લગભગ માર્ચની મધ્યમાં હોળી-ધૂળેટીનો તહેવાર આવે. આપણે હોલીકાદહન તે દિવસે એટલે કે ફાગણ સુદ પુનમે હોળી અને એના બીજા દિવસને ધૂળેટી કહીએ છીએ. ઉત્તર ભારતમાં ધૂળેટી શબ્દ ખાસ પ્રચલિત નથી. પણ એ દિવસને જ હોળી તરીકે રજાઓના લીસ્ટમાં દર્શાવવામાં આવે છે. આમ, હોળી એ ઉત્તર ભારતમાં રંગ છાંટણા કરીને અને ગુલાલ ઉડાડીને ઉજવાય છે. રાજસ્થાનમાં હોળી વખતે એકાદ અઠવાડીયા પહેલાંથી ડફ નામનો ચર્મવાદ્ય વગાડીને હોળીના ફાગ ગવાય છે અને આ રીતે હોળીનો ઉત્સવ રંગે ચંગે ઉજવાય છે. મારવાડમાં તો એવી કહેવત છે કે -

“દિવાળી તો અટેકટે, 
પણ હોળી બાપા ઘેર”

આમ ઉત્તર ભારતમાં હોળીનું મહત્વ વધારે છે અને તેમાંય ધૂળેટીના દિવસે એકબીજાને ગુલાલ લગાડી શુભેચ્છા આપવાનું અને હોળી ગીતો ગાવાનું મહત્વ છે. વડોદરામાં મારી આ પહેલી હોળી હતી. સિધ્ધપુરમાં તો અમે ગામ બહાર રહેતા એટલે એકલા એકલા કોની સાથે હોળી રમવાની? પણ કેસૂડાના ફૂલ પલાળી એ પાણીથી નહાવાનું અને પિચકારીથી પાણી ઉડાડવાનું એવો લગભગ એકલવાયો કહેવાય તેવો આનંદ અમે લૂંટતા. વડોદરામાં પણ હોલીકાદહનનો ઉત્સવ ઠેક-ઠેકાણે લાકડાં ગોઠવી હોળી સળગાવીને કરવામાં આવતો. બીજે દિવસે સવારથી જ ધૂળેટીની શરૂઆત થઈ જતી.

મારી હોસ્ટેલના મુખ્ય દરવાજામાંથી બહાર નિકળીએ એટલે જમણે હાથે વોલીબોલનું મેદાન આવે. અહીંયા પાણીની પાઇપલાઇનનો વાલ્વ હતો જેનાથી ઝાડને પાણી પાઇ શકાય. કેટલાંક ઉત્સાહી વિદ્યાર્થીઓ સવારથી ત્યાં કામે લાગી જતા. એક દસ બાય દસનો દોઢેક ફૂટ ઊંડો ખાડો ખોદી એમાં પાણી ભરવામાં આવતું. ત્યારબાદ થોડી ખોદાણની માટી અંદર નાખી પગ વડે ગુંદળીને કાદવ જેવુ બનાવતા. જો થોડું વધારે ગાઢું હોય તો પાણી ઉમેરી અમારો આ કાદવ હોઝ તૈયાર કરવામાં આવતો. ત્યારપછી નવા આગંતુકોને પહેલા હાથ અને સામે છેડે પગ પકડી ટીંગાટોળી કરવામા આવતી, તેમને થોડા ઝુલાવી પછી પેલા ગારાના હોઝમાં ફેંકાતા. એ માણસ બરાબર રંગાઈ જાય એટલે ટોળકીનો સભ્ય બની જતો. હોસ્ટેલની રૂમમાં કોઈ રહી ન જાય એમ સૌને શોધીને બધાને આ લાભ અપાતો. જેમને આ પસંદ ન હોય તે લોકો આગલે દિવસે જ આઘા પાછા થઈ જતા. ખાડો ખોદવાથી માંડી બાકીની બધી પ્રક્રિયામાં શરૂઆતથી જ હું સામેલ હતો. મારામાં પણ હવે ખાસી હિમ્મત આવી હતી અને જીભ પણ થોડી છૂટી થઈ હતી. મને લાગ્યું કે આ ગારામાં ટીંગાટોળી કરીને પછડાવા કરતાં આપણે જાતે જ કેમ ન રંગાઈ જઈએ? એટલે મેં મારી જાતે જ આ હોઝમાં પડતું મૂકી થોડું આળોટીને કપડાં બરાબર કાદવથી લથબથ કરી દીધાં. હવે આપણને કોઈ રંગવાનુ નહોતું એ વિશ્વાસ હતો અને નવો કોઈ આવે, થોડી આનાકાની કરે તેને હોઝમાં ધકેલવાની મજા આવતી. ટૂંકમાં ક્યારેય અનુભવ નહોતો કર્યો એવો ધૂળેટીનો આ પ્રસંગ જામ્યો. અમારી આ ધિંગામસ્તી ચાલતી હોય ત્યાં બીજી બાજુથી બીજી હોસ્ટેલમાંથી પણ ટોળું આવતું અને સામસામે મંડાઈને એકબીજા સાથે ગારાયુધ્ધ ચાલતું. કેટલાક તો ફુગ્ગામાં રંગીન પાણી ભરી લાવતા અને એ ફુગ્ગો કાં તો છૂટો મારે અથવા બે-ચાર જણાં આજુબાજુ થઈને કોઈકના માથામાં દબાવી ફોડી નાખે. આ બધી ધિંગામસ્તી ખાસી બાર સાડા બાર વાગ્યા સુધી ચાલતી. જેમને બીજી હોસ્ટેલમાં મિત્રો હતા અને ધૂળેટી રમવાના ખૂબ શોખીન હતા તેઓ સાયકલ લઈ રાઉન્ડ મારવા નીકળી પડતા. મારી પાસે તો સાયકલ હતી નહીં એટલે આપણે આખીય ધૂળેટી હોસ્ટેલના પ્રાંગણમાં ધિંગામસ્તી કરતાં ગાળી. કેટલાક જવલ્લે જ દેખાતા ફાઇનાન્સ અથવા મેડિકલ જેવા અભ્યાસક્રમમાં ભણતા વિદ્યાર્થીઓ પણ તે દિવસે દેખાય જેના પરિણામે થોડી વધારે ઓળખાણ અને જ્યાં ઓળખાણ હોય ત્યાં નિકટતા આ ત્રણ-ચાર કલાકની ધિંગામસ્તીના પરિણામે ઊભી થતી. આ નિર્દોષ મસ્તી હતી અને પોતાના હમઉમ્ર સહાધ્યાયીઓ સાથે ભેગા થઈને તોફાન-મસ્તી કરવાનો એક અનેરો અવસર હતો.

