હોસ્ટેલમાં તો પહોંચી ગયો. પરીક્ષા આડે માંડ આઠ દિવસ હતા. સ્વાસ્થ્ય હજુ બરાબર સુધર્યું નહોતું. અશક્તિ લાગતી અને એથીય વધુ તો થોડુંક વાંચીએ એટલે ઝોકું આવે ને આંખ ખૂલે ત્યારે અડધો કલાક, કલાક પસાર થઈ ગયો હોય. આમ વાંચવાનો બરાબર કટોકટીનો સમય અને ત્યારે હું શ્રેષ્ઠતમ ન આપી શકું તેવી શારીરિક સ્વસ્થતાની સ્થિતિ. દિવસો દોડતા નહીં જાણે કે ઉડીને પસાર થઈ રહ્યા હતા. પરીક્ષા નજીક આવતી જતી હતી. છેલ્લી ઓવરમાં 19 રન કરવાના હોય અને પહેલા ત્રણ બોલમાં એક પણ રન સ્કોર ન થાય તે પરિસ્થિતી મારી સામે આવીને ઊભી હતી. નિર્ધાર એક માત્ર પાક્કો હતો કે પરીક્ષા આપવી.

મારે સિવિલ એન્જીનિયર બનવું હતું. એન્જીનીયરિંગમાં દાખલ થનાર વિદ્યાર્થીઓની પસંદગીમાં પ્રથમ કેમિકલ એન્જીનીયરિંગ ત્યારબાદ મિકેનિકલ ત્યારબાદ ઇલેક્ટ્રિકલ અને પછી સિવિલ એન્જીનીયરિંગ એ રીતે રહેતી. વડોદરા યુનિવર્સિટીમાં ટેક્સ્ટાઈલ એન્જીનીયરિંગ અને ટેક્સ્ટાઈલ ટેકનોલોજી એટલે BText(Technology) અને BText(Engineering)ના પણ ડિગ્રી અભ્યાસક્રમો ચાલતાં. કેમિકલ એન્જીનિયરિંગનો અભ્યાસક્રમ પહેલો વહેલો જ શરૂ થઇ રહ્યો હતો અને સ્વાભાવિક રીતે એમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ જ સ્પર્ધા રહેવાની હતી. આમ, સિવિલ એન્જીનિયરિંગમાં એડમિશન મેળવવા માટે પ્રમાણમાં ઓછી સ્પર્ધા હતી એ એક રાહતની બાબત હતી.

પણ મારે સિવિલ એન્જીનિયર જ શું કામ બનવું હતું? આજે ઘણાબધા મા-બાપ એમના બાળકોના કરિયર કાઉન્સિલિંગ એટલે કે શૈક્ષણીક કારકિર્દી નક્કી કરવાની બાબતે મારી સલાહ લેવા આવે છે. સાચું કહું તો હું ભાષાનો માણસ હતો. હું કોલેજમાં દાખલ થયો તે પહેલાં હિન્દી ભાષાનો સ્નાતક થઈ ચૂક્યો હતો. મેં ગુજરાત વિદ્યાપીઠની વિનીત અને ભારતીય વિદ્યાભવનની રાષ્ટ્રભાષા રત્ન પસાર કરી હતી. સંસ્કૃતમાં મારે મેટ્રિકની પરીક્ષામાં 100માંથી 92 માર્કસ આવ્યા હતાં. ગુજરાતી ભાષા પ્રત્યેનો મારો લગાવ અને વાંચન સારું હતું. મને મારા વિચારો લખાણમાં ઉતારવાની એક હથોટી તે વખતે પણ હતી. મારા બાળપણનો એક તબક્કો એવો હતો જ્યારે મારું ધ્યેય શિક્ષક બનવાનું હતું. આ માટે M.S. યુનીવર્સિટીમાં પણ આર્ટ્સમાં કોઈ જ મુશ્કેલી વગર મને પ્રવેશ મળી શક્યો હોત અને હું માનું છું ત્યાં સુધી આર્ટ્સ સાથે સંલગ્ન વિનયન શાખાની કોઈપણ બ્રાંચ મારા માટે વધુ યોગ્ય હતી. આમેય મને ત્રિગોનોમેટ્રી, સોલીડ જીયોમેટ્રી જેવા વિષયોમાં બહુ ટપ્પી પડતી નહોતી. તો પછી સિવિલ એન્જીનિયરનું ભૂત મગજમાં ક્યાંથી ભરાયું?

આ માટે મારા બાળપણમાં જે બે પાત્રો સાથે પનારો પડ્યો તેને જવાબદાર ગણું છું. હું ગુજરાતી પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે ક્યારેક ક્યારેક બાપાની સાથે સિધ્ધપુર શહેરમાં લટાર મારવા જતો. તેમનો રોજનો રસ્તો પસવાદળની પોળથી દાખલ થઈ બહુચરાજી માતાના મંદિરની સામેના ખાંચામાંથી અંદર વળી વેરાઈના માઢમાં હરસિધ્ધ માતાના મંદિર પાસે એમના બે મિત્રો હતા તેમને ત્યાં ડોકાચિયું કરતા જવાનો રહેતો. એક હતા ચીમનકાકા ખત્રી જેમની ત્રણ કબર પાસે શરાફની ધમધોકાર ચાલતી પેઢી હતી. પૈસાપાત્ર અને સાધન સંપન્ન માણસ. હરસિધ્ધ માતાથી સહેજ આગળ જઈએ એટલે ડાબા હાથે એમનું મકાન આવે. જ્યારે જ્યારે એમને ત્યાં જવાનું થાય ત્યારે ખૂબ પ્રેમથી ચીમનકાકા મુઠ્ઠી ભરીને કાજુ-બદામ મારા ગજવામાં સેરવી દે અને ઉપરથી પેરી અથવા રાવલગમ ટોફી મને આપે. બાપા માટે તુળસીનો ઉકાળો આવે અને આ બંને મિત્રોની ગોષ્ઠી અડધો એક કલાક ચાલે ત્યાં સુધી હું ચોકલેટ કે બદામ ખાતાં ખાતાં ભાવભક્તિ ભર્યા ચહેરે ચીમનકાકાને જોઈ રહેતો. મનમાં થાય કેવા મોટા માણસ છે. કેવું સરસ મજાનું ઘર છે અને ફર્નિચર તો વાહ ભાઈ વાહ ! મારે મન તે દિવસોમાં ચીમનકાકા તાતા-બિરલાથી ઓછા નહોતા. ફરક એટલો હતો કે ચીમનકાકાનો પરિચય થયો અને તાતા-બિરલા એ તક ચૂકી ગયા ! ચીમનકાકાને ત્યાં જવાનું હોય ત્યારે ખૂબ મજા આવતી. એક અત્યંત પ્રેમાળ વડીલ તરીકેની એમની છબી આજે પણ મારા મનમાં જીવંત છે.

બીજા હતા હરસિધ્ધ માતાના મંદિરથી જમણી બાજુના ખાંચામાં રહેતા કેશવલાલ મિસ્ત્રી કાકા. સરકારી અધિકારી. PWDમાં ઓવરસિયર તરીકે દાખલ થઈ ડેપ્યુટી એન્જીનિયરના હોદ્દે પહોંચ્યા હતા. બાપાને એમની સાથે સારું બનતું. એમને ત્યાં જઈએ એટલે અચૂક મારા બાપા મને એમની જીપ બતાવતા અને કહેતા- “જો સરકારમાં એન્જીનિયર બનીએ તો આવી જીપમાં ફરવા મળે.” મને કોણ જાણે કેમ જીપ હંમેશા એક જબરદસ્ત વાહન લાગ્યું છે. સિનેમામાં પણ ઘણાબધા હીરો જીપ ચલાવે પછી તે દેવાનંદ હોય, દિલિપકુમાર હોય કે ધર્મેન્દ્ર. મનમાં થતું જીપમાં ફરવા મળે તો મજા મજા થઈ જાય. શાસ્ત્રીજીના બંગલે દાંતા સ્ટેટના મહારાજા સાહેબ આવતા. તે પણ જીપમાં આવે. ત્યારબાદ શાસ્ત્રીજીના મોટા દીકરાનું વેવિશાળ મૂળ ઉનાવાના પણ મહેસાણામાં પ્રૅક્ટિસ કરતા ડો.દલપતરામ રાવળ સાહેબને ત્યાં થયું તે પણ શાસ્ત્રીજીને મળવા આવે તો જીપમાં જ આવે. આમ, ખૂબ નાની ઉંમરમાં કોઈ વાહને બહુ મોટી છાપ મારા મન પર પાડી હોય તો એ જીપ હતી. હું જ્યારે જ્યારે એમને ત્યાં જાઉં ત્યારે મિસ્ત્રીકાકા કરતાં વધુ અહોભાવથી જીપને જોયા કરતો. એકાદ-બે વખત એમાં બેસીને આંટો મારવાનો પણ મોકો મળેલો. ત્યારે અભાનપણે મિસ્ત્રીકાકાએ મારા મગજમાં એક સ્વપ્નનો છોડ વાવી દીધો, મોટા થઈને એન્જીનિયર બનવાનું. ડિગ્રી એન્જીનિયર બનો તો XEN થવાય. આગળ જતાં સમજ્યો કે XEN એટલે Executive Engineer. એ જમાનામાં તો સાયકલ જેની પાસે હોય તેને પણ લોકો અહોભાવથી જોઇ રહેતા, તો જીપમાં તમે બહાર નીકળો એટલે તમારે પોતાની ઓળખાણ આપવાની જરૂરત જ નહીં. તમે મોટા હાકેમ કે ડોક્ટર છો એવું તમારી જીપ જ કહી દે. સરકારી ખાતામાં તમે એક ચોક્કસ મુકામ પર પહોંચ્યા છો એની નિશાની આ જીપ હતી. મામલતદાર સાહેબ જીપમાં નીકળે, પોલીસ ઈન્સ્પેકટર સાહેબ જીપમાં નીકળે, ભાગ્યે જ વરસમાં એક જ વખત તાલુકા મથકે આવતા પ્રાંત ઓફિસર સાહેબ કે DSP સાહેબ જીપમાં આવે. જીપ એટલે સરકારના સત્તાવાહી તંત્રમાં વગદાર અને દમદાર સ્થાને બેઠેલ વ્યક્તિનું વાહન. આમ, સિવિલ એન્જીનિયર બનવાની મહત્વાકાંક્ષાનાં બીજ વવાયાં મારા બાપાના પરમમિત્ર શ્રી કેશલાલ મિસ્ત્રીના હાથે.

ગામડાના વાતાવરણમાં ઉછરતાં નીચલા મધ્યમ વર્ગનાં બાળકો નદીના પ્રવાહમાં તણાતા લાકડાના ટુકડાની માફક સમયના પ્રવાહમાં તણાયે જાય છે. કોઈ એ પ્રવાહમાં તણાતા આગળ નીકળી જાય છે તો કોઈ કિનારે જ અટકી જાય છે. લાકડું એ જ છે, પ્રવાહ એ જ છે પણ એ બંનેનો સમન્વય ભાવી એટલે કે વહેણની ગતી નક્કી કરે છે. મારા કિસ્સામાં સાવ આટલી ખરાબ પરિસ્થિતી નહોતી. મારા બાપા એ જમાનામાં SSC સુધી ભણેલા હતા. રેલવેમાં સ્ટેશન માસ્તર તરીકેની નોકરી કરતા હતા. મારો ઉછેર તો રાજપુર ગામમાં પણ નહીં એ ગામથીય ખાસું ચાર ખેતરવા દૂર લગભગ જંગલ કહી શકાય એવા અરણ્યવાસમાં થયો હતો. નજદીકમાં નજદીકનો પાડોશ ઠાકોર કુટુંબોનો અને બીજી બાજુ શાસ્ત્રીજીની પાઠશાળાનો. આમ, ત્યારે વિકસીત દુનિયાનું ખાસ કોઈ એક્સપોઝર નહોતું. આ કારણથી આગળ શું બનવું તે આવા કોઈ પ્રસંગે વવાયેલા વિચારો જ નક્કી કરતા અથવા ઘરની આર્થિક પરિસ્થિતી મુજબ જે કંઇ થઈ શકે તે રીતે અભ્યાસ કરવાનો રહેતો.

આ વિચાર મનમાં ઊગી રહ્યો હતો ત્યાં જ 1956ના એક ઉનાળામાં બીજી ઘટના ઘટી. સામાન્યરીતે ઉનાળો આવે અને વેકેશન પડે તે પહેલાં મામાનો કાગળ આવી જતો. વિરમગામ મોસાળમાં મને અને મા ને થોડા દિવસ મામાને ત્યાં રહેવા માટેનું એમાં આગ્રહભર્યું નિમંત્રણ રહેતું. આ કારણથી મારા બાળપણનાં બાર-તેર વરસ ઉનાળાના વેકેશનમાં મામાને ત્યાં પંદરેક દિવસ કે મહિનો ગાળવાનું બનતું. મામાનું ઘર વિરમગામ ઝંડીયા કુવે દવેની ખડકી. એક જમાનામાં ખૂબ સમૃધ્ધ કુટુંબ. મામા જન્મ્યા અને ઉછર્યા દોમ-દોમ સાયબી વચ્ચે. આ કારણથી મામાની રહેણી-કરણી પણ ખાસી ખર્ચાળ. ત્રણ બહેનોના એકના એક ભાઈ એટલે લાડે-કોડે ઉછર્યા હશે એવું માની શકાય. સિટી એન્ડ ગિલ્ડઝ લંડનની ઇલેક્ટ્રીક એન્જીનિયરિંગની પરીક્ષા એ જમાનામાં એમણે પાસ કરી હતી. એ જમાનામાં વિરમગામ પાવરહાઉસ અને થિયેટર બંનેમાં ભાગીદારી, કાશી વિશ્વનાથ મહાદેવવાળા ગોલવાડી રોડ પર દુકાનો, દવેની ખડકીમાં પણ મોટા મકાન ઉપરાંત બીજી પણ મિલકત સારી. પણ મામાનો સ્વભાવ તીખા મરચા જેવો, કડક. ક્યારેક કાળી તાજછાપ સીગારેટ તો ક્યારેક કેવેન્ડર અને છેલ્લે છેલ્લે બીડી પીવાના શોખીન, અત્યંત લાગણીશીલ. બધાં જ મર્યાદા રાખીને વાત કરે. અમારા બંને માસીના દીકરાઓ અને દીકરીઓ એમને મામાભાઈ કહે અને એમનાં સંતાનો એમને મામાભા કહે. અમારી ઉત્તર ગુજરાતની ભાષા થોડીક અતડી એટલે મેં આખી જિંદગી મામા જ કહ્યું. મામી બીજી વારનાં પત્ની. બે સંતાનો, એક દીકરો અને એક દીકરી. દીકરી મોટી નામ જ્યોત્સનાબહેન. પણ લાડનું નામ સગુણાબહેન. મારી મા ના શબ્દોમાં કહું તો સાવ ગરીબ ગાય જેવી. પાકા ઝાડના છાંયડે ભૂખે મરે એવી સરળ. મા સાચી હતી. મારી બહેન અત્યંત મૃદુભાષી, સરળ અને હાડની ગરીબ. મામી મારાં જાજરમાન પણ વળી પાછું મા ના શબ્દો ઉછીના લઉં તો સગુણાબહેને મા કે બાપાનું રૂવાડું પણ નહોતું ચોર્યું. નાનો દીકરો નામ સુરેશભાઇ. અમે હમઉમ્ર પાંચ બાળકો મામા, ફુઈ, માસીનાં સંતાનો. તેમાં ચંદ્રવદન(મારા નાના માસીના મોટા દીકરાનો દીકરો એટલે મારો ભત્રીજો), અશ્વિન(મારા મોટા માસીના મોટા દીકરાનો દીકરો એટલે મારો ભત્રીજો). અરવિંદ(મારા નાના માસીના દીકરીનો દીકરો એટલે મારો ભાણો), નલીન(મારી મા ના પિતરાઈ ભાઈ ઇશ્વરમામાનો દીકરો એટલે મારો ભાઈ) અને હું. લગભગ એક વરસના ફેરમાં આ પાંચેય નમુનાઓ આવી જાય. આમાં મારી છાપ ગામના ઉતાર તરીકેની ખૂબ જ તોફાની અને લાગ આવે કોઈકને ઝૂડી પણ નાખે, અશ્વિન અને નલીન પ્રમાણમાં સરળ, સુરેશભાઇ સળી કરીને છેટા રહે અને અરવિંદ પણ ઉંમરના પ્રમાણમાં ખૂબ ગહન અને મુત્સદી. નટવરભાઇ શુકલ એટલે કે અરવિંદના પિતાશ્રી. મારા બાપાના મોસાળપક્ષે ભાઈ થતા જેઠાલાલ દાદાના પુત્ર એટલે મારા ભાઈ પણ ખરા અને માસીની દીકરી પરણાવી એટલે બનેવી પણ ખરા. અટક શુકલ એટલે અરવિંદને અમે ખીજવતા કે-

“શુકલમ પુત્રમ્ કદી ન મિત્રમ્
જો મિત્રમ્ તો દગમ્ દગે”

આ માત્ર અરવિંદને લાગુ પડે છે અન્ય કોઈ શુકલ ભાઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં. ઉનાળાના વેકેશનમાં અમે બધાં લગભગ ભેગા થઈએ. મારા મોટા માસા ચંદ્રશંકરભાઈ રેલવેમાં નોકરી કરે. એમનું ઘર નાની વ્યાસફળીમાં. એમના ભાઈ તે આંબાલાલભાઈ અને ભાભી જીવીબા.

નાની માસીના દીકરા અંગીરસભાઈ વિરમગામ મિલમાં નોકરી કરે. સરવાળે ઉનાળાના વેકેશનમાં અમારી આખી બાળમંડળી વિરમગામ ભેગી થાય. એમાં દવેની ખડકીમાં જ રહેતો ગોપાલ ગુપ્તા(લાલીવાળા) અમારી જ ઉંમરનો અને સુરેશભાઈના માસા નટવરલાલ ફોજદારનો પ્રધ્યુમન ભળે એટલે ખૂબ મજા આવતી. ઉનાળામાં કપાસનાં કાલાં આવે એટલે ધડી ફોલવા માટે લઈ આવીએ. રાત્રે બધાં કાલા ફોલવા બેસી જાય. ધડી ક્યારે પતી જાય એનો ખ્યાલ પણ ન આવે. કપાસનું જીંડવું ફૂટે ત્યારે એનાં ચાર પાંખીયાં હોય. પણ કુદરત ક્યારેક પાંચ પાંખીયાવાળું કાલું પણ બનાવી દે. અમે એને ઘોડો કહેતા. જેને ઘોડો મળે તે નસીબદાર એવી અર્થહીન અંધશ્રધ્ધાને કારણે ક્યારેક ઘોડો દેખાય એટલે એને ઝૂંટવી લેવા ઝપાઝપી પણ થતી ! આ બધું જ નિર્દોષ આનંદના ભાગરૂપે.

વળી પાછા મૂળ વાત પર આવીએ તો 1956ની સાલના એ ઉનાળુ વેકેશનમાં ભરવાડી દરવાજે આવેલી મામાની સબસ્ટેશનની ઓફિસમાં સમાચાર આવ્યા. મારા માસીના દીકરા રમેશભાઈ BE સિવિલ એન્જીનિયરીંગની પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થઇ ગયા હતા. એ જમાનાની પરિસ્થિતી પ્રમાણે એમને ટૂંક સમયમાં સરકારી નોકરી પણ મળી જવાની હતી. રમેશભાઈ મારા મોટા માસીના નાના દીકરા. મારા માટે હંમેશા અહોભાવથી જોવાનું પાત્ર રહ્યા હતા. બધી જ રીતે આદર્શ કોને કહી શકાય એનો દાખલો મા રમેશભાઈનો જ આપે. વિનય, વિવેક, ઠરેલપણું અને ભણવામાં હોશિયાર બધી જ બાબતોમાં. મા બહુ ગુસ્સે થાય ત્યારે મને રીતસરનો ઝાડી નાખીને કહેતી કે જો રમેશભાઈ કેવા આગળ વધ્યા અને તું વનેરુનો વનેરુ(જંગલી) રહ્યો. રમેશભાઈ એ વખતે ક્યારેક ક્યારેક વરસે-બે વરસે સિધ્ધપુરની મુલાકાત લેતા. હું ભૂલતો ન હોઉ તો એ રસાયણ ચૂર્ણનું સેવન કરતા. એ મગજશક્તિ વધારવા માટે કે તન્દુરસ્તી સારી રાખવા માટે એ મારી સમજ બહારનો વિષય હતો. રમેશભાઈનું વ્યક્તિત્વ અને વાતચીતની ઢબ ખૂબ જ આકર્ષક. ક્યાંય પણ એ કશુંક કહેતા હોય તો હું અનીમેષ નજરે એમને જોઈ રહેતો અને ધન્યતા અનુભવતો. મા ત્યારે સાચી લાગતી હું ખરેખર વનેરુ જ હતો ! તે દિવસે બપોરે આ સમાચાર આવ્યા એટલે મામાએ અમને બધાને કહ્યું જો આ દાખલો લો રમેશભાઈનો અને એ દિવસે ફરી એકવાર મારા મગજમાં કેશવલાલ મિસ્ત્રીકાકાએ રોપેલો અને ધીમે ધીમે વિકાસતો સિવિલ એન્જીનિયર બનવાની મહત્વાકાંક્ષાનો છોડ એકદમ જાણે કે એને ખાતર અને પાણી એક સાથે મળી ગયાં હોય તે રીતે ફાલી ઉઠ્યો.

1956ના એ ઉનાળાના વેકેશનમાં(મે નો અંત અથવા જૂનનો પ્રારંભ હશે) મેં મારું ધ્યેય નક્કી કરી નાખ્યું હું પણ સિવિલ એન્જીનિયર બનીશ, જીપમાં ફરીશ, મોટો એક્સીએન બનીશ અને પછી મા ને કહીશ કે- “બોલ ચંચી ! હવે હું વનેરુ મટીને રમેશભાઈ જેવો સુધારેલો માણસ બન્યો કે નહીં?” (મારી માનું નામ પદમાવતી હતું પણ પિયરમાં એને બધા ચંચી કહેતા એટલે હું પણ ક્યારેક ઉમળકો આવે ત્યારે એને ચંચી કહી નાખતો). આમેય મારો મા અને બાપા સાથેનો સંબંધ છોકરા કરતાં મિત્ર તરીકેનો વધુ રહ્યો. સ્વભાવે હળવા રહેવું એ લક્ષણ મને મારા બાપા અને મા બંનેની સહિયારી દેન છે એમ કહી શકું. 

આ સ્વપ્ન લઈને ત્યારપછી હું ચાલ્યો અને એટલે પ્રેપરેટરી સાયન્સની પરીક્ષામાં મારે કોઈ મોટા તારા તોડી નાખવા નહોતા બસ એટલા માર્ક્સ જોઈતા હતા જેથી સિવિલ એન્જીનિયરીંગમાં પ્રવેશ મળી જાય.

મારા અત્યાર સુધીનાં પરીક્ષાનાં પરિણામ અને જે રીતે મેં વિવિધ વિષયોનું જ્ઞાન હસ્તગત કર્યું હતું તે જોતાં આ લક્ષ્યાંક કંઈ મોટું નહોતું.

પણ, Man proposes God Disposes. માણસ ધારે છે કંઈ અને ઈશ્વરે એના માટે નિર્મિત કર્યું હોય છે કંઈ. પરીક્ષાના માંડ વીસેક દિવસ બાકી હતા ત્યાં ઓરી મારી ખબર લેવા આવી પહોંચી. લગભગ દસ દિવસ તો કશુંજ વાંચ્યું નહીં એમાં જ વીતી ગયા અને બાકીના આઠ દિવસમાં બધા વિષયો વાંચી શકાય તેમ નહોતું એટલે મેં અગાઉ કહ્યું તેમ મેચ શરૂ થઈ ત્યારે જે લક્ષ્યાંક સરળ લાગતો હતો તે લક્ષ્યાંક છેલ્લી ઓવરમાં 19 રન કરવાના હોય અને  પહેલા ત્રણ બોલ ડોટ બોલ એટલે કે એક પણ રન સ્કોર ન થાય તે રીતના જાય ત્યારે જે સ્થિતિ થાય તેવી સ્થિતિમાં ઊભી થતાં હું ફસાયેલો હતો.

છેલ્લી ઓવરના છેલ્લા ત્રણ બોલ
જીતવા માટે 19 અને બરાબર થવા માટે 18 રન જરૂરી
આ તો જ શક્ય બને જો દર બોલે છગ્ગો વાગે
અથવા એકાદ નો બોલ કે વાઇડ બોલ પડે
અને ત્યારબાદ બોલર બાકીના ત્રણ બોલમાં ઝુડાઈ જાય
ખૂબ નિર્ણાયક અને રોમાંચક તબક્કે આવીને કારકિર્દીની મેચ ઊભી હતી
આ મેચ
મારી જીંદગીની કારકિર્દીનો એક મોટો વળાંક આવી શકે
એવી પૂરી શક્યતાઓ
આશા-નિરાશા વચ્ચે લોલકની જેમ ઝૂલતું મારું મન
ક્યારેક પરીક્ષા નહીં આપી ડ્રોપ લઈ લેવાનો બળવત્તર બનતો જતો વિચાર
ઊલટી ગણતરી શરૂ થઈ ચૂકી હતી
મારે સિવિલ એન્જીનિયર બનવું હતું
1963ના પ્રેપરેટરી સાયન્સની પરીક્ષાનું પરિણામ
મારે માટે નિર્ણાયક બનવાનું હતું
શું મારું શમણું સાચું પડશે?
કે પછી

“सपने है सपने कब हुए अपने
आँख खुली और टूट गए
अंधियारे के थे ये मोती
भोर भई और फुट गए
सपने है सपने कब हुए अपने”

શું થશે?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles