જીવનની આ ક્ષણો ન કદી પછી આવશે

માણી લો જેટલું છે જીવન યાદ રાખજો

કે માણવાનો આવો વિષય ના ફરી મળે

કોલેજકાળ જેવો સમય ના ફરી મળે

 

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો એ જમાનો હતો. આ યુનિવર્સિટીમાં માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ પણ પ્રવેશ કરી શકતા. વૈશ્વિક કક્ષાની યુનિવર્સિટીઓમાં એની ગણના થતી. એના પ્રધ્યાપકો માત્ર દેશમાં જ નહીં પણ વિદેશમાંય પોતાની વિદ્વતાનો પરચમ લહેરાવતા. અરવિંદ ઘોષ, ચં.ચી. મહેતા, શંખો ચૌધરી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડાયરેક્ટર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રહી ચૂકેલા અર્થશાસ્ત્ર વિભાગના પ્રથમ વડા પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. આઇ.જી.પટેલ, આચાર્ય વિનોબા ભાવે, શ્રી કે.એમ.મુનશી, કાકાસાહેબ કાલેલકર, ડૉ. સુરેશ જોશી, અવ્વલ દરજ્જાના સગીત નિષ્ણાતોમાં જેમની ગણના થાય તેવા ઉસ્તાદ તસાદૂક હુસૈન ખાન, ઉસ્તાદ ફૈયાઝ હુસૈન ખાન ‘રંગીલે’, ઉસ્તાદ અતા હુસૈન ‘રતનપિયા’ અને જેમણે આ સમગ્ર પ્રવૃત્તિને વ્યવસ્થિત ગોઠવી આપી તે પં. વી. એન. ભાતખંડે, પુરાતત્વ વિભાગના પ્રો. મલિક, કે.ટી.એમ. હેગડે, એ. ગુડી અને મારી હોસ્ટેલના વોર્ડન મધ્યયુગીન પુરાતત્વ વિષયના નિષ્ણાત ડૉ. આર.એન.મહેતા જેવાં ઘણાં બધાં નામોથી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નભોમંડળ ઝળહળતું હતું.    

યુનિવર્સિટી આ કારણથી દેશ-વિદેશમાં જાણીતી હતી અને એના વિદ્યાર્થીઓનો વટ પડતો. એ જમાનામાં વડોદરાની ઇજનેરી કોલેજ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ પણ પ્રો. માદન, પ્રો. જુન્નારકર, પ્રો. ઓ.એચ.પટેલ, પ્રો. આર.સી.પટેલ, ડૉ. એસ.એમ.સેન, પ્રો. જે.એમ.શાહ, ડૉ. પિયુષ પરીખ, ડૉ. દિપક કાંટાવાલા, પ્રો. આર.એમ.દવે જેવા અનેક વિષય નિષ્ણાત પ્રોફેસરો જ્યાં ભણાવતા તેવી દેશની એક સર્વોત્તમ ઇજનેરી કોલેજોમાંની એક હતી. આખા ભારતમાંથી આવતા વિદ્યાર્થીઓ એન્ટ્રન્સ ટેસ્ટ થકી આ કોલેજમાં ભરતી થતા અને એમાંના મોટાભાગના ભણી રહે એટલે વિદેશની વાટ પકડતા. આવી આ ઈજનેરી કોલેજના ૧૯૬૯ના ગ્રેજ્યુએટ થયેલા આર્કિટેક્ટ, કેમિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલના પૂર્વ સ્નાતકો ડિસેમ્બરની ૧૪-૧૫-૧૬ તારીખે વડોદરામાં પોતે સ્નાતક થયા તેની ગોલ્ડન જ્યુબિલી એટલે કે ૫૦ વર્ષ ઊજવવા ભેગા થવાના છે. છેલ્લાં બે વરસથી એની તૈયારી ચાલે છે. એક જમાનામાં દેવાનંદ કે રાજકપૂર અથવા દિલીપકુમાર કટ હેર સ્ટાઈલ, ક્યારેક લાંબા હિપ્પી કટ વાળ, ક્યારેક બેલબોટમ તો ક્યારેક નેરો અને ચપોચપ પેન્ટ પહેરતા, સાયકલ પર વર્કશોપનાં કાળાં કે બ્લ્યુ કપડાં પહેરી અથવા ડ્રોઈંગ માટેનાં ઇન્સ્ટ્રુમેન્ટ ભરાવી કે પછી ખભે સ્લાઇડરૂલ લટકાવી વડોદરાની સડકો પર સડસડાટ સાયકલ ભગાવતા આ બધા એ જમાનામાં કાંઈક બનવાના આંખમાં સપનાં આંજીને ભણવા આવ્યા હતા અને ગ્રેજ્યુએટ થયા પછી સપનાંની પાંખે સવાર થઈને માત્ર દેશમાં જ નહીં પણ દેશ-વિદેશમાં પોતાનું તકદીર અજમાવવા નીકળી પડ્યા હતા. છૂટા પડ્યા ત્યારે તો ચુસ્ત-દુરસ્ત હતા, મોટાભાગના તો હજુ વિવાહ સંબંધોથી પણ નહોતા બંધાયા એવા ધાણીફૂટ અંગ્રેજી બોલતા આ જુવાનિયાઓ ૧૯૬૯માં કલાભવનને રામરામ કરીને, વડોદરાને અલવિદા કરીને પોતાનું તકદીર અજમાવવા નીકળી પડ્યા. કોઈ આગળ ભણવા માટે અમેરિકા ગયા તો કોઈ દેશમાં જ આગળ ભણવા માટે આઇઆઇએમ કે આઇઆઇટી જેવી સંસ્થા સાથે જોડાયા, તો ઘણાં બધાં સરકારી કે ખાનગી નોકરીમાં લાગી ગયા. પથ્થરમાં પાટુ મારીને પાણી કાઢવાની ખુમારી લઈને નીકળેલા આ જુવાનિયાઓમાંથી કેટલાક તો આજે હયાત પણ નથી. મારી જ વાત કરું તો હરીશ ઉપાધ્યાય, અબુલી સિયામવાલા, માધુભાઈ આર. પટેલ, જયંત ફીટર, મનુ પઢિયાર, આજે હયાત નથી. થોડા સમય પહેલાં અભય જાંબેકર પણ એકાએક મોટા ગામતરે ઉપડી ગયો. આ બધાંનાં નામ લખતા પણ કંઠ રુંધાય છે. મારો રૂમ પાર્ટનર મુકુન્દ સિધ્ધપુરીયા અને લોબી પાર્ટનર જશુ ભગત પણ આજે હયાત નથી. એક જમાનામાં કેવા મજાના ફૂટડા અને જીવનથી ધબકતા આ બધા યુવાનો હતા!

