એન્ટ્રન્સ ટેસ્ટ નજીકને નજીક આવી રહ્યો હતો. બને એટલી ગંભીરતાથી હું એ માટેની તૈયારીમાં લાગ્યો હતો, મારૂ આખું ભવિષ્ય, મારી કારકિર્દી અને એથીય વિશેષ તો મારા મા-બાપે જે આશાના મિનારાઓ ચણ્યા હતા તે બધુ જ દાવ પર હતું.
મારી વ્યક્તિગત પ્રતિષ્ઠા દાવ પર હતી
આ કારણથી આવખતના એન્ટ્રન્સ ટેસ્ટમાં મારે અચૂક પાસ થવું પડે તે સ્થિતિ હતી.
જીવનમાં એવી પરિસ્થિતી આવે કે જ્યારે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ના હોય, એક પરીક્ષા પાસ થાઓ તો કારકિર્દીની નૈયા કિનારે જઈને લાંઘરે
અને....જો નાપાસ થાઓ તો અથવા વળી પાછા ઓછા માર્કસ આવે તો અધવચ્ચે ભંવરમાં જ નૌકા જળ સમાધિ લઈ લે!!
ખરેખર મોત કરતાં મોતનો ભય વધારે ભયંકર હોય છે
પરીક્ષામાં નાપાસ થવા કરતાં નાપાસ થવાનો ભય ખતરનાક હોય છે!!
તમને એ હતાશાની એવી ખીણમાં ધકેલી દે છે જ્યાં ભરબપોરે પણ આશાનું એક નાનું કિરણ ના પહોંચી શકતું હોય
હું એવી માનસિક પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યો હતો જે ભલભલાનાં મનોબળ ડગાવી નાખે અને શ્રદ્ધાને હલાવી દે તેવી હતી.
ક્યારેક ક્યારેક વાંચતાં વાંચતાં તો, ક્યારેક પથારીમાં પડ્યાં પડ્યાં અને ક્યારેક અરધી-પરધી ઊંઘમાં આ વિચાર મારો કબજો લઈ લે ત્યારે શરીરે પરસેવો છૂટી જાય, ત્યાં સુધીની પ્રબળ નિરાશાનું સર્જન થતું હતું.
આમ પરીક્ષાની તૈયારી આ વખતે આશા અને નિરાશાના શિખર અને ખીણ વચ્ચે ફંગોળાતી ચાલી રહી હતી
કહેવાય છે દુખનું ઓસડ દહાડા
આ કહેવત પ્રમાણે દિવસો પસાર થતા જતા હતા અને એની સાથોસાથ પેલી પરીક્ષાનો કાલ્પનિક ભય અને ગઈ વખતની નિષ્ફળતાની બીહામણી યાદ મારો કબજો લઈ લેતી હતી.
ખેર! છેવટે એ દિવસ પણ આવી પહોંચ્યો
એન્ટ્રન્સ ટેસ્ટમાં આવખતે બેસનારા કોઈ મારા પરિચિત નહોતા
મારાથી એક વર્ષ પાછળની બેચ સાથે હું પરીક્ષા આપી રહ્યો હતો. આને કારણે પેલા પરિચિત વિધાર્થીઓ હોય ત્યારે એક પ્રકારની હળવાશ અને આત્મવિશ્વાસ વધે તેને બદલે આ વખતે હું સાવે એકલો અટુલો હતો. પરિક્ષાર્થીઓમાંથી કોઈને ઓળખતો નહોતો
બીજી બાજુ મનમાં એવો પણ વિચાર ઝબકી જતો કે કોઈ સાથે ઓળખાણ કાઢવાથી આપણે બીજી વખત પરીક્ષા આપીએ છીએ એટલે કે રિપીટર છીએ એ વાત જાહેર થશે અને એને પરિણામે પરિચિત થનારના મનમાં પણ એક ઉલટી છાપ ઊભી થશે
ક્યારેક પ્રતિષ્ઠાના ખોટા ખ્યાલોમાં ગૂંચવાઈને આપણે પોતાના ઉપર કામ વગરનાં કેવાં નિયંત્રણો મૂકી દઈએ છીએ અને એને કારણે સત્ય છુપાવવા માંગીએ છીએ એનું આ ઉદાહરણ હતું.
પરીક્ષાનાં પેપરો મારા મત મુજબ સારાં લખાયાં હતાં.
FYBScનો અભ્યાસ કરતાં ગણિત, ફિઝીક્સ અને કેમેસ્ટ્રી જેવા વિષયોમાં ઠીક ઠીક પકડ આવી હતી.
એનો સીધો ફાયદો મને દેખાઈ રહ્યો હતો.
