Wednesday, December 21, 2016
હાઉસીંગ બોર્ડમાંથી વિદાય થવા માટે જે પરિસ્થિતિઓ ઉભી થઈ રહી હતી તેનો અછડતો ઉલ્લેખ કર્યો. હાલ પૂરતી એ ઈન્તજારીને થોડો વિરામ આપીએ. હાઉસીંગ બોર્ડમાં નોકરી દરમ્યાન જે કેટલીક નાની મોટી ઘટનાઓ બની તેની પણ વાત કરી લઉં. ટેકનીકલ સ્ટાફમાં મારે ચાર કાર્યપાલક ઈજનેર સાથે કામ પાડવાનું હતું. એ દરેકને પોતાની વિશીષ્ટતાઓ હતી. પહેલાં વાત કરીએ શ્રી દુર્લભજીભાઈ નાયક એટલે કે ડી.જી. નાયકની. હાઉસીંગ બોર્ડમાં એ સીનીયરમોસ્ટ કાર્યપાલક ઈજનેર હતા. આવડત અને વહીવટીક્ષમતા બન્ને સારાં પાકો અનાવીલ. આસિસ્ટન્ટ હાઉસીંગ કમિશ્નરશ્રી દોશી ગુજરાત રિફાઈનરીમાંથી સીધી ભરતીના અધિકારી તરીકે એમના માથે આવ્યા. ઉંમરમાં પણ નાના. આ દુઃખ અને કડવાશ શ્રી નાયકના મનમાં છેવટ સુધી રહી. સીધી ભરતીના સીનીયર અધિકારી તરીકે શ્રી દોશીએ સદભાવના ઉભી કરવા અથવા શ્રી નાયકની નારાજી ઓછી થાય તેવા પ્રયત્ન કરવાને બદલે એ કેમ વધે એ પ્રમાણે કામ કર્યું. પરિણામે શ્રી નાયક હંમેશાં એમનાથી નારાજ જ રહ્યા. આમાં નાયકનો પણ દોષ હશે કારણકે દોઢ વાંક વગર ઝગડો થતો નથી. શ્રી ભુપેન્દ્ર દોશીના વ્યક્તિત્વનું બીજું એક નબળું પાસું એમનો શંકાશીલ અને ખટપટીયો સ્વભાવ હતું. એ એમની શતરંજનાં કૂકરાં ચલાવ્યા જ કરતા. આમાં નાયકના હાથ નીચેના કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં અથવા યુનિયનના જનરલ સેક્રેટરી ખાનને પણ મેદાનમાં ઉતારવામાં એમને છોછ નહોતો.
વહિવટ અને ટીમ બિલ્ડીંગનો એક ખૂબ અગત્યનો પાઠ હું શ્રી નાયક અને શ્રી દોશીના સંબંધો અને વર્તનમાંથી શીખ્યો. ટીમ બિલ્ડીંગ તમારા હાથ નીચેના કર્મચારીઓમાં વિશ્વાસ મુક્યા વગર શક્ય નથી. વિશ્વાસ મુકતાં પહેલાં જરુર ચકાસણી કરી લો પણ એકવખત વિશ્વાસ મુક્યો પછી શંકાશીલ રહીને ચાલવાનું નહીં પોસાય. યુદ્ધના મોરચે તો સંયુક્ત તાકાત જ કામ લાગવાની છે. બીજું પોતાના હાથ નીચેનો કર્મચારી સારું કરે તો એને જશ આપો. એને જશ આપવાથી તમે ક્યાંય નાના બની જવાના નથી. ક્રિકેટ હોય કે ફુટબોલ છેવટે તો ટીમ જીતે ત્યારે મરક મરક ચહેરે ટ્રોફી લેવા તો કેપ્ટનને જ જવાનું હોય છે. ક્યારેય તમારા સાથીઓને બિરદાવવામાં કે જશ આપવામાં કંજૂસાઈ ન કરશો. એની ઈર્ષા પણ ન કરશો. તમારી સફળતાનો અને ટેન્શનરહિત કામગીરીનો છેવટે તો તમારા આ સાથીઓની આવડત, પ્રતિબદ્ધતા અને પરિશ્રમ પર આધાર રહેવાનો છે. તમે કોઈ ઓર્કેસ્ટ્રા વગાડાતું જોયું છે ? આપણા ઝુબીન મહેતા વિશ્વપ્રસિદ્ધ ફિલ હાર્મોનીક ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરતા હતા. આમાં સંચાલક તો માત્ર એના હાથમાંની સોટી તેમજ હાથને જુદી જુદી રીતે હલાવીને સંજ્ઞાઓ આપે છે. એ સંજ્ઞા ઉપર અનેક પ્રકારનાં વાંજિત્રો વગાડનાર સંવાદિતતા સાંધીને પોતાનું વાંજિત્ર વગાડે છે જેમાંથી મ્યુઝીકલ ધૂન નીપજે છે જે આપણને મંત્રમુગ્ધ કરી દે છે. કોઈપણ ઘરનો વડીલ, ખાતાનો વડો, ટીમનો કેપ્ટન કે પછી રાજ્યનો કે દેશનો વડો એ પેલા ફિલ હાર્મોનીક ઓર્કેસ્ટ્રાના ઝુબીન મહેતા જેવા છે. એનાં હાથ નીચેના માણસો જો સંવાદિતતાથી કામ કરે તો જ કર્ણમધુર સંગીત પેદા થાય છે નહીં તો આપણે જે સાંભળીએ તે ઘોંઘાટ કહેવાય છે !
