તીડનું હોય કે બીજું, કાબૂ બહારનું કોઈ પણ ટોળું ખાનાખરાબી સરજે છે

સિદ્ધપુરમાં તીડના આક્રમણ વિષેનું શ્રી ઉશનસનું વર્ણન જોયું. આજે ૫૦ વરસની વય સુધી પહોચેલી પેઢીને આ તીડ શું કહેવાય અને એના આક્રમણની ભયાનકતા કેવી હોય તેનો ખ્યાલ સ્વાભાવિક રીતે જ ન આવે કારણકે એમની પેઢીમાં જેમ એક જમાનામાં શીતળા, ક્ષય, વાળો જેવા રોગ ભુતકાળ બની ગયા છે તે જ રીતે તીડનું આક્રમણ પણ ભુતકાળ બની ગયું છે. સ્વાભાવિક રીતે જ આ કારણથી સિદ્ધપુરના તીડના આક્રમણ વિષે શ્રી ઉશનસના પુસ્તક ‘સદમાતાનો ખાંચો’માં જે વર્ણન મળી આવે છે તેમજ મારા બાલ્યાવસ્થાના સ્મરણો ઉપરથી તીડનું આક્રમણ કેવું હોય તે વિષે જે કાંઇ લખાયું તેને અતિ સુંદર પ્રતિસાદ મળ્યો. ઘણા બધા લોકોએ પોતપોતાની વાત મૂકી. નરેન્દ્રભાઈ શાહે પોતાના ખેતરમાં કેરોસીનનો ડબ્બો લઈ ખખડાવી તીડ ઉડાડવાના પ્રયાસની વાત કરી તો બકુલભાઇ પ્રભુલાલ જોશીએ કચ્છ વાગડ, રાપર તાલુકાનાં લાકડિયા ગામમાં ગાંગજી બાવા નામના એક સંતના પરચાની વાત કરતાં લખ્યું છે કે પ્રવર્તમાન લોકવાયકા મુજબ ગાંગજી બાવાએ હજારોની સંખ્યામાં આવતા તીડોની સેનાની દિશા માત્ર એક ચાદરના ઝાપટાથી બદલી નાખી. આમ તો લાકડિયા એટલે કે આપણા પૂર્વ નાણામંત્રી અને એક ભેખધારી લોકસેવક શ્રી બાબુભાઇ મેઘજી શાહનું ગામ.  

કવિરાજ તુષાર શુક્લ સાવ નવરાની નિશાની તરીકે લખાતી મારી પોસ્ટ વાંચે એને પણ હું મારું ગૌરવ સમજું છું. આપણા મૂર્ધન્ય કવિ તુષારભાઈએ બાળપણમાં અમદાવાદમાં તીડનું આક્રમણ જોયાનું નોધ્યું છે. રામભાઈ લાખાણીએ તો ખૂબ વ્યંગાત્મક ભાષામાં કહ્યું છે ‘આ તીડના ટોળાનો તમારો કહેવાનો ભાવાર્થ હું સમજી શકું છું... બસ સ્વરૂપ બદલાય છે.. ક્યારેક તીડ તો ક્યારેક આ નેતાના ટોળા’. શ્રીબેને ખેતરમાં તીડના ટોળે ટોળાં આવ્યા અથવા તીડ પડ્યા એવું પન્નાલાલ પટેલની કોઈ નવલકથામાં વાંચ્યાનું સ્મરણ કર્યું છે. આમ તો મરાઠી માણુસ પણ મહેસાણામાં જ ભણીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયર થયેલા મારા સહાધ્યાયી ભાઈ રાજેન્દ્ર માહુલકર એમના બચપનમાં મહેસાણા પર કરોડો તીડોનો હુમલો થયાનું સ્મરણ કરીએ તીડોએ વરીયાળી, ધાણા, રાયડા જેવા લીલાછમ પાકોનો જે કચ્ચરઘાણ વાળી નાખેલો તેની વાત કરી છે. રાજેન્દ્રભાઇની વાતમાં હું એટલું ઉમેરવા માગું છું કે આ તીડ ઝાડના લીલા પાંદડા જ ખાઈ જતાં એવું નહીં, એની કુણી ડાળીઓની છાલ પણ ઝાપટી જતાં. તીડ નિયંત્રણની વૈશ્વિક કામગીરીને કારણે આજે હવે કરોડોની સંખ્યામાં તૂટી પડતાં આ તીડની ભયાનકતા ભૂતકાળ બની ચૂકી છે. હું ઉશનસના પુસ્તકમાંથી નોધ લખતો હતો ત્યારે બાળપણમાં મે વાંચેલી કાકાસાહેબ કાલેલકરની ઓતરાદી દીવાલો, લોકમાતાને ખોળે, સ્મરણયાત્રા જેવાં પુસ્તકોમાંથી મને ખૂબ ગમતી ‘સ્મરણયાત્રા’ પુસ્તકમાં પણ આદરણીય કાકાસાહેબે તીડના આક્રમણનું વર્ણન કર્યાનું મગજની મારી હાર્ડડીસ્કમાં ક્યાંક ઝબકી રહ્યું હતું. છેવટે મારી લાઈબ્રેરીમાંથી આ પુસ્તક મંગાવી અને મૂળ ‘ટોળાં’ વિષય ઉપર કાકાસાહેબે વ્યક્ત કરેલ વિચારોમાં એમણે તીડના આક્રમણની વાત કરી છે તે સ્મરણયાત્રા પુસ્તકનાં પ્રકરણ ૪૩ના પાન નં ૧૦૯-૧૧૦ ઉપર નીચે વર્ણવાઇ છે –

‘એટલામાં ક્યાંકથી મોટાં મોટાં રાતાંપીળાં તીડ આવ્યાં. એટલાં તીડ, એટલાં તીડ, કે આકાશ ભરાઈ જાય. વીજળીનો ડાઈનેમો ચાલતો હોય તેવો અવાજ આકાશમાં સંભળાય. શાકપાન એમણે ખાઈ નાખ્યું. ઝાડનાં ઝાડ ખલાસ કર્યાં. તીડ એ તે જીવડાં હોય છે કે આગ? ખાતાં જાય, લીંડીઓ નાખતાં જાય. સવારથી સાંજ સુધી ખાય તોય ધરાય નહીં. લોકો બાપડા શું કરે? લાંબા વાંસ લઈને તીડને ઉડાડી મૂકવાનો પ્રયત્ન કર્યો. પતરાંના ડબા વગાડી વગાડી એમને નસાડવાનો પ્રયત્ન કર્યો. પણ ભરરર દઈને આવે અને હાથની બાંયમાં પણ ભરાય, સાંજ પડ્યે એમની પાંખો ભારે થઈ જાય, એટલે તેઓ ક્યાંક બેસી જતાં.

હવે લોકોએ એક રસ્તો શોધી કાઢ્યો. ખેતરોમાં ને વાડીઓમાં એક લાંબી ખાઈ ખોદી કાઢે ને રાત પડ્યે એમાં ઘાસનો દેવતા કરે. તાપ જોઈને તીડ કૂદી કૂદીને અંદર પડતાં ને મરી જતાં. નાનાં છોકરાંને એ જોઈને એક નવો જ બુટ્ટો ઊઠ્યો. તેઓ તીડને પકડીને એમના પગ ભાંગી નાખતાં અને પછી એમને શેકીને ખાઈ જતાં. અમને એવી ચીતરી ચડતી ! ગરીબ લોકોએ ઘરમાં તીડના કોથળા ભરી રાખ્યા.

તીડનો હુમલો હવે નાળિયેરીઓ પર શું થયો. લાંબી લાંબી બાદશાહી ડાળો એક દિવસમાં ઊડી જવા લાગી. આઠદસ દિવસમાં નાળિયેરીનાં થડ તારના થાંભલા જેવાં ઠૂંઠાં દેખાવા લાગ્યાં. એ દેખાવ જોઈને તો રોવું જ આવે. ખેડૂતો અને માળીઓ ભારે ચિંતામાં પડ્યા. તેઓ કહેવા લાગ્યાં, ‘વરસાદ ન પડે તો એક વરસનો જ દુકાળ ખમવો પડે, અમારી નાળિયેરીઓ ગઈ. હવે તો દસ વરસ સુધી આવકનું નામ ન રહ્યું.’ રસ્તા પર જુઓ કે આંગણામાં, ખેતરોમાં કે વાડીઓમાં, જમીન પર તીડોની લીંડીઓ પથરાયેલી હોય. એક જણે કહ્યું, ‘આ ખાતર બહુ જ કીમતી હોય છે.’ એક ડોશીએ ચિડાઇને જવાબ વાળ્યો, ‘બળ્યું તારું મોઢું. સોના જેવાં ઝાડ ગયાં અને કહે છે કે કીમતી ખાતર થાય છે ! આ ખાતર તારા ખેતરમાં વાપરી તો જો, અનાજ પણ બળીને રાખ થશે. આ ખાતર નથી, આગ છે.’