ખેર !  કાળ કોઈની રાહ જોતો નથી, એનું કામ કર્યા જ કરે છે અને એટલે પચાસ વરસ પછી થનારા આ પુનર્મિલનનું બહુ મોટું મહત્વ છે. મળશે ત્યારે કેટલાકને તો કદાચ જોયે પણ નહીં ઓળખી શકાય તો પણ તૈયારીઓ કરતાં કરતાં છેલ્લા બે વરસમાં ઘણા બધા સંપર્કો સ્થાપિત થયા છે. એક અંદાજ મુજબ લગભગ ૨૦૦ કરતાં વધારે ૧૯૬૯ની બેચના ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના પૂર્વ સ્નાતકો સપત્નીક ભેગા થવાના છે. અમારાથી સિનિયર ૧૯૬૬ની બેચના પ્રો. પ્રકાશ વ્યાસ અને પ્રો. પ્રકાશ દરજી પણ અમારા માર્ગદર્શક તરીકે સાથે હશે જ. રાજુ માહુલકર વિદ્યાર્થી હતો ત્યારે જેવો અળવીતરો અને કૂદાકૂદ કરનારો જીવ હતો તે જ પ્રકૃતિ તેણે હજુ સુધી જાળવી રાખી છે. પણ પૂનામાં બેઠેબેઠે મહેસાણામાં હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કરનાર આ મરાઠી માણૂસે ખૂબ મહેનત કરીને આખું જૂથ સંકલિત કર્યું છે. વડોદરા યુનિવર્સિટીના આદરણીય ચાન્સેલર મેડમ, વાઇસ ચાન્સેલર અને ઓફિસ ઓફ એલ્યુમ્ની અફેર્સ વિભાગના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંસ્કૃતિ મજુમદાર પણ ખૂબ રસ લઈને અમારા આયોજનમાં મદદરૂપ બની રહ્યાં છે. પૂર્વ પ્રો વાઇસ ચાન્સેલર પ્રો. જોશી તો અમારા જ સાથી છે. ડિસેમ્બર ૨૦૧૯, ૧૪-૧૫-૧૬ તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ એક પ્રકારનો રોમાંચ અમને જકડતો જાય છે. રોમાંચ એ ચહેરાઓને મળવાનો છે જે છૂટા પડ્યા ત્યારે તાજા ગુલાબના ગલગોટા જેવા હતા. રોમાંચ એ ચહેરાઓને મળવાનો જેમણે જીવનના વિવિધ ક્ષેત્રે ખૂબ મોટી પ્રગતિ કરી છે. ૧૯૬૬ની બેચની ગોલ્ડન જયુબિલી ઉજવણી માટે મળી ત્યારે એમના પ્રોફેસરોમાંથી પ્રો. એસ.કે.દામલે અને પ્રો. તલાટીસાહેબ હાજર હતા. અમારા પ્રોફેસરોમાંથી તો પ્રો. દામલેસાહેબ ઉપરાંત પ્રો. ભાવનાની, પ્રો. ડૉ. શ્રોફ, પ્રો. દેસાઈ, પ્રો. એ.કે.શાહ જેવા ઘણા બધા વડોદરામાં જ છે. એક જમાનામાં એમના નામથી થરથરતાં, આજે વૃદ્ધાવસ્થાને ઉંબરે આવેલા એ બધા અમારા ગુરુવર્યોને ખૂબ અદબ અને માનથી મળીશું. હવે બીકનું સ્થાન આદર અને સ્નેહે લઈ લીધું છે. આવા આ ગોલ્ડન જ્યુબિલી રિયુનિયનની તૈયારી માટેના અમારા ગ્રુપમાં બે દિવસ પહેલાં જ મારા જ ક્લાસમેટ સિવિલ એન્જિનિયર ભાઈ પ્રવિણ પટેલે ફિરદૌસ દેખૈયાની એક નઝમ તારીખ ૮મી જૂને ચેક અમેરિકાથી મોકલાવી છે જે ખૂબ સુંદર રીતે અમારા મનમાં ઉઠી રહેલા ભાવનાના તરંગો વ્યક્ત કરે છે એટલે આ નઝમ વાચીને આટલું બધું લખાઈ ગયું. આભાર પ્રવીણ!! નઝમના શબ્દો છે –

