ચૈત્ર સુદી બીજ – ચેટીચાંદ – જય ઝુલેલાલ  

સાઇઠના દાયકામાં જ્યારે મારું બાળપણ પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સિદ્ધપુરમાં લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલયના મકાનના ભોંયતળિયે એક સિંધી ડોક્ટર, દેખાવે બિલકુલ ગોરોચટ્ટો, ચાલઢાલ થોડીક રાજ કપૂરને મળતી આવે, મૂંછો અને વાળ પણ રાજ કપૂર જેવા જ, એની માનવતા અને સેવાભાવને કારણે ખૂબ મોટી પ્રેક્ટિસ જમાવી રહ્યો હતો. એનું સૂત્ર હતું ‘જનસેવા એજ પ્રભુસેવા’. સાચા અર્થમાં આ ડોક્ટર મુરજમલ ટેકચંદ નિહાલાની, LCP and S એક ફરિસ્તો બનીને સિદ્ધપુરમાં જનસેવાની અહલેખ ધખાવી રહ્યો હતો. એના હાથમાં જાણે કે ધન્વંતરી વસ્યા હતા. ક્યારેક ભીડ બહુ હોય અને દરદીને તપાસતાં સ્ટેથોસ્કોપ કાનમાંથી નીકળી ગયું હોય તોય તે પેલા દરદીને તપાસી લે અને દવા લખી આપે – દો ટીકી સુબહ, દો ટીકી દોપહર ઔર દો ટીકી શામ. એ જમાનામાં હજુ સિરપ બજારમાં પ્રચલિત નહોતાં બન્યાં. લાલ-લીલા મિક્સરના બાટલામાંથી દરદીને બે દિવસની દવા લઈ જવાની હોય તો છ ખુરાક મિક્સર કમ્પાઉન્ડર બાટલીમાં ભરી આપતો. આ ડોક્ટર મુરજમલ ટેકચંદ નિહાલાની ૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાનમાંથી જે હિન્દુઓ સ્થળાંતર કરીને જીવતા આ દેશમાં પહોંચવામાં સદનસીબ રહ્યા હતા, એમાંના એક. સિદ્ધપુર ખાતે નિરાશ્રિત સિંધી સમાજ ઇ.સ. ૧૯૪૭માં ભારતના ભાગલા થયા અને પાકિસ્તાન અલગ દેશ બન્યો ત્યારે સિંધ પ્રાંતમાંથી રાજસ્થાન થઈ ગુજરાત સરહદે આવ્યા. તે સમયના કલેક્ટરે તેમને નિરાશ્રિતો તરીકે માન્યતા આપી પાંજરાપોળની વાડી (સતરા કોઠી) તેમજ બાવાજીની વાડીમાં આશરો આપ્યો. ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડીમાં પણ થોડા દિવસ તેઓને આશરો, ભોજન તેમજ અન્ય મદદ મળી. ત્યારબાદ ધીરે ધીરે નાનામોટા ધંધા કે મજૂરીકામ કરી તેઓ ગુજરાન ચલાવતા. સિંધી સમાજના સંતશ્રી લીલાશા બાપુ પણ સિદ્ધપુર આવીને રહેતા અને આ સિદ્ધ ભૂમિ પર તપસ્યા કરતા. તથાકથિત અને બહુચર્ચિત આસારામ પણ શરૂઆતનો સમય સિદ્ધપુરમાં રહ્યા અને ત્યાંથી પછી અમદાવાદ સ્થળાંતર કર્યું એવું કહેવાય છે.