ધૂળેટીની ધિંગામસ્તી પૂરી થાય એટલે નહાવા માટેની પડાપડી શરૂ થાય. એક વિંગમાં કુલ આઠ બાથરૂમ હતા. એટલે જો મોડા પડો તો તમારી આગળ લાઇન હોય. આરામથી નહાવાનું કોઈ ઉતાવળ નહીં એ નિયમ સૌ પાળતાં. એટલે લગભગ ૨૦-૨૫ મિનિટ એક વ્યક્તિને ફાળે જતી. નાહીં-ધોઈ તૈયાર થયા બાદ કકડીને ભૂખ લાગી હોય એટલે સીધી મેસ ભણી દોટ મૂકતા અને પોતપોતાના ગ્રૂપ સાથે ડાઈનિંગ ટેબલ પર ગોઠવાઈ જતા. મહારાજ રાજસ્થાની હતા એટલે એ એક-બે આંગળીથી ગુલાલ લગાડીને એ પણ ધૂળેટીની મુબારકબાદી આપતા. ત્રણ-ચાર કલાકની ધમાચકડી અને ત્યારબાદ નહાવાનું જઠરાગ્નીને એટલી તેજ બનાવી દેતુ કે શરૂઆતમાં તો જે કંઈ વસ્તુ આવે ખાસ કરીને મીઠાઇ તે ચપોચપ ઉપડી જતી. આ કાર્યક્રમ અડધો એક કલાક ચાલે ત્યારબાદ રૂમમાં જઈને સીધું પલંગમાં પડવાનું બે-પાંચ મિનિટમાં તો ઘસઘસાટ ઊંઘ આવી જાય. પાંચ-છ વાગ્યે આંખ ઊઘડે એ દિવસે સાંજે મેસ ચાલુ ન હોય એટલે આમેય બહાર જમવાનું હોય એટલે તૈયાર થઈ સીધા પંડ્યા હોટેલ અને પંડયા હોટેલથી બસ પકડી કાં તો મદ્રાસ કાફે નહીં તો ક્યારેક દાંડિયા બજાર, બંબાખાના, રોડના ખૂણા પર આવેલું કેનેરા કાફે સાંજના ડિનર માટેનું સ્થળ રહેતું. મોટાભાગે આ આયોજનમાં બહુ મોટું ગ્રૂપ નહોતું જામતું કારણકે કેટલાક મિત્રો નજદીકના ગામના હોય (સારસા જેવું) તો ઘેર ગયા હોય,  દિલિપ જેવા કોઈનાં સગાં વડોદરામાં રહેતાં હોય તો સગેવહાલે ગયા હોય, કેટલાક સિનેમાના શોખીનો 6થી 9ના શોમાં ચલચિત્ર જોવા ગયા હોય એટલે મોટેભાગે એકલપંડે જ આયોજન કરવું પડતું.