સૌ યાર જિંદગીની મઝધારમાં મળ્યા

સાયકલ ઉપર જતા હતા એ કારમાં મળ્યા

એ બાળપણની મસ્તી ફરી જીવતી થઈ

કોમ્પ્લાન જે પીતા એ બધા બારમાં મળ્યા

 

પાછા મળ્યા તો એવા મળ્યા, રણઝણી ઉઠયા

જૂના બધા તરાના ફરી ગણગણી ઉઠ્યા

જૂના સંબંધ મૂક્યા’તા ત્યાંથી શરૂ થયા

મનમાં દટાયેલા ઉમંગો ધણધણી ઉઠ્યા

 

આશા ય ન્હોતી એ બધા સેટલ થઈ ગયા

જે પોચકા હતા હવે મેટલ થઈ ગયા

વર્ષોથી દબાવ્યું બધું ઉભરાઇ પણ ગયું

પહેલાંની જેવા વાણીના બેટલ થઈ ગયા

 

ભીના ગળેથી આજ શરૂ થઈ બધી કથા

વિકસેલ પેટ, ને ખરેલ વાળની કથા

કળીઓ નહીં પમાયાનો અફસોસ થયો વ્યસ્ત

ભમરાઓના એ જૂના ઇન્તજારની કથા

 

જીવનનો એ સુવર્ણકાળ કોણ ભૂલશે?

બોલાવતા દઈને ગાળ કોણ ભૂલશે?

એ માસ્તરોનો માર હજી ચમચમી ઊઠે,

સ્પર્શેલા એ કોઈના વાળ કોણ ભૂલશે?

 

તો દોસ્તો, આ મારું કથન યાદ રાખજો

એમ જ કહું છું વાત ગહન યાદ રાખજો

જીવનની આ ક્ષણો ન કદી પછી આવશે

માણી લો જેટલું છે જીવન યાદ રાખજો

 

કે માણવાનો આવો વિષય ના ફરી મળે

કોલેજકાળ જેવો સમય ના ફરી મળે   

હા, રિયુનિયનનો સમય નજીક આવી રહ્યો છે.

મળીશું માત્ર બે-ત્રણ દિવસ માટે,

વળી પાછા સૌ સૌનો મારગ પકડીશું.

પચાસ વરસે આ બધા મળ્યા એ ઇશ્વરની મોટી કૃપા અને આશીર્વાદ.

અને...

છૂટા પડીશું ત્યારબાદ ફરી પાછા ક્યાં, ક્યારે અને કોને મળાશે?

રામ જાણે!

એક વાત તો નક્કી છે, આટલી મોટી સંખ્યામાં એક જ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા, લગભગ જીવનના અંતિમ તબક્કા તરફ ગતિ કરી રહેલા, આ બધા મુસાફરો એક સાથે આટલી મોટી સંખ્યામાં ફરી ક્યારેય નહીં મળે.

અને એટલે જ

આનંદ તો ભરપૂર છે

પણ સાથોસાથ...

મનમાં એક ગ્લાનિનો ભાવ પણ છે

ગ્લાનિ એ બાબતને લઈને કે આ રિયુનિયન ખરેખર બે કારણથી અજોડ છે,

પહેલું, પચાસ વરસે બધા ભેગા થઈ રહ્યા છે

અને બીજું

હવે છૂટા પડ્યા છે પડ્યા...

પછી તો પડતા જ જવાનું છે

કાળની ગર્તામાં વિલીન થવાનું

પણ એ સંતોષ સાથે કે એકવાર તો બધાને મળી લીધું

છેલ્લે છેલ્લે


jaynarayan vyas

Written by, Dr. Jaynarayan Vyas,

JAY NARAYAN VYAS a Post Graduate Civil Engineer from IIT Mumbai, Doctorate in Management and Law Graduate is an acclaimed Economist, Thinker and Motivational Speaker – Video Blogger

જય નારાયણ વ્યાસ, આઈ. આઈ. ટી. મુંબઈમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ સિવિલ એંજીનિયર, મેનેજમેંટ વિષયમાં ડૉક્ટરેટ (Ph.D) અને કાયદાના સ્નાતક- અર્થશાસ્ત્રી, ચિંતક તેમજ મોટીવેશનલ સ્પીકર – વિડીયો બ્લોગર


Share it




   Editors Pics Articles