈયાર કરવામાં આવે છે. હનુમાનદાદાને ભોગ ધરાવ્યા બાદ આરતી પતે પછી દર્શનાર્થીઓને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. આ વહેંચણી જ્યાં સુધી પ્રસાદ પહોંચે ત્યાં સુધી થાય છે પણ સાથોસાથ સંચળ ભભરાવેલા બાફેલા ચણા પણ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. શનિવારે ચણા ન ખવાય એવી માન્યતા હોવા છતાં પણ જો કાળી ચૌદસ શનિવારે આવતી હોય તો ભાવિક ભક્તો હોંશે હોંશે આ ચણાનો પ્રસાદ ખાય છે. કાળી ચૌદસના દિવસે બપોરે એક પળીનો હવન કરવામાં આવે છે અને રાત્રે હનુમાનદાદાના સ્થાનકથી માંડીને છેક જમચકલા સુધી રોશની કરી શણગાર કરવામાં આવે છે.
હનુમાન જયંતિના દિવસે પણ બલબીર ગ્રુપ દ્વારા અહીંયાં હવનનું આયોજન કરવામાં આવે છે. તે દિવસે પણ જમચકલાથી મંદિર સુધીનો રસ્તો શણગારવામાં આવે છે. યજ્ઞના પ્રસાદ તરીકે મહાપ્રસાદ વહેંચાય છે. આમ, છબીલા હનુમાનદાદાની પલ્લી એ સિકોતર માતા, ખડાલીયા હનુમાન કે કનકેશ્વરી માતાની પલ્લી કરતાં જુદી પડે છે.
બલબીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુરાણા મંદિરનો જીર્ણોદ્ધાર શ્રી સંદીપભાઈ સી. ભટ્ટની આર્થિક સહાયથી કરાયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બલબીર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો એનો વહીવટ સંભાળે છે, મંદિરના જીર્ણોદ્ધાર ઉપરાંત ત્યાં ક્લોઝ્ડ સરકીટ ટીવી કેમેરા તેમજ એરકંડિશનર પણ નાખવામાં આવ્યું છે. સિદ્ધપુર શહેરના શ્રદ્ધાળુઓમાં જૂની વહોરવાડમાં બિરાજતા અતિપ્રાચીન એવા છબીલા હનુમાનદાદાનાં દર્શનનું આકર્ષણ વધતું જાય છે. શ્રી છબીલા હનુમાનદાદાને ચઢાવેલું સિંદુરવાળું તેલ હાડકાંનાં દુ:ખાવા ઉપર લગાવવામાં આવે તો એમાં ખૂબ રાહત રહે છે એવી લોકચર્ચા છે. આમ, છબીલા હનુમાનદાદાને ચઢાવેલું તેલ નકામું નથી જતું પણ એનો ઉપયોગ કોઈનું દરદ મટાડવા માટે થાય છે.
અગાઉ જણાવ્યું તેમ હિન્દુ મહાજન અને વહોરા કોમ વચ્ચે ગાયકવાડનાં જમાનામાં થયેલ સમજૂતી મુજબ ધજા ધૂળેટીના દિવસે ચઢાવવામાં આવતી પણ બલબીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર વિધિને શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચાર સહિત બપોરે ૧૨.૩૯ના વિજય મુહૂર્તે ભગવાનને પલ્લીના દિવસે ધજા ચઢાવવાનું શરૂ કર્યું જે છેલ્લાં વીસ વરસથી ચાલુ છે. પરિણામ સ્વરૂપ ધૂળેટીના દિવસે ચઢાવાતી ધજા કરતા પલ્લીના દિવસે કરવામાં આવતી શાસ્ત્રોક્ત વિધિ સમેત ધ્વજારોહણ વધુને વધુ લોકપ્રિય બનતું થાય છે.
આ લેખ સાથે સિદ્ધપુર શહેરની પલ્લી વિષેની લેખમાળા પૂરી થશે. સિદ્ધપુરના મંદિરોમાં પલ્લી અને પાટોત્સવની ઉપલબ્ધ વિગતો ઉપરથી તૈયાર કરેલ માહિતી નીચે મુજબ છે.
સિદ્ધપુર નગરના મુખ્ય દેવસ્થાનોમાં ઉજવાતી પલ્લીની તિથી
(૧) શ્રી ગણપતિનું મંદિર – ગણપતિની ખડકી (કાળા ભટ્ટના મહાડ પાસે) – આસો સુદ ૪
(૨) શ્રી જડીયાવીરનું મંદિર – ભાટવાડો – આસો સુદ ૫
(૩) શ્રી સિકોતર માતાનું મંદિર – પશવાદળની પોળ – આસો સુદ ૬
(૪) શ્રી કનકેશ્વરી માતાનું મંદિર – ખીલાતર વાડો – આસો સુદ ૭
(૫) શ્રી વારાહી માતાનું મંદિર – વારાહીનો મહાડ – આસો સુદ ૭
(૬) શ્રી સહસ્ત્રકળા માતાનું મંદિર – લાલપુર – આસો સુદ ૮
(૭) શ્રી મલાઇ માતાનું મંદિર – ઝાંપાની ખડકી - આસો સુદ ૮
(૮) શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર – લક્ષ્મીપોળ - આસો સુદ ૯
(૯) શ્રી ખડાલીયા હનુમાનજી મંદિર – રાજપુર - આસો સુદ ૧૪
(૧૦) શ્રી છબીલા હનુમાનજી મંદિર – વહોરવાડ - આસો સુદ ૧૪
સિદ્ધપુર નગરના મુખ્ય દેવસ્થાનોના પાટોત્સવની તિથી
(૧) શ્રી ગોવિંદ માધવનું મંદિર – ગોવિંદ માધવ મહાડ– મહા સુદ ૧૩
(૨) શ્રી અંબે માતાનું મંદિર – અંબાવાડી – મહા વદ ૧
(૩) શ્રી સરસ્વતી માતાનું મંદિર – નદી રોડ – માગસર સુદ ૫
(૪) શ્રી બહુચર માતાનું મદિર – દેસાઇનો મહાડ – અષાઢ સુદ ૨
(૫) શ્રી ભદ્રકાળી માતાનું મંદિર – કાળાભટ્ટનો મહાડ – આસો વદ ૫
(૬) શ્રી હરસિદ્ધ માતાનું મંદિર – વારાહીનો મહાડ – આસો વદ ૩
(૭) શ્રી વારાહી માતાનું મંદિર – વારાહીનો મહાડ – આસો સુદ ૭
(૮) શ્રી સિદ્ધેશ્વરી માતાનું મંદિર – કોઠારી વાસ – અષાઢ વદ ૫
(૯) શ્રી અન્નપૂર્ણા માતાનું મંદિર – વેદવાડો – મહા વદ ૭
(૧૦) શ્રી ઘારંબા માતાનું મંદિર – પટેલ લોકનાં મહાડ સામે – આસો સુદ ૧૨
(૧૧) શ્રી બ્રહ્માણી માતાનું મંદિર – જોષીની ખડકી – આસો સુદ ૧૫
(૧૨) શ્રી કનકેશ્વરી માતાનું મંદિર – ખીલાતર વાડો – જેઠ વદ ૧૦
(૧૩) શ્રી વહેવરભવાની માતાનું મંદિર – વહેવર વાડો – શ્રાવણ સુદ ૫
(૧૪) શ્રી હીંગળાજ માતાનું મંદિર – ભાટવાડો
(૧૫) શ્રી ખોડિયાર માતાનું મંદિર – ખારવાડો – મહા સુદ ૮
(૧૬) શ્રી તુળજાભવાની માતાનું મંદિર – ગોવિંદ માધવ મહાડ – મહા સુદ ૧૨
(૧૭) શ્રી વારૂણી માતાનું મંદિર – ખારપાડાની બારી પાસે – આસો વદ ૮
(૧૮) શ્રી સત્યનારાયણનું મંદિર – હનુમાન ગલી – ફાગણ સુદ ૨
(૧૯) શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર – લક્ષ્મીપોળ – પોષ સુદ ૨
(૨૦) શ્રી રણછોડરાયજીનું મંદિર – મંડી બજાર – મહા સુદ ૭
(૨૧) શ્રી રાધાકૃષ્ણનું મંદિર – મંડી બજાર – ફાગણ વદ ૫
(૨૨) દત્તાબાપાનું મંદિર – ધોળાભટ્ટનો મહાડ – શ્રાવણ વદ ૫
(૨૩) શ્રી ભૂલેશ્વર મહાદેવનું મંદિર – ધોરીપોળ – ૧૭-૫
(૨૪) શ્રી આશાપુરા માતાનું મંદિર – ઉપલી શેરી – આસો વદ ૧૩
(૨૫) શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર – બિંદુ સરોવર રોડ – મહા સુદ ૮
ઉપરોક્ત માહિતી અલગ અલગ સૂત્રોમાંથી ભેગી કરવામાં આવી છે એટલે ક્યાંક ક્ષતિ રહી જતી હોય અથવા કશું ઉમેરવા જેવું લાગે તો ધ્યાને મૂકી આ માહિતી શક્ય તેટલી અદ્યતન બને તે માટે વિનંતી છે.