પારસીઓ જ્યારે આ દેશમાં આવ્યા અને સંજાણ બંદરે ઉતર્યા ત્યારે એમના મુખીએ રાજદરબારમાં પારસી કોમને સંજાણ રાજ્યમાં વસવા દેવા માટે અરજ કરેલી. રાજા બહુ ચતુર હતો. એણે દૂધથી છલોછલ ભરેલો એક પ્યાલો આ મુખી સામે રજૂ કરાવ્યો. સંકેત હતો મારા રાજ્યમાં વસતી ખીચોખીચ ભરેલી છે. વધારાની વસતી સમાવવાની શક્યતા નથી. પણ પેલો મુખી એટલો જ ચતુર નીકળ્યો. એણે પોતાની પાસેની ખાંડ આ દૂધમાં ઉમેરી, એક ટીંપું પણ છલકાય નહીં એ રીતે એને હલાવી પ્યાલો પરત કર્યો. સંકેત હતો કે તમારી પ્રજા સાથે દૂધમાં સાકર ભળે તેમ અમે ભળી જઈશું અને મીઠાશ તેમજ ભાઇચારાના સંબંધથી રહીશું. રાજાએ એમને સંજાણ ખાતે ઉતરવાની મંજૂરી આપી અને આ સ્થળાંતરીત પારસીઓએ પોતાની સાથે લાવેલ આતશ બહેરામ એટલે કે પવિત્ર અગ્નિ ઉદવાડા ખાતે અગિયારી સ્થાપી ત્યાં મૂક્યો. આજે પણ આ આતશ બહેરામ તે દિવસની યાદ આપતો ઉદવાડાની અગિયારીમાં સતત પ્રજ્વલિત રહે છે. ફિલ્ડ માર્શલ માણેકશા હોય, જમસેદજી તાતા હોય, જેઆરડી તાતા હોય, રતન તાતા હોય, ફલી મિસ્ત્રી હોય, નાની પાલખીવાલા હોય, હોમીભાભા હોય, ફારુખ ઈન્જીનિયર હોય કે નરી કોન્ટ્રાકટર અથવા સુરતી કે પછી ફલી નરીમાન અને શેઠના જેવા ન્યાયવીદ પારસી કોમનું આ દેશના વિકાસમાં બહુ મોટું પ્રદાન રહ્યું છે.

બરાબર આજ રીતે સિંધી ભાઈઓ પણ આ દેશના જનજીવનનો ધબકાર બનીને સાવ પહેરેલૂગડે આવ્યા હતા તેમ છતાં કદી પણ ભીખ માંગવા હાથ લાંબો નહીં કરી પોતાની ખુદ્દારી, ધંધાકીય કુનેહ અને ઉદ્યોગસાહસિકતાને કારણે આપણા પ્રજાજીવનનું એક જ્વલંત પ્રકરણ બની ચૂક્યા છે. સિદ્ધપુરના સિંધી સમાજ માટે પણ આ વાત એટલી જ સાચી છે. દર વરસે ચૈત્ર મહિનાની બીજના દિવસે વરુણદેવતા એટલે કે ઝુલેલાલની નગરયાત્રા દોરદમામ સાથે નીકળે છે. સિંધી ભાઈઓ તે દિવસે ધંધો રોજગાર બંધ રાખે છે અને દરેક સમાજ સાથે મળીને ચેટીચંદનો આ પ્રસંગ રંગેચંગે ઉજવે છે.

આ પ્રસંગમાં એક જમાનામાં લખમણદાસ મુલાની (લચ્છુભાઈ) અને બસુભાઈની જોડી સાથોસાથ ઝુલેલાલ યુવકમંડળ અને આખોય સિંધી સમાજ ઉમટી પડે જેમાં ડૉ. સંતદાસાણી અને ડૉ. ભરતભાઈ નિહાલાની જેવા સિંધી સમાજના પ્રતિષ્ઠાપ્રાપ્ત અને અન્ય સમાજોમાં પણ માન ધરાવતા આગેવાનો આ નગરયાત્રામાં ખૂબ ઉમંગ ઉલ્લાસથી જોડાઈ દાંડિયારાસની રંગત જમાવતા. રુદ્રમહાલય પાસે સને ૧૯૫૦માં ઝુલેલાલ ભગવાનનું મોટું મંદિર બનાવવામાં આવ્યું હતું. ઝુલેલાલનો વરઘોડો પહેલા આ મંદિર પાસેથી નીકળતો અને આખા શહેરમાં ફરતો. હવે એ લીલાશા સોસાયટીમાંથી નીકળે છે. સિદ્ધપુરનો સિંધી સમાજ ઉત્તર ગુજરાતના સિંધી સમાજોમાં એક નોખી ભાત ધરાવતો પ્રગતિશીલ સમાજ ગણાય છે તેનું મુખ્ય કારણ આ સમાજના વડીલો જેમાં ડૉ. મુરજમલ નિહાલાની, લાલુમલ સેવકરામ લસ્સીવાલા, ગાગુમલ મુલાણી, કેવળરામ દાતવાણી, તોલારામ કુંદોમલ, પ્રેમચંદ કેશુમલ, ભગવાનદાસ પારૂમલ, મીરચુમલ માસ્તર, બુલચંદ ઉડ્ડુમલ, પ્રિતમદાસ કીપલાની વગેરેના પ્રયત્નથી સમાજે પ્રગતિ કરી તે ભૂલાય તેવું નથી.

વળી પાછા ડૉ. મુરજમલ તરફ પાછા ફરીએ. ડૉ. મુરજમલ સિદ્ધપુરમાં દાદાના હુલામણા નામે જાણીતા હતા. એમનું મૂળ નિવાસસ્થાન બ્રાહ્મણિયા પોળ કૂવા પાસે જયંતિભાઈ શુક્લની બાજુમાં આવેલા ડેલામાં અને દવાખાનું આગળ જણાવ્યું તેમ મંડીબજાર લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલયનું જૂનું મકાન હતું તેના ભોંયતળિયે. આ દવાખાનામાં વચ્ચોવચ એક ખુરશી, એના સામે મોટું ટેબલ અને એના સામે બે-ત્રણ લાકડાના બાંકડા જેના ઉપર દરદીઓ ગોઠવાઈ જાય. દાખલ થાવ એટલે ડાબી બાજુ કેસ કઢાવવાનો, જે કામ ડૉ. મુરજમલના પિતરાઇ ભાઈ શંકરલાલ સંભાળતા. દાદા દવા લખી આપે એટલે ભાઈ વાસુદેવભાઈ પાધ્યા કમ્પાઉન્ડર પાસેથી દવા લેવાની. ડ્રેસિંગ કે એવું કંઈ નાનુંમોટું કામ હોય તો દાદાનો ડ્રાઈવર કમ એટેન્ડન્ટ કમ સેવક એવા ઓલ પરપઝ જમુભાઈ તમને સંભાળી લે. એ જમાનામાં ફેફસા વિગેરેની તપાસ માટે પહેલું સ્કીનિંગ મશીન સિદ્ધપુરમાં ડૉ. નિહાલાની લાવેલા, જેને તળપદી ભાષામાં ‘કાચમાં જોવાનું મશીન’ કહેતા. દવાની ફી માત્ર ચાર આના. ગરીબ તવંગરનો કોઈ ભેદભાવ નહીં, બધા સરખા. કોઈ ઈમરજન્સી હોય તો મુરજમલદાદા એટલે ૨૪ કલાક જાગતો દેવ. શહેરમાં નજદીકના વિસ્તારમાં વિઝિટ જવાનું હોય તો ચાલતા જ જવાનું. દૂર જવાનું હોય તો ઘોડાગાડી અને પછી આગળ જતાં જીપ આવી. વિઝિટ ફી બે રૂપિયા. અનેક કિસ્સાઓમાં એવું બનતું કે મુરજમલદાદા વિઝિટમાં જાય, ઘરની પરિસ્થિતી જુએ અને ગરીબનું ઘર હોય તો ફી લીધા વગર પાછા વળી જાય. ક્યારેક એવું લાગે કે આ માણસ બહારથી દવા પણ નહીં લાવી શકે તો ઉપરથી ૫-૧૦ રૂપિયાની નોટ એને ઓશીકે મૂકતા આવે. હંમેશાં પ્રફુલ્લિત અને હસતા. ‘સબ ઠીક હો જાયેગા’ એક જ વાક્ય એમની જીભે રમે. મારા બાપા ડબલ ન્યુમોનિયામાં સપડાયા ત્યારે લગભગ દોઢ મહિનો સતત સારવાર, ડોક્ટર આવે, સીરિંજ ઉકાળવા ગરમ પાણી મૂકવાનું અને પછી ઈન્જેક્શનના બલ્બમાંથી સીરિંજ ભરી ખાસ્સું મોટું કહેવાય એવું ઈન્જેક્શન આપે. એ જમાનામાં આજના જેવી એન્ટિબાયોટિક્સ નહોતી ત્યારે ડૉ. મુરજમલ નિહાલાનીની અંગત દેખરેખ અને આવડતને કારણે મારા બાપા ડબલ ન્યુમોનિયામાંથી બેઠા થયા. એમને નવો અવતાર મળ્યો.

આ ફરિસ્તા જેવા માણસનું દવાખાનું ખૂલે એ પહેલા ગામડેથી આવતા દરદીઓના ગાડા મંડીબજારના ચોકમાં લાગી જાય. નાતજાતના કોઈ ભેદભાવ વગર દરેકને સારવાર મળે. આવા સેવાભાવી ડોક્ટર જ્યારે અવસાન પામ્યા ત્યારે સિદ્ધપુર શહેર અને આજુબાજુમાંથી દરેક કોમની જે મેદની સ્મશાનયાત્રામાં ઉમટી હતી તે જોતાં કહી શકાય કે આ માણસ જીવન જીવી ગયો.

