હું એ જમાનામાં ઉછર્યો છું જ્યા ઓરી, અછબડા, શીતળાને માતાજીનો પ્રકોપ ગણવામાં આવતો. જે કોઈને આ રોગ થાય તેને ઘરે આરામ કરવાનો રહેતો. દરદીના ખાટલાના ઓશીકે લીમડાનાં પાન મૂકવામાં આવતાં અને ઘરના પ્રવેશદ્વારે લીમડાની બે-ચાર ડાળખીઓનો ગુચ્છો બનાવી લટકાવાતો. આ રીતે ઘરના પ્રવેશદ્વારે લીમડાની ડાળ લટકતી હોય એટલે માની લેવાનું કે આ ઘરમાં કોઈકને ઓરી, અછબડા અથવા શીતળા નીકળ્યા છે. પચાસના દાયકામાં ભારતમાં શીતળા જેવા રોગનો ખૂબ મોટો પ્રકોપ હતો. શીતળા જેને આજે આપણે Small Pox કહીએ છીએ તે ઘણીવાર જીવલેણ થઈ જતો અને ક્યારેક દરદીએ દ્રષ્ટિ કે શ્રવણશક્તિ ગુમાવવી પડે તેવું બનતું. મોં પર શીતળાની ગીચ ફોલ્લીઓ થઈ હોય તો શીતળા મટ્યા બાદ એના ડાઘ રહી જતાં. આપણે આઝાદ થયા ત્યારબાદ શીતળા સામે રક્ષણ માટે રસીકરણની અસરકારક ઝુંબેશને કારણે શીતળા હવે ભારતમાંથી નષ્ટ થયેલો રોગ છે. અમે પ્રાથમિક શાળામાં હતા ત્યારે ક્યારેક ક્યારેક આરોગ્ય ખાતાવાળા સ્કૂલમાં આવી ચડતા. કાં તો એ શીતળાની રસી મૂકતા કાં તો BCG એટલે કે ક્ષય પ્રતિરોધક રસી મૂકતા. આ રસી મુકાવવા સામે ગામડામાં કંઈક ભય અને કંઈક અણગમાની લાગણી પ્રવર્તતી. મારા વર્ગખંડની પાછળ ખરવાડ(ખળાવાડ) હતી. રસીકરણ ચાલતું હોય ત્યારે કેટલાક છોકરાઓ બારીમાંથી બહાર કૂદી જઇ ખરવાડમાં ભાગી છૂટતા. ક્યારેક એ પકડાઈ જતા અને ક્યારેક ભાગીને વગડે જતા રહે તો રસીકરણથી મુક્તિ મળી જતી. અત્યારે ડોક્ટરો જેને જાયન્ટ આર્ટિંકેરા કહે છે તે શીળસનાં ઢીમચાં શરીર ઉપર નીકળી આવે ત્યારે છાણાંની રાખ ચોપડવાથી એનો ઉપદ્રવ શમી જતો અને ચળ આવતી બંધ થઈ જતી. અત્યારે ઉપયોગમાં લેવાય છે તેવી સેટ્રીઝન દવાઓ તે વખતે નહોતી. મારું બાળપણ એવા જમાનામાં વીત્યું જ્યાં માથું દુખે તો બામ ઘસીને ચલાવી લેવાનું (માથું દુખે એ શબ્દથી જ અમે ઝાઝા પરિચિત નહોતા), શરદી થઈ હોય તો તુલસી, ગંઠોડા અને સૂંઠ નાખી ઉકાળો કે ચા બનાવી પીવાતી અને ઉધરસ થઈ હોય તો રાત્રે સૂતી વખતે એકાદ કપ સહેવાય તેવા ગરમ દૂધમાં એક ચમચી હળદર અને થોડુક મીઠું નાખી પી જવાનું અને પછી એઠા મોંએ સૂઈ જવાનું એ ઉપાય અજમાવતો.
