ફાઇનલ યર – એકાએક ગંભીર થઈ જવાનું વરસ
કોલેજમાં ભણવાની ઉંમર એ ગધ્ધાપચીસીનો સમય છે. તમે દાખલ થાઓ ત્યારે કિશોરાવસ્થા વિદાય થઇ ચૂકી હોય અને મુગ્ધાવસ્થામાં પ્રવેશી ચૂક્યા હો. જ્યારે સ્નાતક થવાનો સમય આવે ત્યારે યુવાની તમને નિખારી રહી હોય. મન અને શરીર બંનેના વિકાસનો કોલેજ કાળ બહુ સંવેદનશીલ ગાળો છે. દાઢી મૂંછ ઊગવા લાગે અને જલ્દી જલ્દી મોટા દેખાવા માટે જરૂરી ન હોય તોય શેવિંગ કરવાની શરૂઆત થઈ જાય. તમારા દેખાવ પ્રત્યે પણ તમે જરા વધારે સભાન થવા માંડો. ઊંચાઈ વધે, અવાજ થોડો ઘોઘરો થાય, ચોક્કસ હેર કટીંગ સલૂનમાં ચોક્કસ પ્રકારના ફિલ્મ કલાકાર જેવા વાળની સ્ટાઈલ કરાવવાના અભરખા ઉઠે અને ઊર્મિઓ ઉછાળા મારવા માંડે એવો આ સમય. છોકરી નામનો વિષય એકાએક સિલેબસમાં દાખલ થઈ જાય અને કેટલાક તો બેનપણી સાથે ફરતા પણ થઈ જાય. અમારે તો આ ક્ષેત્રે બહુ સરળતા નહોતી. ફેકલ્ટી ઓફ ટેકનૉલોજી એન્ડ એન્જીનિયરીંગ એટલે બજરંગ કોલેજ. અમારા સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ અને ટેકસટાઇલ આ બધી બ્રાન્ચમાં થઈ કૂલ બે જ કન્યાઓ. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેવી. હા, આર્કિટેક્ટ ફેકલ્ટી જે પણ (હવે જુદી થઈ ગઈ છે) બેસતી ત્યાં થોડી ઘણી હરિયાળી દેખાય બાકી બધું બજરંગ બલી કી જય! કદાચ એટલે જ હોસ્ટેલથી કલાભવન વાયા હોમસાયન્સ પણ આવતો રસ્તો અમને ગમતો. હોમસાયન્સ પણ આમ તો માત્ર છોકરીઓની જ કોલેજ. અમારે છોકરીઓનો દુકાળ, ત્યાં છોકરાઓનો દુકાળ, લગભગ સમદુખિયા!!
ઘરેથી આવ્યા ત્યારે લેંઘાનું માપ પણ દરજી આશરે લઈને સિવી દેતો હતો. કોલેજકાળનાં છ વરસ દરમિયાન પાટલુનમાં ખાસું પરિવર્તન આવ્યું. વચ્ચે બેલ બોટમ આવ્યું અને ત્યાર પછી નેરો કટ એટલે કે પાઇપ જેવી બાયોવાળું પેન્ટ પહેરવાનો જમાનો આવ્યો. યાદગાર ફિલ્મનું ગીત ‘એક તારા બોલે....’ એ જમાનાના યુવાનોને ઉદ્દેશીને લખાયું જેની પંક્તિઓ હતી...
अरे हेक्स तेरी ऐसी तैसी
सूरत है लड़की जैसी
तंग पैंट पतली टांगें
लगती हैं सिगरेट जैसी
देश का यही जवान है तो
देश की ये संतान है तो
तो फिर उसके बाद??
एक तारा बोले
तुन तुन तुन तुन तुन
कहे ये तुमसे सुन सुन...!!!
વાળની છટામાં પણ જાતજાતની ફેશન બદલાતી રહી. પહેલા ટૂંકા વાળ પછી છેક હડપચી સુધીનાં થોભીયા અને ત્યાર પછી હિપ્પી જેવા લાંબા વાળ. આ બધી પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થતાં ફાઇનલ યરમાં પહોંચો એટલે એકાએક ગંભીરતા આવી જાય. જીવનમાં કંઈક બનવું હોય તો આ મહત્વનો પડાવ ગણાય. પિક્ચરો જોવાનું અને રખડવાનું ઓછું થઈ જાય. જેને બેનપણીઓ હોય તે મને-કમને પણ એને અપાતા સમયમાં કાપ મૂકી અને દેવદાસ જેવો ફર્યા કરે.
ફાઈનલ યરમાં આવો એટલે એકાએક તમે જવાબદાર અને ઠરેલ બની જાવ. હું પણ હવે ફાઈનલ યરમાં આવ્યો. હવે અમે બધા સિનિયર કહેવાતા. મેસમાં નોકર અમારી સાથે અદબથી વાતો કરતો. છાપાવાળો અને ધોબી હવે અમને સર કહેતા અને અમારો નેપાળી ગુરખો બાબુસિંઘ ‘શાબજી’ કહેતો.
વિદાય વેળા આવી ચૂકી છે તેની આ બધી નિશાનીઓ હતી. જો કે બધાને સરખી અસર થાય એવું નહોતું બનતું. અમારી રૂમના સાથીઓમાં હું અને ઈન્દ્રવદન શાહ આવી નફ્ફટ ટોળીના સભ્યો હતા. મુકુંદ ખરેખર ગંભીર હતો જ્યારે જશભાઈ ગંભીર હોવાનો ડોળ કરતો.
અમારી હોસ્ટેલ લાઈફમાં પરીક્ષાની મોસમ આવે એટલે ઇંદ્રવદન શાહ અને જશભાઇ ગંભીરતાપૂર્વક પોતાના માટે એક નિયમની ઘોષણા કરે. ‘હવે દોઢ મહિનો પિક્ચર જોવાના બંધ! મેટીની શો પણ નહીં!’
ઇમ્પ્રેસ થઈ જાઓ એ પહેલાં જરા આગળ તો સાંભળો.
એમની આ પ્રતિજ્ઞાનો અપવાદ સાંભળવા જેવો છે.
સિનેમા નહીં જોવાનું સિવાય કે.....
બોર થયા હો.
કોઈ ગેસ્ટ આવ્યા હોય.
પિક્ચર સારું હોય.
અથવા
કોઈ સારું પિક્ચર ઉતરી જાય તેવી શક્યતા હોય
કે પછી...
મેટીની શોમાં ખુબ જ ગમતું પિક્ચર આવ્યું હોય.
હવે વિચાર કરો તમારે સિનેમા જોવાનું બંધ કરવું પડે એવી કોઈ શક્યતા આ અપવાદોને કારણે ઊભી થાય ખરી?
કોલેજમાં હવે થોડું જવાનું હતું
રાત્રે વાંચવાનાં સેશન શરૂ થતાં.
એનસીસીનું ટંબલર આવે છે એવા મગમાં જશભાઈ બધા માટે કોફી બનાવતો.
સિનિયર થાઓ એટલે આ રીતે કોફી પીતાં પીતાં વાંચવું જોઇએ એવો વહેમ અમારા મનમાં હતો.
ખેર
સમય કોઈની રાહ જોતો નથી. ફાયનલ યરે અમારી હોસ્ટેલની જિંદગી પણ થોડી ઘણી બદલી નાખી. મારે તો મને-કમને પણ કેટલીક બાબતો ફરજીયાત કરવાની હતી. મારા અંદાજપત્રમાં મોંઘી ચોપડીઓ ખરીદાય એવી કોઈ જોગવાઈ ક્યારે પણ થઈ શકી નહોતી. આખો અભ્યાસ એક પણ ચોપડી ખરીદ્યા વગર પૂરો કર્યો.
પણ આમ કરવા માટે જેમની પાસે પુસ્તકો હોય એમની પાસેથી ઉછીનાં લેવાનાં, નોંધ તૈયાર કરવાની, એ લોકો સુવે ત્યારે જાગીને ચોપડી વાંચવાની અને પછી એમને સાથે ચર્ચા કરી રિવિઝન કરવવાનું.
ખૂબ મહેનત માગી લે તેવું કામ હતુ. લાયબ્રેરીમાંથી પાઠ્યપુસ્તક મળતું નહી, પ્રોફેસર જ ઇશ્યુ કરાવી લેતા. ગણતરીની નકલ પડી હોય તે ‘નોન ઇસ્યુ’ એટલે કે ઘરે લઇ જવા માટે નહીં પણ લાઇબ્રેરીમાં બેસીને વાંચવા માટેની રહેતી.
ફાઇનલ યરમાં બીજો એક મોટો ઉદ્યમ જેમને વિદેશ જવું છે તેમનો ટ્રાન્સક્રિપ્ટ એટલે કે પહેલા વરસથી ફાઇનલ સુધીની માર્કશીટની કોપી કઢાવવાનો અને જેમણે વિદેશોની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે તેવા ખ્યાતિપ્રાપ્ત પ્રોફેસર પાસેથી ભલામણ પત્ર લેવાનો રહેતો. વરસ દરમિયાન ભણવાની સાથોસાથ આ પણ એક કામ હતું.
એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી માટે અંગ્રેજીની પ્રોફિસીયન્સી માટે કોઈ ટેસ્ટની જરૂર ન હતી. અમે એ ઝંઝટમાંથી મુક્ત હતા. આમ ફાઇનલ યર એટલે માત્ર ભણવાનું એવું નહીં, એ વરસમાં આખી જીવન પદ્ધતિનો ક્રમ બદલાઈ જતો.
મારે પણ અમેરિકા જવું હતું.
મેં અમેરિકાની સારી કહેવાય તેવી યુનિવર્સિટીઓમાં અરજી કરી ફોર્મ અને પ્રોસ્પેક્ટ્સ મંગાવવા માટે કાગળો લખવાનું શરૂ કર્યું. ઇમેલ અને ઓનલાઇન એડમિશનનો એ જમાનો ન હતો. બધુ દોઢ-બે મહિનાના સમયપત્રકને અનુલક્ષીને ચાલતું. આમ અમેરિકા જવા માટેની તૈયારીઓ શરૂ કરી.
પાસપોર્ટ કઇ બલાનું નામ છે તે ખબર નહોતી.
દિવાળી વેકેશનમાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાંથી એનું ફોર્મ મેળવી એ ભર્યું. ત્યારબાદની વિધિઓ તો આંખે પાણી લાવી દે તેવી હતી.
ખેર!
પ્રક્રિયા ચાલુ થાય એટલે પ્રવાહની સાથે તમે પણ તણાતા જાઓ. ૧૯૬૮-૬૯ના વરસમાં ત્રણ મુખ્ય ઘટનાઓ ઘટી.
આખરી વર્ષમાં ઈલેક્ટિવ લઇને તમે શેમાં વિશેષ અભ્યાસ કરવા માગો તે વિષય નક્કી કરવાનો હતો.
હોસ્ટેલ લાઇફમાં સાચી ખોટી ભ્રમણાઓમાં પરિવર્તન આવ્યું. જીવનમાં થોડીક ગંભીરતા પ્રવેશી.
ઢળતા બપોરની સયાજીગંજ હેવમોરની મુલાકાતો ઘટી અને રાત્રે ગેલાર્ડની મુલાકાતો વધી.
અમેરિકા ભણવા જવા માટેની પ્રક્રિયા અને પ્રાથમિક વિધિઓ શરૂ થઈ.