આ ડૉ. મુરજમલ નિહાલાનીના દીકરા ડૉ. ભરતભાઇ અને ડૉ. કનુભાઈ. ડૉ. ભરતભાઇ આજે હયાત નથી. એમનો દીકરો તે ડૉ. દિનેશ નિહાલાની. કહેવાય છે ખાનદાનના ગુણ લોહીમાં ઉતરી આવે છે. લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલયનો જીર્ણોદ્ધાર કરવાનો હતો ત્યારે દિનેશ સામે એક વાત મૂકી. ઘણા વરસો આ જગ્યા ભોગવી, ખૂબ સુખી થયા. હવે પુસ્તકાલય માટે આ નીચેની જગ્યા ઉપયોગમાં લેવી છે, સોંપી દો. દિનેશની ખાનદાનીને સલામ કરું છું. એક અક્ષર પણ બોલ્યા વગર એણે એ વાત સ્વીકારી લીધી. ૧૯૫૦થી સાઇઠ વરસ કરતાં વધુ સમયનો કબજો ભોગવટો. ધાર્યું હોત તો કોર્ટમાં જઈ શક્યા હોત. ખૂબ મોટું વળતર માંગી શક્યા હોત. પણ આવું કાંઈ જ ન કર્યું. ચૂપચાપ ચાવી સોંપી દીધી. આજે લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલયનું એ ભોંયતળિયાનો ખંડ ડૉ. મુરજમલ નિહાલાનીને એમના પરિવારની દિલેરી અને ખાનદાનીની યાદ અપાવતો મંડીબજાર વચ્ચે હયાત છે. કોણ કહે છે દાદા નથી? દાદા ભરતભાઇ અને એમનો પરિવાર આજે સરસ્વતી મંદિરમાં આપણા સમક્ષ એમની ખાનદાની અને દિલેરીની સ્મૃતિઓ તરીકે હયાત છે અને કાયમ માટે હયાત રહેશે.

સિદ્ધપુરનો સિંધી સમાજ હવે તો ખૂબ સમૃદ્ધ થયો છે પણ આઝાદી પછી આજથી લગભગ સિત્તેર વરસ પહેલાં દોરી-લોટો લઈને સિદ્ધપુરમાં આવ્યા હતા. ઘણા બધા કહે છે કે સિદ્ધપુર પાછળ પડતું જાય છે. અહીં પ્રગતિ નથી. મારે એમને પૂછવું છે કે તો પછી દોરી-લોટો લઈને આ શહેરમાં આવેલ સિંધી સમાજ આટલો બધો સમૃદ્ધ સિદ્ધપુરમાં રહીને જ થયો ને? ફરક માત્ર એટલો જ છે એમણે મહેનત કરી, તક ઝડપી, સંપથી રહ્યા અને સાહસ કર્યું. પરિણામો નજર સામે છે. વાંક સિદ્ધપુરની ધરતીનો નથી વાંક નજર અને મિજાજનો છે. જેમની પાસે નજર છે, મિજાજ છે અને સાહસવૃત્તિ તેમજ સંપ છે તે પછી કાંચનભાઈ વાધવા હોય, રતિલાલ ત્રિભોવનદાસ હોય કે સિદ્ધપુરમાં આવી વસેલા સિંધી પરિવાર, સૌને સિદ્ધપુરની ધરતી ફળી છે. જેને નથી ફળી તેમણે અંતરમાં ડોકિયું કરવું જોઈએ. કબીરજીએ કહ્યું છે –

બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોય.

જો દિલ ખોજા આપના, મુજસા બુરા ન કોય, કબીરા મુજસા બુરા ન કોય..

સિદ્ધપુરનો સિંધી સમાજ એ સિદ્ધપુરની આગવી ઓળખ છે. દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયેલો એક સમૃદ્ધ અને બળૂકો સમાજ છે. આવતી કાલ તા. ૬.૪.૨૦૧૯ના રોજ ચેટીચંદ છે. ભગવાન ઝુલેલાલનો વરઘોડો લઈને આ સમાજ નીકળશે. એ સૌ પર અને સિદ્ધપુરના દરેક નિવાસી પર ભગવાન ઝુલેલાલની મહેર અને કૃપા ઉતરે, સહુ સુખી થાય, સહુ સમૃદ્ધ બને. જય ઝુલેલાલ.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles