તસ્મૈ શ્રીગુરુવે નમ:
- જય નારાયણ વ્યાસ
આજે ગુરુપૂર્ણિમા
કહ્યું છે –
ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય,
બલીહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય
ગોવિંદ એટલે કે ભગવાન કરતાં પણ ગુરુનું સ્થાન ઉપર છે.
ગુરુ આપણને પશુમાંથી માણસ બનાવે છે.
માણસના જીવનમાં આવા ગુરુ તરીકે અનેક પાત્રો ભાગ ભજવે છે.
એમાંનાં કેટલાકને આજે યાદ કરવા છે.
માણસની પહેલી ગુરુ તે મા.
એવું કહેવાય છે કે દરેક મા પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે મોતના મોમાં પગ મૂકીને પાછી આવે છે.
ત્યાર પછી તે પોતાના બાળકને સહીસલામત રાખતાં રાખતાં તેને કાલીઘેલી ભાષામાં બોલતા શીખવાડે છે. ભાંખોડિયાં ભરતો બાળક ચાલતો થાય તેમાં મા બહુ મોટો ભાગ ભજવે છે.
એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.
મારી માએ સાચા અર્થમાં એક કાચી માટીના વાસણને જે રીતે ઘડાય એટલી કાળજીથી એણે મારો ઘાટ ઘડ્યો. જરૂર પડી ત્યાં ટપલાથી ટપાર્યો પણ ખરો અને એથીય આગળ વધીને નિંભાડાના કઠોર અગ્નિ જેવી શિસ્તમાં પકાવ્યો પણ ખરો.
ભાષાથી માંડીને જીવનની ફિલોસોફી અને શિવાજીના હાલરડાથી માંડીને ‘હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે’ એની પાસેથી શીખ્યો.
રામાયણ, મહાભારત અને ભાગવત કે ઓખાહરણ અને વ્રતકથાઓ એ વાંચે એનો હું એકમાત્ર શ્રોતા.
કહેવતો એની આગવી વિશેષતા હતી. આજે ફેસબુક પર મુકાતી ‘માના સ્વમુખેથી’, જેને હવે ચિત્રલેખા જેવું સાપ્તાહિક પણ છાપે છે તે વારસો મારી માનો.
ખુદ્દારી એની આગવી લાક્ષણિકતા હતી, ક્યારેય નાક પર માખી ન બેસવી જોઈએ, કપડાં થીગડું દીધેલા હોય તો ચાલે પણ મેલાં ન હોવાં જોઈએ, આ એણે શીખવાડ્યું. ખૂબ લાડકોડ પણ કર્યા અને સાચા અર્થમાં મારી પ્રેરણા બની. મને આંગળી પકડીને એણે દોર્યો, સંસાર અને સરસ્વતીથી પરિચિત કરાવ્યો તે મારી મા આજે પણ મને દોરે છે, મારી ગુરુ છે.
બાપા –
મને યાદ નથી કોઈ દિવસ મને એમણે આંગળી અડાડી હોય. મા પાસે મને ઝૂડવાનો સુવાંગ હવાલો હતો પણ બાપા એ બાબતમાં સાવ અલગ.
મારી સ્કૂલમાં અગિયારમાં ધોરણ સુધી પંદર દિવસે મહિને અચૂક આંટો મારવાનો.
મારા શિક્ષક સાહેબોને મળવાનું અને મારા અભ્યાસ વિશે પૂછપરછ કરવાની.
ફાઇનલની પરીક્ષા માટે જુના પેપર ભેગા કરવાના અને એ સોલ્વ કરાવવાના.
સ્કૉલરશીપની પરીક્ષાઓ માટે માહિતી ગમે ત્યાંથી લઈ આવે.
આજે મારું હિન્દી સારું છે કારણ કે બાપાએ હાઇસ્કૂલમાં શિક્ષકની નોકરી મળે તે માટે હું એસ.એસ.સી. પાસ થયો તે પહેલા મારી પાસે ભારતીય વિદ્યાભવનની ‘રાષ્ટ્રભાષા રત્ન’ અને ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ પસાર કરાવી.
મારી જરૂરિયાતો પૂરી કરવા માટે ક્યારેક મજબૂરી વેઠીને પણ એમણે પ્રયત્ન કર્યો.
કોઈનું ઉધાર બાપાએ રાખ્યું નથી પણ એક વખત ત્રણ કબર સામે એક વહોરાજીની દુકાને મને એક પેન્ટનું કપડું પસંદ કર્યા પછી રોકડા પૈસા હોય તો જ માલ મળે એવી દુકાનદારની શરતે એ પાછું મુકતા મારા બાપાની આંખમાં મેં જે મજબૂરી જોઈ તે પછી મેં નક્કી કર્યું કે કોઈપણ વસ્તુ હું બાપા પાસે માંગીશ નહીં.
પણ...
આ માણસે મને અંકગણિતથી માંડી અંગ્રેજી પાઠમાળા સુધીનો પાકો અભ્યાસ કરાવ્યો. હિન્દીની જેમ મારું અંગ્રેજી સારું છે એમાં પાયો નાંખવાનું કામ મારા બાપાએ કર્યું છે.
ગજવામાં ફૂટી કોડી નહોતી ત્યારે આ માણસે મારા મનમાં મોટો અમલદાર થવાના અને જીપ કે મોટરમાં ફરવાનાં સપનાં વાવ્યાં.
ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. મને એસ.એસ.સી. પછી બેંક ઓફ બરોડામાં ક્લાર્કની નોકરી મળી હતી. બીજાં કોઈપણ મા-બાપ હોત તો તેમણે મને આ નોકરી લઈને સાથોસાથ ભણવાનું કહ્યું હોત. પણ...
મારા બાપાએ મને વડોદરા ભણવા મોકલ્યો.
ગ્રેજ્યુએટ થયો, યુનિવર્સિટીમાં રેન્ક હોલ્ડર હતો, નોકરી ગમે ત્યાં મળી જાત ત્યારે ત્રણ કે ચાર જોડ કપડાં પર વરસ કાઢી નાખનાર આ માણસે મને લગભગ ફરજ પાડી આઈઆઈટીમાં ભણવા મોકલ્યો.
પૈસાનું શું મહત્વ છે અને જ્યારે ગજવામાં પૈસા ન હોય ત્યારે આંખમાં કેવી મજબૂરી આંજવી પડે છે તેના પ્રેક્ટીકલ પાઠ મારા બાપા પાસેથી શીખ્યો. એમના ખભા ઉપર બેસીને બાળપણમાં એક ઊંચાઈએ પહોંચ્યો અને આંગળી પકડીને જીવનમાં આગળ વધ્યો. મારા બાપા પણ મારા માટે એટલા જ આદરણીય ગુરુ.
રાજપુરની ત્રણ ઓરડાની શાળા. છ ધોરણ સુધી ભણાવે. એમાં હું એકડીયામાં દાખલ થયો. મારો હાથ પકડીને ‘લાડવાને લાકડી વળગાડીએ એટલે એકડો થાય’ એ એકડો ઘૂંટાવ્યો મારા પર પરમ પૂજ્ય ગુરુવર્ય વાસુદેવ ઠાકર સાહેબે. એમના આશીર્વાદ અને શુકનિયાળ શરૂઆત મને ઘણી આગળ લઈ ગઈ. ત્યાર પછી મોતીભાઈ પટેલ સાહેબ, સાતમા ધોરણમાં શાળા નં. ૧માં જેમણે મને હાઈસ્કૂલ સ્કોલરશીપ અને ફાઇનલની પરીક્ષા માટે તૈયાર કર્યો, હંમેશાં પ્રોત્સાહન આપ્યું તે મારા વર્ગશિક્ષક ચીમનભાઈ ખત્રી સાહેબ.
હાઈસ્કૂલમાં મને તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઊંચકી જનાર પી.એસ. પરીખ સાહેબથી શરૂ કરીને પી.વી. ઠાકર સાહેબ, એમ.આઈ. પટેલ સાહેબ, બી.એમ. ભટ્ટ સાહેબ, બી.કે. ઠાકર સાહેબ, વીજુભાઈ શાહ સાહેબ, એન.સી. ભટ્ટ સાહેબ, નંદલાલ ભટ્ટ સાહેબ, વાય.જે. શુક્લ સાહેબ, બધાએ મારા ઘડતરમાં ફાળો આપ્યો છે પણ અંગ્રેજી કવિતાનું ગુજરાતી ભાષાંતર પણ ગુજરાતી કવિતા બનાવીને કરી શકાય અને સંસ્કૃત જરાય બોજ વગર ભણી શકાય, જેમનો પિરિયડ પૂરો જ ન થાય એવું ઈચ્છીએ, એવું ભણતર શંકરલાલ વૈજનાથ પાધ્યા સાહેબ પાસે મળ્યું. અંગ્રેજીમાં બરાબર ટીપીટીપીને તૈયાર કરતા ટીટીકાકા એટલે કે એ.વી. સોની સાહેબ, ગણિત અને વિજ્ઞાન ખૂબ જ સરળતાથી શીખવાડતા બી.જે. સોની સાહેબ અને વાઘ જેવા અમારા પ્રિન્સિપાલ જેમની પાસે એસએસસીમાં અંગ્રેજી ભણ્યો તે ધનશંકરભાઈ પંડ્યા સાહેબ. મને ઘડવામાં ફાળો આપનાર ગુરુઓ તરીકે આજે વિશેષ યાદ કરીને વંદન કરવા પાત્ર મારા ગુરુવર્યો છે.
આ બધામાં એક વ્યક્તિએ મારા જીવન પર ખૂબ ટૂંકા સમયમાં મોટી છાપ પાડી તે વ્યક્તિ દામોદર દયારામ ભાવસાર સાહેબ. વિદ્યાર્થીઓ પોતે ગણવેશમાં ચડ્ડી નહીં પહેરે એમ કહી હડતાળ કરી શાળાના ઝાંપે બેઠેલા ત્યારે અમારા ગાંધીવાદી આચાર્ય સાહેબ પોતાના પેન્ટની બાંયો કાપી નાખીને એની ચડ્ડી બનાવી જાતે ચડ્ડી પહેરીને સ્કૂલે આવ્યા અને પેલા હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને કહ્યું કે, ‘મને ચડ્ડી પહેરતા શરમ નથી આવતી તો તમને કેમ આવે છે?’ અને હડતાળ સમેટાઈ ગઈ. પોતાના વિચારો જો પ્રામાણિક અને શુદ્ધ હોય તો એનું બળ કેટલું મોટું હોય છે તેનો પ્રત્યક્ષ પાઠ હું ડી.ડી. ભાવસાર સાહેબ પાસેથી શીખ્યો અને એનો મેં જીવનમાં અનેકવાર અમલ કર્યો છે, સફળતાપૂર્વક.
કોલેજ જીવનમાં મારા પ્રોફેસરોનો વિશિષ્ટ પ્રેમ મારા પર રહ્યો પણ પ્રેપરેટરી સાયન્સના પહેલા ટેસ્ટમાં ત્રણ વિષયમાં શૂન્ય માર્ક અને એક વિષયમાં ત્રણ માર્કસ મેળવનાર આ ગામડિયાની ગાડી પાટે ચડાવી જે.એસ. દવે સાહેબે અને આર.કે. પંડ્યા સાહેબે. પહેલી વખત ભાષણ આપતો કર્યો પ્રો. સુરેશ દવે સાહેબે અને કવિતાનો રસાસ્વાદ કઈ રીતે કરી શકાય એ ગુજરાતીમાં કવિ શ્રી કુમાર અને ડૉ. રણજિતરામ પટેલ ‘અનામી’ પાસેથી શીખ્યો. હિન્દી કવિતા કુંવરચંદ્ર પ્રકાશસિંહ પાસે ભણવી એ એક લહાવો હતો. એન્જિનિયરિંગ કોલેજમાં અનેક પ્રોફેસર સાહેબોએ મને ઘડ્યો, કેટકેટલાના નામ લખું એ વિમાસણ છે પણ ડૉ. આર.એમ. દવે સાહેબ, ડૉ. પિયુષ પરીખ સાહેબ અને ડૉ. એસ.કે. દામલે સાહેબનો વિશિષ્ટ પ્રેમ મને પ્રાપ્ત થયો. ડૉ, શ્રોફ સાહેબ અને પ્રો. આણંદજીભાઈ મારા ફાઇનલ યરના માર્ગદર્શકો રહ્યા. આઈઆઈટીમાં હું ડૉ. કટ્ટી સાહેબનો અત્યંત પ્રીતિપાત્ર વિદ્યાર્થી રહ્યો. આ બધા પ્રોફેસર સાહેબો સાથે મારા સંબંધો આજીવન બની રહ્યા એ બધા જ જેમણે મને ભણાવ્યો અને આઈઆઈટી જેવી સર્વોચ્ચ સંસ્થામાંથી મારા સ્નાતકોત્તર અભ્યાસ સુધી પહોંચાડ્યો તે સર્વે ગુરુવર્યોને મારા વંદન.