પરીક્ષા આપ્યા પછી મારો આત્મવિશ્વાસ વધ્યો હતો અને મનમાં ઊંડે ઊંડે આ વખતે કલાભવનનો દરવાજો વટાવીને દાખલ થઈ શકીશું એવી આશા બંધાઈ હતી.
ટેસ્ટ પતી ગયો.
પરિણામ આવવાને હજુ વાર હતી.
હવે વડોદરામાં પડ્યા રહેવાનો કોઈ અર્થ નહોતો.
એટલે...
મેં સિદ્ધપુરની વાટ પકડી.
અલબત્ત મનમાં એક છુપો ભય અવશ્ય હતો.
FYBScનું GUનું પરિણામ જૂનના ત્રીજા અઠવાડીયામાં જાહેર થવાનું હતું.
બરાબર તે સમયની આજુબાજુ એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મારા નસીબ આડેથી પડદો ઉંચકાવાનો હતો.
પરિસ્થિતી એવી હતી કે મિત્રોમાંથી પણ કોઈ રખેને પરિણામ વિષે પૂછે એ બીકે એમની સાથે પણ અદ્ધર જીવે વાત કરતો.
અત્યાર સુધી બધુ જ દાબડ-દુબડ ચાલ્યું હતું.
કહેવાય છે બાંધી મૂઠી સવા લાખની
મારી બાંધી મૂઠી ખુલે ત્યાં સુધી તો ચોક્કસ સવા લાખની હતી.
પણ એ ખુલશે ત્યારે શું થશે ? એનો અજ્ઞાત ભય પણ મનમાં હમેશા રહ્યા કરતો હતો.
પહેલા FYBScનું પરિણામ આવ્યું.
આખું વર્ષ ક્રિકેટ રમી ખાધું હોય, સિદ્ધપુર અને વિસનગર વચ્ચે આંટાફેરા માર્યા હોય તે જોતાં ૫૬ ટકા જેવા માતબર માર્કસથી હું પાસ થયો તે મારા માટે પણ આશ્ચર્ય હતું.
જો કે આ ટકાવારીએ ગુજરાતમાં એન્જિનિયરીંગમાં એડમિશન મળે એવી કોઈ શક્યતા નહોતી. છેવટે એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર થવાનું હતું તે દિવસ પણ હાથવેંતમાં આવી ગયો.
એના બે દિવસ પહેલા મેં ફરી એક વાર વડોદરાની વાટ પકડી.
રાત્રે ગુજરાત ક્વીનમાં વડોદરા પહોંચી હોસ્ટેલમાં પાછા ડૉ. રમેશ શુક્લનો મહેમાન બન્યા. હવે આડો હતો માત્ર એક દિવસ અને બે રાત.
થાક્યા પાક્યા ઊંઘ તો આવી ગઈ.
બીજો દિવસ થોડો અજંપામાં આને રાત ચિંતા અને વિશેષ અજંપામાં વીતી.
ત્રીજો દિવસ ઊગ્યો.
આજે બપોરે મારા ભવિષ્યનો ફેસલો થવાનો હતો.
છેવટે એ ઘડી પણ આવી પહોંચી.
રીઝલ્ટ બોર્ડ પર મુકાયું.
હ્રદયના ધબકારા વધી રહ્યા હતા. આશા અને નિરાશાના પ્રબળ આવેગ વચ્ચે મેં રિઝલ્ટ પર નજર નાખી.
હું શું જોઈ રહ્યો છું તે સમજતાં મને થોડો સમય લાગ્યો.
આઘાતને પચાવવો અઘરો છે. કારણકે કળ વળતાં ખાસી વાર લાગે છે
બરાબર તેજ રીતે આનંદને પચાવવો પણ અઘરો છે
મેં એક વાર રિઝલ્ટ પર નજર નાંખી
એક ચોક્કસ નંબર અને નામ પર નજર સ્થીર થઈ
બીજી વાર નજર નાંખી
મારી સાનભાન ઠેકાણે તો છેને તે જોવા...
ત્રીજી વાર નજર નાખી
દૂધનો દાઝ્યો છાસ ફૂંકીને પીવે
એક વખત પછડાટ ખાધેલ માણસ બીજી વખત વિશ્વાસ કરતાં પહેલા...
સો ગળણે ગળીને પાણી પીવે બરાબર એમજ
પણ...
ના, હવે બધુ સ્પષ્ટ હતું.
કોઈ જ ગરબડ નહોતી
નંબર અને નામ દીવા જેવાં સ્પષ્ટ દેખાતાં હતાં
ખુશીની એ પળનું વર્ણન શબ્દોથી નથી કરી શકાતું
માત્ર કૂદકો મારવાનું જ બાકી રાખ્યું
હું સફળ થયો હતો.
