Thursday, June 25, 2015

જશભાઈ સાથેનો સંવાદ આપણે 30.4.2015ને ગુરુવારથી શરુ કર્યો. ત્યારબાદ અચૂક આ વિષયને લઈને આપણે દર ગુરુવારે મળતા રહ્યા છીએ. એ દિવસ એપ્રિલ મહિનાનો આખરી ગુરુવાર હતો. આજે 25 જૂન 2015 યોગાનુયોગ જૂન મહિનાનો આખરી ગુરુવાર છે. આમ આપણે સતત નવ ગુરુવાર અને લગભગ બે મહિના મળતા રહ્યા. આ દરમ્યાનમાં આ સમગ્ર પ્રયાસના નાયક ભાઈશ્રી જશભાઈ શંકરભાઈ પટેલ સાથે અંદાજે અડધોએક ડઝન વખત ટેલીફોનથી વાત કરવાનું બન્યું છે. ક્યારે શરુઆતમાં મેં ટેલીફોન કર્યો હશે પણ પછી તો અચૂક શુક્ર કે શનિવારે જશભાઈનો ફોન આવે જ. એ જ કાનમાં સતત ગૂંજ્યા કરે એવો ચીરપરિચિત રણકો “જશભાઈ બોલું છું” અને પછી જે લખાયું હોય તેના પર અચૂક રીતે જશભાઈ પોતાના પ્રતિભાવ આપે સાથે કેટલીક માહિતી અને સૂચનો પણ હોય. અનાયાસે શરુ કરેલ એક વિષય બે મહિના જેટલો લાંબો ચાલ્યો અને એને મારા વાચકમિત્રો તરફથી અદભૂત પ્રતિસાદ સાંપડ્યો એનાથી વિશેષ આનંદની બાબત બીજી શું હોઈ શકે. કેટલાક વાચકમિત્રો તો જશભાઈ સુધી મને પહોંચાડવામાં અને પછી અનેક સૂચનો આપવામાં આ વિચારગોષ્ઠિમાં જોડાયેલા રહ્યા. એમાં સહુથી અગ્રિમ નામ મારા સહાધ્યાયી અને હાલ વડોદરામાં રહેતા નિવૃત્ત મુખ્ય ઈજનેર ભાઈશ્રી પઢિયારનું છે. જશભાઈ વિશે આછીપાતળી ખબર હતી. વડોદરામાં રહે છે તે પણ ખબર હતી પણ નિયમિત વાત કરવાનો પરિચય નહોતો. આના કારણે કંઈક આછુંપાતળું જરુર લખી શકાયું હોત પણ જશભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં અધિકૃત રીતે રજૂ થયાં છે તેમ ન કહી શકાત. ભાઈ પઢિયારે આ મુદ્દે ખૂબ મદદ કરી. જશભાઈને મળીને એમની પાસેથી જૂનો રેકોર્ડ, અખબારી અહેવાલો તેમજ એમણે પોતે આપેલી માહિતી ભેગી કરીને મારા સુધી પહોંચાડવાનું કામ મનુભાઈ પઢિયારે કર્યું છે. આમ જે કંઈ લખાયું તેનો કાચો માલ મનુભાઈ પાસેથી મળ્યો અને અધિકૃત ગુણવત્તા નિયંત્રણ જશભાઈના નિયમિત આ લેખોનું વાંચન અને ટિકા ટિપ્પણીએ પૂરું પાડ્યું. આમ, આ સમગ્ર પ્રયાસને સફળ બનાવવા માટે આ બન્ને મિત્રોને ઉલ્લેખ ન કરું તો હું નગુણો ઠરું.

હમણાં છેલ્લા લેખ ઉપર એમનાં અવલોકનોમાં જશભાઈની સ્થિતપ્રજ્ઞતા અને સત્યનિષ્ઠા તેમજ સિદ્ધાંતને વળગી રહેવાની એમની પ્રતિબદ્ધતાનો દાખલો ટાંકતાં મનુભાઈએ જણાવ્યું છે કે સીત્તેરના દાયકાની શરુઆતમાં જ્યારે જશભાઈ યુનિવર્સીટી સેનેટમાં સભ્ય હતા ત્યારે સિદ્ધરાજ જયસિંહ હોલ જ્યાં મનુભાઈ પણ રહેતા હતા ત્યાંની એક વિચિત્ર ઘટના જેમાં યુનિવર્સીટી, ડીન, વોર્ડન બધાએ હથિયારો હેઠાં મુક્યાં હતાં ત્યારે જશભાઈએ આ ગેરરીતિ સામે અવાજ ઉઠાવ્યો હતો. આ હોસ્ટેલમાં એક વિદ્યાર્થી (નામનો જાણી જોઈને ઉલ્લેખ કર્યો નથી) રહેતો હતો જે નાનીઅમથી બાબતમાં પણ એટ્રોસીટીના કાયદાનો દુરઉપયોગ કરી ગમે તેની સામે આવી ફરિયાદ નોંધાવી હેરાન કરી પોતાનું ધાર્યું કામ કરવા ટેવાયેલો હતો. ટૂંકમાં કહીએ તો એને એટ્રોસીટીના કાયદાનો દુરઉપયોગ કરવાની કલા સારી રીતે હસ્તગત થઈ ગઈ હતી. આ વિદ્યાર્થીથી વોર્ડન, ડીન અને વાઈસ ચાન્સેલર સુદ્ધાં ગભરાતા તેમજ બને ત્યાં સુધી એની સાથે મળવાનો કોઈપણ પ્રસંગ ઉભો કરવાનું ટાળતા. આ વિદ્યાર્થી એટલો માથાભારે થઈ ગયો હતો કે તે હોસ્ટેલ ફી તેમજ મેસ બિલ અથવા અન્ય કોઈ પ્રકારની ફી ભરતો નહોતો. હદ તો ત્યાં થતી જ્યારે એ વ્યક્તિની દાદાગીરીથી તંગ આવી એની ફી તેમજ મેસ બિલ વિગેરે ખુદ યુનિવર્સીટી ભરતી. આ વ્યક્તિને કોઈ કશું જ કહી શકતુ નહોતું. કોઈક જશભાઈ સુધી આ કિસ્સો લઈ ગયું. હકિકત જાણ્યા પછી જશભાઈ ચૂપ રહે ખરા. એમણે આ મુદ્દે યુનિવર્સીટી સેનેટ અને સિન્ડિકેટ બન્નેને ધમધમાવી નાંખ્યા. છેવટે પેલા માથાભારે વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી હાંકી કઢાયો અને આ એક મોટું દૂષણ જવાના કારણે વિદ્યાર્થીથી માંડી વાઈસ ચાન્સેલર સુધી સહુએ નિરાંતનો શ્વાસ લીધો. આ હતી જશભાઈની નીડરતા અને જટિલમાં જટિલ પ્રશ્નનો ઉકેલ લાવવાની ક્ષમતા.

