અલ્પા સરોવર – જેનાં હિલોળાં લેતાં પાણીમાં અમે ધુબકાં મારતા
સિદ્ધપુરનાં બાળકો રેણ કરેલો ડબો લઈ અલ્પામાં તરતાં શીખતાં
સિદ્ધપુરના તીર્થક્ષેત્રોનો ઉલ્લેખ ક્યાંકને ક્યાંક પ્રાચીન સાહિત્ય અને પુરાણોમાં પાપમુક્તિ અથવા પ્રાયશ્ચિત માટે સૂચવાયો હોય એવું જણાયું છે. માતા રોહિણીના પુત્ર અને કૃષ્ણના મોટાભાઇ બળદેવજીને સાંકળતી પણ એક કથા છે. અગાઉ આપણે બકાસુરનો વધ કરવાને કારણે જે પાતક લાગ્યું તેના પ્રાયશ્ચિત માટે ભીમને સૂચવાયેલ ઉપાય, દધિચી કુંડ અને બટુકેશ્વર તીર્થ અંગે વાત કરી. રાક્ષસોને હણો તો પણ પાતક લાગે એવી વાત આપણા શાસ્ત્રોમાં સ્વીકારાઇ હોય તેવું જોવા મળે છે. મૂળભૂત રીતે તમને જિંદગી ઈશ્વરે આપી છે અને એ પરત લેવાનો અધિકાર પણ માત્ર ઈશ્વરને જ છે. કવિશ્રી સુંદરમ તેમના કાવ્ય ‘હણો ના પાપીને’ની પંક્તિઓમાં નીચે મુજબ કહે છે –
હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી,
પ્રભુ સાક્ષી ધારી હૃદયભવને, શાંત મનડે
પ્રતિદ્વેષી કેરું હિત ચહી લડો, પાપ મટશે.
ઉપરોક્ત પંક્તિઓમાં પણ પશ્ચાતાપ અથવા પ્રાયશ્ચિતનું મહત્વ સમજાવ્યું છે.
બરાબર આવી જ એક વાત રોહિણીના પુત્ર બળદેવજી સાથે જોડાયેલી છે.
અનેક દૈત્યોનો વધ કરતા બળદેવજી મારવાડ દેશમાં આવ્યા. અનેક જીવોના નાશનું પોતે કારણ બન્યા તેનો એમના દિલમાં ભયંકર પસ્તાવો હતો. એમનું દિલ રહી રહીને કહી રહ્યું હતું કે મેં અનેક જીવોનો નાશ કર્યો છે અને મારે આ પાપમાંથી મુક્ત થવું જોઈએ. આ વિચારથી પ્રેરાઈને તેઓ પોતાના ગુરુ નારદજી પાસે ગયા. ગુરુને વિધિવત દંડવત પ્રણામ કરી પોતે કરેલાં પાપોનો પસ્તાવો વ્યક્ત કર્યો અને આ પાપોમાંથી મુક્ત થવા માટેનો માર્ગ પૂછ્યો.
બળદેવજીની આ વાત સાંભળી અને તેઓ પ્રાયશ્ચિતના વિચારથી પ્રેરિત થયા છે તે જાણીને નારદજી ખૂબ પ્રસન્ન થયા અને તેમણે પ્રાચી સરસ્વતીના કિનારા નજીક કર્દમ્બ વૃક્ષો તથા વિવિધ પ્રકારના ફૂલઝાડોથી વીંટળાયેલા, અનેક ઋષિમુનિઓ જ્યાં તપ કરીને પુણ્ય પ્રાપ્ત કરે છે તેવા બિંદુ સરોવર ઉપર બિરાજમાન કર્દમ્બ ઋષિની નિશ્રામાં બધાં જ તીર્થોનું જળ જેની અંદર ભરાયેલું છે એવા બિંદુ સરોવરમાં જઇ સ્નાન કરવાથી અનેક પ્રકારનાં પાપોનો નાશ થાય છે તેમ જણાવી બળદેવજીને પાપમુક્ત થવાનો ઉપાય જણાવ્યો.