ઉટાંટિયું (Whooping- cough) માટે રાણકી વાવનું પાણી લાવીને દવા તરીકે પાતાં. કફસીરપ ઝાઝું પ્રચલિત નહોતું. ગળામાં દુખતું હોય તો થોડું મીઠું નાખીને ગરમ પાણીના કોગળા કરી લેતા. આ બધા દેશી ઉપચારો ઉપર જીવન ચાલ્યા કરતુ અને નાના મોટા રોગના હુમલાથી બહાર નીકળી જવાતું. મારા બાપા ઉધરસ માટે અકસીર દવા બનાવતા. આ દવા સાદી ઉધરસ અથવા ઊંટાટિયું બંનેમાં સારું કામ આવતી. અરડૂસી નામની વનસ્પતિ થાય છે (અંગ્રેજીમાં જેને Vasa અથવા Vasaka કહે છે) એનાં ખાસાં ત્રણ-ચાર ખોબા ભરાય એટલાં પત્તાં તોડી એને પાણીમાં બરાબર ધોઈ નાખતા. ત્યારબાદ આ પાનને કેળનાં લીલાં પાનમાં વીંટાળી એનો પડો બનાવાતો. આ પડાને ચીકણી માટીથી છાંદી દેતા અને આ રીતે કાચી માટીના પડવાળો આ પડો સહેજ સુકાય એટલે એને ભઠ્ઠામાં અથવા સગડીના કોલસા સળગતા હોય તેની નીચેના ખાનામાં પકવવા મૂકતા. માટી બરાબર પકાઈને સુકાઈ જાય અને સહેજ તડ દેખાવા માંડે એટલે એને બહાર કાઢી લઈ ઠરવા દેતા અને પછી કાળજીપૂર્વક માટીનું પડ ખોલી પડો ખુલ્લો કરતાં. અરડૂસીનાં પાન બરાબર બફાઈને તૈયાર થઈ ગયાં હોય તેને લઈને મસળી નાખી લૂગદી જેવુ બનાવી સારા કપડાનો હાથરૂમાલ જેવડો એક ટુકડો લઈ એમાં આ લૂગદી મૂકી વળ ચઢાવતા જાય, આ પોટકી ઉપર દાબ વધતો જાય અને એમ થવાને કારણે બફાયેલા માવાનું પાણી નીચે ટપકવા માંડે જેને એક તપેલીમાં લઈ લેવાતું. આ રસની બાટલી ભરી રાખતા અને સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વખત એક નાની ચમચી એટલા જ મધ સાથે મેળવી પીવડાવી દેતા. ક્યારેક એમાં લીલી હળદર અને થોડુંક આદુ પણ નાખતા. આ ઉપાય ખૂબ અકસીર હતો. ઉધરસ અને કફને કાબુમાં લેવામાં એમનો આ નુસ્ખો કામ આવતો.
વળી પાછા મૂળ વાત પર આવીએ. મને પહેલા ત્રણ-ચાર દિવસ ખૂબ તાવ આવ્યો. તાવ આવે ત્યારે ડોક્ટરે આપેલી ગોળી લઈએ એટલે કાબુમાં આવી જતો. ગળામાં છોલાતુ હતું, ખાંસી સાથે કફ પણ થયો હતો. આ કફ માટે ડો.પુરોહિતે લખી આપેલું બેનાડ્રીલ કફસીરપ લેવાથી રાહત રહેતી. મા મારી સેવામાં ખડે પગે હાજર રહેતી. રાત્રે પણ બે-ત્રણ વખત મારા કપાળે હાથ મૂકી તાવ કેવો છે તે જોઈ લેતી. ક્યારેક અર્થજાગ્રત અવસ્થામાં મા નો હાથ કપાળને સ્પર્શ કરે ત્યારે કોઈ દેવદૂતનો હાથ ફરતો હોય એવી શાતા મળતી. કદાચ એટલે જ કહેવાયું હશે કે “લૂખ્ખો હાથ પણ મા નો ક્યાંથી?” મનમાં વિચાર આવી જતો કે આ જ પરિસ્થિતિમા જો પેલી ID હોસ્પીટલના એક ખૂણામાં ખાટલામાં પડ્યો હોત તો આવી લાગણીથી ધ્યાન રાખવાવાળું ત્યાં કોણ હતું? આ પ્રસંગે મને મા ની અને વિશેષ તો કુટુંબની હૂંફ શું છે તેનો તાદ્દશ અનુભવ કરાવ્યો. શરીર ઉપર અને મોં પર ઓરીના અળાઇથી સહેજ મોટા દાણા જોઈ શકાતા હતા. જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ એમની લાલાશ ઓછી થતી જતી હતી અને સહેજ કાળાશ દેખાવા