જન્મ વિરમગામમાં, મૂળ વતન ચાણસ્મા – જ્યાં કદીયે રહેવાનુ ન બન્યું. હા, મારી જનોઈનો પ્રસંગ વતનના ઘરે થયો તેની પણ વાત કરીશું. બાકી ચાણસ્મામાં સમય થોડો ગાળ્યો પણ એના સંસ્મરણોમાં નાનાં માસીનું ઘર હતું તે મૌલાત વાડો, માંડવી ચકલાની નવરાત્રિ અને માંડવીની વિદાય, પીપળેશ્વર મહાદેવ અને એને અડીને આવેલું મોટું તળાવ.
ક્યારેક બેચાર દિવસ માટે ચાણસ્મા જઈએ તો જેમના ઘરે ઉતરતા તે છોટાલાલદાદા એટલે કે છોટાલાલ માસ્ટરનું ઘર. ત્યાં જ નાથાકાકા તેમજ પરસાદકાકાના ઘર. બરાબર નવેળીમાં પેસવાના નાકે ખખડધજ એવું નળીયાવાળું કાકાનું ઘર અને ત્યાં જ અમારા કુળગોર શંકરલાલજી અને એમનાં દીકરી ધનીબેનનું મકાન. આગળ મંગળજીના મહાડમાં અમારા કુટુંબના વડીલો એવા રવિશંકરદાદા, ઓચ્છવકાકા અને મનુકાકા, કાળીદાસકાકા અને બરાબર બાજુમાં મણિભાઈ છબારામ વ્યાસનું મકાન. આ બધા કોઈ પ્રસંગે ત્યાં ગયા હોઈએ ત્યારે જવા-આવવાનાં ઠેકાણાં.
રવિશંકરદાદા અમારા કુટુંબમાં વડીલ. નાનું મોટું વ્યાવહારિક માર્ગદર્શન જોઈતું હોય તો મા એમને પૂછે. એમનાં પત્ની ભાગીરથીબા માને પિયરપક્ષે કાંઈક સગાં થતાં. એ જમાનામાં રવિશંકરદાદા મહેસૂલ વિભાગમાં અવ્વલ કારકુન કે એવી કોઈ પોસ્ટ પર હતા. ઓચ્છવકાકા અને મનુકાકા કસ્ટમ વિભાગમાં. એટલે આ ત્રણ કુટુંબો અને કિલાચંદ દેવચંદમાં નોકરી કરતા અને મહેસાણા રહેતા બાળાશંકરભાઈ, આ અમારા નાના કુટુંબમાં પ્રમાણમાં પ્રગતિશીલ અને સમૃદ્ધ કુટુંબો હતાં. મારા પિતાજીના નજદીકના મિત્ર અને અમારા કુટુંબી કાળીદાસકાકા પ્રમાણમાં નાની ઉંમરે ગુજરી ગયા. એમના બંને દીકરા કવિ-સાહિત્યકાર પ્રો. જીતેન્દ્ર કાળીદાસ વ્યાસ અને છેક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુધી પહોંચેલ ભાઈ વિનોદ વ્યાસ. તેજસ્વી. જીતેન્દ્રભાઈનાં સંતાનો પણ સારું ભણ્યાં છે અને તેજસ્વી છે.
ચાણસ્માના ઉગમણા દરવાજેથી ચાલતા ચાલતા જીતોડા જવાય.
ગંગાફોઇ સિદ્ધપુર પરણાવ્યાં હતા. નાની ઉંમરે વિધવા થયાં.
બાકીની જિંદગી જીતોડા અને ચાણસ્મા વચ્ચે ગાળી.
જીતોડામાં એમનું એક ઘર છેક તેમના અંતિમ શ્વાસ સુધી ચાલુ રહ્યું.
અમારી થોડી ઘણી જમીન પણ ત્યાં હતી.
ફોઇએ જિંદગી જીતોડામાં જ પસાર કરી. સાજેમાંદે જીતોડાએ એમને સાચવ્યાં પણ ખરાં.