મારી પહેલી ધૂળેટીની સાંજે મને હજુયે યાદ છે મેં કોઈ કાફેમાં નહીં પણ રેલવે સ્ટેશનના બીજા માળે આવેલ રેલવે ઉપહાર ગૃહમાં ફિક્સ્ડ થાળી માંગવીને ખાધું હતું. એ વખતે દોઢ રૂપિયામાં ચાર રોટલી, બે શાક, અથાણું-પાપડ, દાળ અને ભાતની એક વાટકી અને એક નાની વાટકીમાં દહીં આટલું મળતું. રેલવેના ઉપહાર ગૃહમાં જમવું હોય તો ધીરજ રાખવી પડે. ઓર્ડર આપ્યા પછી ૨૫-૩૦ મિનિટે તમને સર્વ થાય અને આરામથી ખાઓ તો ૨૦-૨૫ મિનિટ બીજી જાય એટલે દોઢ રૂપિયામાં ભોજન ઉપરાંત રેલવે ઉપહાર ગૃહનું વાતાવરણ તમે માણી શકો. આ રેલવે ઉપહાર ગૃહમાં અનેક વખત નાસ્તો અથવા ફિક્સ્ડ થાળી ખાધી હતી. મારી પહેલી ધૂળેટીના દિવસે ડિનર પણ ત્યાં જ લીધું.

બેઠાં બેઠાં વળી પાછી મા ની યાદ આવી. હોળીએ ભૂખ્યા રહેવાનુ એટલે પૂનમની સાંજે અને ધૂળેટીના બપોરે બંને સમયે મા કંસાર(લાપસી) બનાવતી. મારી માની લાપસી બનાવવા ઉપર ગજબની હથોટી હતી. એ લાપસીની સાથે ચોખું ઘરનું ઘી હોય જેની સોડમ તમારી સ્વાદેન્દ્રિયોને જાગૃત કરે. મારી આ પહેલી હોળી-ધૂળેટી હતી જ્યારે બપોરે ગુલાબજાંબુ ઝાપટ્યાં હતાં અને સાંજે રેલવે ઉપહાર ગૃહનું ફિક્સ્ડ થાળીનું જમણ જમ્યો હતો. આપણે જ્યારે કુટુંબ સાથે રહેતા હોઈએ ત્યારે જે સવલતો અથવા લાલન-પાલન વગર માંગ્યે આપણા માટે હાજર થઈ જાય છે તે બહાર જઈએ ત્યારે માંગવા છતાં પણ મળતા નથી. ચલાવી લેતા શીખવું પડે છે. ભાવે તે ખાવું એમાંથી જે થાળીમાં આવે તે ભાવે તે તરફ વળવું પડે છે. દૂધ ન ભાવતું હોય ત્યારે માનો કકળાટ સાંભળવાનું ગમતું નહીં પણ હોસ્ટેલમાં રહેવા જઈએ ત્યારે ઠંડી બાટલીનું દૂધ પી જઈએ છીએ આ બધુ જ ઘર અને પરિવારથી દૂર જઈએ ત્યારે ખબર પડે. જેમ ઘર અને પરિવારથી દૂર જઈએ તેમ પરિવારની હૂંફ અને વાતાવરણ માટે આપણે ઝૂરીએ છીએ તે જ રીતે પરિવાર અને ઘરથી દૂર જઈએ તે પછી બળેવ હોય, ઉત્તરાયણ હોય કે હોળી જેવા ઉત્સવોની ઉજવણીમાં જે પોતીકાપણું અને પ્યારદુલાર સૌની સાથે રહીને ઉજવણી કરવામાં આવે છે તે એકલા એકલા ક્યારેય પામી શકાતો નથી. ખેર, ઘરેથી દૂર રહેવું એ પણ ઘડતરનો એક ભાગ છે. આપણને એ ઘણું શીખવાડે છે અને એટલે જ કદાચ કહેવત પડી હશે- “પારકી મા કાન વીંધે”.

મારી પ્રથમ વરસની વડોદરાની ઘરથી દૂર રહીને ઘડાવાની પ્રક્રિયા નિરંતર ચાલી રહી હતી. હોળી-ધૂળેટી પણ એનો ભાગ હતો. આ વખતે હોળીના દિવસે સથ્થુ(શેકેલા ચણા અને જુવાર શેકીને બનાવેલ લોટમાં ગોળનું પાણી ઉમેરી બનાવાતી એક મીઠાઇ), ધાણી કે ખજૂર નહોતા ખાધા, હોળીએ ભૂખ્યો નહોતો રહ્યો, સાંજે છેલ્લા બે-ત્રણ મહિનાથી ખાસ કાળજી લઈને બનાવેલા હોળાયાંના હારડા લઈને હોળી નહોતી સજાવી, હોળીની પ્રદક્ષિણા નહોતી કરી, સાંજે લાપસી, દાળ-ભાત, શાક જમવા નહોતું મળ્યું અને તે જ રીતે ધૂળેટીના દિવસે કંસાર નહોતો જમ્યો.

આપણે કંઈક મેળવવું હોય તો કંઈક ગુમાવવું પણ પડે છે. હું ભણી-ગણીને મોટો માણસ થવા વડોદરા આવ્યો હતો. શું થવાનું તે તો કંઇ સમજ નહોતી પડતી પણ એમ કરવા જતાં મારી મા, બાપા, મિત્રો મારા ઘરનો માહોલ, શાસ્ત્રીજીની પાઠશાળાનો માહોલ અને રાજપુર ગામને પાદરે પ્રગટતી હોળીનો માહોલ, એ હોળી દર્શને લવાતાં નવજાત શિશુ અને હોળીની પ્રદક્ષિણા કરતાં નવા પરણેલા જોડાઓ, ધીબાંગ ધીબાંગ વાગતો ઢોલ, છોકરાંઓની ચીચકારીઓ, રાજપુર ગામના તોરણ બહાર ઊભો કરાતો ચેંચૂડો(ચિંચૂડો), હોળીની એ અજવાળી રાત દરમિયાન નાળિયેર ફેંકથી માંડી આંખે પાટાં બાંધીને નિર્ધારિત સ્થળ શોધી કાઢવાની રમત, ધૂળેટીના દિવસે બપોરે રાજપુરના નાના ઠાકોર વાસમાં એક હાથમાં જોડો અને બીજામાં તલવાર લઈ પટા ખેલતા ઠાકોર ભાઈઓ અને રાવણનો વેશ લઈ શૂર ચઢે તે રીતે હાકલા-પડકારા કરતા મંગાજી અને વાલજી ઠાકોર. આ ધૂળેટીએ આમાંનુ કંઇ જ નહોતું.

આખું વડોદરા શહેર ધૂળેટીના રંગે રંગાયું હતું
બહારથી તો હું પણ રંગાયો હતો
પણ, અંદરથી હતો સાવ કોરો ધાકોર
રહી રહીને હોળી-ધૂળેટી સમયનું મારું સિધ્ધપુરનું બાળપણ
મને યાદ આવતું હતું.
જમીને રેલવે ઉપહાર ગૃહથી નીચે ઉતર્યો
સ્ટેશન પર મુસાફરોની અવર-જવરને કારણે ગિરદી હતી
આ ભીડને વીંધીને પગથિયાં ઉતરી હું ચાલવા માંડ્યો
મારા પગે દિશા પકડી પંડ્યા હોટેલની
આજુબાજુ રોડ પર ચહલ-પહલ હતી
પણ આ બધામાં મને કોઈ રસ નહોતો પડતો
ધૂળેટીનો દિવસ પૂરો થયો
આ મારી ધૂળેટી નહોતી
શરીર વડોદરામાં હતું
પણ...
મન તો પેલી સિધ્ધપુરની હોળી-ધૂળેટી માણવા પહોંચી ગયું હતું.
ખેર…
કંઈક પામવું હોય તો કંઈક ગુમાવું પડે
શું પામવાનો છું એ તો ભગવાન જાણે
પણ જે ખોયું હતું તેની પીડાનો અનુભવ એ રાત્રે સ્ટેશનેથી પંડ્યા હોટેલ થઈને મારા હોસ્ટેલનાં પગથિયાં ચડ્યો ત્યાં સુધીમાં મને થઈ ગયો હતો.
મને આજે કોણ જાણે કેમ સિધ્ધપુર, ઘર અને મિત્રો
ખૂબ યાદ આવતાં હતાં
શું એ બધા પણ મને આટલો જ યાદ કરતા હશે?


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles