Wednesday, February 22, 2017
ગુજરાતી શાળાનું શિક્ષણ સારી રીતે ચાલી રહ્યું હતું. મોટો હાશકારો એ હતો કે એનો કોઈ ભાર અમારા પર નહોતો પડતો. પરીક્ષા આવે એટલે વાંચવું પડે એ અમારી સમજ બહારનો વિષય હતો. આ કારણથી પરીક્ષાનો તણાવ શું કહેવાય એનો અનુભવ મેં એસએસસી પાસ કરી ત્યારસુધી ક્યારેય નથી થયો. સાચા અર્થમાં ભણતર ભાર વગરનું હતું અને બાળકોને રમવા તેમજ ઉંઘવા માટે પૂરતો સમય મળી રહેતો. એ સમયે રમતો પણ બહુ હતી. રજાનો દિવસ અથવા રીસેસ કે પછી શાળા છુટ્યા બાદનો સમય રાજપુર ગામમાં પ્રવેશતાં જ આવતું મહાદેવનું મંદિર કે પછી ખરવાડ બાળકોની ચહલ પહલ અને ચીચીયારીઓથી ગાજી ઉઠતાં. આખું વાતાવરણ જીવંત લાગતું. આજે ગામડું છે રમતો ખોવાઈ છે. મારા વિસ્તારમાં રાજપુર સમેત અનેક ગામના પાદરેથી પસાર થાવ છું ત્યારે જેમ કોઈ ઘટાટોપ વૃક્ષ પર પોતાના માળા એમના એમ છોડી દઈને પંખીઓ ઉડી ગયા હોય અને રોજનો ચીરપરિચીત કલરવ એકદમ શાંત થઈ ગયો હોય તેવું વાતાવરણ આજે ગામડાઓની મુલાકાતે જઈએ છીએ ત્યારે આપણું સ્વાગત કરે છે.
ભાગ્યે જ કોઈ ગામને પાદરે હવે હુતુતુતુ, લંગડી, ખોખો, આંબલી-પીપળી, ગીલ્લી ડંડા જેવી રમતો રમાય છે. બાળકો કાં તો પાનની દુકાન આજુબાજુ ટોળે વળીને ઉભા હોય છે અથવા પછી ઘરમાં ટીવીમાં મોઢુ ઘાલી બેસી રહે છે. ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામે એમને એક નવો સમય પસાર કરવા માટેનો સાથી પુરો પાડ્યો છે. આ બધાને પરિણામે શારીરિક ક્ષમતા વિક્સે તેવું બનતું નથી. મોહલ્લાના નાકે કે ગામને ગાંદરે જવું હોય તો આજનો યુવાન ફટાક દઈને મોટરસાઈકલ કે સ્કુટરને કીક મારે છે. બધું બદલાઈ ચૂક્યું છે. ગામડાનાં પાદરો સૂનાં બન્યાં છે અને મોટાભાગના કિસ્સામાં તો એના ઉપર ગેરકાયદે દબાણોનું એટલું મોટું આક્રમણ થયું છે કે બાળકોને રમવા માટે ગામના ગોંદરે સારું મેદાન હોય તે આજની પરિસ્થિતિમાં લગભગ ભૂતકાળ બની ગયું છે.