ફોઇ જે મકાનમાં રહેતાં તેનું મુખ્ય બારણું એક હતું, અંદરથી બે મકાન હતાં જે ફોઇના સ્વર્ગવાસ બાદ જીતોડામાં મોહનભાઇ ભૂદરદાસને વેચેલ. તેમાં હાલ બહારની બાજુ દુકાન કાઢેલ છે જેમાં ડેરી ચાલે છે.
ફોઇને પાડોશીઓ સાથે બહુ સ્વભાવમેળ નહોતો પણ અમારા ખેડૂત પટેલ મોહનભાઈ સાંકળદાસ તેમજ નારણભાઈના કુટુંબ સાથે મનમેળ સારો. અમારું ખેતર જીતોડા ગામની સીમમાં સર્વે નં. ૬૬૦, આશરે બે એકર અને ૧૬ ગુંઠાનું હતું. અમારા ખેડૂત ખૂબ જ સારા સ્વભાવના અને ધાર્મિક વૃત્તિના માણસ હતા. ગણોતધારાના કાયદા પ્રમાણે એમણે ધાર્યું હોત તો કદાચ આ જમીન એમની થઈ ગઈ હોત. પણ આ નેક માણસે જ્યાં સુધી મારા બાપાએ ના કહ્યું ત્યાં સુધી જમીન ભાડેથી ખેડી. એમની એક વાત વ્યાજબી હતી કે જ્યારે પણ આ જમીન વેચવાનું વિચારો ત્યારે જે ભાવ નક્કી થાય અમે આપીશું. તમે બ્રાહ્મણ છો અને અમારા ગોર છો. તમારા પાસેથી કશું જ મનદુભાવીને અથવા વણહકનું ન લેવાય. આ નેકદિલ ઇન્સાનને યાદ કરીને આજે ગદગદ થવાય છે. છેવટે સંવત ૨૦૨૨ના વૈશાખ સુદ આઠમ, ગુરુવાર તા. ૨૮.૪.૧૯૬૬ના રોજ આ સર્વે નં. ૬૬૦, પટેલ મોહનભાઈ સાંકળદાસને વેચ્યો. કિંમત ઊપજી રૂપિયા ૫૮૦૦/-. એમાંથી રૂ. ૪૨૦૦ અવેજ પેટે લઈ જમીન વેચી દીધી. ખરચો કાઢતાં જે કાંઇ બચ્યું એમાંથી બંને ભાઈઓના સરખા ભાગ પડ્યા. આમ, ૧૯૬૬ના એપ્રિલ મહિનાની ૨૮મી તારીખે નર્મદાશંકર કુબેરજી વ્યાસ પોતાને ભાગ આવતા માંડ ૨૫૦૦ રૂપિયા માટે ખેતીની જમીન વેચીને બિનખાતેદાર બન્યા. કાકા પાસે તો રાજસ્થાનમાં માવલ ગામે મોટી જમીન હતી એટલે એમના દીકરા તો ખેડૂત રહી શક્યા પણ મારા બાપાએ ૨૮ એપ્રિલ ૧૯૬૬ના રોજ જમીન વેચી. એમની પાસે બીજી કોઈ ખેતીની જમીન નહોતી. કાયદા પ્રમાણે અન્યત્ર નિર્ધારિત સમય મર્યાદામાં બીજી થોડી ઘણી જમીન પણ ખરીદીને ખેડૂત રહી શકાયુ હોત પણ આ ફક્કડ ગિરધારી પાસે એ માટે કોઈ જોગવાઈ નહોતી. એન્જીનિયરીંગના બીજા વરસમાં હું વડોદરા અભ્યાસ કરતો હતો. બાપા પાસે રેલવે ક્લેમ લખવાનું કામ કરતા એની આછીપાતળી આવક હતી પણ બીજી કોઈ મૂડી કે આવકનું સાધન નહોતું એટલે એ સંયોગોમાં ફરજિયાત આ પગલું ભરવું પડ્યું હશે જેમાં હું મારા બાપાનો કોઈ દોષ જોતો નથી.
