લક્ષ્મીચંદ સુંદરજી વિદ્યાલય
મારી પોતાની શાળા
પ્રસંગ હતો ત્રણ શિક્ષકો અને દસમા તેમજ બારમા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો
આ એ હાઇસ્કુલ જ્યાં મેં ૧૯૫૭થી માંડી ૧૯૬૧ સુધીના ચાર વરસ અભ્યાસ કર્યો
આજે શાળામાં થોડું નવું બાંધકામ થયું છે તેને બાદ કરીએ તો લગભગ બધું જેમનું તેમ છે
હા, સામે એક મોટો લીમડો હતો તેને વૃદ્ધાવસ્થા ભરખી ગઈ છે
એક ખૂણામાં પાણીની પરબ બરાબર બિંદુ સરોવર રોડને અડીને
એ પરબના મેડા ઉપર પતરે ઢાંક્યો એક વર્ગખંડ એ જમાનામાં
એલ. એસ. હાઈસ્કૂલના મારા પ્રવેશ બાદનું પહેલું ઠેકાણું – ૮-એફ
અમારા સોનીસાહેબ ગુસ્સામાં આવે અને નોટ ફગાવે તે સીધી રોડ પર જઈ પડે
પણ આ ક્લાસ સાથે મારું અંજળપાણી ઝાઝું લખાયું નહોતું
એક દિવસ હોશિયાર છોકરાઓને ભેગા કરીને પોતાના ક્લાસમાં લઇ જવાની મુહિમ લઈને બેઠેલા
પ્રવીણચંદ્ર શામળદાસ પરીખ સાહેબ મને ઉપાડી ગયા
હવે મારો નવો ક્લાસ હતો મહેતા ભવનમાં ૮-સી
બસ ત્યાંથી આપણી એલ. એસ. હાઈસ્કુલની વિદ્યાયાત્રા ચાલુ થઈ
પછી તો નવમુ, દસમુ અને અગિયારમુ જૂના બિલ્ડિંગમાં આવ્યા
ભણ્યા, રમ્યા, લડ્યા, ઝઘડ્યા, ક્યારેક રાજી તો ક્યારેક નારાજ પણ થયા
મિત્રોની એક ટોળી જામી
સમય ક્યાં જતો રહ્યો એ ખબર જ ના પડે અને એક દા’ડો...
અમે પણ અગિયારમા ધોરણમાં આવ્યા
આજથી ૬૦ વરસ પહેલાંની વાત છે
એ વખતે કોઈ વિદાય સમારંભ યોજાય અને બહારથી મહેમાન આવે એવા કશા રિવાજ પડ્યા નહોતા
એટલે અમે એક દિવસ અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓમાંથી બે ક્રિકેટ ટીમ બનાવી
મેચ રમ્યા
અને મેચ પછી પેંડા-કેવડો ખાઈને છુટા પડ્યા
આ અમારો વિદાય સમારંભ હતો
અત્યારે જ્યાં ઉંચા ઓટલા પર સ્ટેજ જેવું ગોઠવાય છે એવું કશું પણ એ વખતે નહોતું
આવી સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ અને લગ્ન લીધાં હોય તેવો માંડવો તો કોણ બાંધે
એટલે અમારો વિદાય સમારંભ બહુ ‘Uneventful’ હતો.
એમાંથી કંઈ યાદ રાખવા જેવું શોધવું પડે
અને તોય એ વિદાય સમારંભ હતો જેની યાદ મને એલ. એસ. હાઈસ્કૂલમાં જ્યારે જ્યારે આવા કોઈ વિદાય સમારંભમાં જઉં છું ત્યારે અચૂક આવે છે.
અત્યારની પેઢી થોડી વધુ નસીબદાર છે, નહીં?
અત્યારે શિક્ષકો પણ વધુ નરમ અને બીક ના લાગે તેવા જોવા મળે છે.
અમારી વખતે તો ધનશંકરભાઈ પંડ્યા સાહેબ, અમથાય જો બહાર નીકળ્યા હોય તો દૂર દૂર સુધી ચકલું પણ ન ફરકે
બી. એમ. સોનીસાહેબ બે પગ વચ્ચે માથું દબાવી પછી ધીબી નાખે
બહુ બીક લાગતી હતી અમારા સાહેબોની
અત્યારે સ્કૂલમાં જઈએ ત્યારે ભારત આઝાદ થયું અને પછી પ્રજાસત્તાક થયું એનો અર્થ શું એ સરળતાથી સમજાઈ જાય છે.
આવા દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવાનો આ પ્રસંગ હતો
એક વ્યવહાર તરીકે શુભકામનાઓ પાઠવી
પરીક્ષાની ચિંતા નહીં કરવા કહ્યું
આ પરીક્ષા જ એક એવી વસ્તુ છે જેમાં એક વાર બેઠા અને પાસ થવાનું અનુકૂળ ન આવ્યું તો વારંવાર બેસી શકાય છે.
અમારા શારીરિક શિક્ષણના સાહેબ હતા ગોસાંઈ સાહેબ
પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાતનું ભેગું રાજ્ય હતું, દ્વિભાષી કહેવાતું.
બોર્ડનું વડુમથક એ વખતે પુના હતું.
એસએસસીની પરીક્ષા આપવાના શ્રીગણેશ ગોસાંઈ સાહેબે પુના બોર્ડથી કરેલા
પરીક્ષા આપતા જ ગયા, આપતા જ ગયા, આપતા જ ગયા...
તે અમે એસએસસી પરીક્ષા આપી ત્યારે પણ ગોસાંઈ સાહેબ એસએસસી પરીક્ષામાં બેઠેલા એવું યાદ છે.
ઘણા ધનપતિઓને એમના વિપુલ ધનને લક્ષમાં લઇને ડોક્ટરેટ આપી દેવાય છે,
અલબત્ત માનદ્
અને આ ભડના દિકરાઓ પોતાના નામની આગળ ડૉક્ટર લખે છે પણ ખરા!
ગોસાંઈ સાહેબની વગ ઓછી, બાકી માનદ પીએચડી નહીં તો કમસેકમ માનદ એસ.એસ.સી. માટેના તો એ હકદાર હતા જ.
ખૂબ ઉમદા માણસ. ડિગ્રી મેળવ્યા વગર પણ માણસ કેટલો ઉત્તમ અને ઉમદા બની શકે,
કેટલો પ્રેમાળ અને કેટલો ખેલદિલ બની શકે તેનું તાદ્રશ્ય ઉદાહરણ
પરીક્ષા આપવા જાય ત્યાં પણ પહેલાં ઠાકોરજીની પૂજા ગોઠવવાની
પરીક્ષા કરતાં પૂજાને અગ્રતા આપે
ગમે તે પરીક્ષા પાસ કરો તો પણ
અમારા ગોસાંઈ સાહેબ જેવા નેકદિલ ઈન્સાન બની શકાતું નથી.
આવા અનેક નેકદિલ અને વિદ્યાર્થીના હિતમાં પોતાનું હિત જોતા શિક્ષકો એલ. એસ. હાઈસ્કુલની આગવી મૂડી રહ્યા છે.
આમાંના ત્રણ શિક્ષકો શ્રી જગદીશભાઈ આર યોગી (સુપરવાઇઝર), શ્રી મનીષભાઈ કે અમીન અને શ્રી કિરીટભાઇ કે પરમાર નિવૃત્ત થશે.
એકેયના મોઢા પર એ નિવૃત્તિએ પહોંચ્યા છે એવું જરાય દેખાય નહીં
હજુ બીજાં પાંચ-પચ્ચીસ વરસ આરામથી ભણાવી નાખે.
શિક્ષકનો વ્યવસાય શારીરિક સ્વસ્થતા જાળવી રાખવા માટે ઉત્તમ વ્યવસાય છે એવા મારા અભિપ્રાયને આ ત્રણ સજ્જનોએ બળવત્તર બનાવ્યો છે.
પણ સરકારના નિયમો એટલે નિયમો
અને એ નિયમો મુજબ આ ત્રણેય શિક્ષકમિત્રો નિવૃત્ત થયા
એક વખત શિક્ષક એટલે આજીવન શિક્ષક
ક્યાંક એમની આવડત અને કાબેલિયત કામમાં લેવાય એવા સામાજિક કાર્યમાં હવે ધન ઉપાર્જનને બાજુએ મૂકીને જોડાય એવી શુભકામના.
નિવૃત્તિ એટલે નિ:વૃત્તિ, વૃત્તિઓનો જ્યાં ક્ષય થઈ જાય, માણસ સાવ નિર્લેપ થઈને ઈશ્વરનો દોરાયો જીવે તે નિવૃત્તિ.
નિવૃત્ત થયા પછી પણ કોઠાંકબાડાં કરવાનું ચાલુ રાખવું હોય તો જીવાય ક્યારે?
બહુ મુશ્કેલ છે આ નિવૃત્તિને પચાવવાનું.
એવા પણ કિસ્સાઓ જોયા છે કે જ્યાં નિવૃત્તિ પછી પ્રવૃત્તિ વધી જાય છે.
પોતાની સાથે, બાળકોની સાથે, કુટુંબ સાથે, મિત્રો સાથે અને ઈશ્વર સાથે વધુ ને વધુ સંબંધ ગાળવાને બદલે
જૂની વૃત્તિઓ ફરી જાગૃત થાય અને વૃત્તિઓનો એ પુનર્જન્મ એમને નિવૃત્તિમાંથી પાછા વાળી દે છે
આવા કિસ્સાઓમાં નિવૃત્તિ સમારંભ કે વિદાયમાન એક કર્મકાંડ બની રહે છે
સૌ સૌને ગમે તેવું પણ કલ્યાણમય જીવન જીવે એવી આપણી શુભકામનાઓ
દસમા ધોરણના વિદ્યાર્થીઓને ખાસ ચિંતા ન કરવા સમજાવ્યું
અત્યાર સુધી પણ તેઓ પરીક્ષા આપે જ છે
પોતાની સ્કૂલમાં, પોતાના શિક્ષકો અને તે જ પેપર કાઢે અને ચકાસે.
આમાં હવે થોડો ફેર આવશે,
પેપર બીજા કાઢશે, ચકાસશે બીજા, પરીક્ષા બીજે લેવાશે
બાકી ચકાસણી તો જ્ઞાનની જ થવાની છે, જે કૂવામાં હશે તો હવાડામાં આવશે.
એટલે ચિંતા કર્યા વગર પરીક્ષા આપો
મહેનત કરી છે તો ફળશે એમાં શ્રદ્ધા રાખો
તમે પરીક્ષાની સપ્લિમેન્ટ લખો છો, તમારું જીવન નથી લખતા એનો ખ્યાલ રાખો
વગેરે વગેરે વાતો વિદ્યાર્થીઓને પણ કહી.
આમેય પરોપદેશે પાંડિત્યમ સરળ હોય છે.
આપણે તો ‘મુસાભાઈનાં વા ને પાણી’
વ્યવહારિક શિખામણ અને અનુભવની વાત ચોક્કસ કરી શકાય
પણ સૌથી મોટું બળ એ મારી શુભકામનાઓનું
મારી સ્કૂલના છ દાયકા પછી એ જ પ્રાંગણમાં બેઠેલા વિદ્યાર્થીઓને
જોઈને જ અંતરની લાગણીઓ અનરાધાર વરસે
એમનું શુભ થાય, કલ્યાણ થાય અને આ પરીક્ષામાંથી પણ યથોચિત વર્ગ કે ગુણ સાથે પસાર થાય અને ખૂબ સારા માર્કસ આવે તેમને પણ અભિનંદન
મધ્યમ માર્ક્સ આવે તેમને પણ અભિનંદન
અને ક્યાંક વધુ અનુભવ લેવા કોઈ રોકાઈ જાય તો એમને પણ શુભકામના
યાદ રાખો, તમે પરીક્ષામાં બેસો છો તે મહત્વનું છે
લાખો વિદ્યાર્થીઓ તો પરીક્ષા સુધી પહોંચતા જ નથી
માટે સંતોષ રાખો અને સુખી રહો
યાદ રાખો...
જીતી ગયા ભાઈ જીતી ગયા
રમનારા સહુ જીતી ગયા
હારી ગયા ભાઈ હારી ગયા
ઘરે બેઠા તે હારી ગયા
તમે પરીક્ષામાં બેસવાના છો એ જ તમારી જીત છે
એ જ તમારો જય છે
એને તમે વિજયમાં પલટાવો
વિજયશ્રી તમને વરે
જ્વલંત સફળતા મેળવો
એવી આપણી સ્કુલના તમારા જેવા જ એક...
પૂર્વ વિદ્યાર્થીની શુભકામના