આ ધમધમાટ સાથે ૧૯૬૮-૬૯ એટલે કે મારું ફાઇનલ યર શરૂ થઈ રહ્યું હતું.
“નિશાન ચૂક માફ પણ નહીં નીચું નિશાન” મુજબ અમેરિકાની સારામાં સારી યુનિવર્સિટીમાં એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થઈ. સાથોસાથ આઈ.આઈ.ટી, આઈ.આઈ.એસ.સી. અને રૂરકીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં જોડાવા માટેની પ્રક્રિયા શરૂ થઈ અને વિગતો મેળવવાનું શરૂ કર્યું.
અંગ્રેજીમાં કહેવત છે કે “Aim for the moon. If you miss, you may hit a star.” અમેરિકા નહિ જવાય તો દેશમાં પણ આગળ ભણવું છે એ વાત મનમાં સ્પષ્ટ હતી. આગળ ભણવાનું જ છે, માત્ર ગ્રેજ્યુએટ થઈ બેસી રહેવાનું નથી, એ વિચાર મારા મા અને બાપ બન્નેનો હતો, ‘અમે બે વરસ ખેંચી કાઢીશું, ચિંતા ના કરતો તો, તું આગળ ભણ.’
કોઈ મા-બાપ તો પોતાના છોકરાને કહે કે ભાઈ આટલે સુધી ભણાવતાં ભણાવતાં અમે શેરડીના સાંઠાની માફક પિલાઈને કુચો થઈ ગયાં. હવે તું કામે લાગી જા. તે ઉંમર એટલે ૬૮ વર્ષના પિતા અને ૬૬ વર્ષની મા. દિકરો નોકરી કરીને પૈસા લાવે અથવા લગન કરીને ઘરમાં વહુ લાવે એવો સ્વાર્થી વિચાર કરવાને બદલે મક્કમતાથી મને આગળ અભ્યાસ કરવા માટે લગભગ ફરજ પાડી રહ્યાં હતાં.
ઋષિ-મુનિઓ પણ તપ કરતા. એ તપ આત્માના કલ્યાણ માટે રહેતું. કેટલાકનાં વિશિષ્ટ ધ્યેય રહ્યા હશે. અહીં એવા બે ઋષિતુલ્ય વ્યક્તિત્વ હતા જે ૬૮ વર્ષની જૈફ વયે હજુ બીજા બે વર્ષ તપસ્યા કરવા તૈયાર હતા.
માએ મોતીયો ઉતરાવ્યો હતો. છતાંય ઘરકામ જાતે કરતી. શરીર ઘસાતું ચાલ્યું હતું. બાપાની ચાલ હવે ઘૂંટણના વાના કારણે લંગડાવા માંડી હતી. પહેલાંનું કસરતી શરીર ઢીલું પડ્યું હતું. આમ છતાં કોઈ પણ સ્વાર્થ વગર માત્ર એક જ ભાવ કે મારો દીકરો ભણીને ખૂબ જ મોટો માણસ બને અને નામ કમાય. મારા માટે આરામ કરવાની ઉંમરે મારાં મા બાપને ઢસરડા કરવા પ્રેરી રહ્યું હતું. આ કારણે ઘણી બધી આશાઓ, અરમાનો અને પ્રતિબદ્ધતાઓ સાથે ફાઇનલ યરની શરૂઆત થઈ હતી.
સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ મને ગમતો વિષય ન હતો. મને પ્રમાણમાં વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ વિષયો વધારે ફાવતા. છેવટે સોઈલ મિકેનિક એન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ અથવા હાઇવે એન્જિનિયરિંગ, આ બે વિષયો ઉપર પસંદગી અટકી હતી. ઝાઝી સમજ હતી માટે નહીં પણ ડૉ. પિયુષ પરીખની પ્રતિભાથી અંજાઈને મેં નિર્ણય લીધો સોઇલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગને ઇલેક્ટિવ તરીકે પસંદ કરવાનો.