હજીયે તીડોનો પલટણો એક પછી એક આવ્યે જતી હતી. માઈલો સુધી તીડો ફેલાયેલાં, પણ બધાં એક દિશાએ દોડે – જાણે ક્યાંકથી હુકમ જ લઈ આવ્યાં હોય.

દરેક વસ્તુને અંત હોય છે એમ આ તીડની પીડાનો પણ એની મેળે અંત આવ્યો. એ જેવાં આવ્યાં તેવાં ગયાં.     

अतिवृष्टिरनावृष्टि: शलभा मूषका: शुका:।

प्रत्यासन्नाश्च राजान: षडेता ईतय: स्मृता:।।

(स्वचक्रम परचक्रम च सप्तैता इतयह स्मृताः।। )’      

ટોળું કોઈ પણ હોય એ કાબુ બહારનું હોય તો ખાના ખરાબી સર્જે છે. પોતાની તાકાત બતાવવા આપણા રાજનેતાઓ મોટી મોટી રેલીઓ કાઢે છે, લાખોની જનમેદની ભેગી થાય તેવી સભાઓ ભરે છે, ક્યારેક ચુંટણી જીત્યાનો આનંદ ઉન્માદમાં પરિવર્તિત થાય ત્યારે વિજય સરઘસ તેના સૌથી વરવા રૂપે બહાર આવે છે.  નેતાઓ તો ભાષણ કરી ચાલ્યા જાય પણ આ ભેગા થયેલા અથવા વિખરાતા અથવા વિજય સરઘસ જેવા કાર્યક્રમમાં ઉન્માદી બનેલા ટોળાં કાબૂ બહાર જઈને વરતે ત્યારે તોફાનો થાય છે, આગચંપી થાય છે, પથ્થરબાજી થાય છે, ટિયરગેસના ટેટા ફૂટે છે, લાઠીચાર્જ થાય છે અને છેવટે ગોળીબારનો આશરો લેવાય છે. ટોળું ભેગું કરનારને કોઈ પૂછતું નથી પણ પ્રજાના પૈસે ખરીદાયેલ બસ કે સરકારી કચેરીઓ જેવી જનહિતનાં કામ કરતી સેવાઓ આનો ભોગ બને છે. ધંધારોજગાર ખોરવાઈ જાય છે, જનજીવન ઠપ્પ થઈ જાય છે. એક હદથી વધારે સંખ્યા જ્યાં ભેગી થવાની હોય તેવું ટોળું તીડના ટોળાંના આક્રમણ કરતાં પણ વધુ ભયંકર તારાજી સરજે છે. આવા ટોળાં માટે કહેવાય છે કે ‘A mob has may heads but no brain’ એટલે કે ટોળાંમાં માથા ઘણા ભેગા થાય છે પણ ઉશ્કેરાટમાં ભાન ભૂલીને કામ કરે છે.

તીડના આક્રમણ વિષે જે પ્રકારની રસપ્રદ ચર્ચાઓ જોવા મળી તે જોતાં મને લાગ્યું કે કાકાસાહેબ કાલેલકર જેવા સિદ્ધહસ્ત લેખક સાહિત્યકારે જ્યારે પોતાનો અનુભવ નોંધ્યો હોય ત્યારે મારી આપોઆપ ફરજ બની જાય છે એ એ અનુભવ મારી સાથે જોડાતા વાચકમિત્રોમાં ગમતાનો ગુલાલ કરીને વહેંચવો એટલે આજે તીડને ફરી યાદ કર્યાં.

    


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles