રીજીયોનલ સાયન્સ કોંગ્રેસના સેશનના ઉદઘાટનનો પ્રસંગ હતો. સમય અને સ્થળ બરાબર યાદ છે 15 સપ્ટેમ્બર 2012 અને સ્થળ હતું યુનિવર્સીટી ઓડિટોરીયમ. આમ તો આ ઓડિટોરીયમ જનરલ નોલેજ સંકુલનો એક ભાગ છે. સ્ટેજ ઉપર યુનિવર્સીટીના ચાન્સેલર, વાઈસ ચાન્સેલરથી માંડી ગણમાન્ય વૈજ્ઞાનિકો બેઠા હતા. સામે ઓડિયન્સ પણ ખચોખચ આવા જ ઉંચા ગજાના વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓથી ઉભરાતુ હતું. આરોગ્ય મંત્રી આ પ્રસંગનું ઉદઘાટન કરવાના હતા. પ્રાસંગિક પ્રવચનો બાદ ઉદઘાટકશ્રીનો પરિચય અપાઈ રહ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ ઉદઘાટન પ્રવચન કરવાનું હતું. પરિચય આપનાર કંઈક ભાવુક્તાથી પરિચયની શરુઆત કરી રહ્યા હતા. ભાવુક્તા એટલા માટે કે મંત્રીશ્રી આ જ યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ એન્જિનિયર હતા, આઈઆઈટીમાંથી અનુસ્નાતકની પદવી લીધા બાદ અહીંયા જ ફેકલ્ટી મેમ્બર તરીકે કારકીર્દીની શરુઆત કરી હતી. એમ.એસ. યુનિવર્સીટીમાંથી જ પોસ્ટ ગ્રેજ્યુએટ માર્કેટીંગ મેનેજમેન્ટ ત્યારબાદ વળી મેનેજમેન્ટમાં પીએચ.ડી. અને કાયદા શાખાની સ્નાતકની ડીગ્રી. આ યુનિવર્સીટીનો જ એક વિદ્યાર્થી આટલું ભણ્યો અને એમાંય પાછો આજે રાજ્યનો આરોગ્ય મંત્રી હતો એટલે મોસાળમાં જમણ હોય અને મા પીરસવાવાળી હોય એમ પરિચય આપનાર મહાનુભાવ કંઈક વધારે પડતી ઉદારતા અને લાગણીથી પરિચય કરાવી રહ્યા હતા. આ બાબત આટલી લંબાણથી લખવાનો હેતુ કોઈ આત્મશ્લાઘાનો નહીં પણ આ પરિચય દરમ્યાન પેલા આરોગ્ય મંત્રીના મનમાં જે વિચારો ચાલી રહ્યા હતા એ સમજવા આ પાર્શ્વભૂમિકા જરુરી છે.
આરોગ્ય મંત્રીના મનમાં એક આખુંય ચિત્ર ફ્લેશબેકની માફક પસાર થઈ રહ્યું હતું. 1961ના જૂનની ધગધગતી ગરમીમાં પ્રેપરેટરી સાયન્સના એડમીશન માટેની લાઈનમાં એક કૃષકાય છોકરો ઉભો હતો. માંડ અડતાલીસ કિલો વજન. સિધ્ધપુર જેવા એક નાના ગામમાંથી વડોદરાના આ વાતાવરણમાં એને અડવું અડવું લાગતુ હોય એવું સ્પષ્ટ એના ચહેરા પરથી દેખાતું હતું. ડીસ્ટીક્શન સાથે એસએસસી પાસ થયેલ આ વિદ્યાર્થીને એડમીશન મળ્યું. એણે એક મોટો હાશકારો અનુભવ્યો. કોલેજ શરુ થવાને હજુ થોડા દિવસો બાકી હતા. જેવી ફી રસીદ હાથમાં આવી ત્યાંથી એ રીતસર ભાગી છુટ્યો. સિધ્ધપુરની હવા વગર જાણે કે એનો શ્વાસ રુંધાતો હતો.
પછી તો ક્લાસ શરુ થયા, દરેક પરિક્ષામાં અવ્વલ નંબરે આવનાર આ વિદ્યાર્થી સંપૂર્ણ અંગ્રેજી માધ્યમની આ કૉલેજમાં ગૂંગળાતો જતો હતો. સાઈનથીટા, કોસથીટા અને ટેનથીટા જેવા ટ્રીગનોમેટ્રીના શબ્દો એને કોઈ વિદેશીઓના નામ જેવા લાગતા હતા. ફાઈલમ મોલ્યુસ્કા અને રાનાટાઈગ્રીના કે ટેડપોલ એને નોર્થ અને સાઉથ પોલ જેવાં લાગતાં હતાં. અંગ્રેજી માધ્યમમાં સડસડાટ ભણાવતા પ્રોફેસરોનાં ઉચ્ચારણોને આ રોલ નંબર પાંચસો પંચોત્તેર માંડ સમજી શકતો હતો. સવાર પડે યંત્રવત કોલેજ જવાનું, સાંજ પડે જેમ કોઈ પરાસ્ત સૈનિક એની છાવણીમાં પાછો ફરે એમ હોસ્ટેલ ભેગા.
હોસ્ટેલમાં પણ એની તકલીફો ઓછી નહોતી. અડધા કરતાં વધારે વિદ્યાર્થીઓ ઓવરસીઝ અને બાકીના ઘણા બધા દેશના જુદા જુદા ભાગોમાંથી આવતા. એમ.એસ. યુનિવર્સીટી એ વખતે ઓલ ઈન્ડિયાના ધોરણે એડમીશન આપતી. હોસ્ટેલમાં પણ બધું કોસ્મોપોલીટન વાતાવરણ. આ બોઘાને ક્રીમ અને બીલક્રીમ વચ્ચેનો તફાવત માંડ માંડ સમજાવા માંડ્યો હતો. શેમ્યુ એને માટે બીજા કોઈ ગ્રહની વસ્તુ હતી. હવાઈ ચપ્પલ પહેરીને ક્લાસમાં ન જવાય એ ખ્યાલ ધીરે ધીરે આવતો જતો હતો. સ્વાભાવિક રીતે જ અડતાલીસ કિલોનું આ રમકડું હોસ્ટેલમાં પણ જાણે કે ભૂલથી આવી ગયું હોય એવી પરિસ્થિતિ હતી. હોસ્ટેલના રસોડે સાંજે પીરસાતી ભાખરી અને થાળીમાં તુવેરની દાળ ખખડે એવી ખીચડી એને આ ભાવે અને આ ન એવાં ઘરે વરસો સુધી માની પાસે કરેલાં નખરાંની યાદ અપાવતી હતી. ટૂંકમાં હોલ અને ગ્રીફીકની કાતિલ બોલીંગ સામે માંડ બેટ પકડીને ઉભા રહેલ કોઈ પૂંછડીયા ખેલાડી જેવી એની સ્થિતિ હતી.
દરમિયાનમાં પ્રથમ ત્રિમાસિક કસોટી આવી. પેપરો કેવાં ગયાં ? સવાલ જ નથી બોસ. કશું મગજમાં ગયું હોય તો કલમ થકી ઉતરે ને ? પરિણામ આવ્યું. લગભગ બધા વિષયોમાં સમભાવ. પચાસમાંથી વધારેમાં વધારે ત્રણ અને ઓછામાં ઓછા શૂન્ય. શૂન્યથી નીચે આપી શકવાનો રિવાજ નહોતો એટલે બચી ગયા ! પરિણામ દુઃખદ જરુર હતું પણ આશ્ચર્યજનક જરાય નહીં. યુનિવર્સીટી લાઈબ્રેરી અને પ્રેપરેટરી સાયન્સ બિલ્ડીંગ વચ્ચે એક નાળું વહે છે. એના ઉપર પૂલ બાંધ્યો છે. કેટલાક એને લો બ્રીજ કહે છે. ઘણા બધા એને લવ બ્રીજ કહે છે. લો બ્રીજ પસાર કરતાં આ વિદ્યાર્થી કદાચ વિચારતો હશે કે અગિયારમા સુધી અવ્વલ નંબરે પાસ થનાર હોંશિયાર વિદ્યાર્થીની અભ્યાસ કારકીર્દીમાં એકાએક લો બ્રીજ આવી ગયો હતો. સરેરાશ જમીન તળથી ખાસ્સો નીચે !
થોડાક દિવસ વીત્યા હશે. કેમેસ્ટ્રીના પ્રોફેસર જે. એસ. દવે સાહેબનું એને તેડુ આવ્યું. કેમેસ્ટ્રીમાં જેમને પચાસમાંથી શૂન્ય માર્ક હતો એવા મેધાવી વિદ્યાર્થીઓને દવે સાહેબે મળવા બોલાવ્યા હતા. પોતાના વિદ્યાર્થી માટે ચિંતા કરતા અને એને માર્ગદર્શન આપી કારકીર્દી ઘડવા મથતા શિક્ષકોનો યુગ હજુ પુરો નહોતો થયો. ગુરુ શિષ્ય વચ્ચેના એ બંધનમાં હજુ કેટલાક તાંતણા ટકી રહ્યા હતા. દવે સાહેબની કેબિનમાં દાખલ થઈ આ વિદ્યાર્થી નતમસ્તકે ઉભો રહ્યો. ઠપકો મળશે એ સાંભળવાની તૈયારી સાથે એ આવ્યો હતો. દવે સાહેબ કંઈક વાંચતા હતા એમાંથી માથું ઉંચુ કરી એમણે પેલા વિદ્યાર્થી સામે જોયું. એ વેધક નજરમાં ઠપકો અને ગ્લાનિ બન્ને હતાં. એમણે સીધો જ પ્રશ્ન કર્યો. સંવાદ કંઈક આ મુજબ હતો.
કેટલા માર્કસ છે ?
સાહેબ ઝીરો.
કેમ ?
સાહેબ કશું જ સમજ નથી પડતી. અંગ્રેજીનું અહીંનું સ્તર ઘણું ઊંચું છે.
ક્યાંથી આવો છો ?
સિધ્ધપુરથી.
બાપા શું કરે છે ?
સાહેબ રેલવેમાં હતા. સ્ટેશન માસ્તર તરીકે નિવૃત્ત થયા છે.
આવું ભણશો તે ભીખ માંગવી છે ?
પેલા વિદ્યાર્થીની આંખોમાં અત્યાર સુધી મહાપરાણે રોકી રાખેલ આંસુ ધસી આવ્યા. એક ડૂસકું આવી ગયું.
દવે સાહેબે એમના ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ધર્યો. સ્વસ્થ થવા કહ્યું. અત્યાર સુધી સામે ઉભેલ વિદ્યાર્થીને એમણે બેસવા કહ્યું. અત્યંત માયાળુ રીતે આગળની વાત ચાલી. દરમ્યાનમાં દવે સાહેબના મોટા ભાઈ પેલા વિદ્યાર્થીના પિતાશ્રી સાથે રેલવેમાં હતા તેનો સંદર્ભ મળ્યો. દવે સાહેબ ધાંગધ્રાના, પેલા વિદ્યાર્થીનું મોસાળ વિરમગામ અને એની માનું મોસાળ લખતર વિગેરે વાત પણ નીકળી. આ બધાના અંતે સાહેબે પોતાનો નિર્ણય જણાવ્યો.
“કાલથી અઠવાડીયામાં ત્રણ દિવસ મારે ત્યાં આવતો જા. ફીઝીક્સ અને કેમેસ્ટ્રી હું શીખવાડીશ.”
ત્યારબાદ એમણે ટેબલ પર પડેલ ફોનનું ચક્કરડું ઘુમાવ્યું. સામે છેડે વિદ્યાર્થીઓમાં અત્યંત પ્રિય એવા ગણિત શીખવતા પ્રોફેસર પંડ્યા સાહેબ હતા. દવે સાહેબે પંડ્યા સાહેબને પણ અઠવાડીયામાં ત્રણ દિવસ ગણિત શીખવાડવા માટે કહી દીધું.
આ બાજુ પેલા વિદ્યાર્થીનું મગજ કામ નહોતું કરતું. સાહેબ બધું નક્કી કરી રહ્યા હતા પણ એને ખબર હતી કે એક ટર્મની એક વિષયની ટ્યુશન ફી એ સમયે પાંચસો રુપિયા હતી. એનું આખા વરસનું બજેટ પાંચસો રુપિયા હતું. ક્યાં મેળ બેસે ?
પેલા વિદ્યાર્થીએ અચકાતા અચકાતા કહ્યું પણ... સર... મારી પાસે.... ટ્યુશનની જોગવાઈ નથી.
સાહેબે કહ્યું તારી પાસે પૈસા માંગ્યા કોઈએ ?
અને આમ આ વિદ્યાર્થી સાથેનો સંવાદ પૂરો થયો. દવે સાહેબની કેબિનમાંથી એ બહાર નીકળ્યો. એના જીવનની દિશા અને દશા બદલાઈ ચૂકી હતી. પછી તો એની ગાડી ચાલી. ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ બધી પરિક્ષાઓ ડિસ્ટીંક્શન સાથે અથવા અવ્વલ નંબરે પાસ કરી. ક્યારેય પાછું વળીને જોયું નહીં.
આજે એ વિદ્યાર્થી એ જ યુનિવર્સીટીના ચાન્સેલર અને વાઈસ ચાન્સેલર સાથે મુખ્ય મહેમાન તરીકે બેઠો હતો. પેલા ઉદઘોષકે એને ઉદઘાટન ભાષણ આપવા વિનંતી કરી અને માઈક્રોફોન એના સામે ગોઠવાયું ત્યારે એની તંદ્રા તૂટી.