૫૦ વરસ કોઈપણ વ્યક્તિ કે સંસ્થાના જીવનમાં બહુ મોટો ગાળો છે.
અનેક પરિવર્તનો સ્વાભાવિક રીતે આટલા લાંબા સમયમાં આવે છે.
આટલો લાંબો સમય વિતાવવો અને ત્યારબાદ કોઈ ઘટનાની ઉજવણી કરવી એ અવસર નસીબદારને જ મળે છે. સંસ્થા કરતાં પણ વ્યક્તિના જીવનમાં આટલો લાંબો ગાળો વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
તેમાંય વિદ્યાર્થી અવસ્થામાં પોતાની પહેલી સ્નાતક ડિગ્રી મેળવીને તરત જ શક્યતાઓના આસમાનને આંબવા ઉડાન ભરતા નવયુવાનો પચાસ વરસ બાદ વિતેલા વરસોની યાદોને વહેંચવા અને પોતાના કોલેજકાળ દરમિયાનના સંસ્મરણોને તાજા કરવા જ્યારે ભેગા થાય ત્યારે અનોખો સમો બંધાય છે. આ પરિસ્થિતિનું વર્ણન નીચેની પંક્તિઓમાં ખુબ સરસ રીતે કરવામાં આવ્યું છે.
અદ્ભુત મિત્રો
અદ્ભુત મિત્રો મળી ગયા
કોઈનું પેટ વધી ગયું તો
કોઈના વાળ ખરી ગયા,
ઉંમર સાથે વધતા વર્ષો
આપણી સાથે કળા કરી ગયા.
કોઈને લીફ્ટ મળી ગઈ
ને કોઈ દાદરા ચડી ગયા,
કોઈએ સંઘર્ષ કર્યો,
કોઈને સુખો સહેલાઈથી જડી ગયા.
દરેકના શું સપના હતા ને
દરેક શું બની ગયા,
પરિસ્થિતિ પ્રમાણે
બધા પોતપોતાના રસ્તે ચડી ગયા.
કોઈની તબિયત સારી રહી
તો કોઈ લથડી ગયા,
કોઈ લોઢા જેવા રહ્યા તો
કોઈ બિચારા ઓગળી ગયા.
જીંદગી ના એ સોનેરી દિવસો
બહુ ઝડપથી સરી ગયા,
યાદ બનીને મનના ખૂણે એ
ડીપફ્રીજ થઈને ઠરી ગયા.
પણ એક વાતમાં
આપણાં સૌનાં નસીબ ઉઘડી ગયાં,
આપણા સૌ મિત્રો
REUNION દ્વારા ફરી મળી ગયા.
(ડવ દિવ્યાંશ)
વડોદરા યુનિવર્સિટીની કલાભવન તરીકે જાણીતી ફેકલ્ટી ઓફ ટેક્નૉલોજી એન્ડ એન્જિનિયરીંગનો એક જબરજસ્ત ઇતિહાસ છે. દાદાસાહેબ ફાળકે, જેમના નામનો એવોર્ડ હમણાં જ અમિતાભ બચ્ચનને અપાયો તે આ સંસ્થાના વિદ્યાર્થી હતા. આવા અનેક પોતપોતાના ક્ષેત્રે વિશિષ્ટ ખ્યાતિપ્રાપ્ત વિદ્યાર્થીઓ આ કોલેજમાંથી બહાર નીકળ્યા છે. ગુજરાતના જાહેરજીવનમાં પણ આ કોલેજના ઘણા વિદ્યાર્થીઓએ મોટું કાઠું કાઢ્યું છે. ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી શ્રી અમરસિંહભાઈ ચૌધરી આ કોલેજના વિદ્યાર્થી હતા. આવી ફેકલ્ટી ઓફ ટેક્નૉલોજી એન્ડ એન્જિનિયરીંગ એટલે કે કલાભવન સંસ્થા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અનેક ખ્યાતિપ્રાપ્ત વિદ્યાસંસ્થાઓમાંની એક છે. આ સંસ્થાના ૧૯૬૯ના મધ્યમાં ગ્રેજ્યુએટ થયેલ સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, કેમિકલ, ટેક્સટાઇલ અને આર્કિટેક્ચર શાખાના પૂર્વ વિદ્યાર્થીઓ પોતે સ્નાતક થયા તેની ગોલ્ડન જ્યુબિલીના ૫૦મા વરસે ૧૪-૧૫-૧૬ ડિસેમ્બર ૨૦૧૯ દરમિયાન વડોદરા ખાતે ભેગા થયા. છેલ્લાં બે વરસથી આ માટેની તૈયારીઓ ચાલતી હતી. લગભગ ૧૦૦ જેટલાં પૂર્વસ્નાતકો મોટાભાગનાકિસ્સામાં પોતાની પત્ની સાથે માત્ર ભારતમાંથી જ નહીં પણ અમેરિકા અને કેનેડા જેવા દુરના દેશોમાંથી પણ વડોદરા પહોંચ્યા હતા. આ કાર્યક્રમનું રંગારંગ ઉદ્ઘાટન દુનિયાના સૌથી મોટા રાજમહેલ (૧૭૦ જેટલા ઓરડા ધરાવતા) લક્ષ્મી વિલાસ પેલેસના એલવીપી બેન્કવેટ હૉલમાં તારીખ ૧૪મી ડિસેમ્બરની ઢળતી સાંજે યોજાયું. આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, યુનિવર્સીટીના ચાન્સેલર સુશ્રી શ્રીમંત રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ, ફેકલ્ટી ઓફ ટેક્નૉલોજી એન્ડ એન્જિનિયરીંગના ડીન પ્રો. અરુણ પ્રતાપ ઉપરાંત આ બેચને ભણાવનારા પ્રો. એસ. કે. દામલે સમેત બીજા લગભગ એંસી વરસ વટાવી ચૂકેલા ૧૯ પ્રોફેસરો હાજર હતા.
કાર્યક્રમને બીજે દિવસે સરદાર સરોવર ડેમ અને સરદાર સાહેબની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો કાર્યક્રમ ગોઠવાયો તે પહેલાં ૧૪મી તારીખે પોતાની કોલેજના જે-તે વિભાગના વિદ્યાર્થીઓ પરિવાર સહિત પોતાના ક્લાસરૂમની મુલાકાતે ગયા, કોલેજ સાથેનો પોતાનો પરિચય તાજો કર્યો અને ત્યારબાદ કોલેજ ઓડિટોરિયમમાં છેલ્લાં વરસના વિદ્યાર્થીઓ સાથે વિચારવિમર્શનો એક સરસ મજાનો કાર્યક્રમ ગોઠવાયો. સમય જાણે થંભી ગયો. બે-અઢી કલાક વિતી ગયા છતાં કોઇ થાકતું નહોતું. ૫૦ વરસ પહેલાંના પોતાના સિનિયર અને આજની પેઢી એકબીજા સાથે વિચારવિમર્શ કરવામાં ઓતપ્રોત બની ગઇ ત્યારે અમને સૌને લાગ્યું કે અમારા કોલેજના દિવસો પાછા આવ્યા છે. મનમાં થયું, કોણ કહે છે ગયેલા સમયને પાછો નથી લાવી શકાતો? ૧૪, ૧૫ અને ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ અમારા ગયેલા સમયને પાછો લાવી આપનારી તારીખો હતી. છેલ્લે ૧૬મી ડિસેમ્બરની રાતે અમેરિકાથી આવેલા પૂર્વ વિદ્યાર્થીઓએ એક સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભોજન સયાજીગંજ ખાતે આવેલી હોટેલ સૂર્યા પેલેસના ગ્રાન્ડ મર્ક્યુરેમાં રાખ્યો. રાતનો એક વાગ્યો, દોઢ વાગ્યો, તો પણ કોઇ ઇચ્છતું નહોતું કે આ કાર્યક્રમ પૂરો થાય અને અમે છૂટા પડીએ. આનું કારણ એ હતું કે આમાંના મોટાભાગના ૫૦ વરસ દરમિયાન પોતાના મિત્રોને ક્યારેય મળ્યા નહોતા અને ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ની એ રાતે કદાચ ફરી ક્યારેય નહીં મળાય એ વાતના દુઃખ સાથે છૂટા પડવાના હતા. આનંદ અને શોકની મિશ્રિત લાગણીઓ લઈને છુટા પડવાના હતા. ફરી એકવાર આજથી પચાસ વરસ પહેલા જેમ કારકિર્દીની નવી ક્ષિતિજોને આંબવા જુદી જુદી દિશાઓમાં ઉડી ગયા હતા તે જ રીતે. ફરક માત્ર એટલો જ કે એ સમય ચડતી જુવાનીનો સમય હતો જ્યારે આ બધાયના જીવનનો સૂર્ય મધ્યાહ્ન તરફ ગતિ કરી રહ્યો હતો. પ્રાપ્ત હજુ ખાસ કશું નહોતું કર્યું છતાં એક ખુમારી હતી, પથ્થરમાંથી પાટુ મારીને પાણી કાઢી શકવાની હૈયે હિંમત હતી. આજે આમાંના ઘણા બધાએ ઘણું બધું પ્રાપ્ત કર્યું છતાંય એ બધા છૂટા પડી રહ્યા હતા ત્યારે અસ્તાચળે જઈ રહેલા સૂર્યની માફક ધીરે ધીરે હવે એમના જીવનનો સૂર્ય પણ અસ્તાચળ ભણી જઈ રહ્યો હતો. આ મિત્રો, આ સાથીઓને હવે ફરી મળશે કે કેમ? એ પ્રશ્નની વેદના એમના ચહેરા પર વાંચી શકાતી હતી. ક્યાંક પેલી સફળતાનો મુખવટો પહેરેલ આકૃતિના દિલમાં ઊંડે ઊંડે પોતાના વિતેલા વરસની યાદનું સંભારણું એક કણસ બનીને ઉભરી રહ્યું હતું. અમે સૌએ ગોલ્ડન જ્યુબિલી ઉજવી તો ખરી પણ ૧૪ ડિસેમ્બરની સાંજનો એ આનંદ ૧૬ ડિસેમ્બરની રાત આવતાં આવતાં ફરી એકવાર છુટા પડવાના ખયાલ માત્રથી વેદનામાં પલટાઈ ગયો હતો. કોઈને છુટા નહોતું પડવું પણ જીવનની વાસ્તવિકતા એવું કરવા નહોતી માગતી.
અને...
૧૬મી ડિસેમ્બરની રાત્રે ખૂબ મોજમજા અને આનંદ માણ્યા પછી
અમે સૌ છુટા પડ્યા ત્યારે...
મનમાં ઊંડે ઊંડે ક્યાંક એમ થતું હતું કે...
આ ૧૬મી ડિસેમ્બરની રાતનો સમય કદાચ થંભી ગયો હોત તો
પણ એવું થાય ખરું?
આ પ્રસંગે ઉદઘાટન સત્ર દરમિયાન MECTACh ગોલ્ડન જ્યુબિલી રિયુનિયન કમિટીના ચેરમેન તરીકે મેં જે ભાષણ આપ્યું તે બધાને ભૂતકાળનાં સુખદ સંસ્મરણોમાં પાછું લઈ ગયું. આ ભાષણ મારી યુટ્યુબ ચેનલ https://www.youtube.com/c/jaynarayanvyasofficial પર આખેઆખું જોઈ શકાશે. આ વિડીયો જોવા અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી મારી સાથે જોડાવા તક લેવા નિમંત્રણ છે.