માંડી. થોડી થોડી ખંજવાળ પણ આવતી હતી. મા એ કહ્યું હવે માતાજી નમણે છે. જે દિવસે મને ઓરી નીકળ્યાનું નિદાન થયું તે દિવસથી આઠ દિવસ ગણી નવમા દિવસે વહેલી સવારે પાણિયારે દીવો મૂકી મા એ કંકુના ચાંદલા કરી શીતળામાની આરાધના કરી. બાજરીની કુલેરનો પ્રસાદ ધરાવ્યો અને શ્રીફળ વધેર્યું. મને ત્યારે જાણમાં આવ્યું કે શીતળામાતાને વધેરવામાં આવતા શ્રીફળની ચોટી દીવાને અડાડાતી નથી. મને પગે લગાડ્યો અને માએ ખોળો પાથરી પ્રાર્થના કરી. હવે હું સાજો થવા માંડ્યો હતો. તાવ લગભગ ઉતરી ગયો હતો. કફ અને ખાંસી હતાં. ઓરી થાય એટલે શરીરમા ગરમીનો પ્રકોપ થાય છે અને એ મટી ગયા પછી દસ બાર દાણા કાળી દ્રાક્ષ માટીની કુલડીમાં આખી રાત પલાળી રાખી સવારે એ જ પાણીમાં આ દ્રાક્ષ ચોળી નાખી પીવડાવતા જેથી અંદરની ગરમીનો પ્રકોપ શમવા માંડે.
ઘરે તો પગે નમાડી દીધો પણ બે-ચાર દિવસ પછી મને થોડું સારું થયું એટલે મા એક ઢળતી બપોરે મને લક્ષ્મીપોળમાં આવેલ શીતળામાતાના મંદિરે લઈ ગઈ. ત્યાં પણ કુલેર, શ્રીફળ, માટીનો તાજો જ બનાવેલ એક ઘડો અને એક કોરો કાગળ આવું બધુ માતાજીને અર્પણ કરી મને પણ દર્શન કરાવ્યાં. હવે માતાજીનો પ્રકોપ શમી ગયો એટલે કે ઓરીનો રોગ કાબુમાં આવી ગયો એમ સમજી માતાજીનો ખૂબ ખૂબ ઉપકાર માન્યો.
આપણે માનીએ કે ના માનીએ એ પણ એક જમાનો હતો જ્યારે આ પ્રકારની વિધિ અને માન્યતાઓ પ્રચલિત હતી. આજે શીતળાનો ઉપદ્રવ ભૂતકાળ બની ગયો છે. ઓરી અછબડા થાય છે ખરા પણ ડોક્ટર લખી આપે તે દવા લેવાની અને થોડુંક આઇસોલેશન જેવુ પાળવાનું.
ઓરી મટી ગયાં. ચહેરા ઉપર અને શરીર પર હજુ ડાઘા હતા એ માટે મા રોજ લીમડો ઉકાળીને ગરમ પાણી કરે તેનાથી નહાવાનું રહેતું. શરીરમાં અશક્તિ આવી ગઈ હતી. ચોપડી લઈને બેસીએ તો વાંચતાં વાંચતાં ઉંઘી જવાતું. કદાચ આ ઉંઘ પ્રેરવામાં પેલુ કફસીરપ પણ કારણભૂત હતું. મનમાં સતત ચિંતા હતી. પરિક્ષાને માંડ દસ દિવસ બાકી રહ્યા હતા. કશું જ વંચાયું નહોતું. વાંચવાની પરિસ્થિતી પણ નહોતી. એક મન કહેતું હતુ કે આ તૈયારી સાથે પરીક્ષા આપીશું તો જરૂરી ટકાવારી નહીં આવે જ્યારે બીજું મન કહેતું કે ના પરીક્ષા તો આપવી જ જોઈએ જ્યારે ત્રીજી બાજુ મા જ્યાં સુધી એને યોગ્ય ન લાગે ત્યાં સુધી વડોદરે પાછો જવા દેવા તૈયાર નહોતી. છેવટે બાપાની દરમિયાનગીરી અને કંઈક અંશે મારી મક્કમતાએ કામ કર્યું. બે-ત્રણ દિવસ પછી વડોદરા પાછા જવા દેવા માટે મા સંમત થઈ અને એક સવારે વળી પાછી પેલી નાની બેગમાં કપડાં અને સાથે માએ બનાવી આપેલ સુખડી અને મસાલાવાળી કડક પુરીનો નાસ્તો લઈ વડોદરા જવા નીકળ્યો. સાંજે વડોદરા પહોંચ્યો ત્યારે ઘણા બધા મિત્રો ઘેરી વળ્યા. બધાએ ચિંતા કર્યા વગર જે કંઇ વંચાય તે વાંચવા કહ્યું. કોઇપણ કામ હોય તો અમે છીએ એવો સધિયારો આપ્યો અને એ રાત્રે મેં વાંચવાનું શરૂ કરવાના શ્રીગણેશ કર્યા.
