ચવેલીના નારાયણમાંથી સ્વામી જનાર્દનતીર્થ ગુરુશ્રી પુરુષોત્તમતીર્થ બન્યા
ગુરુનાં પગલાં અથવા સ્વામી શ્રી જનાર્દનતીર્થજી આશ્રમ જેમની પુણ્ય સ્મૃતિમાં સ્થપાયો છે તે સ્વામીશ્રી જનાર્દનતીર્થજીનો જન્મ ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં ચાણસ્મા તાલુકાના ચવેલી નામના એક નાનકડા ગામમાં, ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિના ઉચ્ચ સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનાં પૂર્વાશ્રમનું નામ નારાયણ હતું. તેમનાં માતુશ્રી પૂજ્ય કાશીબા તથા પિતાશ્રીનું નામ પુરુષોત્તમ હતું. તેઓશ્રીના શરીરની ઉજ્જવળ ક્રાંતિ જોઈ માતા-પિતા મોહમુગ્ધ બનેલાં તે વખતે અચાનક પધારેલા પૂજ્ય અનુભવાનંદ સ્વામીશ્રીએ જણાવેલું કે, ‘યોગ ભ્રષ્ટોભિજાયતે’ આ તો યોગભ્રષ્ટ મહાન યોગીરાજ છે. તેમની જન્મકુંડળી પણ સ્વગૃહી ઉચ્ચ સ્થાનો ભોગવતાં ગ્રહોવાળી હોઇ પરમત્યાગી જીવન્મુક્તના લક્ષણોને વ્યક્ત કરતી હતી. તેમની પ્રતિભા એક વિદ્વાન મહાપુરુષ જેવી હતી. આઠ વરસની ઉંમરે વેદોક્ત વિધિથી યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો, બાર વરસ સુધી ગુજરાતી ભાષાનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી સંસ્કૃત ભાષાના જ્ઞાન માટે તેઓશ્રી અમદાવાદ પધાર્યા. તેમની કુશાગ્ર બુદ્ધિને લઈ એકવારના પઠન માત્રથી દરેક જ્ઞાન કંઠસ્ઠ થતું, પરંતુ અહીંયાં શાસ્ત્રજ્ઞાનની ભૂખ સંતોષાઈ નહીં. તેથી કાશીક્ષેત્રમાં ઊંડા અભ્યાસ માટે પ્રયાણ કર્યું. ત્યાં તેઓશ્રીએ કર્મ, ઉપાસના અને જ્ઞાન વિષે સંપૂર્ણ અનુભવ પ્રાપ્ત કર્યો. ત્યારબાદ ભારતના મહાન ગણાતા તીર્થક્ષેત્રોમાં પ્રવાસ કરી, દર્શન-સત્સંગનો લાભ મેળવી પોતાના વતનમાં પધાર્યા.
સિદ્ધપુરમાં તેમના વસવાટ દરમ્યાન દ્વારકા, પંઢરપુર, રામેશ્વર તથા જગન્નાથપુરી જેવાં અનેક તીર્થક્ષેત્રોનો પ્રવાસ કર્યો. યોગજ્ઞાનના રહસ્ય માટે મથતા આ પુણ્યાત્માએ નર્મદા કિનારે આવા ઉચ્ચ કોટિના મહાન યોગેશ્વરની શોધમાં ભ્રમણ અને વસવાટ કર્યો. નેતિ, ધોતિ, ત્રાટક, આસન વગેરે હઠયોગની ક્રિયાઓનો પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ વતનમાં પાછા ફર્યા ત્યારે મોઢેરા ગામમાં પોતાની જ્ઞાતિની એક કન્યા સાથે તેમનું સગપણ પણ નક્કી કર્યું પરંતુ દ્રઢ વૈરાગ્યથી પ્રેરિત આ વિરક્ત આત્મા એક દિવસ પોતાની વાગ્દત્તાને ત્યાં જઇ તેને પોતાની ધર્મની બહેન તરીકે જાહેર કરી. પોતે ભાઈ તરીકે સાકરનો પડો આપી ચૂંદડી ઓઢાડી આવ્યા. સાથે જ આગળનું જીવન બ્રહ્મચર્ય પાળવાનો દ્રઢ નિર્ણય કર્યો. થોડોક સમય અમદાવાદ પૂજ્યપાદ સરયૂદાસજી મહારાજ પાસે રહ્યા. અને ત્યારબાદ એકાંતિક ધ્યાન ભજન કરવા માટે ઋષિકેશ તીર્થમાં લક્ષ્મણઝુલા પાસે ગરુડ ચટ્ટીની ઉપર એક કુટીર બનાવી આત્મચિંતન અર્થે નિવાસ કર્યો. કેટલાક દિવસો બાદ ઉત્તર કાશીમાં મહાન યોગીરાજ શ્રી તારકાનંદજી પાસે પહોંચી તેમની સમીપ રહેવા લાગ્યા. ત્યાં સુધીમાં પૂર્વાશ્રમનું નામ નારાયણ જ ચાલુ રહ્યું. સર્વે એષણાઓનો પરિત્યાગ થતો ગયો. તત્વજ્ઞાનની પ્રાપ્તિ, વાસનાક્ષય અને મનોનાશના કારણે જીવનમુક્તિનો વિલક્ષણ આનંદ પ્રાપ્ત કરવા હવે વિધિવત સન્યસ્ત ધારણ કરવાની ઉત્કટ ઈચ્છા જાગૃત થઈ. આ ઈચ્છાને અનુસંધાને નર્મદા તટે ભાલોદ મુકામે નિવાસ કરી રહેલા મહાત્મા શ્રી પુરુષોત્તમતીર્થજીને તેમણે પોતાને સન્યસ્ત દીક્ષા આપવા વિનંતી કરી. આ પહેલાં પોતાના શિષ્યની યોગ્ય ચકાસણી કરી પુરુષોત્તમદાસજી સિદ્ધપુર પધાર્યા. સંવત ૧૯૭૧ના મહા વદ પાંચમના શુભ મુહૂર્તે સિદ્ધપુરમાં પુણ્યસલીલા સરસ્વતી નદીના કિનારે વેદોક્ત વિધિપૂર્વક સન્યસ્ત દીક્ષા ધારણ કરી. હવે તેઓનું સંસારી નામ નારાયણ પાછળ છૂટી ગયું અને તે દિવસથી સ્વામી જનાર્દનતીર્થ ગુરુશ્રી પુરુષોત્તમતીર્થ નામે તેમની ઓળખ શરૂ થઈ. દીક્ષા પછીનો પહેલો ચાતુર્માસ ગુરુની નિશ્રામાં પસાર કરી તેઓશ્રી પરત સિદ્ધપુર પધાર્યા અને સરસ્વતી તીરે એક પર્ણકુટી બાંધી આત્મધ્યાનમાં મગ્ન બન્યા. અનેક લોકો તેમનાં દર્શને આવવા લાગ્યા.
એક રાત્રે ચોરોએ તેમની પર્ણકુટીમાં પેસી તેમને સતાવ્યા. ‘નાણાં ક્યાં છે?’ એવી માગણી કરી નાણાંના લોભે તેમના શરીરે દીવાસળીઓ સળગાવી દાહ કરવા લાગ્યા. તે વખતે મહારાજશ્રી ‘નારાયણ નારાયણ’ એવા મધુર મંદ સ્વરથી ઉચ્ચારણ કરવા લાગ્યા. પોતાના અપરિગ્રહવ્રતથી દ્રવ્ય સંગ્રહ નહીં હોવાથી કંઇ આપી શક્યા નહીં એનો સંકોચ થયો અને અપકાર ઉપર ઉપકાર કરી તેમનું કલ્યાણ ચાહ્યું. ગામમાં આ વાતની જનતાને જાણ થતાં તેમણે સારા રહેઠાણની જોગવાઈનો વિચાર કર્યો. તેના પરિણામે સિદ્ધપુર ક્ષેત્રની ઉત્તરમાં, રાજપુર પાસેના એકાંત સ્થાનમાં જમીન લઈ પાકું મકાન બનાવ્યું જેથી ભાવિક ભક્તોને દર્શન સત્સંગનો લાભ નિરંતર મળ્યા કરે. આ હેતુથી સ્વામીશ્રીને ત્યાં નિવાસ કરાવ્યો. પરંતુ કેટલાક વખત બાદ દર્શનાર્થીઓનું આવાગમન વધવાથી ‘નિ:સંગતા મુક્તિપદં યતીનાં’ એ ન્યાયે એક રાત્રે બધાને સૂતા મૂકીને પગ રસ્તે ચાલી આબુ પહાડની તળેટીમાં આવેલ પવિત્ર ઋષિકેશ મંદિર પાસે એક વિશાળ ગુફામાં રહીને યોગાભ્યાસમાં આરૂઢ થયા. ત્યાં પણ સિદ્ધપુર વગેરે સ્થળોથી ભક્ત લોકોની આવ-જા થવાથી માઉન્ટ આબુ ઉપર વશિષ્ઠ આશ્રમ પાસેના કઠિન સ્થાનમાં જ્યાં જમદગ્નિ ઋષિએ તપ કર્યું હતું ત્યાંની ગુફાને સુધરાવી એક વરસ સુધી જીવનમુક્તિના અભ્યાસને પરિપક્વ કરતાં, પ્રાણ નિર્વાહ માટે સથ્થુનો ઉપયોગ કરી નિજાનંદના સુખાનુભવમાં કાળક્ષેપ કરવા લાગ્યા.
ભાલોદ મુકામે પોતાના ગુરુશ્રી પુરુષોત્તમાનંદતીર્થ વિદેહ પામ્યા છે તેવું જાણવામાં આવતા તેઓ ત્યાં નર્મદા કિનારે પધાર્યા. ગુરુ મહારાજની આરાધનામાં બ્રહ્મભોજન, સાધુ સંતોને ભિક્ષા તથા મહાન ઉત્સવો કર્યા. ત્યાંથી પાછા સિદ્ધપુર પધારી પૂજ્યપાદ વયોવૃદ્ધ ભક્ત મહારાજશ્રી કેવળરામ મહારાજને જેમનું ચિત્ત સંસારથી ઉપરામ પામ્યું હતું તેમને દંડ ધારણાદિ સન્યાસ દીક્ષા આપી. તેમને પૂજ્ય સ્વામી વિષ્ણુતીર્થ ગુરુશ્રી જનાર્દનતીર્થ નામ ધારણ કરાવી ગુરુપદ સ્વીકાર્યું. પુન: પોતાના બંધાવેલા આશ્રમમાં એક વરસ સુધી નિવાસ કર્યો. બાદ ઊંઝાના કેટલાક ગૃહસ્થો તથા મુમુક્ષુઓની માગણી સ્વીકારી ચાતુર્માસ અર્થે તેઓશ્રી સંવત ૧૯૭૪માં ઊંઝા મુકામે પધારી નમેણ માતાના સ્થાનમાં રહેવા લાગ્યા. અને ભાવિક ભક્તોને દિવ્ય સત્સંગનો લાભ આપ્યો. ત્યાંથી તેઓશ્રી સિદ્ધપુર પધાર્યા અને કેટલોક વખત નિવાસ કર્યા બાદ ઉત્તરાખંડમાં હિમાલય પહાડના પવાલી શિખરની વશિષ્ઠ ગુફામાં નિવાસ કર્યો. ત્યાં આત્મનિષ્ઠા પારાયણ રહી કેવળ સથ્થુથી શરીર નિર્વાહ કરી તીવ્ર તપશ્ચર્યામાં ત્રણ વરસ વ્યતિત કર્યા.
પ્રારબ્ધાનુસાર ત્યાંથી કાશ્મીર રાજ્યમાં વિચરવાની ઈચ્છા થવાથી પગ રસ્તે શ્રીનગર તરફ પ્રયાણ કર્યું. તે સમયે રા. રા. શ્રી પ્રતાપસિંહજી મહારાજા ગાદી ઉપર બિરાજમાન હતા. રાજાજીને સંતસેવાનો તથા ધાર્મિક પ્રશ્નોના સમાધાન મેળવવાનો પ્રેમ હતો. તેથી દરેક ચાતુર્માસ ઉપર સાધુસંતોને આમંત્રણ આપી બોલાવવામાં આવતા. ઉતારા વિગેરેનો પ્રબંધ થતો અને અનુકૂળ સમયે જ્ઞાનચર્ચા સત્સંગ તથા શાસ્ત્ર શ્રવણ વિગેરેનો લાભ લેતા હતા. એક વખતે તેમણે યોગ સંબંધી પ્રશ્ન સંત મહાત્માઓની સભામાં કર્યો પણ તેનો યોગ્ય ખુલાસો મળ્યો નહીં ત્યારે પધારેલ દરેક મહાત્માઓની આજ્ઞા મેળવી ‘અભિમાન સુરાપાન ગૌરવ ઘોર રૌરવ. પ્રતિષ્ઠાયાં સુકરીમ વિષ્ટા ત્રિણું ત્યકત્વા સુખીમ ભવેત’ આ શ્લોક બોલી સ્વામીશ્રીએ એવો તો યથાર્થ ખુલાસો સચોટ અને સારી રીતે આપ્યો કે જેથી રાજાજી ઘણા પ્રસન્ન થયા. તેમની સવિનય પ્રેમયુક્ત માગણીથી તેઓશ્રી કાશ્મીરમાં સંવત ૧૯૮૧માં ચાતુર્માસ નિમિત્તે રહ્યા ને દિવ્ય જ્ઞાનનો ઉપદેશાત્મક પરમ લાભ આપ્યો.
પૂ. મહારાજશ્રી જ્યારે કાશ્મીરમાં બિરાજી રહ્યા હતા ત્યારે સિદ્ધપુરથી કેટલાક ભક્તો મહારાજશ્રીના દર્શને કાશ્મીર પધાર્યા ત્યારબાદની વિગતો હવે પછી જોઈશું.