હૉસ્ટેલની જિંદગીની કેટલીક વિશિષ્ટતાઓ હોય છે. જાપાનમાં માઉન્ટ ફ્યૂજીયામા (FUJI) નામનો શાંત પડી ગયેલો જ્વાળામુખી આજે વિશ્વભરમાંથી પ્રવાસીઓને આકર્ષે છે. માઉન્ટ ફ્યુજી પર ચઢવું એક અનેરો અનુભવ છે. આ અનુભવ માટે જાપાનમાં એક એવી કહેવત છે કે –
“માઉન્ટ ફ્યુજી પર જે એક વખત નથી ચઢ્યો એણે જિંદગીમાં ઘણું ગુમાવ્યું છે.
પણ....
જે બે વખત ચઢ્યો છે તે મૂરખ છે !”
આ માઉન્ટ ફ્યુજીવાળી વાત દરેકના જીવનને લાગુ પડે તેવી છે. જીવનના કોઈ કાળખંડમાં ક્યારેય જે માણસ ઘરથી દૂર હૉસ્ટેલમાં નથી રહ્યો તેણે એના વ્યક્તિત્વ ઘડતરમાં ચોક્કસ કાંઈક ગુમાવ્યું છે. હૉસ્ટેલની જિંદગી એક કરતાં વધુ રીતે માણસને ઘડે છે. નવું વાતાવરણ, નવા માણસો, બધા સાથે પનારો પાડી તમારૂં કામ કરવાનું, ઘરે આ ભાવે અને આ ન ભાવે એવાં જે નખરાં ચાલતાં હતાં, કૂવાના દેડકાની માફક પોતાની આજુબાજુનું મર્યાદિત વાતાવરણ એ જ દુનિયા હતી, લગભગ ભણવા સિવાય કોઈ જ જવાબદારી નહીં, સંપૂર્ણપણે સુરક્ષિત જીવન. આ અનુભવ પણ મજાનો છે. જેણે માના ખોળામાં રમીને બાળપણ નથી માણ્યું, બાપાની આંગળી પકડીને બજાર નથી ગયો, દાદા-દાદી પાસેથી પરી અને રાક્ષસોની વારતા નથી સાંભળી, નાના ભાઈ-ભાંડુઓ સાથે ઝઘડા નથી કર્યાં એનું લાગણીનું વૃક્ષ બૉનસાઈ થઈ જાય છે. આવી બૉનસાઈ લાગણીઓવાળાં બાળકો સંવેદનશીલતાની બાબતમાં અને સામૂહિક હિત વિચારવાની બાબતમાં ક્યારેક ઊણાં ઉતરે છે. હંમેશા સુરક્ષિત વાતાવરણમાં રહીને મોટું થયેલું બાળક ક્યારેક મુશ્કેલી આવે તો ઝડપથી ગભરાઈ જાય છે અથવા ગૂંચવાઈ જાય છે.
વિજ્ઞાનના વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે, ઘર્ષણ (FRICTION) એ શક્તિનું મોટામાં મોટું વિનાશક પરિબળ છે. ઘર્ષણ ન હોત તો ઘણી બધી શક્તિનો વ્યય બચી શક્યો હોત, પણ સાથોસાથ એ પણ સમજવું જોઈએ કે જો ઘર્ષણ ન હોત તો તમે કે હું ઊભા રહી શકત નહીં, ચાલી શકત પણ નહીં. આમ, ઘર્ષણ એ NECESSARY EVIL એટલે કે જરૂરી દૂષણ છે ! હૉસ્ટેલની જિંદગી તમને હથોડા મારી મારીને ઘડે છે. દુનિયા માત્ર સારપની જ નથી એ સમજ હૉસ્ટેલની જિંદગી આપે છે. સાથોસાથ જો થોડોક ફૂંફાડો ન હોય તો તમને ટપલીદાવ કરવાવાળા મળી રહેતા હોય છે. માંદગી હોય, માંદગીમાં સપડાવ અથવા ઘરેથી પૈસા મોડા આવે ત્યારે વચગાળાની વ્યવસ્થા કઈ રીતે ગોઠવી લેવી એ હૉસ્ટેલની જિંદગી સારી રીતે શીખવાડે છે. આમ, હૉસ્ટેલની જિંદગી એ વિકસતા જતા જીવનની બરાબર મુગ્ધાવસ્થા કે યુવાવસ્થામાં તમને સામે મળતી હરતી ફરતી જીવનની જંગમ પાઠશાળા છે. આ કારણથી જે માણસ નથી હૉસ્ટેલમાં એક પણ વખત રહ્યો તેણે જીવનમાં કોઈ વખત માઉન્ટ ફ્યુજીને નહીં ચઢનારની માફક ઘણું ગુમાવ્યું છે.