મને મારા સપનાની એંજીન્યરિંગ કૉલેજ કલાભવનમા સિવિલ એંજીન્યરિંગમાં એડમિશન મળી ગયું હતું.
બાપાએ ક્યારેક શીખવેલી નીચેની પંક્તિઓ માનસપટલ પર ઉપસી આવી
“હાઉ કેન યુ ગેટ અપ બોય
ઇફ યુ નેવર ટ્રાય
ટ્રાય એન્ડ ટ્રાય અગેન
યુ વીલ સકસીડ એટ લાસ્ટ”
એટ લાસ્ટ... છેવટે...
હું મારા ધ્યેય સુધી પહોંચવામાં સફળ થયો હતો.
આ યશ મારી મેહનત અને ખંતનો હતો, મારી પ્રતિબદ્ધતા અને પ્રયત્નનો હતો તેમ કદાચ કહી શકાયું હોત.
પણ... મને ખબર હતી એ અર્ધ સત્ય હતું.
આ યશના સૌથી વધારે હકદાર મારાં મા-બાપ હતા.
મે પહેલા વર્ષમાં ઉકાળ્યું હતું.એટલે બીજું વર્ષ વિસનગર ભણવું પડ્યું.પણ મારાં મા બાપે ક્યારેય એક અપવાદ ખાતર પણ મને કદી ટોક્યો નહોતો
ક્યારેય એમના મોઢા પર કોઈ કડવાશનો ભાવ અથવા મારા માટે ઠપકાનો એક શબ્દ નહોતો આવ્યો
એમણે માત્ર ને માત્ર મને હુંફ અને પ્રોત્સાહન આપવાનું જ કામ કર્યું
મારા વિશ્વાસને વધાર્યો હતો.
કદાચ બીજાં કોઈ માબાપ હોત તો મને ટપાર્યો હોત...
પણ
મારાં માબાપે મને હમેશાં એવો અહેસાસ કરાવ્યો હતો કે તેમને મારામાં પૂરો વિશ્વાસ છે.
એક નિષ્ફળતાને કારણે મારા માબાપે ક્યારેય મારામાંની એમની શ્રદ્ધા ડગવા દીધી નહોતી.
આજે હું જે પરિણામ જોઈ રહ્યો હતો
એમાં મારી મહેનત તો એક નિમિત્ત હતી.
એના પાછળનું સાચું બળ અને કારણ મારા માબાપની તપશ્ચર્યા હતી.
એમના આશીર્વાદ હતા.
અને એટલે જ પરિણામ જોયા પછી મેં દોટ મૂકી રાવપુરા પોસ્ટઓફિસ તરફ.
ત્યાંથી સીધો એક અરજન્ટ ટેલિગ્રામ ઘરે મોકલી દીધો.
શબ્દો હતા... “સિવિલ એન્જિનિયરીંગ એડમિશન સિક્યોર્ડ”
આ પરિણામ સૌથી પહેલાં જાણવાના જે હકદાર હતા એમને તો હજી બાર કલાક પછી એ જાણવા મળવાનું હતું.
તાર મોકલ્યા પછી ફરી એકવાર કલાભવન ગયો.
કોઈ વિજયી યોદ્ધો નગરમાં પ્રવેશ કરતો હોય તેમ તેના દરવાજામાં દાખલ થયો ત્યારે પેલા ગયા વર્ષના 'નો એડમિશન' શબ્દો બદલાઈને 'એડમિશન ગ્રાન્ટેડ' બની ચૂક્યા હતા.
કલાભવનની એ ભવ્ય ઇમારત એ દિવસની ઢળતી સાંજે બરાબર સામે ઊભા રહીને મેં મન ભરીને જોઈ.
જોતો જ રહ્યો બસ જોતો જ રહ્યો…
એ સાંજ મારા શમણાં સાચા પાડવાની સાંજ હતી.
કલાભવનમાં દાખલ થવા માટેની મંજૂરીની જાહેરાતની એ સાંજ હતી.
મારો ઉમંગ અને ઉત્સાહ આકાશે આંબતો હોય એવી એ સાંજ હતી.
જીવનમાં આટલો આનંદ અત્યાર સુધી મેં ક્યારેય નહોતો અનુભવ્યો.
એકાએક મારી ઊંચાઈ જાણે કે છ ઇંચ વધી ગઈ હતી.
કારણકે...
આઈ હેવ સકસીડેડ એટલાસ્ટ!
અંતે હું સફળ થયો હતો!!