આ બિંદુ સરોવરની બિલકુલ હાથવેંતમાં એક ભીંત જેટલા અંતરે જ આવેલ અલ્પા સરોવર, જ્યાં શ્રાદ્ધ કર્યા બાદ પિંડ પધારાવવાનું મહત્વ છે, તે વિષે પણ જાણકારી મેળવ્યા બાદ બિંદુ સરોવરની ઉત્પત્તિ અને મહાત્મ વિષે વાત કરીશું. બ્રહ્મવૈવસ્તમાં સાત દ્વિપના અધિપતિ સ્વયંભૂ મનુ મહારાજ રાજ્ય કરતા હતા. આ મનુ મહારાજની પુત્રી તે દેવહુતિ. સ્વયંભૂ મનુએ પોતાની પુત્રી સાથે કન્યાદાનમાં સુશિલા નામની દાસી આપી હતી. કર્દમ્બ ઋષિએ પોતાના વંશની વૃધ્ધિ ખાતર કામિક વૈમાન ઉત્પન્ન કર્યું અને દેવહુતિને બિંદુ સરોવરમાં સ્નાન કરી પોતાની પાસે આવવા કહ્યું. પતિની આજ્ઞા મુજબ બિંદુ સરોવરમાં સ્નાન કરતાં જ દેવહુતિને સૂર્યના જેવું પ્રકાશમાન અત્યંત સુશોભિત હીરારત્ન જડીત મણિમય કાર્મિક વિમાન નજરે પડ્યું. જેની સાથે વિવિધ પ્રકારનાં સુશોભિત વસ્ત્રાલંકાર ધારણ કરેલ અનેક દાસીઓ પણ જોવા મળી. કર્દમ્બ અને દેવહુતિ આ વિમાનમાં સવાર થયા ત્યારે આ દાસીઓએ તેઓ કર્દમ્બ ઋષિ અને દેવહુતિની સેવા માટે હંમેશાં હાજર રહેશે તેવી વાત કરી. આ બધું જોઈને દેવહુતિના પિયરથી તેમની સાથે આવેલ દાસી સુશિલાના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. કર્દમ્બ ઋષિ તો ત્રિકાણજ્ઞાની હતા. સુશિલાના મનના ભાવ તેઓ તરત કળી ગયા અને ક્રોધિત થઈ શ્રાપ આપ્યો – ‘શીલા ભવ:’. આ સાથે જ સુશિલા ભયથી કંપી ઉઠી અને પોતે અજ્ઞાન હોય આવો ભાવ મનમાં ઉત્પન્ન થવાની વાત કરી. માટે પોતાને ક્ષમા કરી શ્રાપ પાછો ખેંચી લેવા કર્દમ્બ ઋષિને વિનંતી કરી. કર્દમ્બ ઋષિએ શ્રાપ તો મિથ્યા નહીં થાય એમ જણાવી કહ્યું કે આ દ્વેષભાવ તારાથી અજ્ઞાનતાથી થયેલો છે જેનો તને હવે પસ્તાવો થાય છે એટલે હું તને વચન આપું છું કે ‘કૃષ્ણ પરમાત્મા જ્યારે કપિલા અવતાર ધારણ કરશે અને પોતાની માતાના ઉદ્ધારાર્થે સાંખ્યશાસ્ત્ર તેમને સંભાળવશે તે સાંભળતાની સાથે તું જળરૂપ થઈ મોક્ષ પામીશ અને તે જળથી જે સ્નાન કરશે તેનો ઉદ્ધાર થશે’. આટલાં વચન બોલતાની સાથે સુશિલા શીલા થઈ, તે કપિલ અવતાર થયા પછી સાંખ્યશાસ્ત્ર સાંભળતાની સાથે જ શીલા મટી જળરૂપ થઈ ગઈ અને તે જળ અલ્પ બોધથી ઉત્પન્ન થયું માટે તેનું નામ ‘અલ્પાતીર્થ’ પડ્યું.
જેમ ગયા શ્રાદ્ધ કરી પિંડ વિષ્ણુ મંદિરમાં પાદુકા ઉપર મૂકવાથી પિતૃઓનો મોક્ષ થાય છે તેમ બિંદુ સરોવર ઉપર શ્રાદ્ધ કરી અલ્પા સરોવરમાં પિંડ નાંખવાથી પિતૃઓ મોક્ષ પામે છે.
