જયદત્ત શાસ્ત્રીજી - હજુ ઘણું બધું એમના માટે કહી શકાય તેમ છે, પણ એમના વ્યક્તિત્વનો એક મહત્ત્વનો ભાગ એવો છે કે જેના વર્ણન વગર આ વિવરણ અધૂરું રહે. આ પાસું છે પ્રગતિશીલ વિચારધારાનું. શાસ્ત્રીજીની વિચારસરણી જમાના કરતાં જુદી હતી અને જમાના કરતાં આગળ પણ હતી. સંસ્કૃત પાઠશાળામાં એ સમયે વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન તરીકે પૃથ્વી પરના વિવિધ ખંડો અને અક્ષાંશ-રેખાંશથી માંડી અન્ય બાબતો પણ સમજાવાય એવો એમનો અભિગમ હતો. એમના પુસ્તકોની સાથે જ પૃથ્વીનો ગોળો પણ મોજૂદ રહેતો. ગ્રહો અને નક્ષત્રોની ગતિ તેમજ જ્યોતિષ માટેનું ગણિત તેઓ નહોતા ભણાવતા. એ માટે જુદા નિષ્ણાત પંડિતો હતા. પણ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી ગ્રહો વિગેરે બાબતોમાં એમના વિદ્યાર્થીને એ રસ લઈને શીખવાડતા. આ જ રીતે એમનો વિદ્યાર્થી થોડું ઘણું અંગ્રેજી પણ જાણતો-સમજતો થાય એ માટે એને અંગ્રેજીનું પણ પ્રાથમિક જ્ઞાન અપાતું. પૂનરાવર્તન અને સ્વાધ્યાય એ પાઠશાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફરજીયાત હતું. મંત્રોચ્ચાર સ્વર સાથે વ્યવસ્થિત થાય અને ક્યાંય પણ ઉચ્ચારોમાં અશુદ્ધિ ન આવે તે અંગેની એમની ચીવટ અદભૂત હતી. આ કારણથી શાસ્ત્રીજીના હાથ નીચે ભણીને તૈયાર થયેલ વિદ્યાર્થી પછી તે કર્મકાંડના ક્ષેત્રે કામ કરે અથવા કોઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરે ક્યારેય પાછો નહોતો પડતો. જ્યંતિભાઈ શાસ્ત્રી જેવા એમના શિષ્યોએ તો જ્યોતિષ શાસ્ત્રમાં પણ ખૂબ મોટું નામ કાઢ્યું હતું અને પાલનપુરના હીરાઉદ્યોગ સાથે સંકળાયેલ શ્રેષ્ઠીઓ મુહૂર્ત તેમજ વિધિ-વિધાન અને જ્યોતિષ માટે તેમની સલાહ આખરી ગણતા. હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન પાઠશાળામાં સંસ્કૃત શીખવા આવતા ઘણાં વિદ્યાર્થીઓ આગળ જતાં પોતાના ક્ષેત્રમાં ખ્યાતિ પ્રાપ્ત બન્યા હતા. એમાંથી પ્રોફેસર રજનીકાંત પરીખ અને ડૉ. ધુળાભાઈ યાદ આવે છે. આશુતોષભાઈને પણ પાલી તેમજ અર્ધમાગધી ભાષાઓનું જ્ઞાન હતું. આ ઉપરાંત ગુજરાતી અને અંગ્રેજી ઉપર તેમનું પ્રભુત્વ કાબિલેતારીફ હતું. આમ, એક શિક્ષક તરીકે જયદત્ત શાસ્ત્રીજી એમના જમાના કરતાં આગળ હતા. શાસ્ત્રીજીની તેજસ્વીતા અને પ્રગતિશીલ વિચારસરણી કદાચ સિદ્ધપુરમાં તેમને સ્વીકૃત ન થવા દેવા માટે કારણભૂત હોઈ શકે. શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ એ વૈશાખની મધ્યાહને તપતા સૂર્ય જેવું હતું જેનો તાપ બહુ ઓછા સહન કરી શકે. જયદત્ત શાસ્ત્રીજીના વ્યક્તિત્વનું બીજું પાસું એમનું બંડખોર અને વિપ્લવી માનસ કે વિચારસરણી હતું. શાસ્ત્રીજી ક્યારેય રૂઢિચુસ્ત ઢાંચામાં ન ઢળ્યા. જરૂર પડ્યે આખા સમાજ સામે ખડકની જેમ ટકરાવાની અને પોતાનું ધાર્યું કરવાની એમની શક્તિ હતી. આ કારણથી એમની મોટી દીકરીના લગ્નપ્રંસગે દહેજ અને પહેરામણીનો વ્યવહાર નહીં કરીને એમણે વહેવાઈ પક્ષની ખૂબ મોટી નારાજગી વહેરી લીધી હતી. એમના મોટા જમાઈ તે સોલિસિટર શ્રી બાબુલાલ પંડ્યા. લગ્ન સમયે પડેલી આ તિરાડ વરસો સુધી ન પુરાઈ. પંડ્યાજીના મામા શ્રી ઉપેનદ્રપ્રસાદ શુક્લ એમની પડખે ઊભા રહ્યા. ઘણાં લાંબાં વર્ષો સુધી આ રીસામણાં ચાલ્યાં. છેવટે એમના પિતાશ્રી કૃષ્ણાલાલજી પંડ્યાની વૃદ્ધાવસ્થામાં સમાધાન થયું. શ્રી બાબુલાલ પંડ્યાજી અને શાસ્ત્રીજીનાં મોટાં દીકરી શ્રીમતી મીનાબેનની ખાનદાનીને પણ દાદ આપવી પડે. આટલા લાંબા રીસામણાં અને લગ્નને દિવસે જ અપમાનિત થવાના પ્રસંગ બાદ જ્યારે સુલેહ થઈ ત્યારે આ પતિ-પત્ની બેમાંથી એકે પોતાના મનમાં કોઈ પણ પ્રકારના દ્વેષ વગર પોતાના કુટુંબમાં ભળી ગયાં અને સારા-નરસા પ્રસંગે કુટુંબને આગળ કરીને ચાલ્યાં. કડવાશ ભૂલવાથી જ જીવનમાં મધુરપ આવે છે એનું ઉત્તમ ઉદાહરણ આનાથી બીજું શું હોઈ શકે ?
આવા જ એક બીજા કિસ્સામાં શાસ્ત્રીજીનાં બીજા નંબરનાં દીકરી બ્રહ્મબાળાબેનનાં લગ્ન અમદાવાદ પુષ્કરણાની પોળમાં શ્રી હરીશંકર વ્યાસના સુપુત્ર શ્રી અક્ષયકુમાર (બકુભાઈ) સાથે નક્કી થયાં ત્યારનો પ્રસંગ છે. સિદ્ધપુરનો ઔદિચ્ય સહસ્ત્રા બ્રાહ્મણ કે ઔદિચ્ય ટોળક બ્રાહ્મણનું ઉદગમ સ્થાન ઉત્તર ભારત છે. બધા જ ત્યાંથી આવ્યા, પણ એમાંથી જે તળ સિદ્ધપુરમાં વસ્યા તે બહાર વસેલા ઔદિચ્ય બ્રાહ્મણો કરતાં પોતાને ઊંચા ગણે. તે સમયે પ્રવર્તમાન રિવાજ મુજબ સિદ્ધપુરના બ્રાહ્મણની દીકરી સિદ્ધપુરમાં જ પરણી શકે. બહાર રહેતા આ જ સમાજના ભૂદેવો પોતાની દીકરી સિદ્ધપુરમાં પરણાવવી એને ગૌરવ સમજતા. આમાં પણ પાટણવાડા સમાજ મુખ્ય હતો. એ જમાનામાં દહેજ આપવાનો પણ રિવાજ હતો. દ્વિપત્નીત્વ નાબૂદીધારો અસ્તિત્વમાં આવ્યો ત્યાં સુધી આ ભૂદેવો એક કરતાં વધુ લગ્ન પણ કરતા. પરણીને સાસરે આવેલી દીકરી પાકટવયે પહોંચે ત્યાં સુધી સાબુ અને માથામાં નાખવાના તેલ સુધીની વસ્તુઓ પિયરથી જ લાવતી રહેતી. આમ, સિદ્ધપુર તળના ભૂદેવોની દીકરી બહાર પરણાવવી સ્વીકાર્ય ન હોતું. શાસ્ત્રીજીએ આ રિવાજ તોડ્યો. વાજતે-ગાજતે અમદાવાદથી જાન સિદ્ધપુર આવી. પોલીસ પ્રોટેક્શન હેઠળ વરઘોડો પણ નીકળ્યો. ક્યાંક તેના ઉપર કાંકરીચાળા જેવું છમકલું પણ થયું, પણ સરવાળે શાસ્ત્રીજીએ એમના મહેતાઓળના ઘરેથી એટલે કે ગામ બહાર આવેલા પોતાના બંગલેથી નહીં, પણ બરાબર ગામની મધ્યમાં વટકે સાથ આ લગ્ન સંપન્ન કર્યા. એમના ત્યાં જેમની ખાસ અવર-જવર હતી એવા જ્ઞાતિના કેટલાક આગેવાનો એમનાથી રીસાયા. શાસ્ત્રીજીને આની કોઈ અસર ન હોતી. એમણે ચોરીછૂપીથી નહીં, પણ સરેઆમ આ રૂઢિનો ભંગ કર્યો અને પોતાને જે યોગ્ય લાગ્યું તે કર્યું. જો કે, આમાં શાસ્ત્રીજીની ધાકની સાથોસાથ એમના સાળા શ્રી કનૈયાલાલ ઠાકરની દબંગગીરી પણ એટલી જ જવાબદાર હતી. હીરાબેનના એક માત્ર નાના ભાઈ કનૈયાલાલ ઠાકર એ સમયે એક માથાભારે અને મગજના ફરેલ માણસ તરીકે જાણીતા હતા અને અમદાવાદથી જાન આવી ત્યારથી લઈને છેક વિદાય થઈ ત્યાં સુધી એમના મિત્રવર્તુળ સાથે કનુભાઈએ એક અડીખમ સૈનિક જેવી કામગીરી બજાવી હતી. સિદ્ધપુરનો એ પ્રકોપ અને વિરોધનો વંટોળ સમજવા માટે મારી ઉંમર ઘણી નાની હતી. ત્યારે મને ખ્યાલ ન હતો કે, શાસ્ત્રીજી જે નવી કેડી કંડારી રહ્યા છે એ કેડી એક દિવસ રાજમાર્ગ બનશે અને ઘણા બધા કુરિવાજો ધોવાઈ જશે. આજે સિદ્ધપુરમાં આ પ્રકારનું બંધન રહ્યું નથી અને સિદ્ધપુરની દીકરીઓ સિદ્ધપુર બહાર પણ પરણે છે. સમગ્ર સમાજના રોષને સહન કરીને, પોતાનો સગો ભાઈ પણ સામી પંગતે બેસે તેની ચિંતા કર્યા વગર, જ્ઞાતિનાં ખેરખાં કહેવાય તેવા આગેવાનોની નારાજગી વહોરીને જયદત્ત શાસ્ત્રીજીએ રૂઢિચુસ્ત વલણનું આ બંધન તોડ્યું જે એક છપ્પનની છાતીવાળો પ્રગતિશીલ વિચાર ધરાવતો વ્યક્તિ જ કરી શકે. શાસ્ત્રીજીમાં એ ખમીર અને ઝમીર બંને હતાં.
મારા બાળપણનાં પ્રસંગોમાંથી જે કેટલીક ઘટનાઓનો હું સાક્ષી રહ્યો છું તે ઉપરથી જયદત્ત શાસ્ત્રીજીના વ્યક્તિત્વને આલેખવાનો પ્રયત્ન મેં કર્યો છે. શાસ્ત્રીજીની વિદ્વતા અને ખુમારી, સ્વમાન અને સક્ષમતાનું આલેખન કરવાનું મારૂં ગજું નથી. મેં જોયું તે લખ્યું છે. ક્યારેક વિચાર આવે છે આજે પવિત્ર યાત્રાધામ અંબાજીનો જે વૈભવ આપણે જોઈએ છે તે એક જમાનામાં દાંતાના રાણા ભવાનીસિંહજીની હકુમતનો ભાગ હતો. દાંતાના રાજવી કુટુંબને આ મંદિર પર અદભુત શ્રદ્ધા હતી. આઝાદી પછી જે વ્યવસ્થાઓ ગોઠવાઈ હશે તેમાં શાસ્ત્રીજીએ ધાર્યું હોત તો આ મંદિરની પૂજા અને વહીવટ બાબતમાં પણ એ ધાર્યું કરાવી શક્યા હોત. જો આમ થયું હોત તો શાસ્ત્રીજીની પેઢીઓની પેઢીઓ લહેર કરે તેટલી કાયમી આવક ઊભી થઈ ગઈ હોત. શાસ્ત્રીજીએ આ ન કર્યું. કારણ કે, એ જયદત્ત શાસ્ત્રીજી હતા. એમને આ માગવું માફક ન આવ્યું હોત. એટલે જ સિદ્ધપુરમાં માત્ર એક જ જયદત્ત શાસ્ત્રીજી પેદા થયા. સિદ્ધપુરે વિદ્વાનો ઘણા આપ્યા, પણ જયદત્ત શાસ્ત્રીજીની ખુમારી એકલા એમને જ ભાગ આવી. હા જયદત્ત વેણીદત્ત શાસ્ત્રી એ એવું નામ જે પ્રખર વિદ્વાન તો હતા જ, પણ પ્રગતિશીલ વિચારધારા, સ્વાભિમાન અને નીડરતા એ એમની ઓળખ હતી. સિદ્ધપુરે આવાં આંગળીના વેઢે ગણી શકાય એવાં રત્નો પેદા કર્યાં છે. પૂજ્ય દેવશંકર બાપા, શ્રી મગનલાલ પ્રભુદાસ શેઠ શ્રી ઈન્દુભાઈ રાવળ અને શ્રી જયદત્ત શાસ્ત્રીજી એવા નામ છે જેમણે સિદ્ધપુરેને ઉજળું કર્યું છે. આવા રત્નો જવલ્લે જ પાકે છે.
એવું કહેવાય છે કે, દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનું પ્રદાન હોય છે. શાસ્ત્રીજીની આટલી બધી પ્રશસ્તિ કરી પણ હવે એક એવા વ્યક્તિત્વની વાત કરવી છે જેણે ક્યારેય પોતાના માટે કશું જ ન કર્યું. શાસ્ત્રીજીનો પડછાયો બનીને રહ્યાં. એમનો પડ્યો બોલ ઝીલ્યો. એમના તાપને પણ સહન કર્યો, પણ જેમ સૂર્યકિરણો ઝીલીને સમગ્ર વિશ્વને ચંદ્ર પોતાની શીતળ ચાંદનીથી શાતા આપે છે બરાબર તે જ રીતે અત્યંત સાહજીકતાથી પોતાના વ્યક્તિત્વને સાવ ઓગાળી દઈને જે કાંઈ આવ્યું તેને હંમેશા હસતા મોંઢે આવકાર આપીને કોઈ નહીં તો છેવટે પાણી પાતા પહેલાં ગોળની કાંકરીથી મોં મીઠું કરાવીને, વિદ્યાર્થી હોય કે મુલાકાતી સતત હસતાં સહીને સૌને જાળવ્યા. એ વ્યક્તિ ગોવિંદ માધવના માઢમાં જેમનું નિવાસસ્થાન હતું તે શ્રી કકલભાઈ ઠાકરનાં સુપુત્રી અને શ્રી કનૈયાલાલ ઠાકરનાં મોટાં બેન પૂજ્ય હીરાબેન હતાં. જો કે, એમના બાળકોથી માંડી વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ સહુ એમને માત્ર “બહેન” જ કહેતા. મને ઝેમ એમણે પીવડાવ્યો હતો એટલે મારા પરિવાર અને શાસ્ત્રી પરિવાર વચ્ચે એક અનૌપચારિક સંબંધ ઊભો થયો. શાસ્ત્રીજીનાં સંતાનો મારા મા-બાપને મામી અથવા મામા કહેતાં, પણ મારા માટે હીરાબા હંમેશા “બેન” જ રહ્યાં. હું એમ માનું છું કે, જો શાસ્ત્રીજીને ધગધગતાં સૂર્ય કે જ્વાળામુખીની ઉપમા આપી શકાય તો હીરાબેન ચંદન અથવા ચાંદની હતા. એમના વ્યક્તિત્વની શીતળતા અને લાગણીની સુગંધ આજે પણ મૃત્યુંજય મહાદેવના મંદિરથી શાસ્ત્રીજીના બંગલા તરફ જોઉં છું ત્યારે મારા મન અને વિચારોને ભરી દે છે.
જયદત્ત શાસ્ત્રીજી
ધગધગતો સૂર્ય અથવા જ્વાળામુખી
ચીલો ચાતરીને ચાલનાર મરદ માણસ
એના નજીક જઈએ તો અંજાઈ જવાય
ક્યારેક દઝાય પણ ખરૂં.
પણ.... હીરાબેન એટલે કે અમારાં સૌનાં “બહેન”
ચાંદની જેવી શીતળતા
ચંદનની સુવાસ
મરતાને મેંર ન કહે
ખુશીના ખજાના જેવાં હીરા બાને ભગવાને નિરાંતે ઘડ્યાં હશે
નહીંતર આવું અજોડ વ્યક્તિત્વ સિદ્ધપુરમાં સંભવે ખરૂં ?