હવે એની બીજી બાજુ જોઈએ તો, શરૂઆતથી જ જે બાળક બોર્ડિંગ સ્કૂલમાં રહીને ઉછર્યો છે તેને કુટુંબમાં રહીને મા-બાપની છત્રછાયા હેઠળ જે હૂંફ અને લાડ-પ્યાર મળે છે, ભાઈભાંડુઓ સાથે ઝઘડવાનું અને દાદા-દાદી પાસેથી વારતા સાંભળવાનો જે આનંદ મળે છે તે ગુમાવે છે. એણે આખી જિંદગી જ માઉન્ટ ફ્યુજી પર રહેવામાં ગાળી છે અને એટલે મહદઅંશે એનું જીવન વધારે પડતું સ્વાયત્ત અને સ્વકેન્દ્રી બન્યું છે. સ્નેહની જે ગાંઠ નાનપણમાં પોતાના ભાઈ-ભાંડુઓ કે કુટુંબના સભ્યો સાથે હીરની દોરીએ બંધાય છે તે ગાંઠ આવા કિસ્સામાં કાં તો બંધાતી જ નથી અથવા બંધાય તો ઢીલી રહી જાય છે. બંને પરિસ્થિતિ બહુ આવકારદાયક નથી.
મારી હૉસ્ટેલની જિંદગીની શરૂઆતમાં પરિચયમાં આવેલા કેટલાંક પાત્રો જેમણે મારા પર પોતાના વ્યક્તિત્વની કે ગુણોની અમીટ છાપ છોડી. એમાંનું પહેલું પાત્ર હતા કરસનકાકા. કરસનકાકા અમારા હૉલક્લાર્ક. સરકારમાં અવલ કારકૂન તરીકે નિવૃત્ત થયા પછી અહીંયાં કામે લાગેલા. રીટાયરમેન્ટ પછીનું એમનું આ કામ હતું. એકવડીયો બાંધો, માંડ પાંચ ફૂટ બે ઈંચ ઊંચાઈ, જીવનના સારા-નરસા પ્રસંગોની થપાટો ઝીલતાં ઝીલતાં ઘસાયેલું શરીર કરસનકાકાનું જીવન કદાચ બહુ સુખી નહીં વીત્યું હોય એની ચાડી ખાતું હતું. નિવૃત્તિ પછીનો સમય માણસને આ પ્રકારની નોકરીમાં ઘસડી લાવે ત્યારે કોઈક ને કોઈક મજબૂરી એનાં પાછળનું કારણ હોય છે.
આ વ્યક્તિત્વના કારણે કરસનકાકાની હૉસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ખાસ ધાક નહોતી. ધાક નહોતી એટલે કરસનકાકા બિનઅસરકારક હતા એવું તારણ કાઢવાની ઉતાવળ ન કરશો. મારે કરસનકાકા સાથે જ્યારે મળવાનું થયું, જ્યારે જ્યારે બેસવાનું થયું ત્યારે આ મૃદુભાષી માણસની આંખમાં એક વિશિષ્ટ લાગણીની ચમક મને દેખાઈ છે. કોઈ વિદ્યાર્થીને ફૂડબિલ ભરવામાં મોડું થાય, કોઈને કોઈ રૂમમાં પોતાના પાર્ટનર સાથે ફાવતું ન હોય ત્યારે કરસનકાકા ખૂબ આત્મીયતાથી નિયમોની મર્યાદામાં રહીને પણ એને મદદ કરવાનો પ્રયત્ન કરે. નાની-મોટી માંદગી હોય તો કરસનકાકા અચૂક રૂમમાં ડોકાચીયું કરી જાય, ખબર અંતર પૂછે. પાંચ-દસ મિનિટ ખૂરશી ખેંચી અને પેલા વિદ્યાર્થી પાસે બેસે પણ ખરા. મારે કરસનકાકાની સાથે થોડો વધારે સંબંધ એટલા માટે હતો કે મારી રૂમની લગભગ બરાબર સામે કરસનકાકાની ઑફિસ. જતાં-આવતાં એમની લાઈટ ચાલુ હોય તો “કેમ છો ?” પૂછવાનો એક નાતો બંધાઈ ગયેલો તે છેવટ સુધી રહ્યો. મેં કરસનકાકાને ક્યારેય ફરિયાદ કરતા અથવા કોઈ સાથે ઊંચા અવાજે બોલતા સાંભળ્યા નથી અને આમ છતાંય જ્યાં કહેવા જેવું હોય ત્યાં કરસનકાકા અચૂક ટોક્યા વગર રહે જ નહીં ! એમની પાસેથી એક વાત શીખ્યો અને તે એ છે કે, નાની-મોટી ગમે તે વાત કરસનકાકાએ ગમે તેને કહેવી હોય તો એ વિદ્યાર્થીને કાં તો એની રૂમમાં જઈને એકલો હોય ત્યારે કહે અથવા પોતાને ત્યાં બોલાવીને એની સાથે વાત કરે. કરસનકાકા કોઈને પણ જાહેરમાં કશું જ ન કહે. કદાચ આ કારણથી જ વિદ્યાર્થીઓમાં કરસનકાકા માટે પ્રેમ અને એક પ્રકારની સ્વસ્થ શિસ્તની લાગણી હંમેશા રહેતી.
મહિનાની દસમી તારીખે મેસબિલ નોટિસબોર્ડ પર મૂકાઈ જાય. એમાં ક્યાંક નાની-મોટી ભૂલ હોય તો સુધરાવીને કરસનકાકા પાસેથી બેંક સ્લીપ મેળવી લઈ ફૂડબિલના પૈસા નિર્ધારિત બેંક શાખામાં ભરી દેવાના. આમ, મહિને એક વાર કરસનકાકા સાથે આ નાણાંકીય વ્યવહારમાં પણ પનારો પડતો. મોટાભાગે વિદ્યાર્થી આ નાણાંને નિર્ધારિત સમયમર્યાદામાં ભરી દેતો, પણ બે-પાંચ ટકા લોકો એક યા બીજા કારણસર પૈસા ન ભરી શકે તેવા કિસ્સામાં પણ તાત્કાલિક અસરથી એમનું મેસમાં જમવાનું બંધ કરાવી દીધું હોય તેવું જવલ્લે જ બનતું. કરસનકાકા હિસાબ-કિતાબમાં પાક્કા. મેસમાં તમે ઓછામાં ઓછા ત્રણ દિવસ ગેરહાજર રહો તો અગાઉથી નોટિસ આપીને કટ મૂકી શકાતો. એટલા દિવસો તમને વળતર મળે. મેસમાં તમારી સાથે કોઈ મહેમાન જમવા લઈ જાવ તો કોઈ પ્રતિબંધ નહોતો. આ રીતે સામાન્ય દિવસે મહેમાન માટેનો અલગ નિર્ધારિત ચાર્જ લાગતો. ચેન્જ હોય તે દિવસે એટલે કે બુધવારે સાંજે આ ચાર્જ વધુ રહેતો અને ફીસ્ટનાં દિવસે જો મહેમાન લઈ જાવ તો સૌથી વધુ ચાર્જ લાગતો. આ ગણતરીમાં ક્યાંક નાની-મોટી તકરાર હોય તો કરસનકાકા બહુ સિફ્તાઈથી નીપટાવી લેતા. આમ, હૉસ્ટેલના વહીવટ માટેનું બધું જ કામ કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર આ જૈફ ઉંમરે પણ કરસનકાકાને કરતા જોતો ત્યારે મને સમજાતું નહોતું કે, આ માણસની કોઈ મજબૂરી હશે કે પછી કામ વગર જીવી જ ન શકાય તેવી માનસિકતા હશે. જે હોય તે પણ સવારે કરસનકાકાને સાયકલ પર આવતા જોઉં ત્યારે મને અચૂક આ જ રીતે જિંદગી ઢસડે જતા મારા બાપાના સંઘર્ષની યાદ આવી જતી. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ પણ બે છેડા ભેગા કરવા માટે એ કેટલો પરિશ્રમ કરતા અને છતાંય ક્યારેય પણ એમના ચહેરા પર કોઈ કડવાશ કે થાક નહોતો વરતાતો. એ બધું યાદ આવે ત્યારે થોડુંક ગમગીન થઈ જવાતું. કરસનકાકાને આ કારણથી હું વિશેષ આદરથી જોતો અને ક્યારેય એમણે મને કાંઈ ન કહેવું પડે એનો ખ્યાલ રાખતો. આજેય પાછું વળીને જોવું છું તો લાગે છે કે, સંવેદના ક્યારેક મનને અર્જૂનવિષાદયોગમાંથી બહાર નથી આવવા દેતી. મારામાં આજે પણ સંવેદના લગભગ એવી ને એવી જીવંત છે, જેને મારી જિંદગીનું જમાપાસું કહેવું કે ઉધાર એ ચૂકાદો હું ભવિષ્ય પર છોડું તો વધુ યોગ્ય ગણાશે. હા, એક વાત સાચી. નાની બાબતમાં પણ સંવેદનાના તાર ઝણઝણી ઊઠે એટલી HYPER FEELINGS ને કારણે જ હું આ જે કાંઈ લખું છું તે લખાય છે. ક્યારેક મનમાં વિચાર ઝબકી જાય છે કે, મોટા મોટા કવિઓ, લેખકો, ચિત્રકારો, સંગીતકારો, વિગેરેની સંવેદના કેટલી તીવ્ર હશે કે એક નાની વાતમાંથી પણ એ અમર કૃતિઓનું સર્જન કરી શકતા હશે.
કરસનકાકા પછીનું બીજું પાત્ર અને ત્રીજું પાત્ર બંનેને સાથે લઈશું.
આ પાત્રો છે મારી હૉસ્ટેલના વોર્ડન ડૉ. આર. એન. મહેતા સાહેબ ઉર્ફે ભીખુભાઈ અને એમનાં તેમજ અમારા માથે ભાંગેલ ઈશ્વરનું એક અદભૂત સર્જન અમારો સૌનો માનીતો સ્વીપર કમ રૂમ એટેન્ડન્ટ ભોલે.
આ બંને મહાનુભાવોથી આપણે હવે પરિચિત થઈશું.
હૉસ્ટેલનું જીવન,
જાપાની કહેવત,
“ફ્યૂજીયામા ઉપર એક વખત જે નથી ચઢ્યો તેણે જિંદગીમાં ઘણું બધું ગુમાવ્યું છે.”
પણ...
જે બીજી વાર ચઢે છે
તે....
મૂરખ છે,
મારો હૉસ્ટેલ સાથેનો આ પહેલો પનારો હતો
અને એટલે જ આ માઉન્ટ ફ્યુજી પાસેથી
હું ઘણું બધું મેળવી રહ્યો હતો.
જીવન ઘડતરનો એક મહત્ત્વનો કાળખંડ એટલે
વડોદરાની હૉસ્ટેલમાં વીતાવેલ જિંદગી.
જય નારાયણ વ્યાસ હવે પેલા લેંઘા ઉપર બૂટ પહેરનાર
ગામડીયામાથી ધીરે ધીરે કહેવાતી સભ્ય સંસ્કૃતિ
શીખી રહ્યા હતા.
આ ખટમીઠા અનુભવનો અખૂટ ભંડાર
એમના જીવનની એક અણમોલ મૂડી બનવાનો હતી
તે વાત ત્યારે એમને સમજાતી નહોતી.
એમની જાણ બહાર જ જિંદગી એમને ઘડી રહી હતી
કદાચ...
આવનાર આવતીકાલ માટે.