જીતોડામાં ફોઇના પ્રીતિપાત્ર એક તેજસ્વી વ્યક્તિ હતા બાબુભાઇ પટેલ. મારાથી સહેજ મોટા હશે. બાબુભાઇ એરફોર્સમાં જોડાયા. છેલ્લે એ જળાહળી ખાતે હતા ત્યારે ફોઇના મોંએ એમની ગૌરવગાથા સાંભળેલી. બાબુભાઇ જીતોડાનું ગૌરવ હતા. નોકરી દરમિયાન જ ખૂબ જ યુવાન વયે ચાલ્યા ગયા. હાલમાં એમનાં પત્ની પોતાને પિયર જસલપુર ખાતે રહે છે. બાબુભાઇની બંને દીકરીઓ સાસરે છે. બાબુભાઇના બીજા એક ભાઈ વિઠ્ઠલભાઈ હાલમાં ઊંઝાથી પાટણ જતાં એક આશ્રમમાં રહે છે.
બીજું એક નામ યાદ આવે છે ગોદડભાનું. ખૂબ માયાળું માણસ. એમના દીકરા નરોત્તમભાઈ સિવિલ એન્જિનિયર થયા અને અમદાવાદ ખાતે સ્થાયી થયા.
રાજપુર પાસે નારાયણ સ્વામીનો એક આશ્રમ છે જ્યાં જીતોડાના ભક્તમંડળના આ બધા પુરુષો અને સ્ત્રીઓ ઘણી વખત આવે. તેમાંય ખાસ કરીને કાર્તિકી પુર્ણિમા સમયે આવતા. આવે એટલે અચૂક ઘરે આવે અને જતાં જતાં ગોરભાના દીકરા તરીકે મારા હાથમાં ચાર-આઠ આના મૂકતા જાય. હું એ વખતે પ્રાથમિક શાળામાં ભણતો.
બાપા લાગણીના ખૂબ ગાઢા તાંતણે ફોઇ સાથે જોડાયેલા. પંદર દિવસ માંડ વીતે એ ફોઇની ખબર કાઢ્યા વગર રહે જ નહીં. ફોઇ ગયાં એનો સૌથી વધુ આઘાત મારા બાપાને લાગ્યો હતો. આ આઘાત કેટલો ગહન હશે તેની કલ્પના ત્યારે આવી જ્યારે મને અમારા ખેડૂતનાં દીકરાના દીકરા અમરતભાઈએ જણાવ્યું તેમ, ‘ગંગાફોઈનાં મૃત્યુ પછી નબદાભા તેમનો સામાન લેવા આવ્યા ત્યારે તેઓ અમારા ઘરમાં જ બેસી રહ્યા અને મારા મોટા બાપા નારણભાને બધો સામાન પેક કરવા કહ્યું. નારણભાએ બધો સામાન ભર્યો તે વખતે ફોઇની બચત જોવા મળી, જે રકમ અલગથી નબદાભાને સોંપી જેથી સચવાય. ત્યારે નબદાભાને પણ આશ્ચર્ય થયું કે ગંગાબેને પણ સારી એવી રકમ બચાવી હતી.’
સાચે જ ‘ત્રેવડ ત્રીજો ભાઈ છે’માં માનવાવાળી એ પેઢી હતી. આજે બાપા નથી, ફોઇ નથી કે નથી રહ્યા ગોદડભા, નારણભા કે મોહનભા, નથી રહ્યા બાબુભાઇ, રહ્યું છે માત્ર જીતોડા અને હજુ પણ એ સ્નેહના તાંતણે બંધાઈને પરિચિત બની રહેલા અમરતભાઈ જેવા સ્વજનો.