બીજી એક કથા જે મુજબ ગરુડજીના માતા કદરૂપાં હતાં. એમનું કદરૂપું સ્વરૂપ મટાડવાનો કોઈ ઉપાય નહોતો ત્યારે જેમના ઉપર શંખચક્રધારી સ્વયં ભગવાન નારાયણ બિરાજમાન થાય તે ગરુડજીએ પોતાની માતાનું દુ:ખ દૂર કરવા માટે ઉપાય બતાવવા ભગવાન નારાયણને વિનંતી કરી. આથી પ્રસન્ન થઈ ભગવાન નારાયણે ગરુડજીને જણાવ્યું કે ‘સિદ્ધ ક્ષેત્રમાં બિંદુ સરોવર તટે કર્દમ્બ ઋષિની સાથે હું જ્યાં બિરાજમાન થયેલો છું ત્યાં આગળ અલ્પા સરોવર છે તે સરોવરમાં સ્નાન કરવાથી તારી માતાનાં બધાં દુ:ખો નાશ પામશે’.
આવાં વચન સાંભળી ગરુડ પોતાને સ્થાને આવ્યા અને પોતાની માતા કદરૂપા સહિત અલ્પા સરોવરમાં જઇ સ્નાન કર્યું જેથી તેમની માતાના તમામ કદરૂપ અવયવોનો નાશ થયો અને સશક્ત અને સ્વરૂપવાન શરીર થયું અને તેની સાથે બધાં દુ:ખો નાશ પામ્યાં, જેથી તેણે ગરુડને આશીર્વાદ આપ્યો.
આ સરોવરને અહિલ્યા સરોવર પણ કહે છે કારણ કે આ સરોવર હોલકરના રાજાની વિધવા અહિલ્યા બાઈએ બંધાવ્યું છે. (સિદ્ધપુર ક્ષેત્ર મહાત્મ, પાન નં. ૨૮-૨૯ અને ૩૧ થી ૩૪)
આ અલ્પા સરોવર પાણીથી છલોછલ ભરેલું રહેતું. એમાં કાચબા, માછલીઓ વિગેરે પણ હતાં. મારી પેઢી સુધી સિદ્ધપુરના ઘણાં યુવાનો રેણ કરેલો કેરોસીનનો ડબ્બો કેડે બાંધી અલ્પા સરોવરમાં તરતાં શિખ્યા હશે. ત્યાં આવેલા મંદિરના ગુંબજની ધરી પરથી ભૂસકો મારી અલ્પા સરોવરમાં પડવાની વિશેષ મજા હતી. પાણીનું ઊંડાણ એટલું હતું કે તળિયા સુધી તો જઇ જ ન શકાય. આવું પાણીથી હિલોળા લેતું અલ્પા સરોવર અને એમાં ડૂબકી મારવાનો પુણ્ય અવસર મારા બાળપણે મને પૂરો પાડ્યો તેનો આનંદ છે. પાસે વહેતી સરસ્વતી નદીની સરવણીઓ અલ્પા સરોવર અને બિંદુ સરોવરને જીવંત રાખતી. બંનેનાં પાણી ક્યારેય મલીન થયેલાં મેં જોયાં નહોતાં. આજે નથી એ હિલોળા લેતું અલ્પા સરોવર કે નથી સરસ્વતીની સરવાણીઓથી નવજલિત થતું બિંદુ સરોવર. નથી રહી એક જમાનામાં જેમાં હોડીઓ ચાલતી અને મારા બાળપણમાં પૂર આવે ત્યારે જે બે કાંઠે વહેતી અને જેના પૂરનાં પાણી છેક પશવાદળની પોળ અને દેવસ્વામીના બાગને અડતાં અને એક વખત તો છેક બિંદુ સરોવર સંકુલમાં ઘૂસીને કેડ સમાં વહ્યાં હતાં તે સરસ્વતી. તેમાંનું કાંઇ આજે નથી. કહેવાય છે કે સ્થાનદેવતા જાગે ત્યારે વેરાન પણ જીવતું થઈ જાય છે અને સ્થાનદેવતા વિદાય લે ત્યારે ભલભલાં નવપલ્લવિત ઉદ્યાનો અને સમૃદ્ધ શહેરો પણ ઉજડી જાય છે. આ વાત અલ્પા સરોવર, બિંદુ સરોવર અને સિદ્ધપુર માટે શબ્દશ: સાચી છે એમાં મને કોઈ શંકા નથી. બિંદુ સરોવરનું મહાત્મ અને સંબંધિત ચર્ચા સાથે આ વાત આગળ વધારીશું.