પોતાના બાપને ઘેર દીકરી તો સાક્ષાત જગતજનની દુર્ગા કે મા લક્ષ્મીનો અવતાર છે જેના પગલે પગલે કંકુ ઝરે છે.
જગજનની આજે તો દીકરી થઇ આવતી
બાપૂના ઘેર મહિયરમાં
તુષાર શુકલ મારા પ્રિય કવિઓમાંના એક છે. કોઈ પણ વિષયની એમની માવજત અને શબ્દો શોધી શોધીને એના થકી રજૂ થતી નજાકત તુષાર શુકલની વિશેષતા છે. માનવીય સંબંધો અને એની સંવેદનશીલતા ખૂબ લડાવીને જે રીતે તેઓ રજૂ કરે છે એ લાગણીના અતળ ઊંડાણમાં છેક હ્રદય સુધી પહોંચે છે. દીકરો અને દીકરાની વહુ હવે કામ કરતાં થયા છે. સફળ તો છે પણ સમય નથી એની સંવેદના તુષાર શુકલ અદભૂત રીતે રજૂ કરી શકે. તો ક્યારેક કોઈ એવો કાર્યક્રમ જે સાચા અર્થમાં ધર્માદા છે અને જેને અંતે પેલું પુરસ્કારવાળું કવર નથી મળવાનું એવા કાર્યક્રમમાંથી કવિરાજ પરત ઘરે પહોંચે ત્યારે એ કળી જનાર એક્સ રે દ્રષ્ટીવાળા એમના ધર્મપત્ની વિષે પણ અત્યંત સરળ રીતે, કોઈ દંભ વગર દિલના દરવાજા સાવ ખુલ્લા મૂકીને વાત કરી શકે એનું નામ તુષાર શુકલ.
આજે એમની એવી જ એક રચનાની વાત કરવી છે.
વાત છે એક દીકરી, જેનું પાત્રચિત્રણ થાય છે દેવાધિદેવ મહાદેવની પત્ની તરીકે.
આવી આ મા પાર્વતિ, મા દુર્ગા એટલે દીકરી પિયર પધારી રહી છે.
આ એના બાપનું ઘર છે.
જે ઘર, જેનું આંગણું, જ્યાં રમીને એ મોટી થઈ
હજુ ગઈ કાલે જ જાણે પોતાની હયાતીના હસ્તાક્ષર જેવા કંકુના થાપા મારીને એ સાસરે ગઈ હતી.
આજે દીકરી બાપને ઘરે આવે છે ત્યારે જાણે બધુ પારકું લાગે છે.
કવિ કહે છે –
“જાણીતું તોય અણજાણ્યું આ આંગણ ને ઉંબર પણ ઓળખાણ માગે
દીકરીની આંખ ફરી વળતી પળવારમાં જે છેડીને ગઇ'તી એ ઘરમાં
જગજનની આજે તો દીકરી થઇ આવતી
બાપૂના ઘેર મહિયરમાં.
આજ દુર્ગા ડગ માંડે ધરતી પર
કંકુ પગલાં પડે છે પૃથ્વી પર.”
દીકરી ઘરે આવી એટલે એક વ્યવહાર ગણો કે પછી જમાઈ પ્રત્યેનો અહોભાવ
અને દેવાધિદેવ મહાદેવ જેના જમાઈ હોય એને તો આવો અહોભાવ હોય જ
એટલે સાહજિક રીતે કોઈ પણ માની માફક દીકરીને પૂછાય છે –
“મારા જમાઈને લાવી ના સાથે?”
દીકરીનો જવાબ ઘણું બધુ કહી જાય છે.
બાપ અને દીકરીના એ સંબંધની આખીય તિજોરી ખૂલી જાય છે.
દીકરી માટે બાપ અને બાપ માટે દીકરી શું છે એ વાત સ્પષ્ટ થઈ જાય છે.
દીકરી કહે છે કે મારે કેટલીય વાત કરવી છે બાપુ સંગાથે
ઘણી બધી વાતો એણે બાળપણમાં પણ પિતા સાથે કરી હતી આજે પણ મનની વાત વાતોની એ ગાંસડી પિતા પાસે જ ખોલવી છે.
આમાં દીકરીનો પિતા માટેનો પ્રેમ અને અહોભાવ તેમજ વિશ્વાસનો ત્રિવેણી સંગમ દેખાય છે.
અને ત્યારબાદ એની વાતનો વિસામો છે એની સહિયર
મન મૂકીને એને સહિયર સાથે ગોઠડી માંડવી છે.
આવી દીકરી...
સાક્ષાત લક્ષ્મીનો અવતાર
જેના જનમને આપણે લક્ષ્મીજી પધાર્યા કહીને વધાવીએ છીએ
સાક્ષાત મા જગતજનની દુર્ગાનો અવતાર
જેના પગલે પગલે કંકુ ઝરે છે
એની દીકરી આજે પિયરમાં પગલાં માંડી રહી છે.
કવિએ ભલે આ આખોય પ્રસંગ મા પાર્વતિ, મા દુર્ગાની આસપાસ ઊભો કર્યો છે પણ જમાઈ મહાદેવ મળે કે ન મળે પોતાના બાપને ઘેર દીકરી તો સાક્ષાત જગતજનની દુર્ગા કે મા લક્ષ્મીનો અવતાર છે જેના પગલે પગલે કંકુ ઝરે છે.
અને...
બાપના ઘરનું, એના પિયરનું આંગણું ધન્ય બને છે.
કવિ તુષાર શુકલની આ રચના જેના ઘેર દીકરી છે એ સહુને લાગણીમાં તરબતર કરી દે તેવી છે.
મને કદાચ એટલે જ ગમી કારણ કે...
મારા ઘરે એક દીકરી અને બે પૌત્રીઓ એમ ત્રણ ત્રણ જગતજનની દુર્ગાની કૃપાનું અમીઝરણા સતત વહ્યા કરે છે.
કવિના શબ્દોમાં જ –
“જગજનની આજે તો દીકરી થઇ આવતી
બાપૂના ઘેર મહિયરમાં
આજ દુર્ગા ડગ માંડે ધરતી પર
કંકુ પગલાં પડે છે પૃથ્વી પર”