મનમાં ગણતરી માંડી પરીક્ષા આડે માંડ આઠ દિવસ હતા. સાત વિષયો હતા. આમ તૈયારી કરવા માટે મારી પાસે વિષયદીઠ બચ્યો હતો માત્ર એક દિવસ ! મેં થોડોક વ્યવહારુ રસ્તો કાઢ્યો. અંગ્રેજી, ગુજરાતી અને હિંદી પરીક્ષા વખતે જોઈ જઈશું તો વાંધો નહીં આવે એમ વિચારી બાકી રહેતા વિષયોને સમય ફાળવી આપ્યો. મને પોતાને પણ ખ્યાલ હતો કે હું સાજો સમો હોત તોય આટલો સમય એક વિષય માટે પૂરતો નહોતો. અત્યારે તો થાકી જવાય, ઝોકાં આવે અને થોડી ઘણી અશક્તિ તો હતી જ એ બધી મર્યાદાઓ સાથે મારે વાંચવાનું હતું. જે થશે તે જોયું જશે એવા નિર્ધાર સાથે હું કામે લાગ્યો.
પ્રેપરેટરી સાયન્સ એ મારી કારકિર્દી માટે મહત્વનુ વરસ હતું. એન્જીનિયરીંગ કે મેડિકલ જેમાં જવું હોય તેમાં આ વરસની ટકાવારી ખૂબ ઉપયોગી બનવાની હતી. મેડિકલમાં જવાની તો મારી વૃત્તિ જ નહોતી. મારે એન્જીનિયર બનવું હતું.
અને એ પણ...
સિવિલ એન્જીનિયર
ઘણા વખતથી મનમાં ઘૂંટીઘૂંટીને
મેં એક મહત્વાકાંક્ષા સેવી હતી
સિવિલ એન્જીનિયર બનવા માટેની
સિવિલ એન્જીનિયર જ કેમ?
કેમ એન્જીનિયરીંગની બીજી કોઈ બ્રાંચમાં નહોતું જવું?
આ પાછળ બે વ્યક્તિઓની…
મારા પર ઊભી થયેલ અમીટ છાપ કાર્યભૂત હતી.
કોણ હતી એ બે વ્યક્તિઓ?
સિવિલ એન્જીનિયર થવાની મહત્વાકાંક્ષાનાં બીજ મારા મનમાં કઈ રીતે વવાયાં?
આ પણ એક જબરદસ્ત ઘટના છે
મધ્યમવર્ગનાં પ્રમાણમાં પછાત વિસ્તારમાં રહેતાં બાળકો
પોતાની કારકિર્દી માટેની પસંદગી એ જમાનામાં કઇ રીતે કરતાં
એનો નમૂનો મારી આ મહત્વાકાંક્ષા હતી.
હું તો તોય પ્રમાણમાં થોડાક શહેરી કહેવાય એવા
તાલુકા મથકના વિસ્તારમાંથી આવતો હતો.
મારા બાપા એ જમાનામાં મેટ્રિક પાસ હતા.
એમણે મારી કારકિર્દી માટે ઘણી બધી માહિતી ભેગી કરી હતી
પણ..
જેનાં મા-બાપ અભણ હોય
સાવ સાધન વિહીન અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય
એ વિદ્યાર્થીઓ કોની આંગળી પકડીને પોતાનો રસ્તો પકડે?
ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ આ રીતે જ અટવાઈ જતા હશે ને?