શરુ રાંગણેકર એક મોટા મેનેજમેન્ટ ગુરુ ગણાય. એમનું વિખ્યાત ભાષણ ‘લર્નિંગ ધી મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ ફ્રોમ વાઈફ’ સાંભળવાનો મને મોકો મળેલો. આજે હું એમની વાત સાથે શતશ: સહમત થાઉં છું. મારા જેવા રેઢિયાળ માણસને જેણે ઘરગૃહસ્થી કઈ રીતે ચલાવવી તે શીખવાડ્યું, મારા બાળકોનું ઘડતર કર્યું અને સામાન્ય ગૃહિણીથી શરૂ કરી એક દમામદાર અધિકારીની પત્ની અને ત્યારબાદ તેજતર્રાર કેબિનેટ મિનિસ્ટરની પત્ની બની છતાંય ક્યારેય મગજમાં કોઈ હવા ન ભરાવા દીધી. નાની-મોટી કોઈ આપત્તિ કે વિમાસણ આવી ત્યારે, ‘એમાં શું, થઈ રહેશે બધું’ કહીને મને સમતા રાખતાં શીખવાડ્યું. એક આદર્શ ગૃહિણી તરીકે મારા ગૃહસ્થ વહેવારને જેણે સંભાળ્યો તે સુહાસિની પાસેથી પણ હું ઘણું શીખ્યો છું. આજે એની ખોટ વરતાય છે પણ એની ઘણી બધી વાતો મારા જીવનને કાયમી ધોરણે દોરતી રહેશે અને એ રીતે શરુ રાંગણેકરનું ‘પત્નીએ તમારી મેનેજમેન્ટ ગુરુ છે’ એ વાક્ય એણે સાર્થક કરી બતાવ્યું એનો મને આનંદ છે.
તમારા મિત્રો એટલે કે ભાઈબંધ જેનો અર્થ થાય ભાઈ જેવા બંધનથી જે બંધાયા છે તે. સંસ્કૃતમાં શ્લોક છે –
उत्सवे व्यसने प्राप्ते दुर्भिक्षे शत्रुसंकटे |
राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः ||
ભાવાર્થ થાય, કોઈપણ વ્યક્તિ જે કોઈ ઉત્સવમાં, દુષ્કાળ જેવી આપત્તિ સમયે, કોઈ શત્રુ દ્વારા ઉત્પન્ન સંકટ સમયે, રાજદ્વારી કે સરકારી કામોમાં કે સ્મશાનમાં તમારો સાથ આપે છે તે તમારા મિત્ર અને ભાઈ સમાન છે.
આ સાચા મિત્રની પરખ છે.
મિત્રોએ મને ઘણું શીખવાડયું છે. જોકે એમાં હું ઠોઠ નિશાળીયો પુરવાર થયો છું. ઘણા બધાએ મને ખભે ઊંચક્યો છે પણ થોડા ઘણાએ ખભેથી પછાડ્યો છે પણ ખરો. વફાદાર મિત્રો પાસેથી વફાદારીના અને ગણ્યાગાંઠ્યા એ સિવાયના મિત્રો પાસેથી દુનિયાદારીના પાઠ શીખી શકાય પણ મને એ આવડ્યું નથી એનો એકરાર કરું તો વધુ યોગ્ય ગણાશે. જેમણે મને ખભે ઊંચક્યો તેમની પાસેથી મિત્રોની વફાદારી વિશે ઘણું શીખ્યું પણ એથીય વધારે શીખવાનું પેલા હુતૂતૂ રમીને પગ ખેંચનારાઓ અથવા માથે પગ મુકીને આગળ વધનારા પાસેથી મળી શક્યું હોત પણ એ શીખવામાં હું ઠોઠ નિશાળીયો રહ્યો છું. જોકે મને એનો અફસોસ નથી. આ બધા મિત્રો જેમણે મને કાંઈને કાંઈ શીખવાડ્યું તેમને પણ ગુરુ તો ગણવા જ જોઈએ ને? ગિલ્લીદંડાથી માંડીને કોહ હાંકવો અને પાણત કરવી, ઝાડ ઉપર ચડવું, લખોટીથી માંડીને કરકચા અને પેનો સુધીની રમત, આ બધામાંથી ખેલદિલીના પાઠ શીખવાનો મને મોકો મળ્યો. ખેતી અને વનવગડા સાથે પરિચિત થવાનો મોકો મળ્યો. ગાડું ઉલાળ મારી જાય ત્યારે ઘઉંની ગાંસડીઓ નીચે દબાવાનું અને કોહનું વરત તૂટે તો કુવામાં પડવાનો અનુભવ પણ આમાંથી જ મળ્યો. ઈશ્વર છે એની પહેલી પ્રતીતિ આ બધા બનાવોએ કરાવી. શિવ અને શક્તિમાં શ્રદ્ધા બળવત્તર બની જેમાં આગળ જતાં સાંઇ જોડાવાના હતા. પતંગની દોરી રંગવાથી માંડીને મેળામાં રઝળપાટ કરવા સુધી અને રાજપુરમાં મોડી રાત સુધી રામલીલા જોવામાં જેમણે મારો સાથ આપ્યો, કંઈનું કંઈ શીખવાડયું, એ મિત્રો પણ મારા ગુરુ ગણાય જ.
