હજુ આજે પણ મને એ દિવસ એવો ને એવો યાદ છે. સવારે દિલ્હી એક્સપ્રેસમાં વડોદરા ભણવા જવા માટે પ્રસ્થાન કરવાનું નક્કી થયું હતું. અત્યાર સુધી ઘર હતું, ઉપર મા-બાપની સીધી દેખરેખ હતી, પ્રસ્થાપિત છબી હતી. ભૌતિક અભાવ હશે, પણ આ સિવાયનું જીવન કોઈ પણ પ્રકારની ચિંતા વગર ખળખળ કરતા એક નાનાશા ઝરણાની માફક વહી રહ્યું હતું. થાળીમાં જે પીરસાય તે જમી લેવું પડે એ કાયદો હજુ અમલમાં આવ્યો નહોતો. જે ખાવાની ઈચ્છા થાય તેનો હુકમ છોડવાની અને એનો અમલ કરાવવાની દાદાગીરી મા પાસે બેરોકટોક ચાલતી હતી. વેકેશન હોય ત્યારે શાસ્ત્રીજીના બંગલે અમારી ટૂકડી ભેગી થઈને બે-ચાર દહાડે એક વખત સ્વયંપાકી પાર્ટી કરતી હતી. બટાકાવડા, કટલેસ, રગડાંપેટીસ, મેથીના ગોટા, ભજીયા આવું કાંઈ ને કાંઈ અમે બધા ભેગા થઈ રાત્રે શાસ્ત્રીજીના બંગલાના ચોકમાં તૈયાર કરવામાં લાગી જઈએ. લગભગ 12 – 12.30 વાગે આ વાનગી તૈયાર થાય, ખાઈ-પીને નવરા પડીએ ત્યારે રાતનો દોઢ વાગ્યો હોય. એ વખતે તળેલું ખાવાથી નુક્સાન થાય, બટાકા ખાવાથી ગેસ થાય, તળેલી અને તીખી વસ્તુ ખાવાથી એસિડિટી થાય, આંબલીની ચટણી ખાવાથી સાંધા ઝલાઈ જાય અથવા થોથર આવે આમાંનો એક પણ શબ્દ અમારી જાણમાં નહોતો. કાચા પથરા ખાઈ જઈએ તો પણ પચી જાય એવો ધૂ ધૂ કરીને ભભકતો જઠરાગ્નિ બધું પચાવી દેતો. સળી નાંખી હોય તો ઊભી રહે એવા ભેંસના ચોખ્ખા દૂધમાંથી અમે કોઠી ભરીને સંચાનો આઈસ્ક્રીમ બનાવતા, નાની-નાની ડબલીઓમાં માટલા કૂલ્ફી પણ બનાવતા. બસ મજા જ મજા હતી. ચિંતા કે જવાબદારી શેને કહેવાય એનું કોઈ ભાન ન હતું. આકાશમાં મુક્ત વિહાર કરતા પંખી જેવી જિંદગી હતી.
મારે કોઈ ભાઈ કે બહેન નહોતાં. ઘરમાં કોઈ નાનું બાળક હતું જ નહીં. બાળકો મને બહુ ગમતાં. લગભગ સાઈઠના દાયકાની શરૂઆતમાં મારા જીવનમાં જે પહેલા બાળકે પ્રવેશ કર્યો તે યતીશ. શાસ્ત્રીજીનાં મોટાં દીકરી મીનાબહેન અને બાબુલાલ પંડ્યાનું પહેલું અને એકમાત્ર સંતાન. દુશ્મનને પણ વ્હાલો લાગે એવો નટખટ કનૈયા જેવો આ છોકરો મારો દોસ્ત બની ગયો. હું એને રમાડવામાં અને એની સાથે એની કાલીઘેલી મરાઠી, અંગ્રેજી અથવા તૂટીફૂટી ગુજરાતીમાં વાત કરવામાં સમય વીતાવવા લાગ્યો. એને ખભે બેસાડી મારા ઘરે લઈ જાઉં. નવડાવી-ધોવડાવી મારી માએ રાધ્યું હોય તે દાળ-ભાત જેવું કાંઈક ખવડાવી બપોરે ત્રણ-ચાર વાગ્યા સુધી મારે ત્યાં જ રાખું. મારી મા સાથે પણ એને ખૂબ લગાવ. સહસ્ત્રકળા અથવા ક્યાંક બીજે જઈએ તો પણ ઘણો સમય એનો હવાલો મારી પાસે જ હોય. થોડા સમયબાદ આમાં આશુભાઈ અને વીણાબહેનની મોટી દીકરી શેફાલી ઉમેરાઈ. ત્રણ-ચાર વરસમાં આ બાલવૃંદ વધુ વિકસ્યું. એમાં ઉમેરાયાં રોમશા, ઉપવર્ષ અને યતીશનો એક જીગરી દોસ્ત દુંદાળા દેવ પ્રેમચંદ. આ બાળમંડળી સાથે ગપશપ કરવામાં સમય ક્યાં જતો રહેતો તે ખબર નહોતી પડતી. બાળકો સાથે બાળક બનીને રહેવાની મારી ઈચ્છા છેવટે ભગવાને જાણે કે હૉલસેલના ભાવે પૂરી કરી દીધી.