બીજો એક દાખલો આપું. કોઈ યંત્રને તમે ધ્યાનથી જોયું છે. એમાં જુદાં જુદાં ચક્કર હોય છે. આ દરેક ચક્કર એકબીજા સાથે સંવાદિતતા સાધીને ચાલે તો જ પેલું મશીન સારી રીતે ચાલે છે. આ ચક્કર ગનમેટલનું પણ હોઈ શકે કે કાસ્ટઆયરનનું પણ હોઈ શકે. હવે આ મશીનમાં સહુથી મોંઘામાં મોંઘી ધાતુ પ્લેટીનમનું એક ચક્કર બનાવી અને નાંખીએ જે બીજાં ચક્કર સાથે સંવાદિતતાથી ન ચાલતું હોય તો સરવાળે આખું મશીન તૂટી જાય છે !
કોઈપણ ટીમમાં, ઘરમાં કે સમાજમાં પ્લેટીનમનું ચક્કર બનવાનો પ્રયત્ન કરનાર સરવાળે મોટું નુક્સાન કરે છે. તમે કેટલા હોંશિયાર છો તે અગત્યનું નથી પણ તમે સહુને સાથે લઈને સંવાદિતતાથી કામ કરી શકો છો તે અગત્યનું છે. આવું કરવા માટે ક્યારેક તમારાથી જુનીયર ઉત્સાહથી કોઈ વાત કહેતો હોય અને તમને એ ખબર હોય તો પણ એને કાપી નહીં નાંખતાં એની વાત સાંભળવાની ધીરજ હોય તે સારા ટીમ લીડર માટે અત્યંત જરુરી છે.
દુનિયામાં બધું જ્ઞાન આપણામાં જ કેન્દ્રીત થઈ ગયું છે એવું માનવાની જરુર નથી હોતી. એવું કહેવાય છે કે અનુભવી માણસ એક કામ આ કારણથી ન થઈ શકે તે જાણે છે. જ્યારે બિનઅનુભવી કે શીખાઉ માણસ એ કરવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક એ સફળ પણ થાય છે. જગતની મોટાભાગની શોધ કોરી સલેટવાળા માણસોએ જ કરી છે. ન્યૂટન જન્મ્યો તે પહેલાં પણ ઝાડ પરથી સફરજન જમીન પર જ પડતું હતું આકાશમાં નહોતું જતું. ન્યૂટનના મગજમાં આવું કેમ થાય છે તે પ્રશ્ન ઉઠ્યો અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતોની શોધ થઈ ! આર્કીમીડીઝ બાથટબમાં ન્હાવા પડ્યો તે પહેલાં પણ પાણી ઉપરની તરફ જ દબાણ કરતું હતું. આર્કીમીડીઝે આ અનુભવ્યું અને યુરેકા..યુરેકા.. એટલે કે “મેં શોધી કાઢ્યું” કહેતો કપડાંય પહેર્યાં વગર બહાર દોડ્યો ! એણે પાણી ઉપર તરફ દબાણ કરે છે તે આર્કીમીડીઝનો નિયમ શોધી કાઢ્યો હતો. કોલંબસ હોય કે વાસ્કો-ડી-ગામા દુનિયાની મહાન શોધો આજ રીતે થઈ છે.
ભુપેન્દ્રભાઈ અને દુર્લભજીભાઈનાં સંબંધોમાં આવું શક્ય નહોતું. આજ પરિસ્થિતિ ઈ.ધુ. ઠક્કર એટલે કે ઈશ્વરભાઈ ઠક્કર નામના કાર્યપાલક ઈજનેરના કિસ્સામાં હતી. પ્રમોશન મેળવતાં મેળવતાં તેઓ કાર્યપાલક ઈજનેર બન્યા હતા એટલે એ નાયકને પોતાના સીનીયર સ્વીકારવા તૈયાર નહોતા. એમના સંબંધો પણ ઘણા કટુતાભર્યા હતા. શ્રી નાયક ઓછું બોલે અને વિવેક જાળવે. આથી ઉલટું સારી ઉંચાઈ ધરાવતા શ્રી ઠક્કરનો અવાજ પણ પહાડી અને ભાષા પણ કજાડ. આ બન્ને વચ્ચેના અણબનાવનો પુરો લાભ પેલા બે બિલાડી અને વાંદરાની વાર્તાની જેમ ભુપેન્દ્રભાઈ લેતા. ભરુચમાં કાર્યપાલક ઈજનેર તરીકે શ્રી ચીનુભાઈ એ. પટેલ હતા. કાર્યદક્ષ, મદદરુપ અને સૌજન્યશીલ વ્યક્તિત્વ. ખૂબ ક્ષમતા અને કામ કરાવવાની આવડત બન્નેનો સમન્વય. કદાચ આ કારણથી જ હું હતો તે દરમ્યાન જ તેમણે હાઉસીંગ બોર્ડમાંથી રાજીનામું આપી મહેસાણામાં પોતાની સ્ટ્રક્ચરલ ડિઝાઈન અને પ્લાનીંગની પ્રેક્ટીસ શરુ કરી. ખૂબ સફળ રહ્યા. મહેસાણામાં લાયન્સ હોસ્પિટલના મેનેજમેન્ટમાં પણ તેમનું મોટું પ્રદાન છે. સારા માણસો સરકારમાં ટકતા નથી ખાસ કરીને પ્રોફેશનલ કેડરના એનું ચીનુભાઈ પટેલ આદર્શ ઉદાહરણ છે. સુરતમાં શ્રી કે.એમ. ચોટલીયા કાર્યપાલક ઈજનેર હતા. કામગીરીથી માંડી વાણી વર્તન બધામાં ઢીલા એટલે એમનું કોઈ ખાસ વજન નહોતું.
નાયબ કાર્યપાલક ઈજનેરોમાં શ્રી સોમાભાઈ અમથાભાઈ પટેલ સહુથી સીનીયર. માણસ પણ સારા. ફોન પર જવાબ આપે ત્યારે અથવા પોતાની ઓળખાણ આપે ત્યારે અચૂક પોતાના નામની પાછળ ‘સાહેબ’ લગાડે. એક દિવસ હાઉસીંગ કમિશ્નર સાહેબનો ફોન હતો ત્યારે પણ એમણે એમની લાક્ષણિક સ્ટાઈલમાં “એશ.એ. પટેલ શાહેબ બોલું છું શાહેબ” કહી દીધેલું. જે ગમ્મતનો વિષય બનેલું. સ્વભાવે ભોળો અને રાજા માણસ. ‘સ’ ને ‘શ’ બોલે. સીતલાની નામના કોન્ટ્રાક્ટરને સવારે સાત વાગ્યે બાપોદ-સાવદની સાઈટ પર હાજર રહેવાની સૂચના આપવા સુપરવાઈઝરને કહેવું હોય તો કહે – “શીતલાનીને શવારે શાત વાગ્યે બાપોડ-શાવડની શાઈટ ઉપર અચૂક હાજર રેવાનું કહી ડેજો” એ પ્રમાણે સૂચના આપે. મારી સાથે એમની દોસ્તી સારી. સ્ટાફ ક્વાટર્સમાં જ રહે એટલે સંપર્ક પણ સારો. આ સોમાભાઈએ એક દિવસ ગજબનું કામ કર્યું. સહુના શ્વાસ અદ્ધર થઈ ગયા. રાત્રે બે વાગ્યે દોડધામ મચી ગઈ.
એવું તે શું કર્યું હશે એમણે ?
એમની આ હરકત જાણીને તમને મજા આવશે.
કંઈક જ્ઞાન, કંઈક ગમ્મત અને કંઈક બોધપાઠ પણ મળશે.
એ પછી તમે પણ કહેશો કે આ સોમા અમથાને બનાવીને ભગવાને હાથ ધોઈ નાંખ્યા હશે.
ડાઈ અને મોલ્ડ બધું તોડી નાંખ્યું હશે.
કારણકે ભગવાનનું આવું બીજું સર્જન શક્ય જ નથી.
સોમા અમથા એટલે સોમા અમથા.