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી આમ તો સંપૂર્ણ અંગ્રેજી માધ્યમથી શૈક્ષણિક કાર્ય કરતી યુનિવર્સીટી હતી. અહીંયાં આખા દેશમાંથી તેમજ વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવતા. આમ સાચા અર્થમાં યુનિવર્સીટીનું વાતાવરણ કોસ્મોપોલિટન હતું. પણ એક વખતે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝાને વિચાર આવ્યો કે આ યુનિવર્સીટીમાં શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી દાખલ કરવું જોઈએ. સીત્તેરના દાયકાની લગભગ આ શરુઆત હતી. આ દરખાસ્તનો જબરજસ્ત વિરોધ થયો. સપ્ટેમ્બર 6, 2001ના ઈન્ડિયન એક્સપ્રેસમાં આવેલ સમાચાર મુજબ જય પટેલ નામના વિદ્યાર્થી આગેવાની નીચે આ સમગ્ર મામલે મોટો વિરોધ થયો અને વાતનું ફીંડલુ વળી ગયું. મને હજુય યાદ છે કે એંશીના દાયકાના મધ્ય સુધી જ્યારે શ્રી માધવસિંહભાઈ સોલંકીના વડપણ હેઠળની ગુજરાત સરકારે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પણ ગુજરાતમાંથી બારમું ધોરણ પસાર કર્યું હોય તેને જ યુનિવર્સીટીમાં પ્રવેશ આપવો તેવો નિર્ણય લીધો. ત્યારથી યુનિવર્સીટીમાં સીધો પ્રવેશ મેળવતા રાજ્ય બહારના અને દેશ બહારના વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત થઈ ગઈ છે. તેટલા પૂરતું મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની કોસ્મોપોલિટન છબીને અને કંઈક અંશે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરને નુક્સાન થયું છે એમ કહું તો અતિશયોક્તિ નથી. સાઈઠના દાયકાની શરુઆતમાં હું જ્યારે આ યુનિવર્સીટીમાં દાખલ થયો ત્યારે મોટી સંખ્યામાં કેન્યા, યુગાન્ડા અને અન્ય આફ્રિકન દેશોમાંથી આપણા ત્યાં સીનીયર કેમ્બ્રીજ કરીને અભ્યાસ કરવા આવતા તેમજ મુંબઈ, દિલ્હી અને શહેરો /રાજ્યોમાંથી અહીંયા ભણવા આવતા વિદ્યાર્થીઓની બહુ મોટી સંખ્યા હતી. ધાણીફૂટ અંગ્રેજી બોલતા આ ઓસલાઓ એટલે કે ઓવરસીઝ સ્ટુડન્ટસ સાથે રહીને મારા જેવા લગભગ અડધા ગામડીયા કહેવાય એવા અનેક વિદ્યાર્થીઓ અંગ્રેજી લખવા વાંચવામાં બરાબર ઘડાઈને તૈયાર થઈ જતા. આ એક મોટો ગેરલાભ અત્યારે દેખાય છે. મારી હોસ્ટેલમાં એક આખી વીંગ માત્ર થાઈલેન્ડના વિદ્યાર્થીઓની હતી. આમ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય જીવન પદ્ધતિ અને રહેણીકરણીનું શિક્ષણ આપતી આ એક આગવી એવી જીવનની જંગમ વિદ્યાપીઠ હતી. આજે આ ભૂતકાળ પરિકથા જેવો લાગે છે. ત્યારપછી તો એમ.એસ. યુનિવર્સીટીમાં શિક્ષણનું સ્તર પણ ઘણું કથળ્યું છે. સ્થાનિક યુનિવર્સીટી હોવાને કારણે વડોદરા અને આજુબાજુના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેના દબાણે વડોદરા તેમજ પાદરા કેમ્પસમાં ક્રમશઃ પીસ્તાળીસ અને પાંત્રીસ ટકા જેવી બારમા ધોરણની ઓછી ગુણવત્તા પ્રવેશલાયક બનાવી છે. ટૂંકમાં આજની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ઘણી બદલાઈ ગઈ છે. આ ધસારા માટે મહદઅંશે રાજકીય લેવાતા નિર્ણયો અને રાજકીય વિચારસરણીને અનુરુપ વાઈસ ચાન્સેલર તેમજ સેનેટ સિન્ડિકેટની નિમણૂંકો અને તુમારશાહીમાં અટવાતું શિક્ષણનું વહિવટીતંત્ર જવાબદાર છે. એકબાજુ વિદ્યાર્થીઓનો ઘસારો અને બીજીબાજુ ઘસાતુ જતું શિક્ષણસ્તર આ યુનિવર્સીટીના વિદ્યાર્થી યુનિયનની બેહાલી માટે પણ એટલું જ જવાબદાર છે. અનામત આંદોલન જ્યારે ચરમસીમાએ હતું ત્યારે એંશીના દાયકાની મધ્યમાં રાજ્યની બધી જ યુનિવર્સીટીઓએ માસ પ્રમોશન એટલે કે પરિક્ષા વગર સામૂહિક આગળના ધોરણમાં ચડાવી દેવાનો નિર્ણય કર્યો હતો. પણ ઘણા એ નહીં જાણતા હોય કે રાજ્યમાં એક મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી જ એવી હતી કે જેણે વિદ્યાર્થીઓને વૈકલ્પિક પરિક્ષાની છૂટ આપી હતી. આ કારણથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પરિક્ષા પણ આપી હતી અને એને કારણે ઘણા વિદ્યાર્થીઓની ટ્રાન્સસ્ક્રીપ્ટ એટલે કે પ્રથમથી છેલ્લા વરસ સુધીની માર્કશીટમાં માસ પ્રમોશનના કલંકનો ધબ્બો નહોતો લાગ્યો. ખાસ કરીને આગળ અભ્યાસ કરવા માટે જેમને વિદેશમાં જવું હોય અથવા સારી કંપનીઓમાં નોકરી મેળવવી હોય તેમના માટે આ નિર્ણય આશીર્વાદરુપ હતો. તા. 6.9.2001ના ઈન્ડિયન એક્સપ્રેસ દૈનિકમાં આનો ઉલ્લેખ છે. આ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓની દુરંદેશી અને ખૂમારીનો એક અદભૂત દાખલો છે. વિદ્યાર્થી યુનિયુનની નેતાગીરીના સંસ્કાર ઘડતરનું પણ આ બેનમૂન ઉદાહરણ છે. આજે બધું જ બદલાઈ ગયું છે.

ઉપરના ઉદાહરણ પરથી કોઈ એમ ન સમજી લે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની વિદ્યાર્થી નેતાગીરી અને વિદ્યાર્થીઓ સત્વહિન હતા. આ યુનિવર્સીટી નવનિર્માણ જેવાં અનેક આંદોલનોમાં અગ્રેસર રહી છે. વિદ્યાર્થીઓ ક્લાસ ભરવાનો કંટાળો આવે છે એવા સાવ વજૂદ વગરના કારણે પણ “નો મૂડ સ્ટ્રાઈક” પાડતા હતા અને પ્રોફેસરો એ ઉદાર દિલે ચલાવી પણ લેતા હતા. વિદ્યાર્થીઓ તોફાનો કેમ કરે છે અને કેમ્પસમાં થતી આ દખલરુપ પ્રવૃત્તિને નાથવા શું કરવું જોઈએ એ બાબતે પણ વિદ્યાર્થી નેતાગીરી ચિંતિત હતી. 15 ઓક્ટોબર 1966ના લોકસત્તા દૈનિકમાં આ બાબતે જશભાઈએ લખેલ એક ચર્ચાપત્ર પરથી જવાબદાર વિદ્યાર્થી નેતાગીરીની પ્રચલિત પરંપરા અને વિચારસરણીનો ખ્યાલ આવે છે. જશભાઈ લખે છે “વિદ્યાર્થીઓના દરરોજ થતાં તોફાનો જોતાં નીચેના નવ મુદ્દાઓ કદાચ એ તોફાનો ઓછા કરવામાં સફળતા પામશે. મેં જાતે અનુભવ્યું છે કે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઘણા જ છે અને એ પ્રશ્નો ઉકેલવા માટે સત્તાવાળાઓ રસ લેશે તો ધાર્યું પરિણામ આવશે.

1. વિદ્યાર્થીઓનું એક વેલફેર કમીશન હોવું જોઈએ. તેના ચેરમેનની નિમણુંક કેન્દ્ર સરકારે કરવી જોઈએ કે જે વ્યક્તિ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલી શકે.

2. વિદ્યાર્થી પ્રતિનિધિઓને સેનેટ અને સીન્ડીકેટમાં બેસવાની રજા મળવી જોઈએ કે જેથી તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નો રજુ કરી શકે.

3. વિદ્યાર્થીઓના સારા કામની સરકારે કદર કરવી જોઈએ.

4. ઉપકુલપતિ અથવા કોલેજના વડાએ દર મહિને વિદ્યાર્થીઓના નેતાઓની મિટીંગ બોલાવી, પ્રશ્નો અને મુશ્કેલીઓ ઉકેલવા પ્રયત્નો કરવા જોઈએ.