જીતોડા જ્યાં એક સમયે અમારી જમીન હતી
જીતોડા જ્યાં મારાં ગંગાફોઇ રહેતા હતાં
જીતોડા જે અમારું યજમાનોનું ગામ હતું
એ જીતોડા ભલે જવાતું નથી પણ એના માટે અંતરમાં ખૂબ ઊંડો પ્રેમ અને લાગણીનો દરિયો હિલોળા લે છે.
હા, જીતોડા મારા દિલમાં હંમેશ જીવંત છે.
વળી પાછા ચાણસ્મા તરફ...
ચાણસ્મા સ્ટેશને બે જ ગાડીઓ આવે. મહેસાણાથી મણુંદ રોડ થઈ ચાણસ્મા જવાય. અત્યારે જે અંતર કાપતાં મોટરમાં અરધો કલાક લાગે છે તે અંતર તે જમાનામાં અમે સાડા ત્રણ કલાકમાં કાપતા. મહેસાણાથી હારીજ જતી બીજી ગાડી રાત્રે આવે.
ચાણસ્માના પંચાલો એ જમાનામાં તિજોરીઓ બનાવવા માટે પ્રખ્યાત.
આ બધાનાં કારખાનાં સ્ટેશન જતાં આવે.
અમે જ્યારે બેત્રણ દિવસ ચાણસ્મા રોકાઈએ ત્યારે મા અચૂક સિદ્ધેશ્વરીના દર્શન કરવા લઈ જાય.
રેલવે લાઇન ઓળંગીને આગળ એક નેળિયું આવે ત્યાંથી મંડલોપ એટલે કે મલ્લોપ ગામે જવાય.
સિદ્ધેશ્વરી મારા કુટુંબ માટે આસ્થાનું મોટું સ્થાનક.
મા કહેતી કે મારા દાદાને કોઈ જ સંતાન નહોતું.
ગંભીર બીમારીમાં પટકાયા. બચવાની કોઈ જ આશા ના રહી.
ચોકો સુદ્ધાં તૈયાર કર્યો ત્યારે દીવો પ્રગટાવીને મારી દાદીએ સિદ્ધેશ્વરીનું સ્મરણ કરીને બાધા રાખેલી.
ચમત્કારિક રીતે દાદાની તબિયત સુધરવા માંડી.
આ જીવલેણ માંદગીમાંથી એ હેમખેમ બહાર આવ્યા.
બધાં સંતાનોનો ત્યારબાદ જનમ.
આ કારણથી દાદીને સિદ્ધેશ્વરી ઉપર અતૂટ શ્રદ્ધા.
આમ તો હારીજ પાસે અડીયા ગામે જેની જાગીર આવેલી છે એવા સ્વયંભૂ ભગવાન શંકર અમારા ઇષ્ટદેવ.
અમે ચંદ્રુમાણિયા વ્યાસ એટલે ચંદ્રુમાણાના ગોંદરે આશીર્વાદની અમીધારા વરસાવતાં ગૌરીમાતા અમારાં કુળદેવી.
ક્યારેક બાપા આ બાબતે પોતાનો જુદો મત ધરાવતાં. એમણે કરેલા સંશોધનોના આધારે આબુ પર્વત પર આવેલ અદ્ધરદેવી એટલે કે અર્બુદા દેવી અમારા કુળદેવી છે એવું કહેતા.
આ બધામાં મા ક્યારેય પડતી નહીં.
માના ઇષ્ટદેવ એટલે દેવાધિદેવ મહાદેવ.
પણ માની શક્તિ એટલે સિદ્ધેશ્વરી મા.
દર વરસે એ સિદ્ધેશ્વરી માનું વધામણું કરે.
વધામણું એટલે માતર (સુખડી) અને નાળિયેર પાણિયારે દીવો કરી નૈવેદ્ય ધરાવે.
એ દીવા સામે બેસી પાલવ પાથરી મા સિદ્ધેશ્વરીને અરજ કરે.
એ અરજ કોઈ ધનદોલત કે સંપત્તિ માટે ના હોય,
મા એના માટે પણ કશું જ ના માંગે,
મા હંમેશા મારી અને મારા બાપાના ક્ષેમકુશળ માટે પ્રાર્થના કરે.
એની પ્રાર્થના હોય તમને બાપ દીકરાને માર્કન્ડેયનું આયુષ્ય મળે.
મારી સિદ્ધેશ્વરી મા તમારું સદાય રક્ષણ કરે.
હું ખૂબ જ તોફાની એટલે કે માની ભાષામાં ‘વડનાં વાંદરાં ઉતારું એવો વનેચર’.
એટલે માની બીજી માંગણી હોય મારામાં ડહાપણ આવે – બુદ્ધિ આવે અને ખૂબ ભણું એટલે કે મા સરસ્વતીની કૃપા ઉતરે.
મને લાગે છે કે સાચી શ્રદ્ધા અને સાચા દિલથી માએ કરેલી માંગણી એને ફળી.
અમને બાપદીકરાને હેમખેમ મૂકીને એ ખૂબ વહેલી લાંબા ગામતરે ચાલી ગઈ.
અખંડ સૌભાગ્યવતીનો શણગાર સજીને.
હું ડાહ્યો થયો કે નહીં તે તો દુનિયા જાણે પણ હજુ આ ઉંમરે પણ સરસ્વતીની આરાધનામાં લાગેલો છું.
માના આશીર્વાદ એમાં પણ ફળ્યા છે.
આ કારણથી આજે પણ સિદ્ધેશ્વરી અને મૃત્યુંજય મહાદેવ મારા કુટુંબ માટે સંકટસમયની સાંકળ જેવાં શ્રદ્ધાકેન્દ્રો છે.
હા, ચાણસ્મામાં મારી જનોઈ વખતે હોળીનો પ્રસંગ પણ માણેલો.
મારા જેવા જ વડનાં વાંદરાં ઉતારે એવા વનેચરોની ટોળી બનાવીને લાકડાં પણ ચોર્યાં અને ધૂળેટીની ધામધૂમ પણ કરી. ચાણસ્મામાં એ મારી પહેલી અને છેલ્લી હુતાસની (હોળી) હતી.
ચાણસ્માની બસ આટલી જ યાદો સ્મૃતિપટલ પર ઉપસે છે.
ચાણસ્મા મારા પ્રતાપી પૂર્વજોનું ગામ.
ચાણસ્મા જ્યાં આજે પણ મંગળજીનો મ્હાડ વસ્યો છે.
જીતોડામાં હવે જમીન નથી પણ અમારા ખેડૂતના દીકરા અમરતભાઈ એવો જ અથાગ પ્રેમ રાખે છે.
અને સિદ્ધેશ્વરીની કૃપા તો મારા અને મારા પરિવાર પર સતત વરસતી રહી છે.
ઘણી વાર દર્શનનો લાભ લેવાનું થાય છે.
બેસતા વરસે તો અચૂક જવાનો નિયમ રાખ્યો છે.
ચાણસ્મામાં આજે જેને નજીકનું કહી શકાય એવું કોઈ નથી રહ્યું.
બહુ પરિચિતો પણ નથી.
અને આમ છતાંય ચાણસ્માની માટીની મહેંક અને જીતોડાનાં સંસ્મરણો મનને તરબતર કરી દે છે.
ચાણસ્મા મારું વતન.
ઘણી વાર હળવાશમાં કહું છું, મારો પાસપોર્ટ ચાણસ્માનો છે,
પણ ગ્રીન કાર્ડ અને હવે તો સિટીઝનશીપ સિદ્ધપુરની છે.
એ સિદ્ધપુર, જેની ધૂળમાં રમીને હું મોટો થયો,
અને જ્યાં આજે પણ મારા બાળપણના દોસ્તારો મને તુંકારે બોલાવી શકે છે.
હવે પછીની આખીય વાત આ સિદ્ધપુરની આજુબાજુ ગૂંથાતી જશે.