ખામોશી સે ભી હોતે હૈ નેક કામ
મેને દેખા હૈ પેડોં કો ભી છાયા દેતે હુએ
કેટલીક વાતો માત્ર આપણા અને આપણા માટે જ હોય છે. મનના એ અગોચર વિશ્વમાં કોઈને પ્રવેશ નથી હોતો. આ બાબતને લઇને કેટલાક મુદ્દાની ચર્ચા કરી. વાતને આગળ વધારીએ.
આમ તો પત્ની સહધર્મચારિણી છે, એનાથી કશું છુપાવવું ના જોઈએ પણ એમાં એક અપવાદ કરવા જેવો ખરો. તમારા ધંધાની અથવા જ્યાં નોકરી કરો છો ત્યાંની વાતો રજેરજ ક્યારેય પત્ની સાથે ચર્ચા કરવી નહીં. સરકારી અફસરો કે કર્મચારીની પત્નીઓ એમના પતિની ઓફિસમાં શું ચાલે છે તેની વાતો ક્યારેક ના કરવા જેવી જગ્યાએ કરી બેસતી હોય છે. ખાસ કરીને કર્મચારી વસાહત અથવા અધિકારીઓ જ રહેતા હોય તેવી સોસાયટીઓમાં મેં આવું બનતું જોયું છે. ક્યારેક કોઈ કારણ ઊભું થાય તો ઉપરી અધિકારી પાસેથી સાંભળવું પણ પડે. ક્યારેક આપણા સહકર્મચારીને ઉપરી અધિકારી પાસેથી ઠપકો મળ્યો હોય, આવી વાતો ઘરે કરવાથી એ ક્યાંકને ક્યાંક મહિલામંડળની ચર્ચાઓમાં પહોંચી જાય છે અને પછી જેને આ વાત ના કરવાની હોય તેના સુધી એ પહોંચે છે. બે જીગરજાન મિત્રો વચ્ચેની દોસ્તી ક્યારેક આવા ક્ષુલ્લક કારણોસર નંદવાઈ જતી હોય છે. ધંધામાં પણ તમારાં આયોજનો હોય, તમે કંઈક નવું કરવા ધારો છો, કોઈક નવું સાહસ આકાર લઇ રહ્યું છે, તો એને સમયે ઘરે ચર્ચવા નહીં, તેનું કોઈ મહત્વ નથી. ક્યારેક હરખને હરખમાં આ વાત બહાર પડી જશે તો? કોઈક એમાં પથરો નાખવા માંગતુ હોય તો એને તક મળશે. બીજું, જો કોઈ કારણસર તમે કરવા ધારેલ કામ નહીં થાય તો કામ વગરના શરમાવાનું થશે. આથી ઊલટું તમારે કોઈ મુશ્કેલી કે નાણાંભીડ હોય તે વાત પણ શક્ય હોય ત્યાં સુધી તમારી પાસે જ રાખો. તમારી આવક અને આયોજનો તેમજ ધંધાની નાણાંભીડ કે મુશ્કેલીઓ કે અન્ય પ્રશ્નો જીરવી જતાં શીખો.
તમે કોઈને દાન કે મદદ કરો છો તો તે જાહેર કરશો નહીં. આપણા મનનો ઉમંગ હતો તે મદદ કરી. એવું કહ્યું છે કે –
ખામોશી સે ભી હોતે હૈ નેક કામ
મેને દેખા હૈ પેડોં કો ભી છાયા દેતે હુએ
ઈશ્વર આપણને અનેક વસ્તુઓ આપે છે. કરોડો બોટલ બીસ્લેરી જેવું શુદ્ધ પાણી ગણતરીની મિનિટોમાં વરસી જાય છે. સૂરજ ઉર્જા અને પ્રકાશ પણ આપે છે. અબજો લિટર ઓક્સિજન હવામાંથી શ્વાસમાં ભરીને આપણે ફરીએ છીએ. ચંદ્ર મધુર ચાંદની રેલાવે છે. વૃક્ષો ફળ-ફૂલ, છાયા અને લાકડું આપે છે. પંખીઓ સરસ મજાનું ગાન કરીને આપણું મન પ્રફુલ્લિત કરી દે છે. ભગવાન આ બધું આપણને સાવ મફતમાં આપે છે. જો એનું બિલ મોકલે તો? પણ એ નથી મોકલતો. એની સરખામણીમાં તમે કેટલું વરસી જાઓ છો? એક ટ્રાઇસિકલ આપે અને ચાર જણા ફોટા પડાવે. બહાનું એવું કરવાનું કે એનાથી બીજાને પ્રોત્સાહન મળે. થોડું-ઘણું વજૂદ હશે આ વાતમાં, પણ બીજાને પ્રોત્સાહન મળે એવાં નાનાં-મોટાં દાન પ્રસિદ્ધિનો ફુલહાર આપણા ગળામાં પહેર્યા વગર ના થઈ શકે? ઉત્તરાયણ વખતે તલની લાડુડીમાં ચાંદીનો સિક્કો મૂકીને દાન કરવાનો રિવાજ હતો જે ગુપ્તદાન કહેવાતું. સાચું દાન એ છે જેમાં જમણો હાથ આપે તે ડાબાને ખબર ના પડે.
તમારી લાગણીઓ ઘવાઈ હોય, ક્યારેક કોઈએ અપમાન કર્યું હોય, ભૂતકાળમાં તમારા સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોય, તો આવી વાતો કોઈની પાસે કરવી નહીં. બહુ જ લાગણી બતાવીને કેટલાક માણસો આ બધું જાણી લેવામાં નિષ્ણાત હોય છે. અને તમારાથી જેવા છૂટા પડે કે ક્યાંક તમારી દુઃખતી રગ છતી કરે કરી દે છે. અમુકના દિકરાની સગાઇ તૂટી ગઈ, છોકરીને સાસરિયાઓએ કાઢી મૂકી છે, નોકરીમાં કોઈ ભૂલ બદલ નીચી પાયરીમાં ઉતારી દેવાયા છે, આ બધા અંગત જખમ કોઈની પાસે ખુલ્લા કર્યા તો આ દુનિયાનો રિવાજ છે તેના પર મરચું-મીઠું ભભરાવવાનો. એટલે જ આગળ કહ્યું તેમ કવિ અનામીને અનુસરવાનું અને યાદ રાખવાનું કે આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી.
ઘણીવાર મનનો બોજ હળવો કરવા માટે લાગણીના આવેશમાં કોઈને કહેવાઇ ગયેલ આવી વાતો સૂકા ઘાસમાં મુકવામાં આવેલ અગ્નિની માફક ફેલાઈ જતી હોય છે અને સરવાળે આપણે માનસિક પીડા સહન કરવાની આવે છે. આ દુનિયામાં સહાનુભૂતિ બતાવીને આવી વાતો કઢાવી લેનારા ઘણા હોય છે. આ પ્રકારના તમારા દુઃખમાં કોઈપણ રીતે મદદરૂપ થઇ શકે તેમ ન હોય તેને માત્ર ને માત્ર મનનો બોજ હળવો કરવાને લઈને આવી વાત કહેશો નહીં.
તમારા જીવનના ભૂતકાળની કોઈ ભૂલ અથવા નબળી વાત ભૂલી જ જજો, એને યાદ કરવામાં કોઈ જ મજા નથી. થોડા સમય પહેલાં એક બહુ સિનિયર રાજકારણીએ એમના સન્માન સમારંભમાં વક્તવ્ય શરૂ થતાં જ પોતે કારકિર્દીની શરૂઆત વરલી-મટકાના આંકડા લખવાથી કરી હતી એવો નિખાલસ એકરાર કર્યો. ભલે એમને મન આ એક નિખાલસ કબૂલાત હતી પણ આવી વાત અમુક સ્તરે પહોંચ્યા પછી શોભા દેતી નથી. માણસનો ભૂતકાળ અને ખાસ કરીને એની ભૂલો એનાથી આગળ મુસાફરી કરતી હોય છે. પોતે જ એનો ઉલ્લેખ કરીને પોતાની જાતને નિખાલસ દેખાડવા પ્રયત્ન કરવો નહીં. એનાથી નુકસાન જ થાય છે.
તમે તમારા કામની જવાબદારી રૂપે કોઈ ચર્ચાઓમાં હાજર રહો અને તેમાં કોઇ સંવેદનશીલ મુદ્દાઓ ચર્ચાયા હોય અથવા કોઇ સંવેદનશીલ મુદ્દે કોઈએ પોતાનો અભિપ્રાય આપ્યો હોય તો ક્યારેય આ બાબત જીભ ઉપર લાવવી નહીં. તમે આવી ચર્ચામાં હાજર છો કારણકે તમારામાં વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં તમારી જવાબદારી છે કે એ વિશ્વાસ પર ખરા ઉતરો. આવી ગોપનીય માહિતી કે ચર્ચા અંગે કોઈને પણ જાણ કરવી અને તેથી પણ ખરાબ માધ્યમોમાં આ વાત પહોંચતી કરવી તે યોગ્ય નથી. ફરીવાર આવી કોઈ સંવેદનશીલ વાત ચર્ચાવાની હશે ત્યારે તમારી બાદબાકી થઇ જશે.
આમ, જીવનમાં કેટલીક વાતો એવી છે જે માત્ર ને માત્ર આપણા માટે જ હોય છે, એ વાત કાનથી સાંભળી પછી એને તમારી પેલી ખંભાતી તાળું મારેલી તિજોરીમાં કાળજીપૂર્વક બંધ કરી દો. કોઈ ઉશ્કેરાટની પળોમાં ક્યારેક અગત્યતા મેળવવા માટે કે અન્ય કોઇ કારણોસર આ વાત ક્યારેય બહાર લાવશો નહીં.
એક કહેવત છે,
‘ઘર ફૂટે ઘર જાય’
બહુ ઓછાં એવાં પરિવાર હોય છે જેમાં ક્યારેય કોઇના મનમાં ઊંચાં ના થયાં હોય. એટલે જ કહેવાય છે કે ‘ચાર વાસણ ભેગાં થાય તો ખખડવાનાં જ’. આ વાત બરાબર સમજી લો. તમારો પરિવાર જ તમારી તાકાત છે, એનો સંપ જળવાઇ રહે એ સૌથી વધુ અગત્યનું છે. સંપ ત્યાં જંપ. એટલે કે પરિવારમાં નાની-મોટી મતભેદની વાતો હોય, સાસુ-વહુની ચડભડ હોય, દેરાણા-જેઠાણાના કોઈ પ્રશ્નો હોય કે બાપ-દીકરાને અથવા ભાઈ-ભાઈ કે ભાઈ-ભત્રીજાને ક્યાંક નાની-મોટી ચડભડ થઈ હોય તો એને ઘરના ઉંબરા બહાર ના જવા દો એમાં જ શાણપણ છે. તમે માનતા હશો તેમ બધા તમારા હિતેચ્છુ નથી. ઘરમેળે બેસીને જે વાતનું નિરાકરણ થઇ શકે તે આવા કોઈ બહારના માણસને કહેવાથી થવાનું નથી. ઊલટાનું કેટલાક તો બળતામાં ઘી હોમવાનું કામ કરશે. એવું કહેવાય છે કે પાડોશીનું ઘર સળગતું હોય તો એની ગરમીમાં ટાઢ ઉડાડવાની તક લેનાર પણ હોય છે. માટે પોતાના ઘરની વાત ક્યારેય ઘરના ઉંબરા બહાર કરવી નહીં. કોઈ એ વાત કઢાવવા માંગે તો એને કુનેહથી ચૂપ કરી દેવો.
અને છેલ્લે...
ના કહેતાં શીખો.
તમને અનુકૂળ નથી, તમે પત્ની અને પરિવાર સાથે રાતે દસ વાગ્યાના શોમાં પિક્ચર જોવા જવાના છો, ટિકિટો તમારા ગજવામાં છે. તમે નીકળવાની તૈયારી કરતા હો અને વણનોતર્યો ગમે તેટલો અંગત વ્યક્તિ આવી ચડે તો મક્કમતાથી વિનમ્રતાપૂર્વક એને પૂછી લો કે ભાઈ, જો કોઇ અગત્યનું કામ ના હોય પછી મળીએ? અમે બહાર નીકળીએ જ છીએ. ‘તમે ક્યાં જાઓ છો?’ એ કહેવાની જરૂર નથી. કારણ કે એમાં પણ ક્યારેક વાતનું વતેસર કરનારા પડ્યા હોય છે. પણ ના નહીં કહો અને મનમાં ને મનમાં બળતા રહીને ઘરમાં કજિયો ઘાલશો કે તમારું કામ બગાડશો તો એ માટે તમે જ જવાબદાર છો, બીજું કોઈ નહીં.