મારી મા રસોઈ ખૂબ સારી બનાવતી, પણ મારાં નખરાં ઓછાં નહોતાં. અમુક શાક જ ભાવે, અમુક દાળ જ ભાવે, રોટલી ગરમાગરમ હોય તો જ ભાવે. આ કડાકૂટ ચાલ્યા જ કરતી. વચ્ચે તો થોડો સમય એવો આવ્યો કે, નિશાળેથી છૂટીને આવું ત્યારે બાફેલા બટેટા તૈયાર રાખવાના. કુંવર એમાં મરચું-મીઠું અને ખાંડ નાખી લીંબુ નીચોવી માવો બનાવે અને પછી એને શાક તરીકે ખાય !
આ બધી રાજાશાહી, ઘરમાં પાણીનો પ્યાલો પણ હાથે નહીં લેવાનો, ફિકરની તો ફાકી કરીને ખાઈ જવાની, જે ટેવો પડી હતી તે બધી આજે મારા સામાનના ભાગરૂપે વગર ટિકિટે મારી સાથે મુસાફરી કરવાની હતી. મારી માએ વડોદરા જવા માટેનો દિવસ ખાસ મુહૂર્ત જોવડાવીને નક્કી કર્યો હતો. એકનો એક છોકરો. હથેળીનો છાંયડો કરીને ઉછેર્યો હતો અને હવે લાંબા સમય માટે એ ઘરેથી દૂર રહેવાનો હતો. ઘરમાં એકમાત્ર પતરાની ટ્રંક હતી. મોટાભાગે એમાં મારી માનાં બે-ચાર સારાં કપડાં પડ્યાં રહેતાં. ક્યારેક અમારા પાડોશી ઠાકોરભાઈઓમાં કોઈનું લગન હોય ત્યારે આ અમારી ઘરેણાં જેવી ટ્રંક લઈ જતા અને પાછી આવે ત્યારે અંદર દસ-બાર સૂકાં શિંગોડાં અને પાશેર ગોળનું ઢેફું મૂકી આપી જતાં. આમ, અમારી આ ટ્રંક ક્યારેક આવા મંગળ પ્રસંગે પણ કામ લાગતી. અત્યાર સુધી એ મારા ઘરની – મારી માની સુવાંગ મિલકત હતી. આજે મને મારા મા-બાપ તરફથી પહેલો વારસો મળી રહ્યો હતો એ વારસો હતો સરસ મજાના મજબૂત પતરાની આ ટ્રંકનો...!!
બધી તૈયારીઓ થઈ ગઈ. સવારે 8.30 વાગે દિલ્હી એક્સપ્રેસ સિદ્ધપુરથી અમદાવાદ રવાના થતો. મારા બાપા મને વડોદરા હૉસ્ટેલમાં મૂકવા આવવાના હતા. મારો બાળપણનો દોસ્ત અને પાડોશી સોમાજી ઠાકોર આ ટ્રંક ઊંચકીને મને સ્ટેશને મૂકવા આવવાનો હતો. નીકળવાનો સમય થયો. દેવઘર પાસે ભગવાનની સમીપે મારી માએ દીવો પ્રગટાવ્યો. મેં ભગવાનનાં દર્શન કરી માના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા. એક નાની ગોળની કાંકરી એણે મારા હાથમાં મૂકી. માથે હાથ ફેરવ્યો, એક શબ્દ પણ બોલ્યા વગર માત્ર સ્પર્શના માધ્યમથી એણે મને આશીર્વાદમાં બધું જ કહી દીધું !
મારી મા સ્વભાવે વાચાળ હતી. એ જ્યાં હોય ત્યાં ડાયરો ગાજતો હતો. એ દિવસે એ એક શબ્દ ન બોલી. જાડા કાચનાં એનાં ચશ્માંની આરપાર મેં નજર કરી હોત તો મારાથી વિખૂટા પડવાની વેદનાનાં આંસુ એની આંખ ભીંજવી રહ્યા છે તે જોઈ શક્યો હોત, પણ એ નજર કરવાની મારી હિંમત ન હોતી.
ગોળની કાંકરી મ્હોંમાં મૂકી માએ કપાળમાં કરેલ કૂમકૂમ તિલકના આશીર્વાદ સાથે હું મારા બાપા અને સોમાજી મારા ઘરના ચોકનાં પગથિયાં ઉતરી ગયા.
જીવનનાં લગભગ પંદર વરસ જે ઘરમાં વીતાવ્યાં, જે માટીમાં રમીને હું મોટો થયો, જે આંબા અને લીમડાનાં ઝાડ ઉપર ચઢીને વગડાના વનેચરની માફક મેં બિન્ધાસ્ત જિંદગી વીતાવી, મારા ઘરનાં પગથિયાં ઠેકીને જે રસ્તે દોડતો હું શાસ્ત્રીજીની પાઠશાળામાં અને બંગલે પહોંચી જતો, તે પાઠશાળા, મૃત્યુંજય મહાદેવ બધું જ ધીમી પણ મક્કમ ગતિએ પાછળ છૂટી રહ્યું હતું. અમારા ખેતરનો ઝાંપો ખોલી બહાર નીકળ્યા સામે જ આવેલી અંબાજી માતાની દેરી, જ્યાં મારી મા રોજ સાંજે દીવો કરાવતી. એ દેરીની બરાબર સામેની કૂઈ, જેમાંથી પાણી ખેંચીને અમે પાણી પીતા. ત્યારબાદ નેળીયું, એ વાડા, ગંગા તળાવડી, રાજપૂરની મારી પ્રાથમિક શાળા, સૈફી જ્યુબિલિ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ બધું પાછળ છૂટી ગયું હતું. પોલીસ લાઈનનો ઢાળ વળોટી અમે આગળ વધતાં શંકરલાલ દરજીની દુકાન પાસે પહોંચ્યા. અહીં ઘણીબધી મેચની કૉમેન્ટ્રી સાંભળી હતી. શંકરલાલની દુકાન વટાવી સુરતી ફરસાણ માર્ટ, ભાડભૂંજાનો ભઠ્ઠો, મહંમદઅલી ટાવર, નગરપાલિકાનું મકાન, રામુભાઈની હૉટલ આ બધું વટાવી અમે સિધ્ધપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચ્યા. થોડા વહેલા હતા. મારા બાપા સ્ટેશન માસ્તર પાસે જઈને બેઠા. હું અને સોમાજી પ્લેટફોર્મ પર ઊભા હતા. વાતનો કોઈ વિષય સૂઝતો નહોતો. બંનેનાં મ્હોંઢાં જાણે કે સિવાઈ ગયાં હતાં. સમય કેમેય કર્યો પસાર નહોતો થતો. એકાએક દૂરથી આવતી ટ્રેનનું એન્જિન દેખાયું. મારા બાપા પણ આવી ગયા. ટ્રેન આવીને ઊભી રહી એટલે સેકન્ડ ક્લાસના એક ડબ્બામાં માંડ માંડ ઘૂસ મારી બારણાના પેસેજ પાસે જ બેગ ગોઠવી હું બેસી ગયો. થોડીવારમાં જ ટ્રેન ઊપડી. સોમાજી મને આવજો કહી વિદાય થયો. ગાડી ઉપડી... સરસ્વતીના પૂલ પરથી પસાર થઈ એણે ગતિ પકડી ત્યારે મારા મગજમાં અનેક વિચારો ઘોળાઈ રહ્યા હતા. સિધ્ધપુર મારી દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થયું ત્યાં સુધી મેં બારીમાંથી બહાર જોયા કર્યું. અમારી ટ્રેન કામળી સ્ટેશનને સડસડાટ વટાવી વણથોભે ઊંઝા તરફ આગળ વધી રહી હતી.
સોમાજી ગયો. મારી માએ પણ મને કશું જ બોલ્યા વગર આશીર્વાદ આપીને વિદાય આપી હતી. મને થોડોક સમય પછી વેકેશનમાં જ્યારે સિધ્ધપુર આવ્યો ત્યારે જાણવા મળ્યું કે સોમાજી ઘરે પહોંચ્યો અને ટ્રેનમાં અમને બરાબર જગા મળી ગઈ છે એ સમાચાર મારી માને આપતાં આપતાં ધધડાવીને રડી પડ્યો. અત્યાર સુધી સંયમ જાળવી ચૂપ રહેલ મારી મા પણ એની સાથે જ ધોધમાર આંસુડે રડી પડી. આજે બંનેના જીવનમાં એક ખાલીપો ઊભો થયો હતો. એ ખાલીપો હતો મારી ગેરહાજરીનો.
આટલા લાંબા સમય સુધી હું ક્યારેય માથી દૂર નહોતો રહ્યો.
આટલા લાંબા સમય સુધી હું ક્યારેય સોમાજી અને મિત્રોથી દૂર નહોતો રહ્યો.
આટલા લાંબા સમય સુધી હું ક્યારેય શાસ્ત્રીજીના બંગલે મારી હાજરી પુરાવવા જવાનું નહોતો ચૂક્યો.
આટલા લાંબા સમય સુધી હું ક્યારેય સિધ્ધપુરની ધૂળથી અળગો નહોતો રહ્યો.
એ સમય આખરે આવી ગયો.
કહે છે –
જિંદગીમાં માણસે કાંઈક મેળવવું હોય તો...
એણે કાંઈક ગુમાવવું પડે છે.
કાંઈક મેળવવા માટે આજે...
હું જે કાંઈક ગુમાવી રહ્યો હતો એ કેટલું કિંમતી હતું તેની મને જ ખબર હતી.
સામે પક્ષે શું મળવાનું હતું એ તો રામ જાણે !!