જાહેર જીવનમાં આવ્યો ત્યારે મિત્ર શબ્દને બદલે કાર્યકર શબ્દ શીખ્યો અને આ કાર્યકરોએ તો જે શીખવાડ્યું છે તે નવરાશ મળે તો આખી પીએચડીની થીસિસ લખાય એટલું જ્ઞાન તેમણે મને આપ્યું છે. એક કાર્યકરમાંથી માણસ ક્યારે ગુરુ બની જાય એ સમજવું મુશ્કેલ છે. એટલે મારા જેવા એમના શબ્દોમાં રાજકારણના અને મારા શબ્દોમાં રાજનીતિના ઢબ્બુ માણસને જીંદગીભર યાદ રહે એવા પાઠ આ કાર્યકર મિત્રોએ પણ શિખવ્યા છે. આજે એમને પણ યાદ કરીએ તો ખોટું નથી.
એક દક્ષ એડમિનિસ્ટ્રેટર એટલે કે અધિકારી અથવા તો વહીવટદાર તરીકેની મારી છાપ જેમના હાથે ઘડાવાને કારણે ઊભી થઈ તે મારા સૌથી પહેલા બોસ ગુજરાત રાજ્યના છેલ્લા આઇ.સી.એસ. ચીફ સેક્રેટરી આદરણીય શ્રી લલિત દલાલ સાહેબથી શરૂ કરીને એસ.એમ ઘોષ સાહેબ, એચ.કે. ખાન સાહેબ, મથુરાદાસ શાહ સાહેબ, પાટણકર સાહેબ, એસ.કે. શેલત સાહેબ, એચ.કે.એલ. કપૂર સાહેબ, શિવજ્ઞાનમ સાહેબ, એન. વિટ્ટલ સાહેબ, કે.ડી. બુદ્ધ સાહેબ, સી.સી. ડોક્ટર સાહેબ જેવા કાબેલ વહીવટી અધિકારીઓ અને જેમણે સનદી સેવાની ગરિમા વધારી એવા રાજકારણીઓના તળિયા નહીં ચાટતા કાબેલ અધિકારીઓ જેમણે મને ઘડ્યો તે વહીવટી જ્ઞાનની જંગમ વિદ્યાપીઠ જેવા હતા. તેમના ઘડતરે મને સરકારી તંત્ર પાસેથી કઈ રીતે કામ લેવાય અને પ્રામાણિકતાપૂર્વક પોતાનું કામ કઈ રીતે કરી શકાય તે શીખવ્યું જેનો મને ખૂબ મોટો લાભ મળ્યો છે. મને વહીવટી જ્ઞાનના ક્ષેત્રે ઘડનાર આ બધા સનદી અધિકારીઓ મારા માટે કાયમી આદરણીય રહ્યા છે અને રહેશે. સનદી સેવાની એ ગરિમા કમનસીબે આજે નંદવાઇ છે. આજે આ બધા કાબેલ અને આમ છતાંય સીધી લીટીના અધિકારીઓને યાદ કરીએ છીએ ત્યારે આજની સ્થિતિ સાથે મનોમન સરખામણી થઈ જાય છે અને સરવાળે દુઃખી થવાય છે.
આ સિવાય જે સંતો પાસેથી તમને પ્રેરણા મળે તે સંતોમાં પૂ. દેવશંકરબાપા, પૂ. મોતીરામ ગુરુ, જેમણે હમેશાં મારા પર કૃપા દૃષ્ટિ રાખી તે દિવંગત સંત શ્રી તરભવાળા બળદેવગીરીબાપુ ઉપરાંત જેમનાં ચરિત્રોએ મારા જીવન ઘડતરમાં ફાળો આપ્યો છે તે પૂ. ડોંગરેજી મહારાજ, પૂ. રંગઅવધૂતજી જેવા પુણ્યશ્લોક આત્માઓને પણ ગુરુપૂર્ણિમાના આં પવિત્ર પ્રસંગે યાદ કરી અને શ્રદ્ધાવંદના પાઠવું છું. પૂજ્ય જયદત્ત શાસ્ત્રીજી હયાત હતા ત્યાં સુધી દર ગુરૂપૂર્ણિમાએ એમની પાઠશાળામાં આનંદોત્સવ ઉજવાતો. દિવસ દરમ્યાન ઘણા બધા એમને વંદન કરવા અને આશીર્વાદ લેવા આવતા અને સાંજે સરસ મજાનું જમણ થતું. છેક અગિયારમાં સુધી જેમની ગુરૂ વંદના કરી તે પૂજ્ય જયદત્ત શાસ્ત્રીજીને કેમ ભૂલી શકાય?
ગુરુપૂર્ણિમા આ રીતે અનેકોને યાદ કરવાનો અને ઋણ સ્વીકાર કરી આશીર્વાદ મેળવવાનો પવિત્ર પ્રસંગ છે. કહેવાય છે કે માણસ જ્યાં સુધી શીખે છે ત્યાં સુધી ઘરડો થતો નથી અને એ રીતે સમાજથી માંડી છેક બાળક સુધીના અનેકો પાસેથી આપણે કંઈકનું કંઈક શીખીએ છીએ. મોટાભાગે આ બધાનો ઋણ સ્વીકાર કરવાનું આપણને સુઝતું નથી.
આમ ગુરુની એક વિશાળ વ્યાખ્યા છે. આજે ગુરુપૂર્ણિમા કેટલાક રાજકીય પક્ષો માટે મતનો રોટલો શેકવાનું સાધન બની છે. ગુરુપૂર્ણિમાને આ રાજકીય પક્ષોએ અભડાવી છે. એમણે જાતજાતના ગુરુઓ ઉભા કર્યા છે. આજના દિવસ પૂરતો દેખાડો કરવા નેતાજી શાલ ઓઢાડવા પહોંચી જાય છે. ઘણા બધા ગુરુઓને આ રાજકીય માન-સન્માન મળે તે ગલગલિયા કરાવતું હોય છે. સાચો ગુરુ ક્યારેય આવી પ્રસિદ્ધિની તલાશમાં નથી હોતો કે નથી એની ખેવના કરતો. આ રાજકીય રોટલા શેકનારાઓએ ‘આશીર્વાદ’ શબ્દને એટલો હલકો બનાવી દીધો છે કે જ્યાં એમને લાભ દેખાય ત્યાં કોઈ રીતે આશીર્વાદ આપવાને લાયક ન હોય એવા લોકોના આશીર્વાદ લેવા પણ પહોંચી જાય છે. ગુરુપૂર્ણિમાનો આ પ્રસંગ રાજકીય માલસામાનની લારી લઈને વેચવા નીકળેલા આ ફેરિયાઓએ અભડાવ્યો છે. કોઈ આચારવિચાર ન પાળનાર માણસ આજના દિવસે કોઈ સાધુ-સંતના આશ્રમમાં પહોંચી જાય એના જેવું દુષ્કૃત્ય બીજું કોઈ ના હોઈ શકે. ભગવાન આવા ગુરુઓને અને ચલતા પૂર્જા જેવા એમના કહેવાતા શિષ્યોને સદબુદ્ધિ આપે. ગુરુપૂર્ણિમા એ રાજકીય રોટલા શેકવાનો ઉત્સવ ન હોઈ શકે એ વાત સમાજમાં સહુ કોઈને સમજાય તો ગુરુપૂર્ણિમાના આ પાવન પ્રસંગની ગરિમાને લાંછન ન લાગે.
બહુ લાંબુ વિવરણ થઈ ગયું.
તમે જેની પાસેથી કોઈ પણ બોધ લો તે પ્રકૃત્તિથી માંડીને પ્રાણી અને બાળકથી માંડીને વયોવૃદ્ધ બધા જ તમારા ઘડતરમાં ફાળો આપે છે. જેણે જેણે આ કર્યું છે તેને યાદ કરીને શ્રદ્ધાવંદના કરવાનું પર્વ એટલે ગુરૂપુર્ણિમા.
આજના આ પાવન પર્વ નિમિત્તે –
ગુરુર્બ્રહ્મા, ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વર: ।
ગુરુ: સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ: ॥
એ ભાવના સાથે સહુ ગુરુવર્યોને શ્રદ્ધાવંદના સહ વિરમું છું.