ચૂંટણીઓ અને લોકશાહીના બેફામ દુરઉપયોગે આપણને દરેક ગામડામાં માથાભારે દુષણો ઉભા કરી આપ્યાં છે. અમે નાના હતા ત્યારે રાજપુરમાં જેમનું વજન પડે એવા રત્નાભા, હિરાલાલ બાળચંદ, પભાભા (પ્રભુદાસ બાળચંદ), ભગવાનકાકા, વશરામકાકા જેવા આગેવાનો હતા. ગામ ભેગું થાય, કોઈ અગત્યના મુદ્દાની ચર્ચા હોય અને આમાંનો કોઈપણ બોલવા ઉભો થાય તો આખું ગામ એને ધ્યાનથી સાંભળતું. માન અને મર્યાદાનો જમાનો હતો. વડીલોના આદરનો જમાનો હતો. બરાબર ગામ વચ્ચે પરસાળમાં ગાદીતકીયે અઢેલીને પભાભા બેસતા. એમનો કડપ એટલો હતો કે ત્યાંથી પસાર થતી વહુઆરુઓ એમની આમન્યા જાળવતી, બાળક કે યુવાન એમની આગળથી સીટી વગાડતો કે સિનેમાનું ગાયન ગાતો પસાર થઈ શકતો નહોતો (અપશબ્દ બોલવાની વાત તો દૂર રહી). આ પરિસ્થિતિ ઘણાં વરસો સુધી રહી. રત્નાભા એક અત્યંત પ્રતિષ્ઠિત વેપારી હોવા ઉપરાંત જીવ્યા ત્યાં સુધી સિદ્ધપુર નગરપાલિકાના સભ્ય રહ્યા. રાજપુરમાં નગરપાલિકાના ઉમેદવાર નક્કી કરવા માટે ક્યારેય બીજો મત નહોતો ઉપસ્યો. રત્નાભાના ગયા બાદ પહેલીવાર રાજપુર ગામે ચૂંટણીથી પોતાનો પ્રતિનિધિ ચૂંટ્યો. આજે પણ રાજપુર ગામ નગરપાલિકાના પોતાના પ્રતિનિધિઓ સર્વાનુમતે નક્કી કરે છે. છેલ્લા કેટલાંક સમયથી એકાદ-બે આગેવાનોએ આ વ્યવસ્થામાં છીંડા પાડવાનો અને ગામની એકતા તોડવાનો પ્રયત્ન કર્યો છે પણ એમાં ફાવ્યા નથી.
આજના સંદર્ભમાં હું મારી પ્રાથમિક શાળાની વિદ્યાર્થી અવસ્થાનું રાજપુર જેવું ગામડું જોવું છું ત્યારે એક વસ્તુ ઉડીને આંખે વળગે છે. ગ્રામ પંચાયત, સેવા સહકારી મંડળી, દૂધ મંડળી, ખેતી બેંક, એપીએમસી, જીલ્લા સહકારી બેંક, ક્રેડીટ સોસાયટી, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને વિધાનસભા તેમજ લોકસભા આમાંથી કોઈને કોઈ ચૂંટણી દર ચાર-છ મહિને ઉડતી મુલાકાતે આવી જાય છે. લોકશાહી વ્યવસ્થા એ ઉત્તમ વ્યવસ્થા છે પણ આપણે ત્યાં લોકશાહી વ્યવસ્થાના ઓઠા હેઠળ કોમવાદ, જ્ઞાતિવાદ, રાજકીય પક્ષ વિગેરે તડાંએ ગ્રામ્ય સમાજને એવો તોડી નાંખ્યો છે કે આજે કોઈ સજ્જન માણસ આગળ આવવા તૈયાર થતો નથી. ગ્રામસભામાં એક લબરમૂછીયો યુવાન પણ ઉભો થઈને ગામના આગેવાનને સંભળાવી દે છે “તમારી નેતાગીરી તમારા ઘેર રાખો. ઓંય તમારે ડહાપણ ડોળવાની કોઈ જરુર નથી.” આ કારણથી ગ્રામસભામાં મોટાભાગે સારા માણસો હાજરી આપવાનું અને બોલવાનું ટાળે છે. વારંવાર આવતી ચૂંટણીઓએ ભાઈઓ-ભાઈઓ વચ્ચે વેરઝેરનાં બીજ રોપ્યાં છે અને રાજકારણ છેક રસોડા સુધી પહોંચી ગયું છે. ક્યારેક સરપંચ બનવું હોય તો જેની પાસે સો-દોઢસો મતોનું પોટલું હોય એવા બુટલેગરને પણ મનાવવો પડે એવી દશા આ લોકશાહી લઈ આવશે એવું કદાચ બંધારણના ઘડવૈયાઓની કલ્પનામાં પણ નહીં હોય.
હા, એક માણસે આ આગાહી કરી હતી. એ હતો બ્રિટનનો લોકપ્રિય પૂર્વ વડાપ્રધાન વીન્સ્ટન ચર્ચીલ. બ્રિટીશ પાર્લામેન્ટમાં ભારતને સ્વતંત્રતા આપવા માટેની દરખાસ્ત ઉપરની ચર્ચામાં ભાગ લેતાં ચર્ચીલે કંઈક આવું કહ્યું હતું –
"Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low caliber and men of straw. They will have sweet tongues and silly hearts. They will fight among themselves for power and India will be lost in political squabbles"
Winston Churchill in British Parliament on India Independance Act moved by Prime Minister Clement Atlee.
આનો ગુજરાતી ભાવાનુવાદ નીચે મુજબ થાય.
“સત્તા બદમાશો, ગુંડાઓ અને મવાલીઓના હાથમાં જશે. ભારતીય નેતાઓ નીમ્ન ક્ષમતાવાળા અને કરોડરજ્જુ વગરના હશે. મધ ઝરતી જીભ અને મૂરખ જેવી લાગણીઓવાળા તેઓ (ભારતીય નેતાઓ) સત્તા માટે અંદરોઅંદર લડશે અને ભારત એક રાજકીય અખાડામાં ફેરવાઈ જશે.”
ચર્ચીલે આ ભવિષ્યવાણી જૂન 1948માં ઉચ્ચારી હતી. આજે નોસ્ટ્રાડોમસ પણ જેટલી ચોક્સાઈથી આગાહી નથી કરી શક્યો એટલી ચોક્સાઈથી ચર્ચીલની આગાહી સાચી પડી છે.
ગામડાથી શરુ કરી દિલ્હી સુધી જે પ્રકારની પરિસ્થિતિ આજે પ્રવર્તે છે તે મુસાફીર પાલનપુરી સાહેબની નીચેની પંક્તિઓ સાચી પાડે છે.
ગાંધીથી દિલ્લી સુધી
ડૂસકાંની ઊંડી ખાઇ ગાંધીથી દિલ્લી સુધી !
છે બહુ મોટી ભવાઇ ગાંધીથી દિલ્લી સુધી !
મુક્ત થાશું! મોજ કરીશું! એ જ આશામાં જુઓ
કેટલી કબરો ચણાઇ ગાંધીથી દિલ્લી સુધી !
દોસ્તો! પાગલની પેઠે રાતદિન શોધ્યા કરો-
ગુમ થઇ છે માણસાઇ ગાંધીથી દિલ્લી સુધી !
શ્વાસ લેવા દોહ્યલા ; પણ ‘સબ સલામત’ની છડી
છે ગજબ ની ઠાવકાઇ ગાંધીથી દિલ્લી સુધી !
એ જ છે ડુબાવનાર! એ જ તારણહાર પણ –
જેણે બાંધી છે સગાઇ ગાંધીથી દિલ્લી સુધી !
એને પણ આલાપ માનીને ધુરંધર ખુશ થયા!
ચીસ કોઇ સંભળાઇ ગાંધીથી દિલ્લી સુધી !
હુંય જાણું છું, ‘મુસાફિર’! સ્વર્ગ ત્યાં વહેંચાય છે;
પ્હોંચ ક્યાં છે મારી ભાઇ! ગાંધીથી દિલ્લી સુધી !
હું પ્રાથમિક શાળામાં ભણતો હતો તે વખતે કદાચ આઝાદી નવી નવી આવી હતી અને રાષ્ટ્રભાવના સાવ મરી પરવારી નહોતી. ગાંધીજી, સરદાર, સુભાષબાબુ, જવાહરલાલ નહેરુ, વિનોબાજી, લોહિયાજી, જયપ્રકાશજી, પૂ. રવિશંકર મહારાજ જેવી પ્રતિભાઓમાંથી ગાંધીજી, સરદાર અને સુભાષબાબુને બાદ કરતાં સ્વાતંત્ર સંગ્રામનું નેતૃત્વ લેનાર અથવા મહત્વનું યોગદાન કરનાર અનેક પ્રતિભાઓ આપણી વચ્ચે હતી. ચૂંટણીઓનું વરવું રાજકારણ હજુ શરુ થયું નહોતું. આ બધાં કારણોસર સમાજ અને લોકશાહી વ્યવસ્થામાં નેતાઓ માટે આદર હતો અને કોઈ ગુનાહિત ભૂતકાળ ધરાવતી કે ચારિત્ર્યવિહિન વ્યક્તિઓ સમાજમાં આદર પામતી નહોતી થઈ. આ કારણથી અમારા રાજપુર જેવા નાના ગામડામાં રત્નાભા, પ્રભુદાસ બાળચંદ (પભાભા), હિરાભા, વશરામકાકા અને ભગવાનકાકા જેવા નેતાઓનું વજન હતું. સમગ્ર ગામ એક મતે બધી જ કોમ સાથે રહીને જીવતું હતું.
આજે ભૌતિક પ્રગતિ ઘણી બધી થઈ છે પણ મારું એ ગોકુળીયું ગામ (સરકારી યોજનાવાળું નહીં) ક્યાંક ખોવાયું છે. આજે એની ખરવાડ નથી. ગામને પાદરે ઉકરડાઓ સાફ થઈ ગયા છે. વાડાઓ જતા રહ્યા છે. ગંગા તળાવડીને કિનારે ઉગેલ ખૂબ જૂનું સરસમજાનું ઝેઝીનું ઝાડ નથી, શાળાની પાછળ આવેલો વડલો એકાદ મોટા વાવાઝોડામાં ઘવાઈને અડધો થઈ ગયો છે. ગામકુવે સંભળાતો પનિહારીઓનો કલરવ અને ધોકાની ધબધબાટી શાંત થઈ ગયા છે. ગામ હવે ઉંચી ટાંકીમાંથી પાઈપલાઈન દ્વારા પાણી પીવે છે. રોજ દસ-સાડા દસે ગામ આખાની ભેંસો ચરાવવા લઈ જવા ભેગી થતી ‘ઠઈ’ હવે ભરાતી નથી. ભેંસો પણ ઘટી ગઈ છે અને પેંડાર પણ નથી. અષાઢી બીજના દાહે એકસાથે મૂર્હત માટે ખેતરોમાં જતા બળદની ઘંટડીઓ હવે નથી સંભળાતી, નથી એ હળોતરાને દિવસે પોતાના ખેતરમાં ભાત આપવા જતી ભતવારીનાં ગીતો સંભળાતાં. નથી વૈશાખની એ અજવાળી રાતોએ ઉકરડા ખાલી કરી ખેતરમાં ખાતર ઠાલવવાનો ધમધમાટ સંભળાતો કે નથી એ ઘમ્મરવલોણું ફેરવીને માખણ ઉતારાતું. નથી વારાને દિવસે છાસ લેવા માટે કોઈ બારણું ખખડાવતું કે નથી ખેતરમાંથી ભારો ઉપાડીને આવતાં ચારીયાં દેખાતાં. દંતાળી, પાવડો, હળ, પડવો, હાલરુ જેવા શબ્દો હવે મારા ગામડાના શબ્દકોષમાં શોધવા પડે તેમ છે. કોસ શું કહેવાય ?, પાણત કઈ રીતે થાય ? જેવી પાયાની બાબતો વિસરાઈ છે. હવે ટ્રેક્ટર અને થ્રેશર જેવાં મશીનો આવ્યાં છે. પહેલાં ઘઉંની સાથે ચીલ ઉગતો. વીડી સાઈડના વધારે પડતા ઉપયોગે ચીલને લગભગ નષ્ટ કરી દીધો છે. વાડ ઉપર દોડી કે ટાપોટીયો અથવા કુંવચના વેલા ભાગ્યે જ જોવા મળે છે. ચણોઠી ગુમ થઈ ગઈ છે. અરણી અને દાભડો પણ લગભગ નષ્ટપ્રાય થઈ ગયા છે. પાણીના તળ ઉંડા ગયા છે. પહેલાં છાસઠ ફૂટની નદી ભરપૂર પાણી આપતી. કુવાઓ જીવંત હતા. હવે બારસો-ચૌદસો ફૂટેથી બોર દ્વારા અશ્મિભૂત પાણી જે હજારો વરસ જૂનું છે ઉલેચાય છે.
ઘણું બધું બદલાઈ ગયું છે. જે ગુમાવ્યું છે તેની તો માત્ર નમૂનારુપ યાદી મેં આપી છે. હા, કેરડાને દબાવી દઈને વિદેશી બાવળ એટલે કે ગાંડો બાવળ ઠેર ઠેર ફાલ્યો ફૂલ્યો છે. આમેય નઠારી વસ્તુ ઝડપથી વિક્સે છે. કદાચ ગાંડો બાવળ એનું સારામાં સારું ઉદાહરણ છે. અડાબીડ વિક્સેલા આ ગાંડા બાવળે રોઝડાં માટે આદર્શ રહેઠાણ પૂરું પાડ્યું છે. અમારી સીમમાં રોઝડાં નહોતાં હવે ટોળેટોળાં દેખાય છે. હમણાં જ સિંહ ઉપર અભ્યાસ કરતા એક સંશોધકને મળવાનું થયું હતું. એના કહેવા મુજબ દરેક સિંહ પોતે પુખ્તવયનો થાય એટલે અલગ ટોળી જમાવે છે. એ ટેરીટોરીમાં બીજો સિંહ રહી શકતો નથી. આ કારણથી અત્યારે આપણા ગીરનો સાવજ માત્ર જુનાગઢ જીલ્લા પૂરતો મર્યાદિત ન રહેતાં એની આજુબાજુના પાંચ જીલ્લાઓમાં પહોંચ્યો છે. આ રોઝડાં, ચીતળ અને કાળીયાર જેવાં પ્રાણીઓ એનો પસંદગીનો આહાર છે. આ નિષ્ણાતનું કહેવું હતું કે 2050 સુધીમાં આ સિંહપરિવારો પોતાની ટેરીટોરી વિક્સાવતાં વિક્સાવતાં છેક અંબાજી સુધી પહોંચી જશે. ઉત્તર ગુજરાતમાં પણ ત્યારે સિંહ ડણક દેતા હોય એવો દિવસ આવશે.
મારી પ્રાથમિક શાળાના અભ્યાસ દરમ્યાન ગામડાની જે છબી હતી અને જે રીતે ગામડું જીવતું હતું તેનું આંશિક વર્ણન રાજપુર ગામના દાખલા પરથી મેં કર્યું છે. હા, એ સમયે રસ્તાઓ નહોતા, દાક્તરી સેવાઓ નહોતી, ચકલીથી આવતું પાણી નહોતું, અનેક અગવડો હતી.
આજે વિકાસના નામે ઘણું બધું આવ્યું છે અને હજુ પણ આપણી વિકાસની ભૂખ વધી રહી છે.
પરિવર્તન એ દુનિયાનો નિયમ છે.
જે આજે છે તે આવતીકાલે બદલાવાનું છે.
આ પરિવર્તન પ્રગતિ જ લાવે છે એવું નથી
આજે માણસની સરેરાશ ઉંમર સીત્તેર વરસ ઉપર થઈ છે
તે વખતે પચાસ વરસથી નીચે હતી
માણસ લાંબુ જીવતો થયો છે
પણ.....
બ્લડપ્રેશર અને....
ડાયાબીટીસ ગામડા સુધી પહોંચ્યા છે.
આજે પાંત્રીસ વરસથી નીચેની ઉંમરમાં 21 ટકા કેન્સર થાય છે
માણસ ઉંચા મને જીવે છે
પ્રગતિની કદાચ ખૂબ મોટી કિંમત એ ચૂકવી રહ્યો છે
એકસમયે કહેવાતું કે ભારત રાજપુર જેવા ગામડાઓમાં વસતો દેશ હતો
આજનું ભારત ક્યાં વસે છે તે કહી શકાય તેમ છે ખરું ?
આજનું રાજપુર જોવું છું ત્યારે યાદ આવે છે –
किस बाग़ में मैं जन्मा खेला
मेरा रोम रोम ये जानता है
तुम भूल गए शायद माली
पर फूल तुम्हे पहचानता है
जो दिया था तुमने एक दिन
मुझे फिर वो प्यार दे दो
एक क़र्ज़ मांगता हूँ बचपन उधार दे दो
(ફિલ્મ - સંબંધ 1969)