5. પોલીસ સત્તાવાળાઓ દર પંદર દિવસે વિદ્યાર્થી નેતાઓને મળી તેઓને લગતી મુશ્કેલી દૂર કરવા યોગ્ય પગલાં લેવાં જોઈએ.

6. યુનિવર્સીટી અથવા સરકારે પાર્ટટાઈમ સર્વિસ વિદ્યાર્થીઓને આપવા માટે જોગવાઈ કરવી.

7. કોઈપણ કાયદો સુધારવો હોય તો તે બે વર્ષ પહેલાં વિદ્યાર્થીઓનાં ધ્યાન ઉપર લાવવું જોઈએ અને કાયદો દરેક માટે એક હોવો જોઈએ.

8. નિશાળોમાં દર વર્ષે ચોપડી નહિ બદલતાં, દર ત્રણ વર્ષે બદલવી જોઈએ. ચોપડીઓ દરેક નિશાળોમાં એક ધોરણે હોવી જોઈએ. ચોપડીઓ સસ્તી મળવી જોઈએ.

9. કોઈપણ રાજકીય પક્ષને યુનિવર્સીટી કેમ્પસમાં ભાષણ આપવા માટે પરવાનગી આપવી જોઈએ નહીં.” (તા. 15.10.1966, લોકસત્તા)

આમ યુનિવર્સીટી વિદ્યાર્થી નેતાગીરી અને તત્કાલીન ઘટનાઓ તેમજ સંલગ્ન બાબતો અંગે જશભાઈ સાથેની આ વિચારગોષ્ઠીએ ઘણા સાથે રુબરુ થવાનો મને મોકો આપ્યો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી સિવાય પણ હું આઈઆઈટી મુંબઈ તેમજ ગુજરાત યુનિવર્સીટીનો વિદ્યાર્થી રહી ચૂક્યો છું. કેટલીય કોલેજોમાં અને આઈઆઈએમથી માંડી અન્ય અગ્રણી શિક્ષણ સંસ્થાઓમાં વ્યાખ્યાન આપવાનો મને મોકો મળ્યો છે. સમગ્રતયા જોઈએ તો જ્યાં ભણાવનાર સારા છે ત્યાં પ્રમાણમાં ધાંધલધમાલ પણ ઓછાં થાય છે. પણ જ્યાં શિક્ષણ કરતાં રાજકારણ વધારે ચાલતું હોય એવી શૈક્ષણિક સંસ્થાઓમાં જેને ભણવું છે તેને પણ ભણવાનો મોકો મળતો નથી. આજે એબીવીપી અને એનએસયુઆઈસી જેવી રાજકીય પક્ષોની વિદ્યાર્થી પાંખો પણ કેમ્પસમાં સક્રિય છે. પરિણામે હજુ માંડ મૂંછનો દોરો પણ ન ફૂટ્યો હોય એવો કહેવાતો વિદ્યાર્થી નેતા ચૂંટણીઓ લડવા બેફામ ખરચા તેમજ બાહૂબળ તથા અન્ય ગેરરીતિઓ આચરવામાં માહેર થઈ જાય છે. જો સમાજની આવતીકાલની જાહેરજીવનની નેતાગીરી આમાંથી આવવાની હોય તો આજે સ્થાનિક સ્વરાજની નાનામાં નાની સંસ્થાઓથી માંડી ધારાસભા અને લોકસભા સુધી જે સ્તર અને તેમાં સતત ગિરાવટ જોવા મળે છે તેનાથી વધુ શું અપેક્ષા રાખી શકાય ? આ સંદર્ભમાં જ્યારે જશભાઈની પેઢીની કે મારી પેઢીની વિદ્યાર્થી નેતાગીરીને સરખાવીએ છીએ ત્યારે એક ફળફળતો નિસાસો નીકળી જાય છે. લાગે છે “તેહિનો દિવસાગતાઃ” હવે ન તો આવા આગેવાન કે નહીં આ દિવસો ફરી જોવા મળશે.

આજે જશભાઈને આ સંદર્ભમાં યાદ કરી એમની સાથેની આ ગોષ્ઠિ પૂરી કરું છું.


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles